દક્ષિણ ગુજરાતના હળપતિઓનું લોકનૃત્ય “ઘેરીયા”

હૃદયવિણાને ઝણઝણાવીને વાત્સલ્ય, ઉત્સાહ અને કરુણભાવના સંમિશ્રણથી લોકબોલીની તાજગી, વેશભૂષા, તાલ-લય-ઢાળની એકાકારીતા(Harmony) ધરાવતું હળપતિઓની દ્વારા પ્રયોજતું લોકનૃત્ય તે ઘેરીયા.


તેની વિગતો સમજવા પહેલા હળપતિ સમાજનો પરિચય કેળવીએ.



ડૉ. પી.જી.શાહ, સ્વ.ડૉ. ઠાકોરભાઈ બી. નાયક, સ્વ.માધુભાઈ પટેલ ઉપરાંત હમણાં ડોક્ટર ઈશ્વરચંદ્ર એમ. દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર જી. દેસાઈ (C.A.) દ્વારા થયેલા સંશોધનનો લેખ આપણને જરૂરી વિગતો આપે છે. જેને ડૉ. ઈશ્વરચંદ્ર દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર દેસાઈએ “ઘેરીયા” નૃત્ય અને ગીતો પુસ્તક દ્વારા આપણી સમક્ષ ઠાલવી છે.

હળપતિ કોમના લોકોનું મૂળ વતન આફ્રિકાની પૂર્વ પટી મનાય છે. તેમના રક્તબીજ આફ્રિકાના નીગ્રો ને મળતા આવે છે તેમની શરીર રચના હોઠ, કપાળ આંખો કે રૂપરંગ નીગ્રો ને મળતા આવે છે. તેઓના મૂળ રાઠોડ રાજપૂત સમાજના છે ૧૯૪૯ માં વેડછીના જુગતરામ દવે એ તેમને હળપતિનું સર્વસ્વીકૃત નામ આપ્યું તે પહેલા તેઓ દુબળા તરીકે ઓળખાતા. દુબળા શબ્દ પરથી આવ્યો છે જેને અર્થ વળે નહીં તેવા, અફર જક્કી થાય છે. એમણે લીધેલ નિર્ણય બદલવો મુશ્કેલ. શરીર અને મનથી અવિકસિત કે અર્ધ વિકસિત હોવાથી પણ દુબળા સંબોધન અર્થસુચક છે. સાતેક લાખની વસ્તી ધરાવતા હળપતિ જંગલ, પર્વત કે દરિયાકિનારે વસતા નથી પરંતુ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના ફળદ્રુપ મેદાનમા જ રહે છે.

ઘેરીયો એટલે ઘેર બાંધીને લોકનૃત્ય કરતો હળપતિ.
૨૦ થી ૨૫ ના ટોળામાં લાક્ષણિક નૃત્ય ગાતા ગાતા કરનારુ નૃત્ય એટલે ઘેરિયા નૃત્ય.


ઘેરિયા લોકનૃત્યના આયોજન, પહેરવેશ અને ઘેરીયા નૃત્યના કલાકારો નું સંક્ષિપ્ત-મુદ્દાસર પરંતુ સંપૂર્ણ વર્ણન કરવાનો આ લેખનો મારો આશય છે. તે પહેલા ચાલો, લોકનૃત્યના ગીતો સમજીએ.



માનવજીવનના વિધવિધ પ્રસંગોની નૃત્યમય અભિવ્યક્તિ દર્શકોના ભાવ વિશ્વને આંદોલિત કરે છે તેમાં માનવ જન્મથી માંડીને મૃત્યુ પર્યંતના ગીતોનું નિર્દર્શન લોકભોગ્ય શૈલીમાં નિરૂપિત થવાથી નાટ્યાત્મક પ્રભાવ પેદા થાય છે.


ઘેરીયા દ્વારા ગવાતા ગીતો

“સામરેક મોરચા” કે “હાં રે હાં ભાઈ” શબ્દોની પૂનરુક્તિ કે પછી “ઘોડીએ ચયઢા ભીલા ભીલ” ની રમઝટ સાંભળીએ તો જ ઝમક આવે. દાંડિયાનો અવાજ, કમરે રણકતી ઘૂઘરમાળ, જોરથી બુટ પહેરેલા પગની જમીન પર થપાટ સાથે ઢોલ-મંજીરા અને ગાનનું મિશ્રણ માદક સમારંભ ન પેદા કરે તો જ નવાઈ!

