-->

Ophthalmologist

Reader

Blogger

Indian

30 May, 2021

આગિયાનું અજવાળું - પુસ્તક પરિચય
આ પુસ્તક મારા મિત્ર સુરેશભાઈની આત્મકથા છે. આત્મકથા લેખનનો તદ્દન નવીન પ્રયોગ હોવા ઉપરાંત શરૂઆત કર્યા પછી એકધારું વાંચ્યા જ કરવાનું મન થાય એવું આ પુસ્તક છે. 

આત્મષ્લાઘા અને પારકાની ટીકા દ્વારા પોતાની મહાનતા બતાવવાનું જોખમ દરેક આત્મકથામાં હોય છે. એટલે કે પોતાની વાત કરતાં કરતાં બીજાનું ચરિત્રહનન લગભગ સ્વાભાવિક મનાતું હોય છે. સરળ હ્રદયના લેખક આ બંને દોષોથી મુક્ત રહી શકયા છે.

આત્મકથાનું શીર્ષક જ કથાનકનો પાયો છે. અજવાળું-પ્રકાશ-રોશનીના ઉદ્દગમસ્થાનમાં સૌથી નાનું પ્રાપ્તિસ્થાન આગિયાને યાદ કરીને લેખકની નમ્રતાનું આપણને પ્રથમદર્શન થાય છે. કોઈ મહાનતાના દાવા વગર જ આપણા મનસપટલ ઉપર પોતાની મહાનતા દેખાય આવે છે.

લેખક શ્રી સુરેશભાઈ દેસાઈને હું ઓળખતો થયો એમના ચર્ચાપત્રોથી અને ત્યારપછી એમના સંપાદિત સાપ્તાહિક “પ્રિયમિત્ર” થી છેલ્લા વીસ વર્ષથી એમ કહું તો ચાલે, પણ આ આત્મકથા ત્યાં પૂરી થાય છે. એટલે કે એમના જીવનના પહેલા 54 વર્ષોની મારે માટે અજાણવાતો અહીં મને મળી. હું એમને ચર્ચાપત્રોનો પ્રતીભાવ પત્રથી લખતો. એમનું સાપ્તાહિક “પ્રિયમિત્ર” માં જીવનદર્શન આધ્યાત્મ–રેશનાલિઝમ અને ચિંતન-હ્રદયસ્પર્શી રીતે તંત્રીલેખમાં પ્રદર્શિત થાય અને સિનેમા વિષે વિગતવાર વર્ણન આપતી માહિતી આવે. ત્યારે મને થતું કે આવા જીવનવીમાના કર્મચારી સાહિત્યચિંતન અને વિચારોનું ઊંડું મનોમંથન કઈ રીતે કરતાં હશે ? ‘આગિયાનું અજવાળું’ એ સવાલનો જવાબ છે. બાળપણથી વાંચનનો શોખ, અભ્યાસમાં સંસ્કૃત વિષય, અંગ્રેજીનો અભ્યાસ અને વાંચન એમને આપણાથી ઊંચા લઈ જઇ એક મહાન વિચારક અને સ્પષ્ટવક્તા એવા લેખક બનાવે છે. 
 

પુસ્તકની શરૂઆતમાં પ્રો.અશ્વિન દેસાઈ એ ખૂબ સરસ રીતે સાહિત્યિક શૈલીમાં લેખકનો અને તે રીતે પુસ્તકનો પરિચય દરેક અડતાલિશ પ્રકરણ આવરી લે એ રીતે કરાવ્યો છે, તેમણે યોગ્ય જ કહ્યું છે કે પોતાની ‘સાધારણતા’ માં રહેલી “અસાધારણતા” ને પામવાનો વિનમ્ર પ્રયાસ પુરૂષાર્થ માન પ્રેરે તેવો બની રહે છે. કોઈ મોટો વિવાદ જગાડવાના કે ‘પર્દાફાશ’ કરવાની મનોઋગ્ણતાભરી સ્થિતિથી કથાનાયક દૂર રહી શક્યા એ સ્વાસ્થતા અને સમતુલા પણ આવકાર્ય બની રહે છે.

