Showing posts with label literature. Show all posts

[Video] “નરસૈયો” - આદિકવિ નરસિંહ મેહતાનું જીવન દર્શન

“નરસૈયો” - આદિ કવિ નરસિંહ મહેતાનું જીવન દર્શન 
ગણદેવી તાલુકા સીનિયર સિટિજન વેલફેર ટ્રસ્ટ ખાતે ડૉ. ભરતચંદ્ર દેસાઈનું પ્રવચન



નસિંહ મેહતા શ્રેણીના બીજા વ્યક્તવ્યો:

આદિકવિ નરસિંહ મહેતા

સૌરાષ્ટ્ર એટલે વીરો અને સંતોની ભૂમિ, તેનું નાગરીરત્ન જુનાગઢનિવાસી ગૃહસ્થ ગિરનારની ઊંચાઈના કવિ અને ભક્ત તે નરસિંહ મહેતા!

મીરા, કબીર કે તુલસીદાસ જેવો ભક્તકવિ પરમ સંત અને ગુજરાતી સાહિત્યનો મહાન સક્ષમ કવિ તે આપણો નરસૈયો.

સાદાઈ, સરળતા, બેફિકરપણું જેવા ગુણો સાથે નાગરોની ટીકાને અવગણી હરિજનો વચ્ચે બેસી ભજનો કરતા અને ભોજન કરતા નરસિંહ મહેતા અસ્પૃશ્યતા આભડછેડના પાંચ શતક પહેલાંના સમાજમાં કલ્પવું મુશ્કેલ છે. હરિજન ઉદ્ધાર કે એવી કોઈ મોટાઈ વગર ઉચ્ચનીચના વાડા ભેદી હળવું મળવું જેવું ખૂબ હિંમત નું કામ તેઓ જ કરી શકે

સંપૂર્ણ શરણાગતિ (Total Surrender) કે પછી સાક્ષીભાવ (Be Witness) જેવા ગીતાના ઉપદેશો આત્મસાત કરેલા આપણા મહાન કૃષ્ણભક્ત નરસિંહ મહેતાને માટે પ્રશંશાના શબ્દો મળતા નથી. કૃષ્ણ ભક્તિ-ભજન અને સંસારની સાંસારીક બાબતોમાં સંપૂર્ણ નચિંતપાણુંસમજવું સહેલું નથી. પુત્ર શામળશાનો વિવાહ, દીકરી કુંવરબાઈનું મામેરુ, હૂંડી લખી સ્વીકારનીઆશા રાખવી, પુત્ર શામળશા અને પત્ની માણેકબાઈના મૃત્યુ સમયે વિરક્તભાવનાથી “ભલું થયું ભાંગી જંજાળ” ગાતા નરસિંહ મહેતા કલ્પવા અને સમજવા આપણે પણ ખૂબ ઊંચી માનસિક સ્થિતિએ પહોંચવું પડે.

આપણી સૌની કમનસીબી એ છે કે આપણામાના, આપણી વચ્ચેના કે આપણા સાથી એવા પોતાના મહાન વ્યક્તિત્વ-જિનિયસ-ને એમના જીવનકાળ દરમિયાન ઓળખી શક્તા નથી કે વખાણતા નથી તો નરસિંહ મહેતા તેમા કેવી રીતે અપવાદ હોય?

ભક્તકવિ નરસિંહ મહેતા
  • “આદિકવિ”
  • “નરસૈયો”
  • જન્મ: 1414 તળાજા( ભાવનગર) ​
  • મરણ: 1481 માંગરોળ (જુનાગઢ)
  • પિતા: કૃષ્ણદાસ મહેતા
  • જાતિ: નાગર બ્રાહ્મણ
  • આઠ વર્ષે માતા પિતાનું અવસાન. ઉછેર- દાદી જય ગૌરી
  • લગ્ન: 1429 
  • ​પત્ની: માણેકબાઇ

કૃતિઓ
  • કુંવરબાઈનું મામેરુ
  • શામળશા નો વિવાહ 
  • ભક્તિ પદો
  • હિંડોળા 
  • પ્રભાતિયા 

પંક્તિઓ
વૈષ્ણવજન તો તેને રે કહીએ
ઉંચી મેડી તે મારા સંતની રે
જળ કમળ છોડી જાને બાળા સ્વામી અમારો જાગશે
આજની ઘડીએ રળિયામણી રે
ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજીશું શ્રીગોપાળ
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
અખિલ બ્રાહ્મણમાં એક તું શ્રી હરિ
ભાવનગરમાં આવેલા ગોપનાથ મહાદેવના મંદિરમાં શ્રીકૃષ્ણના દર્શન થયા.

નરસિંહ મહેતા એવોર્ડ: ઈ.સ. 1999 થી શરૂ આદિકવિ નરસિંહ મહેતા ટ્રસ્ટ દ્વારા આશ્રેષ્ઠ કવિઓને આપવામાં આવે છે.



