સૌરાષ્ટ્ર એટલે વીરો અને સંતોની ભૂમિ, તેનું નાગરીરત્ન જુનાગઢનિવાસી ગૃહસ્થ ગિરનારની ઊંચાઈના કવિ અને ભક્ત તે નરસિંહ મહેતા!
મીરા, કબીર કે તુલસીદાસ જેવો ભક્તકવિ પરમ સંત અને ગુજરાતી સાહિત્યનો મહાન સક્ષમ કવિ તે આપણો નરસૈયો.
સાદાઈ, સરળતા, બેફિકરપણું જેવા ગુણો સાથે નાગરોની ટીકાને અવગણી હરિજનો વચ્ચે બેસી ભજનો કરતા અને ભોજન કરતા નરસિંહ મહેતા અસ્પૃશ્યતા આભડછેડના પાંચ શતક પહેલાંના સમાજમાં કલ્પવું મુશ્કેલ છે. હરિજન ઉદ્ધાર કે એવી કોઈ મોટાઈ વગર ઉચ્ચનીચના વાડા ભેદી હળવું મળવું જેવું ખૂબ હિંમત નું કામ તેઓ જ કરી શકે
સંપૂર્ણ શરણાગતિ (Total Surrender) કે પછી સાક્ષીભાવ (Be Witness) જેવા ગીતાના ઉપદેશો આત્મસાત કરેલા આપણા મહાન કૃષ્ણભક્ત નરસિંહ મહેતાને માટે પ્રશંશાના શબ્દો મળતા નથી. કૃષ્ણ ભક્તિ-ભજન અને સંસારની સાંસારીક બાબતોમાં સંપૂર્ણ નચિંતપાણુંસમજવું સહેલું નથી. પુત્ર શામળશાનો વિવાહ, દીકરી કુંવરબાઈનું મામેરુ, હૂંડી લખી સ્વીકારનીઆશા રાખવી, પુત્ર શામળશા અને પત્ની માણેકબાઈના મૃત્યુ સમયે વિરક્તભાવનાથી “ભલું થયું ભાંગી જંજાળ” ગાતા નરસિંહ મહેતા કલ્પવા અને સમજવા આપણે પણ ખૂબ ઊંચી માનસિક સ્થિતિએ પહોંચવું પડે.
આપણી સૌની કમનસીબી એ છે કે આપણામાના, આપણી વચ્ચેના કે આપણા સાથી એવા પોતાના મહાન વ્યક્તિત્વ-જિનિયસ-ને એમના જીવનકાળ દરમિયાન ઓળખી શક્તા નથી કે વખાણતા નથી તો નરસિંહ મહેતા તેમા કેવી રીતે અપવાદ હોય?
ભક્તકવિ નરસિંહ મહેતા
- “આદિકવિ”
- “નરસૈયો”
- જન્મ: 1414 તળાજા( ભાવનગર)
- મરણ: 1481 માંગરોળ (જુનાગઢ)
- પિતા: કૃષ્ણદાસ મહેતા
- જાતિ: નાગર બ્રાહ્મણ
- આઠ વર્ષે માતા પિતાનું અવસાન. ઉછેર- દાદી જય ગૌરી
- લગ્ન: 1429
- પત્ની: માણેકબાઇ
કૃતિઓ
- કુંવરબાઈનું મામેરુ
- શામળશા નો વિવાહ
- ભક્તિ પદો
- હિંડોળા
- પ્રભાતિયા
વૈષ્ણવજન તો તેને રે કહીએભાવનગરમાં આવેલા ગોપનાથ મહાદેવના મંદિરમાં શ્રીકૃષ્ણના દર્શન થયા.
ઉંચી મેડી તે મારા સંતની રે
જળ કમળ છોડી જાને બાળા સ્વામી અમારો જાગશે
આજની ઘડીએ રળિયામણી રે
ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજીશું શ્રીગોપાળ
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
અખિલ બ્રાહ્મણમાં એક તું શ્રી હરિ
નરસિંહ મહેતા એવોર્ડ: ઈ.સ. 1999 થી શરૂ આદિકવિ નરસિંહ મહેતા ટ્રસ્ટ દ્વારા આશ્રેષ્ઠ કવિઓને આપવામાં આવે છે.
નરસિંહ મહેતાની કવિતાઓ સાત ભાગોમાં વહેંચી શકાય.
