Skip to main content

પારસીઓ તથા પારસીઓનો ધર્મ ”જરથોસ્તી ધર્મ”

પારસીઓની વાતની શરૂઆત ૧૨૦૦ વર્ષ પહેલાંથી થાય છે, જ્યારે તેઓ ઈરાનથી આરબ મુસ્લિમોથી પોતાના ધર્મની રક્ષા કાજે (Fire) આગની જ્વાળા લઈને ભારતમાં ગુજરાતના સંજાણ બંદરે આવ્યા હતા.

પારસી સમુદાય ભારતનો ગૌરવશાળી, સમૃદ્ધ અને દેશભક્ત સમુદાય તરીકે પ્રસ્થાપિત છે - શાંતિપ્રિય સ્વભાવના અને દાનવીર પારસી સમુદાયે એક અનોખી પ્રભાવશાળી ઓળખ ઉભી કરી છે. તેઓએ ભારતમાં શરણ લઈ ભારતને માત્ર શરણભૂમિ ન રાખતા, પોતાની માતૃભૂમિ બનાવી છે જેની સગર્વ નોંધ લેવી જ રહી.

આ લોકોમાં મોડા લગ્ન અને ઓછા સંતાન હોવાથી તેમની વસ્તી એટલી હદે ઓછી થઈ રહી છે કે ટૂંકા ગાળામાં વિલુપ્ત થઈ ભૂતકાળની યાદમાં ન ધકેલાય તેવો ભય છે જ.

આવા પારસીઓ અને તેમના વિષે પ્રાથમિક માહિતી પહેલા રજુ કરું છું.

જરથોસ્તી ધર્મ (Zoroastrian Religion)

  • સ્થાપક: અશો જરથુષ્ટ્ર (ઈ.પૂ. ૧૦૦૦)
  • સ્થળ: ઈરાન
  • મુખ્ય ગ્રંથ: ઝેંદ અવસ્થા
  • મુખ્ય દેવ : અહુરમજદ
  • મુખ્ય પ્રાર્થના: અહૂનવર
  • ધર્મગુરુ: મોબેદ, દસ્તૂર
  • ધર્મસ્થાન: અગિયારી
    • પ્રથમ કક્ષા: આતશ બહેરામ
    • બીજી કક્ષા: અગીયારી / આતશ આદરાન
    • ત્રીજી કક્ષા: ઘરની પૂજાનું સ્થાન / આતશ દાદગાહ
  • ધર્મચિહ્ન: અગ્નિ, અગ્નિકુંડ
  • મુખ્ય પંથો: પારસી, અગ્રેમન્યુ તેનો વિરોધી છે.
  • મુખ્ય તીર્થ: ઉદવાડા (પવિત્ર સ્થાન)
  • મુખ્ય સિદ્ધાંતો:
    • ઈશ્વર એક છે.
    • અગ્રેમન્યુ તેનો વિરોધી છે.
    • જીવ કર્મવશ છે.
    • સ્વચ્છ મન, વચન અને કર્મથી જીવની સદ્‌ ગતિ થાય છે (p. 2).
  • પવિત્ર સ્તંભ: સંજાણ
  • પારસીઓની વિશ્વમાં કુલ વસ્તી ૬૦,૦૦૦ થી ઓછી (ભારતમાં સૌથી વધુ)

અગ્રણી પારસીઓ

ક્રમ                   નામ                                                                વિષય

.        ફરદુનજી મર્ઝબાન                   -           મુંબઈ સમાચાર સ્થાપ્યું (૧૮૨૨), પત્રકારત્વ

.        ફિલ્ડ માર્શલ માણેકશા              -           ભારતીય સેનાવડા, બાંગ્લાદેશ યુદ્ધ જીત્યા (૧૯૭૧)

.        કાર્લ ખંડાલાવાલા                    -           વિવેચક

.        ચાવડા (શાહબક્ષ ચાવડા)       -           ચિત્રકળા અને નૃત્ય

.        સિરીન વજીફદાર                     -           ચિત્રકળા અને નૃત્ય

.        બહેરામજી મલબારી                 -           ગુજરાતી સાહિત્યકાર

.        ખબરદાર                                 -           ગુજરાતી સાહિત્યકાર

.        અદી મર્જબાન                          -           ગુજરાતી સાહિત્યકાર

.        રાણીના                                    -           ગુજરાતી સાહિત્યકાર

૧૦.      ડો. હોમી ભાભા                        -           અણુવિજ્ઞાની

૧૧.      ડો. એચ. એન. સેઠના              -           અણુવિજ્ઞાની

૧૨.      લવજી વાડિયા                         -           જહાજ બનાવનાર

૧૩.      જમશેદજી જીજીભાઈ                -           વેપાર + ઉદ્યોગક્ષેત્ર

૧૪.      દસ્તુરજી મહેરજી રાણા             -           ધર્મગુરુ

૧૫.      દાદાભાઈ નવરોજી                   -           (આઝાદીની લડાઈ + રાજકારણ)

૧૬.      સર ફિરોઝશાહ મહેતા              -           (આઝાદીની લડાઈ + રાજકારણ)