નરસિંહ મહેતાની કવિતાઓ સાત ભાગોમાં વહેંચી શકાય.
  1. પુત્ર શામળશાના વિવાહના પદો
  2. પુત્રી કુંવરબાઈનું મામેરૂના પદો
  3. હૂંડીના પદો
  4. હરિ પદો
  5. સુદામાચરિત્ર
  6. કૃષ્ણ પ્રેમ ક્રીડાના પદો
  7. ભક્તિ-જ્ઞાન-વૈરાગ્યના પદો
નરસિંહ મહેતાની કવિત્વશક્તિ અને ભક્તિ પ્રચૂરતાને અલગ તારવી શકાય નહીં.ભક્તિના સોપાનો ચઢીને જ્ઞાનની ઊંચાઈએ પહોંચેલા કવિ અનુભવેલા અનન્ય દર્શનો જનભોગ્ય વાણીમાં, શબ્દભંડોળનું વૈવિધ્ય છતાં સરળ ભાષામાં વ્યક્ત કરવામાં ભારે સફળતા મેળવી છે.

નરસિંહ મુખ્યત્વે ભક્ત છે, અને એનું કવિત્વ આનુંષગીક છે. તેમની કવિતા મુખ્યત્વે સાહજિક હૃદયવાણી છે, પણ એ વાણી સાચી કવિતા છે. તેથી તેઓ મહાન કવિ છે અને સમગ્ર ગુજરાતી સાહિત્ય તેમને લીધે ઉજળું છે. (અનંતરાય રાવળ)

પ્રેમભક્તિનું અલૌકીક રૂપ નરસિંહમાં પ્રગટ થતું જોઈ શકાય છે. એ સાથે જ નરસિંહની પ્રેમભક્તિ કવિતા બનતી અનુભવાય છે- આ મહાન ઘટના ખરેખર વિરલ છે. (ઉમાશંકર જોશી)

આપણે વિશ્વશાંતિની વાતો કરીએ છીએ, તેનો આરંભ ગૃહશાંતિથી કરવો પડશે. જો આપણે નરસિંહ મહેતાના પ્રેમભર્યા અને સાચી સમજણ આપતા કીર્તનોથી આપણા સંતાનોને સુવાડીશું અને તેમના પ્રભાતિયાની મધુર પદાવલીથી જગાડશું, તો ગૃહશાંતિ ચોક્કસ થશે અને આ ગૃહ શાંતિથી પરિવારમાં, સમાજમાં અને રાષ્ટ્રમાં શાંતિ પ્રસરશે. વિશ્વશાંતિ બીજું શું છે?(ધનસુખલાલ સાવલિયા)

નરસિંહના વિવિધ પદોમાં ઈશ્વરરહસ્યવાદ, આત્મરહસ્યવાદ અને પ્રેમાત્મક રહસ્યનાઅંશો પ્રગટે છે. એટલે કે નરસિંહ ગુજરાતી કવિતાના પ્રથમ ઊર્મિ કવિ છે, સાથે સાથે એ ગુજરાતી કવિતાના સમર્થ અને પ્રથમ રહસ્યવાદી કવિ પણ છે. તેથી, તેમની રચનામાં ગુઢઅનુભવની રજૂઆત ઘણી સહજ, સરળ અને વેધક રીતે થઈ છે. (રાજેન્દ્રસિંહ રાયજાદા)

રચના: ૧
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનતં ભાસે;
દેહમાં દેવ તું, તત્ત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે, ૧

પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા! વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે.૨

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે : કનકકુંડળ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે ૩

ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે,
મન-વચન-કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ: મન એમ સૂઝે. ૪

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈંયો : એ મન તણી શોધના : પ્રીત કરું, પ્રેમથી પ્રગટ થાશે. ૫

તત્વચિંતન અને ભક્તિભાવની જુગલબંધી મારો નરસૈયો જ કરી શકે. ભગવાન, તારા સ્વરૂપો ભલે બદલાય, પણ છેલ્લે તો તું એક જ છે. વૃક્ષોમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું.... આ એકદમ મોટી વાત આપણને કેટલી સરળતાથી સમજાવી દીધી. એમની શ્રદ્ધા-ખાતરી-વિશ્વાસ જુઓ છેલ્લે કહે છે પ્રીત કરું, પ્રેમથી પ્રગટ થાશે.

રચના :૨ 
નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? તે જ હું,’ ‘તે જ હું' શબ્દ બોલે;
શ્યામનાં ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહીંયાં કો નથી કૃષ્ણ તોલે. ૧

શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી;
જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમ સજીવંન મૂળી. ૨

ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં, હેમની કોર જ્યાં નીસરે તોલે;
સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, સોનાનાં પારણાં માંહી ઝૂલે. ૩

બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી, અચળ ઝળકે સદા વિમળ દીવો;
નેત્ર વિણ નિરખવો, રૂપ વિણ પરખવો, વણિજહૂવાએ ૨સ સરસ પીવો. ૪

અકળ અવિનાશી એ, નવ જાયે કળ્યો, અરધ-ઊરધની મધ્યે મહાલે;
નરસૈંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે. ૫

ભગવાન શ્રીકૃષ્ણનું વર્ણન કરવા શબ્દો શોધવાની મથામણ આપણે કરવી પડે, નરસિંહ મહેતાએ નહીં! ભગવાન પામવાની ચાવી બતાવતા કહે છે.... જડ અને ચેતન રસ કરી જાણવો,પકડી પ્રેમ સજીવન મુળી..... નેત્ર વિણ નીરખવો, રૂપવિણ પરખવો વણજીવ્હાએ રસ સરસ પીવો. ભગવાન અને આપણો કવિ નરસિંહ અલગ નથી તેઓ દર્શન કરે છે અને કરાવે છે...જુઓ સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, સોનાના પારણા માંહી ઝુલે


રચના: ૩

જ્યાં લગી આતમાતત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી;

મનખા દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ વૂઠી.