- પુત્ર શામળશાના વિવાહના પદો
- પુત્રી કુંવરબાઈનું મામેરૂના પદો
- હૂંડીના પદો
- હરિ પદો
- સુદામાચરિત્ર
- કૃષ્ણ પ્રેમ ક્રીડાના પદો
- ભક્તિ-જ્ઞાન-વૈરાગ્યના પદો
નરસિંહ મુખ્યત્વે ભક્ત છે, અને એનું કવિત્વ આનુંષગીક છે. તેમની કવિતા મુખ્યત્વે સાહજિક હૃદયવાણી છે, પણ એ વાણી સાચી કવિતા છે. તેથી તેઓ મહાન કવિ છે અને સમગ્ર ગુજરાતી સાહિત્ય તેમને લીધે ઉજળું છે. (અનંતરાય રાવળ)
પ્રેમભક્તિનું અલૌકીક રૂપ નરસિંહમાં પ્રગટ થતું જોઈ શકાય છે. એ સાથે જ નરસિંહની પ્રેમભક્તિ કવિતા બનતી અનુભવાય છે- આ મહાન ઘટના ખરેખર વિરલ છે. (ઉમાશંકર જોશી)
આપણે વિશ્વશાંતિની વાતો કરીએ છીએ, તેનો આરંભ ગૃહશાંતિથી કરવો પડશે. જો આપણે નરસિંહ મહેતાના પ્રેમભર્યા અને સાચી સમજણ આપતા કીર્તનોથી આપણા સંતાનોને સુવાડીશું અને તેમના પ્રભાતિયાની મધુર પદાવલીથી જગાડશું, તો ગૃહશાંતિ ચોક્કસ થશે અને આ ગૃહ શાંતિથી પરિવારમાં, સમાજમાં અને રાષ્ટ્રમાં શાંતિ પ્રસરશે. વિશ્વશાંતિ બીજું શું છે?(ધનસુખલાલ સાવલિયા)
નરસિંહના વિવિધ પદોમાં ઈશ્વરરહસ્યવાદ, આત્મરહસ્યવાદ અને પ્રેમાત્મક રહસ્યનાઅંશો પ્રગટે છે. એટલે કે નરસિંહ ગુજરાતી કવિતાના પ્રથમ ઊર્મિ કવિ છે, સાથે સાથે એ ગુજરાતી કવિતાના સમર્થ અને પ્રથમ રહસ્યવાદી કવિ પણ છે. તેથી, તેમની રચનામાં ગુઢઅનુભવની રજૂઆત ઘણી સહજ, સરળ અને વેધક રીતે થઈ છે. (રાજેન્દ્રસિંહ રાયજાદા)
રચના: ૧
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનતં ભાસે;
દેહમાં દેવ તું, તત્ત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે, ૧
પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા! વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે.૨
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે : કનકકુંડળ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે ૩
ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે,
મન-વચન-કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ: મન એમ સૂઝે. ૪
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈંયો : એ મન તણી શોધના : પ્રીત કરું, પ્રેમથી પ્રગટ થાશે. ૫
તત્વચિંતન અને ભક્તિભાવની જુગલબંધી મારો નરસૈયો જ કરી શકે. ભગવાન, તારા સ્વરૂપો ભલે બદલાય, પણ છેલ્લે તો તું એક જ છે. વૃક્ષોમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું.... આ એકદમ મોટી વાત આપણને કેટલી સરળતાથી સમજાવી દીધી. એમની શ્રદ્ધા-ખાતરી-વિશ્વાસ જુઓ છેલ્લે કહે છે પ્રીત કરું, પ્રેમથી પ્રગટ થાશે.
રચના :૨
નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? તે જ હું,’ ‘તે જ હું' શબ્દ બોલે;
શ્યામનાં ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહીંયાં કો નથી કૃષ્ણ તોલે. ૧
શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી;
જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમ સજીવંન મૂળી. ૨
ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં, હેમની કોર જ્યાં નીસરે તોલે;
સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, સોનાનાં પારણાં માંહી ઝૂલે. ૩
બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી, અચળ ઝળકે સદા વિમળ દીવો;
નેત્ર વિણ નિરખવો, રૂપ વિણ પરખવો, વણિજહૂવાએ ૨સ સરસ પીવો. ૪
અકળ અવિનાશી એ, નવ જાયે કળ્યો, અરધ-ઊરધની મધ્યે મહાલે;
નરસૈંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે. ૫
રચના: ૩
જ્યાં લગી આતમાતત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી;
મનખા દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ વૂઠી.
