Dr. Bharat Desai's Blog
Dr. Bharat Desai's Blog
  • Home
  • Anavils
  • History
  • Religions
    • Hinduism
    • Islam
    • Chritianity
    • Sikhism
    • Jainism
    • Buddhism
    • Taoism
  • Book Reviews
  • Videos
  • ગુજરાતી લેખો

ગુજરાતી

History

Religions

આજનો સમય સગવડ મેળવવાનો, ઓછી મહેનતે ઘેર બેઠા ખોરાક મેળવવાનો, બહાર જમવા જવાનો છે. ઘરનો રાંધેલો તાજો ખોરાક સ્વપ્નવત્ થતો જાય છે. જરાક વધારે કામ આવી પડે, અચાનક મહેમાનો આવે કે પાર્ટી હોય, બહારનો ખોરાક આવશ્યક પર્યાય બની ગયો છે. જાતે રાંધીને કુટુંબને ખવડાવવાનો પણ એક આનંદ છે, જે આજના સમયમાં ઓછો થઈ ગયો છે. આપણી આ કુટેવને પોષવા માટે સ્વીગી, ઝોમેટો, બ્લીન્ક્રીટ અને બીજા કેટલાય એપ અને સર્વિસીસ આવી ગયા છે.

આજે જરા રીવ્યુ કરીએ કે બહારનું ભોજન કેટલું પૌષ્ટિક છે અને ઘરનું ભોજન કેટલું પૌષ્ટિક છે તથા તેને કંઈ રીતે વધારે પોષ્ટિક બનાવી શકાય.


એપ્સ પરથી મંગાવેલા ભોજનના પોષણ માટે ભારત સરકારે કેટલાક નિયમો ઘડ્યા છે જેમાં તમે મેનુમાં જોઈ શકો છો કે કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ વગેરેની માહિતી આપેલી છે કે નહીં. FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા) એ નક્કી કર્યું છે કે સ્વાગી, ઝોમેટો અને એ પ્રકારની સવિસીસમાં પોષણમૂલ્યો લખેલા હોવા જોઈએ. સાથે સાથે એલર્જી કરતા પદાર્થો પણ લખવા પડે છે. આ માટે તેમને પોતાના ફૂડ બિઝનેસ ઓપરેટર્સ સાથે આ ડીસપ્લે હોય તે ચકાસવું પડે છે. આ ડીસ્પલે સ્પષ્ટ વંચાય તેવા હોવા જોઈએ. હવે આપણે જોઈએ કે આપણે ક્યાં માર ખાઈ જઈએ છીએ :
  1. સારામાં સારું પોષણ ધરાવતી ચીજ પણ જે તે હોટલમાં કેટલા સમય પહેલા બની છે તે આપણને ખબર તથી. તેને કલેક્ટ કર્યા પછી તે ઝડપથી આવી તો જાય છે પણ તે કેટલું ફેશ છે તે શંકાસ્પદ છે.
  2. સ્વીગી કે અન્ય સર્વિસીસ પોતે રસોઈ બનાવતી નથી. લેબલ પરની માહિતીમાં તેમાં કેટલા સંરક્ષકો, કુત્રિમ રંગો કે બીજા હાનિકારક તત્ત્વો હોય છે તેની આપણને ખબર હોતી તથી. ફૂડ કંપની કે રેસ્ટોરન્ટ તેમાં બીજું શું ઉમેરે છે તે કોઈ જાણી શકતું નથી.
  3. આપણા ઘેર આવતા પહેલા કેટલો સમય લાગશે તે નક્કી હોતું નથી. તે ઈસ્યુલેટેડ ટાઈપના કન્ટેનરમાં આવે એટલે આપણને એમ લાગે કે તાજું છે. ખરેખર તો વધારે સમય ગરમ રહેતો ખોરાક ઝડપથી પોષણ ગુમાવે છે અને વધેલો ખોરાક જલદી બગડી જાય છે. આપણે ઘરનો ખોરાક ટીકીનમાં ભરતા પહેલા થોડોઠંડો પાડીએ છીએ જેથી તે ઉનાળામાં કે ગરમીની ૠતુમાં બગડી ન જાય. સામાન્ય રીતે ખોરાક રંધાય પછી તે જેટલો જલદી ખવાય તેટલો વધુ સારો કારણકે રંધાયાના ૩ કે ૪ કલાક તેમાં પોષણ રહે છે પછી તેનું સ્તર ઓછું થતું જાય છે.
  4. આ ખોરાક જે પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ ફોઈલમાં આવે તેના માઈક્રોપાર્ટીકલ્સ આપણા શરીરમાં પ્રવેશે છે. બધા પ્લાસ્ટિક ડબ્બા ફૂડ ગ્રેડ હોતાં નથી. ઘણીવાર આપણે તે જ ડબ્બો માઈક્રોવેવમાં મુકીફરી ગરમ કરીએ છીએ એટલે હાનિકારક તત્વો વધતા જાય છે.
ઘરના ભોજનનું પોષણ અને તેને વધારે પૌષ્ટિક બનાવવાની સાદી રીતોઃ