શું થયું સ્નાન, સંધ્યા ને પૂજા થકી? શું થયું ઘે૨ ૨હી દાન દીધે?

શું થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે? શું થયું વાળ લુંચન કીધે?

શું થયું જપ-તપ-તીરથ કીધા થકી? શું થયું માળ ગ્રહી નામ લીધે?

શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી? શું થયું ગંગાજળ-પાન કીધું?

શું થયું વેદ-વ્યાકરણ-વાણી વઘે? શું થયું રાગ ને રંગ માણ્યે?

શું થયું ખટદર્શન-ભેદ સેવ્યા થકી? શું થયું વરણના ભેદ આપે?

એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા, જ્યાંહાં લગી પરિબ્રહ્મ ન જોયો;

ભણે નરસૈંયો : તત્ત્વદર્શન વિના રત્નચિંતામણિ જન્મ ખોયો.

સાધનાની વિવિધ રીતોની તત્વદર્શન કર્યા સિવાયની નિરર્થકતા જેવી ગુઢ વાત સાદીરીતે તેઓ જ કહી શકે.

રચના:૪

વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે;

પરદુઃખે ઉપકાર કરે ને મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે;

વાચ-કાછ-મન નિશ્ચલ રાખે, ધન્ય ધન્ય જનની તેની રે.

સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે;

જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન ન ઝાલે હાથ રે.

મોહ-માયા લેપે નહિ તેને, દૃઢ વૈરાગ્ય તેનાં મનમાં રે;

રામનામ-શું તાળી લાગી, સકળ તીરથ તેનાં તનમાં રે.

વણલોભી ને કપટરહિત છે, કામક્રોધ જેણે માર્યા રે,

ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યાં રે.

આપણને મહાત્મા ગાંધીજીએ એકદમ સમજાવીને પાકું કરાવેલી કાવ્યની તો વાત જ ન થાય વૈષ્ણવજનના લક્ષણો બતાવતો નરસૈયો ખરેખર સંપૂર્ણ રીતે વંદનીય છે -પ્રશંસનીય છે -પૂજનીય છે

આવા મહાન-આત્મા ભગવાન ભરોસે શ્રદ્ધાથી જીવન જીવી ભક્તિ કરતાં નરસિંહ મહેતા આપણી વચ્ચે રહ્યા હતા, આપણામાંના એક હતા, તે વિચારતા જ ધન્યતા અનુભવાય છે. તત્વચિંતનની ઊંચાઈએ પહોંચી તે વાતો સરળતાથી સમજાવતા મહાન ભક્તકવિને ખુબ ખુબ વંદન!



સંદર્ભ:
૧) શબ્દવેદ: નરસિંહ મહેતાની સમગ્ર કવિતા સંકલન: ઉર્વીશ વસાવડા 
૨) જનકલ્યાણ: ઓગસ્ટ 23 નરસિંહ મહેતા આધ્યકવિ: લે. ડૉ. અંજની મહેતા

અનાવિલ સાહિત્ય

વિશિષ્ટ સમાજની માહિતી આપતું આપણું અનાવિલ સાહિત્ય અનાવિલ સમાજમાંથી જેટલું શક્ય હોય એટલું ભેગું કરીને–ખરીદીને–વસાવીને વાંચવાનો શોખ છેલ્લા પચાસ વર્ષથી હું ધરાવું છું. લગભગ પચાસની નજીક પુસ્તકો મેં વસાવ્યા છે અને એ કાર્યક્રમ હજી અવિરત ચાલુ છે. 

બુદ્ધિશાળી, નેતાગીરીના લક્ષણો ધરાવતા અને શિક્ષણ માં અગ્રેસર સમાજમાં શ્રી અંબેલાલ ગોપાળજી દેસાઈ (વલસાડ), ડો. ઈશ્વરચંદ્ર મ. દેસાઈ (બીલીમોરા) અને બકુલાબેન ઘાસવાલા (વલસાડ) જેવા લેખકોએ ખૂબ મહેનત કરીને માહિતી ભેગી કરીને આપણને સમાજનો ઈતિહાસ અને લક્ષણો બતાવ્યાં છે – તે જાણવા જ રહ્યાં. આપણા વડીલો કદાચ દેસાઈગીરી–ગામના વડા તરીકે પટલાઈ કે શિક્ષણ જેવા વિષયોમાં ખુબજ આગળ હતા–પણ ઈતિહાસ લખવામાં ઊણા ઉતર્યા છે–ત્યારે શ્રી અંબેલાલ, ડો. ઈશ્વરચંદ્ર અને બકુલાબેનને બિરદાવવા રહ્યાં–તેમના ત્રણેના જેટલા વખાણ કરીએ તે ઓછા છે.

