Showing posts with label old-age. Show all posts

મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭

Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007
મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭ 

ભારતમાં રહેતા, ભારતના વરિષ્ઠ નાગરિકોના હક્કો માટે, ૨૦૦૭ માં ભારત સરકારે બનાવેલ કાયદો. 



I. વ્યાખ્યાઓની સમજૂતી 
  1. બાળકો (Children): પુખ્ત વયના પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રી 
  2. ભરણપોષણ (Maintenance): ખોરાક, કપડાં, રહેઠાણ અને માંદગીમાં હાજર રહી સારવાર. 
  3. મા-બાપ (Parents): ખરા મૂળ મા-બાપ કે સાવકા માબાપ 
  4. મિલકત (Wealth, Property) : દરેક જાતની મિલકતો પોતાની, વારસાગત, સ્થાયી કે અસ્થાયી (movable or immovable) 
  5. સગા (Relatives): બાળક વગરના મા બાપના કાયદેસરના વારસદારો (Legal heirs) 
  6. વરિષ્ઠ નાગરિક (Senior Citizen): ૬૦ વર્ષથી ઉપરના ભારતના નાગરિકો 
  7. સારું જીવન (Welfare): ખોરાકની વ્યવસ્થા,આરોગ્યને લગતી કાળજી અને વરિષ્ઠ નાગરિકની વસ્ત્રો, આનંદ-પ્રમોદ અને બીજી જરૂરીયાતો. 
  8. સમિતિ (Tribunal): કલમ ૭ મુજબ ભરણપોષણની વ્યવસ્થા માટે રચાયેલી સરકારી સમિતિ. 

II. Maintenance of Parents and Senior Citizens

માં-બાપ અને વરિષ્ઠ નાગરિકોનું ભરણપોષણ – રખરખાવ. 
  1. કલમ-૫ મુજબ, પોતાની આવક અથવા મિલ્કતમાંથી પોતાનો જીવન નિર્વાહ ચલાવવા અક્ષમ (Unable) મા-બાપ કે વરિષ્ઠ નાગરિક 
    • મા-બાપ કે દાદા – દાદી પોતાના ઉમરલાયક(Major) એક કે વધુ બાળકો અને 
    • નિ:સંતાન મા-બાપોના કાયદેસર વારસ(Clause-G of Section 2) વિરુદ્ધ અરજી કરી શકશે. 
  2. સંતાનો કે બીજા વારસદારોની ફરજ(Obligation) મા બાપ કે વરિષ્ઠ નાગરિક સગાં સાધારણ જીવન જીવી શકે જોવાની છે. 

III. અરજી : Application for Maintenance

પોતાની આવક કે માલમિલકતમાંથી સાધારણ જીવન (Normal Life) ન જીવી શકાતા માં-બાપ કે વરિષ્ઠ નાગરિક સમાજસેવી સંસ્થા (Voluntary Organisation) સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ, ૧૮૬૦ દ્વારા નોંધાયેલ સંસ્થા અથવા સરકારી ત્રિબ્યુનલ (Tribunal) ને અરજી કરશે. 
  1. કેસ પતે ત્યાં સુધી, વચગાળાનું ભરણપોષણ (Interim Maintenance) આપવાનું ત્રીબ્યુનલ સમય-સમયે નક્કી કરી આપશે. 
  2. કેસ નિકાલ: અરજી કાર્યથી ૯૦ (નેવું) દિવસની સમયમર્યાદામાં ત્રીબ્યુનલે કારણો જણાવ્યા પછી, વધારે ૩૦ (ત્રીસ) દિવસમાં ચુકાદો આપવાનો રહશે. 
  3. સજા: બાળક ઉપરોક્ત ઠરાવેલ રકમ, માં-બાપને ન આપશે અથવા ન આપી શકશે અને ત્રીબ્યુનલ દંડ (fine) કરશે. અને ત્રીબ્યુનલ(Warrant) મોકલીને ખુલાશેા માંગી એક મહિનાની કે ચુકવણી કરે ત્યાં સુધી –જે વહેલું હોય તે મુજબ કેદ (Imprisonment) ની સજા કરશે. 

આશા રાખીએ ઉપરોક્ત માહિતીનો ઉપયોગ કરવાની જરૂરિયાત આપણે ન પડે.

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે. 
  • વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે 
  • વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે. 
  • વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ. 
  • વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ.



પ્રોબેટ (Probate)

Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession Act, 1923 Section 212(2) મુજબ પ્રોબેટ મેળવવું ફરજિયાત છે ફરજિયાત નથી વસિયત બાબતે તકરાર કે કાનૂની કાર્યવાહી થવાની શક્યતા હોય તેવા સંજોગોમાં પ્રોબેટ વહેલી તકે લેવું સલાહકારક છે. આ માટે કોર્ટ ફી અને વકીલ ફી નો ખર્ચો લાગે છે.

રજીસ્ટેશન (Registration): સબસજીસ્ટ્રારની ઓફિસમાં વસિયત રજીસ્ટર કારાવી શકાય છે. રજીસ્ટ્રર કરાવવું મરજિયાત છે.

Registration Act, 1908 મુજબ વસિયત રજીસ્ટર કરાવવું ફરજિયાત નથી. આમ છતાં, રજીસ્ટ્રેશન કરવી લેવું સલાહકારક છે.