૧૭૯ પાનામાં વિસ્તરેલી ૪૮ પ્રકરણોની આ આત્મકથામાં વિગતો તો છે જ પણ તે કરતાં વધારે સ્વાનુભાવના વર્ણન પછી તેનું વિષ્લેષણ અને માનસિક મનોભાવ ખૂબ આકર્ષક બની રહ્યા છે.

અનાવિલો વિષયક લેખ (પ્રકરણ-૧૫) જેવુ પ્રમાણિક-જ્ઞાતિનું અને તેથી પોતાના સમાજનું-ચિત્રનું વિવેચન ખૂબ પ્રશંસનીય અને સમાજ માટે માર્ગદર્શક બની રહે છે. “હમસચ્ચાઈ” અને “આપવડાઈ” જેવા કુલક્ષણો ધરાવતા અનાવિલો સુધરશે ? મુશ્કેલ છે.

લેખકની પ્રમાણિકતા ઘણાબધા વર્ણનોમાં દ્રષ્ટિપાત થાય છે. તે ખરેખર પ્રશસનીય અને માણવાલાયક છે. ઘરે પૈસાની ચોરી-ગામમાંથી નવાપુરમાં મિત્રમંડળી સાથે મળી ૧, ડોલ-દોરડું, ૨, ચંપલો અને ૩, દુકાનમાંથી અવારનવાર નાળિયેરની ચોરીનું વર્ણન અને કબૂલાત ગાંધીજીની આત્મકથાથી સુરેશભાઈની વાતને ઘણા જ ઉપર ઊર્ધ્વગામી લઈ જાય છે.

ભાષાનો આડંબર કે જટિલતા લેખકને જરૂરી નથી લાગતી તેઓ સરળ સમજાય એવી ભાષાના વર્ણનમાં પોતાની વાત અને વિચાર સરસ રીતે રજૂ કરી શકયા છે.

પ્રથમ ધુમ્રપાન ની કબૂલાત અને માના ઠપકાની ગેરહાજરી બાળકને કેટલું નુકશાન કરી શકે તે દરેક માબાપે જાણવા-સમજવા જેવુ છે. હા, બાળપણમાં કરેલા મદ્યપાને તેમને દારૂડિયા નથી બનાવ્યા તે બાબત ખરેખર પ્રશંસનીય છે.

પારાવાર ગરીબીએ તેમને બાળપણથી જ ઉદ્યમી બનાવ્યા છે. નવાપુરમાં શનિવારી હટવાડા બજારમાં અઢી વર્ષ નો ઉદ્યમ અને કમાવા માટે કરાતી ચાલાકીનું વર્ણન- આદિવાસી ગરીબોની બીજા ચાલાક ગરીબ દ્વારા શોષણ વિગેરે વાંચીએ તો જ સમજાય. અનાજ લેતી વખતે મોટું માપિયું, વેચતી વખતે વધારે વજન કરતું ત્રાજવું અને અનાજમાં કાંકરીવાળી માટીની ભેળસેળનું વર્ણન ખૂબ નમ્રતા માંગે, બાકી કોણ પોતાની નબળાઈ આ રીતે બતાવે. ?

મિત્ર ‘જેમી’ ના દીકરાની નવજોતમાં વહેવારમાં આપવાના અગિયાર રૂપિયા ન હોવાની લાચારીને કારણે ગેરહાજરી કદાચ ગરીબીના પ્રત્યક્ષ અનુભવી સિવાયનાને ન સમજાય. કોલેજમાં તૂટેલી ચંપલ સાથે છુપાતા ઘરે જવાનો અને ફાટેલા શર્ટનો શાળાનો અનુભવના વર્ણનો આપણી સગાંઓની તકલીફો માટેની બેફિકરાઈ નથી ?