‘જય શુકલેશ્વર’ માસિક હમણાં પચાસ વર્ષ પૂરા કરવાના છે, ત્યારે અનાવિલ સમાજની માહિતી, સમાચાર, અને ઉત્તરોત્તર વિકાસનો પ્રસાર એના દ્વારા વિશ્વના અનાવિલોમાં ઉત્તમ રીતે થયો છે–તે સ્વીકારવું જ રહ્યું. મુંબઈના ‘જય અનાવિલ’ અને અમદાવાદનું ‘અનાવિલ પોકાર’ માસિકો પણ તેમની રીતે ફાળો આપે જ છે. ચાલો, મારી પાસેના અનાવિલ સાહિત્યના પુસ્તકોની વિગતવાર યાદી જોઈએ.


અનાવિલ સાહિત્યના મુખ્ય પુસ્તકો
  1. કન્યાદાન દાતા પ્રતિગ્રાહિતા - ડો. ક્લાસ ડબ્લ્યુવાન ડરવિન - ગુજરાતી અનુવાદક : મગનદાસ નાયક (૧૯૮૭) 
  2. અનાવિલ દર્શન - લે. અંબેલાલ ગોપાળજી દેસાઈ (૧૯૯૦) 
  3. Anavils of South Gujrat 2000 - Harish Desai & Hakumar Desai (1995) (ગુજરાતી મૂળ પુસ્તક: 1968 નો અંગ્રેજી અનુવાદ) 
  4. Cradle to Crematorium - Translation in English Harish Desai, Ranjan Desai (ગુજરાતી મૂળ પુસ્તક : પારણાથી પાલખી લે. બકુલા ઘાસવાલા) 
  5. દક્ષિણ ગુજરાતનાં અનાવિલ બ્રાહ્મણો (૨૦૦૧) - લેખક: અંબેલાલ ગોપાળજી દેસાઈ - સંકલન: ડો. ઈશ્વરચંદ્ર મ. દેસાઈ 
  6. સંભારણું – ૧ (૨૦૦૪) 
  7. સંભારણું – ૨ (૨૦૦૮) ગત સદીનું શ્રી શુકલેશ્વર અને અનાવિલો - ડો. ઈશ્વરચંદ્ર મ. દેસાઈ
  8. અનાવિલ ઓળખ – ડો. ઈશ્વરચંદ્ર મ. દેસાઈ (૨૦૦૪) 
  9. ઉજાસ – અનાવિલ – ૨૦૦૮ (મેગેઝીન) 
  10. Anavils (Then, Now and …) 
  11. અનાવિલ ધરોહર - સંકલન: હિના દેસાઈ (૨૦૧૯) 
  12. અનાવિલ ધરોહર (નવી આવૃત્તિ) - સંકલન: હિના દેસાઈ ૨૦૨૦ 
  13. અનાવિલ અસ્મિતા અને ગામડાનો વારસો - લે. શ્રીમતી મમતા તેજસ નાયક (૨૦૨૨) 
  14. History of Anavil Brahmins - Dinkar M. Desai (૨૦૦૭) 
અનાવિલોનો પરિચય આપતાં પુસ્તકો
  1. વાપીથી તાપીની વિભૂતિઓ (૧૯૮૭) - ૫૨૮ પેજિસમાં ૧૧૪ અનાવિલોનો સચિત્ર વિગતવાર પરિચય - ડો. મોહનભાઈ પાંચાલ 
  2. વાપીથી તાપીની વિરાસત (૧૯૯૯) - ૫૬૨ પેજિસમાં ૧૦૦ અનાવિલોનો સચિત્ર વિગતવાર પરિચય - ડો. મોહનભાઈ પાંચાલ 
  3. અનાવિલ પરિચય ગ્રંથ (૨૦૦૮) - સાહિત્ય સંગમ પ્રકાશન (૬૭૩ પેજિસ) – ૫૦૦+ અનાવિલોનો સચિત્ર પારિચય - રીમા જ્વલંત નાયક અને ચિંતન નાયક - તમે જાણતા હોય એવા લગભગ બધાજ અનાવિલોની વિગતો સમાવતું પુસ્તક. 
  4. શ્રી પારડી – ઉમરગામ તાલુકા અનાવિલ સમાજ (૨૦૦૯) ૩૩૪ મોટા પાનામાં પારડી તાલુકાનાં અનાવિલોના કુટુંબની વંશવાળી –અનાવિલ મંડળો, જાણીતા મંદિરો સાથે અનાવિલ મહાનુભાવોનો પરિચય આપતું પુસ્તક
  5. Anavil Samaj of Canada Directory (2016) 
  6. અનાવિલ સાહિત્યકારો (૨૦૨૦) - ડો. પ્રફુલ્લભાઈ દેસાઈ (સુરત) 
  7. ગણદેવી તાલુકા અનાવિલ ડિરેક્ટરી - દોલતભાઈ વી. નાયક
  8. ‘સાથી’ વિશેષાંક (૧૯૯૬) - અનાવિલ સમાજ, નવસારી
અનાવિલોની આત્મકથાઓ / જીવનચરિત્ર 
  1. મારૂ જીવનવૃતાંત – મોરારજી દેસાઈ (૨૦૧૪) 
  2. અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ – મહાદેવભાઈ નું જીવનચરિત્ર - લેખક : નારાયણ દેસાઈ (૧૯૯૨) 
  3. મુકસેવક અને બોલતાં હૈયા (૧૯૮૪) - કાન્તિદર્શી ડો. મણિભાઈ દેસાઈ (૨૦૧૪) 
  4. વિદ્યા-સ્મૃતિ (૨૦૦૮) - વિદ્યાબેન ઈશ્વરભાઈ નાયક 
  5. શ્રી દયાળજી સ્મૃતિગ્રંથ (૧૯૭૮) 
  6. કલાવીદ્દ (જશુભાઈ નાયક કળા વિશેષાંક) 
  7. દિલનું સ્મિત – એક સફર 
  8. પરાગજી નાયક – એક સમર્પિત અનાવિલ લે. રમેશ તન્ના (૨૦૧૬) 
  9. પ્રેમિલાબેન ભુપેન્દ્ર નાયક (૨૦૦૫) 
  10. શ્રી યોગેન્દ્ર 
  11. શ્રી મોરારજી દેસાઈ સ્મૃતિઅંક (૨૦૦૯) 
  12. કલાગુરુ શ્રી જશુભાઈ નાયક સ્મૃતિઅંક (જય શુકલેશ્વર) ૨૦૧૪ 
  13. પ્રો. ડી.જી વશી – ઊંચું ધ્યેય અને પ્રચંડ પુરૂષાર્થ ૧૯૯૯ 
  14. શહીદ બાપુભાઈ વશી 
  15. કર્મયોગી કિકુભાઈ ગુલાબભાઈ નાયક 
  16. શ્રી મોરારજી દેસાઈ – યશવંત દોશી (૧૯૯૭) 
  17. મારી શિક્ષણ યાત્રા. આચાર્ય શ્રી ઈશ્વરભાઈ નાયક (૨૦૦૫) 
  18. મારા સંસ્મરણો ડો. જે.હી.દેસાઈ (૨૦૨૦) 
  19. શ્રી સુરેશભાઈ દેસાઈ (નવસારી) 
  20. ડો. બી.જી.નાયક – વેગામ મોરી માવડી - આર.ડી.દેસાઈ
  21. ભારતરત્ન શ્રી મોરારજી દેસાઈ ડો. મોહનભાઈ પાંચાલ (૧૯૯૫) 
  22. માનવરત્ન શ્રી મોરારજી દેસાઈ 
  23. રાજપુરુષ મોરારજી દેસાઈ, દિપક બી.વશી. (૨૦૧૬) 
  24. યોગાનંદ સરસ્વતી મહારાજ (ગાંડા મહારાજ) 
મને આશા છે કે આ વિગતો જાણીને અને વાંચીને આપસૌ અનાવિલ સાહિત્ય નું મહત્વ સ્વીકારશો. આ બધા પુસ્તકો હું અનાવલ જય શુકલેશ્વર ધામમાં (મારા ગયા પછી) આપનાર છું – તે સહેજ જાણ ખાતર.