વસિયતનામા માટેની જરૂરીયાતો 
  1. ઓળખ (Identity): વસિયત કરનારની ઓળખની માહિતી નામ, સરનામું, ઉમર અને ધર્મ વિગેરે આપવું જરૂરી છે. 
  2. આ વસિયત પોતે કરેલ આખરી(Last) વસિયત છે. એવી જાહેરાત (Declaration) જરૂરી છે. 
  3. લાભાર્થી (Beneficiaries) બાબતે સ્પષ્ટ માહિતી અને તેની સાથેનો સંબંધ જણાવવું ફરજિયાત છે. વસિયતમાં કોને કેટલા ભાગ આપવો છે. તે વ્યવસ્થિત રીતે દર્શાવવું પડે છે. 
  4. વસિયતનો અમલ મૃત્યુ પછી થશે, તે જણાવો. 
  5. વસિયતનો અમલ કરનાર વ્યક્તિ(Executor) નું નામ લખો -જોકે આ નિમણૂંક જરૂરી લાગે તો જ કરવું. મરજિયાત છે. 
  6. સાક્ષીની સહી: લાભાર્થી સાક્ષી ન બને તે કાળજી લઈ, બે સાક્ષી તેમની હાજરીમાં લખાણ કરનારે સહી કરી છે એવું જણાવી સહી કરવી. સાક્ષીની ઓળખની સાબિતી આપવા આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ કે એવા ફોટાવાળા ઓળખપત્રો જોડવું. 
  7. સાક્ષી ૧૮ વર્ષથી ઉપરથી વધારેનો અને માનસિક રીતે સ્વસ્થ્ય હોવો જરૂરી છે. સાક્ષી લખાનારની ઉમર કરતાં ૫૦% નાની ઉમરનો હોય તે અને પ્રતિષ્ટિત સંબધી હોય તે યોગ્ય છે. 
  8. વસિયત બનાવનારના જીવન દરમિયાન વસિયતમાં ગમે તેટલી વાર ફેરફાર કે નવેસરથી વસિયત બનાવી શકાય છે. હા, આ છેલ્લું વસિયત છે અને અગાઉના વસિયત રદબાતલ કર્યાની નોંધ અચૂક કરવી. 
  9. આમ આપણે, 
    • a) વસિયત બનાવનાર વ્યક્તિ (Testator) 
    • b) વસિયત અમલ કરનાર (Executor) ( ફરજિયાત નથી) 
    • c) લાભાર્થી (Beneficiary)અને 
    • d) બે સાક્ષીઓ(Witnesses) વિષે જાણ્યું. 
  10. મીડિકલ રિપોર્ટ: વસિયત લખનારનું આરોગ્ય – માનસિક સંતુલન સમર્થ હતું. તે બાબતનું ડોક્ટરનું પ્રમાણપત્ર જોડાવું સલાહકારક છે. 
  11. વસિયતનો મુદ્દો વ્યક્તિ પોતે- જાતે બનાવી શકે છે. જરૂરી લાગેતો સારા વકીલ-કાયદાથી પરિક્ષિત અથવા માર્ગદર્શન પુસ્તક માંથી માહિતી મેળવી શકે છે. 
  12. વસિયત બનાવવું ફરજિયાત નથી, પરંતુ તેનાથી વારસદારોને મિલકત પોતાની નામે કરવામાં સરળતા રહે છે. અને આપની મિલકતનિ વિગતવાર સાચી માહિતી મળે છે. 

વસીયતનામાની અમલ માટેની વિધિ
  1. મૃત્યુનું પ્રમાણપત્ર(Death Certificate): સુધરાઈ, મ્યુન્સીપાલ કોર્પોરેશન કે ગ્રામપંચાયત કચેરીમાંથી મરનારનું મૃત્યુનું પ્રમાણપત્ર વહેલી તકે મેળવો. 
    • પ્રમાણપત્રમાં વ્યક્તિનું નામ, ઉમર, સરનામું વગેરેની વિગતો બરાબર હોવાની ખાત્રી કરો. 
    • પ્રમાણપત્રમાં આધારકાર્ડ નંબરની નોંધ કરાવો. 
    • મરણનું કારણ (Cause of Death) વ્યવસ્થિત અને ખરું લખાયેલ છે, તેની ખાત્રી કરો. 
    • આ પ્રમાણપત્રની જરૂર મુજબ ઘણીબધી મૂળ નકલ (Original Copy) માંગો. 
  2. પ્રોબેટ- જરૂરી લાગે તો જ, કોર્ટમાંથી પ્રોબેટ મેળવો. 
  3. વારસાઈના નામો અને વિગતોનું કાયદાકીય પ્રમાણપત્ર મેળવો. 
  4. વાહન - વાહન બાબતે આર.ટી.ઓ. (RTO) ને મરનારની વિગત મોકલી જરૂરી કાર્યવાહી કરો. 
  5. નોકરીના સ્થળે માહિતી પહોંચાડો. અગ્નિસંસ્કાર પેટે મળતાં નાણાંની માહિતી જાણી યોગ્ય કાર્યવાહી કરો. 
  6. બેંકના ખાતા જ્યાં હોય ત્યાં જણાવી-યોગ્ય કાર્યવાહી કરો. બેંકમાં કોઈ જાતનો વીમાનો લાભ હોય તો, યોગ્ય કરો. ક્રેડિટ - ડેબિટ કાર્ડ સાથેના વીમાની માહિતી મેળવી યોગ્ય કરો. 
  7. વાહન અકસ્માતમાં મૃત્યુ થયું હોય તો, Motor Vehicle Amendment Act, 2019 મુજબ આર્થિક લાભ મેળવો. 
  8. વીમા યોજનાની માહિતી કઢાવી, વળતર મેળવો. 
  9. LIC મળતું હોય તો, ફેમિલી પેન્શન કાર્યવાહી કરી મેળવો. 
  10. બધા લાભાર્થીઓ સાથે ચર્ચા કરો, ભાગ વહેંચવાની કાર્યવાહી કરો. 

