અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે. 

ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે. 

ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે. 

પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી તેમના કોલેજના મિત્ર - સર્જક શ્રી વિનેશ અંતાણીએ ઉપરોક્ત બન્ને નવલ ભેગી કરીને ગુજરાતી નવલ લખવા જણાવ્યું. આઠ વર્ષ આ વાત ઘુંટાયા પછીનું 2006 નું પરિણામ તે આ અંગદનો પગ!

વર્ષ 2006 માં લખાયેલ આ નવલકથા પાંચ વર્ષમાં પંદર વખત પુર્ન મુદ્રણ પામી 14000+ નકલો પ્રસિદ્ધ કરવાની સિદ્ધિ ધરાવે છે. સ્વાભાવિક છે આપણને પ્રશ્ન થાય કે અંગદનો પગ નામકરણ કેમ? ચાલો, સમજીએ. 

“રામાયણ” ના યુદ્ધ પહેલા સમાધાન ના છેલ્લા પ્રયાસ તરીકે રામ અંગદને રાવણના દરબારમાં મોકલે છે. રાવણ તેની હાંસી કરે છે કે વાનરની મદદથી વળી યુદ્ધ જીતાય? ત્યારે અંગદ ભર દરબારમાં પગ ખોડી ઊભો રહી કહે છે. રાવણ કે કોઈ પણ દરબારી તેનો પગ ઈંચભર પણ ખસેડી દે તો રાવણ જીતશે. બધા હસે  છે, પણ કોઇથી પણ પગ ખસેડી શકાતો નથી. છેલ્લે, અંગદ કહે છે આ નાનો પગ પણ ન ખસેડાતો હોય તો રામ જીતાશે? આવા પ્રતિભાશાળી પાત્રની વાત હોય તો નવલકથા “અંગદનો પગ” શા માટે નહીં? કથાવાર્તાનો પરિચય હું કરાવીશ પણ બધી વિગત અને અંત ન કહીને આપણી ઉત્કંઠા અને વાંચવાની આતુરતા જાળવી રાખીશ. આ નવલકથા સામાન્ય-મધ્યમકક્ષાના-ઓછા હોંશિયાર શિક્ષક કિરણ દવે અને તેનાથી વિપરીત પ્રતિભાશાળી-ખૂબ બુદ્ધિશાળી અને વિધાર્થી-પ્રિય જ્યોતીન્દ્ર શાહ ની શાળા કારકિર્દી દરમ્યાનની ગતિવિધિનું વર્ણન છે. એ બન્નેના પ્રિય વિદ્યાર્થી જે ભણીને હાર્ટ સર્જન બને છે-તેના બન્ને ગુરુજીઓ સાથેના સહવાસથી થતી અસરોનું વર્ણન છે. આ નવલકથામાં વિચારોના વલણોમાંથી નીકળતું અમૃત હું આપને બતાવીશ.