નમ્ર અપીલ: વાંચકોમાંથી દરેકને અનાવિલ સાહિત્યના પુસ્તકો અને અનાવિલોની આત્મકથા મને પહોંચાડવા નમ્ર અરજ કરું છું. મહેરબાની કરીને અનાવિલોને લગતા દરેક પુસ્તકો મને ડો. ભરત દેસાઈ, દેસાઈ આંખની હોસ્પિટલ, ફિડર રોડ, બીલીમોરા-૩૯૬ ૩૮૦ સરનામે અચૂક મોકલશો.

ડો. ભરત દેસાઈ 
બીલીમોરા
૨૮/૦૧/૨૩

માતૃભાષા - વિશ્વ માતૃભાષા દિવસે...

માતૃભાષા એટલે બાળક ગર્ભમાં હોય ત્યારે, ધાવણ લેતો હોય ત્યારે અને બાલ્યાવસ્થામાં હોય ત્યારે માતા દ્વારા બોલાતી ભાષા. માનવજીવનમાં માતાનું વિશેષ મહાત્મય દર્શાવાતું હોવાથી આ ભાષા – બોલવામાં, લખવામાં અને વ્યવહારમાં વપરાતી ભાષાને પિતૃભાષા ન કહેતાં – માતૃભાષા કહી છે.

