મને ગર્વ છે કે હું અનાવિલ છું!

ઓરૂમ વિશ્વાની દેવ, સવિત ર્દુરિતાનિ પરાસુવ | 
યદ્દભદ્રં તન્ન આસુવ ||

હે પ્રેરક દેવ ! સર્વ બૂરાઈયો ને દૂર કરો. જે કલ્યાણકારક ગુણ, કર્મ, સ્વભાવ અને પદાર્થ તે અમને પ્રાપ્ત કરાવો.

પરમાત્માએ આ સૃષ્ટિની રચના કરી છે. સૃષ્ટિના ઉપયોગ માટેના નિયમો બનાવ્યા છે. જે શાશ્વત છે. વેદો દ્વારા આ નિયમોનું જ્ઞાન જીવાત્માઓને આપ્યું છે. તમામ જીવાત્માઓને સહજ જ્ઞાન પરમાત્માએ આપ્યું છે, જેમ કે આહાર, નિંદ્રા, ભય, મૈથુનનું જ્ઞાન. પરંતુ પરમાત્માએ તેના સર્વશ્રેષ્ઠ સર્જન માનવને વિશેષ વેદોનું જ્ઞાન એટલા માટે આપ્યું છે કે માનવે વિશેષ જવાબદારીઓનું પણ વહન કરવાનું છે. આ સમગ્ર સૃષ્ટિના જડ-ચેતન પદાર્થોની જાળવણી મનુષ્યની જવાબદારી છે. વેદોમાં મનુષ્યને તેમના ગુણ, કર્મો, સ્વભાવને આધારે ચાર વર્ણોમાં વિભક્ત કર્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર. ચાર વર્ણ અને ચાર આશ્રમો વેદકાલીન સમાજ વ્યવસ્થા છે.
 
જીવાત્માને કઈ યોનિમાં જન્મ લેવો, કયા માં-બાપને ત્યાં જન્મ લેવો, કયા કુળમાં જન્મ લેવો વિ. નક્કી કરવાનો અધિકાર નથી. તે ઈશ્વરીય વ્યવસ્થા છે. તેમાં કોઈ ઉચ-નીચ ભેદભાવ નથી. દરેકના અલગ-અલગ કર્તવ્યો છે, માટે અલગ-અલગ વર્ણો છે. આપણાં શરીરમાં સર્વ જ્ઞાનેન્દ્રિયો મસ્તિષ્કમાં આવેલી છે, માટે માનવશરીરમાં શીશ એ બ્રાહ્મણ છે. સત્ય જ્ઞાન ભણવું– ભણાવવું એ બ્રાહ્મણનો ધર્મ છે. તેમજ ક્ષત્રિય માટે ન્યાયધર્મ છે, જે શરીરમાં હાથનું કાર્ય કરે છે. તેમ જ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ/સેવાઓ પૂરી પાડવી એ વૈશ્યનો ધર્મ છે. માટે માનવ શરીરમાં તે પેટ (જઠર) છે. ઉપરોક્ત વર્ણોની સેવા કરવી એ શુદ્રનો ધર્મ છે. માનવશરીરમાં તે ચરણ (પગ) સ્થાનીય છે. આમ છતાં માનવ શરીર માટે જેમ ચારો અંગોનું પોતપોતાનું મહત્વ છે. તેમ સમાજ વ્યવસ્થામાં ચારો વર્ણોનું સમાન મહત્વ છે.

કાલાંતરે ખાસ કરીને મહાભારતના યુધ્ધ પછી વર્ણવ્યવસ્થા ભાંગી પડી અને જ્ઞાતિ-વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. જેમાં એક જ્ઞાતિ છે અનાવિલ. જે બ્રાહ્મણ સ્થાનીય છે. આ સંસાર માં પરમાત્મા સિવાય કોઈપણ સંપૂર્ણ નથી, તો સ્વાભાવિક છે કે અનાવિલ જ્ઞાતિમાં પણ કેટલાક દોષો હશે, અને છે. પરંતુ આ જ્ઞાતિની કેટલીક વિશેષતાઓ અને સદ્દગુણો પણ છે જ જેને જોવા–સમજવાની હકારાત્મક દ્રષ્ટિ જોઈએ. જેમ કે:


A. અનાવિલ સત્યવક્તા અને સ્પષ્ટવક્તા છે. કારણ કે તે બ્રાહ્મણ છે. તેનો ઇરાદો કોઈને વ્યથા પહોંચાડવાનો નથી હોતો. જેમ ડોક્ટર દર્દીને ઈંજેકશન આપે ત્યારે તેનો ઈરાદો દર્દીને સાજા કરવાનો હોય છે, દર્દ વધારવાનો હોતો નથી. માનવીએ દરેક સાથે પ્રીતિપૂર્વક, ધર્માનુસાર યથાયોગ્ય વ્યવહાર કરવો જોઈએ. અનાવિલ તે જ કરે છે. માટે તેને આખાબોલો કહી વગોવવામાં આવે છે. સત્યને માર્ગે ચાલનાર બ્રાહ્મણમાં વિચારશૂન્યતા કે વિચાર દુર્બળતા ન હોય. અનાવિલ ભવિષ્યનો વિચાર કરીને કાર્ય કરે છે.

B. અનાવિલ સ્વાભિમાની હોય છે. ઘણા લોકો તેને મિથ્યાભિમાન અથવા અભિમાન જેવાં વિશેષણોથી નવાજે છે. દરેક માણસને હું કોણ છું, મારૂ ખાનદાન કયું છે, મારા મરતબા (Status)ને હાનિ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જ જોઈએ. તેમાં કશું ખોટું નથી. દરેક પરિવાર, જ્ઞાતિની પરંપરાઓ, મૂલ્યો, હોય છે. શું બ્રાહ્મણ કસાઈનું કામ કરી શકે?

હું અનાવિલ છું અને મારી જ્ઞાતિ શ્રેષ્ઠ છે તેમાં મને બિલકુલ શંકા નથી. આજે પણ ગામડાઓમાં રહેતા અનાવિલો ખેતી જ કરે છે. ખેડૂત છે. શું આજે અનાવિલો સમૃધ્ધ નથી? પહેલાની તુલનાએ આજનો અનાવિલ – ખેડૂત વધુ સુખી અને સમૃધ્ધ છે.

C. અનાવિલ સાહસિક પ્રજા છે. પરીવર્તન સંસારનો નિયમ છે. કશું જ શાશ્વત નથી. અનાવિલોએ પરિવર્તનોને સ્વીકાર્યા છે, એટલું જ નહીં સાહસિક સ્વભાવને કારણે તેનો મહત્તમ લાભ પણ ઉઠાવ્યો છે. દુનિયાના લગભગ તમામ દેશોમાં જઈ અનાવિલોએ પોતાનું પ્રભુત્વ અને પરચો દેખાડયાં છે. 
ભાત અને ભાઠલો (અનાવિલ) કદી હારતો પણ નથી અને હઠતો પણ નથી, અડગ રહે છે.
D. અનાવિલ અજાચક બ્રાહ્મણ છે. તે ભીખ નહીં માંગે. તે સ્વાભિમાની બ્રાહ્મણ છે. ભિક્ષાવૃત્તિ તેના લોહીમાં નથી. એક ઉદાહરણ જેનો હું પ્રત્યક્ષ સાક્ષી છું તે આપું છું. અમારા ગામના એક શ્રીમંત વ્યક્તિ જે અનાવિલ હતા અને બીજા એક અનાવિલ કે જેઓ મધ્યમ સ્થિતિના હતા અને સહકારી મંડળીની દુકાનમાં નોકરી કરતાં (મેનેજર) હતા. તેમણે પોતાની ઘોડા-ગાડીમાં બેઠા-બેઠા કહ્યું “મંગુ, સો ના છૂટા આપ.” તો મંગુકાકાએ વિનમ્રતાથી પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “કાકા છૂટા જોઈતા હોય તો અહી આવી લઈ જાવ. હું તમારો નોકર નથી.” આ અભિમાન કહેવાય કે સ્વાભિમાન? માન કોને કહેવાય અને ખુશામત કોને કહેવાય તે અનાવિલ સારી રીતે જાણે છે.