શું થયું સ્નાન, સંધ્યા ને પૂજા થકી? શું થયું ઘે૨ ૨હી દાન દીધે?
શું થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે? શું થયું વાળ લુંચન કીધે?
શું થયું જપ-તપ-તીરથ કીધા થકી? શું થયું માળ ગ્રહી નામ લીધે?
શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી? શું થયું ગંગાજળ-પાન કીધું?
શું થયું વેદ-વ્યાકરણ-વાણી વઘે? શું થયું રાગ ને રંગ માણ્યે?
શું થયું ખટદર્શન-ભેદ સેવ્યા થકી? શું થયું વરણના ભેદ આપે?
એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા, જ્યાંહાં લગી પરિબ્રહ્મ ન જોયો;
ભણે નરસૈંયો : તત્ત્વદર્શન વિના રત્નચિંતામણિ જન્મ ખોયો.
સાધનાની વિવિધ રીતોની તત્વદર્શન કર્યા સિવાયની નિરર્થકતા જેવી ગુઢ વાત સાદીરીતે તેઓ જ કહી શકે.
રચના:૪
આપણને મહાત્મા ગાંધીજીએ એકદમ સમજાવીને પાકું કરાવેલી કાવ્યની તો વાત જ ન થાય વૈષ્ણવજનના લક્ષણો બતાવતો નરસૈયો ખરેખર સંપૂર્ણ રીતે વંદનીય છે -પ્રશંસનીય છે -પૂજનીય છે
આવા મહાન-આત્મા ભગવાન ભરોસે શ્રદ્ધાથી જીવન જીવી ભક્તિ કરતાં નરસિંહ મહેતા આપણી વચ્ચે રહ્યા હતા, આપણામાંના એક હતા, તે વિચારતા જ ધન્યતા અનુભવાય છે. તત્વચિંતનની ઊંચાઈએ પહોંચી તે વાતો સરળતાથી સમજાવતા મહાન ભક્તકવિને ખુબ ખુબ વંદન!
રચના:૪
વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે;
પરદુઃખે ઉપકાર કરે ને મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે;
વાચ-કાછ-મન નિશ્ચલ રાખે, ધન્ય ધન્ય જનની તેની રે.
સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે;
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન ન ઝાલે હાથ રે.
મોહ-માયા લેપે નહિ તેને, દૃઢ વૈરાગ્ય તેનાં મનમાં રે;
રામનામ-શું તાળી લાગી, સકળ તીરથ તેનાં તનમાં રે.
વણલોભી ને કપટરહિત છે, કામક્રોધ જેણે માર્યા રે,
ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યાં રે.
આપણને મહાત્મા ગાંધીજીએ એકદમ સમજાવીને પાકું કરાવેલી કાવ્યની તો વાત જ ન થાય વૈષ્ણવજનના લક્ષણો બતાવતો નરસૈયો ખરેખર સંપૂર્ણ રીતે વંદનીય છે -પ્રશંસનીય છે -પૂજનીય છે
આવા મહાન-આત્મા ભગવાન ભરોસે શ્રદ્ધાથી જીવન જીવી ભક્તિ કરતાં નરસિંહ મહેતા આપણી વચ્ચે રહ્યા હતા, આપણામાંના એક હતા, તે વિચારતા જ ધન્યતા અનુભવાય છે. તત્વચિંતનની ઊંચાઈએ પહોંચી તે વાતો સરળતાથી સમજાવતા મહાન ભક્તકવિને ખુબ ખુબ વંદન!
સંદર્ભ:
૧) શબ્દવેદ: નરસિંહ મહેતાની સમગ્ર કવિતા સંકલન: ઉર્વીશ વસાવડા
૨) જનકલ્યાણ: ઓગસ્ટ 23 નરસિંહ મહેતા આધ્યકવિ: લે. ડૉ. અંજની મહેતા
♦️wow, comprehensive treatise on Narsinh Maheta.so, absorbing.👏👏.
ReplyDelete