૧૭.      પી. આર. નરીમાન                 

૧૮.      મીઠુબેન પીટીટ

૧૯.      પીલુ મોદી

૨૦.      મીનુ મસાણી

૨૧.      ફિરોઝ ગાંધી

૨૨.      ડો. દસ્તુર                                 -           મેડીકલ

૨૩.      ડો. ઉદવાડિયા                         -           મેડીકલ

૨૪.      માણેકશાહ સારાબશાહ             -           ઇતિહાસકાર

૨૫.      પ્રો. હોડીવાલા                          -           ઇતિહાસકાર

૨૬.      સોલી સોરાબજી                        -           વકીલ (ભારતના અટોર્ની જનરલ)

૨૭.      નાની પાલખીવાળા                  -           વકીલ અને બંધારણ નિષ્ણાત

૨૭.      નરી કોન્ટ્રાક્ટર                         -           ક્રિકેટર

૨૮.      ફારુખ એન્જીનીયર                   -           ક્રિકેટર

૨૯.      પોલી ઉમરીગર                       -           ક્રિકેટર

 

મારા બીલીમોરાના અને તે સિવાયના પારસી મિત્રો

  • બીલીમોરામાં ૧૯૭૮ માં આવતાં જ પહેલો મિત્ર બન્યો — સામ વાસણિયાતેમની સાથે સંયુક્ત રીતે બીલીમોરા ક્લીનીક ભાગીદારીમાં શરૂ કર્યું; તેમના પરિવારના વિલ્લુબેન, શેહનાઝ અને વિરાફ ઉપરાંત ભાઈઓ ફારુખ અને મર્ઝબાન મારા મિત્રો બન્યા.
  • મારા બાળકોની શિક્ષિકા બેપ્પીબેન ભગવાગર, તેમના પતિ હોસંગ અને દીકરીઓ નવાઝ અને ધનાઝ સાથે અત્યાર સુધી વરસોવરસ ધનિષ્ઠ સંબંધ બંધાયો અને જળવાયો. હોસંગભાઈ જેવા પ્રેમાળ, મદદગાર અને લાગણીશીલ મિત્ર ભૂલાતા નથી.
  • મેડીકલ લાઈનના પારસીઓમાં ડો. સોરાબજી અને તેમના પુત્ર ડો. હોમ્યાર બીલીમોરીયાતેમના ભાઈ ડો. કેરસી અને વિલ્લુબેન સાથે પણ આત્મીયતા બંધાઈ. વિલ્લુબેન સાથે આજે પણ સન્માનનીય સંબંધો છે જ.
  • મારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીએ. યઝદી પંથકી પરિવાર સાથે પણ સંબંધ બંધાયો.
  • વર્ષોથી ઓળખું, વૈશાલીની શિક્ષિકા તરીકે, પણ છેલ્લા દસ વરસથી એમના પતિ મારા અંગત ગાઢ મિત્ર થયા છે — પી. એ. પટેલના પત્ની ડોલીબેન પણ મિત્રવર્તુળનો ભાગ બન્યા.

કદાચ બીલીમોરાના સો પારસીઓમાંથી મોટાભાગનાને હું ઓળખું છું — એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. બીલીમોરા ખાતે પારસી ધર્મ ભાવના મુજબ સખાવત કરનારને લીધે — મેગુષી હોસ્પિટલ, ટાટા હાઈસ્કૂલ, પીટીટ લાયબ્રેરી અને કૉલેજ ઉભા છે.

  • કિલ્લા પારડીના મારા ૧૯૬૩-૭૦ ના રહેઠાણ દરમ્યાન ત્યાંના ખ્યાતનામ અગ્રણી અને દાનવીર પીરોજશાહ પારડીવાલાનો સંપર્ક થયો. છેલ્લે સુધી સેવાભાવનાને કારણે પારડી લાયન્સ ક્લબમાં અને તેથી મારી સાથે નેત્રયજ્ઞોમાં પણ સક્રિય રહ્યા. તેમણે દર વર્ષે મારા અભ્યાસ દરમ્યાન સ્કોલરશીપ પેટે રૂ. ૧૦૦ ની સ્કોલરશીપ એમના ટ્રસ્ટમાંથી આપી હતી.
  • મેડીકલ પ્રેક્ટીસ દરમ્યાન દર્દી તરીકે અને પછીથી મિત્ર ભાવે પારડીના નરીમાન વાઘછીપાવાળાનો સંપર્ક થયો. સવારે ચાર - છ ઈંડાની આમલેટ પાઉં સાથે ખાતા જોવું એક લહાવો હતો. રાત્રે ભોજન દરમ્યાન અમે ફ્રુટ સલાડ - બટાકાવડા પીરસ્યા, તો તેમણે "ઘાસપૂસ શું ખાવ છો ?" એમ કહી ચીકન-માછલી અને ધાનશાકની અનિવાર્યતા બતાવી હતી અને તે જ ખાધું હતું.
  • મેડીકલ કોલેજના અભ્યાસ દરમ્યાન વલસાડના હોસી ગોવેકર અમારી સાથે રહેતા હતા — નાહીધોઈને આખા શરીરે પાવડર લગાડતા તેમને જોવાનો એક લહાવો હતો.
  • અમદાવાદમાં બી. જે. મેડીકલ કૉલેજમાં આંખ વિભાગમાં નારગોલના હવેવાલા હતા — તેમના લગ્નમાં કાંકરિયા તળાવ નજીકની અગિયારીમાં હાજરી અને લગ્ન પ્રસંગ યાદ છે.