ઘરે બનતું ભોજન, તેના કાચા સામાનથી લઈ તેની તાજગી, તેમાં ઉમેરાતા મસાલા તથા બીજા પદાર્થો આપણા હાથમાં અને આપણી જાણમાં હોય છે. હું મારી રસોઈમાં હાનિકારક પદાર્થો તો ન જ નાખું પરંતુ એવો પ્રયત્ન કરું કે તે તાજું ખવાઈ જાય,વધુ સમય ફીજમાં રાખવું ન પડે અને તેની કોઈ ચીજ બગડેલી ન નીકળે. નીચેની કેટલીક રીતો અપનાવીને આપણે ઘરના જ ખોરાકને વધારે પૌષ્ટિક બનાવી શકીએ: 
  1. લીલાં શાક પહેલા પાણીમાં બોળી રાખવા જેથી તેની પરના પેસ્ટીસાઈડ નીકળી જાય. શક્ય હોય તો મીઠાના પાણીમાં ડુબાડવા, પાણી નિતારીને પછી સમારવા. તેને કાપીને પાણીમાં નાંખવાથી તેના પાણીદ્રાવ્ય વિટામીન્સ તે પાણીમાં જતા રહે છે. આદુને પણ ટુકડા કરી બે વખત પ્પાણીમાં બોળવાથી તેના ખૂણે ચોંટેલી માટી કે કચરો નીકળી જાય છે.
  2. ગાજર, બટાકા, કારેલા વગેરે વધારે પડતા ન છોલવા કારણકે તેની છાલની એકદમ તીચે વધારે પોષકતત્વો હોય છે. ફલાવર, મૂળાના પાન જોખરાબ ન હોય તો ફેકવા નહીં. મૂળાની ભાજીનું શાક બની શકે, ફલાવરની કુમળી ડાંડી પાન ઝીણા સમારીને શાકમાં નાંખી શકાય કેમકે તેમાં વિટામીન કેદ, ઘણું હોય છે. તૂરિયાની છાલને સરસ ધોઈને ઝીણી સમારીને તેનો સંભારો પણ બને.
  3. કોઈ પણ લોટ બાંધવામાં પાલખ ક્રશ કરી તેનાથી લોટ બાંધી શકાય અથવા પનીરના પાણીથી પણ લોટ બાંધીશકાય. આનાથી રોટલી, પરોઠાની ગુણવત્તા વધે છે. વધેલી દાળથી લોટ બાંધી શકાય અથવા આપણે તેનો ઉપયોગ દાળઢોકળીમાં પણ કરીએ જ છીએ.
  4. અનાજ અને દૂધના મિશ્રણથી અથવા અનાજ અને દાળના મિશ્રણથી પ્રોટીનની ગુણવત્તા વધે છે જેમ કે,
    • ફાડા, સોજી કે ઘઉંની સેવની ખીર
    • મિક્ષ દાળ, ચોખાના મિશ્રણમાંથી બનતા ઢોકળા, ઈડલી, ચિલ્લા
    • મિલેટના લોટને મિક્ષ કરીને બનતી રોટલી, ભાખરી અથવા મિલેટને આખા રાંધીને તેમાંથી ખીચડી, ઉપમા કે પુલાવ જેમ કે કાંગ-જુવારની ખીચડી, કીન્ના કે કોદારીની ખીચડી અથવા પુલાવ.
    • ફણગાવેલા મગ,મઠ ઉપરાંત ફણગાવેલા જવ, જુવાર, તલ અને મેથી.
  5. રસોઈમાં ખાવાનો સોડા શક્ય તેટલો ટાળવો કારણકે તે ખોરાકના વિટામીનનો નાશ કરી દે છે.
  6. જ્યારે ઘરના કોઈ સભ્ય બિમાર હોય અને તેમને વધારે કેલરી કે ખાસ પોષકતત્ત્વની જરૂર હોય ત્યારે તે આપણે ઘરના ખોરકામાંથી જ આપી શકીએ.
    • શાકભાજીના ડાંડા ઉકાળાનેસૂપ બનાવી શકાય અને પછી તેનું પોષણ વધારવા માટે તેમાં પનીરનું પાણી, મગનું પાણી, પ્રોટીન પાવડર કે થોડું ચીઝ ઉમેરીને સૂપને ખૂબ જ પૌષ્ટિક બનાવી શકાય.
    • જો કેલરી વધારવાની જરૂર હોય તો ફળના રસમાં મધ અથવા ફ્લેવર વગરનો પ્રોટીન પાવડર ઉમેરીને સ્વાદ અથવા કેલરી-પ્રોટીન વધારી શકાય.
    • દાળના વઘારમાં મેથીનો પાવડર, શાકમાં તલ અથવા શીંગનો ભૂકો નાંખવાથી સ્વાદ સારો થાય છે અને થોડું પોષણ મળે છે.
  7. ખીચડીમાં મિક્સ દાળ અને ચોખા લેવાથી, ઘઉંના ફાડાની જેમ બાજરીના ફાડા, જુવારના ફાડા, ઓટ્સ ઉમેરવાથી વિવિધતા અને જુદાજુદા પોષકતત્વો ઉમેરાય છે.
  8. શક્ય એટલું આખું અનાજ જેમકે થૂલું, ફાડા, ઓટ્સ વગેરે લેવા કેમ કે તેમાં ફાઈબર અને પોષણ બહુ હોય છે.
  9. આપણા વડીલો તો વધેલા ખોરાકને ફીજમાં ભરવા કરતા બીજા જ ટંકે તેનીજુદી વાનગી બનાવીને વાપરતા. વધેલા ભાત કે ખીચડીના મૂઠિયા અથવા શેકેલા, વધેલા મૂઠિયાનું રસાવાળું શાક, વધેલી કઢીમાં થોડો લોટ ઉમેરી તેના પૂડા...
હવે આપણે વિચારીએ કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ અને શું મેળવવા માંગીએ છીએ ? પોષણ કે સગવડ ? થોડી વધારે મહેનત કે આંગળીના ટેરવે મળતી સુલભ સેવા ? તાજો ખોરાક કે જૂનો ગરમ કરીને ઘેર આવતો વાસી ખોરાક. અત્યારે જોવા મળતા વ્યસન જેમકે સિગરેટ, તમાકુનું નિકોટીન શરીરમાં સ્ટોર કરેલા વિટામીન્સને મારી નાંખે છે. આલ્કોહોલના પાચન અને ચયાપચય માટે પણ શરીર મૂલ્યવાનવિટામીન ખર્ચી નાંખે છે. આ બધાસાથે આપણે જેટલું વધારેબહારનું ખાઈશું, શરીર કથળતું જ જશે.

આ વિષે માત્ર સ્ત્રી અથવા ગૃહિણી જ જાગૃત બની શકે. વિમેન્સ ડેદ ની ઉજવણી માત્રથી જ આપણે શક્તિ પ્રદર્શિત કરી શકતા નથી. બલકે ઘરમાં શક્ય તેટલું ખોરાક અને પોષણનું ધ્યાન રાખીને આપણે અને આપણા કુટુંબના સભ્યો પણ Empoweredબની શકે છે.

આભાર સહ.

લેખિકા - ડો. જાનકી પરીખ
"આપણું વિચારવલોણું" માસિક
એપ્રિલ, ૨૦૨૫
પારસીઓની વાતની શરૂઆત ૧૨૦૦ વર્ષ પહેલાંથી થાય છે, જ્યારે તેઓ ઈરાનથી આરબ મુસ્લિમોથી પોતાના ધર્મની રક્ષા કાજે (Fire) આગની જ્વાળા લઈને ભારતમાં ગુજરાતના સંજાણ બંદરે આવ્યા હતા.

