આપણે ૨૫૦૦ વર્ષ પહેલાં, સંસ્કૃતમાં વ્યાસમુની દ્વારા લખાયેલ મહાભારત વિષે એટલું જાણીએ કે તે ૧૮ લાખ શબ્દોથી બે લાખ લીટીમાં એક લાખ શ્લોકોવાળું હિંદુધર્મની માહિતી અને જ્ઞાન આપતું લાંબામાં લાંબી કવિતાનું પુસ્તક છે.
આ ધર્મપુસ્તકમાં હકીકતમાં અઢાર પર્વ-એટલે કે અઢાર અધ્યાયમાં કુરુક્ષેત્રના મેદાનમાં સો કૌરવો અને પાંચ પાંડવો (બન્ને પક્ષે પિત્રાઈભાઈઓ) વચ્ચે લડાયેલ યુદ્ધની વિગતવાર કથા છે.
આ વાર્તા વ્યાસમુનીના વિદ્યાર્થી એવા વૈશામપાયને પ્રથમવાર વાંચીને તક્ષશિલા ખાતે અર્જુનના પૌત્ર એવા રાજા જન્મેજય ને સંભળાવી છે. વૈશમપાયને જન્મેજયને કહી સાંભળવી તે ધર્મકથા તે મહાભારત.
મને ખબર છે તમારે ફક્ત કથાવસ્તુ ટૂંકાણમાં જ જાણવી છે- અઢાર લાખ શબ્દો દ્વારા કહેવાયેલ વાત હું અઢાર પાનામાં કથાનું હાર્દ સમજાય પણ લંબાણ ન થાય એ રીતે) કહેવાનો નમ્ર પ્રયાસ કરું છું.
કૌટુંબિક પરિચય
મહાભારતની શરૂઆત કુરુવંશનો ઈતિહાસ અને કુટુંબવૃક્ષ (Family Tree) ના પરિચય થી આદિપર્વ માં થાય છે. ત્યાર પછી સભાપર્વ માં કૌરવો-પાંડવો વચ્ચે રમાયેલ ધૃત જૂગટું અને પાંડવોની હાર ની કથા છે. તેર વર્ષમાંથી પહેલાં બાર વર્ષના વનવાસનું વર્ણન વનપર્વ માં અને છેલ્લા તેરમાં વર્ષના વનવાસની વાત વિરાટપર્વ માં જણાવી છે. તેરમાં વનવાસથી પરત ફરેલા પાંડવોને રાજ્ય ન આપતા તે પરત લેવા વાતચીત-સંધિ અને છેલ્લે યુદ્ધની તૈયારીની ચર્ચા ઉધ્યોગપર્વ માં કરેલી છે. આમ પહેલાં પાંચ અધ્યાયોમાં શરૂઆતની વાતનું વિગતવાર વર્ણન છે.
કુરુક્ષેત્રનું યુદ્ધ
કૌરવો અને પાંડવો વચ્ચેના મહાભારતનું યુદ્ધનું વર્ણન ભીષ્મપર્વ, દ્રૌણપર્વ, કર્ણપર્વ, અને શલ્યપર્વમાં કરેલું છે. અહીં દરેક પર્વના નામ કૌરવ સેનાના સેનાપતિ પરથી ઉદ્દભવેલા છે. જેમકે ભીષ્મ, દ્રૌણ, કર્ણ અને શલ્ય. ભીષ્મપર્વ એટલા માટે ખાસ મહત્વનું છે કારણ કે તેના ૨૫ થી ૪૨ પ્રકારણોમાં અર્જુનને યુદ્ધની શરૂઆતમાં થયેલા વિષાદને દૂર કરવા શ્રીકૃષ્ણે આપેલો ભગવદગીતાનો સમાવેશ થયેલ છે. સૌપ્તિકપર્વ માં સૂતેલા પાંડવપુત્રોની ઊંઘમાં અશ્વથામાએ કરેલી હત્યાનું વર્ણન છે.
યુદ્ધ પછીની સ્થિતિ
યુદ્ધમાં પાંડવો જીતે છે. કૌરવોના પક્ષે તથા પાંડવોના પક્ષે થયેલા મરણોના દુખમાં વિલાપ કરતી સ્ત્રીઓની વાત સ્ત્રીપર્વ માં કરી છે. મહાભારતની કથામાં બારમો અધ્યાય શાંતિપર્વ સૌથી લાંબો છે. બાણશૈયા ઉપર સૂતેલા ભીષ્મપિતામહ યુધિષ્ઠિરને રાજધર્મ અને જીવનના સિદ્ધાંતો કહે છે. તે સમજાવટને લીધે યુધિષ્ઠિર રાજા થવા સંમત થાય છે. આ વર્ણનો ધરાવતા શાંતિપર્વને હું બીજી ભગવદગીતા તરીકે વર્ણવું છું. યુધિષ્ઠિરને જ્ઞાન આપતા ભીષ્મપિતામહ અઠ્ઠાવન દિવસ બાણશૈયા ઉપર રહી છેલ્લે ઈચ્છામૃત્યુ પામે છે તે વાત અનુસાશન પર્વ માં છે.
સ્વર્ગારોહણ
રાજ્યાભિષેક કરીને યુધિષ્ઠિર અશ્વમેઘ યજ્ઞ કરે છે. તે અશ્વમેઘ પર્વ માં સમજાવ્યું છે. છેલ્લે ધૃતરાષ્ટ્ર, ગાંધારી, અને કુંતી જંગલમાં નિવાસ દરમ્યાન આગમાં મૃત્યુ પામે છે તે વાત આશ્રમવાસિક પર્વ માં આવેછે. ગંધારીના કૃષ્ણ ને શ્રાપને કારણે કૃષ્ણ તથા યદાવોના વિનાશની કથા મૌસલપર્વ માં છે. અહીં છેલ્લે મહાપ્રસ્થાન પર્વ હિમાલયમાં પાંડવો અને દ્રૌપદી ના પ્રસ્થાનની વાત અને સૌથી છેલ્લે બધાના મરણ અને સ્વર્ગવાસનું વર્ણન સ્વર્ગારોહણ પર્વમાં વર્ણવેલી છે.
કુરૂવંશ
ઘણી પેઢીઓ પહેલાં રાજા કુરુ હસ્તિનાપુર ખાતે રાજ્યકર્તા હતો. ત્યારપછીની પેઢીમાં અંશવાન, પારિજાત(1), જન્મેજય(1), ભીમસેના(1), પ્રતિશ્વાસ, અને છેલ્લે પ્રતિપાનો પુત્ર શાંન્તનું હતો. મહાભારતમા શાંન્તનું રાજાના પરિવારની વિગતવાર વાર્તા હોવાથી તે સમજીએ. શાંન્તનું રાજા પહેલીવાર ગંગા સાથે લગ્ન કર્યા તેનો પુત્ર તે ભીષ્મ. ત્યારપછી શાંન્તનુંએ સત્યવતી સાથે લગ્ન કરતાં પુત્રો ચિત્રાંગદા (વહેલી ઉંમરે મરણ પામ્યો) અને વિચિત્ર વીર્ય. સત્યવતીના લગ્ન પહેલા પરાશર દ્વારા પુત્ર વ્યાસ. સત્યવતી (માછીમાર કન્યા) મત્સ્યકન્યાના પિતાએ લગ્ન સમયે સત્યવતી શાંન્તનુંનો પુત્ર રાજા બને એવી શરત કરતાં, ભીષ્મ આજીવન કુંવારા રહેવાની પ્રતિજ્ઞા લે છે. વિચિત્રવીર્ય અંબિકા અને અંબાલિકા સાથે લગ્ન કરે છે પરંતુ અપુત્રવાન મરણ થતાં સત્યવતી બન્ને વહુઓને વ્યાસજી દ્વારા પુત્રો લાવવા સલાહ આપે છે.
