બકુલાબેન ઘાસવાલાએ ફેસબુકમાં 'હોમાય વ્યારાવાલા - તેમની સાથેનાં સંભારણાની શબ્દછબિ' પુસ્તક પરિચય કરાવ્યો, ત્યારે શ્રોતા તરીકે મને પુસ્તક વાંચવાની તીવ્ર ઈચ્છા થઈ એ તેમની સફળતા કહેવાય. પછી તો પુસ્તક ખરીદવાની ઉતાવળ, શોધ અને છેલ્લે બધા પ્રયત્નો પછી ઈચ્છિત પુસ્તક પ્રાપ્તિ અને નવા સંબધોની શરૂઆત – નવા મિત્રની શોધ એમ કહું તે યોગ્ય જ રહેશે. પુસ્તક પરિચયો મેં ઘણા લખ્યા છે. હમણાં હમણાં તો એક જ દિવસમાં પુસ્તક વાંચી, બીજે જ દિવસે પ્રતિભાવ લખવાની નવી ટેવ પડી છે. પુસ્તક પરિચય કરાવનારે પોતાની વાત કેટલી મર્યાદામાં કરવાની છે, તે મને ખ્યાલ હોવા છતાં શરૂઆત મારી વાતથી જ કરીશ. ૧૯૬૧–૬૩ ના ગાળામાં હું મહેમદાવાદ રહેતો હતો. ત્યાં વેરાઈમાતાના મંદિરની બાજુમાં આવેલા તાલુકા પંચાયત સ્ટાફ ક્વાટર્સમાં રહેતો અને થોડે જ દૂર આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ પાંચ, છ અને સાત ભણતો હતો. હવે લગભગ ૬૦ વર્ષ પછી બધુ નહીં છતાં ઘણુ બધું યાદ છે – મોટો દરવાજો અને હોસ્પિટલ નજીક આવેલી પ્રાથમિક શાળા, ગામની વચ્ચે આવેલી વાવ, વાત્રક નદી કિનારે વિશિષ્ટ બાંધણી વાળી ભવ્ય કબર, રોજારોજી, ભમ્મરિયો કૂવો અને ઘણુબધું. બે મહિના પહેલાં શ્રી ...