Showing posts with label retirement. Show all posts

[Video]: વરિષ્ઠ નાગરિકનું જીવન દર્શન

સિનિયર સિટીઝન ટ્રસ્ટ વિજલપોરની 15મી વાર્ષિક સભાના અવસરે દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના પ્રમુખ ર્ડો ભરતચંદ્ર દેસાઇનું પ્રવચન (નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય, 7 જૂન 2023) 

વરિષ્ઠ નાગરિકનો જીવનધ્યેય
IKIGAI – Purpose Of Life

ઓશો પૂછે છે, આમ તમે આખી જિંદગી કરો છો શું? વસ્તુઓ ભેગી કરો છો – મોટું મકાન બનાવો છો – તિજોરી ભરી લો છો અને છેલ્લે બધુ અહીં જ છોડીને, પોતાને પણ ગુમાવીને વિદાય લો છો.

શું આ જીવન છે? જન્મ, વૃદ્ધિ અને વિનાશ – તો પછી જીવન જીવવાનો અર્થ શું છે? હેતુ શું છે? આ સવાલનો જવાબ શોધવાના પ્રયત્નને જાપાનમાં IKIGAI (ઇકિગાઈ) કહે છે. જીવનનો હેતુ શું? તમારા પોતાની ઈચ્છા શું કરવાની છે અને સમાજની જરૂરિયાતો તમે કઈ રીતે પુરી પાડશો–તે શોધવાનો વ્યક્તિગત માર્ગ તે ઇકિગાઈ.

વયસ્કો – વરિષ્ઠ નાગરિકો સાથે નિવૃત્તિની વાતો શોભે. નિવૃત્તિ એટલે સ્વ તરફનું પ્રયાણ જે છેલ્લે આધ્યાત્મિક માર્ગે ભગવાન તરફ દોરી જાય છે.

આપણાં જીવન બાબતે મેસ્લો નામના વ્યક્તિએ પાંચ પગથિયા બતાવ્યા છે –

મેસ્લોનો નિયમ
  1. મૂળભૂત જરૂરિયાતો – રોટી, કપડાં અને મકાન આ બાબતે ઘટતું આયોજન ફરજિયાત છે. 
  2. બીજી બાબત છે - જીવનની અને સંપત્તિની સુરક્ષા – સલામતી. આ પ્રાથમિક જરૂરિયાતો પૈસાથી પુરી થઈ શકે છે. 
  3. પ્રેમ, હુંફ, પોતાપણું જેવી માનસિક જરૂરિયાતો સગાં-સંબંધી અને મિત્રો જ પુરી પાડી શકે. 
  4. આત્મસન્માન (Self Respect)
  5. જીવનધ્યેય સમાન અંતિમ પગલું આત્મબોધ–સંસારમાં રહીને સન્યાસ્તાશ્રમ–અપેક્ષા ઘટાડીને, ભૌતિક સુખોનો ત્યાગ કર્યા પછી કુદરત સાથે તાદાત્મય સાધવાની, એકરૂપ થવાની ઈચ્છા–પ્રક્રિયા અહીં છે. ઈશ્વર સાથે અનુસંધાન–મંત્રજાપ–મેડિટેશન અને નિસ્વાર્થ સમાજ સેવાથી જ મળે. 
નિવૃતિમાં પ્રવુત્તિ
  1. વ્યવસાયિક પ્રવુત્તિ 
    • જરૂરિયાત અથવા ઈચ્છા અનુસાર પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ નોકરી કે સ્વયં રોજગાર વિચારી શકાય. તેમાં માર્કેટિંગ ટ્યુશન કે કન્સલ્ટન્ટ જેવા સ્વયં રોજગાર પણ છે. 
  2. સર્જનાત્મક – રચનાત્મક વ્યક્તિગત પ્રવુત્તિઓમાં જોડાવું.
    • સ્વૈછિક સંસ્થાઓ – હોસ્પિટલ, અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમ ખાતે મુલાકાત–દાન–સેવા. બાળકો/ પ્રૌઢોને ભણાવવા.
    • વ્યક્તિગત પ્રવૃત્તિઓ– બાગ–બગીચા, દરિયાકિનારો, નદીકિનારો કે પર્વત જેવા કુદરતી સ્થળોની મુલાકાત – વેકેશન –પ્રવાસ–નાટક–સિનેમા જોવા જવું–મેડિટેશન–વાંચન– સંગીત સાંભળવું–ટીવી જોવું–ચાલવું–કસરત કરવું–મિત્રો સાથે મુલાકાત– રમત-ગમત.
જીવનસાથીનો સાથ ઘૂંટવું

પરિસ્થિતીનો સ્વીકાર એકમાત્ર માર્ગ છે.
  • પરિવાર મિત્રો અને સમાજના સધિયારે અનુકૂલન સાધવું.
  • બીજું લગ્ન પણ વિચારી શકાય.
  • રોતલપણું કે કરુણાતા કોઈને ગમતા નથી. 
  • સંતાનો પર નિર્ભરતા
કોઈને પણ સંતાનો પર નિર્ભર રહેવું ગમતું નથી. તેથી લઘુતાગ્રંથિ આવે છે. દરેક વ્યક્તિએ પોતાની રીતે માર્ગ કાઢવો.