- વ્યાસજી જોડે નિયોગ સમયે અંબિકાની ભયને લીધે આંખ બંધ થવાથી નેત્રહીન અંધપુત્ર ધૃતરાષ્ટ્ર જન્મે છે.
- વ્યાસને નિયોગ સમયે જોતાં અંબાલિકા સફેદ પડી જતાં ફીકાશ પડતો પીળો પુત્ર પાંડુ જન્મે છે.
- વ્યાસજીના દાસી જોડે શરીર સંબંધ થી વિદ્વાન પુત્ર વિદુર જન્મે છે.
પહેલાં પાંડુ, અને તેના મૃત્યુ પછી, ધૃતરાષ્ટ્ર રાજા બને છે. ધૃતરાષ્ટ્રના લગ્ન ગાંધાર રાજા સુબલની પુત્રી ગાંધારી સાથે થાય છે. તેને 100 પુત્રો કૌરવો- દુર્યોધન, દુ:શાશન, વિગેરે અને એક પુત્રી દુ:શલા જન્મે છે. ધૃતરાષ્ટ્ર ના દાસી સાથે સંબંધથી પુત્ર યુયુત્સુ જન્મે છે. પાંડુ રાજા કુંતી અને માદરી સાથે લગ્ન કરે છે. લગ્ન પહેલાં કુંતીને છ પુત્ર માટે દુર્વાસાએ મંત્ર આપ્યા હતા. કુંતી લગ્ન પહેલાં સૂર્યદેવને મંત્ર કહેતા સૂર્યપુત્ર કર્ણ જન્મે છે. વધેલાં પાંચમાંથી ત્રણ મંત્રો દ્વારા પોતે ત્રણ અને માદ્રી બે પુત્રોની માતા બને છે.
ધર્મદેવને પ્રાર્થના કરતાં ધર્મરાજ યુધિષ્ઠિર, વાયુદેવનું આહવાન કરતાં અતિ બળવાન ભીમ અને છેલ્લે ઈન્દ્રનું આહવાન ફાગણમાં કરતાં ફાલ્ગુન ઉર્ફે અર્જુન જન્મે છે. બીજી રાણી માદ્રીને જોડીયાપુત્રો નકુલ અને સહદેવ જન્મે છે. કામાતુર થતાં શ્રાપિત પાંડુ રાજા મૃત્યુ પામતા માદ્રી સતી થાય છે.
દ્રૌપદી સ્વયંવરમાં અર્જુનના લગ્ન દ્રૌપદી જોડે થાય છે. ઘરે આવતા માતા વહેંચી લેવાના આશીર્વાદ અજાણતા આપે છે. તે કારણે દ્રૌપદી પાંચ પાંડવોની પત્ની બને છે. તે દરેક દ્વારા એકેક એમ પાંચ પુત્રોની માતા બને છે.
આ સિવાય, ભીમના લગ્ન હિડીમ્બા સાથે થતાં પરાક્રમી ઘટોતક્ચ જન્મે છે.
અર્જુનના લગ્ન ઉલૂપી સાથે થતાં ઈરાવાન, ચિત્રાંગદા સાથે થતાં બભ્રુવાહન અને શ્રીકૃષ્ણ ની બહેન સુભદ્રા સાથે થતાં અભિમન્યુ પુત્ર તરીકે જન્મે છે.
અભિમન્યુ સાથે ઉત્તરાના લગ્ન થતાં પરિક્ષિત જન્મે છે. જેનો પુત્ર જન્મેજય થાય છે.
મહાભારતમાંથી આટલું તો જાણવું જ પડે. ચાલો, અગત્યના પ્રસંગોની માહિતી સમજીએ...
દ્રૌપદીનું ચિરહરણ - સભાપર્વ
દુર્યોધન મયદાનવ રચિત સભામંડપ જોઈને પાંડવોથી ઈર્ષ્યા પામે છે. શકુની તેને પાંડવોના પૂર્વગ્રહને લઈ ઈર્ષ્યા છોડવા કહે છે. ભાઈ દુ:શાસન, કર્ણ, દ્રોણાચાર્ય, અશ્વત્થામા, કૃપાચર્યા, અને મારૂ કુટુંબ તારી પડખે જ છે. અમારી સહાયથી ભારતવર્ષ દિગ્વિજય કર. ઉપરાંત શકુની છળકપટ કે યુક્તિ-પ્રયુક્તિ સિવાય પાંડવોને જીતવા અશક્ય બતાવે છે. યુધિષ્ઠિર જુગાર રમવાના ખૂબ શોખીન છે, પરંતુ રમતા આવડતું નથી. શકુની કહે છે જુગારમાં હું વિશ્વમાં સૌથી પ્રવીણ છું, તેથી દ્યૂત રમીને હું તારા માટે સારુંય રાજ્ય આંચકી લઈશ.
સભામંડપમાં પ્રવેશદ્વારમાં સ્ફટિક મણીની મદદથી આબેહૂબ ચિત્ર દોર્યું હતું. જે બંધ હોવા છતાં ખુલ્લુ લાગવાથી દુર્યોધન દીવાલ સાથે અથડાઈ છે. ત્યાર પછી જળ હોય ત્યાં સ્થળ દેખાય એવા જળાશયને જોતાં જમીન માની દુર્યોધન તેમાં પડે છે અને તેના વસ્ત્રો પલળ્યા.
દ્રૌપદી અટ્ટહાસ્ય કરીને બોલી : “અંધના અંધ જ હોય.” ભીમે ઉમેર્યું - આતો ખરેખર ધૃતરાષ્ટ્રનો જ પુત્ર છે. દુર્યોધન અને શકુની ભુલભુલામણીને લીધે મહેલમાં ભૂલા પડ્યા-ત્યારે ભીમ, અર્જુન, સહદેવ, અને નકુળ સેવકો સહિત હસવા લાગ્યા. અપમાનિત બન્ને હસ્તિનાપુર પરત ગયા. શબ્દનો મહિમા અપાર છે.
એક શબ્દ શાંત વિશ્વને સમરાંગણના પલટાવી નાખે છે. દ્રૌપદીના આ અપમાનજનક એક વાક્ય “અંધના અંધજ હોય” ને લીધે મહભારતનું યુદ્ધ સર્જાયું.
દુ:ખી દુર્યોધનને શકુનીએ પાંડવોને દ્યૂત રમાડવાની યોજના સાંભળવી-ધૃતરાષ્ટ્ર પાસે પુત્ર પ્રેમને લીધે તેની પોતાની નામરજી હોવા છતાં વાત માન્ય રાખવી અને વિદુરને આમંત્રણ આપવા મોકલ્યા.