  • પ્રતિભાશાળી (First Raters) અને સામાન્ય (Secid Raters) ના સંઘર્ષની અહી ચર્ચા છે.
  • આત્મગૌરવ, સ્વાસ્થય, આનંદ, સ્વીકાર અને શાશ્વત લોકપ્રિયતા પ્રતિભાશાળીને જ મળે છે. પણ તેણે સતત સામાન્યોના આઘાતો જીરવવા પડે છે. આ તો સામાન્યો સુધારી શકે એમ નથી કે નિષ્ઠાવાનો બગડી શકે એમ નથી.
  • મધ્યમ કે સામાન્ય પ્રતિભાને તેની નબળાઈ પકડી પાડે અને તેને જણાવે તે માણસ ગમતું નથી. અહી કિશોર દવેને તેની માં, પ્રો. રાઠોડ અને સાથી શિક્ષક જ્યોતીન્દ્ર શાહ તેની મર્યાદા બતાવે છે અને તેથી તેઓને તે દુશ્મન બનાવે છે.
  • અનુભૂતિ (Awareness), આંતર પ્રજ્ઞાનો અવાજ (Spark), જીવવાની ઈચ્છા (Willpower), અને માધુર્ય (Grace) થી ભરેલા શિક્ષક જ્યોતીન્દ્ર શાહ મહત્વાકાંક્ષા, ધારદાર પૃથક્કરણ શક્તિ અને તીક્ષ્ણ બુદ્ધિથી ભરેલા હોવાથી પ્રજ્ઞાવાન છે.
  • જ્યોતીન્દ્ર શાહ આંતરવિકાસ (અંદરનું અનંત જગત જે પૂર્ણ છે) ને લીધે અદભૂત અંતરમનની મસ્તીના ધણી છે – તેઓ સ્વૈચ્છિક ગરીબી અને સાદી ઘરગૃહસ્થી વચ્ચે પણ જ્ઞાનની ગરિમા અને ધ્યાન વડે પૂર્ણતા પામે છે. તેમને વિવેકાનંદ અને મહાત્મા ગાંધીજીના સાદાઈ અને ફકીરી વચ્ચે મિશનથી (મિશન એટલે ચોક્કસ નિર્ધારિત હેતુ માટે કાર્યરત રહેવું) તેઓ વિદ્યાર્થીઓને જીવન સર્જનાત્મક બનાવવા કળા, સંગીત, સૌંદર્ય અને આનંદથી ભરપૂર હોવા જણાવે છે.
  • શુદ્ધ તત્વજ્ઞાની - જેને જીવન વિષે જાણવામાં રસ અને જીવવામાં રસ. આમ પ્રથમ કક્ષાના લોકો પોતાના કાર્યોમાં એવા મસ્ત હોય છે કે સત્તાપ્રાપ્તિ કે ધનપ્રાપ્તિમાં તેમને રસ જ નથી.
  • એટલે સામન્ય શિક્ષક દવે સર્જનાત્મક ન હોવાથી માત્ર ધનપ્રાપ્તિ અને સત્તાપ્રાપ્તિ માં રસ ધરાવે છે. આંતર વૈભવના અભાવને કારણે તેમને બાહ્યવૈભવ જોઈએ છે - ગમે છે.
  • સામાન્ય બુદ્ધિનું લક્ષણ એટલે પોતાના વતી કોઈ સંઘર્ષ કરે એને લાભ પોતાને મળે.
  • પ્રતિભાશાળી – શ્રેષ્ઠતત્વના ઉપાસક અને વિરાટ વ્યક્તિત્વ ધરાવતા – જ્યોતીન્દ્ર શાહ – વિધ્યાર્થીઓને ઈશ્વરને પણ તપાસવા કહે છે. ઈશ્વર પ્રયોગાત્મક રીતે સાબિત થાય તો જ સ્વીકારવાનું જણાવે છે. આમ પ્રયોગ કરીને અનુભૂતિ (Awareness)નું જ્ઞાન આપે છે.
  • સરાસરીપણું અને સામાન્યતા ધરાવનાર કિરણ દવે પોતાને ઘડપણમાં થયેલા મનોમંથનને લખીને ડાયરીમાં ટપકાવે છે – તેઓ સ્વીકાર (Confessions) – કબૂલાતનામું વર્ણવે છે – તેઓ સમાન્યપણાના અપરાધ ભાવમાંથી મુકત થવા ડાયરી લખે છે. અને વિચારોનું વમન (Catharsis) કરે છે. તેઓ પોતાને સિંહનું ચામડું પહેરેલ ગધેડો- કાયર – કહે છે. વધુ માટે “અંગદનો પત્ર” વાંચવું પડે.
  • માનવસ્વભાવ નિશ્ચિત છે – તે અમુક રીતે જ વર્તે છે – જન્મની પળે બુદ્ધિશક્તિને એક ગતિ (Momentum) મળે છે – પછી લઘુતાગ્રંથિ- આળસ- ઈર્ષ્યા કે ઝેરીવલણ સામાન્યતા તરફ દોરે છે – તો પ્રજ્ઞા – જ્ઞાનીપણું – પ્રતિભા મહાન બુદ્ધિશાળી બનાવે છે. આપણે શું કરવું છે?
આમ ગુજરાતની બધી શિક્ષણ સંસ્થાઓ માં વંચાયેલું M.Phil ના સંદર્ભ પુસ્તક તરીકે ખેડાયેલા M.Ed ના વિધ્યાર્થીઓ દ્વારા શોધ-નિબંધ માં વર્ણવાયેલ અને નાટ્યરૂપાંતર પામેલ આ નવલ આપણે વાંચીશું ને?

