અનાવિલ જ્ઞાતિ

અનાવિલ જ્ઞાતિ - લેખક સુરેશભાઈ દેસાઈની નજરે  

સંસ્કૃતના એક સુભાષિતમાં કહેવાયું છે કે સજજનો, માણસના દુર્ગુણો જોવાને બદલે એના સદ્દ્ગુણો જ જૂએ છે, જ્યારે દુર્જનો, માણસમાં રહેલા સદ્દ્ગુણો જોવાને બદલે એના દુર્ગુણોને જ જૂએ છે, જો કે માત્ર દુર્ગુણો ભર્યા હોય એવી વ્યક્તિને જોવા માટે સજજનોનો માપદંડ કેવો હોય છે એનો આ સુભાષિતમાં ઉલ્લેખ નથી. ખેર, માત્ર દોષો જોતાં દુર્જન કહેવડાવવાનું જોખમ વહોરીને અસંખ્ય અવગુણોથી ભરેલી મારી અનાવિલ જ્ઞાતિ વિષે મારે થોડી વાત કહેવી છે.

અનાવિલ આખાબોલા હોય છે. એની દ્રષ્ટિ ટૂંકી હોય છે. સામેની વ્યક્તિને વ્યથા પહોંચાડતા એ ખચકાતો નથી. આખાબોલાપણું એ કદાચ વિચારદુર્બળતા કે વિચારશૂન્યતાની બહુ નજીકની માનસિક પરિસ્થિતી છે. આ દ્રષ્ટિએ જોઈએ તો આખાબોલા કહેવડાવવું એ અનાવિલોની વિચારદુર્બળતા ઉપર ઢાંકપિછોડો છે. અનાવિલો પોતાને ટેકીલી પ્રજા તરીકે ઓળખાવે છે. અનાવિલોનું ટેકીલાપણું એ બહુધા એનું મિથ્યાભિમાન છે, હું એટલે કોણ ? મારું ખાનદાન કેવું છે! હું ભૂખ્યો મરી જાઉં પણ મારા સ્ટેટસને યોગ્ય નહીં હોય એવું કામ હું નહીં કરું! આવું છે અનાવિલોનું ટેકીલાપણું. આ મિથ્યાભિમાનને લીધે અનેક અનાવિલોને મેં ખુવાર થતાં જોયા છે. પોતે અનાવિલ છે, પોતાનું ખાનદાન ઘણું ઊંચું છે, અનાવિલ હોવાને લીધે પોતે અમુક કામ કે અમુક ધંધો નહીં કરી શકે એવી માન્યતાઓને લીધે અનેક અનાવિલ કુટુંબો બિલકુલ તારાજ થતાં મે જોયા છે.

હું પોતે અનાવિલ હોવા છતાં, ગુજરાતની જુદીજુદી જ્ઞાતિઓમાં અનાવિલો સૌથી કનિષ્ઠ જ્ઞાતિ હોવા અંગે મારા મનમાં બિલકુલ શંકા નથી. આળસ એ અનાવિલ પ્રજાનું મોટામાં મોટું અપલક્ષણ છે. એક જમાનામાં નેવું ટકા અનાવિલોનો વ્યવસાય ખેતી હતો. ખેતીને વ્યવસાય તરીકે અપનાવ્યો હોવા છતાં નવીન પ્રયોગો કરીને ખેતીમાંથી સમૃદ્ધ થવાનું અનાવિલોએ કદી વિચાર્યું જ નહીં. ખેતમજૂરોને ભરોસે એણે ખેતીને રેઢી મુકી દીધી. કુદરત ઉપર આધારિત કેરી અને ડાંગર જેવા પાકો ઉપર મદાર બાંધ્યા સિવાય એને કશું આવડ્યું જ નહીં. આર્થિક સંકડામણ ઊભી થતાં જમીનનો નાનો મોટો ટુકડો વેચીને ગાડું ગબડાવવાની દાનત અનાવિલોની પડતી થવાનું મુખ્ય કારણ બની રહી.

