વિદુર નીતિનો ઉપદેશ (ઉદ્યોગ પર્વ - મહાભારત)

મહાભારત વાંચનારે જીવનનું ભાથુ - જીવન જીવવાની જડીબુટ્ટી - શ્રીકૃષ્ણ પાસે અર્જુન વિષાદયોગમાં ભગવદગીતા દ્વારા શરૂઆતમાં - કુરુક્ષેત્રના યુદ્ધ રોકવા રાજા ધૃતરાષ્ટ્રને પાંડવોને ભાગ આપવાનું સમજાવનાર વિદુરના પ્રવચન, વિદુરનીતિમાં અને યુદ્ધ જીત્યા પછી વૈરાગ્ય થવાથી વનવાસ કરવા તૈયાર થયેલા યુધિષ્ઠિરને રાજધર્મ કહેતા ભીષ્મપિતામહ પાસે શાંતિપર્વ માં મળે છે. તેર વરસના વનવાસ પછી પાછા ફરેલા પાંડવોને તેમનું ઇન્દ્રપ્રસ્થ રાજ્ય પરત આપવા દુર્યોધન ના પાડે છે ત્યારે પુત્રપ્રેમ અને પોતાની મહેચ્છા દ્વારા પીડિત રાજા ધૃતરાષ્ટ્ર તેને સંમતિ આપે છે. આ સમયે વિદુર ધૃતરાષ્ટ્ર ને અનીતિ છોડવા અને ન્યાયિરીતે વરત્વ સમજાવતી વખતે જે ઉપદેશ આપે છે-તે વિદૂરનીતી. 


ચાલો મુદ્દાસર દરેક વાત સમજીએ.

