અનાવિલ સમાજ અને લગ્નો

લગ્નની ઈચ્છા ધરાવનાર અનાવિલ, લગ્ન કરવામાં કેમ સફળ થતાં નથી? એ વિષે મનોમંથન કરીએ. બધી રીતે યોગ્ય ઉમેદવારો લગ્નની પરીક્ષામાં કેમ ઝળહળતી સફળતા મેળવતો નથી તે વિચારીએ.

દેખીતાં કારણો:

1. લગ્નનાં ચોકઠાં ગોઠવનાર સમુહનો અભાવ:40-50 વર્ષ પહેલા લગ્નો ગોઠવવાના શોખીન–ઉત્સાહી–વડીલોનો એક વર્ગ સક્રિય હતો. જે મેળાવડામાં, લગ્નમાં કે મરણમાં પરણવાલાયક ઉમેદવારોને શોધી–માહિતી પહોંચાડી લગ્નનું નક્કી કરાવીને જ છૂટતા તે વર્ગ જ અદદ્રશ્ય થઈ ગયો છે.

2. અભિપ્રાયોમાં નિરસતા: લગ્ન માટે ઓફર મુકાયા પછી, લાગતાવળગતા વડીલો તપાસ માટે નીકળે છે. ત્યારે પ્રામાણિકતાથી સારો કે ખરાબ તટસ્થ અભિપ્રાય આપવાને બદલે, ગોળગોળ, અસ્પષ્ટ અથવા મોઘમ જવાબ આપતા હોય છે. માંબાપની ખબર છે–છોકરાની નહીં અથવા દીકરાના દિવસના સ્વભાવની માહિતી છે–પણ રાત્રીનો નહીં–દારૂડિયો હોઈ શકે એવો ઈશારો.

3. લગ્ન લાયક ઉમેદવારોમાં વ્યસન: દારૂ–તમાકુ માવો–ધુમ્રપાનની કુટેવો વ્યાપક પ્રમાણમાં પ્રસરેલ છે. એ હકીકત છે. વખાણવા લાયક, ખૂબ ભણેલા અને ખૂબ કમાતા આદર્શ ઉમેદવારો છે, પણ આળસુ, રખડેલ, વ્યસની અને ઓછું ભણેલા ઉમેદવારો પણ મોટી સંખ્યામાં છે. ત્યારે લગ્નની સમસ્યા ભારી બને છે.

4. વિરોધાભાષ (Paradox): આપણી અપેક્ષાઓમાં વિચિત્ર વિરોધાભાસ (Paradox) છે જેમકે, (1) માબાપ મોટી જમીનના માલિક હોવા જરૂરી છે, પણ યોગ્ય હોવા છતાં ખેતીવાડી વાળો ગામડાનો મુરતિયો ન ચાલે. (2) પૈસાદાર કુટુંબનો છોકરો જોઈએ, પણ વેપાર–ધંધાવાળો ન ચાલે–નોકરીવાળો જ જોઈએ. (3) કમાણી તો ઘણાબધા વ્યવસાયમાં છે, પણ ઉમેદવાર ડોક્ટર – એંજિનિયર જ જોઈએ. (4) મધ્યમ દેખાવનો બીજી રીતે યોગ્ય ઉમેદવાર ન ચાલે, દેખાવડો આકર્ષક વ્યક્તિત્વવાળો રૂપાળો જ જોઈએ.

5. આદર્શ યુવાનો છોકરીઓ સાથે મર્યાદા જાળવી રાખતા હોવાથી પોતાની પસંદગીની કે પ્રેમની વાત અવ્યક્ત જ રાખે છે–છોકરી પહેલની રાહ જોતી હોય ત્યારે પણ અસમંજસમાં રહી સ્પષ્ટ રજૂઆત કરતાં નથી, આથી નિષ્ફળ રહે છે ત્યારે અભણ તોફાની–અવિવેકી અને નફ્ફટ છોકરાઓ કન્યાઓને ફોસલાવી પોતાની લગ્નની ઈચ્છા બતાવી ફસાવી શકે છે અને છોકરીઓ એને પ્રેમ સમજી તૈયાર થાય છે,પછી પસ્તાય છે.


મા-બાપ દ્વારા ગોઠવાયેલ લગ્નોની પ્રથા યોગ્ય છે, પરંતુ તે એકદમ ચોક્કસ કે સંપૂર્ણ (Fullproof) નથી. માણસોને ઓળખવા–પારખવા સહેલા નથી–ત્યારે ભૂલનો અવકાશ હંમેશા રહે જ છે. લાંબા સામના ગાઢ મિત્રોના બાળકો વચ્ચે લગ્ન પણ નિષ્ફળ ગયા છે. તેવી જ રીતે બાળપણથી મિત્રતાવાળા પાત્રોના લગ્ન છ માહિનામાં તૂટતાં મેં જોયા છે. 

આમ, લગ્નની સફળતાની કોઈ ગુરૂચાવી નથી. પરસ્પર અનુકૂળ (Adjustment) અને બાંધછોડ (Compromise) દ્વારા લગ્ન સફળ બનાવી શકાય. ઓછી સહનશક્તિ અને વધારે પડતી અપેક્ષાઓ હાલના છૂટાછેડાના અગત્યના કારણો છે.

વાતનો સાર:

અંતે, લગ્નઉત્સુક આપ સૌને એક છેલ્લી અગત્યની વાત કહેવી છે. સમજશો–વિચારશો એવી નાની અપેક્ષા છે. 

મિત્રો, તમે યોગ્ય જ છો – લગ્ન માટે શક્તિમાન છો ત્યારે નાસીપાસ થવાની જરૂર નથી. લગ્નની આતુરતા જ હોય તો, કુંવારા રહેવાના, લગ્ન સિવાય, લગ્ન બાહ્ય શરીર સંબંધો કે લગ્ન વિના સાથે રહેવાના (Live-in-Relationship) વિચારો ન કરશો.


આપના સંપર્કમાં આવતા આડોશ-પડોશના, મિત્રમંડળના, આવજાવમાં મળતા કે વ્યવસાયના સ્થળે મળતા વિજાતીય પાત્રમાંથી કોઈ એકને પસંદ કરો – સંપર્ક વધારો – મિત્રતા બનાવો અને લગ્નની સહમતી બનાવો. મિત્રો ધારો એટલું ભારી નથી. તમારા લગ્ન આ વર્ષે થવાના જ છે.

મારી શુભેચ્છાઓ – આશીર્વાદ.

ડો. ભરત દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા

Post a Comment

1 Comments

Thank you for your comment!