વસિયતનામામાં સમાવવાની મિલકતોની માહિતી 
  1. સ્થાયી મિલકતો: ઘર જમીન દુકાન વિગેરે. 
  2. આર્થિક વિષયો: ફિક્સ ડિપોઝિટ, શેર, મ્યુચ્યુઅલ ફંડ, પી.પી.એફ. વીમા પોલિસીઓ, બેંકના લોકર અને ખાતાઓની વિગતો. 
  3. અસ્થાયી મિલકતો: વાહનો-કાર-સ્કૂટર, સોનુ ચાંદી વિગેરે 
    • વારસાગત મિલકતો પોતાને નામે થયા પછી જ પોતાની ગણાશે. 
    • ભારત દેશની બહારની મિલકતો માટે અલગથી વસિયત બનાવવું 

વસિયતના લાભાર્થીઓ

પોતાના સગા બાળકો, સાવકા બાળકો, માં બાપ, દાદા દાદી, બીજા સગાંઓ, મિત્ર ઉપરાંત દાન આપવાની ઈચ્છા હોય તેવા માણસો, મંદિર, શાળા, હોસ્પિટલ, ટ્રસ્ટ વગેરે વ્યક્તિ પોતાની મિલકત કોઈપણને પોતાની ઈચ્છા મુજબ વસિયત દ્વારા આપી શકે છે.

મેડિકલ સર્ટિફિકેટ

જરૂરી નથી, પણ સાવચેતીના પગલે પગલાં તરીકે ફેમિલી ડોક્ટર પાસે માનસિક સ્થિરતા-યોગ્યતા-દર્શાવતું સર્ટિફિકેટ જોડાવું હિતવા છે.

સ્ટેમ્પ પેપર જરૂરી નથી

હાથે લખાયેલ વસિયત કાયદેસર જ છે પરંતુ મોટા અક્ષરે સ્પષ્ટ વાંચી શકાય તે રીતે ટાઈપ કરવું સલાહકારક છે.

Executor વસિયતનો અમલ કારવાનાર વ્યક્તિ

માનસિક સ્વસ્થતા ધરાવનાર -૧૮ વર્ષથી ઉપરની કોઈપણ એક કે વધારે વ્યક્તિને એક્ઝિક્યુર બનાવી શકાય છે. પોતાના વિશ્વાસપાત્ર મિત્રો કે સગાંને બનાવી શકાય. એક્ઝિક્યુટર બનાવવું ફરજિયાત નથી. આવા વસિયતના અમલ માટે કોર્ટમાંથી પ્રોબેટ લેવું જરૂરી છે.

Minor (સગીર) ૧૮ વર્ષથી નીચેના બાળકો 

Indian Majority Act (Section) 1875 મુજબ અઢાર વર્ષથી નીચેની ઉંમરના બાળકો સગીર વયના ગણાશે. 
  • સગીર માટે Code of Civil Code Procedure, 1908 મુજબ Guardian વાલીની નિમણૂક કરવાની રહેશે. 
  • કોડીસીલ Codicil પુરવણી- ઉમેરો. Addendum જુના પહેલા બનાવેલ વસિયત સાથે ઉમેરાવામાં આવતી પુરવણી ને કોડીસીલ કહે છે. તે દ્વારા ફેરફાર, ઉમેરો કે કાઢી નાખવું વીગેરે ફેરફાર કરીને જોડાવામાં આવે છે.




 

નમુનાનું વસિયતનામું                                                   Sample WILL

                                                                

·      હુ _______________ નો  ___________ પુત્ર / પુત્રી ધર્મ ____________ ઉમર ____________ હાલનુ સરનામું ________________________________________

સ્વસ્થ મગજ અને યાદ શક્તિ (Sound Mind and Memory) સાથે જાહેર કરું છું કે આ મારુ છેલ્લા માં છેલ્લું વસિયત નામું (Last Will) છે.

·      આ અગાઉનું વસિયત નામું રદ (Cancel) કરું છું.

·      મારા લાગતાવળગતા બધા સગાં સંબંધીઓને આ વસિયત નામાના સન્માનરૂપે અમલમાં સહભાગી થઈ સહકાર આપવા વિંનતી કરું છું. અને આ વસિયતનામામાં  કોઈપણ જાતનો ફેરફાર ન કરવા કે અમલમાં કાનૂની, સામાજિક જે બીજી કોઈપણ જાતની અડચણો ન ઊભી કરવા આગ્રહ કરું છું. મારી મરજી મુજબ મારી મિલકતો વહેંચાય તે જોવા લાગતા વળગતા દરેક સંબંધીઓ ને સલાહ છે.

I My Immediate Family મારા નજીકના કુટુંબીઓની વિગતો

૧) Spouse: જીવન સાથી __________

મારા ધર્મ પત્ની / પતિ __________ છે અને તેમની ઉમર _____ છે. રહેઠાણ ____________________________ સરનામે છે.

૨) મારા પુત્રો / પુત્રીઓ ની વિગત નીચે મુજબ છે ( Sons / Daughters)


પુત્ર -૧  નામ-_________________ ઉમર________ હાલનું સરનામું____________________

પુત્રી-૨  નામ-_________________ ઉમર________ હાલનું સરનામું____________________

પુત્રી-૩  નામ-_________________ ઉમર________ હાલનું સરનામું____________________

૪) તેમના બાળકોની વિગત નીચે મુજબ છે. (Grand Children)

૧ નામ-_________________ ઉમર________ હાલનું સરનામું____________________

૨ નામ-_________________ ઉમર________ હાલનું સરનામું____________________

૩ નામ-_________________ ઉમર________ હાલનું સરનામું____________________

(II) Executor and Beneficiary

1)    આ વસિયતનામાં સાથે આપેલ વિગત મુજબ અને તે સિવાયની મારી દરેક મિલકતો પોતે મેળવેલ (Self-acquired) છે.

2)  આ સર્વ મિલકતોના વર્ણન માં થોડીઘણી ભૂલ હોય તો, તેનાથી વારસના હક્ક ને કોઈ વાંધો આવતો નથી (Not. The Dispositions, Even with mistake)

3)  આ સાથેની યાદી સિવાયની ભવિષ્યમાં (in future) અમને મળનારી મિલકતો પણ વારસને મળવાપાત્ર છે.