અનાવિલોની અદેખાઈ પણ ભારે ભૂંડી. પોતાના જ્ઞાતિબંધુનું સુખ એનાથી દેખ્યું ના જાય. એની એ બદબોઈ કરવા માંડે. એનાથી કોઈ જ્ઞાતિબંધુ ચઢિયાતો હોય તો એ એની સમકક્ષ થવાનું વિચારવાને બદલે એમ વિચારે કે એ નીચો પાડીને પોતાના જેવો દરિદ્ર બની રહેવો જોઈએ. અનાવિલ બીજી જ્ઞાતીના હોંશિયાર માણસની ભારોભાર પ્રશંસા કરે પણ પોતાના જ્ઞાતિબંધુની હોંશિયારીની એ લવારે ચઢેલા માણસની જેમ ટીકા કરે. પૈસાપાત્ર અનાવિલમાં ગરીબ અનાવિલને મદદ કરવાની ભાવના બિલકુલ જોવાની મળે નહીં. અનાવિલ પૈસાદાર થાય એટલે એનું સ્ટેટસ અને એનો ક્લાસ બદલાય જાય. બીજા અનાવિલોને એ તુચ્છ સમજે, આમ છતાં અનાવિલો સાથે એ સંબંધો જાળવી જ રાખે. આ સંબંધ જાળવી રાખવવાનું કારણ એટલું જ કે પોતાની જાહોજલાલી, પોતાનો દોરદમામ એ પોતાના જાતિભાઈઓને બતાવી શકે. અનાવિલ પાસે થોડા પૈસા આવે એટલે એને ટ્રસ્ટ રચવાનો ઉત્સાહ જાગે. એ ગરીબ અનાવિલ વિદ્યાર્થીઓ માટે, વિધવાઓ માટે મેડિકલ રાહત માટે ટ્રસ્ટ રચી નાંખે, પણ આ ટ્રસ્ટમાંથી વર્ષ દરમ્યાન ભાગ્યે જ એકાદ અનાવિલને મદદ થઈ હોય. બસ, ટ્રસ્ટ રચ્યું એટલે પોતે જ્ઞાતિ માટે કાઈંક કર્યું છે એવા આત્મસંતોષમાં એ રચ્યા કરે.

ગરીબ માબાપની દેખાવડી, સંસ્કારી, સુશિક્ષિત છોકરીને વહુ તરીકે સ્વીકારતા અનાવિલ યુવાનના માબાપના અહમને ઠેસ પહોંચતી મેં જોઈ છે. માબાપને એવું લાગે કે આ અમારા વેવાઈ-વેવાણ છે એવો પરિચય કરાવવાનું થાય, કોઈવાર કોઈ મિત્ર કે સંબંધીને લઈને વેવાઈને ઘરે જવાનું થાય તો એની સ્થિતિ જોઈને પોતાનું સ્ટેટસ નીચું પડી જશે, પોતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે. અનાવિલ વેવાઈ તરીકે પોતાના બરોબરિયાને શોધે. આ બરોબરિયાની શોધમાં સારી, સંસ્કારી ગરીબ છોકરીનુ મૂલ્ય આંકવામાં ના આવે. એને ગણતરીમાં લેવાય જ નહીં. ગરીબના ઘરનું માંગુ આવ્યું હોય તો સ્થિતિપાત્ર અનાવિલ માબાપનો પ્રતિસાદ એટલો ઠંડો હોય કે અમારે ત્યાં માંગુ નાખવાની તમે હિંમત જ કેમ કરી એટલું કહેવાનું જ બાકી રહે.