      



અંગદનો પગ
  • પુસ્તકનું નામ: અંગદનો પગ
  • લેખક : હરેશ ધોળકિયા
  • પુસ્તક પરિચય: ડો. ભરત દેસાઈ, બીલીમોરા દ્વારા, તા: 23-Jul-2020
  • કિમત : ₹150
  • પાનાં : 184 + 16 પાનાં
  • પ્રકાશન : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ (2006)


An ophthalmologist by qualification and profession, Dr. Bharatchandra Desai loves reading about history, religion, and spirituality. He has written about them and also about 'Anavils' at length. Read all articles. ડૉ. ભરતચંદ્ર દેસાઈના ગુજરાતી લેખો વાંચવા અહીં ક્લિક કરો.

4 comments:

  1. Good description. Very good novel

    ReplyDelete
  2. અંગદ વિષ્ટિ

    ઢાળ-ભજન "માતાજી કે બીએ મારો માવો રે ડાઢીયાળો બાવો આવ્યો" ગવાય છે એવો.

    સાખીઓ-
    લંકા પતી મથુરા પતી, વાલી બહુ બળવાન,
    મદ થકી માર્યા ગયા, માનવ તજ અભિમાન.
    નગર લંકા છે સોનાની, મનોહર વટિકા મધ્યે,
    બિરાજ્યા માત સીતાજી શરીરે આગ વરસેછે.
    ભલે હો હેમની નગરી, નથી જ્યાં રામનું શરણું,
    ભલે ને મોતીડાં વરશે, સીતાને રામનું સમણું

    વાલી સુત વિષ્ટિ કરવાને આવ્યો રે, રાવણ રહે અભિમાન માં
    લંકામાં ભય ખૂબ ફેલાયો રે, આવ્યોછે કપિ પાછો રાજમાં....

    નૃપ થી ઊંચેરું એણે આસન જમાવ્યું
    દુત રે બનીને સઘળું સમજાવે રે, સમજે જો રાવણ સાનમાં રે...

    ભ્રમર વંકાતાં સારી સૃષ્ટિ લય પામે
    પ્રેમે વરસેતો વસંત ખીલાવે રે, એવીછે શક્તિ રામમાં...

    છટ છટ વાનર તારા, જોયા વનવાસી
    સીતાના વિરહે વન વન ભટકેરે, બનીને પાગલ પ્રેમ માં...

    નવ નવ ગ્રહો મારા હુકમે બંધાણાં
    સમંદર કરે રાજના રખોપા રે, વહેછે વાયુ મુજ માનમાં...

    શિવ અંસ જાણી હનુમો, પરત પઠાવ્યો
    અવરતો પલમાં પટકાઈ જાશે રે, આવશે જે રણ મેદાનમાં..

    ભરીરે સભામાં અંગદે, ચરણ ને ચાંપ્યો
    આવી કોઈ આને જો ચળાવે રે, મુકીદંવ માતને હોડમાં...

    "કેદાર" કોઈ ના ફાવ્યા, ઉઠ્યો ત્યાં દશાનન
    કપીએ સમજણ સાચી આપીરે, નમાવો શીશ હરિ પાયમાં..

    ભાવાર્થ.- લંકામાં હનુમાનજી સીતા શોધ અને લંકા દહન કરી આવ્યા પછી યુધ્ધ તો અનિવાર્ય બની ગયું, છતાં રામજીના સલાહકારોએ લંકાના નિર્દોષ લોકોને ક્ષતિ ન પહોંચે તે માટે રાવણને સમજાવવાનો એક મોકો આપવા માટે ચતુર અંગદને દૂત બનાવીને મોકલવાનો નિર્ણય કર્યો, પણ હનુમાનજીના ભયથી કાંપેલા લંકા વાસીઓ અંગદને જોઈને ફરી હનુમાનજી લંકામાં પધાર્યાછે એમ સમજીને કાંપવા લાગ્યા.