પારસી સમુદાય ભારતનો ગૌરવશાળી, સમૃદ્ધ અને દેશભક્ત સમુદાય તરીકે પ્રસ્થાપિત છે - શાંતિપ્રિય સ્વભાવના અને દાનવીર પારસી સમુદાયે એક અનોખી પ્રભાવશાળી ઓળખ ઉભી કરી છે. તેઓએ ભારતમાં શરણ લઈ ભારતને માત્ર શરણભૂમિ ન રાખતા, પોતાની માતૃભૂમિ બનાવી છે જેની સગર્વ નોંધ લેવી જ રહી.

આ લોકોમાં મોડા લગ્ન અને ઓછા સંતાન હોવાથી તેમની વસ્તી એટલી હદે ઓછી થઈ રહી છે કે ટૂંકા ગાળામાં વિલુપ્ત થઈ ભૂતકાળની યાદમાં ન ધકેલાય તેવો ભય છે જ.

આવા પારસીઓ અને તેમના વિષે પ્રાથમિક માહિતી પહેલા રજુ કરું છું.

જરથોસ્તી ધર્મ (Zoroastrian Religion)

  • સ્થાપક: અશો જરથુષ્ટ્ર (ઈ.પૂ. ૧૦૦૦)
  • સ્થળ: ઈરાન
  • મુખ્ય ગ્રંથ: ઝેંદ અવસ્થા
  • મુખ્ય દેવ : અહુરમજદ
  • મુખ્ય પ્રાર્થના: અહૂનવર
  • ધર્મગુરુ: મોબેદ, દસ્તૂર
  • ધર્મસ્થાન: અગિયારી
    • પ્રથમ કક્ષા: આતશ બહેરામ
    • બીજી કક્ષા: અગીયારી / આતશ આદરાન
    • ત્રીજી કક્ષા: ઘરની પૂજાનું સ્થાન / આતશ દાદગાહ
  • ધર્મચિહ્ન: અગ્નિ, અગ્નિકુંડ
  • મુખ્ય પંથો: પારસી, અગ્રેમન્યુ તેનો વિરોધી છે.
  • મુખ્ય તીર્થ: ઉદવાડા (પવિત્ર સ્થાન)
  • મુખ્ય સિદ્ધાંતો:
    • ઈશ્વર એક છે.
    • અગ્રેમન્યુ તેનો વિરોધી છે.
    • જીવ કર્મવશ છે.
    • સ્વચ્છ મન, વચન અને કર્મથી જીવની સદ્‌ ગતિ થાય છે (p. 2).
  • પવિત્ર સ્તંભ: સંજાણ
  • પારસીઓની વિશ્વમાં કુલ વસ્તી ૬૦,૦૦૦ થી ઓછી (ભારતમાં સૌથી વધુ)

અગ્રણી પારસીઓ

ક્રમ                   નામ                                                                વિષય

૧.        ફરદુનજી મર્ઝબાન                   -           મુંબઈ સમાચાર સ્થાપ્યું (૧૮૨૨), પત્રકારત્વ

૨.        ફિલ્ડ માર્શલ માણેકશા              -           ભારતીય સેનાવડા, બાંગ્લાદેશ યુદ્ધ જીત્યા (૧૯૭૧)

૩.        કાર્લ ખંડાલાવાલા                    -           વિવેચક

૪.        ચાવડા (શાહબક્ષ ચાવડા)       -           ચિત્રકળા અને નૃત્ય

૫.        સિરીન વજીફદાર                     -           ચિત્રકળા અને નૃત્ય

૬.        બહેરામજી મલબારી                 -           ગુજરાતી સાહિત્યકાર

૭.        ખબરદાર                                 -           ગુજરાતી સાહિત્યકાર

૮.        અદી મર્જબાન                          -           ગુજરાતી સાહિત્યકાર

૯.        રાણીના                                    -           ગુજરાતી સાહિત્યકાર

૧૦.      ડો. હોમી ભાભા                        -           અણુવિજ્ઞાની

૧૧.      ડો. એચ. એન. સેઠના              -           અણુવિજ્ઞાની

૧૨.      લવજી વાડિયા                         -           જહાજ બનાવનાર

૧૩.      જમશેદજી જીજીભાઈ                -           વેપાર + ઉદ્યોગક્ષેત્ર

૧૪.      દસ્તુરજી મહેરજી રાણા             -           ધર્મગુરુ

૧૫.      દાદાભાઈ નવરોજી                   -           (આઝાદીની લડાઈ + રાજકારણ)

૧૬.      સર ફિરોઝશાહ મહેતા              -           (આઝાદીની લડાઈ + રાજકારણ)

૧૭.      પી. આર. નરીમાન                 

૧૮.      મીઠુબેન પીટીટ

૧૯.      પીલુ મોદી

૨૦.      મીનુ મસાણી

૨૧.      ફિરોઝ ગાંધી

૨૨.      ડો. દસ્તુર                                 -           મેડીકલ

૨૩.      ડો. ઉદવાડિયા                         -           મેડીકલ

૨૪.      માણેકશાહ સારાબશાહ             -           ઇતિહાસકાર

૨૫.      પ્રો. હોડીવાલા                          -           ઇતિહાસકાર

૨૬.      સોલી સોરાબજી                        -           વકીલ (ભારતના અટોર્ની જનરલ)

૨૭.      નાની પાલખીવાળા                  -           વકીલ અને બંધારણ નિષ્ણાત

૨૭.      નરી કોન્ટ્રાક્ટર                         -           ક્રિકેટર

૨૮.      ફારુખ એન્જીનીયર                   -           ક્રિકેટર

૨૯.      પોલી ઉમરીગર                       -           ક્રિકેટર

 