4)  વહીવટકર્તા – પ્રતિબંધક (Executor)

આ વ્યક્તિ / વ્યક્તિઓ

૧) નામ _________________ ઉમર________ સરનામું_________________________

૨) નામ _________________ ઉમર________ સરનામું_________________________

મારા વસિયતનામાના અમલ માટે કોઈપણ જાતના બંધન વિના મુક્ત રીતે ઉપરોક્ત વહીવટ કર્તા/ કર્તાઓ મિલકતની વહેંચણી કરશે.

5)  વહીવટકર્તાની કરતાની નિમણૂક મરજિયાત છે(Optional).

6)  વહીવટકર્તાઓને વહેચણી માટે જરૂરી બધી સત્તા હું આપું છું. અને યોગ્ય લાગે તે કાનૂની કાર્યવાહી કરી કોર્ટનો ઓર્ડર(Probate) મેળવવા વિનંતી કરું છું.

(III) વસિયતનામુ (Will)

1)   મારા મરણ પછી મારા પતિ કે પત્ની (Wife / Husband) મારી યાદીમાં વર્ણવેલ દરેક મિલકતની સિધી / સીધા વારસદાર બનશે

2)  મારા બંનેના પતિ-પત્નીના મૃત્યુ બાદ અમારા ઉપરોક્ત વર્ણવેલા વારસદારો સરખે ભાગે મિલકતના હકદાર બનશે.

નોંધ: આ બાબતે દરેક વસિયતકાર પોતાની ઈચ્છા મુજબ વારસદારોને અથવા અન્ય કોઈપણ ને પોતાની સ્વઅર્જિત (Self-acquired) મિલકત વધારે કે ઓછી આપી શકશે. વડીલોપાર્જિત મિલકતો કાયદા મુજબ દરેક વારસદારને અચૂક મળશે.

(IV) Separability (ભાગ)

1)    આ મિલકતનો કોઇપણ ભાગ કોર્ટ અયોગ્ય ઠરાવી નહીં શકે એવું હું ખાસ સૂચન (Direct) કરું છું.

2)  કદાચ કોર્ટ કોઈ મિલકતને ભાગ માટે અયોગ્ય ઠરાવે(Invalidate) તો પણ, તે સિવાયની બાકીની મિલકતોનો ભાગ વહેંચી શકાશે.

3)  આ મારુ અંતિમ(Last) વસિયતનામું(Will) છે.

4)  આ વસિયતનામું મારી સ્વતંત્ર મરજીથી (Voluntarily) અને મુક્તપણે (Free) વિચારીને કોઈપણ જાતના દાબદબાણો કે અસરો (influence) સિવાય સ્વસ્થ માનસિક (Sound Mind and Health) સ્થિતિમાં કરું છું.

5)  હું પુખ્ત વયનો છું. અને કાનૂની રીતે(Legally) વારસદારોને આપવા લાયક મિલકતોનો કાયદેસર માલિક છું.

 

Testator (વસિયતનામુ કરનાર)નું નામ___________________________

વસિયતનામું કરનારની સહી________________

તારીખ__________________

બે સાક્ષીઓની હાજરીમાં ઉપરોક્ત સહી કરવામાં આવી છે

સાક્ષી ૧ સહી__________________

તારીખ_________________

નામ સરનામું ____________

સાક્ષી ૨ સહી__________________

તારીખ_________________

નામ સરનામું ____________

વસિયતનામાં સાથે જોડાવાની માહિતી

1)  


Deposits (જમા પૈસાની વિગતો)            જમા રકમ

F.D. – ફિક્સ ડિપોઝીટ                      બેંકનું નામ

Savings Account -                 સરનામું, ખાતામાં નામો અને પ્રકાર

2)  સ્થાયી મિલકતો (Immovable Properties) વર્ણનનું મિલકતોનું વર્ણન- વિસ્તારનું નામ -સરનામું ઘર નંબર- જમીનમાં ૭/૧૨ અને ૮-અ દાખલા

3)  જર ઝવેરાત(Jewelry) સોના-ચાંદી-હીરાના સિક્કા ઘરેણાની વિગતો

સોનાની બંગડી________ નંગ _______________ગ્રામ વજન

સોનાનો હાર__________ નંગ _______________ ગ્રામ વજન

સોનાનું મંગળસૂત્ર__________ નંગ____________ ગ્રામ વજન

સોનાની વીંટી _____________નંગ____________ વજન

સોનાની ચેઈન______________ નંગ____________ વજન

તે જ રીતે વિગતવાર બધી જ વસ્તુઓનું વર્ણન.


બેન્કનો લોકર નંબર- બેંકનું નામ - સરનામું દરેક વપરાશ કારોના નામ

4)  શેર-                         શેરની સંખ્યા        

    મ્યુચ્યુઅલ ફંડ                કંપનીનું નામ

પી.પી.એફ                   ડિમેટ એકોઉન્ટની વિગતો.

એન.એસ.એસ

આર્થિક સલાહકાર(Invetment Firm)

હિસાબ રાખનાર(C.A) તથા બધા જ રોકાણકારોની વિગત.

5)  વિમાઓ Insurance –પોલિસીનિ વિગત-અંક સંખ્યા-પાકવાની તારીખ લાભાર્થી ના નામો.

6)  પરચુરણ રોકાણો (MISCELLANEOUS)  કાર-સ્કૂટર વિગેરે વાહનો, કમ્પ્યુટર, ટીવી, ફર્નિચર તે સિવાય યોગ્ય લાગે તેની ખાસ નોંધ લેવી.

 

નોંધ:-

૧) આ ફક્ત નમૂનાનું વસિયત નામું છે. દરેકે પોતાની ઈચ્છા મુજબ લખાણ કરીને સ્વતંત્ર વસિયતનામું બનાવવું.