આમ, હસમુખા, આનંદી અને નિર્દોષ પારસીઓની મૈત્રી અને સહવાસ મારા જીવનનો એક અગત્યનો હિસ્સો છે. ખરેખર, પારસી સમુદાય ભારતનો ગૌરવશાળી, દેશભક્ત અને શાંતિપ્રિય સમુદાય છે.


ચાલો, હવે આપણે પારસીઓની ખાસિયતો, નવજોત, લગ્ન અને મરણોત્તર વિધિ વિષે વિગતે સમજીએ.


પારસી ધર્મમાં સરખાપણું (Equality)


પારસીઓ કોઈને પણ (મોટા-નાના, ગરીબ કે તવંગર અથવા સ્ત્રી-પુરૂષ) ભેદભાવની દ્રષ્ટિ રાખીને ઉંચા કે નીચા ગણતા નથી. તે સરખાપણું વિવિધ રીતે પ્રદર્શિત થાય છે:

  • પારસીઓ અગિયારીમાં સુખડ (ચંદન) નો ટુકડો ફરજ પરના ધર્મગુરૂને આપે છે — તેઓ પવિત્ર અગ્નિને અર્પણ કરે છે. બદલામાં અગ્નિની રાખ જેને ભસ્મ કહે છે તે એક પાત્રમાં ધરે છે — તેનું દરેકે ચપટીક લઈ કપાળે તિલક કરવાનું હોય છે. અહીં દરેક વ્યક્તિને સમાનતાનો સિદ્ધાંત લાગુ પડે છે.
  • આ જ વાત દરેકે ફરજિયાત પહેરવાના સદરા (સુદરેહ) અને કસ્તી બાબતે પણ છે. દરેકે સફેદ રંગનો એક જ જાતના સરખા સુતરાવ કાપડનો સદરો ધારણ કરવાનો હોય છે. સદરા ઉપર કમરમાં કસ્તી (કુસ્તી) પહેરવાની હોય છે. કસ્તી દરેકને માટે એકસરખી ઘેટાના ઊનની બનાવેલ ૭૨ તારની બનેલી હોય છે.
  • પારસીના અવસાન પછી તેની લાશને દોખ્મા (Tower of Silence) જેવી ઉપરથી ખુલ્લી જગ્યામાં રાખવામાં આવે છે. ત્યાં ગીધ પક્ષીઓ લાશનું ભક્ષણ કરે છે. અહીં પારસી શેઠ કે પારસી નોકર બંનેને સરખો ન્યાય મળે છે. વહેલા તે પહેલા ધોરણે લાશ મુકાય છે.
  • વરસમાં છ વખત જશન (યજ્ઞ) કર્યા પછી બધા પારસીઓ એક જગ્યાએ પંગતમાં બેસી રાંધેલો ખોરાક ખાય છે, તેને ગાહમ્બાર (Feast during seasonal change) કહે છે. એ માટે ગરીબ કે તવંગરના ભેદભાવ વગર ખોરાક રાંધવા માટે દરેકે તરકારી, અનાજ, મસાલા, ઘી-તેલ, લાકડા કે રોકડ પૈસા દાનમાં આપવાના હોય છે. આમ એકસરખાપણાનો સમાજવાદ અહીં અમલી બને છે. ગાહમ્બારમાં થતી સમૂહ પ્રાર્થનામાં ખુદા તરફના આભારદર્શન, ભોજન મળ્યું તે માટેની પ્રાર્થના-બંદગી બોલાયા પછી મૂંગે મોઢે દરેકે ભોજન કરવાનું હોય છે.
  • બધા પારસીઓ એકબીજાને સરખા ગણે છે. જ્ઞાતિમાં ઉચ્ચ-નીચના ભેદભાવ નથી. ઉપરાંત સ્ત્રી-પુરૂષ એકબીજાના સમોવડી છે, તેથી જ પારસીઓના લગ્ન કોઈપણ પારસી સાથે થઈ શકે છે.

નવજોત

  • નવજોત એટલે નવો જન્મ: બાળક અણસમજુ અવસ્થામાંથી સમજણ કેળવે અને પોતાના કાર્ય માટે પોતે જવાબદાર બનવાની વિધિ છે. હિન્દુઓમાં યજ્ઞોપવિત કે જનોઈ જેવી જ આ વિધિ પારસી છોકરો કે છોકરી બંનેને માટે કરાય છે.
  • બાળકને ૭, ૯ કે ૧૧ વરસની ઉંમરે કરાતી આ વિધિ પછી બીજો નવો જન્મ થયાનું ગણાય છે. નવજોત વિધિમાં સુદરેહ (સદરો) અને કસ્તી આપવામાં આવે છે — જે દરેકને માટે ફરજિયાત પહેરવું જરૂરી છે.
  • સુદરેહ (શુદ્ધ + રાહ = પવિત્રતાનો રાહ બતાવનાર વસ્ત્ર): સુદ એટલે નફો (Profit) — જે રસ્તે જવાથી માનવને ફાયદો-નફો થાય તે રસ્તો. સુદરેહને સદરો પણ કહે છે. તે સુતરાવ સફેદ કાપડનો બને છે. સદરામાં છાતી આગળ નાની કોથળી (ગિરબાન) હોય છે — તે પરમાત્મા સાથે એકરૂપતા સાધવામાં સહયોગી બને છે.
  • કસ્તી (કુસ્તી) = Coast = કિનારો: જેમ કિનારો જમીન અને પાણીને બે ભાગમાં વહેંચે છે, તેમ કસ્તી કમરથી શરીરને બે ભાગમાં વહેંચે છે. ઉપરનો ભાગ સદ્‌ ગુણોનું રહેઠાણ છે — જે દયા, માયા, પ્રેમ, મોહબ્બત, માન, આદરની લાગણી અને સખાવતની ભાવના શીખવે છે  નીચેનો ભાગ મળ-મૂત્ર જેવી ગંદી વસ્તુઓથી ભરેલ હોય છે — તેનું મર્યાદા રેખા દોરે છે. ઘેટાના ઊનની ૭૨ તારની બનેલી કસ્તી ખુદાના મહત્વના ૭૨ નામ અને મંત્રોનું પુસ્તક 'યસ્ને' (યજ્ઞ) ના ૭૨ પ્રકરણો સૂચવે છે.
  • નવજોત પછી દરેક બાળકે સવારે બિછાનામાંથી ઊઠતાં સાથે કસ્તી છોડીને અમુક મંત્ર બોલીને બાંધવાની હોય છે. કુદરતી હાજતે, સ્નાન સમયે, બંદગીની શરૂઆતમાં અને અગિયારીમાં દાખલ થતી વખતે મંત્રો ભણીને ધારણ કરવાની હોય છે. ચાર ભાઈઓના ઝઘડો થતા  પેગંબર જરથુષ્ટ્રે પોતાના આગ્રહથી પ્રતીકરૂપે કમરબંધ પસંદ કરેલો — તે આજની કસ્તી.