મારા બીલીમોરાના અને તે સિવાયના પારસી મિત્રો

  • બીલીમોરામાં ૧૯૭૮ માં આવતાં જ પહેલો મિત્ર બન્યો — સામ વાસણિયા — તેમની સાથે સંયુક્ત રીતે બીલીમોરા ક્લીનીક ભાગીદારીમાં શરૂ કર્યું; તેમના પરિવારના વિલ્લુબેન, શેહનાઝ અને વિરાફ ઉપરાંત ભાઈઓ ફારુખ અને મર્ઝબાન મારા મિત્રો બન્યા.
  • મારા બાળકોની શિક્ષિકા બેપ્પીબેન ભગવાગર, તેમના પતિ હોસંગ અને દીકરીઓ નવાઝ અને ધનાઝ સાથે અત્યાર સુધી વરસોવરસ ધનિષ્ઠ સંબંધ બંધાયો અને જળવાયો. હોસંગભાઈ જેવા પ્રેમાળ, મદદગાર અને લાગણીશીલ મિત્ર ભૂલાતા નથી.
  • મેડીકલ લાઈનના પારસીઓમાં ડો. સોરાબજી અને તેમના પુત્ર ડો. હોમ્યાર બીલીમોરીયા — તેમના ભાઈ ડો. કેરસી અને વિલ્લુબેન સાથે પણ આત્મીયતા બંધાઈ. વિલ્લુબેન સાથે આજે પણ સન્માનનીય સંબંધો છે જ.
  • મારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીએ. યઝદી પંથકી પરિવાર સાથે પણ સંબંધ બંધાયો.
  • વર્ષોથી ઓળખું, વૈશાલીની શિક્ષિકા તરીકે, પણ છેલ્લા દસ વરસથી એમના પતિ મારા અંગત ગાઢ મિત્ર થયા છે — પી. એ. પટેલના પત્ની ડોલીબેન પણ મિત્રવર્તુળનો ભાગ બન્યા.

કદાચ બીલીમોરાના સો પારસીઓમાંથી મોટાભાગનાને હું ઓળખું છું — એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. બીલીમોરા ખાતે પારસી ધર્મ ભાવના મુજબ સખાવત કરનારને લીધે — મેગુષી હોસ્પિટલ, ટાટા હાઈસ્કૂલ, પીટીટ લાયબ્રેરી અને કૉલેજ ઉભા છે.

  • કિલ્લા પારડીના મારા ૧૯૬૩-૭૦ ના રહેઠાણ દરમ્યાન ત્યાંના ખ્યાતનામ અગ્રણી અને દાનવીર પીરોજશાહ પારડીવાલાનો સંપર્ક થયો. છેલ્લે સુધી સેવાભાવનાને કારણે પારડી લાયન્સ ક્લબમાં અને તેથી મારી સાથે નેત્રયજ્ઞોમાં પણ સક્રિય રહ્યા. તેમણે દર વર્ષે મારા અભ્યાસ દરમ્યાન સ્કોલરશીપ પેટે રૂ. ૧૦૦ ની સ્કોલરશીપ એમના ટ્રસ્ટમાંથી આપી હતી.
  • મેડીકલ પ્રેક્ટીસ દરમ્યાન દર્દી તરીકે અને પછીથી મિત્ર ભાવે પારડીના નરીમાન વાઘછીપાવાળાનો સંપર્ક થયો. સવારે ચાર - છ ઈંડાની આમલેટ પાઉં સાથે ખાતા જોવું એક લહાવો હતો. રાત્રે ભોજન દરમ્યાન અમે ફ્રુટ સલાડ - બટાકાવડા પીરસ્યા, તો તેમણે "ઘાસપૂસ શું ખાવ છો ?" એમ કહી ચીકન-માછલી અને ધાનશાકની અનિવાર્યતા બતાવી હતી અને તે જ ખાધું હતું.
  • મેડીકલ કોલેજના અભ્યાસ દરમ્યાન વલસાડના હોસી ગોવેકર અમારી સાથે રહેતા હતા — નાહીધોઈને આખા શરીરે પાવડર લગાડતા તેમને જોવાનો એક લહાવો હતો.
  • અમદાવાદમાં બી. જે. મેડીકલ કૉલેજમાં આંખ વિભાગમાં નારગોલના હવેવાલા હતા — તેમના લગ્નમાં કાંકરિયા તળાવ નજીકની અગિયારીમાં હાજરી અને લગ્ન પ્રસંગ યાદ છે.

આમ, હસમુખા, આનંદી અને નિર્દોષ પારસીઓની મૈત્રી અને સહવાસ મારા જીવનનો એક અગત્યનો હિસ્સો છે. ખરેખર, પારસી સમુદાય ભારતનો ગૌરવશાળી, દેશભક્ત અને શાંતિપ્રિય સમુદાય છે.


ચાલો, હવે આપણે પારસીઓની ખાસિયતો, નવજોત, લગ્ન અને મરણોત્તર વિધિ વિષે વિગતે સમજીએ.


પારસી ધર્મમાં સરખાપણું (Equality)


પારસીઓ કોઈને પણ (મોટા-નાના, ગરીબ કે તવંગર અથવા સ્ત્રી-પુરૂષ) ભેદભાવની દ્રષ્ટિ રાખીને ઉંચા કે નીચા ગણતા નથી. તે સરખાપણું વિવિધ રીતે પ્રદર્શિત થાય છે:

  • પારસીઓ અગિયારીમાં સુખડ (ચંદન) નો ટુકડો ફરજ પરના ધર્મગુરૂને આપે છે — તેઓ પવિત્ર અગ્નિને અર્પણ કરે છે. બદલામાં અગ્નિની રાખ જેને ભસ્મ કહે છે તે એક પાત્રમાં ધરે છે — તેનું દરેકે ચપટીક લઈ કપાળે તિલક કરવાનું હોય છે. અહીં દરેક વ્યક્તિને સમાનતાનો સિદ્ધાંત લાગુ પડે છે.
  • આ જ વાત દરેકે ફરજિયાત પહેરવાના સદરા (સુદરેહ) અને કસ્તી બાબતે પણ છે. દરેકે સફેદ રંગનો એક જ જાતના સરખા સુતરાવ કાપડનો સદરો ધારણ કરવાનો હોય છે. સદરા ઉપર કમરમાં કસ્તી (કુસ્તી) પહેરવાની હોય છે. કસ્તી દરેકને માટે એકસરખી ઘેટાના ઊનની બનાવેલ ૭૨ તારની બનેલી હોય છે.
  • પારસીના અવસાન પછી તેની લાશને દોખ્મા (Tower of Silence) જેવી ઉપરથી ખુલ્લી જગ્યામાં રાખવામાં આવે છે. ત્યાં ગીધ પક્ષીઓ લાશનું ભક્ષણ કરે છે. અહીં પારસી શેઠ કે પારસી નોકર બંનેને સરખો ન્યાય મળે છે. વહેલા તે પહેલા ધોરણે લાશ મુકાય છે.
  • વરસમાં છ વખત જશન (યજ્ઞ) કર્યા પછી બધા પારસીઓ એક જગ્યાએ પંગતમાં બેસી રાંધેલો ખોરાક ખાય છે, તેને ગાહમ્બાર (Feast during seasonal change) કહે છે. એ માટે ગરીબ કે તવંગરના ભેદભાવ વગર ખોરાક રાંધવા માટે દરેકે તરકારી, અનાજ, મસાલા, ઘી-તેલ, લાકડા કે રોકડ પૈસા દાનમાં આપવાના હોય છે. આમ એકસરખાપણાનો સમાજવાદ અહીં અમલી બને છે. ગાહમ્બારમાં થતી સમૂહ પ્રાર્થનામાં ખુદા તરફના આભારદર્શન, ભોજન મળ્યું તે માટેની પ્રાર્થના-બંદગી બોલાયા પછી મૂંગે મોઢે દરેકે ભોજન કરવાનું હોય છે.
  • બધા પારસીઓ એકબીજાને સરખા ગણે છે. જ્ઞાતિમાં ઉચ્ચ-નીચના ભેદભાવ નથી. ઉપરાંત સ્ત્રી-પુરૂષ એકબીજાના સમોવડી છે, તેથી જ પારસીઓના લગ્ન કોઈપણ પારસી સાથે થઈ શકે છે.