વાત ટ્રસ્ટ રચવાની છે તો નિરાલી ટ્રસ્ટના એંધલ નિવાસી અનિલભાઈ નાયકની પૌત્રી નાની વયે મૃત્યુ પામી, તો તેના નામે આખેઆખી કેન્સરની હોસ્પિટલ ખોલી દીધી. સરકારે પણ તેમના કાર્યોની નોંધ લઈ એવોર્ડ આપ્યો.

E. અનાવિલ પોતે નહીં બોલે તેનું કાર્ય બોલે છે. મોરારજી દેસાઈ, મહાદેવભાઈ દેસાઈ, ઠાકોરભાઈ દેસાઈ, જેવા અનેક નામી-અનામી અનાવિલોએ સમાજના દરેક ક્ષેત્રમાં પોતાના કાર્યો દ્વારા માન–સન્માન મેળવ્યાં છે. પાકિસ્તાન જેવા ભારત વિરોધી દેશો પણ તેનું સર્વોચ્ચ સન્માન તે અનાવિલના ઘરે આવી આપી સન્માન કર્યું છે. તે અમસ્થુ જ? 

F. અનાવિલ સંગઠિત જ્ઞાતિ છે. ગુજરાતમાં જ નહીં ભારત અને વિદેશોમાં પણ તેઓના સંગઠનો છે અને સારી રીતે કાર્યરત છે. ખૂબ જ અલ્પસંખ્યક હોવા છતાં દુનિયાએ અનાવિલો, તેમના કાર્યોની નોંધ લેવા મજબૂર થવું પડ્યું છે. હું એવા ઘણા બધા અનાવિલોને ઓળખું છું જેઓ બિલકુલ ચૂપ-ચાપ રહી પોતાના સેવા કાર્યો કર્યે જ જાય છે, દેખાડો કરતાં નથી. હકારાત્મક દ્રષ્ટિથી જોશો તો અનાવિલોમાં ઘણું બધુ સારું છે.

અનાવિલોને અનાવિલો કરતાં અન્યોએ વધુ સારી રીતે ઓળખ્યા છે. અંગ્રેજોને ભારતમાં સૌથી બુધ્ધિશાળી જો કોઈ જ્ઞાતિ લાગી હોય તો તે અનાવિલ છે. આપણી અટક, દેસાઈ, નાયક, વશી, વી. સમાજમાં તેમના કર્યો અનુસાર અપાયેલ હોદ્દાઓ છે. અંગ્રેજ શાશનમાં પણ રેલ્વે, શિક્ષણ, વ્યાપાર, સમાજ સુધારણાના ક્ષેત્રમાં અનાવિલો જ અગ્રસ્થાને હતા. સ્વતંત્રતાસંગ્રામમાં તેમણે અનેક બલિદાનો આપ્યા છે. જેલવાસ વેઠ્યો છે. 

G. સંચાલન (Management) બાબતમાં અનાવિલોને કોઈ પહોંચી ન શકે. જે સંસ્થાઓમાં આજે પણ અનાવિલોનું સંચાલન છે તે જુદી જ તરી આવે છે. ઘરમાં લગ્ન હોય કે મરણ, અનાવિલ યુવાનો ઘરનાને ખબર પણ ન પડે તેમ બધી વ્યવસ્થાઓ ગોઠવતા હતા, અને ગોઠવે જ છે. અનાવિલોની પ્રશંશા તો ૧૦૦ પાના ભરીને લખીએ તો પણ પૂરી ન થાય.

ભગવાન, તેં મને અનાવિલ જ્ઞાતિમાં જન્મ આપ્યો તે બદલ તારો ખૂબ-ખૂબ આભાર.... જય અનાવિલ સમાજ !!!

લેખક: વિનોદભાઈ આર્ય, કછોલી


Post a Comment

3 Comments

  1. Very true amd Proud to be born as Anavil.

    ReplyDelete
  2. Being proud of our Anavil heritage allows us to connect with our roots and contribute to the broader cultural tapestry.

    ReplyDelete

Thank you for your comment!