દ્યુત્ત સભા
દુર્યોધન-દુ:શાસન-કર્ણ અને શકુની ની ચંડાળ ચોકડીએ અદ્દભુત સભા તૈયાર કરાવી. હસ્તિનાપુર આવવાના વિદુરના આમંત્રણને માન આપી વિદુર સાથે પાંડવો માતા કુંતી અને દ્રૌપદી સાથે પહોંચ્યા. વિચક્ષણ, મૂર્ખ, ઉદાર અને લોભીની પરીક્ષા જુગારમાં થાય છે. યુધિષ્ઠિર ફક્ત મહારાજ ધૃતરાષ્ટ્રને વંદન કરવા અને રમત જોવા જ આવ્યો હોવાનું જણાવી રમવાની ના પડે છે. શરૂઆતમાં અતિઆગ્રહને વશ થઈ ફકતા રમત અને જુગાર રમવાની ના પડે છે. પણ છેલ્લે વિચારે છે કે સંસાર ભાગ્યને આધીન છે, નહિતર મહારાજ ધૃતરાષ્ટ્ર જ દ્યુતનું આયોજન ન કરત.
સભા અકડેઠઠ ભરાઈ ગઈ. સૌકોઈ સિંહાસને અને પોતાને સ્થાને ગોઠવાયા. છળકપટમાં અને પાસાના પરિણામ લાવવામાં માહિર દ્યુત શકુની-દુર્યોધન-અને યુધિષ્ઠિરે દ્યુત શરૂ કર્યું.
યુધિષ્ઠિરે પ્રથમ દાવમાં મણિય સુવર્ણહાર, બીજા દાવમાં ધન અને રત્નો મૂક્યા. અઠંગ જુગારી અને કપટી શકુની દરેક દાવ જીતતો જ ગયો. યુધિષ્ઠિર મનનું સમતોલપણું ગુમાવી ધૃષ્ટ અને પામર થતાં ગયા. શકુનીના પાસા ઈચ્છા પ્રમાણે પડતાં હતા. હાર્યો જુગારી બમણું રમે એ ન્યાયે ધન ધાન્ય, રથ ઘોડા, દાસ-દાસીઓ, અને રાજ્ય હાર્યા. સૌએ તેમને રોક્યા પણ માન્યા નહીં. ચારે ભાઈઓ અને પોતાની જાતને પણ હારી ગયા. કપટ દ્યુત પાંડવો હાર્યા. વિદૂરે રમત બંધ કરવા કહ્યું પણ દુર્યોધને અપમાનિત કર્યા.
- યુધિષ્ઠિરે દ્રૌપદીને હોડમાં મૂકી- દુર્યોધન દ્રૌપદીને જીત્યો. દુર્યોધન-દુ:શાસન, કર્ણ, અને શકુનીની ચંડાળ ચોકડી હસવા લાગી.
- ધૃતરાષ્ટ્રનો દાસીપુત્ર યુયુત્સુ શોકમગ્ન થઈ ગયો.
- દુર્યોધનનો નાનો ભાઈ વિકર્ણથી અન્યાય સહન થયો નહીં. તેણે ઊભા થઈ ભીષ્મને અને સાર્વવડીલોને મૌન ન રહેવા જણાવ્યું. ધર્મરાજને મામા શકુનીએ છળ-કપટ, યુક્તિ-પ્રયુક્તિ થી જીત્યા છે. અને વિકર્ણે છેલ્લે ઉમેર્યું! હું આમાં પરિવારનો નાશ જાઉં છું. કર્ણે મહાનુભાવોનું મૌનને સંમતિ બતાવી ત્યારે વિકર્ણે સભાત્યાગ કર્યો.
- દુર્યોધને વિદુરને દ્રૌપદીને સભાગૃહમાં લાવવા કહ્યું. તેમણે ફિટકાર વરસાવ્યા, પછી દુર્યોધને પ્રતિકામી સારથીને કહ્યું તેને દ્રૌપદીએ રજ્સ્વલા હોવાનું અને ફક્ત એક જ વસ્ત્ર શરીર પર હોવાથી આવા ના પાડી ત્યારે દુ:શાસનને દ્રૌપદીને પકડી લાવવા કહ્યું. રાણીવાસમાંથી દુ:શાસને દ્રૌપદીને દોડીને ચોટલોથી પકડી લીધી અને ઘસડતો સભામાં લાવ્યો.
ભર સભામાં દ્રૌપદીએ સંબોધન કરતાં કહ્યું:
- કોઈ અણછાજતું વર્તન કરતાં દુ:શાસનને રોકતું કેમ નથી?
- યુધિષ્ઠિર પહેલા જાતને હાર્યો કે પહેલા મને હાર્યો તે નિર્ણય કરો
- આર્યનારીનું અપમાન થતું હોય ત્યારે, ક્ષત્રિયો ની તલવારો કેમ કુદી પડતી નથી.
ભીષ્મે આ સવાલનો અર્ધદગ્ધ-અસ્પષ્ટ જવાબ આપ્યો. આ બધા પછી, કર્ણે કહ્યું:
- દુ:શાસન આ પાંડવો અને દ્રૌપદીના શરીર પરથી વસ્ત્રાલંકારો કાઢી-ઉતારી શકુનીને આપી દે.
- દ્રૌપદીને પાંચ પતિ છે. અને “વારંગના (વૈશ્યા)” ની કોટીમાં મુકાય-તેને એક વસ્ત્ર હોય કે સમુળગુ ન હોય બધુ સરખું છે પાંડવોએ પોતાના ઉપવસ્ત્રો ઉતારી સભામાં વચ્ચોવચ્ચ ફેંક્યા.
દુ:શાસન પંચાલીએ પહેરેલું એકમાત્ર વસ્ત્ર બળપૂર્વક ખેંચવા લાગ્યો.
- દ્રૌપદીએ ની:સહાય અવસ્થામાં મદદ માટે શ્રીકૃષ્ણ ને પ્રાર્થના કરી. આર્તનાદ સાંભળી કૃષ્ણ રક્ષા કરવા હાજર થયા. દુ:શાસન વસ્ત્ર ખેંચતો ગયો-બીજુ વસ્ત્ર પાંચાલીના દેહ ઉપર લપેટાતું ગયું. અદ્રશ્યપણે દિવ્ય વસ્ત્રો પૂરા પાડ્યાં દસ હજાર હાથીનું બળ ધરાવતા દુ:શાસન થાકીને લોથપોથ થઈ ગયો. દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાની દુ:શાસનની મનોકામના અધૂરી રહી ગઈ. શ્રીકૃષ્ણે દ્રૌપદીની લાજ રાખી.
- ભીમસેન ક્રોધાવસ્થામાં ત્રાડ પડી બોલ્યા : હું પ્રતિજ્ઞા લઉં છું કે યુદ્ધમાં દુ:શાસનની છાતી ચીરી હું તેનું લોહી પીશ.
- તે સાંભળી દુર્યોધને કર્ણને પોતાની ડાબી જાંગ બતાવી આ જોઈ ભીમે કહ્યું. દુર્યોધન તારી એ જાંગને ગદાપ્રહારથી મહાયુદ્ધમાં હું તોડી નાખીશ. છેલ્લે ભીમ બોલ્યા હું લાચાર ન હોત તો આ સભામાં જ દુષ્ટોના પ્રાણ લઈ લઉં. ધૃતરાષ્ટ્રે દુર્યોધનને ઠપકો આપી-દ્રૌપદીને વરદાન માંગવા કહ્યું દ્રૌપદીએ પાંચ પાંડવો અને પોતાને દાસત્વ માંથી મુક્ત કરવા કહ્યું. ધૃતરાષ્ટ્ર યુધિષ્ઠિરની માફી માંગી સર્વસ્વ પરત કર્યું.
