આર્ય સમાજ અને હિંદુત્વ – એક અભ્યાસ

હિંદુત્વ - સનાતન ધર્મ - ભારતીય સંસ્કૃતિ જેવા ભારેખમ શબ્દોથી પ્રભાવિત વર્તમાન ભારતમાં ધર્મ-ધાર્મિકતા અને જીવનનો હેતુ જેવા વિષયો તદ્દન અસ્પષ્ટ છે. ત્યારે મેં ‘આર્યસમાજ’ નો સહારો લીધો. તે વિષયના પુસ્તકો વાંચ્યા-સમજ્યો-ફરીથી વાંચ્યા અને અહીં કઈંક સમજાય એવી સરળ વાતોની નોંધ બનાવી. ચાલો, વિગતો જાણીએ.

પુસ્તકો
  1. મહર્ષિ દયાનંદ સરસ્વતી – લે. સ્વામી સચ્ચિદાનંદ (૨૦૧૩) 
  2. સ્વામી દયાનંદ – શ્રી નાથુભાઈ ડોડિયા (૨૦૨૦) 
  3. સત્યાર્થ – પ્રકાશક: મહર્ષિ દયાનંદ સરસ્વતી રચિત સત્યાર્થ પ્રકાશક ના અંશો – સંપાદક અને અનુવાદક ભાવેશ મેરજા (૨૦૧૮) 
  4. કુમાર સત્યાર્થ પ્રકાશ (બાળકો માટે સત્યાર્થ પ્રકાશની સમજૂતી) પ્રયોજક વલ્લભદાસ રત્નસિંહ મહેતા (૧૯૩૫) અને 
  5. વેદાર્થ – ભૂમિકા: સ્વામી વિદ્યાનંદ સરસ્વતી (૨૦૧૩) 

હવે, આ વિષય ઉપર ખૂબ ગહન વિચારણા માંગે એવો હોવા છતાં, વેદો – આર્યસમાજ – આધ્યાત્મ એવા ભારે ભરખમ શબ્દોથી, જરાપણ ગુંચવણ વગર, સરળ રીતે કહેવાનો હું પ્રયત્ન કરું છું.

કહે છે ને- આકાશ અનંત છે, તેનો પાર ગરુડ પણ પામી શકતું નથી. છતાં સામર્થ્ય અનુસાર ઉડાન ભરી લે છે અને જુએ છે. બસ આ જ ન્યાયથી મારાથી જેટલું અને જેવુ બની શક્યું છે એટલું પ્રસ્તુત કરવાનું સાહસ મેં કર્યું છે. ધીરજપૂર્વક પહેલાં ખાલી ઝડપથી જોઈ જશો તોપણ વાંચવાની ઉત્કંઠા જાગશે જ એવી મને ખાત્રી છે.

ચાલો, ઈશ્વર એટલે શું?

ઈશ્વર - ભગવાન

સ્વામી મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના વેદ દ્વારા આર્યાવર્તની ભવ્યતા સમજાવવા કરી છે. ચાર વેદો-ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદના જ્ઞાનને સર્વ સંસારનો આધાર માન્યો છે. તેઓ કહે છે પ્રાણીઓ અને મનુષ્યોમાં ખાવું, પીવું, સૂવું, ઊઠવું જેવા જ્ઞાન કોઈના પણ શિખવ્યા વગર મળે છે તે સ્વાભાવિક છે. પરંતુ ભગવાને મનુષ્યને (અગ્નિ દ્વારા ઋગ્વેદ, વાયુ દ્વારા યજુર્વેદ, સૂર્ય દ્વારા સામવેદ અને અંગીરા દ્વારા અર્થવેદ પ્રગટાવી) વિદ્યા અને સુશિક્ષા આપી વિદ્વાન બનાવ્યો.

