અનાવિલોની દશા અને દિશા
દેસાઇઓ ગોરા, ઊંચા અને બોલકણા હોવાથી બીજી જ્ઞાતિઓથી જૂદા પડતા. અંગ્રેજોની જેમ દેસાઇઓને પણ હુકમ કરવાનું ગમતું હોવાથી ગામની ‘પટેલગીરી‘ એ હોંશેહોંશે સ્વીકારતા. શિક્ષણ પ્રત્યે અનાવિલોને રૂચિ હતી અને શિક્ષણ દીકરાઓ પૂરતું મર્યાદિત નહી રાખતાં દીકરીઓને પણ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવતું. જે અનાવિલોની ખેતીની આવક ઓછી હતી એ શિક્ષકનો વ્યવસાય સ્વીકારતા અને પોતાના સંતાનો અને ગામના અનાવિલોના સંતાનો પણ શિક્ષણ લે એવી પ્રથા એમણે પાડી હતી. શિક્ષક સિવાય રેલવે,તલાટી,કાપડ મિલોમાં પણ અનાવિલો નોકરી કરતા.
અનાવિલો ડાંગર, જુવાર, કપાસ, વાલ, મગ, દીવેલા, સીંગ વગેરેની ખેતી કરતા. શાકભાજીનો પાક લેવામાં મહેનત કરવી પડે એટલે એવા રોકડિયા પાકથી એ દૂર રહેતા. લગભગ દરેક અનાવિલને ત્યાં દૂઝાણુ(ગાયભેંસ) રહેતું અને એમાંથી રોજીંદો ખર્ચ નીકળી જતો. જેમાં બહુ મહેનત ના કરવી પડે અને મજૂરો પાસે કામ કરાવી શકાય એવા પાક લેવાનું અનાવિલો પસંદ કરતા. કેરીનો પાક લેવાનું તો પાછળી ચાલુ થયું. અનાવિલો હળપતિઓ પાસે ખેતી કરાવતા એટલે હળપતિઓ સાથે અનાવિલોના માલિક-મજુરના સબધ બંધાયા જે હજુ સુધી ટકી રહ્યા છે.
અનાવિલો ઘર અને જમીન વેચીને શહેરમાં રહેવા આવી ગયા એનાં કારણો જાણવાં જરૂરી છે.બીજા પાસે ખેતી કરાવતા હોવાથી અનાવિલોને ખેતીના ફાયદા સમજાયા નહીં. વધુ ઉત્પાદન અને વધુ આવક આપતા પાકની ખેતી કરવાનું અનાવિલો આળસુ હોવાથી એમને સૂઝ્યું નહીં. સ્વભાવે અનાવિલો આરામપ્રિય રહ્યા છે. આવશ્યકતાથી વધુ મેળવવાનો એમના સ્વભાવમાં નહોતું, અને જો મળે એ ખોટા ખર્ચ કરીને ઉડાવી દેવાતું. જમીન વેચવાનું મોટું કારણ જમીનની પહેલાં નહીં સાંભળેલી કિંમત હતું. ૧ વિઘું જમીનની આટલી કિંમત અનાવિલોએ પહેલાં કદી સાંભળી નહોતી. બીજું કારણ મહત્તમ અનાવિલ ખેડૂતો પાસે પાંચ વિઘાંથી વધારે જમીન નહોતી. ભાઇઓ વચ્ચે જમીન વહેંચાવાથી ઓછી થતી જતી હતી. આટલી જમીનમાંથી લેવાતા પાકમાંથી મળતી આવક પર્યાપ્ત નહોતી થતી. મોજશોખ કરવાનો તો પ્રશ્ન જ નહોતો. જમીનના આટલા ભાવ આવતાં અનાવિલોએ જમીન વેચવા કાઢી. જમીનની જે રકમ આવી એમાંથી શહેરમાં ઘર લઇને વધેલી રકમ બેંક/પોસ્ટમાં મૂકી.લગભગ વાડીગામો અને ચોર્યાસી અને ઓલપાડ તાલુકાને બાદ કરતાં ૭૦% અનાવિલો શહેરમાં રહેવા આવી ગયા. ૨૪ કલાક વીજળી, સિનેમા,નાટક, ટીવી, હૉટલોમાં નાસ્તો અને સાંજે જમવાનું, અંગ્રેજી ભણતર,રાજકારણ –આ બધાં કારણો ગામો તૂટી જવાના કારણો બન્યાં. દક્ષિણ ગુજરાતમાંથી કણબીઓ જમીનજાગીર છોડીને અમેરિકા જતા રહ્યા એ રીતે અનાવિલો પણ ગામ છોડીને શહેરમાં જતા રહ્યા. શહેરોમાં જઇ વસેલો અનાવિલ કામવિહોણો બની ગયો.યુવાનો દિશાહીન બન્યા, લગભગ બધા અનાવિલ યુવાનો ગ્રેજ્યુએટ તો છે જ, પણ ગ્રેજ્યુએટને નોકરી મળવાનું હવે મુશ્કેલ બની ગયું છે ત્યારે શું કરવું એ પ્રશ્ન બની ગયો છે.