ફરીથી દ્યુત રમવા બોલાવી-બાર વરસનો વનવાસ અને તેરમાં વરસનો અજ્ઞાતવાસ-તેમાં જાણ થાય તો ફરીથી બાર વરસનો વનવાસ-એવી શરત સાથે દ્યુત રમતા યુધિષ્ઠિર શકુનીના છળકપટ સામે ફરીથી હારી અરણ્યવાસ વેઠે છે. નારદે ધૃતરાષ્ટ્રને કૌરવવંશના નાશનો શ્રાપ આપ્યો. આ સમયે, દુ:શાસને દ્રૌપદીને ભોગવિલાસની લાલચ આપી અને ભીમને બળદ કહ્યો.
- અપમાનિત ભીમસેને યુદ્ધમાં સર્વ કૌરવોનો સંહારની પ્રતિજ્ઞા લીધી.
- અર્જુને કર્ણના સંહાર અને કર્ણના સાથીઓનો સંહાર કરવા પ્રતિજ્ઞા લીધી.
- સહદેવે શકુની અને તેના સાથીઓને એકલે હાથે સંહારની પ્રતિજ્ઞા લીધી.
- વનમાં વિદાય થતી દ્રૌપદીએ પ્રતિજ્ઞા લીધી કે ભીમસેન દુ:શાસનને મારી એનું લોહી પીશે અને લોહી ભર્યા હાથ મારા ઉપર મૂકશે ત્યાં સુધી હું ચોટલો વાળીશ નહીં-વાળ છૂટા રાખીશ.
કુરુક્ષેત્રમાં કૌરવ-પાંડવોનું યુદ્ધ
દ્યુતમાં હરવા પછી તેર વર્ષના વનવાસ વેઠીને છેલ્લે વિરાટનગરમાં પાંડવો પ્રગટ થયા. વિરાટનરેશની રાજકુમારી ઉત્તરાના લગ્ન અર્જુનના પુત્ર અભિમન્યુ સાથે ધામધુમથી ઉજવ્યા. ત્યારપછી પોતાનું રાજ્ય ઈન્દ્રપ્રસ્થ ધૃતરાષ્ટ્ર પાસે કઈ રીતે પરત મેળવવું તે વિચાર્યું. હસ્તિનાપુર ખાતે ધ્રુપદરાજાના પુરોહિતને દુત તરીકે મોકલવા શ્રીકૃષ્ણે સંમતિ આપી. પુરોહિતે કૌરવોની સભામાં ધૃતરાષ્ટ્ર, ભીષ્મપિતામહ, દ્રૌણ, અને દુર્યોધન વિગેરે ની હાજરીમાં “અન્યોઅન્ય કોલકરાર અનુસાર રાજ્યોનો અડધો ભાગ પાંડવોને મળવો જોઈએ અને એમ ના કરતાં જો યુદ્ધ થાય તો સંહારનો દોષ તમરે શિરે રહેશે એમ જણાવ્યું.”
- ભીષ્મપિતામહે તેમાં સંમતિ પુરાવી, તેમને રોકી કર્ણે ક્રોધાવેમાં આવી દુર્યોધન ધાકધમકીથી તસુભાર રાજ્ય પણ નહીં આપે એમ જણાવ્યું. ભીષ્મપિતામહ તથા દ્રૌણગુરુએ પણ ફરીથી રાજ્યધર્મ માની, યુદ્ધ ન કરવા કહ્યું. મહારાજ ધૃતરાષ્ટ્રે સંજય સાથે ઉત્તર મોકલવા જણાવ્યું.
- સંજયે પાંડવોને “રાજ્યભાગ આપવા સંમત નથી” એ ધૃતરાષ્ટ્ર દ્વારા મોકલેલ સંદેશો કહેતા શ્રીકૃષ્ણે સંજયને જવાબમાં કહ્યું પાંડવો સંધિ માટે તત્પર છે, પણ યુદ્ધ માટે પણ એટલા જ તૈયાર છે. આમ જો ઇન્દ્રપ્રસ્થ રાજ્ય સુપ્રત ન કરે તો મહાયુદ્ધનું મંડાણ નિશ્ચિત જ છે. છેલ્લે યુધિષ્ઠિરે સંજયને કહ્યું વધુ નહિ તો ફક્ત પાંચ ગામ (કુશલસ્થળ, વુકસ્થળ, માંકડી, વારણાવત અને એક બીજું ગામ) આપશો તો પણ વિવાદનો અંત લાવી સલાહ-શાંતિ કહીશું.
- સંજયનો જવાબ પછી, દુર્યોધન અને ધૃતરાષ્ટ્રને ગાંધારી, ભીષ્મપિતામહ, વિદૂરજી, ભગવાન વ્યાસ, કૃષ્ણચાર્ય, દ્રોણાચાર્ય, સહિત સંજયે પોતે પણ વિગતે સમજાવી રાજ્ય પરત કરવા કહ્યું. ચંડાળ ચોકડી દુર્યોધન, દુ:શાસન, મામા શકુની, અને મિત્ર કર્ણ થી પ્રભાવિત દુર્યોધન પાંડવોને સોંયની અણી મુકાય તેટલી ધરતી પણ ન આપવા જણાવે છે. વિદૂરજી વિગતવાર નીતિવચનો સમજાવે છે, પણ પુત્રમોહવાળો ધૃતરાષ્ટ્ર સંમત ન થતાં, યુદ્ધ અનિવાર્ય બને છે.
શ્રીકૃષ્ણ દુત બન્યા
દુર્યોધન દુરાગ્રહ પછી પાંડવોને સંજય કોઈ જવાબ ન પહોંચાડતા શ્રીકુર્ષ્ણ દુત તરીકે હસ્તિનાપુર જાય છે. કૌરવસભામાં જઈ શ્રીકૃષ્ણ કહે છે. કૌરવો અને પાંડવો વચ્ચે સુલેહ-શાંતિનો પ્રયત્ન કરવા અહીં આવ્યો છું. માટે ગંભીરતાથી વિચારી “યુદ્ધ કે સંધિ” બેમાંથી ઉચિત લાગે તે જણાવો. અવિવેકી દુર્યોધન શ્રીકૃષ્ણને જેલમાં મૂકવા પ્રયત્ન કરે છે ત્યારે શ્રીક્રુષ્ણ પોતાનું “વિરાટ સ્વરૂપ દર્શન” કરાવે છે. દુર્યોધન સભાત્યાગ કરે છે. છેલ્લે શકુનીના ભાઈ ઉલૂકને દુત તરીકે પાંડવ છાવણીમાં મોકલ્યો. શ્રીકૃષ્ણએ તેને યુદ્ધના મેદાનમાં મળવા કહ્યું. આમ બધી મંત્રણાઓ નિષ્ફળ જતાં યુદ્ધનો માર્ગ જ ખુલ્લો રહે છે.
દુર્યોધન-અર્જુન દ્વારકામાં
દ્વારકામાં શ્રીકૃષ્ણની યુદ્ધ માટે મદદ લેવા આવેલા દુર્યોધન અને અર્જુન સાથે ભેગા થઈ જાય છે. શ્રીકૃષ્ણ એક તરફ યાદવીસેના અને બીજી તરફ યુદ્ધ ન કરતાં અને શસ્ત્ર ન ધારણ કરેલા પોતે હોવાનું જણાવી પસંદ કરવા કહ્યું. અર્જુને શ્રીકૃષ્ણને પોતાની સાથે સારથિ બનવા કહ્યું ત્યારપછી દુર્યોધને ”યાદવીસેના” મેળવી ખુશ થયો.