આ ઈશ્વર એટલે શું?
  • ઈશ્વર દિવ્ય ગુણ-કર્મ-સ્વભાવવાળો અને વિદ્યાયુક્ત છે. 
  • ઈશ્વરમાં પૃથ્વી-સૂર્ય અને આકાશ સમાવિષ્ઠ છે. 
  • ઈશ્વર નથી જન્મ લેતો કે નથી મૃત્યુ પામતો. 
  • ઈશ્વર સર્વ શક્તિમાન, સર્વ અંતર્યામી અને જગતસ્વામી છે. 
  • ઈશ્વર વેદોનો પ્રકાશક, ન્યાયકારી, ન્યાયાધીશ, કર્મફળદાતા, નિરાકાર, દયાળુ અને સુખ સ્વરૂપ છે. 
  • ઈશ્વર સર્વ જગતની ઉત્પતિ, સ્થિતિ અને પ્રલયનો અધિષ્ઠાતા છે. 
  • ખરાબ કર્મો કરવા સમયે ભય, શંકા, અને લજ્જા થાય છે. તેવી રીતે શુભ કર્મો કરતાં અભય, નિશાંકતા અને આનંદ ઉત્સાહ ઉત્પન થાય છે, તે પરમાત્મા દ્વારા થાય છે. 
ચાલો બીજી રીતે સમજીએ.
  • ઈશ્વર નિરાકાર છે. (અકાય – જેનો દેહ નથી) 
  • ઈશ્વર સર્વશક્તિમાન છે. (સૃષ્ટિની ઉત્પતિ-પ્રલય-નાશ કરવા સામર્થ્યવાન છે.) 
  • ઈશ્વર પાપની ક્ષમા નથી કરતો. ઈશ્વરનું કાર્ય સર્વ કર્મોનું યથાવત ફળ આપવાનું છે. અપરાધ અનુસાર દંડ આપવો તેનું નામ ન્યાય છે. અપરાધી લૂંટારાને છોડી દેવો, એ હજારો ધર્માત્માને દુ:ખ દેવા જેવુ છે. લૂંટારા પર દયા એ જ કે તેને જેલમાં રાખીને પાપ કરતો બચાવવો. 
ઈશ્વર અને જીવ
  • બન્ને ચૈતન્ય સ્વરૂપ છે. 
  • બન્ને અવિનાશી છે. 
  • બન્નેનો સ્વભાવ પવિત્ર છે. 
સૃષ્ટિની ઉત્પતિ, સ્થિતિ અને પ્રલય કરવો વિગેરેથી સમસ્ત બ્રમાંડ ને નિયમમાં રાખવું સાથે જીવોને પાપ-પુણ્યનું ફળ આપવું ઈશ્વરનું ધર્મયુક્ત કાર્ય છે. સંતાનોત્પત્તિ અને તેમનું પાલન-પોષણ આદિ જગતના વ્યવહારો સાચવવા એ જીવનું કાર્ય છે.

ઈશ્વરની સ્તુતિ-પ્રાર્થના-કે ઉપાસના

હે ઈશ્વર, તું શુદ્ધ છે, સર્વજ્ઞ છે, અંતર્યામી છે, સનાતન છે, સ્વયં શિદ્ધ છે, એમાં ઈશ્વરના ગુણોનું વર્ણન હોવાથી સગુણ કહેવાય છે.

હે ઈશ્વર, તું શરીરરહિત છે, મૃત્યુરહિત છે, પાપરહિત છે, આકારરહિત છે આમ ઈશ્વરને ગુણ-કર્મ અને આકાર રહિત માનતા હોવાથી તેને નિર્ગુણ કહે છે.

ઉપાસનાનો પ્રારંભ પાંચ યમ અને પાંચ નિયમથી થાય છે.

પાંચ યમ
  1. અહિંસા-કોઈથી વેર ન રાખવું. સૌથી પ્રીતિ રાખવી. 
  2. સત્ય-સાચું બોલવું. મિથ્યા ભાષણ કરવું નહીં. 
  3. અસત્ય - ચોરી ન કરવી. 
  4. બ્રહ્મચર્ય-જીતેન્દ્રિય થવું. વિષયી ન થવું. 
  5. અપરિગ્રહ-વસ્તુઓ ન સ્વીકારવું. 
પાંચ નિયમ
  1. શૌચ-શરીર ને પવિત્ર બનાવવું. 
  2. સંતોષ
  3. તપ-આળસત્યાગી પુરુષાર્થ કરવું. 
  4. સ્વાધ્યાય-વેદ ભણવા-ભણાવવા 
  5. ઈશ્વર પ્રણિધાન-પોતાની જાતને ઈશ્વરી આજ્ઞા અનુસાર સમર્પિત કરવી. 
શ્રાદ્ધ અને તર્પણ

શ્રદ્ધાપૂર્વક સત્યનું ગ્રહણ કરવું તે શ્રાદ્ધ. જે કર્મથી માતાપિતા અને પિતરો પ્રસન્ન થાય તે તર્પણ. જીવિત વિદ્યામાન માતાપિતા માટે જ શ્રાદ્ધ અને તર્પણ છે-તેઓ પ્રસન્ન થાય અને આનંદમાં રહે તેવી સેવા એટલે તર્પણ.