ડો. નલિનીબેન ગીલીટવાળાએ આચાર્યશ્રી ડો. કલ્પેશભાઈ ટંડેલ અને પ્રો. ડો. શીતલબેન વસાવાના સહયોગથી શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા ખાતે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ઉજવણી કરવાનું આયોજન તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ શુક્રવારે કર્યું. ઉત્સાહી અને ખંતીલા ડો. શીતલબેન વસાવાએ એમનું સર્વોત્તમ પ્રદાન આપી વિદ્યાર્થીઓને ગીતો-પ્રવચનો-વિવિધ એવોર્ડ અને લોકબોલી વિષયક તૈયારી કરાવી. એમ કહું કે પ્રશંસાના શબ્દો ઓછા પડે એવું લગભગ બે કલાકનું રસપ્રદ આયોજન કર્યું. વિદ્યાર્થી ઉજમાબેન ચોરાવાળા એ “માતૃભાષા–દૂધભાષા–હ્રદયની ભાષા” વિષય ઉપર અને હર્ષ પટેલે “ભાષાનો ઉદ્દભવ અને વિકાસ” વિષય રસપ્રદ અને માહિતીપ્રદ પ્રવચન આપ્યું. “ભાષા મારી ગુજરાતી છે” અને “જય જય ગરવી ગુજરાત” ગીતો સમૂહગીત તરીકે રજૂ કર્યા. ક્વિઝ દ્વારા ગુજરાતી ભાષાને લગતી પ્રશ્નોત્તરી દ્વારા જાણકારી આપી. ગુજરાતી બોલીઓ–કાઠિયાવાડી, ચરોતરી, ચૌધરી અને દક્ષિણ ગુજરાતની લોકબોલીઓનો લાક્ષણિક શૈલીમાં પરિચય કરાવ્યો. મેઘના ટંડેલે આપેલી એવોર્ડ વિષયક માહિતી જાણવા જેવી છે. ગુજરાતી ભાષા માટે રણજિતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા પુરસ્કાર, રમણભાઈ નીલકંઠ હાસ્ય પુરસ્કાર, નર્મદ સુવર્ણચંદ્રક,સાહિત્ય ગૌરવ પુરસ્કાર અને કુમાર ચંદ્રક એવોર્ડ દર વર્ષે વિવિધ સંસ્થાઓ દ્વારા અપાય છે. 


ગુજરાતી ભાષામાં પ્રાથમિક અભ્યાસ 

માતૃભાષાનું ગૌરવની ઉજવણી કરતી વખતે થોડું ઉદાસ થવાય તે અનોચિત નથી, કારણ કે વર્તમાનમાં માબાપો બાળકને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં જ ભણાવવું ફરજિયાત હોવાનું માને છે અને બાળક માતૃભાષા ન શીખે તો કોઈ નાનમ અનુભવતા નથી. ત્યારે ચાલો, એક આશાનું કિરણ “નવી શિક્ષણ નીતિ” દ્વારા દેખાયું છે. આ નીતિ મુજબ બાળકને ધોરણ પાંચ સુધીનું શિક્ષણ સમગ્ર ભારતદેશમાં પોતાની માતૃભાષામાં શીખવવું ફરજિયાત બનાવાયું છે. હકીકતમાં માતૃભાષામાં ભણતા બાળકનો નૈસર્ગિક વિકાસ સરળ અને ઉત્તમ કક્ષાનો થાય છે, તે ભૂલવા જેવુ નથી. કદાચ ગુલામી કે પછી પોતાની માતૃભાષા માટે ગૌરવનો અભાવ–અંગ્રેજી ભાષાને સર્વોત્તમ માનવા પ્રેરતો હોય તો નવાઈ નથી. 

ગુજરાતી ભાષામાં વાતચીત

પરસ્પર વાતચીત દરમ્યાન કે લખાણમાં વધારે પડતું અંગ્રેજી વાપરવાની ટેવને લીધે, ઘણીવાર આખું વાક્ય ક્યારેય શુદ્ધ ગુજરાતીમાં બોલાતું નથી. અરે, બે ગુજરાતી જાણનારા વ્યક્તિઓ પણ પરસ્પર અંગ્રેજીમાં વાત કરતાં હોય ત્યારે શું થાય ? પોતાની ભાષા માટે અભિમાનનો અભાવ – ગૌરવનો અભાવ અને અંગ્રેજી ભાષા વિષે ખોટો ઊંચો અભિપ્રાય સિવાય શું હોય શકે ?ગુજરાતી ન સમજતા–કે–ગુજરાતી લખાણ કે વાતચીત ન કરી શકતા બાળકો એ વર્તમાનની વિચિત્રતા જ નથી શું? ચાલો કંઈક સમજીએ.

આપણી માતૃભાષા લુપ્ત થતી ભાષાઓની યાદીમાંથી ક્યારે નીકળે? જ્યારે આપણે સૌ માતૃભાષા માટે ગૌરવ અનુભવીએ અને દૈનિક વ્યવહારમાં માતૃભાષા જ બોલીએ–લખીએ. 

માતૃભાષા ગુજરાતી ગમતું નથી – અને અંગ્રેજી આવડતું નથી પણ બોલવું છે.  

- બીરેન કોઠારી (‘ગુજરાતમિત્ર’ ૩-૩-૨૨)

હકીકતમાં અતિશુદ્ધ ભાષાનો ઉપયોગ અશક્યવત છે, કારણ આવા પાત્રો ઉપહાસને પાત્ર બને છે અને અતિશુદ્ધ ભાષામાં સંવાદ સાધવો ખરેખર મુશ્કેલ છે.

પ્રાંતવાર અને પેટા પ્રાંતવાર આપણે ત્યાં વિવિધતાવાળી અલગ અલગ ગુજરાતી ભાષાની તદ્દન જુદી પડતી બોલી ચલણમાં છે. જેને અન્ય બોલીવાળા લોકો ઉપહાસની નજરે જુએ છે. વર્તમાનમાં ગુજરાતીના ભોગે અંગ્રેજી અપનાવવાનો પ્રવાહ વધતો ચાલ્યો છે–અંગ્રેજી મિશ્રિત ગુજરાતી વર્ણશંકર ભાષા બની ચૂકી છે ત્યારે, શુદ્ધ ગુજરાતીનો સહજપણે ઉપયોગ કરવો જરૂરી છે. બાકી તો કોઈપણ ભાષા–પોતાના બળે જ–તકે છે, વિસ્તરે છે કે મૃત થાય છે. 

