આધુનીક દાન

ડો. અશ્વીન શાહ, ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ 

૧. રક્તદાન

દરેક જણ જાણે છે કે વીજ્ઞાને આટલી પ્રગતી કર્યા છતાં હજી તે રક્ત બનાવી શકતું નથી. રક્ત શરીરનાં દરેક અંગને ઑક્સીજન પહોંચાડે છે. જો ઑક્સીજન પુરતા પ્રમાણમાં ન મળે તો માનવશરીરનાં અંગો કામ કરતાં બંધ થઈ જાય છે અને દર્દીનું મૃત્યુ થઈ જાય છે. જયારે શરીરમાંથી ખુબ રક્તસ્ત્રાવ, ખાસ કરીને માતા/બહેનની સુવાવડ બાદ, વાહનઅકસ્માત, ઑપરેશન દરમ્યાન દર્દીને તાકીદે લોહી ચઢાવવાની જરુર પડે છે, જે ન મળે તો એનું મૃત્યુ થઈ શકે છે. અમુક રોગોના દર્દીઓ માટે જેવા કે થેલેસેમીયા, સીકલસેલ એનીમીયા, લ્યુકેમીયા, શરીરમાં G6PD નામના ઉત્સેચકની જનીનીક કારણસર ઉભી થયેલી ઉણપ, વગેરે કીસ્સાઓમાં પણ લોહી જ જીવ બચાવી શકે છે. આવા દર્દીઓને માટે રક્તનું મળવું નવું જીવન છે. દર્દીનું એબીઓ અને આર.ઍચ. સીસ્ટમ અનુસાર બ્લડ ગ્રુપ નક્કી કરીને એના ગ્રુપને અનુરુપ લોહી જ આપવું જરુરી છે. આથી કોઈ પણ વ્યક્તી પોતાના લોહીનું દાન બ્લડબેન્કમાં નીયમીતપણે કરતી રહે તો જરુરીયાતવાળા દર્દીને સમયસર લોહી મળી રહે અને એનું જીવન બચાવી શકાય છે. ‘રક્તદાન’ કોઈનું જીવન બચાવનારું ઉમદા કાર્ય છે. ‘રક્તદાન’ 62 વર્ષની ઉમ્મર સુધી કોઈ પણ તંદુરસ્ત વ્યક્તી આપી શકે છે. રક્તદાતાની હાઈ બ્લડ પ્રેશર, ડાયાબીટીઝ તથા હીમોગ્લોબીન ઉપરાંત એઈડ્ઝ, હીપેટાઈટીસ બી અને સી તથા અન્ય જાતીય સંક્રામક રોગો માટે તપાસ કરવામાં આવે છે, પછી જ દાતાનું લોહી લેવામાં આવે છે, જેથી લોહી મેળવનાર વ્યક્તીના સ્વાસ્થ્ય પર જોખમ ઉભું ન થાય. આથી દાન કરનારને લોહી આપ્યા પછી પોતાને કોઈ મુશ્કેલી અથવા રોગ થશે તેની જરાયે ચીંતા કરવાની જરુર નથી. દર ત્રણ મહીને જરા પણ ડર્યા વીના રક્તદાતા પોતાનું લોહી આપી શકે છે. દરેક તંદુરસ્ત વ્યક્તીએ આ દાન અચુક જ કરવું જોઈએ અને કોઈની જીંદગી બચાવ્યાનો સંતોષ લેવો જોઈએ. આપણે ત્યાં 100થી વધુ વખત ‘રક્તદાન’ કરનાર અનેક લોકો છે જે ખુબ જ તંદુરસ્ત જીવન જીવે છે; આથી ‘રક્તદાન’ કરનારાએ ડરવાની જરુર નથી.