પૂજા અને મૂર્તિપૂજા

પાંચ ચેતન મૂર્તિઓની પૂજા આપણે નિત્ય કરવી જોઈએ.
  1. માતા : દ્ર્શ્યમાન મુર્તિમા સાક્ષાત પૂજનીય દેવતા એટલે માતા. સંતાનોએ તન-મન-ધનથી સેવા કરીને માતાને પ્રસન્ન રાખવી જોઈએ. માતા સાથે ક્યારેય હિંસા-મારપીટ-ધાકધમકી નો વર્તાવ કરવો ન જોઈએ. તેને લેશમાત્ર દુ:ખ ન પડે તે જોઈ પ્રસન્ન રાખવું જોઈએ. 
  2. પિતા : સત્કર્મ દેવ-બીજો દેવતા પિતા છે. એટલે કે પિતાની સેવા કરવી એ આપણું કર્તવ્ય છે. 
  3. આચાર્ય : જેણે તમને વિદ્યા આદીનું શિક્ષણ આપીને યોગ્ય બનાવ્યા-તે પૂજનીય છે. 
  4. અતિથિ : આવવાની તિથી નિશ્ચિત ન હોય અને અચાનક આવી ચડે એવા ધર્માત્મા, પરોપકારી અને વિદ્વાન મહાત્માની યથાયોગ્ય સેવા કરવી. 
  5. પતિ માટે પત્ની અને પત્ની માટે પતિ એ બન્ને એકબીજા માટે દેવતા છે - પૂજનીય છે. 
આમ, આ પાંચેય સાક્ષાત મૂર્તિમાન દેવ છે. જેમના સંગથી મનુષ્ય દેહની ઉત્પતિ, પાલન, શિક્ષા અને સત્યોપદેશની પ્રાપ્તિ થાય છે. પરમેશ્વરને પ્રાપ્ત કરવાની આ જ સીડીઓ છે. જે લોકો આ દેવતાઓની પૂજા અને સેવા છોડીને પત્થર વગેરેની મુર્તિ પૂજે છે, તેઓ અત્યંત પામર અને નરકગામી છે.

મૂર્તિપૂજા

પરમેશ્વર નિરાકાર-શરીર ધારણથી રહિત-સર્વવ્યાપક છે. તેથી તેની મુર્તિ બનાવવું શક્ય જ નથી. પરંતુ મૂર્તિપૂજાનું પાખંડ જૈનોએ શરૂ કર્યું. જૈનોએ નગ્ન ધ્યાનાવસ્થિત અને વીરક્ત મનુષ્ય જેવી મુર્તિ બનાવી, તો વૈષ્ણવોએ શૃંગારિત, સ્ત્રી સહિત ઊભી અને બેઠેલી મૂર્તિઓ બનાવી.

ભાવ વિભોર થઈને મૂર્તિપૂજા કરવાથી પરમાત્મા પ્રસન્ન થઈને ઇચ્છાપૂર્તિ કરતાં હોય તો-દુ:ખ કેમ પ્રાપ્ત થાય છે-જે વસ્તુ જેવી હોય તેવી જ માનવી તેનું નામ ભાવના છે-જેમકે અગ્નિમાં અગ્નિ અને પાણીમાં પાણી જાણવું એ ભાવના છે. જ્યારે પાણીમાં અગ્નિ અને અગ્નિમાં પાણી જાણવું એ અભાવના છે-અજ્ઞાન છે.