નવજોત

  • નવજોત એટલે નવો જન્મ: બાળક અણસમજુ અવસ્થામાંથી સમજણ કેળવે અને પોતાના કાર્ય માટે પોતે જવાબદાર બનવાની વિધિ છે. હિન્દુઓમાં યજ્ઞોપવિત કે જનોઈ જેવી જ આ વિધિ પારસી છોકરો કે છોકરી બંનેને માટે કરાય છે.
  • બાળકને ૭, ૯ કે ૧૧ વરસની ઉંમરે કરાતી આ વિધિ પછી બીજો નવો જન્મ થયાનું ગણાય છે. નવજોત વિધિમાં સુદરેહ (સદરો) અને કસ્તી આપવામાં આવે છે — જે દરેકને માટે ફરજિયાત પહેરવું જરૂરી છે.
  • સુદરેહ (શુદ્ધ + રાહ = પવિત્રતાનો રાહ બતાવનાર વસ્ત્ર): સુદ એટલે નફો (Profit) — જે રસ્તે જવાથી માનવને ફાયદો-નફો થાય તે રસ્તો. સુદરેહને સદરો પણ કહે છે. તે સુતરાવ સફેદ કાપડનો બને છે. સદરામાં છાતી આગળ નાની કોથળી (ગિરબાન) હોય છે — તે પરમાત્મા સાથે એકરૂપતા સાધવામાં સહયોગી બને છે.
  • કસ્તી (કુસ્તી) = Coast = કિનારો: જેમ કિનારો જમીન અને પાણીને બે ભાગમાં વહેંચે છે, તેમ કસ્તી કમરથી શરીરને બે ભાગમાં વહેંચે છે. ઉપરનો ભાગ સદ્‌ ગુણોનું રહેઠાણ છે — જે દયા, માયા, પ્રેમ, મોહબ્બત, માન, આદરની લાગણી અને સખાવતની ભાવના શીખવે છે  નીચેનો ભાગ મળ-મૂત્ર જેવી ગંદી વસ્તુઓથી ભરેલ હોય છે — તેનું મર્યાદા રેખા દોરે છે. ઘેટાના ઊનની ૭૨ તારની બનેલી કસ્તી ખુદાના મહત્વના ૭૨ નામ અને મંત્રોનું પુસ્તક 'યસ્ને' (યજ્ઞ) ના ૭૨ પ્રકરણો સૂચવે છે.
  • નવજોત પછી દરેક બાળકે સવારે બિછાનામાંથી ઊઠતાં સાથે કસ્તી છોડીને અમુક મંત્ર બોલીને બાંધવાની હોય છે. કુદરતી હાજતે, સ્નાન સમયે, બંદગીની શરૂઆતમાં અને અગિયારીમાં દાખલ થતી વખતે મંત્રો ભણીને ધારણ કરવાની હોય છે. ચાર ભાઈઓના ઝઘડો થતા  પેગંબર જરથુષ્ટ્રે પોતાના આગ્રહથી પ્રતીકરૂપે કમરબંધ પસંદ કરેલો — તે આજની કસ્તી.

લગ્ન વિધિ

"દૂધમાં સાકરની જેમ ભળી જઈશું" વચન પ્રમાણે પારસીઓ ભારતીયો સાથે ભળી ગયા. તેઓની લગ્ન વિધિની રીતરસમોમાં ભારતીય સંસ્કૃતિની ઝલક સ્પષ્ટ દેખાય છે. જેમ કે — લગ્નની સગાઈ, માંડવસરોવર (મંડપ), ચોક (સાથિયા), પીઠી, સ્વાગતની રીતો વગેરે. વળી પાઘડી બાંધવી, કંકુની ટીલી (ચાંદલો), મુહૂર્ત, ચોખાનું મિશ્રણ, દીવો, સોપારી, ઘઉં, નારિયેળ, દૂધ, ગાંઠિયો (હળદર), સુતરનો દોરો, ફૂલો વગેરેનો ઉપયોગ ભારતીય સંસ્કૃતિ સાથેના તાણાવાણા બતાવે છે. વળી સોહાગણો (સૌભાગ્યવતી) દ્વારા જ પીઠીની વિધિ ત્રણ દિવસ સુધી કરાય છે.

ત્યાર પછી દસ્તૂરો અને વડીલો દુઆ ગુજારે: "આજે લગ્નના કામો (પ્રસંગ) શરૂ કીધો છે, તે પાક દાદાર “અહુરમજદ” તમો હસી-ખુશીથી પાર પાડજો." વળી ત્યાર પછીની રીતરસમો (વિધિઓ), મજાક-મસ્તી અને ગમ્મતને ખાતર ખાઈ-પીને આનંદમાં રહી, પૂરી કરવા દુઆ આપજો.

બીજો દિવસ: વરધવડા બનાવી, વરધની રીતે પાંચ (૫) સોહાગણો પાણી ભરેલા દોરીયા (લોટા), કંકુ, લોબાન, સુતરના સાત (૭) આંટા મારી, ચોખા, નારિયેળ, પાન, સોપારી, બદામ, ફૂલો વગેરે સાથે સજાવી આતશ પધરાવી પગે લાગી, કાચા ઈંડાની વિધિ પૂરી કરી પગે લાગી દુઆ ગુજારે અને રાત્રે પીઠીની વિધિ કરવી.