૨. અંગદાન

હવે તો વીજ્ઞાને એક વ્યક્તીના શરીરનાં અંગો, બીજી વ્યક્તીના શરીરમાં પ્રત્યારોપણ કરવાની અને એવા દર્દીઓને નવી જીંદગી આપવાની શોધ કરી છે. દરેક જણ એ જાણે છે કે મૃત્યુ પામ્યા બાદ નશ્વરદેહ લાંબો સમય રાખી શકાતો નથી. કુટુંબીજનોએ એમના કૌટુંબીક રીવાજ પ્રમાણે મૃતદેહનો અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર/દફનવીધી કરે છે. ત્યારબાદ આશ્વાસન રુપે મળતી રાખ(અસ્થી)ને ગંગા નદી કે અન્ય નદીમાં પધરાવવામાં આવે છે. મરણ પછી વ્યક્તીનું શું થાય છે એની હજી સુધી આપણને ખબર નથી. આત્માનું હોવું વીવાદાસ્પદ છે, વીજ્ઞાન દ્વારા એની કોઈ સાબીતી મળી નથી; પરન્તુ વીજ્ઞાનની નવી શોધોએ મૃત વ્યક્તીનાં શરીરનાં વીવીધ અંગોને અન્ય વ્યક્તી કે જેને આ અંગો/અવયવોની જરુર છે તેમના શરીરમાં પ્રત્યારોપણ કરીને એ દર્દીને નવું જીવન આપવાની સંભાવના ઉભી કરી છે.

અંગદાન ત્રણ રીતે થઈ શકે છે:

૧. જીવીત વ્યક્તી: જેવી રીતે જીવીત વ્યક્તી ‘રક્તદાન’ કરી શકે છે તેવી જ રીતે કોઈ વ્યક્તી પોતાની એક કીડની (મુત્રપીંડ), લીવર (યકૃત)નો ભાગ, સ્વાદુપીંડ (પેન્ક્રીયાસ)નો ભાગ તેના નજીકના સગાંને દાનમાં આપી શકે છે. તંદુરસ્ત વ્યક્તી આ અવયવનું દાન કર્યા બાદ તંદુરસ્ત જીવન જીવી શકે છે અને દાન લેનારને નવું જીવન મળે છે. બન્ને એક જ કીડનીથી જીવી શકે છે. મનુષ્યના શરીરમાં યકૃત જ એક એવો અવયવ છે જે ફરીથી આપેલ ભાગને નવો ઉત્પન્ન કરી શકે છે. 70 વર્ષના આયુષ્ય સુધી ‘અંગદાન’ દાન કરી શકે છે; પરન્તુ તે દાતાને કૅન્સર, ચેપી રોગો જેવા કે, ઝેરી કમળો, એઈડ્સ જેવા રોગો ન હોવા જોઈએ. 

૨. બ્રેઈનડેડ વ્યક્તી: ઘણીવાર વાહનનાં અકસ્માત કે હાઈ બ્લડપ્રેશરને લીધે મગજમાં હેમરેજ થાય છે, જેને લીધે વ્યક્તીનું મગજ કામ કરતું બંધ થાય છે. આવી વ્યક્તીની ખુબ ઝીણવટથી તબીબ તપાસ કર્યા બાદ મગજના રોગોના નીષ્ણાત તબીબ એને બ્રેઈનડેડ હોવાનો રીપોર્ટ આપે છે. જો વ્યક્તી બ્રેઈનડેડ હોય તો ફરી જીંદગી જીવી શકે નહીં, ક્યાં તો એનું મૃત્યુ થઈ જાય અથવા અન્ય પર પરાવલંબી થઈને એને જીવવું પડે. જો કારની બેટરી ઉતરી ગઈ હોય તો ધક્કા મારીને કાર ચાલુ કરી શકાય; પરન્તુ કાયમ માટે કાર ચાલુ રાખવી હોય તો નવી બેટરી નાખવી જ પડે. એ જ રીતે જે વ્યક્તીનું મગજ કામ કરતું અટકી ગયું હોય તેના મગજનો મરી ચુકેલો ભાગ બદલી નાખવો પડે, પણ આવું શક્ય નથી. મગજ વગર શરીરનાં કોઈ પણ અંગો કે અવયવ કામ કરી શકતાં નથી, આથી આવી વ્યક્તી ફરીથી તંદુરસ્ત થઈને હરતીફરતી થાય એવી શક્યતા રહેતી નથી. આ સંજોગોમાં જો દર્દીનાં નજીકનાં સગાં તરફથી ‘અંગદાન’ કરવાની સંમતી મળે તો તેના શરીરમાં કાર્યરત અવયવોને કૃત્રીમ તબીબી સાધનો દ્વારા તબીબો થોડા કલાક માટે હૉસ્પીટલમાં તેનાં અંગોને સજીવ રાખી શકે છે. આ સમય દરમીયાન આ અંગોને કાઢી લઈને બીજા જરુરીયાતવાળા દર્દીમાં તાત્કાલીક પ્રત્યારોપણ કરવામાં આવે છે. દર્દીના શરીરમાંથી જીવીત અને કાર્યરત અંગ કાઢી લઈને એને બીજા દર્દીના શરીરમાં નાખવાની આખી શસ્ત્રક્રીયા ખુબ જ ગણતરીના કલાક (4થી 8 કલાક)માં પુર્ણ કરી દેવામાં આવે છે. આ માટે પોલીસ દ્વારા ગ્રીન કોરીડોર, વાહન, વીમાન વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે, હાલમાં બ્રેઈનડેડ વ્યક્તી નીચેનાં અંગો/અવયવોનું દાન કરી શકે છે.