૨) દરેક પાનાં ઉપર વસિયતનામું કરનારે સહી કરવી.

૩) સાદા કાગળ ઉપર વસિયત કરી શકાય. પોતાની અને બે સાક્ષીઓનિ સહી ફરજિયાત છે.

૪) સ્ટેમ્પ પેપર ઉપર, નોટરી કરાવીને અને રજીસ્ટાર પાસે રજીસ્ટ્રશન કરાવીને વસિયતને વધારે પ્રમાણિત કરી શકાય –પણ આ બધુ જ મરજિયાત છે.

૫) વસિયતનામું લૉકર કે બીજી સલામત જગ્યાએ સાચવીને મૂકવું.

૬) Codicil – (વધારો) મૂળ વસિયતનામું (Original Will ) સાથે ઉમેરણ કે સાધારણ ફેરફારનો પત્ર ઉપરોક્ત ત્રણે સહીઓ સાથે જોડી શકાય, પરંતુ આ કરતાં નવું વસિયત કરવું સહેલું

રહેશે.


[Video] દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના દ્વિતિય મહાસંમેલનના અવસરે પ્રમુખશ્રી ડૉ. ભરતચંદ્ર દેસાઈનું વક્તવ્ય

દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના દ્વિતિય મહાસંમેલનના અવસરે પ્રમુખશ્રી ડૉ. ભરતચંદ્ર દેસાઈનું સ્વાગત પ્રવચન 
૨૬ મે, ૨૦૨૪ 
સોમનાથ મંદિર સંકુલ, બીલીમોરા


'વૃદ્ધાવસ્થા' શ્રેણીના બીજા લેખો અને વક્તવ્યો



[Video] શ્રી દક્ષેશ ઠાકરનું પ્રવચન “સુખનું સરનામું”

દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘ - દ્વિવાર્ષિક મહાસંમેલનના અવસરે મુખ્ય વક્તા પ્રિન્સિપલ શ્રી દક્ષેશ ઠાકરનું પ્રવચન 
સુખનું સરનામું” 
૩૧ ડિસેમ્બર, ૨૦૨૩
બીલીમોરા





વૃદ્ધાવસ્થા શ્રેણીના બીજા વ્યક્તવ્યો:

[Video]: દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘ મહાસંમેલનના પ્રમુખનું વક્તવ્ય

તારીખ 31/12/2023 મહા સંમેલનમાં પ્રમુખશ્રીનું સ્વાગત પ્રવચન 




આજના સમારંભમાં યજમાન સિનિયર સિટીઝન ક્લબ, બીલીમોરાના પ્રમુખશ્રી ડૉ.પ્રી. નલીનીબેન, આજના પ્રસંગના મુખ્ય વક્તા પ્રિ. દક્ષેશભાઈ ઠાકર, તત્કાલીન પૂર્વ પ્રમુખ અને પેટ્રન શ્રી દિનેશભાઈ, પૂર્વ પ્રમુખો શ્રી સુરેશભાઈ તથા શ્રી નટુભાઈ, મારા ત્રણ ટેકઓ-આધારસ્તંભો ઉપપ્રમુખશ્રી દિનેશભાઈ, હરીશભાઈ અને જતીનભાઈ, મારા ડાબા-જમણા હાથ જેવા મંત્રીશ્રી હરીશભાઈ તથા ખજાનચીશ્રી અનંતભાઈ સહમંત્રી પ્રફુલ્લાબેન સંગઠનમંત્રી કિરણભાઈ સહખજાનચી ગિરીશભાઈ મિસ્ત્રી, સક્રિય કારોબારી સભ્યો-પ્રો. જયેશભાઈ પ્રિ. જીતેન્દ્રભાઈ, નલીનીબેન, કિરીટભાઈ આર.જે.પટેલ, રાજેન્દ્રભાઈ, અજીતભાઈ તથા ભાણાભાઈ આમંત્રણને માન આપીને પધારેલ મહેમાનો અને જેમનો હું પ્રમુખ છું એવા 12000 સભ્યો અને 35 ક્લબોનું દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના 700 થી વધારે મારા સન્માનનીય સભ્યો, ધર્મપત્ની ડૉ. ભાવના, પુત્રી વૈશાલી, બહેનો અરુણા- કુમુદબેન, મિત્ર દેવવ્રત, કૌશિકભાઈ, ભત્રીજો દેવલ અને વહુ શિવાની. સાદર વંદન.

આપ સૌનો નતમસ્તકે પૂરી નમ્રતા સાથે, હૃદયના ઉમળકા સાથે હું અને અમે સૌ આયોજકો દિલથી સ્વાગત કરીએ છીએ.

આપણે સૌ ઉત્સવ પ્રિય લોકો છે ત્યારે આ બે વરસે યોજાતું મહાસંમેલન- સ્નેહસંમેલન બિલકુલ યોગ્ય જ છે.

2004 માં શ્રી બાલુભાઈ લાડ, કૃષ્ણકુમાર વાણી અને રજનીકાંત દેસાઈ જેવા નવસારીના ઉત્સાહી મિત્રોએ આ સંઘ રચ્યો- ત્યારપછી અંકલેશ્વરના ઝવેરભાઈ કે. મોદી અને સૂર્યકાંત પરીખે સુકાન સંભાળ્યું. ત્યારબાદ ફરીથી નવસારીના સુરેશભાઈ દેસાઈ અને છેલ્લે બારડોલીના શ્રી દિનેશભાઈ સી. દેસાઇ આપણા નેતા બન્યા અને કાર્યવાહી આગળ ધપાવી. નવસારી, વ્યારા, બારડોલી ફરીથી નવસારી અને છેલ્લે વાપી ખાતે દ્વિવાર્ષિક સ્નેહસંમેલનો મળ્યા, લગભગ બે દાયકા સમાપ્ત કરવા જઈ રહેલ સંઘ ખૂબ ઉત્સાહિ- થનગનાટવાળા વડીલોથી ભરેલો છે.

