દોસ્તાર - સુખનું સરનામું

દોસ્તાર - સુખનું સરનામું

લેખક: જય વશી 

પુસ્તક પરિચય - પ્રતિભાવ અને વિવેચન (ડૉ. ભરત દેસાઈ)


પુસ્તક પરિચય (Book Review) લખતી વખતે લખનારે પોતાનો પરિચય કે પરાકમોની વાત નથી કરવાની. ઉપરાંત લેખકના પુસ્તક દ્વારા જે વિચારો પોતે માણ્યા છે તેની વાત જ ટૂંકમાં કહેવાની હોય છે. પુસ્તક વાંચ્યું હોવું ફરજિયાત છે!? પુસ્તક વાંચવાની આતુરતા-ઉત્કઠા જાગે ત્યાર પછી થોડી વાતો વાચકને પુસ્તકમાંથી જ મળે તે માટે બાકી પણ રાખવાની હોય છે... મેં બાંઘેલી આ મર્યાદામાં રહીને પ્રતિભાવ રજૂ કરીશ.



બીલીમોરામાં અગાઉ થયેલા પુસ્તક વિમોચનની સરખામણીમાં આ પ્રસંગ કઈ રીતે જુદો હતો? એક શિક્ષક કે જે ઉત્તમ વકતા (Orator) છે તે જાણતા લોકો પ્રથમ પુસ્તકના વિમોચનમાં ૯૦૦-૧૦૦૦ ની સંખ્યામાં ઉમટે એ લેખકની ક્ષમતાની ખાત્રી દર્શાવે છે. દક્ષિણ ગુજરાતના અનાવિલો (સંપૂર્ણ ગણદેવી તાલુકા સાથે) આટલી મોટી સંખ્યામાં ઉમટ્યા હોય એવું આજ પહેલાં બન્યું નથી. કદાચ અનાવિલ એકતાનો કહેવાતો શાપ અહીં ખોટો પડયો છે. સોમવારના રજા સિવાયના દિવસે બપોરે બેઠેલા લોકો લેખક માટે ખૂબ ગર્વાન્વિત થવાનો પ્રસંગ હતો. જ્ઞાતિવાદમાં ન માનતા મારા જેવા પણ અહી “આપણાંમાંનો  એક”,  મારો મિત્ર જય - બોલીને ખૂબ ઉત્સાહી અને શબ્દાતીત બની જાય છે.

“દોસ્તાર - સુખનું સરનામું” પુસ્તક ફકત સિત્તેર પાનાનું છે. તે પણ લગભગ ૩૫ ટૂંકા એક ફકરાના કે ચાર-પાંચ લીટીના પ્રયોગવાળું એક કલાકમાં ચોક્કસ વાંચી જવાય એવું છે. લેખકે સાહિત્યમાં તદ્દન અનોખો અને સાહસિક નવો પ્રયોગ કર્યો છે. તેમણે દરેક સાદા વિચારને ચિત્રાંક્રિત કરીને સચિત્ર-લેખન ધરાવતું પુસ્તક બનાવ્યું છે.

આ પુસ્તક ખરીદવાની અને વાંચવાની ભલામણ એટલા માટે છે કારણ કે કદાચ પહેલીવાર એવું બન્યું છે કે વાચક પોતે પોતાની જ વાત-અનુભવ વર્ણવતો હોય એવું લાગવા માંડે છે. પછી વાચક-લેખકની એકરૂપતા થવાથી પોતાના વતી લેખકે પોતાની વાત કહી હોય એવું લાગતાં લાગણીના ધોડાપૂર ઉમટે છે - જીવંતપણું  અનુભવાય છે.

વાચક પોતાને લેખક માનવા માંડે, પછી બીજું શું જોઈએ?

હમણાં થોડા વખત પહેલાં ગણદેવી રોટરી કલબે પ્રધાનવક્તા (Keynote Speaker) તરીકે પચાસ હજાર ખર્ચીને નાટ્યજીવ સૌમ્ય જોષી ને બોલાવ્યા હતા. તેઓ ચીલાચાલુ પ્રવચનને બદલે શ્રોતાઓની અપેક્ષા ન સંતોષાય એવી રીતે બોલ્યા હતા. આ વાત અહીં એટલા માટે કે જય વશી ચીલાચાલુ, વ્યવાહારિક કે પછી અપેક્ષિત લેખનથી તદ્દન જુદા-વિરૂદ્ધ રહ્યા હોવા છતાં પુસ્તકત્તે વાચ્ય, પ્રશંસનીય અને સાથે જ ઉપદેશાત્મક બનાવી શકયા છે.