હું આટ અને આમરી રહ્યો એ દરમ્યાન અનાવિલના મનોવ્યવહારને બહુ નજીકથી જાણી શક્યો. અનાવિલોથી દૂર, નંદરબાર અને નવાપુરમાં હું રહ્યો ના હોત અને અનાવિલોની વચ્ચે મારો ઉછેર થયો હોત તો અનાવિલોની તુચ્છ મનોવૃત્તિઓ મારા ધ્યાનમાં આટલી સ્પષ્ટ રીતે આવી ના હોત. આટમાં એ વખતે વસતા ચાલીસ જેટલા અનાવિલોની સ્થિતિ મધ્યમ હતી. આ ચાળીસેય કુટુંબનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. ઘણા ખરાં કુટુંબો જેમતેમ ગુજરાન કરતાં હતાં અને કેટલાક તો મારા આજાબાપાની જેમ જમીનના ટુકડા વેચીને ગાડું ગબડાવતા હતા. ગામના અનાવિલોમાં શિક્ષણનું પ્રમાણ ઠીકઠીક હતું અને શિક્ષિત હોવા છતાં અનાવિલોના આ ચાળીસ કુટુંબો વચ્ચે કોને કોઈ પ્રકારનો ગજગ્રાહ ચાલતો રહેતો. શિક્ષિત અનાવિલો પણ બીજા અનાવિલની ઈર્ષા અને અદેખાઈ કરવામાંથી બાકાત રહેતા નહીં. દીકરા કે દીકરીના વિવાહ થાય તો સૌ રાજીપો કરવા જતાં ખરા પણ એમાં ય કેવું ઠેકાણું મળ્યું છે એ જાણવાની અને જાણીને કૂથલી કરવાની ભાવનાનું જ પ્રાધાન્ય રહેતું. ની:સહાય, દુ:ખી અને આર્થિક રીતે પીડાતા અનાવિલ સાથે કોઈ ગાઢ સંબંધ રાખતું નથી. આ અનાવિલ સ્થિતિપાત્ર છે એટલે મારે પાસે પૈસા માંગવા આવવાનો નથી એવી ગણતરીથી સંબંધ રાખવામાં આવતો અને પૈસાની તકલીફવાળા અનાવિલથી દૂર રહેવાનું જ પસંદ થતું. આટના અનાવિલોને પણ સુફિયાણી સલાહ આપવાનું વ્યસન હતું. દરેક અનાવિલ બીજા અનાવિલને સલાહ આપતો રહેતો. હું આટ રહ્યો એ દરમ્યાન કોઈ અનાવિલે જમીન ખરીદી એવું ભયે જ સાંભળેલું. જમીન વેચી એવું હું અવારનાવાર સાંભળતો. અનાવિલો મુખ્યત્વે ડાંગર પકવતા. ખપ પૂરતી ડાંગર રાખીને બાકીની ડાંગર વેચીને એમાંથી વરસ પૂર કરવાનો વારો આવતો. શિયાળામાં વાલની કે મગની ખેતી થતી. વાલ કે મગની ખેતીમાં ઝાઝી મહેનત કરવાની રહેતી નહીં એટલે જ આ પાકને પ્રાધાન્ય આપવામાં આવતું. મોટાભાગના અનાવિલોના ઘરમાં અઠવાડિયામાં ચ દિવસ સાંજે માગ, મગની દાળ કે વાલ કે વાલની દાળનું જ શાક થતું મે જોયું છે. બપોરે જમીને ઊંઘી જવું અને સાંજે ઓટલા ઉપર બેસીને આખી દુનિયાની ફિકર કરવી એ અનાવિલોનું સામૂહિક લક્ષણ છે. અનાવિલ જેવી આરામપરસ્ત (આળસુ!) જ્ઞાતિ બીજી કોઈ નથી. બડાસ મારવી એ અનાવિલ જ્ઞાતિનું સર્વસામાન્ય અપલક્ષણ છે. પાંચસો રૂપિયા હોય તો પચ્ચીસો રૂપિયાનો ખર્ચ કરીને દેવાદાર બનવાના સંસ્કાર તો અનાવિલોને ગળથૂથીમાં જ મળતા હોય છે.

