અનાવિલ સમાજમાં લગ્નખર્ચનો ભૂતકાળ

અનાવિલ સમાજમાં લગભગ ૪૦-૫૦ વર્ષ પહેલા વાંકડો- સોનાના ઘરેણા અને ઘરવખરીનો સામાન ઘરઘામણના નામે વરપક્ષવાળાઓ કન્યાપક્ષ વાળાઓ પાસે ખુલ્લં-ખુલ્લા ઉઘરાવતા. અત્યારે આપણને ઘૃણાસ્પદ કે શરમજનક લાગતા રિવાજમાં ત્યારે કોઈને કંઈ જ અજગતું લાગતું નહિ. ઊલટાનું માંગવામાં આવતોવાકડાનો આંકડો કે ઘરેણાંનું વજન જેટલું વધારે એટલો વધારે પ્રતિષ્ઠિત કે વધારે મોભાદાર વર પક્ષ પોતાના ગણાવતો. 


એવું આ માનવામાં આવતું કે વરના પિતાશ્રી લગ્નના ખર્ચમાં પોતાના પૈસા બિલકુલ ખર્ચતા નહી, પરંતુ વાંકડાના પૈસા વાપરીને જ પુત્રના લગ્ન પતાવતા. પેઢીવાળા દેસાઈઓ કે કહેવાતા ઊંચા ગામના (દા.ત. મરોલી, વેસ્મા, ઊંટડી વિ. ગામના દેસાઈઓ) પોતાને બાકીના ગામના દેસાઈઓથી ઊંચા સમજી વધારે વાંકડો માંગતા. પાર નદીની દક્ષિણે રહેતા દેસાઈઓ અને પાર નદીની ઉત્તરે રહેતા દેસાઈઓ એકબીજા સાથે લગ્ન વ્યવહાર રાખતા નહીં અને એકબીજાને “પેલાડીયા” કહી ઉતારી પાડતા. વાંકડામાં પારડી તાલુકાના અનાવિલો રોકડ રકમ વધારે લેતા – દા.ત.૫૦,૦૦૦ રૂપિયાની આસપાસ અને સોનું ઓછું માંગતા પાંચ તોલા જેટલું, જ્યારે વલસાડ સુરત બાજુના દેસાઈઓ સોનું વધારે માંગતા ૧૧ થી ૫૦ તોલા સુધી અને રોકડ વાંકડો ઓછો લેતા ફક્ત રૂપિયા ૫૦૦૦ થી ૧૧,૦૦૦ સુધી લગ્નવિધિ સમયે સોની પાસે વજન કરાવીને પુરાવજનનું સોનું ઉઘરાવતા તે વાત આજે કદાચ માનવામાં ન આવે, પરંતુ તે વાંકડાની નામોશી ત્યારે હકીકત હતી.

લેવડદેવડની ચર્ચા અને સમજૂતી લગ્ન નક્કી કરવાની પ્રથમ વિધિ ચાંદલા સમયે કરાતી અને આ બાબતોનો બંને પક્ષની અને બે સાક્ષીઓની સહીવાળા કાગળનું લખાણ કરાવવામાં આવતું.

ચાંદલા વિધિ સમયે લાલ પેનથી લખાતું કરારનામું:


શ્રી ગણેશાય નમઃ


વિક્રમ સંવત ___________ના__________ મહિનાના કૃષ્ણ/શુક્લ પક્ષની તિથિ અને વારે_________ સમયે આ લખાણ કરવામાં આવે છે.

કુ. _______________,  ________________ ની પુત્રી______________ ગામ___________ તાલુકા__________ જિલ્લાની રહેવાસીનો ચાંદલો કુ. _________,  _________ ના પુત્ર_________ ગામ_________ તાલુકા___________ જિલ્લાના રહેવાસી સાથે નક્કી કર્યા તે ચાંદલા દરમ્યાન નીચે મુજબની આપ-લેની ખાત્રી કરી છે. જેનો અમલ થતાં લગ્નની વિધિ પૂર્ણ કરીશું.

૧) હળદર ૬૨૫ ગ્રામ (સવા સેર)

૨) પાન – Betel-nuts _____ ગ્રામ 

૩) રોકડ વાંકડો _______ રૂપિયા (આશરે રૂપિયા ૫૦૦૦૦ સુધી)

૪) સોનાના ઘરેણાં ___________ તોલા (આશરે ૫ થી ૫૦ તોલા સુધી)

૫) પહેરામણી – પુત્રીની માતાને _______ રૂપિયા 

૬) શાલ _______ અને સાડી ________ સ્થિતિ પ્રમાણે શોભે તેવી.