સેના: બન્ને પક્ષોએ રાજાઓનો સંપર્ક કરી પોતાને પક્ષે તૈયાર કરી સેના બનાવી. પાંડવોએ યાદવ સાત્યકિ, જરાસંઘપુત્ર જ્યત્સેન, દ્રુપદરાજા, વિરાટ નરેશ, એમ સાત અક્ષૌહીણી સેના ભેગી કરી. કૌરવોએ ભગદત્ત, કૃતવર્મા, ભોજ, અંધક, ભૂરીક્ષ્વા, શલ્ય, જયદ્રત, વિગેરે,મળી અગિયાર અક્ષૌહીણી સેના બનાવી. એક અક્ષૌહીણી સેના ના 21870 રથમાં લડનારા રથી. 21870 હાથી સવાર, 65610 ઘોડેશ્વાર, આમ યુદ્ધ મેદાનમાં 21870 + 28000 X 11 મળી 393600 સંખ્યાનું સૈન્ય કુરુક્ષેત્રના મેદાનમાં ભેગું થયું.
શ્રીકૃષ્ણ ની ભેદનીતિ
- શ્રીકુર્ષ્ણએ કર્ણને ફોડવા પ્રત્યન કર્યો. તેમણે પોતે કર્ણ જયેષ્ઠ પાંડવ હોવાનું રહસ્યોદઘાટન કર્યું, ઉપરાંત માતા કુંતી દ્વારા પણ કર્ણને હકીકત જણાવી. આ બંન્નેના પ્રયત્નો છતાં, કર્ણે મિત્રધર્મને પ્રાધાન્ય આપી કૌરવો સાથે જ રહેવા કહ્યું. માતાને આશ્વાસન તરીકે અર્જુન સિવાય ચારે પાંડવોને ન મારવાનું વચન આપ્યું.
- યુદ્ધની નવમી રાત્રે, ભીષ્મને યુધિષ્ઠિર સાથે યુદ્ધમેદાનમાં મળી “તેઓ કઈ રીતે મરશે?” એવું પૂછતાં પોતે શિખંડી દ્વારા વિંધાશે, કારણ સ્ત્રી હોવાથી તેને મારશે નહીં એમ જણાવ્યું.
- કૌરવસેનામાં જોડાયેલ શલ્યરાજાને, યુધિષ્ઠિરે કર્ણના સારથિ બની અર્જુનની પ્રશંસા દ્વારા ઉત્સાહભંગ કરવા જણાવ્યું.
- ભીષ્મપ્રતિજ્ઞા-2 : યુદ્ધમાં પાંડવો અને શિખંડીને ન મારવાની પ્રતિજ્ઞા લીધી.
ભીષ્મપર્વ
- યુદ્ધમાં પડેલા બન્ને પક્ષોએ યુદ્ધના નિયમો નક્કી કર્યા.
- પાંડવોએ સામે પકસેથી જોડાવા આવવા આમંત્રણ આપ્યું, ત્યારે ધૃતરાષ્ટ્રનો પુત્ર યુયુત્સુ પાંડવ પક્ષે જોડાયો.
- યુદ્ધની શરૂઆતમાં અર્જુનને વિષાદ થતાં, શ્રીકૃષ્ણ ભગવદગીતા સંભળાવી વિષાદ દૂર કરે છે.
- મહાભારતના અઢાર દિવસના યુદ્ધને કૌરવપક્ષના સેનાપતિઓના નામથી વર્ણવ્યું છે. પ્રથમ સેનાપતિ ભીષ્મ હોવાથી ભીષ્મપર્વ કહેવાયું. દસ દિવસ તેઓ લડ્યા, છેલ્લે તેમના વચન મુજબ શિખંડીના બાણો દ્વારા અને તેની પાછળ ઉભેલા અર્જુનના બાણો વડે ભીષ્મ પડ્યા પણ ઈચ્છામૃત્યુનું વરદાન હોવાથી ઉત્તરાયણની પ્રતિક્ષા કરી. બાણશૈયા પર સૂતેલા ભીષ્મના માથાના ટેકા માટે અર્જુને બાણ છોડી સહાય કરી.
ભગવાન વેદવ્યાસે ધૃતરાષ્ટ્રને યુદ્ધ નિહાળવા દિવ્યદ્રષ્ટિ આપવાનું કહ્યું. પણ તેમણે સંજયને દિવ્યચક્ષુ આપવા કહ્યું. સંજયે ધૃતરાષ્ટ્રને યુદ્ધનું વર્ણન સંભળાવ્યું. કુરુક્ષેત્રમાં મહાભારતના યુદ્ધનું મંડાણ થયા પછી 39લાખ સૈનિકોનાં યુદ્ધનું વિગતવાર વર્ણન અને અઢાર દિવસ ચાલેલા યુદ્ધની વિગતોમાંથી થોડા ખાસ નોંધનીય પ્રસંગો કહીશ.
ભીષ્મપ્રતિજ્ઞા
રાજા શાંતનુની પ્રથમ પત્ની ગંગા-શાંતનુના ગંગાને પ્રશ્ન ન પૂછવાના વચનભંગ થવાથી તેના આઠમા પુત્ર દેવવ્રતને જન્મ આપ્યા પછી લગ્નસંબંધ છોડી વિદાય લે છે. વિદાય સમયે, શાંતનુની વિનંતીને માન આપી પુત્ર દેવવ્રતને ચોવીશ વરસ સુધી ગંગા સાથે રાખે છે તે દરમ્યાન બૃહસ્પતિ પાસે ચારવેદ-શુક્રાચાર્ય અને પરશુરામ પાસે ધનુર્વિદ્યા અને મહામુની વિશિષ્ઠ પાસે ધર્મજ્ઞાન, ન્યાયશાસ્ત્ર અને તત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કરાવે છે. તેથી આ ગુણવાન પુત્રને ગંગેય (ગંગાપુત્ર) અને ભીષ્મપિતામહ તરીકે ઓળખાયો. (પરશુરામ મુની કામેચ્છાને વશ મત્સ્યકન્યા દ્વારા પુરાણોના રચયિતા વ્યાસને જન્મ આપે છે.) આ તરફ પત્ની ગંગાની વિદાય પછી એકલા પડેલા શાન્તનુ દાસરાજ માછીમારની કન્યા મત્સ્યગંધા પ્રત્યે આકર્ષાયા. તે દેવાંશીરૂપ અપ્સરા હોવા ઉપરાંત પરાશર મુનિએ આપેલ કસ્તુરીની યોજન સુધી ફેલાતી સુગંધને કારણે યોજનગંધા પણ કહેવાતી. રાજા શાંતનુએ દાસરાજ પાસે કન્યાના હાથની માંગણી કરી. પુત્રીના લગ્નની હા પડતાં પિતા દાસરાજે એક શરત રાજા શાંતનુને સંભળાવી “મત્સ્યગંધા ઉર્ફે પુત્રી સત્યવતીથી થનાર પુત્ર રાજગાદીનો વારસદાર બની હસ્તિનાપુર રાજસિંહાસનનો ઘણી બને.” શાંતનુ રાજા કામવિહવળ હોવા છતાં પ્રથમ પુત્ર ભીષ્મના રાજગાદી છોડવા બાબતના અન્યાયપૂર્ણ વચન માટે નાસંમત થઈ પરત ફર્યા. ચિંતા અને શોકથી વ્યાકુળ પિતાની તકલીફ ભીષ્મ શોધી કાઢે છે. ભીષ્મ માછીમારને મળવા જાય છે અને પિતાનો લગ્નનો મનોરથ પૂર્ણ કરવા બે વચનો પ્રતિજ્ઞા કરીને આપ્યા.