જો મંત્રો ભણીને આહવાન કરવાથી દેવતા આવી પહોંચતા હોય તો, મુર્તિ ચેતન કેમ નથી થઈ જતી. વિસર્જન કરવાથી દેવતા ચાલ્યા જતાં હોય તો, ક્યાં જાય છે. જો મંત્રના બળથી ભગવાન આવતા હોય તો, એ મંત્રથી મૃત પુત્રના શરીરમાં જીવાત્માનું વિસર્જન કરી મરી કેમ નથી શકતા ? હકીકતમાં, વેદોમાં મૂર્તિપૂજા કે પામેશ્વરના આવાહન-વિસર્જનની કોઈ વાત નથી.
  • મૂર્તિપૂજાને કારણે મંદિરો પાછળ કરોડો રૂપિયાનો વ્યય કરવામાં આવે છે. આથી ગરીબાઈ ઉત્પન્ન થાય છે. 
  • મંદિરોમાં ઠઠ્ઠા મશ્કરી ચાલવાથી વ્યભિચાર વધે છે. 
  • જડના સંગથી બુદ્ધિ પણ જડ બની જાય છે. 
  • ભક્તો ફક્ત મૂર્તિપૂજાને જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું સાધન માની લઈ, પુરુષાર્થ રહિત થઈને મનુષ્ય જન્મ વ્યર્થ ગુમાવે છે. 
  • પૂજારી પૂજા એટલે સત્કર્મ અને અરિ એટલે શત્રુ પૂજારી એટલે સત્કર્મના શત્રુ. 
  • પરમાત્માના નામે એક પત્થરની મૂર્તિની સ્થાપના કરવી એ ઈશ્વરનું અપમાન કરવા બરાબર છે. 

આર્યસમાજના દસ નિયમો / આદેશો

(મહર્ષિ દયાનંદ સરસ્વતી)
  1. સર્વ સત્યવિદ્યા અને જે પદાર્થ વિદ્યાથી જાણવામાં આવે છે. તે સર્વેનું આદીમુલ પરમેશ્વર છે. 
  2. ઈશ્વર સચ્ચિદાનંદ સ્વરૂપ, નિરાકાર, સર્વશક્તિમાન, ન્યાયકારી, દયાળુ, અજન્મા, અનંત, નિર્વિકાર, અનાદિ, અનુપમ, સર્વોધાર, સર્વેશ્વર, સર્વવ્યાપક, અજર, અમર, અભય, સર્વોથામી, નિત્ય, પવિત્ર અને સૃષ્ટિકર્તા છે. તે એની જ ઉપાસના કરવી યોગ્ય છે. 
  3. વેદ : વેદ સત્ય વિદ્યાઓનું પુસ્તક છે. વેદ ભણવા-ભણાવવા + સાંભળવા-સંભળાવવા એ સર્વ આર્યોનો પરમ ધર્મ છે. 
  4. સત્ય ગ્રહણ કરવામાં અને અસત્ય છોડવામાં સર્વદા ઉદ્ધત રહેવું જોઈએ. 
  5. સર્વકાર્યો ધર્માનુસાર અર્થાત સત્ય અને અસત્યનો વિચાર કરીને કરવું જોઈએ. 
  6. સંસારનો ઉપકાર કરવો (અર્થાત શારીરિક, આધ્યાત્મિક અને સામાજિક ઉન્નતિ કરવી) એ આર્યસમાજનો મુખ્ય ઉદ્દેશ છે. 
  7. સર્વ સાથે પ્રીતિપૂર્વક, ધર્માનુસાર યથાયોગ્ય વર્તવું જોઈએ. 
  8. અવિદ્યાનો નાશ અને વિદ્યાની વૃદ્ધિ કરવી જોઈએ. 
  9. પ્રત્યેકે પોતાની ઉન્નતિથી સંતુષ્ટ ન રહેવું જોઈએ, કિન્તુ સર્વેની ઉન્નતિમાં પોતાની ઉન્નતિ સમજવી. 
  10. સર્વે મનુષ્યોએ સામાજિક હિતકારી નિયમ પાળવામાં પરતંત્ર રહેવું જોઈએ-અને પોતપોતાના હિતકારી નિયમમાં જ સ્વતંત્ર રહેવું જોઈએ. 