ત્રીજો દિવસ : આદરણીની વિધિ. દસ્તૂરો અને વડીલોને પૂછી, લોબાન અને સુખડ મૂકી આતશ પધરાવી, પગે લાગી, પરણતા જોડા સાથે બધાંએ ઘરે જઈ તમામ ચીજ-વસ્તુની આપ-લે કરવી. કવર આપવાની પ્રથા ચાલુ રાખવી. રાત્રે પીઠીની વિધિ કરવી. આ દિવસ આરામનો છે.

ચોથો દિવસ: શાદી મુબારકનો છે.

વડીલોએ પરણતા છોકરા-છોકરી સાથે જાનમાં સાક્ષીઓ સાથે સમયસર પહોંચી જવાનું છે. પહેલાં બંને દસ્તૂરો, છોકરી અને વડીલો સ્ટેજ પર આવે. બે વ્યક્તિઓ વચ્ચે પડદો પકડશે, પછી છોકરો અને વડીલો સ્ટેજ પર આવે. ત્યાર પછી લગ્નની પવિત્ર ક્રિયા ચાલુ થાય.

છોકરા-છોકરીના હાથમાં ચોખા આપી, હાથ મિલાવી સામે-સામે બેસાડે. દસ્તૂરજી બંનેની મંજુરી પૂછી, બંનેને એકબીજા પર ચોખા નાખવા કહે. ત્યાર પછી સાત (૭) વખત સુતરના આંટા મારી સાથે બેસાડે અને લગ્નની વીંટી એકબીજાને પહેરાવે, આશીર્વાદ આપે અને લગ્ન વિધિ પૂર્ણ થયા પછી બંનેએ દસ્તૂરજી અને વડીલોને પગે લાગી આશીર્વાદ લઈ આતશ બહેરામ / અગિયારી જવું.

લગ્ન રજીસ્ટ્રેશન માટે સહીઓ કરવી. ત્યાર પછી સ્ટેજ પર બેસવું જેથી બધા મળી શકે. ત્યાર પછી લગ્ન જમણવાર લેવા જવું.




મરણોત્તર વિધિ

મરણક્રિયાને પારસીઓ ખૂબ ધાર્મિક વિધિપૂર્વક મનાવે છે. પહેલાં મરનારની આંખો બંધ કરીને મરનારના સ્નેહીઓ પવિત્ર કલામ ભણે છે. થોડીવાર પછી પવિત્ર સ્નાન કરાવી તેને ધોયેલા સૂકા કપડાં વીંટાળી જમીન પર મૂકે છે અને તેની ફરતે અમુક કલામ ભણતાં ભણતાં પાંચ વર્તુળો દોરે છે. થોડે દૂર એક પાત્રમાં અગ્નિ રખાય છે.

સગદીદ (સગ = કૂતરો, દીદ = જોવું, બતાવવું): આ વિધિમાં એક કૂતરાને લાશ પર તેની નજર પડે એમ ઉભો રખાય છે. કોઈ બુરી શક્તિ દેખાતાં કૂતરો ભસે યા રડે છે.

લાશને દોખ્મામાં (Tower of Silence) મૂકવામાં આવે છે. દોખ્મા ગોળાકાર ચોતરો છે જે ઉપરથી ખુલ્લો હોય છે. ત્યાં ગીધ પક્ષીઓ લાશનું ભક્ષણ કરે છે. વધેલાં હાડકાં દોખ્માની અંદરના કૂવા જેવા સૂકા ખાડામાં નાખવામાં આવે છે. દેહને દરેક બાજુથી તડકો મળે તેમ ગોઠવાય છે.

પારસીઓ મૃતનો આત્મા ઘરમાં ત્રણ દિવસ અને ત્રણ રાત રહેતો હોવાનું માને છે, તેથી સગાઓ અગિયારીમાં જઈ ત્રણ દિવસ સતત સવાર-બપોર-સાંજ બંદગી કરે છે.

ચોથા દિવસે આત્મા નવી દુનિયામાં એક પુલ વાટે જાય છે. ત્યાં ત્રણ ફિરસ્તાઓ હોય છે:

  1. સરોષ યઝદ: માણસના સારા-ખરાબ કર્મોની નોંધ વાંચી સંભળાવે છે.
  2. રશ્નયઝદ: તે ત્રાજવાના બે પલ્લામાં સારા અને બૂરા કામ મૂકી જે પલ્લું નમે તે જુએ છે.
  3. મહેર દાવર (દાવર = ન્યાય): ન્યાયાધીશ ઈન્સાફ આપે છે. સારા કામો વધારે કરનાર બહેશ્ત (સ્વર્ગ) માં અને બૂરા કામો વધારે કરનાર દોજખ (નરક) માં જાય છે. સારા અને ખરાબ કામ એકસરખા કરનાર સ્વર્ગ અને નરકની વચ્ચેની જગ્યા 'હમેસ્તગાન' માં જાય છે.

ચોથા દિનની ક્રિયા પછી મરણ પછીના દસમા દિવસે, એક મહિને (માસિયો), છ મહિનાના દિને અને વરસ પૂરું થવાના દિને (વરસી) જેવી ખાસ ક્રિયા કરવામાં આવે છે. ગુજરી જવાના ચોક્કસ દિવસે, દર મહિને પણ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે.

 

 

 

જરથોસ્તી ધર્મના ઉપદેશો

"જેટલો સમય તું જીવતો રહે તેટલો સમય તું સંપૂર્ણ ખુશહાલ જીવન જીવજે."

બે રસ્તા છે : એક ભલાઈનો (સારો) અને બીજો બૂરાઈનો (ખરાબ). જેવો રસ્તો પસંદ કરશો તેવું ફળ મળશે — ભલાને ભલું ને બૂરાને બૂરું.