ક્રમ

દાન કરી શકાય તેવા અંગોના નામ

કેટલા કલાકમાં

અંગ આપી  શકાય

અંગદાન કરનાર વ્યક્તીની  વય

બ્રેઈનડેડ વ્યક્તી :

1.

હૃદય અને ફેફસાં

4થી 6 કલાક

40થી 50 વર્ષ સુધી

2.

યકૃત

6થી 12 કલાક

70 વર્ષ સુધી

3.

મુત્રપીંડો

30 કલાક

70 વર્ષ સુધી

4.

આંતરડાં

6 કલાક

40થી 50 વર્ષ સુધી

5.

સ્વાદુપીંડ

6 કલાક

70 વર્ષ સુધી

મૃત વ્યક્તી :



1.

ચક્ષુદાન, અસ્થીમજ્જાદાન (હાડકાં)

4થી 6 કલાક

100 વર્ષ સુધી

2.

ચામડી

6 કલાક

100 વર્ષ સુધી




આ દાન કોણ ન કરી શકે?

કૅન્સર, ચેપી રોગો જેવા કે એઈડ્સ (AIDS), ઝેરી કમળો (હીપેટાઈટીસ એ અને બી)થી પીડીત દર્દીઓ અંગદાન ન કરી શકે. ભારત દેશમાં અત્યારે દોઢથી બે લાખ કીડની, લીવર, તેમ જ ચક્ષુદાનની જરુરીયાત છે, જો આવાં દાન કરવામાં આવે તો અન્ય વ્યક્તીને નવું જીવન મળે તથા દર્દીના આપ્તજનોને પોતાના સ્નેહી મૃત વ્યક્તી બીજાના શરીર દ્વારા જીવતો જોવાનો સંતોષ મળી શકે.

સુરતમાં ‘Donate Life’ સંસ્થા કાર્યરત છે. https://www.donatelife.org.in/ વેબસાઈટ પર સઘળી માહીતી ઉપલબ્ધ છે. પોતાના મરણ પછી ‘અંગદાન’ કરવાની ઈચ્છા હોય તો અંગદાનનો ‘સંકલ્પ પત્ર’ ભરી, તેની નોંધણી કરાવીને પોતાની સાથે કાયમ રાખવો જરુરી છે. જેથી આકસ્મીક મૃત્યુ બાદ ‘અંગદાન’ માટે જરુરી કાર્યવાહી તાત્કાલીક કરી શકાય. વધુ માહીતી અને Donor Card માટે https://sotto.nic.in/StateHome.aspx વેબસાઈટ પર નોંધણી કરી ને Donor Card મેળવી શકાય છે.