આર્યાવર્ત


જગતનાં સર્વ દેશોમાં આર્યાવર્ત ઉત્તમ છે અને એ જ કારણથી સૃષ્ટિના આદિકાળથી આર્ય લોકો અહીં આવીને વસ્યા-આર્ય એટલે શ્રેષ્ઠ અને તે રહે છે તે દેશ આર્યાવર્ત-ભારત. આર્યાવર્તમાં બધી જ વિદ્યાઓ પ્રસાર પામેલી હતી. તે વિદ્યા પ્રથમ મિશ્રમાં ગઈ-ત્યાંથી યુનાન-પછી રોમ-છેલ્લે યુરોપ અને અમેરિકા ગઈ. Bible in India ના ફેંચ લેખક એમ લોનીસ જેકોલિયત કહે છે આર્યાવર્ત દેશ સર્વ વિદ્યા અને ભલાઈઓનો દેશ છે. આવા સર્વોત્કૃષ્ટ દેશના પતનનો પ્રારંભ મહાભારતના યુદ્ધ પછી થયો. જ્યારે ભાઈભાઈને મારવા ઊઠે ત્યારે નાશ થવામાં શી શંકા રહે ? વિનાશકાળે વિપરીત બુદ્ધિ. સર્વદેશ શિરોમણી ભારત ઉત્તરોત્તર પતનની ગર્તમાં ગરક થતો ચાલ્યો. મહાભારતના ઘોર યુદ્ધમાં વિદ્વાનો, રાજા-મહારાજાઓ અને ઋષિમુનિઓ માર્યા ગયા. ત્યારથી વિદ્યા અને વેદોક્ત ધર્મ ના પ્રચારનો નાશ થતો ચાલ્યો. પંથો અને મતમાંતરો ઉત્તપન થવા લાગ્યા. બ્રાહ્મણ મૂર્ખ, ક્ષત્રિય વિષયી, વૈશ્ય લોભી અને શુદ્ર, ભ્રષ્ટાચારી થઈ ગયા. બાલવિવાહ, વૃદ્ધવિવાહ અને બહુવિવાહે ઘર કર્યું. મૂર્ખ, સ્વાર્થી, અને પાખંડીઓ ઇજારદાર બની બેઠા. બ્રહ્મચર્યનું સ્થાન વ્યભિચારે લીધું. લોકો મદ્ય અને માંસનું સેવન કરવા લાગ્યા પશુઓને યજ્ઞમાં હોમ કરવાથી તે સ્વર્ગે જતાં હોય તો, પોતાના માતા-પિતા, સ્ત્રી અને પુત્રાદિને હોમિને સ્વર્ગમાં કેમ ન મોકલ્યા ?

રાજધર્મ રાજ્ય શાસન ચલાવવામાં છે, ત્યાગ, વૈરાગ્ય, કે અહિંસામાં નથી. 261 BC સાલમાં અશોક કલિંગની લડાઈમાં થયેલ વ્યાપક નરસંહારથી હતાશ થઈ શસ્ત્રો ત્યાગી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. ભારતના પતનની આ ઘટના સીમાસ્તંભ સ્વરૂપ છે. રાષ્ટ્રધર્મ અહિંસા-ત્યાગ-વૈરાગ્યથી જળવાતો નથી. ભરતવર્ષ માટે કાયરતાના બીજ અહીં વવાયાં.

છેલ્લે, ગાંધીજી અહિંસા શીખવવા આવ્યા-તેથી આઝાદ ભારત ખુમારી વગરનું, નમાલું, ભાઈચારો-મિત્રતા અને શાંતિના ગુણગાન ગાઈને ગાફેલ દેશ બન્યો. 1962નું ચીન-ભારત યુદ્ધની હાર આ પાઠ ગાઈવગાડીને શીખવી ગયો.
રાષ્ટ્રની અસ્મિતા-ગૌરવ-શૌર્ય અને બહાદુરીથી જ આવે એવું આપણે જાણીને અમલમાં મૂકવું જ રહ્યું.