૭) આ ઉપરાંત પ્રસંગને આનુષંગિક ઘરઘામણમાં આપવાની વસ્તુઓ વાસણો- ટેબલ, ખુરશી વિગેરેની યાદી.

૮) વરયાત્રામાં આવેલા _______ વ્યક્તિઓને ભોજન – ચા નાસ્તો

૯) નોંધ: ઉપરોક્ત યાદી ઉપરાંત રોકડવદા, સુવાવડનો ખર્ચ, જાનખર્ચ, વાહનખર્ચ અને વાજાવાળાનો, સુવાવડ શેતરંગી ખર્ચ મજરે આપવાનો રેહશે. 

ઉપરોક્ત લેવડ દેવડ વાંકડાના આવેજ રૂપે __________ રૂપિયા આજ રોજ આપીએ છીએ.



સહી:                                              

કન્યાપક્ષ પિતા        __________________

વરપક્ષ પિતા         __________________



સાક્ષીની સહી:                                             

૧)         __________________

૨)         __________________
  

        


લગ્ન પહેલા આ લેખિત કરારનો સખ્તાઈથી અમલ કરવા કરાવાતો. વાંકડો (રોકડ પૈસા), ઘરેણાં(સોના અને ચાંદીના), ઘરઘામણને નામે ઘરવખરીની બધી જ વસ્તુઓ- વાસણો -ફર્નિચર ઉઘરાવતા વરપક્ષને કંઈ ખોટું કરવાની લાગણી થતી નહીં. ઓછી આવકવાળો ગરીબ સ્થિતિનો કન્યાનો બાપ આ વ્યવહાર દેવું કરીને કે પોતાની જમીન વેચીને નિભાવતો જોવામાં સમાજને કે સગા સંબંધીઓને કોઈ નાનમ કે સંકોચ થતો નહીં. આ ઉપરાંત સગા સંબંધીએ કે મિત્ર મંડળ દ્વારા આપેલ રોકડ ભેટ, સોનું કે વસ્તુ કન્યાને સાસરે પહોંચાડવાની રહેતી.

વાત એટલેથી પતતી હોય તો વાત અલગ છે, પણ લગ્નના બીજા દિવસે દસીયાની વદા- ત્રણ ખાવાં-દિવાળીમાં દીવા મૂકવા- પ્રસુતિ સમયનો ખર્ચ- દર વર્ષે કન્યાના કપડા નો ખર્ચ અને કન્યાના મરણ સમયે લાકડાનો ખર્ચ કન્યા પક્ષે જ કરવાનો કુરિવાજ હતો. વર્ષ દરમિયાન ગમે ત્યારે પિયર આવેલી કન્યા સાસરે ખાલી હાથે ન જતાં પૂરી, વડા અને લાડવા અચૂક લઈ જતી

અને સમયનું ચક્ર ફરે છે- તેમ વખત જતા કન્યાની સંખ્યા ઘટતાં ઉપરાંત કન્યાનું ભણતર અને આવક વધતાં અને વરપક્ષની લાયકાત કન્યા ની સરખામણીએ ઘટતા, ઉપરોક્ત બધા જ રિવાજો મોટા ભાગે અદ્રશ્ય થયા- વરપક્ષેહવે વગર વાંકડે- વગર સોનાએ અને વગર ઘરઘામણે લગ્ન કરવા ફરજિયાત સંમતિ આપવી જ પડે છે- અરે, કન્યા પક્ષનો લગ્નનો ખર્ચો પણ વરપક્ષ આપવાની ગરજ બતાવતા જોવા મળે છે. છતાં છોકરાઓ (દેખાવડા, કમાતા, ભણેલા અને વ્યસન મુક્ત હોવાછતાં) મોટી સંખ્યામાં કુવારા રહી જતા જોવા મળે છે. 

સમય સમયની વાત છે.



ડો. ભરતચંદ્ર એમ દેસાઇ 
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા 
૨૧/૦૪/૨૦૨૪

An ophthalmologist by qualification and profession, Dr. Bharatchandra Desai loves reading about history, religion, and spirituality. He has written about them and also about 'Anavils' at length. Read all articles. ડૉ. ભરતચંદ્ર દેસાઈના ગુજરાતી લેખો વાંચવા અહીં ક્લિક કરો.

0 comments:

Thank you for your comment!