ચાલો, પુસ્તકની થોડી વાતો નોંધીએ (પાના નંબર સાથે):

. મિત્ર, જેને નામથી બોલાવવાનો રિવાજ નથી
મિત્ર માટે સંબોધન મિત્રમંડળે નક્કી કરેલા ખાસ નામથી જ થાય

-એ અનુભવ સિદ્ધ સત્યથી આપે મિત્રતાનો પરિચય શરૂ કર્યો છે.

. સારા સાચા મિત્રોથી ઘેરાયેલો માણસ જેવો ધનવાન માણસ બીજો કોઈ જ નથી

૧૧. જેના મોઢેથી ગાળ સાંભળવાનું મન થાય તે મિત્ર

૧૬. મર્યાદાઓ સાથે મિત્રનો સ્વીકાર, અલબત્ત ખામી સ્પષ્ટપણે કહેવી તે મિત્રઘર્મ

ર૧. મિત્રોના વિરોઘાભાષી લક્ષણોનું વર્ણન

રર. દરેકની દોસ્તીની અનુભૂતિ તો સરખી જ હોય છે

૨૪. મિત્ર હંમેશાં “લંગોટિયો” જ રહે છે.

૨૫. દોસ્તનો “શરૂઆતનો” જૂનો ચહેરો જ યાદ રહે છે

૨૯. “એકવાર ફરી પેલી છોકરી
જેને જેને એકીટશે જોવામાં આખેઆખો દિવસ પસાર થઈ જતો હતો,
જેને ઘણું, બધું કહેવું હતું છતાં,
કંઈ કહી ના શકયો હતો,
તેની સાથે થોડી વાત કરી લઉં.

- જયભાઈ, આ વાત કદાચ ઘણા બધાં વાચકને પોતાના વતી તમે કહી હોય એમ લાગશે 
બધાનાં જીવનમાં આવું તો બને છે પણ શબ્દદેહ-વાચા-સ્વીકાર કેટલા કરતા હેશે?

૩૧. “અહમ્ શૂન્યતા” (Egolessness) દોસ્તીની પહેલી શરત છે

- કેટલી સહેજતાથી અને એટલી જ સરળતાથી એક ખૂબ મોટી સલાહ અને સાથે જ ઉપદેશ પણ આપી દીધો

“એટલે જ, રીસાયેલા મિત્રોને મનાવવામાં મોડું ન કરાય...”

૩૪. અંતિમ પત્ર
“જીવનમાં તારો વાલીપો નથી, એટલે જ
આટલો બધો ખાલીપો છે”

- ખૂબ લાગણીશીલ વાત. કદાચ મેં પોતે પણ તમે જે મિત્રની વાત કરી તે જગ્યાએ રહીને ઝઘડો કર્યો છે અને મિત્રને વિદાય આપી છે.

૩૫. દોસ્ત, ચાલને હવે થોડું જીવી લઈએ -

-અહમ્
વહેમ્ અને
પારકાંની પંચાત ને ખંખેરવાવી વાત કર્યાં પછી ખૂબ સરળતાથી ગહન વાત-મનોવૈજ્ઞાનિક મુદ્દો બતાવીને મિત્રતાનું સાચું અને અનિવાર્ય લક્ષણ આ રીતે બતાવ્યું 

“મારી મર્યાદા તું સ્વીકારે ને તારીને હું
બસ, આમ જ એકબીજાને સ્વીકારી લઈએ.”

ટૂંકમાં, આ પુસ્તક “ગીતા” જેવું કહી શકાય, જે રોજ વાંચી જવા જેવું છે. આ ભાર વગરની પણ હૃદયની ઉંડાણની અનુભવસિદ્વ વાતો (ચિત્રોની સમજૂતી સાથે) કહેતું પુસ્તક માટે, ખરેખર, પ્રશંસાના શબ્દો ઓછા પડે એવું છે.

જી, જય વશી, ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ.

ડૉ. ભરત દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા




દોસ્તાર - સુખનું સરનામું
  • પુસ્તકનું  નામ: દોસ્તાર - સુખનું સરનામું
  • લેખક: જય વશી 
  • પાનાં: ૭૦

Post a Comment

0 Comments