અનાવિલોની અત્યારની સ્થિતિ જોઇએ તો લગભગ ૧૫% અનાવિલો વરીષ્ઠ નાગરિકો છે. ૨૦% ૩૫ વર્ષથી ૫૫ વર્ષના આધેડ કે પ્રૌઢ અનાવિલો છે. અનાવિલોની કુલ બે લાખની વસતિમાં ૧% ડૉક્ટર, ૨% એડવૉકેટ,સી.એ,ટ્યુટર વગેરે ૪% એન્જિનિયર, ૨% શિક્ષકો, ૫% વ્યવસાયિકો, ૪% વિદેશમાં વસતા અનાવિલો, ૩૦% ખેડૂતો, ૧૦% નોકરિયાતો(બેંકો,વીમા કંપનીઓ,પ્રાઇવેટ અને લીમીટેડ કંપનીઓ) થોડા બેકારો અને ગૃહિણીઓ છે. ૫% અનાવિલોને બાદ કરતાં બધા સામાન્ય સ્થિતિના છે. અનાવિલોની આર્થિક સ્થિતિ ધીમેધીમે બગડતી જાય છે.
લગ્ન,જનોઇ, ધાર્મિક વિધિઓ પાછળ અનાવિલો મોટા ખર્ચ કરતા થયા છે. યજ્ઞોપવિતની વિધિ બિલકુલ અર્થહીન હોવા છતાં પરંપરાના નામે હજુ વળગી રહ્યા છે.સંતાનોના ઇન્ટરકાસ્ટ મેરેજને અનાવિલો ખુશીથી સ્વીકારે છે. અનાવિલો પ્રગતિશીલ વિચારધારા ધરાવતા હોવાનું કહેવાય છે પણ મૃત્યુ પછી યોજાતી શ્રાધ્ધ વિધિને હજુ વળગી રહ્યા છે.મેડીક્લેઇમ જરૂરી હોવા છતાં એનાથી અળગા રહે છે.ગરબા અનાવિલોની સંસ્કૃતિ છે અને ગરબાને અનાવિલો વળગી રહ્યા છે.શિવરાત્રિ,રામનવમી વગેરે તહેવારો ઉજવે છે પણ દિવાળીમાં ફટાકડાનો ખર્ચ,સાથિયા,મિષ્ટાન્ન, ભાઇબીજ વગરેનું ચલણ ઓછું થઇ ગયું છે. લગ્નો હજુ પણ સમયસર-મુર્હુત પ્રમાણે યોજાતાં નથી અને ડીજે પર જુવાનિયાઓ અને સ્ત્રીઓ કલાકો સુધી નાચતા રહે છે.
અનાવિલોએ પ્રિવેડીંગ ફોટોશુટ અને લગ્ન પહેલાં દીકરીને સાસરે રહેવા મોકલવા જેવી જોખમી પ્રથાને અપનાવી લીધી છે.દક્ષિણ ગુજરાતના દરેક નાનામોટા શહેરોમાં અનાવિલ મંડળો હોવા છતાં લગ્નપ્રથામાં સુધારા કરવા બાબતે કોઇ વિચાર થતો નથી. અનાવિલ મંડળોમાં સક્રીય સભ્યોની સંખ્યા ખૂબ અલ્પ પ્રમાણમાં છે.ગરબા ઉત્સવમાં હજારો યુવકયુવતી અને આધેડ વયના અનાવિલો ભેગા થાય છે પણ એ સિવાય સામાજિક કાર્યોમાં કોઇને રસ નથી પડતો.અનાવિલ મંડળો રચનાત્મક પ્રવૃતિઓના અભાવે નિષ્ક્રીય બની જાય છે
અનાવિલો હજુ પણ આડંબરી છે. આડંબરી હોવાના કારણે એમને કોઇની આગેવાની સ્વીકાર્ય નથી હોતી. આડંબર,તોછડાઇ ઉપરાંત હોશાતોશી અને અદેખાઇ અનાવિલોના લોહીમાં વહે છે.બહુ ઓછી બાબતોમાં અનાવિલો વચ્ચે સહમતિ સધાતી હોય છે. અનાવિલોને સંગઠિત કરવાનું સરળ છે પણ એમને સક્રીય કરવાનું કામ કઠણ છે. વાદવિવાદ,પોતે જ ખરા હોવાની મમત, જીદ,પદ લાલસા અનાવિલોનો મૂળગત સ્વભાવ છે.રાજકારણમાં અનાવિલોને રસ છે પણ એમનો ત્યાં કોઇ ભાવ નથી પૂછાતો.બહુ નાની સંખ્યા હોય એવી જ્ઞાતિઓ સંપીલી હોવાના કારણે આગળ નીકળી જાય છે અને અનાવિલો પાછળ રહી જાય છે.
અનાવિલોને ભૂતકાળ નડે છે. ભૂતકાળમાં અનાવિલની સામાજિક પ્રતિષ્ઠા હતી, જમીનદારી હતી,શિક્ષણ હતું, મહત્વનાં સ્થાનો ઉપર પદ શોભાવતા હતા,રીતિરિવાજોમાં અગ્રસર હતા,શિક્ષણ અને ખેતીના અભાવે બીજી જ્ઞાતિઓ આર્થિક રીતે પાછળ હતી ત્યારે અનાવિલો ખાધેપીધે સુખી હતા.પણ આળસ,અહંકાર, તોછડાઇ અને સામાજિક બદલાવ સાથે એડજસ્ટમેન્ટ સાધવાની અનીચ્છાએ અનાવિલો પાછળ પડતા ગયા.
અનાવિલોએ પોતાની જ્ઞાતિને વિકાસના પંથે લઇ જવાના ઉપાયો વિચારવા જોઇએ.