લગ્ન વિધિ

"દૂધમાં સાકરની જેમ ભળી જઈશું" વચન પ્રમાણે પારસીઓ ભારતીયો સાથે ભળી ગયા. તેઓની લગ્ન વિધિની રીતરસમોમાં ભારતીય સંસ્કૃતિની ઝલક સ્પષ્ટ દેખાય છે. જેમ કે — લગ્નની સગાઈ, માંડવસરોવર (મંડપ), ચોક (સાથિયા), પીઠી, સ્વાગતની રીતો વગેરે. વળી પાઘડી બાંધવી, કંકુની ટીલી (ચાંદલો), મુહૂર્ત, ચોખાનું મિશ્રણ, દીવો, સોપારી, ઘઉં, નારિયેળ, દૂધ, ગાંઠિયો (હળદર), સુતરનો દોરો, ફૂલો વગેરેનો ઉપયોગ ભારતીય સંસ્કૃતિ સાથેના તાણાવાણા બતાવે છે. વળી સોહાગણો (સૌભાગ્યવતી) દ્વારા જ પીઠીની વિધિ ત્રણ દિવસ સુધી કરાય છે.

ત્યાર પછી દસ્તૂરો અને વડીલો દુઆ ગુજારે: "આજે લગ્નના કામો (પ્રસંગ) શરૂ કીધો છે, તે પાક દાદાર અહુરમજદ તમો હસી-ખુશીથી પાર પાડજો." વળી ત્યાર પછીની રીતરસમો (વિધિઓ), મજાક-મસ્તી અને ગમ્મતને ખાતર ખાઈ-પીને આનંદમાં રહી, પૂરી કરવા દુઆ આપજો.

બીજો દિવસ: વરધવડા બનાવી, વરધની રીતે પાંચ (૫) સોહાગણો પાણી ભરેલા દોરીયા (લોટા), કંકુ, લોબાન, સુતરના સાત (૭) આંટા મારી, ચોખા, નારિયેળ, પાન, સોપારી, બદામ, ફૂલો વગેરે સાથે સજાવી આતશ પધરાવી પગે લાગી, કાચા ઈંડાની વિધિ પૂરી કરી પગે લાગી દુઆ ગુજારે અને રાત્રે પીઠીની વિધિ કરવી.

ત્રીજો દિવસ : આદરણીની વિધિ. દસ્તૂરો અને વડીલોને પૂછી, લોબાન અને સુખડ મૂકી આતશ પધરાવી, પગે લાગી, પરણતા જોડા સાથે બધાંએ ઘરે જઈ તમામ ચીજ-વસ્તુની આપ-લે કરવી. કવર આપવાની પ્રથા ચાલુ રાખવી. રાત્રે પીઠીની વિધિ કરવી. આ દિવસ આરામનો છે.

ચોથો દિવસ: શાદી મુબારકનો છે.

વડીલોએ પરણતા છોકરા-છોકરી સાથે જાનમાં સાક્ષીઓ સાથે સમયસર પહોંચી જવાનું છે. પહેલાં બંને દસ્તૂરો, છોકરી અને વડીલો સ્ટેજ પર આવે. બે વ્યક્તિઓ વચ્ચે પડદો પકડશે, પછી છોકરો અને વડીલો સ્ટેજ પર આવે. ત્યાર પછી લગ્નની પવિત્ર ક્રિયા ચાલુ થાય.

છોકરા-છોકરીના હાથમાં ચોખા આપી, હાથ મિલાવી સામે-સામે બેસાડે. દસ્તૂરજી બંનેની મંજુરી પૂછી, બંનેને એકબીજા પર ચોખા નાખવા કહે. ત્યાર પછી સાત (૭) વખત સુતરના આંટા મારી સાથે બેસાડે અને લગ્નની વીંટી એકબીજાને પહેરાવે, આશીર્વાદ આપે અને લગ્ન વિધિ પૂર્ણ થયા પછી બંનેએ દસ્તૂરજી અને વડીલોને પગે લાગી આશીર્વાદ લઈ આતશ બહેરામ / અગિયારી જવું.