- સત્યવતીનો પુત્ર જ રાજા બનશે. હું પ્રતિજ્ઞા કરું છું કે હું મારા પિતા પછી રાજગાદી નહીં લઉં.
- છતાં માછીમારોને શંકા રહેતા-બીજી પ્રતિજ્ઞા-હું આ જીવન અવિવાહિત રહીશ- અખંડ બ્રહ્મચારી રહીશ- જેથી બીજી સંતાનનો પ્રશ્ન જ ન રહે.
આવી ભીષણ કઠોર પ્રતિજ્ઞાને કારણે દેવવ્રત ભીષ્મ કહેવાયા. અને રાજા શાંતનુએ પુત્રને “ઈચ્છામૃત્યુ” નું વરદાન આપ્યું.
ભીમને ઝેર
એક વખત રમતરમતમાં ભીમે દુર્યોધનને ખૂબ માર્યો હતો- આ કુદ્વેષને લીધે શકુની અને દુર્યોધને ખોરાકમાં ઝેર આપી ભીમને મારવાનો મનસૂબો કર્યો. પછી જળક્રીડાને બહાને દુષ્ટ દુર્યોધન ભીમને લઈ ગંગાકિનારે ગયો. ભીમને સખત ભૂખ લગતા ઝેર મિશ્રિત ખીર શકુનીએ ખવડાવી. રાત્રે એકાંતમાં સુવડાવી પછીથી શીલા બાંધીને ગંગામાં નાંખી દીધો. ભીમ મર્યો નહીં પણ પાતાળમાં ગયો ત્યાં વાસુકિએ આદરસત્કાર કર્યો. ઝેર ઉતાર્યું અને આઠ કુંડનું અમૃતપાન કરાવ્યુ. આથી ભીમને દસ હજાર હાથીનું બળ મળ્યું. આમ, ભીમને જીવતદાન સાથે વિશાળ તાકાત મળી.
આજે પણ મહાભારત પૂરું થયું નથી... હજી પણ ચાલ્યા જ કરે છે....લાક્ષાગૃહ
મનરૂપિ કુરુક્ષેત્રમાં મહાભારત કાયમ લડ્યા જ કરે છે.
- વરણાવત (જૂના પ્રયાગ) ખાતે મેળામાં જવા પાંડવો તલપાપડ થઈ રહ્યા હતા. ખરેખર તો, ચંડાળચોકડી : ધૃતરાષ્ટ્ર દુર્યોધન, મામાશકુની, તેમનો મંત્રી પુરોચન- પાંડવોને વારણાવત મોકલવા જ માંગતા હતા.
- શકુની અને દુર્યોધને વારણાવત ખાતે પુરોચનની મદદથી લાખનો એક ભવ્ય અને કલાત્મક મહેલ બનાવ્યો. લાખનો મહેલ જલ્દી સળગી ઊઠે તે માટે દિવાલોમાં લાખ, રાળ, ડામર, કોલસા, ઘી, તેલ, ચરબીનો ઉપયોગ કર્યો. અહી મહેલ-લાક્ષાગૃહ માં માતા કુંતી અને પાંચ પાંડવો ને રાખી સળગાવી મારવાની યોજના હતી.
- આખી વાતનો વિદુરને અણસાર આવી જતાં, યુધિષ્ઠિરને બર્બર નામની સાંકેતિક ભાષામાં આડકતરી રીતે ચેતવણી આપી દીધી હતી. માણસો મોકલી કિલ્લાની પાછળ ખાઈ ચોખ્ખી કરવાને બહાને વિદૂરે સમયસર એક ભોયરું મહેલમાંથી નીકળવા બનાવી આપ્યું.
- પુરોચન એક સ્ત્રી અને પાંચ પુત્રો લઈને લાક્ષીગૃહ આવી. ત્યારે તેમણે ભોજન કરાવી-રાત્રે સુવડાવી દીધા બાદ, સાવચેત ભીમે જાતેજ લાક્ષીગૃહને સળગાવ્યું અને ભોંયરા મારફતે સહી સલામત નદી કિનારે પહોંચ્યા-ત્યાં ઊભી રાખેલ નૌકા મારફતે મહાવનમાં પહોંચ્યા.
દુર્યોધન કહે છે : ધર્મની મને જાણ છે. તમે અધર્મ શું છે તેની પણ મને ખબર છે. છતાં મારા હ્રદયમાં બેઠેલા દૈવને લીધે અને અધર્મનું નિવારણ થતું નથી.જરાસંઘ વધ (સભાપર્વ)
મગધના રાજા બ્રુહદ્રથ કાશીરાજની બે કન્યાઓ સાથે લગ્નગ્રંથિ થી જોડાયા. ની:સંતાન રહેવાથી ચંડકૌશિક મુનિને મળ્યા અને મૂલ્યવાન ભેટો આપી. પ્રસન્ન થયેલા મુનિએ એક કેરી મંત્રિત કરીને આપી અને રાનીને ખવડાવવાથી પરાક્રમી પુત્રરત્ન જન્મશે એમ કહ્યું. રાજાએ બન્ને રણીઓને અડધી-અડધી કેરી ખાવા આપી. પરિણામે બન્ને રાણીઓને અડધા-અડધા અંગવાળા બાળકો જન્મ્યો. ગભરાઈ ને બન્ને એ જંગલમાં બે અડધા ટુકડા ફેંકી દીધા- જરા નામની માંસભક્ષી રાણીએ ફક્ત ઊંચકવાની સરળતા ખાતર જોડ્યા-તો તે રાજકુમાર બન્યો. ચમત્કારથી પ્રભાવિત-જરા-એ રાજમહેલમાં પહોંચાડ્યો. જરા નામની રાક્ષસી (=જરા) એ સંઘ (=જોડ્યો) હોવાથી જરાસંઘ નામાભિધાન કર્યું. ચંડકૌશિક મુનિએ તેની ભવિષ્યવાણી જણાવી-તે અતિ પરાક્રમી અને તેજસ્વી બનશે એમ જણાવ્યું.
રાવણની માફક અભિમાની બનેલા જરાસંઘે 84 રાજાઓને બંદીવાન બનાવ્યા અને 16 રાજાઓને પકડવા નીકળ્યો- એકસો રાજાઓના પુરુષમેઘ યજ્ઞમાં બલિદાન આપવા વિચાર્યું.
શ્રીકૃષ્ણે બંદીવાન રાજાઓને છોડવા કહ્યું-ત્યારે જરાસંઘે ના કહી પોતાની સાથે યુદ્ધ કરવા કહ્યું. અર્જુન અને ભીમ સાથે આવેલ શ્રીકૃષ્ણને જરાસંઘે ભીમ સાથે લડવાનું પસંદ હોવાનું જણાવ્યું.
હાથોહાથનું યુદ્ધ, મુક્કાબાજી, ગદા યુદ્ધ અને મલ્લયુદ્ધની લડાઈ ચૌદ દિવસ લંબાઈ, જરાસંઘ જ્યારે જમીન પર પટકયો ત્યારે શ્રીકૃષ્ણના તૃણ ચીરીને કરેલા સંકેત મુજબ, ભીમે પગ પકડીને શરીરના બે ઊભા ચીરા કરી ટુકડાને વિરુદ્ધ દિશામાં ફેંક્યા, જેથી ફરી જોડાઈ સજીવન ન થાય.
બંદીવાન રાજાઓને મુક્ત કર્યા. જરાસંઘના પુત્ર સહદેવને અભયદાન આપી રાજ્યાભિષેક કરાવ્યો.