પ્રવેશ સમયનું ગીત:

કિયાતે ઝાંપાને કેવી ઝાંપલી રે,
મગનભાઇના મોલ બતાવે રે

ઘેરીયાના પડાવ: વીરનું પરાક્રમ દર્શાવતું પ્રશસ્તિ કાવ્ય. ગરબામાં ઈતિહાસ.

લગ્નમાં ઘેરીયા ગીત:

ઘોડીએ ચડ્યા ભીલો ભીલ “હમરેક મોરચા”

હમરેખ= એય સાંભળે છે કે?
મોરચા= બાળક, બચ્ચા

પારણું: સંતાન પ્રાપ્તિ માટે, ખોળો ભરવા કે નાના બાળને ઝુલાવવાના ગીતો

“વાવલીએ વધ્યા રે ગોરી ના પેટ જો નવમે માસે જનમીયા બાળ ગોપાળજો”

માતાના ગરબા:

મા પાવા તે ગઢથી ઉતર્યા માં
માનો ગરબો રે રમતો રાજને દરબાર


વાસંતી ઘેર

નર્મદા જિલ્લામાં નાંદોદ, ઝઘડિયા અને નેત્રંગ વિભાગમાં સુરત-વલસાડ જિલ્લા જેવા જ નૃત્યો પુરુષ હળપતિઓ કરે છે પરંતુ, નાંદોદના દક્ષિણ ભાગે ડેડીયાપાડા અને બેડવાણ પંથકમાં સ્ત્રી પુરુષો સંયુક્ત ઘેર બનાવી પોતાની રસ રુચિ પ્રમાણે વસ્ત્રાલંકાર પહેરી એકબીજાની કેડે કે ખભે હાથ બાથ લઈને ભેરુ બાંધો કરીને વર્તુળાકારે સર્પાકારે કે અનિયમિત આકારોમાં ઘેર રમે છે. અહીં દાંડિયા નથી પણ પશુઓની માફક ઠેકડા મારી કે વિવિધ ચાળાઓમાં ઘેરીયા નૃત્ય કરે છે. આ નૃત્ય હોળી દરમિયાન ભજવાય છે.

ઘેરીયા

દક્ષિણ ગુજરાતનાં હળપતિઓ દ્વારા યોજાતા ઘેરીયા નૃત્યમાં થતી ઘેરમા જોડાવાની શરતો:
  • એક માસનું બ્રહ્મચર્ય
  • માંસ-મદિરા ત્યાગ
  • સંયમિત આચાર સંહિતા
  • માતૃભક્તિ માતૃશક્તિની આરાધના
  • “હા રે હા”નું કોરસ, ઘુઘરાનો રણકાર, પુરુષ દ્વારા સ્ત્રીનો પહેરવેશ
  • બધાનું મિશ્રણ ધરાવતું, માતાની આરાધના માટે દક્ષિણ ગુજરાતના હળપતિઓની ભક્તિનૃત્ય ધરાવતું આદિવાસી નૃત્ય


આયોજન

  • ઘેર બાંધવાનો હળપતિ કોમ દ્વારા નિર્ણય
  • ૨૦-૨૫ ઘેરીયાઓની પસંદગી
  • નૃત્યના વિવિધ પ્રકારના પાત્રોની વરણી
  • એક મહિના માતાજી આરાધના-બ્રહ્મચર્ય-માંસાહાર-મદિરા ત્યાગ અને પ્રેક્ટિસ

લોકવાયકા

ઘણી બધી વાયકાઓ છે તેમાંથી બે:
  1. લીલારાણી નામની રાણીને યુવાન રાઠોડે લગ્ન કરવાનો ઇનકાર કર્યો. રાણીએ તેને પામવા ઉગ્ર તપ કર્યું. તુળજા ભવાની માતાએ રાણીને પ્રસન્ન થઈ ને ઘેરીયા રાસના વેશમાં સજ્જ થઈને રક્ષણ બક્ષ્યુ હતું. આ ઘેરીયા રાસની યાદ માં ઘેરીયા રાસ રમાય છે.
  2. પાવાગઢના ચાંપાનેર પર મુસ્લિમોએ આક્રમણ કરીને લોકોનું ધર્માંતરણ કરાવતા ધર્માંતરણથી બચવા રાઠોડ પાવૈયાનો વેશ ધારણ કરી ઘેરીયા નૃત્ય કરતા છટકી ગયા. ત્યારથી ઘેરીયા નૃત્ય પરંપરા ચાલુ થઈ.