મારી પ્રમુખ તરીકે વરણી થયા પછી થયેલ બે કારોબારી મિટિંગો અને આ સ્નેહસંમેલન પાસે સહ્રદય મિત્રતા અને પરસ્પર સન્માનપૂર્વક પ્રેમની અપેક્ષાઓ મેં જગાવી છે. સમૂહજીવનના અનુભવી આપણે ફરજિયાત એકલતાના ઊંડાણમાં ડૂબી રહ્યા છીએ ત્યારે અડધા દિવસનો સહવાસ- દક્ષિણ ગુજરાતના ખૂણે ખૂણે થી પધારેલ 700 ઉપરાંત વડીલો સાથે મુલાકાત-દર્શન અને પ્રેમનો અનુભવ યાદગાર દિવસ બનાવે તેનાથી વધારે રૂડું બીજું શું?

મારી માતૃ સંસ્થા અને યજમાન સંસ્થા સિનિયર સિટીઝન ક્લબ, બીલીમોરા વિષે બે વાત કરવું ઉચિત છે- કારણ કે લગભગ બધા જ સભ્યો ઉત્સાહ અને ખંતથી આ મહાસંમેલનમાં સક્રિય ભાગ લઈ રહ્યા છે.- તેમણે આપેલ કુલ ફાળો લગભગ બે લાખ નજીક પહોંચે છે ત્યારે વખાણવાના શબ્દો ખુટી પડે છે. ઉપપ્રમુખો નીતિનભાઈ પ્રમુખ ડૉ. નલીનીબેન હરીશભાઈ સુરેશભાઈ મંત્રીશ્રી ખજાનચી ડૉ. મીનુબેન ઉપરાંત 84 વર્ષના ઉત્સાહી યુવાનો પ્રો. બી.એચ. પટેલ અને પ્રો. જીકે પટેલ સહિતના સર્વે સભ્યોનો બિનશરતી સહકાર મારા જીવનને ધન્ય બનાવી દે છે.

આ સ્નેહસંમેલનના આયોજનનું નક્કી કરીને મિટિંગ સ્થળ, મુખ્યવક્તા ભોજન વ્યવસ્થા ગોઠવી દીધા ત્યારે મને એમ કે બધું જ થઈ ગયું- પણ વાત કંઈક ઓર જ છે- છેલ્લે મહિનાથી અથાગ મહેનત કરી રહેલા અમારા સૌમિત્રોને જોઈએ તો જ સમજાય- વાત એટલી સહેલી નથી અને નથી જ.

કદાચ કોઈ ત્રુટી રહી હોય તો અમારું ધ્યાન દોરીને દરગુજર કરશો એવી અભ્યર્થના- “વિસામો” પુસ્તકમાં છાપકામની ભૂલોનો અવકાશ છે- પણ દરેક સંસ્થાઓની કાર્યક્રમોની માહિતી વાંચશો કે પછી જ્ઞાનસભર લેખો વાંચશો તો ભૂલો અવગણવાનું ભારે નહીં પડે.

હવે આટલા અથાક પરિશ્રમનું ફળ જ જેવું મહાસંમેલન આપ ઉન્માદ-સ્મિત અને મોકળાશથી માણશો તો અમે સંતોષ પામીશું. આપના પ્રતિભાવની અપેક્ષા અસ્થાને નથી- મને ખાત્રિ છે કે આપસૌ સાનુકૂળ જવાબ મોકલશો. પ્રતીક્ષા રહેશે-

વડીલ મિત્રે ફોનથી સવાલ પૂછ્યો: આવા સંમેલનમાં જોડાવાનો ફાયદો શું?

ખૂબ જ સુંદર સવાલ છે- મારો જવાબ ખૂબ સરળ અને ટૂંકો હતો - આપણી ઉંમરના 250/- રૂપિયા ખર્ચવાથી 1000 માણસોના ચહેરા એકસાથે જોવા મળે- નિર્દોષ-પ્રેમાળ-હાસ્યની આપલે થઈ શકે- કદાચ ઓળખાણ કેળવાય- સુંદર મિષ્ટાનનું ભોજન અને ભેટો મળે- આનાથી વધારે બીજું શું જોઈએ? આમપણ- જીવનનો અર્થ- જીવનનો ફાયદો કે બીજા મનોમંથન છોડી,
  • સહજતા- Naturality
  • સરળતા- Straightforwardness
  • સાદાઈ- Simplicity
અપનાવીશું તો ચારે બાજુ આનંદ સુખ છે જ- બાકી ફાયદો શોધવાના હિસાબ કિતાબ છોડવા જેવા છે.
જીવનના અંતિમ પાડવામાં મિત્રો અવારનવાર મળવા માટે અવારનવાર નવા પ્રસંગો યોજાવા જરૂરી છે. આ મહાસંમેલન પછી શું? સાદો જવાબ- વહેલી તકે આવું જ બીજું અધિવેશન- મિત્રો, ૨૫૦ રૂપિયા સભ્યફી રાખીને ₹700 નો વ્યક્તિ દીઠ ખર્ચ કરવાનો હોય ત્યારે સમાજ પાસે દાનની ટહેલ નાંખવી પડે-

એકવાર કોઈ આપણી વાત સાંભળી મદદ કરે- પણ દર ત્રીજે દિવસે જઈએ તો જાકરો જ મળે-

તે નિવારવા લગભગ છ મહિના ની અંદર આવું બીજું આયોજન સંપૂર્ણ સ્વખર્ચે કરવું છે. ભાગ લેનાર દરેક પોતાનો ખર્ચ ભોગવે આપણે “વડીલો અને ટેકનોલોજીની દોસ્તી” બાબત શ્રી નરેશભાઈ કાપડિયાનો દ્વિપક્ષી વાર્તાલાપ અને સાથે DEV-100 દેવાનંદની જન્મશતાબ્દી નિમિત્તે સંગીતની મહેફીલ ગોઠવવું છે. આપ સૌ પધારશો જ એવી ખાત્રી છે. લાગણીઓના ઘોડાપૂર થનગનાટ હોય ત્યારે મનોભાવ ખુલ્લા દિલે કહેવા ખૂબ જ અનિવાર્ય છે.