શાસ્ત્ર વચન : જે મનુષ્ય અનેક લોકોનો વધ કરવા તત્પર થયો હોય તેને, છળકપટ કે યુક્ત-પ્રયુક્તિથી પણ મારી નાંખવો.
શિશુપાલવધ (સભાપર્વ)
ચેદીરાજ કુળમાં જન્મ પામેલ, શિશુપાલ ચાર હાથ+ત્રણ આંખ સાથે જન્મ્યો હતો. જન્મતાંની સાથે ગધેડાની જેમ ભૂકયો હતો જેના ખોળામાં બેસતા, શિશુપાલના વધારાના બે હાથ અને વધારાની આંખ ઊખડશે, તેના હાથથી જ શિશુપાલનું મૃત્યુ થશે. શ્રીકૃષ્ણે હાથમાં લેતા બે હાથ-એક આંખ લુપ્ત થયા-શિશુપાલની માતા શ્રીકૃષ્ણની ફોઈ થાય, તેમણે શ્રીકૃષ્ણને શિશુપાલના સો અપરાધ માફ કરશો એમ જણાવ્યું. શિશુપાલે યદુવંશીનો નાશ, દ્વારકા સળગાવ્યું, અશ્વમેઘમાં અંતરાય, બભ્રૂની પત્ની સૌવીર અને કૃષ્ણના મામાની દીકરી ભદ્રાનું અપહરણ જેવા અનેક અપરાધો કર્યા.
યુધિષ્ઠિરના રાજસુય યજ્ઞમાં ભીષ્મપિતામહની સલાહથી શ્રીકૃષ્ણને અગ્રપૂજા માટે સન્માનીત કર્યા. ત્યારે શિશુપાલ અપમાનજનક ભાષા શ્રીકૃષ્ણ માટે બોલવા લાગ્યો. છેલ્લે સૌથી વધુ અપરાધ થતાં, શિશુપાલ માટે સુદર્શન ચક્ર છોડી શ્રીકૃષ્ણે શિશુપાલનું ગળું કાપી હત્યા કરી. શિશુપાલના પુત્ર મહિપાલને છેદી રાજ્યનો ગાદીપતિ રાજા બનાવ્યો.
ભગવાન શ્રીકૃષ્ણ મહિમા (શાંતિપર્વ)
પિતામહ ભીષ્મ યુધિષ્ઠિરને બાણશૈયા પરથી મરણ સંદેશમાં કહે છે. પરમજ્ઞાની શ્રીકૃષ્ણ જ અમારા આચાર્ય, ગુરુ અને પિતા છે. તેઓ જ અમારા ઋત્વિજ, સ્નાતક અને પ્રિયમિત્ર છે. ભગવાન શ્રીકૃષ્ણ સર્વ વિશ્વની ઉત્પતિ તેમજ પ્રલયનું સ્થાન છે. આકાશ, પૃથ્વી, જળ, વાયુ, તેજ તેમજ ચારે પ્રકારના જીવો તેમના આધારે જ ટકેલા છે. જેવી રીતે વેદોમાં અગ્નિહોત્ર, છંદોમાં ગાયત્રી, મનુષયોમાં રાજા, નક્ષત્રોમાં ચંદ્ર, પર્વતોમાં મેરુ અને પક્ષીઓમાં ગરુડ શ્રેષ્ઠ છે. તેવી જ રીતે ત્રિલોકમાં ભગવાન શ્રીકૃષ્ણ જ શ્રેષ્ઠ છે.
દ્રોણવધ
દ્રોણાચાર્ય વૃદ્ધ હોવા છતાં હાહાકાર મચાવ્યો-પુત્ર અશ્વથામા સાથે મળી વિકરાળ સ્વરૂપે જોત-જોતામાં પાંડવસેનાનો નાશ કરવા માંડ્યો. ત્યારે “અશ્વથામા માર્યો ગયો છે” એવી અફવા સાંભળી નિરાશ થયા-એકમાત્ર વિશ્વાસપાત્ર યુધિષ્ઠિર ને સત્ય જણાવવા પૂછ્યું. શ્રીકૃષ્ણ અને ભીમની સલાહથી યુધિષ્ઠિર “અશ્વથામા માર્યો ગયો છે” એમ મોટેથી બોલ્યા અને “હાથી માર્યો ગયો છે” તે ન સાંભળે એમ ધીમેથી બોલ્યા. દ્રોણે પણ પહેલી વાતથી નિરુત્સાહ થઈ જવાથી આગળની પૂરી વાત સાંભળી નહીં દ્રોણે અસ્ત્ર શસ્ત્રનો ત્યાગ કરી રથના પાછળના ભાગમાં બેસી ગયા. યોગધ્યાનમાં જ તેમણે પોતાનો દેહ ત્યાગી દીધો. મરેલા હોવા છતાં દ્યુષ્ટદ્યુમ્ને તેમનું મસ્તક તલવારથી કાપી અલગ કર્યું. છળકપટથી દ્રોણ મૃત્યુ પામ્યા.
સૌપ્તિકપર્વ – અશ્વત્થામા દ્વારા દ્યુષ્ટદ્યુમ્ન અને પાંડવપુત્રોનો રાત્રીમાં વધ
દુર્યોધને દ્રોણવધ પછી અશ્વત્થામાને સેનાપતિ પદ આપ્યું. ત્યારે દુર્યોધન સિવાય અશ્વથામા, કૃપાચાર્ય અને કૃતવમાં જ કૌરવ સેનામાં બચ્યા હતા. રાત્રે અશ્વત્થામાએ જોયું કે વડ ઉપર કાગડાઓને રાત્રિ વિશ્રામ કરતાં હતા ત્યારે ઘુવડે મારી નાખ્યા. આથી પાંડવોના વધની મારી પ્રતિજ્ઞા ઊંઘમાં રાત્રે તેમણે મારૂ તો પૂર્ણ થાય એમ અશ્વથામાએ વિચાર્યું. કૃપાચાર્યે તેને રોક્યો,પણ ન માનતા, અશ્વથામા, કૃપાચાર્ય અને કૃતવર્મા રાત્રિ દરમ્યાન પાંડવોના શિબિર પહોંચ્યા. અંદર અશ્વથામાએ જઈને દ્યુષ્ટદ્યુમ્ને લાત મારી જગાડયો અને પટકી-પટકીને મારી નાખ્યો. જે મહારથી હાથમાં આવ્યો તેને મારી નાખ્યા. છેલ્લે દ્રૌપદીને પાંચે પુત્રોને ઊંઘતા યમલોકમાં પહોંચાડ્યા.
દ્રૌપદી વિલાપ કરતાં-ભીમ-અર્જુન-અને શ્રીકૃષ્ણ અશ્વથામાને મારવા ગયા. અર્જુન અને અશ્વથામાએ બ્રહસ્ત્રો સામસામે છોડ્યા. મહર્ષિ વ્યાસે તેને રોકતા-અશ્વથામાએ તે શસ્ત્રને ઉત્તરાના ગર્ભ પર છોડ્યું. શ્રી કૃષ્ણે ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું અને વારસસદાર પરિક્ષિત જન્મ્યો. તે જનમેજયનો પિતા થયો. અશ્વત્થામાના હિનકાર્યથી શ્રીકૃષ્ણ તેને ત્રણ હજાર વર્ષ એકલા ભટકતા રહેવાનો શ્રાપ આપ્યો. શ્રીકૃષ્ણે અશ્વથામા પાસે મણિ હતો તે માથા પરથી કઢાવીને દ્રૌપદીને આપ્યો. દ્રૌપદીએ શ્રીકૃષ્ણને મુંગટમાં ધારણ કરવા મણિ પરત આપ્યો. ગુરુપુત્ર હોવાથી અશ્વથામાને જીવતો જવા દીધો.