લગ્ન રજીસ્ટ્રેશન માટે સહીઓ કરવી. ત્યાર પછી સ્ટેજ પર બેસવું જેથી બધા મળી શકે. ત્યાર પછી લગ્ન જમણવાર લેવા જવું.



મરણોત્તર વિધિ

મરણક્રિયાને પારસીઓ ખૂબ ધાર્મિક વિધિપૂર્વક મનાવે છે. પહેલાં મરનારની આંખો બંધ કરીને મરનારના સ્નેહીઓ પવિત્ર કલામ ભણે છે. થોડીવાર પછી પવિત્ર સ્નાન કરાવી તેને ધોયેલા સૂકા કપડાં વીંટાળી જમીન પર મૂકે છે અને તેની ફરતે અમુક કલામ ભણતાં ભણતાં પાંચ વર્તુળો દોરે છે. થોડે દૂર એક પાત્રમાં અગ્નિ રખાય છે.

સગદીદ (સગ = કૂતરો, દીદ = જોવું, બતાવવું): આ વિધિમાં એક કૂતરાને લાશ પર તેની નજર પડે એમ ઉભો રખાય છે. કોઈ બુરી શક્તિ દેખાતાં કૂતરો ભસે યા રડે છે.

લાશને દોખ્મામાં (Tower of Silence) મૂકવામાં આવે છે. દોખ્મા ગોળાકાર ચોતરો છે જે ઉપરથી ખુલ્લો હોય છે. ત્યાં ગીધ પક્ષીઓ લાશનું ભક્ષણ કરે છે. વધેલાં હાડકાં દોખ્માની અંદરના કૂવા જેવા સૂકા ખાડામાં નાખવામાં આવે છે. દેહને દરેક બાજુથી તડકો મળે તેમ ગોઠવાય છે.

પારસીઓ મૃતનો આત્મા ઘરમાં ત્રણ દિવસ અને ત્રણ રાત રહેતો હોવાનું માને છે, તેથી સગાઓ અગિયારીમાં જઈ ત્રણ દિવસ સતત સવાર-બપોર-સાંજ બંદગી કરે છે.

ચોથા દિવસે આત્મા નવી દુનિયામાં એક પુલ વાટે જાય છે. ત્યાં ત્રણ ફિરસ્તાઓ હોય છે:

  1. સરોષ યઝદ: માણસના સારા-ખરાબ કર્મોની નોંધ વાંચી સંભળાવે છે.
  2. રશ્નયઝદ: તે ત્રાજવાના બે પલ્લામાં સારા અને બૂરા કામ મૂકી જે પલ્લું નમે તે જુએ છે.
  3. મહેર દાવર (દાવર = ન્યાય): ન્યાયાધીશ ઈન્સાફ આપે છે. સારા કામો વધારે કરનાર બહેશ્ત (સ્વર્ગ) માં અને બૂરા કામો વધારે કરનાર દોજખ (નરક) માં જાય છે. સારા અને ખરાબ કામ એકસરખા કરનાર સ્વર્ગ અને નરકની વચ્ચેની જગ્યા 'હમેસ્તગાન' માં જાય છે.

ચોથા દિનની ક્રિયા પછી મરણ પછીના દસમા દિવસે, એક મહિને (માસિયો), છ મહિનાના દિને અને વરસ પૂરું થવાના દિને (વરસી) જેવી ખાસ ક્રિયા કરવામાં આવે છે. ગુજરી જવાના ચોક્કસ દિવસે, દર મહિને પણ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે.

 

 

 

જરથોસ્તી ધર્મના ઉપદેશો

"જેટલો સમય તું જીવતો રહે તેટલો સમય તું સંપૂર્ણ ખુશહાલ જીવન જીવજે."

બે રસ્તા છે : એક ભલાઈનો (સારો) અને બીજો બૂરાઈનો (ખરાબ). જેવો રસ્તો પસંદ કરશો તેવું ફળ મળશે — ભલાને ભલું ને બૂરાને બૂરું.