- ડો. ભરત દેસાઈ, બીલીમોરા

અનાવિલ જ્ઞાતિ

અનાવિલ જ્ઞાતિ - લેખક સુરેશભાઈ દેસાઈની નજરે  

સંસ્કૃતના એક સુભાષિતમાં કહેવાયું છે કે સજજનો, માણસના દુર્ગુણો જોવાને બદલે એના સદ્દ્ગુણો જ જૂએ છે, જ્યારે દુર્જનો, માણસમાં રહેલા સદ્દ્ગુણો જોવાને બદલે એના દુર્ગુણોને જ જૂએ છે, જો કે માત્ર દુર્ગુણો ભર્યા હોય એવી વ્યક્તિને જોવા માટે સજજનોનો માપદંડ કેવો હોય છે એનો આ સુભાષિતમાં ઉલ્લેખ નથી. ખેર, માત્ર દોષો જોતાં દુર્જન કહેવડાવવાનું જોખમ વહોરીને અસંખ્ય અવગુણોથી ભરેલી મારી અનાવિલ જ્ઞાતિ વિષે મારે થોડી વાત કહેવી છે.

અનાવિલ આખાબોલા હોય છે. એની દ્રષ્ટિ ટૂંકી હોય છે. સામેની વ્યક્તિને વ્યથા પહોંચાડતા એ ખચકાતો નથી. આખાબોલાપણું એ કદાચ વિચારદુર્બળતા કે વિચારશૂન્યતાની બહુ નજીકની માનસિક પરિસ્થિતી છે. આ દ્રષ્ટિએ જોઈએ તો આખાબોલા કહેવડાવવું એ અનાવિલોની વિચારદુર્બળતા ઉપર ઢાંકપિછોડો છે. અનાવિલો પોતાને ટેકીલી પ્રજા તરીકે ઓળખાવે છે. અનાવિલોનું ટેકીલાપણું એ બહુધા એનું મિથ્યાભિમાન છે, હું એટલે કોણ ? મારું ખાનદાન કેવું છે! હું ભૂખ્યો મરી જાઉં પણ મારા સ્ટેટસને યોગ્ય નહીં હોય એવું કામ હું નહીં કરું! આવું છે અનાવિલોનું ટેકીલાપણું. આ મિથ્યાભિમાનને લીધે અનેક અનાવિલોને મેં ખુવાર થતાં જોયા છે. પોતે અનાવિલ છે, પોતાનું ખાનદાન ઘણું ઊંચું છે, અનાવિલ હોવાને લીધે પોતે અમુક કામ કે અમુક ધંધો નહીં કરી શકે એવી માન્યતાઓને લીધે અનેક અનાવિલ કુટુંબો બિલકુલ તારાજ થતાં મે જોયા છે.

હું પોતે અનાવિલ હોવા છતાં, ગુજરાતની જુદીજુદી જ્ઞાતિઓમાં અનાવિલો સૌથી કનિષ્ઠ જ્ઞાતિ હોવા અંગે મારા મનમાં બિલકુલ શંકા નથી. આળસ એ અનાવિલ પ્રજાનું મોટામાં મોટું અપલક્ષણ છે. એક જમાનામાં નેવું ટકા અનાવિલોનો વ્યવસાય ખેતી હતો. ખેતીને વ્યવસાય તરીકે અપનાવ્યો હોવા છતાં નવીન પ્રયોગો કરીને ખેતીમાંથી સમૃદ્ધ થવાનું અનાવિલોએ કદી વિચાર્યું જ નહીં. ખેતમજૂરોને ભરોસે એણે ખેતીને રેઢી મુકી દીધી. કુદરત ઉપર આધારિત કેરી અને ડાંગર જેવા પાકો ઉપર મદાર બાંધ્યા સિવાય એને કશું આવડ્યું જ નહીં. આર્થિક સંકડામણ ઊભી થતાં જમીનનો નાનો મોટો ટુકડો વેચીને ગાડું ગબડાવવાની દાનત અનાવિલોની પડતી થવાનું મુખ્ય કારણ બની રહી.