  1. મારી ઈચ્છા દક્ષિણ ગુજરાતના વડીલોનું એક વિશાળ સંયુક્ત કુટુંબ બનાવવાની હતી. આપ સૌની હાજરી અને પ્રેમાળ પ્રતિભાવ જોતા હું કંઈક અંશે સફળ થયો હોવું એમ લાગે છે. આપ સૌ આજનો દિવસ સમૂહજીવન માણી- આનંદમાં ગાળો એવી શુભેચ્છા સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું.
  2. પ્રિ. દક્ષેશભાઈ ઠાકરને હું એકવાર મળ્યો છું- એકવાર તેમનો વક્તવ્ય માણ્યું છે.- કદાચ ત્યારથી જ તેમનાથી હું સંમોહિત થયો છું- આને જ LOVE AT FIRST SIGHT કહેવાય કે? શ્રી દિનેશભાઈ તેમનો પરિચય આપવાના છે- પણ તેમની વાતો જ તેમનો પરિચય છે- એમ હું કહું તો ખોટું નથી. દક્ષેશભાઈ આપનું ખાસ સ્વાગત છે.
  3. લગભગ બે દાયકા વિતાવેલ દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના પાયાના પથ્થરો લોહી સિંચીને વિકસાવેલે સંસ્થાના પૂર્વ પ્રમુખો શ્રી સુરેશભાઈ-દેસાઈ શ્રી દિનેશભાઈ દેસાઈ તથા શ્રી નટુભાઈ દેસાઈ નું હાર્દિક સ્વાગત છે.
  4. સંસ્થાના હોદ્દેદારોના નામ ધરાવતું કાગળ ફક્ત એક યાદી બનીને રહી જતું હોય છે, તેમાં અપવાદ તે અમારી કારોબારી- સક્રિય અને ઉત્સાહી ઉપપ્રમુખો શ્રી દિનેશભાઈ શ્રી હરીશભાઈ નાયક અને શ્રી જતીનભાઈ શાહ મારામાં ઉત્સાહ પ્રેરે છે અને સદાય સહાયક બનવા આતુર છે- તેવા ત્રણેયને હું આવકારું છું- નવા પ્રમુખ શોધવાની હવે તકલીફ નથી
  5. ઘણી જગ્યાએ મંત્રીશ્રી અને ખજાનચીશ્રીના નામો ખાલી શોભાના જ હોય છે- પણ અહીં તો મંત્રીશ્રી-સહમંત્રીશ્રી-સહજાનચી સૌ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે છે- તેમનું ખાસ સ્વાગત છે.- હરીશભાઈ અનંતભાઈ પ્રફુલ્લાબેન કિરણભાઈ તમારા વગર હું અધુરો જ છું. હું ભગવાનમાં અતૂટ શ્રદ્ધા ધરાવું છું. તેનું ઉદાહરણ તે સહ ખજાનચી શ્રી ગીરીશભાઈ મિસ્ત્રી- એમની કાર્યનિષ્ઠા જોઈએ તો જ સમજાય. ચાલો, આવો આપણે સમૂહમાં નેત્રદિપક કામગીરી બજાવીએ.
  6. આજ વાત કારોબારીના સર્વ સભ્યોને લાગુ પડે છે- પ્રો. જયેશભાઈ દેસાઈ પ્રો. આર. ટી. દેસાઈ અને પ્રિ. જીતેન્દ્રભાઈ દેસાઈનો કાર્યશૈલી મને ખૂબ જ પ્રભાવિત કરે છે.

શ્રીમતી નલીનીબેન, શ્રી કિરણભાઈ શ્રી આર.જે. પટેલ ડૉ. ઉમાકાન્ત શેઠ, શ્રી અજીતભાઈ ચૌહાણ તથા શ્રી ભાણાભાઈ તલાવીયાને અને આવકારું છું.

ચાલો, જીવનનો જીવનનો આગળનો પ્રવાસ આપણે હળીમળીને આનંદથી ખેડીએ. 

જય હિન્દ!




31 ડિસેમ્બર, 2023
બીલીમોરા 

[Video]: વૃદ્ધાવસ્થામાં જીવન



મને ખબર છે હું જેમની સાથે વાર્તાલાપ કરું છું તેઓ -
  • વડીલ (Elderly)
  • વરિષ્ઠ (Seniors) અને
  • વયસ્કો (Aged) છે.
મને ખબર છે તેઓ જીવનની તડકી-છાયડી જોઈ ચૂકેલા, અનુભવસિદ્ધ અને પ્રબુદ્ધ શિક્ષિત છે. ત્યારે સલાહ કે માર્ગદર્શનનો કોઈ અવકાશ નથી.

હું ફક્ત વૃદ્ધાવસ્થામાં જીવન અને મૃત્યુનું મનોમંથન રજૂ કરીશ અને આ વિષયક મારા વિચારો અને પ્રશ્નો રજૂ કરીશ. આથી તમારી વૈચારિક પ્રક્રિયાને ધક્કો લાગશે અને જવાબ તો મને ખબર જ છે!

સમૂહજીવન

બહુ લાંબે ન જતા, કદાચ ૫૦-૬૦ વર્ષો પહેલા ફક્ત આપણા બાળપણમાં, આપણે સૌ આઠ-દસ-પંદર વ્યક્તિઓ જેમાં દાદા-દાદી, મા-બાપ, ભાઈ-બહેન, કાકા-કાકી જેવા સૌ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. સમૂહજીવન આપણે માણ્યું છે. પરંતુ હવે પોતાના બાળકોથી જુદા રહેતા વૃદ્ધ માં બાપો હવે એકાકી જીવન જીવે છે.

