સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે.

આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે.

ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે.

સીમંત વિધિ (ખોળો ભરવો – गोद भराई – Baby Shower)

શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અને દીર્ધજીવી હોવાની કામના સાથે મારી ગર્ભવતી પત્નીના સીમંતોન્નયન સંસ્કાર કરું છું”.

બ્રાહ્મણ ગણેશ પૂજા કરાવે છે. ગર્ભવતી સ્ત્રીના ખોળામાં ફળો અને સુકોમેવોથી ભરવામાં આવે છે, જે ખાવાથી બાળક અને માને યોગ્ય પોષણ મળે છે. ખોળો ભરવા પહેલા ખાસ સ્નાનવિધિ કરાવ્યા પછી સ્ત્રીને પગલાં પૂંજીને ચલાવવામાં આવે છે. નણંદ ફૂલ–ચોખા–રોકડા પૈસા દ્વારા ભાભી માટે રસ્તો બનાવે છે.

વિધિના અંતમાં સ્ત્રીને પર્યાપ્ત માત્રમાં ઘી નાખેલ ખિચડી ખવડાવવામાં આવે છે. નણંદ ભાભીને રક્ષા સૂત્ર (રાખડી) બાંધે છે. હાજર રહેલ સ્ત્રીઓ–(બહેન–ભાભી–કાકી–ફોઈ અને માસી) પૂજા કરી આશીર્વચનો આપે છે. અને આવનાર બાળક ના સારા સ્વાસ્થયની પ્રાર્થના કરે છે.

આ ઉત્સવમાં સાધારણ રીતે ફકતા સ્ત્રીઓજ હાજર રહે છે. તેમણે – પિયરપક્ષ તરફથી સાસરાપક્ષની સ્ત્રીઓને – વસ્ત્રો, વાસણો કે પૈસાની ભેટ સોગાદ આપવામાં આવે છે. આ શુભ પ્રસંગને અંતે સૌ પ્રેમપૂર્વક ભોજન કરી છૂટા પડે છે.

આમ સીમંત વિધિ ગર્ભમાં ઉછરી રહેલ બાળકને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે. પ્રથમ સુવાવડને મહત્વની ગણી આ વિધિ કરવામાં આવે છે, ત્યારપછીની સુવાવડમાં સીમંતવિધિ કરાતી નથી. આમ માતાનું મહત્વ સ્વીકારી તેને યોગ્ય સન્માન આપી પ્રસન્નતા બક્ષવાની આ એક વિધિ છે. ડો. ખુશ્બુ પાર્થ દેસાઈની સીમંતવિધિ પ્રસંગે
સાંઈધામ, મજીગામ
રવિવાર, ૦૯-૦૪-૨૩

ડો. ભરત દેસાઈ
બીલીમોરા

Post a Comment

0 Comments