પુસ્તક પરિચય વખતે લેખકની સાથે સાથે પોતાની વાત ના હોય એ જાણવા છતાં એમની માં અને મારી પત્નીની માની સરખામણી ક્ષમ્ય ગણશો. સુરેશભાઈની એક વર્ષની ઉંમરે પિતા અવસાન પામ્યા ત્યાર પછી તેમની છઠ્ઠી ભણેલી માં ભણીને સાતમું ધોરણ પાસ કરે છે અને શિક્ષિકા બની પોતાનો અને બાળકનો જીવનનિર્વાહ કરે છે. બરાબર એવી જ રીતે મારા પત્ની ભાવનાનાં પિતા અને જન્મ પછી તરત જ અવસાન પામે છે, ત્યારપછી માં ઇન્દુબેન એસ.એસ.સી. ભણેલા તે અભ્યાસ આગળ ધપાવી ડોક્ટર બની ને ત્રણ બાળકો મોટા કરે છે. તે વાત બન્ને ને ગૌરવવંતીત કરે છે. તે વાત અને બન્ને મોસાળમાં જ મોટાં થાય તે વાત આપના સમાજની નામોશી ન કહીયે તો શું ? મરેલા ભાઈના કુટુંબની દેખરેખ બાકીના સભ્યો કેમ નથી સ્વીકારતા અને ફક્ત મોસાળનો- પિયરનો-જ સહારો એકમાત્ર આધાર હોય એ આપણી નિર્બળતા છતી કરે ત્યારે લેખકનો સમાજ માટે આક્રોશ આસ્થાને નથી.

પુત્ર શર્મનનું અકસ્માતમાં નાની વયે મૃત્યુ અને ત્યારપછી લેખકનું વર્ણન-કદાચ આપણે સમજી ન શકીએ. ભગવાન કોઈને આવું જીવન ભરણું સહેવાનું ન આપે.

પુસ્તક પરિચય પુસ્તક કરતાં લંબાણ ન થઈ જાય એટલા માટે અટકું છું. બાકીની વાતો એમના જ શબ્દોમાં વર્ણવી છે.

જન્મનું પ્રથમ વર્ષ એંધલ, પછીના આઠ વર્ષ મોસાળ આટમાં, ત્યારપછી એક વર્ષ નંદુરબાર અને આઠ વર્ષ નવાપુર, ફરીથી આટ-આમરી-આટ અને છેલ્લે નવસારીમાં સ્થાયી થયેલ લેખક ભટકતું જીવન (Nomadic Life) જીવ્યા છે, ત્યારે તેમનો અનુભવ એમને વિચારક-ચિંતક ન બનાવે તો જ નવાઈ.