પહેરવેશ

અર્ધનારી વેશ: ઘેરીયા નૃત્યમાં વેશમાં મહિલાઓનો વેશ અને શૈલી પુરુષોનો એવું સંયોજન હોય છે.
  1. ત્રણ સાડીનો વેશ: એક સાડી માથા ઉપર ફેંટારૂપે, બીજી સાડી કમરના ઉપરના ભાગે કબજાની ઉપર વાળીને ખભા ઉપર બાંધેલા હોય છે ત્રીજી સાડી કમરની નીચે ડબલ ફાડના ધોતિયાની શૈલીથી પહેરાય છે.
  2. શણગાર: કંઠમાં મણકા અને મોતીની ગળામાં ગલગોટાનો હાર, પગમાં બૂટ-મોજા, કમરે ઘૂઘરા , કેડે કંદોરો, આંખે કાજળ, પગમાં ઝાંઝર, કાનમાં લટકણીયા, હોઠે લાલી ઉપરાંત ગોગલ્સ. એક હાથમાં મોરપીંછ નો ઝૂડો- બીજા હાથમાં દાંડીયો




ઘેરીયા કલાકારો
  • ઘેરીયો:  એક હાથમાં બાવળ કે શીસમનો દાંડીયો અને બીજા હાથે મોરપીંછનો ઝૂડો- રમત રમનાર અને નૃત્ય કરનાર.
  • કવિયો: વેશ પુરુષનો (ઘેર મંડળીના નેતા): ખમીસ, બંડી કે કોટ, માથે સાફો કે ફેટો. એક હાથમાં મોરપીંછ નો જુડો બીજા હાથમાં છત્રી.
  • પ્રસંગ પ્રમાણે ગીત ગવડાવનાર કવિયો ઘેરીયાઓને રમાડે તે નાયક-માર્ગદર્શક.
  • ગભાણીયો: ઘેરીયાઓને સાજ-સજ્જ કરી તૈયાર કરનાર.
  • વાધ્યવાદકો: થાળી વાળો, મંજીરા વાળો, ખંજરી વાળો અને તબલચી કે ઢોલક વાળો
  • બગલી વાળો: લાંબી લાકડીવાળો- લાકડીના ઉપરના છેડે ખમીશ કે બંડી રૂપે ડગલી લટકાવીને વસ્ત્રદાન માંગે છે. બગલીવાળો ઘેરને નજર લગતા રોકે છે.
  • ઘોડી વાળો: જોકર: લોકોનું મનોરંજન કરનાર લાકડી ઉપર લાકડાના ઘોડાનું માથું લઈને ઘોડેસવારી કરતો હોય તેમ ઘેરની ફરતે ફરી લોકોને હસાવનાર.
  • તરકટિયો: તરકટ કરીને લોકોને હસાવનાર
  • કાળી બિલાડી બનેલ ઘેરીયો: બિલાડી નો વેશ, શરીર ઉપર કાળો રંગ ચોપડીને પાછળ પૂંછડી લગાવી બિલાડી બનનાર ઘરમાં જઈને ભૂત પ્રેત ઘરમાંથી ભગાવનારી પરંપરા નિભાવે છે.


આમ માતાની આરાધના સાથે લોકોનું મનોરંજન કરાવતું દક્ષિણ ગુજરાતના હળપતિઓ દ્વારા કરાતું લોકનૃત્ય તે ઘેરીયા. આ જોઈને જનસમૂહ મુગ્ધભાવે એ રસમાં તરબોળ થઈ જતો જોવા મળે છે.





સંદર્ભ:
  1. પુસ્તક: ઘેરીયા નૃત્ય અને ગીતો: પ્રિ. ડૉ. ઈશ્વરચંદ્ર દેસાઈ
  2. લેખ: ગુજરાત ૨૦૭૯ પેજ:૭૪ : ઘેરીયા: અજય મો. નાયક, પત્રકાર
  3. અશોકભાઇ પટેલ, પત્રકાર, ગણદેવી

ડૉ. ભરતચંદ્ર એમ. દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
૧૮/૧૧/૨૦૨૩

An ophthalmologist by qualification and profession, Dr. Bharatchandra Desai loves reading about history, religion, and spirituality. He has written about them and also about 'Anavils' at length. Read all articles. ડૉ. ભરતચંદ્ર દેસાઈના ગુજરાતી લેખો વાંચવા અહીં ક્લિક કરો.

0 comments:

Thank you for your comment!