3. દેહદાન

દરેક સજીવનું મૃત્યુ નીશ્ચીત છે, એ જ રીતે દરેક મનુષ્ય પણ મૃત્યુ પામે છે, એનો સમય, સ્થળ કે કારણ અગાઉથી જાણ થતી નથી; પરન્તુ નશ્વરદેહ લાંબો સમય રાખી શકાતો નથી. ફક્ત થોડા સમય માટે મોર્ગ (શબઘર)માં તેને રાખી શકાય છે. આપ્તજનોને એને માટે ભાવનાત્મક અનુરાગ કે લગાવ રહે છે. વધુ સમય જો રાખવામાં આવે તો મૃતશરીરમાં સડો લાગુ પડીને તે દુઃર્ગંધ મારવા લાગે છે અને રોગ પણ ફેલાવી શકે છે. દરેક ધર્મમાં, શાસ્ત્રોમાં આત્મા અને પુનર્જન્મ વીષેની ખુબ માન્યતાઓ છે; પરન્તુ આ નશ્વરદેહનો સત્વરે અંતીમસંસ્કાર અથવા ભુમીસંસ્કાર/દફનવીધી કરવો જ પડે છે અને ફક્ત એનાં અસ્થી કે રાખ ભેગાં કરીને એને ગંગા નદી કે અન્ય નદીમાં પધરાવી દઈ સંતોષ માનવામાં આવે છે.

જો મેડીકલ કૉલેજમાં અભ્યાસ કરતા વીધાર્થીઓ માટે આ નશ્વરદેહનું દાન કરવામાં આવે તો ભવીષ્યમાં ડૉક્ટર થનારને શરીરરચના સીધી નજર સમક્ષ અંગવીચ્છેદ કરીને જોવા મળે છે, જે એના ભવીષ્યમાં સર્જન બનવા માટે ખુબ ઉપયોગી છે. આ નશ્વરદેહને મેડીકલ કૉલેજના ઍનેટોમી વીભાગમાં રાસાયણીક પ્રકીયા કરી લાંબો સમય રાખવામાં આવે છે. અભ્યાસ બાદ બાકી રહેલાં અંગો/અવયવોની મૃત વ્યક્તીના ધાર્મીક રીવાજ મુજબ વીધીસર અંતીમ ક્રીયા કરવામાં આવે છે. ‘દેહદાન’ કોઈ પણ વ્યક્તી એની ઈચ્છા મુજબ કરી શકે છે અને એના મૃતશરીરના વૈજ્ઞાનીક ઉપયોગ વડે પુણ્યનું કામ કર્યાનો સંતોષ આપ્તજનો મેળવી શકે છે. આ ઈચ્છા ધરાવનાર વ્યક્તીએ પોતાની હયાતીમાં પોતાના વસીયતમાં અને એને માટેનું ‘સંકલ્પ પત્ર’ ભરીને નજીકની મેડીકલ કૉલેજમાં નોંધણી કરાવવી જોઈએ. અને મેડીકલ કૉલેજમાં નોંધણી કર્યાની પહોંચ પણ આપવામાં આવે છે. 