  • જરથુષ્ટ્રે પવિત્ર જશન (યજ્ઞ)ની ક્રિયા કરતાં મળેલી વસ્તુમાંથી પવિત્ર ફૂલ પાદશાહ ગુસ્તાસ્પના ભાઈ જામાસ્પને સુંઘાડ્યું, તેથી તેઓ ત્રિકાળજ્ઞાની બન્યા. તેમણે લખેલું ભવિષ્યવાણીની આગાહીનું પુસ્તક પોતાના નામ જામાસ્પ પરથી 'જામાસ્પી' કહેવાયું.
  • પહેલાં 'માઝદયસ્ની' તરીકે ઓળખાતો ધર્મ પાછળથી 'જરથોસ્તી' ધર્મ કહેવાયો. આ ધર્મનું મૂળ છે — એકેશ્વરવાદ. દરેક પારસી બાળક રોજિંદી પ્રાર્થનામાં ભણે છે: "હું સારા વિચાર, સારા વચન અને સારા કર્મોમાં આસ્થા રાખું છું." (હુમત, હુખ્ત, હુવરેશ્ત). આ જરથોસ્તી ધર્મનું એકરારનામું છે. તેમાં ચાર સિદ્ધાંતો છે: ૧. અહિંસા, ૨. ધર્મ અને દેશના રક્ષણ માટે ઝઝૂમવું, ૩. દાનવૃત્તિ અને ૪. પવિત્રતા.
  1. અહિંસા: સંપૂર્ણપણે અહિંસક પારસીઓ સહિષ્ણુતા અને પ્રેમલાશથી મૈત્રી જાળવે છે. જરથોસ્તી વટલાવીને કોઈને પોતાના ધર્મમાં લેતા નથી.
  2. ધર્મ કે દેશના રક્ષણાર્થે ઝઝૂમવું — મરી ફીટવું: આરબોએ મુસ્લિમ ધર્મની બળજબરી દ્વારા તેમને વટલાવવા માંડ્યા (કુરાન કે તલવાર), ત્યારે ઈરાનીઓ ઈરાન છોડીને ટોળી બનાવી જર્મની, ચીન અને ભારત આવ્યા. ભારતમાં પારસીઓ યાદવ રાણાની પરવાનગીથી સંજાણ બંદરે રહ્યા. સંજાણમાં આતશ બહેરામ (ધર્મનું મંદિર) બાંધ્યું. પવિત્ર અગ્નિની રક્ષા કાજે અગ્નિને બહરોટ પર્વતની ગુફામાં ૬૦-૭૦ વર્ષ રાખ્યો. પછી સુરત, નવસારી, વલસાડ લઈ છેવટે ઉદવાડામાં "ઈરાનશાહ" નામથી પવિત્ર અગ્નિ રાખ્યો.
  3. સખાવત - સ્વાર્થત્યાગ - દાનવૃત્તિ (Charity): "સુખ તેને કે જેનાથી સુખ બીજાને." સખાવત મનથી, શબ્દથી અને કર્મથી થઈ શકે છે.
  4. પવિત્રતા -  ચોખ્ખાઈ: પવિત્રતા બંને મનની અને તનની. મનમાં સારા વિચાર કે સર્વની ભલાઈની ઈચ્છા કરવી તે મનની પવિત્રતા, અને નાહીધોઈને શરીર સાફ રાખવું તે તનની પવિત્રતા.
  • સચ્ચાઈ: કોઈપણ સંજોગોમાં, કોઈપણ સ્થળે સાચું બોલવાનું ફરમાન છે.

અગિયારી — અગ્નિનું સ્થળ

અગ્નિ મારફતે ખુદાની પૂજા - અગ્નિ મારફતે તેને પેદા કરનાર ખુદાની પ્રાર્થના. આમ પારસીઓ અગ્નિપૂજક નથી, પણ અગ્નિ મારફતે ખુદાની બંદગી કરે છે. અગ્નિની જેમ પાણી, સૂર્ય, ચંદ્ર સમક્ષ ઉભા રહી ખુદાની બંદગી કરે છે. અગ્નિ પોતાની સ્તુતિ કરનારને સુખાકારી બક્ષવા ખુદાને અરજ કરે છે: "તારી આખી જીંદગી બધો સમય ખુશ રહેજે."

 

 

 

પેગંબર જરથુષ્ટ્રની ગાથા — ગાયનો-ગીતો:

વર્ષના ૩૬૦ દિવસ પૂરા થયા પછી ૩૬૧ થી ૩૬૫ દિવસો (ગાથાના દિવસો) માં દરરોજના પાંચ ઉપદેશો છે:

  • ૩૬૧) અહુનવઈતી: ઈશ્વરીય ઈચ્છા — પવિત્રતાનો રસ્તો, દાન અને ઉદ્યમનું મહત્ત્વ સમજાવતો ભક્તિભાવ.
  • ૩૬૨) ઉશ્તવઈતી: સુખદાયક — બીજાઓને સુખી કર્યા પછી જ સુખી થવાય છે.
  • ૩૬૩) સ્પેન્તા મઈન્યુ: ફાયદો કરનારી દૈવી શક્તિ — અદીઠ દૈવી શક્તિ માણસને સુખ, આબાદી, શાંતિ અને પૂર્ણતા આપે છે.
  • ૩૬૪) વોહુ ક્ષથ્ર: પવિત્ર ઈચ્છા શક્તિ (Divine Will Power) — ખુદાએ કરેલી મફત બક્ષિસો (હવા, પાણી, જમીન, અગ્નિ, વૃક્ષો, જાનવરો અને ધાતુઓ) માટે ખુદાની બંદગી-પ્રાર્થના કરી આભાર માનવો, ઋણ સ્વીકાર કરવો (Thanksgiving).
  • ૩૬૫) વહીશ્તોઈશ્તી: સંપૂર્ણ શુભેચ્છા — ઈશ્વરેચ્છા, સંપૂર્ણ પવિત્રતા અને પવિત્ર આત્માની યાદ.