આપણો ધર્મ ગુજરાતીનો વ્યાપક ઉપયોગ કરવાનો છે, બાકી મૃત થવાની કે લુપ્ત થવાની ફિકર કરવાની કોઈ ફેર પડશે નહીં.

તો, ચાલો આપણે ગુજરાતી ભાષાનો ઉદભવ સમજીયે અને ત્યારબાદ માતૃભાષાનું મહત્વ જાણીએ.


ગુજરાતી ભાષાનો ઉદ્દભવ
લે. હર્ષ પટેલ, શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા

આપણી ગુજરાતી ભાષાએ ભારત યુરોપિયન પરિવારની છે. ઉત્તર ભારતની તથા યુરોપની લગભગ બધી જ ભાષા ભારત યુરોપિયન પરિવારની છે. આ પરિવારની મુખ્ય 10 શાખા છે : ગ્રીક, ઇટાલિક, કેન્ટિન, જર્મેનિક, સ્લાવોબાલ્ટિક,અર્મોનિયન, આલ્બેનિયમ, હિટ્ટાઈટ, તોબારી, ભારત, ઈરાની. આમાંથી આપણો સંબંધ ભારત ઇરાની સાથે છે. ઈ.સ.પૂર્વે 3500ની આજુબાજુ ભારત યુરોપિયન પરિવારના લોકો મધ્યએશિયા અને તેની આજુબાજુના પ્રદેશમાં રહેતા હતા. (બહુ મોટી સંખ્યામાં ફેલાયેલા)

કેટલાક કારણોસર સ્થળાંતર થતાં પરિવારનું વિભાજન થાય છે. તે સમયગાળો એટલે ઈ.સ. પૂર્વે ૨૦૦૦ની આસપાસસ્થળાંતર થતા કેટલાક લોકો યુરોપ તરફ, કેટલાક અન્ય દિશા તરફ અને કેટલાક ઈરાન તરફ પ્રયાણ કરે છે ઈરાનમાં થોડો સમય સ્થાઈ થાય છે. ઈ.સ. પુર્વે 1500ની આસપાસ કોઈ ધાર્મિક વૈમનસ્ય ઉભું થતા તેમાથી ઘણામોટા સમુહમાં લોકો ભારત તરફ પ્રયાણ કરે છે. આમ ભારત તરફ પ્રયાણ કરનાર આર્યોનો સમૂહ દેવપૂજક આર્યો તરીકે ઓળખાય છે.

પ્રાચીન ભારતીય આર્યોના સમયમાં ધર્મશાસ્ત્રોની ભાષા વૈદિક સંસ્કૃત હતી. તથા બોલચાલની ભાષા સંસ્કૃત હતી. સંસ્કૃત સાહિત્યની ભાષા બની, ત્યારે પ્રાકૃતિક બોલચાલની ભાષા બની.

ધીમેધીમે પ્રાકૃતમાં પણ સાહિત્યનું સર્જન થતું ગયું અને પ્રાકૃત ભાષા વિસ્તાર પામી અને અલગ-અલગ પ્રદેશમાં તે અલગ-અલગ નામે ઓળખાવા લાગી. તે અરસામાં બોલચાલની ભાષા અપભ્રશં અસ્તિત્વમાં આવી.

અહીંથી ગુજરાતી ભાષાનો અંશ અસ્તિત્વમાં આવ્યો એમ કહેવાય છે.

ગુજરાતી ભાષાનો ઉદભવ હેમચંદ્રાચાર્યના અપભ્રંશથી થયો. જેને હેમચંદ્રાચાર્ય શૌરસૈની અપભ્રંશ કહે છે.

મથુરામાં આશૌરસૈની અપભ્રંશનું ચલણ વિશેષ થતુ. સમય જતાં અને સ્થળ બદલાતાં ભાષાની ભિન્નતાઓ આકાર લેવા માંડી અને તે એટલી હદે કે તે એક જ અપભ્રંશમાંથી કાળક્રમે, આ અપભ્રંશ , વ્રજપ્રદેશમાં આભીર અપભ્રંશ, તેમાંથી ઉદભવેલા ભાષા હિન્દી. રાજસ્થાનમાં મારુ અપભ્રંશ તેમાંથી ઉદભવેલ ભાષા રાજસ્થાની. ગુજરાતમાં નાગર / ગૌર્જર અપભ્રંશ, તેમાંથી ઉદભવેલ ભાષા ગુજરાતી.

આમ , ગુજરાતી ભાષાના ઉદભવના તબક્કા:
  1. વૈદિકસંસ્કૃત
  2. લૌકિકસંસ્કૃત
  3. પ્રાકૃત
  4. અપભ્રંશ
  5. ગૌર્જરઅપભ્રંશ
  6. જૂની ગુજરાતી
  7. મધ્યકાલીન ગુજરાતી
  8. અર્વાચીન ગુજરાતી
આમ, મૂળ ગુજરાતી ભાષા ભારત-યુરોપિયન પરિવારની છે. પ્રાચીન ભારતીય આર્યશાખાની છે. હાલની ગુજરાતી ભાષાના મૂળ ઋગ્વેદમાં જોવા મળે છે.