અનાવિલોની અદેખાઈ પણ ભારે ભૂંડી. પોતાના જ્ઞાતિબંધુનું સુખ એનાથી દેખ્યું ના જાય. એની એ બદબોઈ કરવા માંડે. એનાથી કોઈ જ્ઞાતિબંધુ ચઢિયાતો હોય તો એ એની સમકક્ષ થવાનું વિચારવાને બદલે એમ વિચારે કે એ નીચો પાડીને પોતાના જેવો દરિદ્ર બની રહેવો જોઈએ. અનાવિલ બીજી જ્ઞાતીના હોંશિયાર માણસની ભારોભાર પ્રશંસા કરે પણ પોતાના જ્ઞાતિબંધુની હોંશિયારીની એ લવારે ચઢેલા માણસની જેમ ટીકા કરે. પૈસાપાત્ર અનાવિલમાં ગરીબ અનાવિલને મદદ કરવાની ભાવના બિલકુલ જોવાની મળે નહીં. અનાવિલ પૈસાદાર થાય એટલે એનું સ્ટેટસ અને એનો ક્લાસ બદલાય જાય. બીજા અનાવિલોને એ તુચ્છ સમજે, આમ છતાં અનાવિલો સાથે એ સંબંધો જાળવી જ રાખે. આ સંબંધ જાળવી રાખવવાનું કારણ એટલું જ કે પોતાની જાહોજલાલી, પોતાનો દોરદમામ એ પોતાના જાતિભાઈઓને બતાવી શકે. અનાવિલ પાસે થોડા પૈસા આવે એટલે એને ટ્રસ્ટ રચવાનો ઉત્સાહ જાગે. એ ગરીબ અનાવિલ વિદ્યાર્થીઓ માટે, વિધવાઓ માટે મેડિકલ રાહત માટે ટ્રસ્ટ રચી નાંખે, પણ આ ટ્રસ્ટમાંથી વર્ષ દરમ્યાન ભાગ્યે જ એકાદ અનાવિલને મદદ થઈ હોય. બસ, ટ્રસ્ટ રચ્યું એટલે પોતે જ્ઞાતિ માટે કાઈંક કર્યું છે એવા આત્મસંતોષમાં એ રચ્યા કરે.

ગરીબ માબાપની દેખાવડી, સંસ્કારી, સુશિક્ષિત છોકરીને વહુ તરીકે સ્વીકારતા અનાવિલ યુવાનના માબાપના અહમને ઠેસ પહોંચતી મેં જોઈ છે. માબાપને એવું લાગે કે આ અમારા વેવાઈ-વેવાણ છે એવો પરિચય કરાવવાનું થાય, કોઈવાર કોઈ મિત્ર કે સંબંધીને લઈને વેવાઈને ઘરે જવાનું થાય તો એની સ્થિતિ જોઈને પોતાનું સ્ટેટસ નીચું પડી જશે, પોતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે. અનાવિલ વેવાઈ તરીકે પોતાના બરોબરિયાને શોધે. આ બરોબરિયાની શોધમાં સારી, સંસ્કારી ગરીબ છોકરીનુ મૂલ્ય આંકવામાં ના આવે. એને ગણતરીમાં લેવાય જ નહીં. ગરીબના ઘરનું માંગુ આવ્યું હોય તો સ્થિતિપાત્ર અનાવિલ માબાપનો પ્રતિસાદ એટલો ઠંડો હોય કે અમારે ત્યાં માંગુ નાખવાની તમે હિંમત જ કેમ કરી એટલું કહેવાનું જ બાકી રહે.