પારસી મહિનાના દિવસો:

પૃથ્વીનું સંચાલન ખુદા અને તેના છ હિતિચ્છ ફિરસ્તાઓ દ્વારા થાય છે. (કુલ સાત)

  • દિવસ ૧) હોરમઝદ = ખુદા-ઈશ્વર. માનવીઓ ખુદાની હકૂમત દેખરેખ અને સંચાલન હેઠળ છે. ખુદા રક્ષક, પોષક અને સંહારક છે.
  • દિવસ ૨) બહેમન = માનવ સિવાયની દરેક જીવંત હસ્તીનો સર્વોપરી = ભલું મન, દયા, પ્રેમ, મિત્રાચારીની લાગણી.
  • દિવસ ૩) અર્દીબહેસ્ત = આતશ (અગ્નિ)ના ધર્મના મંદિરો, સૂર્ય, ચંદ્ર, તારા અને પ્રકાશનો સર્વોપરિ.
  • દિવસ ૪) શહેરેવર = દરેક જાતની ધાતુ-ખનિજો - વાસણોનો સર્વોપરિ.
  • દિવસ ૫) સ્પેન્દારમદ = નમ્રતા (Humility) - ગરીબને મદદ કરવી, સખાવત (દાન), દુઃખમાં સહભાગી થવું. જમીન પર સર્વોપરી ફિરસ્તો.
  • દિવસ ૬) ખોરદાદ = સંપૂર્ણતા - Perfection. દરેક જાતના પાણી-નદી, સરોવર-તળાવ, દરિયા, કૂવા-વાવ તથા ઝરા જેવા પાણીનો સર્વોપરી.
  • દિવસ ૭) અમરદાદ = અમરત્વ (Imortality) ઝાડપાન, શાકભાજી, ફળ, છોડ, ઝાડ, વેલા વિગેરે ઝાડપાનનો સર્વોપરી.

મને ખાત્રી છે કે આ માહિતી દ્વારા આપને પારસીઓ અને તેમના ધર્મની વિગતો સંપૂર્ણપણે મળી ગઈ હશે.

ડૉ. ભરતચંદ્ર દેસાઈ, બીલીમોરા


Popular this week

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....

વારસદાર (Legal Heir)

હિન્દુ વસિયતનામું લખ્યા/બનાવ્યા સિવાયના, હિન્દુ મૃતકના વારસદારો નીચે મુજબ ગણાશે. હિન્દુ પુરુષ મૃતક   CLASS-I LEGAL HEIRS:  પુત્ર / પુત્રી વિધવા / વિધુર મા મૃતકના પુત્રનો દીકરો / દીકરી મૃતકની પુત્રીનો દીકરો / દીકરી મૃતક પુત્રની વિધવા મૃતકના પુત્રના મૃતક પુત્રનો દીકરો (પૌત્ર) / દીકરી (પૌત્રી) મૃતક પુત્રના મૃતક પુત્રની વિધવા  CLASS-II LEGAL HEIRS (in absence of Class-I Legal Heirs):  પિતા  પુત્રની પુત્રીનો પુત્ર / પુત્રી, ભાઈ / બહેન, દીકરીના દીકરાનો પુત્ર / પુત્રી  ભાઈનો દીકરો / દીકરી, બહેનનો દીકરો / દીકરી દાદા (Father’s Father) દાદી (Father’s Mother)  પિતાની વિધવા પિતાની માતા, પિતાનો ભાઈ / બહેન  માતાના પિતા (આજા) / મા (આજી)  માતાનો ભાઈ / બહેન પ્રથમ પસંદગી વારસદાર Class-I માંથી થશે. એ પણ આપેલ ક્રમ પ્રમાણે જ રહેશે. Class-I માં કોઈ સગું ન હોય તો જ Class-II ગણાશે. તેમાં પણ ૧ પ્રથમ અને ૯ નંબરનો છેલ્લા ગણાશે.  હિન્દુ/પરણિત સ્ત્રી મૃતક ક્રમ પ્રમાણે અગ્રતા ગણાશે.  પુત્ર, પુત્રી, મૃતક પુત્ર / પુત્રીના દીકરા / દીકરી  પતિના વારસદારો  ...

History Of Muslims In India: Hindu-Muslim Relations

With this article, I would like to tell you about three things: (1) the History of Islam and Muslims in India; then I will try to elaborate, specifically telling (2) What went wrong; and finally, I will conclude by telling (3) The future of relations amongst Muslims and Hindus. Although it is routine to give references, in the end, I shall start with the list of three reference books in the beginning. All these details are not mine, I’ve only summarized them from these books. 1. "Miyan Ne Mahadev No Mel Padshe J Padshe” (Gujarati - “મિયાં ને મહાદેવ નો મેળ પડશે જ પડશે”) by Kanti Shah. Published by Yaagna Prakasan Samiti, Hujaratpaga, Vadodara. A Gujarati book. Title meaning “Muslims and Hindus will certainly unite…”. Pages 80, Cost Rs. 30. 2. “Indian Muslims – Where They Have Gone Wrong” (English) by Rafiq Zakaria. Published by Popular Prakasan and Bhartiya Vidya Bhavan. Pages 620, Cost Rs 495. 3. “Rashtra Aur Musalman” (Hindi - “राष्ट्र और मुसलमान”) by Nasira ...

Batch Of 1969 Reunion - 2022

Reunion is a relatively newly established word that describes getting together and meeting friends of the same study year, or batchmates. Say 1969 was the admission year for MBBS for 75 students in Government Medical College, Surat. After a long gap of 50 years, we decided to meet again in Surat - a reunion! Dr. Uday R Shah initiated and carried forward the planning four months before. Dr. Jitu, Dr. Shubhash, Dr. Nila and Dr. Pragna made an organizing committee of five with Dr. Uday. They declared 11-Sep-2022, Sunday as the final date to meet and Surat as Venue, so all could plan accordingly. List of Attendees Making a list of all 75 batchmates was a very difficult task. All co-operated nicely and the perseverance of Uday made it a great success. 24 friends have passed away (making up nearly one-third of all), 18+ are abroad (mostly in the US) and 39 are here. Despite all sincere attempts, three could not be traced! They are namely: Damayanti Bhagwan, Manchharamani, and Sudha Kama...