વસિયતનામું

વસિયતનામું અનિવાર્ય છે, તે તાત્કાલિક ધોરણે બનાવવું – વસિયતમાં સરળ ભાષા વાપરો. વહેંચવાની જમીન કે ઘરેણાંની કિંમત જણાવો, જેથી રોકડમાં ભાગ વહેંચી શકાય. લખતી વખતે ન્યાયી અને વિરક્ત બનો.

મેડિકલ વિલ (લિવિંગ વિલ)

અંત સમયની માંદગી વખતે:
  1. હ્રદય અટકી જાયતો, કૃતિમ રીતે ચલાવવું કે નહીં?
  2. ઓક્સિજન વેન્ટિલેટર લગાવવું કે નહીં ? કેટલા દિવસ ?
  3. ખાઈ ન શકાય તેવી સ્થિતિમાં જઠરમાં નળી મૂકવી કે નહીં ? નસમાં પ્રવાહી આપવું કે નહીં?
  4. હોસ્પિટલ લઈ જવું કે નહીં ? આ બાબતોની સ્પષ્ટતાનું લખાણ કરવું.
મૃત્યુ પછી અંગદાન–ચક્ષુદાન અને દેહદાન વિષે સંમતિ કે નાસંમતિ જણાવવી.

આ બધી ચર્ચાનો સાર, વરિષ્ઠ નાગરિક જીવન સુખેથી અને આનંદપૂર્વક જીવવા હસતાં રહો – વ્યસ્ત રહો – સત્કાર્યો કરતાં રહો.

ડો. ભરત એમ. દેસાઈ 
નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય
7 જૂન 2023

સીનિયર સીટીઝન ક્લબ, બીલીમોરા પ્રમુખ ડો. ભરત દેસાઈનું વિદાય પ્રવચન

માનનીય પૂર્વપ્રમુખ પ્રો. જી. કે. પટેલસાહેબ, મંત્રીશ્રી ઊર્મિલાબેન, ખજાનચીશ્રી ડો. રામજીભાઈ તથા સર્વે સભ્યો,

સાદર વંદન.

બે વર્ષના પ્રમુખના કાર્યકાળ પછી વિદાય થતાં પ્રમુખે પોતાના કાર્યોનું સરવૈયું આપવાનું હોય છે. તે કાર્ય મારા છ સાથીઓએ બખૂબી નિભવ્યું છે, ત્યારે પુનરાવર્તનનો અતિરેક ન થાય તે મારે જાણવું રહ્યું.

મારી બે વર્ષની સૌથી મોટી ઉપલબ્ધિ મારા હિસાબે સર્વ સભ્યોમાં વિકસેલી કુટુંબભાવના ને વિકાસ ગણાવું છું. ત્રણ પ્રવાસો, છાંયડો દ્વિવાર્ષિક મેગેઝીન, પાંચ સંગીતના કાર્યક્રમો, શ્રદ્ધાંજલી, કુદરતી ભોજનનો આસ્વાદ ઉપરાંત તજજ્ઞો દ્વારા વિવિધ વિષયોના પ્રવચનો કરતાં મહત્વનું સભા સમાપ્તિ બાદ ભોજન સમયે અને ત્યારબાદ દોઢ કલાકથી વધારેની એકબીજાની સાથેની હ્રદયસ્પર્શી લાગણીશીલ વાર્તાલાપવાળી બેઠકો દ્વારા થતી મિત્રતા-પ્રેમ અને કુટુંબભાવના ગણાવું છું.

કદાચ બધાના નામ દઈને વિગતે વાત કરી શકું, પણ એ લોભ છોડીને પણ થોડી વાત તો કહીશ જ.