  • જરથુષ્ટ્રે પવિત્ર જશન (યજ્ઞ)ની ક્રિયા કરતાં મળેલી વસ્તુમાંથી પવિત્ર ફૂલ પાદશાહ ગુસ્તાસ્પના ભાઈ જામાસ્પને સુંઘાડ્યું, તેથી તેઓ ત્રિકાળજ્ઞાની બન્યા. તેમણે લખેલું ભવિષ્યવાણીની આગાહીનું પુસ્તક પોતાના નામ જામાસ્પ પરથી 'જામાસ્પી' કહેવાયું.
  • પહેલાં 'માઝદયસ્ની' તરીકે ઓળખાતો ધર્મ પાછળથી 'જરથોસ્તી' ધર્મ કહેવાયો. આ ધર્મનું મૂળ છે — એકેશ્વરવાદ. દરેક પારસી બાળક રોજિંદી પ્રાર્થનામાં ભણે છે: "હું સારા વિચાર, સારા વચન અને સારા કર્મોમાં આસ્થા રાખું છું." (હુમત, હુખ્ત, હુવરેશ્ત). આ જરથોસ્તી ધર્મનું એકરારનામું છે. તેમાં ચાર સિદ્ધાંતો છે: ૧. અહિંસા, ૨. ધર્મ અને દેશના રક્ષણ માટે ઝઝૂમવું, ૩. દાનવૃત્તિ અને ૪. પવિત્રતા.
  1. અહિંસા: સંપૂર્ણપણે અહિંસક પારસીઓ સહિષ્ણુતા અને પ્રેમલાશથી મૈત્રી જાળવે છે. જરથોસ્તી વટલાવીને કોઈને પોતાના ધર્મમાં લેતા નથી.
  2. ધર્મ કે દેશના રક્ષણાર્થે ઝઝૂમવું — મરી ફીટવું: આરબોએ મુસ્લિમ ધર્મની બળજબરી દ્વારા તેમને વટલાવવા માંડ્યા (કુરાન કે તલવાર), ત્યારે ઈરાનીઓ ઈરાન છોડીને ટોળી બનાવી જર્મની, ચીન અને ભારત આવ્યા. ભારતમાં પારસીઓ યાદવ રાણાની પરવાનગીથી સંજાણ બંદરે રહ્યા. સંજાણમાં આતશ બહેરામ (ધર્મનું મંદિર) બાંધ્યું. પવિત્ર અગ્નિની રક્ષા કાજે અગ્નિને બહરોટ પર્વતની ગુફામાં ૬૦-૭૦ વર્ષ રાખ્યો. પછી સુરત, નવસારી, વલસાડ લઈ છેવટે ઉદવાડામાં "ઈરાનશાહ" નામથી પવિત્ર અગ્નિ રાખ્યો.
  3. સખાવત - સ્વાર્થત્યાગ - દાનવૃત્તિ (Charity): "સુખ તેને કે જેનાથી સુખ બીજાને." સખાવત મનથી, શબ્દથી અને કર્મથી થઈ શકે છે.
  4. પવિત્રતા -  ચોખ્ખાઈ: પવિત્રતા બંને મનની અને તનની. મનમાં સારા વિચાર કે સર્વની ભલાઈની ઈચ્છા કરવી તે મનની પવિત્રતા, અને નાહીધોઈને શરીર સાફ રાખવું તે તનની પવિત્રતા.
  • સચ્ચાઈ: કોઈપણ સંજોગોમાં, કોઈપણ સ્થળે સાચું બોલવાનું ફરમાન છે.

અગિયારી — અગ્નિનું સ્થળ

અગ્નિ મારફતે ખુદાની પૂજા - અગ્નિ મારફતે તેને પેદા કરનાર ખુદાની પ્રાર્થના. આમ પારસીઓ અગ્નિપૂજક નથી, પણ અગ્નિ મારફતે ખુદાની બંદગી કરે છે. અગ્નિની જેમ પાણી, સૂર્ય, ચંદ્ર સમક્ષ ઉભા રહી ખુદાની બંદગી કરે છે. અગ્નિ પોતાની સ્તુતિ કરનારને સુખાકારી બક્ષવા ખુદાને અરજ કરે છે: "તારી આખી જીંદગી બધો સમય ખુશ રહેજે.

 

પેગંબર જરથુષ્ટ્રની ગાથા — ગાયનો-ગીતો:

વર્ષના ૩૬૦ દિવસ પૂરા થયા પછી ૩૬૧ થી ૩૬૫ દિવસો (ગાથાના દિવસો) માં દરરોજના પાંચ ઉપદેશો છે:

  • ૩૬૧) અહુનવઈતી: ઈશ્વરીય ઈચ્છા — પવિત્રતાનો રસ્તો, દાન અને ઉદ્યમનું મહત્ત્વ સમજાવતો ભક્તિભાવ.
  • ૩૬૨) ઉશ્તવઈતી: સુખદાયક — બીજાઓને સુખી કર્યા પછી જ સુખી થવાય છે.
  • ૩૬૩) સ્પેન્તા મઈન્યુ: ફાયદો કરનારી દૈવી શક્તિ — અદીઠ દૈવી શક્તિ માણસને સુખ, આબાદી, શાંતિ અને પૂર્ણતા આપે છે.
  • ૩૬૪) વોહુ ક્ષથ્ર: પવિત્ર ઈચ્છા શક્તિ (Divine Will Power) — ખુદાએ કરેલી મફત બક્ષિસો (હવા, પાણી, જમીન, અગ્નિ, વૃક્ષો, જાનવરો અને ધાતુઓ) માટે ખુદાની બંદગી-પ્રાર્થના કરી આભાર માનવો, ઋણ સ્વીકાર કરવો (Thanksgiving).
  • ૩૬૫) વહીશ્તોઈશ્તી: સંપૂર્ણ શુભેચ્છા — ઈશ્વરેચ્છા, સંપૂર્ણ પવિત્રતા અને પવિત્ર આત્માની યાદ.

પારસી મહિનાના દિવસો:

પૃથ્વીનું સંચાલન ખુદા અને તેના છ હિતિચ્છ ફિરસ્તાઓ દ્વારા થાય છે. (કુલ સાત)

  • દિવસ ૧) હોરમઝદ = ખુદા-ઈશ્વર. માનવીઓ ખુદાની હકૂમત દેખરેખ અને સંચાલન હેઠળ છે. ખુદા રક્ષક, પોષક અને સંહારક છે.
  • દિવસ ૨) બહેમન = માનવ સિવાયની દરેક જીવંત હસ્તીનો સર્વોપરી = ભલું મન, દયા, પ્રેમ, મિત્રાચારીની લાગણી.
  • દિવસ ૩) અર્દીબહેસ્ત = આતશ (અગ્નિ)ના ધર્મના મંદિરો, સૂર્ય, ચંદ્ર, તારા અને પ્રકાશનો સર્વોપરિ.
  • દિવસ ૪) શહેરેવર = દરેક જાતની ધાતુ-ખનિજો - વાસણોનો સર્વોપરિ.
  • દિવસ ૫) સ્પેન્દારમદ = નમ્રતા (Humility) - ગરીબને મદદ કરવી, સખાવત (દાન), દુઃખમાં સહભાગી થવું. જમીન પર સર્વોપરી ફિરસ્તો.
  • દિવસ ૬) ખોરદાદ = સંપૂર્ણતા - Perfection. દરેક જાતના પાણી-નદી, સરોવર-તળાવ, દરિયા, કૂવા-વાવ તથા ઝરા જેવા પાણીનો સર્વોપરી.
  • દિવસ ૭) અમરદાદ = અમરત્વ (Imortality) ઝાડપાન, શાકભાજી, ફળ, છોડ, ઝાડ, વેલા વિગેરે ઝાડપાનનો સર્વોપરી.