‘દેહદાન’ અંગે નીયમો:
  1. સૌથી નજીકના સગાં પતી/પત્ની/મા/બાપ/ભાઈ/બહેન/પુત્ર/પુત્રવધુ/પુત્રીજમાઈ/પૌત્ર/ પૌત્રી તરફથી આ વીભાગને મૃત દેહદાન (ડેડબોડી ડોનેશન) આપવા માટેની લેખીત અરજી કરવી. અરજી પત્ર દેહદાન સમયે એનાટોમી વીભાગમાંથી મળશે. આ અરજીમાં બે સાક્ષીની સહી પણ કરાવવી. 
  2. વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો કે જે પોતાના કટુંબીજનો સાથે સંબંધ ધરાવતા ન હોય તેમણે પણ પોતાના સગાંઓને જાણ કરવાની રહેશે. તમારા સગાંવહાલાંઓને તમારી દેહદાન અંગેની ઈચ્છાની જાણ હોવી જ જોઈએ. 
  3. બહારથી ડેડબોડી આવવાની હોય તો લાગુ પડતાં પોલીસ સ્ટેશનનું ‘નો ઓબ્જેક્શન સર્ટીફીકેટ’ (‘ના વાંધા પ્રમાણપત્ર’) સાથે રાખવું જેથી અત્રે બોડી પહોચાડવામાં રસ્તે કોઈ તકલીફ ન પડે. 
  4. મૃત્યુ થયા પછી વહેલામાં વેહલી તકે મેડીકલ કૉલેજમાં જાણ કરવી. (એનાટોમી વીભાગનો રુબરુ અથવા ફોનથી સંપર્ક કરવો.) જેથી ડેડબોડી જાળવણી કરવા અંગેની તૈયારી કરી શકાય. 
  5. એનાટોમી વીભાગનો સમય સવારે 9.00થી સાંજે 5.00 (રીસેશ સમય બપોરે 1.00થી બપોરે 2.00 કલાક) સુધીનો છે. શનીવારે સવારે 9.00થી બપોરે 1.00 સુધીનો છે. 
  6. સાંજે અથવા રાત્રે મૃત્યુ થાય તો સવારે 9.00 સુધીમાં લાવી શકાય. સવારમાં અથવા બપોરે મૃત્યુ થાય તો સાંજે 5.00 વાગ્યા સુધીમાં લાવી શકાય. શનીવારે બપોરે 1.00 વાગ્યા સુધી બોડી લાવી શકાય. 
  7. મૃત વ્યક્તીના ‘દેહદાન’ માટે સંમતી આપવાનો અધીકાર ધરાવતા મૃતકના નજીકના સગાં દુર કે ભારતની બહાર રહેતા હોય અને તે વ્યક્તી દેહદાન વખતે હાજર રહેવાની ઇચ્છા રાખે, તો ત્યાં સુધી મૃતદેહને કોલ્ડ સ્ટોરેજ (મોર્જ)માં રાખવાનો રહેશે. તે નજીકના સગાંના આગમન પછી તાત્કાલીક મેડીકલ કોલેજમાં મૃતદેહને સુપ્રત કરી ‘દેહદાન’ કરી શકાય 
  8. શનીવારે બપોર પછી અથવા રવીવારે અથવા રજાના દીવસે બોડી પહોચાડવાની હોય તો નીચે જણાવેલ નંબર ઉપર ફોન દ્વારા સંપર્ક સાધી બોડી લાવવા અંગેની જાણ કરવી. 
  9. જે બોડી અને એનાટોમી વીભાગમાં દાન માટે લાવવામાં આવે તે બોડીનું મૃત્યુના એક અઠવાડીયાના સમયગાળામાં કોઈ ઑપેરેશન થયેલ હોય તો તે ડેડબોડી સ્વીકારવામાં આવશે નહીં. 
  10. એનાટોમી વીભાગ તરફથી દેહદાન મળ્યા અંગેનું પ્રમાણપત્ર નજીકના સગાંને આપવામાં આવશે. 
  11. મરનારનું મૃત્યુ થયાની નોંધ મ્યુનીસીપલ કોર્પોરેશન/નગરપાલીકા/ગ્રામપંચાયતમાં ‘દેહદાન’ કરનારના સગાંએ જાતે કરાવવાની રહેશે. 
  12. સાથે લાવવાના સર્ટીફીકેટ્સનું લીસ્ટ (તમામ ફરજીયાત) : 
    • કુદરતી મૃત્યુ થયા અંગેનું મેડીકલ સર્ટીફીકેટ (ઓછામાં ઓછા એમ.બી.બી.એસ. ડૉક્ટરનું) – મેડીકલ સર્ટીફીકેટમાં મરનાર વ્યક્તીની ઉમ્મર, આખુ નામ, સરનામું, મૃત્યુનું કારણ, મૃત્યુની તારીખ અને ચોક્કસ સમય, વ્યક્તીની ઓળખ વગેરે દર્શાવવું જોઈએ. મેડીકલ સર્ટીફીકેટ ડૉક્ટરના લેટરપેડ ઉપર સહી સીક્કા સહીતનું જરુરી છે. 
    • મૃત્યુ પામનારના પાસપોર્ટ સાઈઝના બે ફોટા. 
    • મૃત્યુ પામનારના ઓળખપત્રની ઝેરોક્ષ કોપી. 
    • મૃત્યુ પામનારની સાથે આાવનાર તેના સૌથી નજીકના સગાંના ઓળખપત્રની કોપી. 
    • બે સાક્ષીઓના ઓળખપત્રની કોપી 
  13. દેહદાન કર્યાં બાદ સ્વજનોને ડેડબોડી જોવા દેવામાં આવશે નહીં. 
  14. મેડીકલ કૉલેજમાં ડેડબોડી પહોચાડવાની વાહનવ્યવસ્થા મૃતકનાં સગાંઓએ જાતે કરવાની રહેશે. 