  1. અનિન્દ્રા: દુર્બળ-બળવાન સાથે સંઘર્ષ કરે છે ત્યારે, વ્યભિચારીને-ચોરને-દેવાદારને-વધારે પુત્રીના પિતાનેઅને દ્રવ્યના લાલચીને ઊંઘ આવતી નથી.
  2. પંડિત: જેને પોતાની વાસ્તવિક સ્થિતિનું જ્ઞાન છે, જેની ધર્મમાં સ્થિરતા છે, જેની દુ:ખ સહન કરવાની શક્તિ છે, જે નિત્ય કંઈનેકંઈ ઉધ્યોગ કરે છે, પોતાના ગુણોની અભિવૃદ્ધિ કરે છે, જે કોઈનો દોરવ્યો દોરાતો નથી. જેને ભૂખ-તરસ, ઠંડી-ગરમી, ભય-પ્રીતિ, ધનિકતા-નિર્ધનતા કંઈ જ અસર કરતા નથી. દ્રવ્યોયોપાર્જનમાં જે પ્રમાણિકતાને પ્રાધાન્ય આપે છે, જેણે ભોગવિલાસ ત્યજ્યા છે અને જે કોઈની નકલ ન કરતાં આપસૂઝ-આગવી બુદ્ધિથી લોકકલ્યાણના કાર્ય કરે છે તે પંડિત કહેવાય છે.
  3. મૂર્ખ: જે વિદ્વાન ન હોવા છતાં પોતાના જ્ઞાનનું અભિમાન કરે છે દરિદ્ર હોવા છતાં લાખોની વાત કરે છે, પરિશ્રમ વિના દ્રવ્યપ્રાપ્તિની ઈચ્છા રાખે છે, જે મિત્ર સાથે કપટ યુકત આચરણ કરે છે, બળિયા સાથે બાથ ભીડે છે, શત્રુને મિત્ર બનાવી સાચા મિત્ર સાથે દ્વેષ રાખે છે, જે નિર્બળને દુ:ખ દે છે અને દરેક બાબતમાં શંકાશીલ હોય છે. તે મૂર્ખ કહેવાય છે.      
  4. ડાહ્યો માણસ: પરસ્ત્રીગમન, દ્યૃતક્રીડા, મૃગયા, મદિરાપાન, કર્કશવાણી, અનીતિ દ્વારા દ્રવ્યોપાર્જન, અને નિર્દોષ પ્રત્યે ઘાતકી વર્તન ત્યજનાર.
  5. આટલું ન કરો: કોઈ અગત્યની બાબતનો નિર્ણય એકલાએ જ ન કરવો, સ્વાદિષ્ટ ભોજન એકલા ન ખાવું, ઉજ્જડ ઘાટે સ્નાને એકલા ન જવું, નિર્જન રસ્તે વિચારણા એકલા ન ફરવું, કોઈની વસ્તુ ધણી ને પૂછ્યા વગર ન લેવી અને એકાંતમાં કામ સિવાય પોતાની માતા,બહેન, કે દીકરી સાથે પણ ન બેસવું.
  6. અનાદર: મોટા ભાગના મનુષ્યો છ વસ્તુઓનો અનાદર કરે છે.
      1. વિદ્યાભ્યાસ પૂર્ણ થતાં વિદ્યાર્થી ગુરુનો,
      2. લગ્ન થઈ ગયા પછી પુત્રો માતાનો,
      3. કામવાસના શાંત થયા પછી પુરુષ સ્ત્રીનો,
      4. પ્રસંગ પૂરો થયા પછી તેમાં સહાય કરનારનો,
      5. રોગ મટ્યા પછી વૈદ્યનો અને છેલ્લે
      6. નદી પાર ઉતાર્યા પછી નાવડીનો લોકો તિરસ્કાર કરે છે.
  7. સંપતિ નાશ: વૃધ્ધવસ્થામાં રૂપ અને સૌંદર્ય હણી લે છે તેવી જ રીતે ઉદ્ધતવર્તન, તોછડાઈ, આછકલાઈ, અભિમાન, વગેરે સંપતિનો નાશ કરે છે. 
  8. સંગ તેવો રંગ: જેમ વસ્ત્રોને જે રંગો રંગવામાં આવે તેવો રંગ ચઢી જાય છે, તેમ જો કોઈ મનુષ્ય સજ્જનના સંસર્ગમાં આવે તો સજ્જન, દુર્જનના સંસર્ગથી દુર્જન, તપસ્વી સંસર્ગથી તપસ્વી અને ચોરના સંગથી ચોર બને છે.
  9. જીવનરથ: મનુષ્યનું શરીર રથ છે, બુદ્ધિ સારથિ છે અને ઈન્દ્રિયો તેના ઘોડા છે. તેમણે વશમાં કરી સાવધાન રહેનાર બુદ્ધિમાન મનુષ્ય સુખપૂર્વક યાત્રા કરી શકે છે.
  10. વિશ્વાસ: કોઈના ઉપર વિશ્વાસ મુક્તા પહેલા ઊંડો વિચાર કરવો જોઈએ - જે વ્યક્તિને વિશ્વાસપાત્ર ગણતાં હોઈએ તેના પર પણ અધિક વિશ્વાસ ન મૂકવો. ખરેખર તો પોતાનો ખાસ વિચાર અતિગુપ્ત રાખવું.
  11. મિત્રતા: સજ્જન પુરુષે અભિમાની, મૂર્ખ, વાચાળ, ક્રોધી, ધર્મહીન અને ઉતાવળિયા પુરુષો સાથે ભૂલેચૂકે પણ મિત્રતા ન બાંધવી. મિત્ર તો સહૃદઈ, ઉદાર, સત્યનિષ્ઠ, કૃતઘ્ન, જિતેન્દ્રિય, પ્રેમી, સ્વભાવવાળો હોવો જોઈએ.
  12. સંતોષ: નિર્ધન હોય તે પણ જીવે છે અને ધનવાન હોય તે પણ જીવે છે, માટે આપણે અધિક ધન અને અધિક ભૂમિનો લોભ ત્યજી દેવો. જેટલું હોય તેનાથી સંતોષ માનશો તો સદા સુખી રહેશો. સંતોષી નર સદા સુખી.
  13. ક્ષણભંગુરતા: આ જગતમાં બધુ ક્ષણભંગુર છે. જે જન્મે છે તે મરે છે અને જે ખીલે છે તે કરમાય છે. કેટલાય લોકો સમૃદ્ધિ ત્યજીને અહી જ મૂકીને મરણ પામ્યા છે. સજ્જન મનુષ્યે કોઈ કામનાથી, ભયથી કે લોભથી પણ ધર્મનો ત્યાગ ન કરવો. કારણ ધર્મ નિત્ય છે પણ સુખ-દુ:ખ અચળ નથી. નાશવંત છે. 
  14. આપત્તિ: પરાઈ મિલકત પચાવી પાડવું, પરસ્ત્રીનો પરાભવ અને મિત્રનો ત્યાગ એ ત્રણ દોષો આપત્તિને આમંત્રણ આપે છે અને મોટી ખાનાખરાબી કરનાર છે.
  15. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ: વિનાસનો સમય આવવાને લીધે બુદ્ધિ મલીન થઈ જાય છે, ત્યારે અનીતિ નીતિ જેવી લાગે છે અને અનીતિ હ્રદયમાંથી ખસતી નથી. દ્વેષભાવને લીધે ફરી ગયેલી બુદ્ધિ લોભને કારણે પોતાને ખબર પડતી નથી.
  16. આવી અનેક વાતો, જ્ઞાની-વિદ્વાન અને ધૈર્યશીલ વિદૂરજીએ લંબાણ પૂર્વક ધૃતરાષ્ટ્ર ને કહીને, પાંડવોને તેમનો ભાગ પરત આપવા અને તેથી યુદ્ધનો આરંભ ત્યજવા સમજાવ્યું-પણ એ બધુ ભેંસ આગળ ભાગવત જેવુ નકામું સાબિત થયું. 
 કઈ નહીં તો, આપણને આ વાતો કઈક શીખવશે કે પછી...??                




"મહાભારત" શ્રેણીના બીજા લેખો
Other Related Articles
મહાભારત
ભગવદ્દ ગીતા
શાંતિપર્વ: બીજી ભગવદ્દ ગીતા
વિદુર નીતિનો ઉપદેશ
Hinduism
Bhagavad Gita - Short And Straight
Karmic Theory (Law Of Karma)
Karmic Theory - Practical Meditation

Post a Comment

0 Comments