1. પાંચ વર્ષ પહેલા મને ઉપપ્રમુખ નિમવા બદલ, પ્રો.જી.કે.પટેલ સાહેબનો હું ખાસ ઋણી છું. ત્રણ વર્ષ તેમના ઉપપ્રમુખ તરીકે અને છેલ્લા બે વર્ષ પ્રમુખ તરીકેના પાંચ વર્ષના સમયગાળા દરમ્યાન આપસર્વનો પ્રેમ, ભાઈચારો અને લાગણીનો હ્રદયસ્પર્શી અનુભવ માટે મને યોગ્ય શબ્દો મળતા નથી. આપ સૌએ મને સાચવ્યો છે.

2. મંત્રિશ્રી ઊર્મિલાબેન, ખજાનચીશ્રી ડો. રામજીભાઈ, સહખજાનચીશ્રી અને ક્લબના આધારસ્તંભ ગિરીશભાઈ દેસાઈ, સંગીત વિભાગના અધ્યક્ષ મારા ખાસમિત્ર સુરેન્દ્રભાઈ પારેખ, અશોકભાઈ રાય, અનંતભાઈ દેસાઈ, ગીતાબેન મહેતા અને કલ્પનાબેન વ્યાસ. ૯૩ વર્ષે સક્રિય પ્રમુખ માર્ગદર્શક પ્રો.બી.એચ.પટેલ, શ્રી બચુભાઈ જોશી, શ્રી બાબુભાઇ જોશી, દયાળજીભાઈ–ઈન્દુબેન, મારા બહેન કુસુમબેન ભગત, અરુણા, કૌશિકભાઈ, અવિનાસભાઈ ઉપાધ્યાય ઝવેરભાઈ કેવત, બલરામ છટવાણી, ભગવાનદાસ વટવાણી, કેશવભાઈ અને ઝીણાભાઈ અરુણાબેન વશી, રક્ષાબેન બક્ષી, પ્રિ. કુસુમબેન દેસાઈ - મેં કહ્યું તેમ “આપ સૌ મારુ કાર્યબળ છો – માનસબળ છો.” હા, શ્રીમતી સાવિત્રીબેન વશીનું અનાવિલ જાજરમાન વ્યક્તિત્વ મને હંમેશા પ્રેરણાદાયી રહ્યું છે. છેલ્લા રૂ. 25,000 ઉમેરતા રૂ. 71,000 દાન કોણ આપે? એવા જ બીજા વડીલ સુશિલાબેન નાયક દર વર્ષે તેજસ્વી તરલાઓને ઉપયોગી ભેટો અને પુસ્તકો આપે છે, જે તેમની દરિયાદિલી બતાવે છે.

ઘણા બધા સભ્યોનો આગ્રહ હતો કે, હું પ્રમુખપદે ચાલું રહું. આ તેમનો મારે માટેનો પ્રેમ–આદર અને કાર્યપ્રણાલી માટેની પ્રશંસા દર્શાવે છે. આ માટે આપ સૌનો હું ઋણી છું. પરંતુ મેં મેડિકલ એસો., લાયન્સ ક્લબ, ભારતીય વિચાર મંચ, એલાયન્સ ક્લબ, જેવી ઘણી સંસ્થાઓમાંથી આજ રીતે પ્રમુખ તરીકે સન્માનનિય કાર્યો કરીને યોગ્ય સમયે વિદાય લીધી જ છે. કારણ, પરીવર્તન – Change – અનિવાર્ય અને ફરજિયાત છે.


નવા પ્રમુખો, મંત્રીઓ, કાર્યકર્તા નવા વિચારો – નવા કાર્યક્રમો અને સંસ્થાનો વિકાસ તેમની મનનીય રીતે કરતાં જ હોય છે. અને તે આશાવાદ – ખાત્રી સાથે પ્રમુખપદ છોડું છું. આમ પણ હું તમારી સાથે અને બિલકુલ સક્રિય જ છું. હા, નવા પ્રમુખ અને તેમની ટીમની મર્યાદા અને સન્માન ની ખાસ કાળજી રાખીશ. ચાલો, ઊર્મિલાબેન, સુરેન્દ્ર્ભાઈ, બલરામભાઈ, ડો.ભાવના, પી.એ.પટેલ સાહેબ, અને પ્રો.બી.એચ.પટેલને બિરદાવીએ. 

કુટુંબનો સમય ક્લબને ફાળવવાની છૂટ આપવા પત્નીશ્રી ડો.ભાવનાબેનનો ખાસ ઋણસ્વીકાર કરું છું. મારા સાહસોનું એ પ્રેરણાબળ છે. 

આનંદી – સુખમય ભવિષ્યની પ્રાર્થના સાથે, જય હિંદ. વંદે માતરમ!

ડો. ભરત દેસાઈ
૧૯/૦૩/૨૦૨૩