ત્યારે,
  • એકલતા (Loneliness)
  • હતાશા (Depression) અને
  • દુ:ખની લાગણી (Unhappiness) સ્વાભાવિક છે.
વર્તમાનમાં પોતાનાને પારકા માનવાની ટેવે આપણને એકલપેટા અને સ્વાર્થી બનાવી દીધા છે.
  • શું આપણે કુટુંબના સભ્યોને કુદરતે આપેલ અણમોલ ભેટ માબાપ-ભાઈબહેન-સંતાનો સાથે એકરૂપ ન થઈ શકીએ શું?
  • શું આપણે આડોશી-પડોશીઓને પ્રેમભાવ, ઉદારતા અને પ્રામાણિક ભાવથી જીતી ન શકીએ?
  • શું એક નાનું પણ હૃદયના તાર ઝણઝણાવે એવું મિત્રમંડળ ન બનાવી શકીએ? સાથે વાતચીત કરીએ, લાગણીઓ અને સમસ્યાઓની ખુલ્લા દિલે ચર્ચા ન કરી શકીએ?
સાથે મળવું, પ્રવાસ કરવા, ચિત્ર નાટક- સિનેમા જોવા કે ઘરે અથવા હોટલમાં સાથે ભોજન ન કરી શકીએ?


પૈસા (Money Management)
  • વૃદ્ધાવસ્થામાં આપણે પૈસા કેમ સંગ્રહ કરી રાખીએ છીએ? ખર્ચવાથી કેમ ગભરાઈએ છીએ?
  • શું આપણે છેલ્લા સમયની માંદગીની સારવાર માટે મરણમૂડી તરીકે બચાવી રાખેલ છે? એ કામ તો મેડિક્લેમ દ્વારા પણ થઈ શકે.
  • શું આપણને ખાતરી છે કે મરણ સમયે વધેલા પૈસા સાથે લઈ જઈશું?
  • શું બાળકો સ્વમહેનતે જરૂર પૂરતી કે વધારે આજીવિકા માટે સક્ષમ નથી એવી ગેરમાન્યતા છે?
  • કદાચ બાળપણથી ગળથૂથીના સંસ્કાર મુજબ Simple living and high thinking ની માન્યતાને કારણે બચતને જ જીવન ધ્યે બનાવ્યો છે?

વિચારો

આનંદ, મોજમઝા, સુખ માટે ખર્ચ ક્યારે કરીશું?

મૃત્યુનું મનોમંથન: મૃત્યુ અવશ્યંભાવી છે. Death cannot be prevented. The truth is we are mortal. ત્યારે મૃત્યુનું માનપૂર્વક વિદાયનું આયોજન ફરજિયાત છે. તેની નોંધ, તે Medical Will કે Living Will! 

આખરી વિદાયના બે રસ્તા છે.
  1. હોસ્પિટલના ICU માં એકાંતમાં Ventilator, Gastric Tube, Catheter અને વિવિધ મશીનો વચ્ચે વિદાય લેવી છે? કે,
  2. ઘરે (at home) સ્વજનો વચ્ચે શાંતિથી, આનંદપૂર્વક, ‘I love you’ કે ‘I am sorry’ કહીને, વાતચીત કરતા કરતા પરમધામનો પ્રવાસ કરવો છે?
આ બાબતનો નિર્ણય, અપેક્ષા સ્વજનોને લેખિત કે મૌખિક કહેવાની કળા તે - મેડિકલ વીલ.

અહીં આપણે બે બાબતોનો નિર્ણય જણાવવાનું છે.
  1. સારવાર: અંતિમ તબક્કાની માંદગી સમયે (Terminal Illness) નીચે ચાર બાબતો હા કે ના કહેવું
    • DNR - DO NOT RESUSCITATE:
      • હૃદય બંધ પડે તો CPR કે કૃત્રિમ રીતે ચાલાવવું કે નહીં?
    • DNS - DO NOT SUPPORT:
      • ખાઈ ન શકાય એવી સ્થિતિમાં ખોરાકનળી (Gastric tube) કે પ્રવાહી દ્વારા IV FLUIDS આપીને દાખલ કરવો કે નહીં?
    • DNI - DO NOT INTUBATE:
      • અંતિમ સમયે VENTILATOR પર રાખવું કે નહીં? કેટલા દિવસ?
    • DNH - DO NOT HOSPITALISE:
      • હોસ્પિટલમાં દાખલ કરવું કે નહીં?
  2. દેહદાન-અંગદાન-ચક્ષુદાન બાબતે પોતાને મરજી છે કે નથી?

સમાપન

છેલ્લી વાત - ખોટી ચિંતા છોડી આનંદપૂર્વક રહેવા ભગવદ્ ગીતાએ બે રસ્તા સૂચવ્યા છે:
  1. સાક્ષીભાવ (Be witness only): કાર્યના પરિણામ માટે કર્તાભાવ છોડો - ફક્ત સાક્ષી બનો.
  2. સંપૂર્ણ શરણાગતિ (Total surrender)
ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખી સંપૂર્ણ રીતે શરણે જાવ. આનંદીપણું, સુખ અને તંદુરસ્તી જળવાશે જ.
આજ આપણો વાનપ્રસ્થાશ્રમ
આ જ આપણો સન્યસ્તાશ્રમ


ડૉ. ભરતચંદ્ર એમ. દેસાઈ
અમલસાડ વિભાગ વરિષ્ઠ નાગરિક મંડળ 
એચ. ડી. એમ. એસ. હાઈસ્કુલ, અમલસાડ
૯-૧૨-૨૦૨૩