ચાલો, થોડી વાતો સીધેસીધી જાણીએ.
 • ૪૦ - શનિવારી હાટમાં નવાપુર વેપારના અઢી વર્ષ : સંજોગો સાથે હાર સ્વીકાર્યા વિના પડી આખડીને ઊભો થતાં હું આ અઢી વર્ષો પાસેથી શીખ્યો. 
 • ૪૨ - નવાપુરના બાળપણના મહામુલા સાત-આઠ વર્ષો વાંદરીનું બચ્ચું વંદરીને વળગે એમ મને વળગ્યાં. 
 • ૪૭ - કોલેજ અભ્યાસ દરમ્યાન આટ એકલા રહેવું પડ્યું ત્યારે, આજુબાજુના અનાવિલો એ ખાધું છે કે ભૂખ્યો છે એ જાણવાની તમા ના રાખી. જાતે રસોઈ કરવાનું અને એકલા બેસી જમવાનું ખૂબ કપરું હતું. 
 • ૫૦ - બાળપણ ભૂલીને જીવનની જંજાળ અને ઉપાધીઓમાં વ્યક્તિ એવી અટવાઈ જાય છે કે ચિંતા, નિરાશા, અભ્યાસ અને હતાશા સિવાય એની પાસે કઈં રહેતું નથી. બાળપણ જેના હૈયામાં જીવે છે એ વ્યક્તિની નિર્મળતા, ભોળપણ, રમતિયાળપણું પણ આજીવન ટકી રહે છે. 
 • ૫૨ - યુવાસ્થામાં વાંચન-ફિલ્મો અને ફિલ્મીગીતોનો શોખ હતો. નાણાંભીડ અને લઘુતાગ્રંથિ બેડીથી હું બધાયેલ હતો તેથી યુવાનની ગર્મજોશી, ખુદ્દારી કે અલ્લડપણાં સિવાયનું મારૂ યુવાન એ કુંઠિત યૌવન હતું. 
 • ૫૬ - એંધલની પોતાને ભાગે પડતી ૨૦ વીંઘા જમીન જ્ઞાતિબંધુ પડાવી ગયા ત્યારે કોર્ટનો અનુભવમાંથી શીખ્યા, કોર્ટ કચેરીના ધક્કા ખાવાને બદલે થોડું નુકશાન વેઠીને પણ પ્રતિવાદી સાથે સમાધાન કરી લેવું એ શ્રેષ્ઠ રસ્તો છે. 
 • ૧૦૨ - વિતેલા વર્ષો દરમ્યાન કરેલો સંઘર્ષ, એ દુ:ખ, એ પીડા, એ લાચારી અને અકિંચન હોવાની એ વેદનાને હું યાદ કરું છું ત્યારે મનમાં કોઈ કણસ નથી ઊપડતી બલ્કે ફરીથી માણવાની તિતિક્ષા આજે પણ મનને તરસ્યું તરસ્યું કરી મૂકે છે. 
 • ૧૦૩ - આપમેળે રસ્તો શોધવાનું ખમીર મારા એ સંઘર્ષભર્યો વર્ષો એ મને આપ્યું હતું. 
 • ૧૧૭ - સારી બાબતો કોને કહેવી એ મતાંતરનો વિષય છે. પરંતુ બીજી કોઈ વ્યક્તિને નુકશાન ના કરે, બીજાના મનમાં દુ:ખ ઊભું ન કરે અને આપણને આનંદ આપે એને હું સારી બાબત ગણું છું. મંદિરોની ચાર દીવાલમાં બેઠેલા ઈશ્વર કરતાં વૃક્ષો, પર્વતો, સરિતા સાભાર પ્રકૃતિક વાતાવરણમાં ઈશ્વરનું વજૂદ કે અસ્તિત્વ મારે માટે વધારે સ્વીકાર્ય બની રહ્યું છે. 
 • ૧૩૯ - લેખકે જીવન વીમા, ઉચ્ચ અધિકારી પદ સાથે સંગઠન (Union) ના અને અનાવિલ સમાજમાં કાર્યકર્તા તરીકે જવાબદારી નિભાવી છે. સંગઠનના નૈતૃત્વનો કેફ નશીલા પદાર્થો થી ઓછો નથી. તેમનો બન્ને જગ્યાએ (નમુનેદાર સેવાઓ, સમયના અને કુટુંબજીવનના ભોગે આપી હોવા છતાં) અનુભવ સારો નથી. 
 • ૧૬૬ - ગુજરાતમિત્રની બુધવારની પૂર્તિમાં ધમાચકડી શીર્ષક હેઠળ હાસ્યકોલમ લખી. હાસ્યલેખનના સર્જનમાં થોડી તાણ જરૂર રહેતી, પરંતુ એ તાણ પ્રસૂતાની મીઠી વેદના જેવી હતી. માણસનું હાસ્ય બહુધા દુ:ખ અને પીડામાંથી જન્મેલું હોય છે. મારૂ દુ:ખ અને મારી પીડા જ મારા વિનોદી લેખોનું કારણ બન્યા. 
 • ૧૭૪ - મુંબઈના તબીબોનો મારો અનુભવ તબીબી વ્યવસાય તરફ તિરસ્કાર ઉપજાવે એવો હતો. તગડી ફી વસૂલતી મુંબઈની હોસ્પિટલોમાં ગંભીર રોગોના દર્દીની પૂરતી કાળજી લેવાતી નથી. 
 • ૧૭૮ - My best years are yet to come. આપણે ધીમેધીમે અદ્રશ્ય થતાં જોઈએ છીએ અને નવાગંતુકોના રૂપમાં જીવંક્રમ ચાલતો રહે છે. ફરી એ જ શૈશવ, એ જ યૌવન, એ જ ઘડપણ એ જ સંઘર્ષ, એ જ સ્વપ્નો, એ જ સુખની તરસ, એજ અતૃપ્તિ અને એ જ આભાસી સંતૃપ્તિ. 



આ આત્મકથા મારી, તમારી અને આપણી વાતોના સંગ્રહ છે. તેથી લેખક આપણાં મનમાં એક “મહાનુભાવ” હોવાથી ખૂબ હ્રદયસ્પર્શી બની છે. આત્મકથા લેખક જીવનની કરૂણ ગરીબીની તકલીફો એકલપંડે સહન કરતાં હોય ત્યારે મદદરૂપ ન થવાની સમાજની નિર્લજ્જતા તેમને સમાજદર્શન કરાવી આક્રોશ રજૂ કરવા પ્રેરે તે સ્વાભાવિક છે.