ગુજરાતી એવું નામ તેને ગુર્જર શબ્દ પરથી મળ્યુ. ગુર્જર લોકોનું વતન ગુજરાત અને તેઓની ભાષા એટલે ગુજરાતી.

માતૃભાષા-દૂધભાષા-હૃદયની ભાષા
લેખિકા: ઉઝમા ચોરાવાલા, શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા

સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી...
મળી માતૃભાષા મને ગુજરાતી...
- ઉમાશંકર જોષી 

એવી ગુજરાતી ભાષાને વંદન.

જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું તેમજ વિચારો પ્રદર્શિત કરવાનું, બાળક શીખ્યું તે ભાષા એટલે ગુજરાતી ભાષા. ગુજરાતી ભાષાના વિકાસને ત્રણ તબક્કામાં વહેચવામાં આવી છે.

પ્રથમ: 10 થી 14 મી સદી દ્વિતીય: 14 થી 17 મી સદી તૃતીય: 17 મી સદી થી
“જૂની” ગુજરાતી “મધ્યકાલીન” ગુજરાતી આજ દિન સુધી

પાલનપુરથી પોરબંદર, અમદાવાદથી અમરેલી, દાહોદથી ડાંગ, શામળાજીથી સુરત, ભુજથી ભરુચ, દરેક જગ્યાએ અલગ-અલગ ગુજરાતી બોલાય છે. દરેક ગુજરાતી બોલીની પોતાની એક આગવી ઓળખ છે. તેથી જ તેની એક અલગ લિજ્જત છે.

મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે “ભલે મારી માતૃભાષા અધૂરી રહી. જેમ હું માંની છાતીએથી અળગો ના થાઉં તેમ હું મારી માતૃભાષાથી અલગ ના થાઉં, મારા જીવનને ઘડનારું દૂધ અમને તેના સિવાય બીજે ક્યાંથી મળે”?

મહાત્મા ગાંધીજીએ આપણી માતૃભાષાને દૂધભાષા તરીકે ઓળખાવી છે. આપણે તેને અવગણશું અને તે પ્રત્યે બેદરકાર રહીશું તો ભાવિ પ્રજાને તેને માટે અફસોસ કરવો પડશે.

“બાળકના શરીરના વિકાસ માટે માતાનું દૂધ જરૂરી છે તેમ બાળકના મગજના વિકાસ માટે માતૃભાષા જરૂરી છે” આમ ગાંધીજી એ બાળકના મગજના વિકાસ માટે માતૃભાષા નું ખૂબ જ વિશેષ મહત્વ દર્શાવ્યું છે.”

અંગ્રેજી તો સારું જ છે, પણ ગુજરાતી તો મારું છે.

પોતાના લોકોના મૂલ્યો, વિચારો, અભિપ્રાયો કે જે સામાજીકતાથી ઘડાયેલા છે, તેના વારસાનો પરિચય આપતી ભાષા એટલે માતૃભાષા.

એક સંશોધન એવું જણાવે છે કે નાનપણમાં બાળક એકથી વધુ ભાષા સરળતાથી શીખે છે. માટે શાળામાં અન્ય ભાષા ભલે શીખે, ઘરમાં માતૃભાષાનો જ પાયો મજબૂત કરવો.

માતૃભાષા દ્વારા તર્કશક્તિનો વિકાસ થાય છે. માતૃભાષા એ વ્યક્તિગત, સામાજિક, આગવી સંસ્કૃતિ ઓળખ વિકસાવે છે. જેથી વ્યક્તિ સમાજમાં એક ચોક્કસ પ્રતિષ્ઠા ઊભી કરી શકે છે.

માતૃભાષા હ્રદયમાંથી આવે છે. અન્ય ભાષા મગજમાંથી આવે છે.

માતૃભાષા દ્વારા થતી વાત એ કુદરતી ઘટના છે, અન્યભાષા માં થતી વાત... એ કૃત્રિમ ઘટના છે.

માતૃભાષા એ વ્યક્તિના જીવનનો મહત્વનો ભાગ છે. અન્ય ભાષા નબળી કે ખરાબ તેવું નથી, પણ આપણાં માટે માતૃભાષા જ ઉત્તમ છે.

યુનેસ્કોના મતે દુનિયાની લગભગ 3,000 જેટલી ભાષાઓ ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે જેમાં ગુજરાતીનો પણ સમાવેશ થાય છે. ત્યારે એક ગુજરાતી તરીકે આપણાં સૌની ફરજ બની રહે કે આપણે આપણી માતૃભાષા ને બચાવવાના પ્રયત્ન કરીએ.

માતૃભાષા ગુજરાતીને આત્મસાત્ કરવું આપણો ધર્મ છે. તો, વિશ્વ માતૃભાષા દિવસ (૨૧ ફેબ્રુઆરી) ની ઉજવણી કરી. થોડી ઘણી ઉદાસીનતાને ખંખેરી ગુજરાતી માતૃભાષાને એનું હક્કના સ્થાને પ્રસ્થાપિત કરીયે. આપનો શું વિચાર છે?

તા. ૨૧-૦૨-૨૦૨૨ 
ડો. ભરતચંદ્ર એમ. દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
+91 2634 284 620