આત્મકથા લખવી મતલબ આપણને આપણા જન્મથી અત્યાર સુધીની દરેક હકીકતો તથા પ્રસંગો, અનુભવોની ખબર હોવી જોઈએ. મારી (સંક્ષિપ્ત) આત્મકથા જરાક જુદી લખાશે એવું મને જણાય છે. શરૂઆત મારા જન્મથી કરીશ. મારો જન્મ ૨૧/૧૧/૧૯૫૦ દિને વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં થયો. મારી માતા ૨૪ વર્ષના હતા. મારા મોટાભાઈ મારાથી ૬ વર્ષ મોટા અને મારી મોટીબેન ત્યારે ૩ વર્ષના. મને ધરાઈને રમાડે અને જોઈને ખુશ થવાના સમયે જ મારા પિતાનું અવસાન થયું. હાર્ટ અટૈક થી. મારી માતા સ્ટ્રોંગ - હિંમતવાળા - સમજી ગયા હતા કે કઈક ગડબડ છે. કારણ હોસ્પીટલમાં લિમિટેડ સગાઓની આવનજાવન અને દીકરીના પપ્પા કેમ આવ્યા નથી એનો અણસાર આવી ગયો હતો. સમાચાર સાંભળી દુ:ખી થયા. રડાય એટલું રડી લીધું. પછી મારા પિતાના વાક્યને સાર્થક કરવા કમર કસી. મારુ મોસાળ વલસાડમાં નાની મહેતવાડ ફળિયામાં. મારા આજાબાપા ડોક્ટર. મારા દાદાનું ઘર સુરત - કાળામાતાની શેરી. મારા દાદી, મારા નાનાકાકા તથા કાકી બધા જ ઘણા સારા અને પ્રેમાળ, છતાં અમે ત્રણેય બાળકો મોસાળમાં મોટા થયા. કારણ જણાવું - મારા મામા મારી માતાથી ૧૦ વર્ષ નાના. તેઓ મેટ્રીક પાસ થયા બાદ ડોક્ટરી કરવા ઇચ્છતા હતા. એમણે જ...