મને ખાત્રી છે કે આ માહિતી દ્વારા આપને પારસીઓ અને તેમના ધર્મની વિગતો સંપૂર્ણપણે મળી ગઈ હશે.


ડૉ. ભરતચંદ્ર દેસાઈ

બીલીમોરા


Older Posts Home

POPULAR THIS WEEK

  • સીમંત - સીમંતોન્નયન સંસ્કાર
    હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું ...
  • અનાવિલ સમાજ અને લગ્નો
    લગ્નની ઈચ્છા ધરાવનાર અનાવિલ, લગ્ન કરવામાં કેમ સફળ થતાં નથી? એ વિષે મનોમંથન કરીએ. બધી રીતે યોગ્ય ઉમેદવારો લગ્નની પરીક્ષામાં કેમ ઝળહળતી સફળતા ...
  • [Video]: વરિષ્ઠ નાગરિકનું જીવન દર્શન
    સિનિયર સિટીઝન ટ્રસ્ટ વિજલપોરની 15મી વાર્ષિક સભાના અવસરે દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના પ્રમુખ ર્ડો ભરતચંદ્ર દેસાઇનું પ્રવચન (નવસારી કૃષિ ...
  • વસિયતનામું (Will)
    વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને ક...
  • નેત્રયજ્ઞો અને હું
    ૧૯૭૫માં મેં પહેલું મોતીયાનું ઓપરેશન કર્યા પછી ૨૦૨૫ સુધી પચાસ વર્ષ દિવસ-રાત આંખના સર્જન તરીકે સમાજસેવા કરી. ત્યાર પછી ૨૦૨૫માં સંપૂર્ણપણે નિવૃ...
  • વારસદાર (Legal Heir)
    હિન્દુ વસિયતનામું લખ્યા/બનાવ્યા સિવાયના, હિન્દુ મૃતકના વારસદારો નીચે મુજબ ગણાશે. હિન્દુ પુરુષ મૃતક   CLASS-I LEGAL HEIRS:  પુત્ર / પુત્રી વિ...
  • Three Decades Of My Nomadic Experience
    I recently read the novel "Pyramid of Virgin Dreams" by Vipul Mitra. He affectionately described the pains and pleasures of multip...
  • મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭
    Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭  ભારતમ...
  • પૈસા કમાવા ભણતર નહી, ગણતર જરૂરી છે
    પૈસા કમાવા ભણતર નહી, ગણતર જરૂરી છે. મારી જીવનયાત્રા (આત્મકથા) - ગોવિંદ ધોળકિયા Diamonds are forever. So are morals.  From nothing to everyth...
  • From Myopia to Dry Eyes: Smartphone Vision Risks
    The widespread use of digital devices like smartphones, computers, and televisions has become an essential part of daily life across all age...

Categories

addiction 7 ahmedabad 3 anavil 19 art 2 bangalore 2 behavior 8 biography 14 birthday 1 blindness 3 blogging 3 body 4 book 35 buddhism 4 camera 2 career 4 cataract 1 change 1 charity 1 childhood 3 children 25 china 1 christianity 5 city 4 cleanliness 1 commitment 1 communication 4 community 4 computer 4 conflict 1 courtesy 2 crime 1 culture 16 cyber world 3 daughters 6 death 16 dedication 1 devotion 1 diet 1 doctor 8 education 10 emotions 8 english 1 environment 1 ethics 1 exercise 3 expectations 3 eye 10 eye-bank 3 eye-care 9 eye-donation 5 facebook 12 family 42 Featured 1 festival 1 fiction 3 finance 4 fitness 6 food 3 formality 2 friendship 17 gadgets 3 God 6 gujarat 24 habit 7 happiness 4 hatred 1 health 16 help 1 hinduism 30 history 26 hospital 1 hospitality 1 human-eye 5 humanity 2 husband 1 india 36 inheritance 2 inspirational 1 internet 3 islam 5 jainism 1 japan 2 jealousy 1 karma 3 kashmir 1 language 2 law 3 legal 3 library 1 life 53 lifestyle 8 literature 4 loneliness 1 love 10 luck 2 manners 4 marriage 19 medical 7 meditation 6 mental 1 mind 23 money 10 mother 6 movie 1 mumbai 1 mythology 2 nationalism 2 nature 3 nostalgia 1 novel 2 old-age 21 opinion 3 pakistan 9 parents 27 Parsi 2 partition 1 parvati 1 patient 2 people 74 philosophy 1 photography 2 politics 6 power 3 prejudice 1 privacy 2 professionalism 4 pune 1 reading 3 relations 22 religion 35 respect 2 retirement 2 review 30 rituals 7 safety 3 school 1 security 2 service 3 shiva 4 sleep 1 social media 19 society 53 speech 11 spiritual 13 stress 5 success 1 taoism 2 technology 6 television 1 terrorism 1 testament 1 tradition 1 travel 17 twitter 2 unique 1 video 8 wedding 5 wife 4 will 1 women 6 work 5 writing 1 yoga 4 youth 3 zoroastrian 1 ગુજરાતી 81
Powered by Blogger

ABOUT THE AUTHOR

An ophthalmologist by qualification and profession, Dr. Bharatchandra Desai loves reading about history, religion, and spirituality. He has written about them and also about 'Anavils' at length.

ABOUT THE BLOG

When I started writing on my blog, I used to ask myself if I should write at all. If yes, why? I would like to share my views on this topic with you.
I write for myself. This may sound egoistic, but it is self-explanatory as well. Because I want freedom from my thought cycle, I get mental catharsis by just writing out whatever it is. While having some serious events with myself, say the death of my mother first and then father, writing down makes a record of my emotions at a given time which I’m never going to repeat.
I do write for my daughter Vaishali, son Rahul and their friends. I want to tell my experiences and let them know about me. I have done this in Life At 60 article series – it is my mini-autobiography, telling all about me. Article on Marriage, Parents in old-age homes, etc. are other such articles.

SUBSCRIBE & FOLLOW

Copyright © Dr. Bharat Desai's Blog. Designed by OddThemes