અનાવિલો સમગ્ર જ્ઞાતિ માટે ભાગ્યે જ વિચારે છે અને આ બાબતને લીધે સમગ્ર જ્ઞાતિ સતત અધોગતિ પામતી રહી છે. પાંચ દશ માણસો કોઈ રચનાત્મક કાર્ય માટે ભેગા થાય ત્યાં પણ વ્યક્તિગત મહત્વાકાંક્ષા અને પદલાલસા એટલી તીવ્ર હોય છે કે કામમાં રહેલું રચનાત્મક પાસું બાજુ પર રહી જાય છે ને હુંસાતુંસી અને નામના મેળવવાની લાલસા જ મુખ્ય ધ્યેય બની રહે છે. જક્કી, જિદ્દી, બડાઈખોર, મિથ્યાભિમાની, સ્વકેન્દ્રી અને આળસુ અનાવિલ જ્ઞાતિનો આર્થિક અને સામાજિક ક્ષય અત્યારે તો નિશ્ચિત જ જણાય છે. દુર્ભાગ્યની વાત તો એ છે કે અનાવિલ જ્ઞાતિનું આ રીતે સામુહિક નિકંદન થઈ રહ્યું છે, ત્યારે કૌરવો તો અનેક છે પરંતુ ભીષ્મ જેવી મનોવ્યથા અનુભવવાવાળું કોઈ નથી.



લેખક: શ્રી સુરેશભાઈ દેસાઈ
“પ્રિયમિત્ર”
નવસારી
આત્મકથા "આગિયાનું અજવાળું" પુસ્તકમાં પ્રકરણ: ૧૫ (૨૦૦૩)           

Post a Comment

5 Comments

  1. અનાવિલ જ્ઞાતિ નું સચોટ વિશ્ર્લેષણ.
    અમુક વાતો તો અમુક લોકોને બંધબેસતી પાઘડી સમાન.વાલ આને મગની ખેતીનું રહસ્ય હસાવી ગયું.એકંદરે દુ:ખદ લાગણી નો એહસાસ .હા, આખરે સત્યને એક લાશની જેમ તરી આવવાની ટેવ છે.
    હું, પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આ બાબતો નો સાક્ષી છું ને તેથી આપના અવલોકનો સાથે સંપૂર્ણ પણે સહમત છું.આભાર.

    ReplyDelete
    Replies
    1. Thanks for reading and replying . Every opinion matters.

      Delete
  2. નમસ્તે સુરેશભાઇ ,
    સૂક્ષ્મ નિરીક્ષણ બાદ બધા જ દોષો ને આવરી લેતો લેખ. દોષો ને દુર કરવાનું પ્રથમ પગલું દોષો ને ઓળખવા જે તમે સરસ રીતે આલેખ્યું . મારું વતન વાપી એટલે કે પારડી તાલુકો .નાનપણ થી વિચાર આવે કે પારડી તાલુકા ના અનાવિલ શેષ સમાજ થી અળગો કેમ અને ક્યારે થઈ ગયો ?
    પારડી તાલુકા ના મુંબઈ માં રહેતા અનાવિલસમાજે ભણતર નું મહત્વ સમજી ને બાળકો ને શિક્ષણ માં સહાયક થવા માટે એક મંડળ બનાવેલું. આજે આ મંડળ કોલેજ ના મોંઘા અભ્યાસક્રમ માટે વિદ્યાર્થી ને વગર વ્યાજે લોન પૂરી પાડે છે જે વિદ્યાર્થીએ અભ્યાસ પૂરો થયા બાદ નોકરી મળે એટલે ચૂકવવા ની હોય છે. એક પણ વ્યક્તિ લોન ભરપાઈ કરવામાં ડીફોલ્ટ નથી થતી. હવે તો વિદેશ માં અભ્યાસ કરવા જનાર ને પણ લોન આપવા માં આવે છે. ફી ના અભાવે કોઈ એ અભ્યાસ છોડવો પડે એવું નથી બનતું .

    ReplyDelete
  3. અનાવિલ બ્રાહ્મણો અનાવલમાં રહેવા પહેલા ક્યાંથી આવેલા? તેઓ કાશ્મીરી પંડિત ના વંશ છે કે?

    ReplyDelete
  4. અનાવિલો વિશેનું લખાણ ખુબ સચોટ. હવે અનાવિલોએ અહમ અને આળસ નેવે મૂકી પોતાની જ્ઞાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા એકત્ર થવું પડશે

    ReplyDelete

Thank you for your comment!