દુ:શાસન વધ
ભીમ જોરથી ગદા ઘુમાવીને દુ:શાસનને મારતાં-તે ઢળી પડ્યો. ભીમે તરત જ તલવાર વડે તેનું મસ્તક કાપી નાખ્યું. ભીમ તેનું રક્ત પીવા લાગ્યો. અને દ્રૌપદીને બોલાવી તેના વાળ દુ:શાસનના લોહીથી ધોવડાવી તેની પ્રતિજ્ઞા પૂરી કરી.
કર્ણ વધ
અર્જુન-કર્ણ વચ્ચેના ભયંકર યુદ્ધમાં કર્ણના રથનું પૈડું જમીનમાં ખૂંચી ગયું-રથના પૈડાને બહાર કાઢે ત્યાં સુધી થોભવાનું કર્ણે કહેતાં-શ્રીકૃષ્ણ અને અર્જુન તેને દ્રૌપદી સાથેનું વર્તન-અભિમન્યુને મારવાનું કૃત્ય અને દ્યુતમાં કરેલી છેતરપિંડી-યાદ દેવડાવી. અર્જુને બાણો વડે કર્ણને વીંધી નાખ્યો-કર્ણને પરશુરામનું બ્રહમાસ્ત્ર-પરશુરામના શ્રાપને લીધે ખરી જરૂર સમયે કામમાં ન લાગ્યું કર્ણ સૂર્યમા વિલીન થઈ ગયો.
ભીમ-દુર્યોધન યુદ્ધ
યુધિષ્ઠિરે ‘રથશક્તિ’ વડે શલ્યની છાતી વીંધી માર્યો સહદેવે શકુનીને ભાલાથી માર્યો પછી દુર્યોધન, કર્ણ, શલ્ય અને શકુનીના મારવાથી ભયભીત થઈ કુરુક્ષેત્રના સરોવરમાં છુપાઈ ગયો. તેને બહાર કાઢી યુધિષ્ઠિરે કોઈપણ એક સાથે દ્ર્ન્દ્રયુદ્ધ કરવા લલકાર્યો. તેણે ભીમ સાથે ગદાયુદ્ધ કરવા સ્વીકાર્યું. શ્રીકૃષ્ણે અર્જુનને સંકેતથી ભીમને જાંગપર ગદા મારવા જણાવ્યુ. અર્જુને જાંગ ઉપર જોરથી થાપો મારી સંકેત કરતાં ભીમે દુર્યોધનની બંને જાંગ પર જોરથી ગદા પ્રહાર કરી જાંગો તોડી નાખી. ભીમે કૌરવસભામાં ગદા વડે દુર્યોધનની જાંઘ તોડવાની પ્રતિજ્ઞા પૂરી કરી. દુર્યોધન રણભૂમિમાં મર્યો.
અભિમન્યુ વધ
યુદ્ધના તેરમાં દિવસે દ્રોણાચાર્યે ચક્રવ્યુહનું આયોજન કરતાં યુધિષ્ઠિર ચિંતાતુર થાય છે. તેઓ અભિમન્યુને ચક્રવ્યુહ ભેદવા કહે છે. અભિમન્યુએ દ્રોણનો ચક્રવ્યુહ ભેદીને અસંખ્ય યોદ્ધાઓને હણી લીધા. ઘાયલ કર્યા અભિમન્યુને હરાવવા કર્ણ એનું દેવતાઈ ધનુષ્ય તોડી નાખ્યું, ભોજે રથના ઘોડા વીંધી નાખ્યા, કૃપાચાર્યે તલવારથી સારથીને મોતને ઘાટ ઉતાર્યો અને છેલ્લે દ્રોણે અભિમન્યુની તલવારના કટકા કર્યા. નિસ્ત્ર:અભિમન્યુ પર છ છ જણાદ્વારા બાણવૃષ્ટ્રી અને ગદા પ્રહારથી અભિમન્યુ વીરગતિને પામ્યો. અધર્મથી જયદ્રથે પાંડવસેના અને અર્જુનને એક દિવસ માટે દૂર રોકી રાખવાથી, અભિમન્યુ હણાયો.
જયદ્રથ વધ
ધૃતરાષ્ટ્રની એકમાત્ર પુત્રી દુ:શલાનો પતિ અને સિંધુરાજા જયદ્રથને દુ:શલા સિવાય બે પત્નીઓ હતી એક ગાંધારની અને બીજી કંબોજની. વનવાસના તેરમાં વર્ષમાં દ્રૌપદી ને જયદ્રથ હેરાન કરી પરણવાની ઈચ્છા કરી બતાવી અપહરણ કરે છે ત્યારે પાંડવોએ માર માર્યો હતો-પણ જીવંત છોડ્યો હતો. પાંડવો દ્વારા અપમાનિત જયદ્રથે શિવભક્તિ દ્વારા રાજી કરે છે. દુરુક્ષેત્રમાં તે અર્જુન સિવાય કોઈને પણ મારી શકે છે એવું વરદાન આપે છે. પુત્ર વધ થી દુ:ખી અર્જુન આવતી કાલે જ યુદ્ધમાં જયદ્રથ નો વધ કરવા અથવા અગ્નિપ્રવેશ થી આપઘાત કરીશ એવી પ્રતિજ્ઞા કરે છે. યુદ્ધ મેદાનમાં જયદ્રથને છ મહારથીઓ વચ્ચે સંતાડી રાખ્યો. ત્યારે શ્રીકૃષણ પડછાયો બનાવી રણમેદાનમાં અંધકાર ફેલાવી દીધો. સૂર્યાસ્ત થયેલો ધારી જયદ્રથ બહાર આવ્યો ત્યારે ફરી સૂર્ય દેખાતા સામે ઉભેલા અર્જુન બાણ છોડી જયદ્રથના મસ્તકનો વધ કરી દીધો. આમ કૃષ્ણની લીલાથી કૌરવોને ભ્રમિત કરી જયદ્રથનો વધ શક્ય બનાવ્યો.
આમ, મહાભારત યુદ્ધની કથા છે. જેમાં શ્રીકૃષ્ણ જીવનજીવવાની કળા જુદાજુદા પ્રસંગોએ જણાવે છે. ખાસ કરીને, અર્જુનને ભગવદગીતા દ્વારા શ્રીકૃષ્ણ, રાજા ધૃતરાષ્ટ્રને વિદૂરનીતી બતાવી વિદુર અને છેલ્લે યુધિષ્ઠિરને ભીષ્મપિતામહ જ્ઞાન આપે છે. તે જ્ઞાન આપણે ગ્રહણ કરવા યોગ્ય છે. ચાલો, મહાભારતનો બોધપાઠ જીવનમાં ઉતારીએ...
ડો. ભરત દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
"મહાભારત" શ્રેણીના બીજા લેખો |
Other Related Articles |
---|---|
મહાભારત ભગવદ્દ ગીતા શાંતિપર્વ: બીજી ભગવદ્દ ગીતા વિદુર નીતિનો ઉપદેશ |
Hinduism Bhagavad Gita - Short And Straight Karmic Theory (Law Of Karma) Karmic Theory - Practical Meditation |
Comments
Post a Comment
Thank you for your comment!