નેત્રયજ્ઞો અને હું

૧૯૭૫માં મેં પહેલું મોતીયાનું ઓપરેશન કર્યા પછી ૨૦૨૫ સુધી પચાસ વર્ષ દિવસ-રાત આંખના સર્જન તરીકે સમાજસેવા કરી. ત્યાર પછી ૨૦૨૫માં સંપૂર્ણપણે નિવૃત્તિ લીધી ત્યારે મારી કારકીર્દી વિષેનો હિસાબ લખવો મારા પોતાના સંતોષ માટે જરૂરી હોવાથી અહીં અહેવાલ આપું છું. બી. જે. મેડિકલ કોલેજ, અમદાવાદનો આંખ વિભાગ “એમ. એન્ડ જે. ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓફથેલમોલોજી સંસ્થા સમગ્ર ભારતની અગ્રગણ્ય સંસ્થા હતી. ત્યાં ડૉ. આર. પી. ઢાંડા, ડૉ. વી. કાલેવર, ડૉ. નાગપાલ, ડૉ. નારંગ, ડૉ. ભીખુભાઇ પટેલ અને ડૉ. આર. એન. માથુર જેવા સંનિષ્ઠ અને સર્વશ્રેષ્ઠ નિષ્ણાતો આંખના શિક્ષકો તરીકે સેવા આપતા હતા. દર છ મહિને એક વિભાગ રેટિના, ઝામર, ત્રાંસી આંખ, કોર્નિયા જેવા વિભાગોમાં વારાફરતી કામ કરતાં વિદ્યાર્થી આંખનો ઉત્તમ નિષ્ણાંત તરીકે બહાર પડતો. વળી, ડૉ. આર. એન. માથુર જેવા સેવાને વરેલા - સાદગીવાળા અને ઉત્તમ માનવ વિદ્યાર્થીઓને માનવતાના પાઠો ભણાવતા. ૧૯૭૮માં બીલીમોરા ખાતે આંખની હોસ્પિટલ શરૂ કરી ત્યારે આંખના બધા જ રોગોની સેવા હું કરતો. મોતીયા, ઝામર, ત્રાંસી આંખ, નાસુર, પાંપણના રોગો અને આંખના કેન્સર સહિત દરેક ઓપરેશનો હું નજીવાદરે કરતો. વિસ્તારમાં એકમાત્ર આં...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

Condolence

A few days ago, my mother (84) passed away of old age. I had an experience of being in a state of sorrow due to her demise. The article is an outcome of experiences following the incidence. I did realize the need and importance of true consolation to the grieved person. So I thought it is prudent to write from the heart words giving guidance. Condolence : It is expressing sympathy to a misfortune or bereavement (one deprived of relative because of death). Consolation : To give comfort or sympathy to an unhappy person. On the death of a close relative, a sudden gap is created due to the absence of that relative. Even the mentally strong person understanding every aspect of the event becomes shocked for a while. Here is the need of true consolation known as 'condolence.'

બૌદ્ધ ધર્મ

લગભગ 2500 વર્ષ પહેલા બીજી રીતે કહીએ તો ઈ. પૂ. 500 વર્ષ પહેલા વિશ્વમાં વિચાર ક્રાંતિ થઈ હતી. એકી સાથે વિશ્વમાં જે તે સમયગાળામાં વિચારક, ક્રાંતિકાર, ધર્મસ્થાપક અને ફીલસૂફ એવા સોક્રેટિસ, કન્ફયુશ્યસ પ્લેટો, એરિસ્ટોટલ અને તાઓ સાથે ભારતમાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર જન્મ્યા હતા. તેમણે માનવસમાજ્મા પડેલો સડો સુધારવા કઠોર તપ કરી, માનવવાદની શોધ કરી હતી. ભારતમાં આમ પણ બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર જેવા ચાર વર્ણોમાં બ્રાહ્મણોની ઉચ્ચતા અને શ્રેષ્ઠતા સ્થાપિત થઈ હતી, તે વાત ખાસ કરીને વૈશ્યને ગમતી નહોતી. બ્રાહ્મણોએ ખર્ચાળ અને ગૂંચવણ ભરેલી જીવન દરમ્યાનની સોળ સંસ્કારની સોળ વિધિઓમાં સમાજને હેરાન પાડી દીધો હતો. વળી લોકોને ન સમજાય એવી સંસ્કૃત ભાષામાં વિધિ કરાવતા હતા. ઉપરાંત ક્ષુદ્રવર્ણને ઓછા વળતરમાં સખત પરિશ્રમ કરાવ્યા પછી પણ અશ્યૃશ્યતાનું અપમાન સહેવું પડ્યું, તે કષ્ટદાયક થઈ પડ્યું હતું. યજ્ઞમાં પશુઓના બલીને કારણે ખેતીને સહન કરવું પડતું હતું ત્યારે લોકબોલી પાલીમાં ઉપદેશ આપી સર્વ માનવોને સન્માન દરજ્જો અને માન આપતો બુદ્ધ ધર્મ ના સ્થપાય તો જ નવાઈ! આમ સમયની જરૂરિયાત સંતોષવા બે ધર્મો: બુદ્ધ અને જૈન ધર...