પંદરમાં પ્રકરણનું ‘અનાવિલ જ્ઞાતિ’ નું વર્ણન આખેઆખું લખવાનું મન છે, છતાં થોડી વાતો જાણીએ.

અનાવિલ જ્ઞાતિ:
 • ૧. આખાબોલાપણું એ અનાવિલોની વિચાર શુન્યતાની બહુ નજીકની પરિસ્થિતી છે. આમ આખાબોલાપણું દ્વારા સામેની વ્યક્તિને વ્યથા પહોંચાડતો અનાવિલ કઈ રીતે સારો કહેવાય? 
 • ૨. ટેકીલાપણું એ અનાવિલોનું મિથ્યાભિમાન છે. 
 • ૩. આળસ એ અનાવિલ પ્રજાનું મોટામાં મોટું અપલક્ષણ છે. 
 • ૪. આર્થિક સંકડામણમાં જમીનનો ટુકડો વેચીને ગાડું ગબડાવવાની દાનત અનાવિલોની પડતી થવાનું મુખ્ય કારણ બની રહી છે.   
 • ૫. અદેખાઈ પણ ભારે ભૂંડી, પોતાના જ્ઞાતિબંધુનું સુખ એનાથી દેખ્યું ન જાય. એની બદબોઈ કરે. 
 • ૬. પૈસાપાત્ર અનાવિલમાં ગરીબ અનાવિલને મદદ કરવાની ભાવના બિલકુલ જોવા ના મળે. 
 • ૭. ગરીબ માબાપની દેખાવડી, સંસ્કારી, સુશિક્ષિત છોકરીને વહુ તરીકે અનાવિલ યુવાનના માબાપનો અહમને ઠેસ પહોંચાડતી મે જોઈ છે. ની:સહાય, દુ:ખી, અને આર્થિક રીતે પીડાતા અનાવિલ સાથે કોઈ સંબંધ રાખતું નહીં. 
 • ૮. બડાઈ મારવી-દુનિયાની ફિકર કરવી એ અનાવિલનું સામૂહિક લક્ષણ છે. 
આ બધુ જોતાં જક્કી, જિદ્દી, બડાઈખોર, મિથ્યાભિમાની સ્વકેન્દ્રી અને આળસુ અનાવિલ જ્ઞાતિનો આર્થિક અને સામાજિક ક્ષય અત્યારે તો નિશ્ચિત જ જણાય છે.

હજુ ઘણી બધી વાતો કહેવાનું મન છે, પણ તે લાલચ ને છોડી સમાપન કરું.
આત્મકથા દ્વારા સંઘર્ષ કરતાં સુરેશભાઈ ના શરૂઆતના ચોપન વર્ષ આપણને વિગતવાર અને જીવનનો સાર સમજાવતા વાંચવા મળ્યા. જીવન વિષે એમનો ભાવ કોઈ ઉપદેશ વગર બસ મનોમંથન કરતાં કરતાં જાણવા મળે એનાથી રૂડું શું?
બીજી આત્મકથા-આત્મકથા ભાગ-૨ ની વિનંતી કરી શકાય? આપણી મિત્રતા એટલો હક્ક તો આપણને આપે જ છે, તે આપે ત્યાં સુધી ‘પ્રિયમિત્ર’ દ્વારા એમને સાંભળતા-સમજતા રહીએ.   

ચાલો સુરેશભાઈને પ્રણામ સાથે શુભેચ્છાઓ પાઠવતા રહીએ.

ડો. ભરત દેસાઈ 
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
તા. ૩૦-૦૫-૨૧

I write for myself. This may sound egoistic but it is self-explanatory as well. Because I want freedom from my thought cycle, I get mental catharsis by just writing out whatever it is. While having some serious events with myself, say the death of my mother first and then father, writing down made a record of my emotions at a given time which I’m never going to repeat.

0 Comments:

Post a Comment

Contact Me

Address

Desai Eye Hospital, 1 - Hiren Apt, Bilimora 396 380 India

Phone number

(+91) 2634 284620 / 21

Website

www.drbharatdesai.com