    નિયમ અનુસાર કોઈ પણ દૂતને યોગ્ય આસન આપીને તે લાવેલો સંદેશો લેવો અને તેનો પ્રત્યુત્તર આપવો, અને તેને સુરક્ષિત પરત મોકલવો જોઇએં એવો યુધ્ધનો નિયમછે, પરંતુ લંકામાં અંગદને યોગ્ય આસન ન મળતાં તે પોતાના પુચ્છથી રાવણની સામેજ એક મોટું આસન બનાવીને બેસી ગયા, તેમજ શ્રી રામ વિષે અને તેમના સૈન્ય વિષે માહિતી આપીને સમજાવવા લાગ્યા, કે હે રાજન તમને કદાચ ખબર નથી કે રામની શક્તિ કેવી છે? જો તેમની ભ્રુકુટિ ફક્ત વંકાય તો આખી સૃષ્ટિ નાસ પામે અને જો તેમનો પ્રેમ મળે તો ઋતુ ન હોવા છતાં વસંત ખીલી ઊઠે. આમ અનેક પ્રકારે રાવણને સમજાવ્યા છતાં તેને કોઈ સમજ ન આવી ઊલટો કહેવા લાગ્યો કે હે વાનર જોયા તારા રામને, જે સીતાના વિયોગમાં પાગલ બનીને ઝાડ પાનને પૂછતા ફરેછે કે મારી સીતા ક્યાં છે? શું આજ છે તરો રામ? તને કદાચ મારી શક્તિનો પરિચય નથી, નવે નવ ગ્રહો મારા તાબામાં છે, મારા હુકમ વિના તેઓ કોઈ કાર્ય કરી શકતા નથી, અને વાયુદેવ મારી અનુકૂળતા પ્રમાણે વહેછે, અને એમ ન માનજે કે હનુમાન અમારાથી છટકીને પાછા આવ્યા છે, એતો શિવાંસ હોવાથી અને શિવ મારા આરાધ્ય હોવાથી મેં જવા દીધાછે, બાકી રામનો દરેક સૈનિક જો રણ મેદાનમાં આવશે તો એક ક્ષણમાં રોળાઇ જશે.

    અંગદ સમજી ગયો કે રાવણ માનશે નહિ અને હવે યુદ્ધ અનિવાર્ય છે, ત્યારે તેણે રામ દૂતની શક્તિ બતાવવા માટે પોતાનો પગ ભરી સભામાં ધરતી પર પછાડીને પડકાર ફેંક્યો કે હે અભિમાની રાવણ, જોઇલે કે રામના સૈન્યમાં શું તાકત છે, હું રામના સૈન્ય નો નાના માં નાનો અને સૌ થી ઓછા બળ વાળો સૈનિક છું, પણ છતાં જો તારા રાજ્યનો કોઈ પણ બળવાન યોદ્ધો મારા પગને ધરતીથી ફક્ત થોડો હટાવી દેશે તો હું સોગંદ ખાઈને કહું છું, હું સીતા માતાને હારીને રામના સૈન્ય સહિત લંકા છોડીને જતો રહીશ.

    રાવણના અનેક યોદ્ધાઓ અંગદના પગને હટાવવાની કોસીશ કરી પણ કોઈથી તલ માત્ર પણ પગ હટ્યો નહિ ત્યારે રાવણ ઊઠ્યો અને અંગદના પગને સ્પર્શ કરવા ગયો ત્યાં ચતુર અંગદે પોતાનો પગ હટાવીને કહ્યું કે "હે રાવણ મારા પગમાં નમવા કરતાં શ્રી રામજીના ચરણ માં જા, પ્રભુ પરમ કૃપાળુ છે, પ્રસન્ન થઈને માફ કરી દેશે."

    બાદમાં કોઇએ અંગદ ને પૂછ્યું કે હે અંગદ તને ખબર હતી કે રાવણ ના દરબારમાં અનેક મહાન યોદ્ધાઓ હતા, એ બધાની વચ્ચે તેં સીતા માતાને હોડમાં મૂકી દીધાં ? તને જરા પણ ડર ન લાગ્યો? ત્યારે અંગદ નો જવાબ હતો કે "મને ખબર હતી કે સીતા માતા ધારતી ની પુત્રી છે, અને મેં ધરતી માતા ને પ્રાર્થના કરેલી કે માં સીતા માતાને છોડાવવા માટે અને નિર્દોષ લંકાના લોકો ને બચાવવા મારા થી બનતી કોશિશ મેં કરી લીધી પણ હવે તારે મારી લાજ રાખવાની છે, જો મારા પગ ને કોઈ હટાવી દેશે તો માં લાજ તારી જશે અને માતા સીતા નું સંકટ ટળશે નહીં." આ ઉપરાંત મને શ્રી રામ પર ભરોંસો હતો કે કોઈ ની તાકાત નથી કે મારા પગ ને જરા પણ હટાવી શકે.
    જય શ્રી રામ.

    કેદારસિંહજી મે જાડેજા
    ૯૪૨૬૧૪૦૩૬૫

    ReplyDelete
    Replies
    1. Thank you for giving useful details. Dear friend.

      Delete

Thank you for your comment!