નીચે જણાવ્યા પ્રમાણેની ડેડબોડી સ્વીકારી શકાશે નહીં: 
  1. મૃત્યુ થયાના ચોક્કસ સમયના 6 કલાક પછીની ડેડબોડી (જે તે દીવસના તાપમાન મુજબ). 
  2. પોસ્ટમોર્ટમ કે ઑપરેશન કરેલી ડેડબોડી. 
  3. ઍક્સીડન્ટમાં મૃત્યુ થયેલ હોય એવી ડેડબોડી. 
  4. વધારે વજનવાળી ડેડબોડી (ફેટી). 
  5. ચેપી રોગ, ટીબી, ન્યુમોનીયા. લોહીમાં ચેપ (સેપ્ટીસેમીયા) અથવા એઈડ્સ રોગવાળી ડેડબોડી. 
  6. ચાંદા પડી ગયેલા હોય એવી ડેડબોડી. (બેડસોર્સ, ડાયાબીટીક અલ્સર, ગેંગરીન) 
  7. શંકાસ્પદ મૃત્યુવાળી ડેડબોડી. 
  8. કુદરતી મૃત્યુ થયા અંગેના મેડીકલ સર્ટીફીકેટ વગરની ડેડબોડી. 
  9. કૌટુંબીક વીવાદાસ્પદ ડેડબોડી. 
  10. દુર્ગંધ મારતી ડેડબોડી. 
  11. કેન્સરથી મૃત્યુ પામેલ વ્યક્તીની ડેડબોડી. 
  12. મૃત્યુ પછી અંગદાન કરેલ હોય એવી ડેડબોડી. 
  13. ડૉક્ટરએ એન્ટીકોએગ્યુલન્ટ આપેલ ડેડબોડી. 
  14. કોરોના ચેપવાળી ડેડબોડી. 

Mandatory documents: (મેડીકલ કૉલેજમાં ડેડબોડી લઈ જાઓ ત્યારે)
  • Death certificate. (Original) 
  • Photo ID. (Deceased) 
  • Two passport sized photographs. (Deceased) 
  • Photo ID of Donor. 
  • Photo ID of two witnesses. 

મૃત્યુ બાદ નશ્વરદેહ પણ ઉપયોગમાં આવી શકે તે માટે દરેક તંદુરસ્ત વ્યક્તીએ ‘અંગદાન’ની માફક ‘દેહદાન’ માટે પણ સંકલ્પ કરવો જોઈએ.

‘દેહદાન’ માટે સ્થાનીક મેડીકલ કૉલેજનો સમ્પર્ક : 

૧. નવસારી મેડીકલ કૉલેજ, નવસારી
ફોન નંબર : (02637) 299633
eMail: dean.navsari.mc@gmail.com અને dean@gmersnavsari.com

૨. વલસાડ મેડીકલ કૉલેજ, વલસાડ
ફોન નંબર : (02632) 255566, 252844, 251744
eMail: gmersmcvalsad@gmail.com

૩. ‘SMIMER’ સુરત મ્યુનીસીપલ ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડીકલ ઍડ્યુકેશન એન્ડ રીસર્ચ, સુરત
ફોન નંબર : (0261) 2368040, 2368041, 2368042, 2368043, 2368044
eMail: deansmimer@gmail.com

લેખક–સમ્પર્ક: ડૉ. અશ્વીન શાહ, સ્થાપક તથા મેનજીંગ ટ્રસ્ટી, ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ – 396 430 તા. ગણદેવી જી. નવસારી (ગુજરાત) ફોન : +91-2634-246248 અને +91-2634-246362  ઈમેલ: gstkharel@yahoo.com અને gram_seva@yahoo.com વેબસાઈટ : www.gramsevatrust.org



તા.ક. : આ લેખ પ્રગટ થયા પછી લેખકમીત્ર ડૉ. અશ્વવીનભાઈ તરફથી લખેલ અંગ્રેજી કૉમેન્ટ/પુરક માહીતીનો આ ભાવાનવાદ છે

An ophthalmologist by qualification and profession, Dr. Bharatchandra Desai loves reading about history, religion, and spirituality. He has written about them and also about 'Anavils' at length. Read all articles. ડૉ. ભરતચંદ્ર દેસાઈના ગુજરાતી લેખો વાંચવા અહીં ક્લિક કરો.

1 comment:

Thank you for your comment!