હું આટ અને આમરી રહ્યો એ દરમ્યાન અનાવિલના મનોવ્યવહારને બહુ નજીકથી જાણી શક્યો. અનાવિલોથી દૂર, નંદરબાર અને નવાપુરમાં હું રહ્યો ના હોત અને અનાવિલોની વચ્ચે મારો ઉછેર થયો હોત તો અનાવિલોની તુચ્છ મનોવૃત્તિઓ મારા ધ્યાનમાં આટલી સ્પષ્ટ રીતે આવી ના હોત. આટમાં એ વખતે વસતા ચાલીસ જેટલા અનાવિલોની સ્થિતિ મધ્યમ હતી. આ ચાળીસેય કુટુંબનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. ઘણા ખરાં કુટુંબો જેમતેમ ગુજરાન કરતાં હતાં અને કેટલાક તો મારા આજાબાપાની જેમ જમીનના ટુકડા વેચીને ગાડું ગબડાવતા હતા. ગામના અનાવિલોમાં શિક્ષણનું પ્રમાણ ઠીકઠીક હતું અને શિક્ષિત હોવા છતાં અનાવિલોના આ ચાળીસ કુટુંબો વચ્ચે કોને કોઈ પ્રકારનો ગજગ્રાહ ચાલતો રહેતો. શિક્ષિત અનાવિલો પણ બીજા અનાવિલની ઈર્ષા અને અદેખાઈ કરવામાંથી બાકાત રહેતા નહીં. દીકરા કે દીકરીના વિવાહ થાય તો સૌ રાજીપો કરવા જતાં ખરા પણ એમાં ય કેવું ઠેકાણું મળ્યું છે એ જાણવાની અને જાણીને કૂથલી કરવાની ભાવનાનું જ પ્રાધાન્ય રહેતું. ની:સહાય, દુ:ખી અને આર્થિક રીતે પીડાતા અનાવિલ સાથે કોઈ ગાઢ સંબંધ રાખતું નથી. આ અનાવિલ સ્થિતિપાત્ર છે એટલે મારે પાસે પૈસા માંગવા આવવાનો નથી એવી ગણતરીથી સંબંધ રાખવામાં આવતો અને પૈસાની તકલીફવાળા અનાવિલથી દૂર રહેવાનું જ પસંદ થતું. આટના અનાવિલોને પણ સુફિયાણી સલાહ આપવાનું વ્યસન હતું. દરેક અનાવિલ બીજા અનાવિલને સલાહ આપતો રહેતો. હું આટ રહ્યો એ દરમ્યાન કોઈ અનાવિલે જમીન ખરીદી એવું ભયે જ સાંભળેલું. જમીન વેચી એવું હું અવારનાવાર સાંભળતો. અનાવિલો મુખ્યત્વે ડાંગર પકવતા. ખપ પૂરતી ડાંગર રાખીને બાકીની ડાંગર વેચીને એમાંથી વરસ પૂર કરવાનો વારો આવતો. શિયાળામાં વાલની કે મગની ખેતી થતી. વાલ કે મગની ખેતીમાં ઝાઝી મહેનત કરવાની રહેતી નહીં એટલે જ આ પાકને પ્રાધાન્ય આપવામાં આવતું. મોટાભાગના અનાવિલોના ઘરમાં અઠવાડિયામાં ચ દિવસ સાંજે માગ, મગની દાળ કે વાલ કે વાલની દાળનું જ શાક થતું મે જોયું છે. બપોરે જમીને ઊંઘી જવું અને સાંજે ઓટલા ઉપર બેસીને આખી દુનિયાની ફિકર કરવી એ અનાવિલોનું સામૂહિક લક્ષણ છે. અનાવિલ જેવી આરામપરસ્ત (આળસુ!) જ્ઞાતિ બીજી કોઈ નથી. બડાસ મારવી એ અનાવિલ જ્ઞાતિનું સર્વસામાન્ય અપલક્ષણ છે. પાંચસો રૂપિયા હોય તો પચ્ચીસો રૂપિયાનો ખર્ચ કરીને દેવાદાર બનવાના સંસ્કાર તો અનાવિલોને ગળથૂથીમાં જ મળતા હોય છે.

અનાવિલો સમગ્ર જ્ઞાતિ માટે ભાગ્યે જ વિચારે છે અને આ બાબતને લીધે સમગ્ર જ્ઞાતિ સતત અધોગતિ પામતી રહી છે. પાંચ દશ માણસો કોઈ રચનાત્મક કાર્ય માટે ભેગા થાય ત્યાં પણ વ્યક્તિગત મહત્વાકાંક્ષા અને પદલાલસા એટલી તીવ્ર હોય છે કે કામમાં રહેલું રચનાત્મક પાસું બાજુ પર રહી જાય છે ને હુંસાતુંસી અને નામના મેળવવાની લાલસા જ મુખ્ય ધ્યેય બની રહે છે. જક્કી, જિદ્દી, બડાઈખોર, મિથ્યાભિમાની, સ્વકેન્દ્રી અને આળસુ અનાવિલ જ્ઞાતિનો આર્થિક અને સામાજિક ક્ષય અત્યારે તો નિશ્ચિત જ જણાય છે. દુર્ભાગ્યની વાત તો એ છે કે અનાવિલ જ્ઞાતિનું આ રીતે સામુહિક નિકંદન થઈ રહ્યું છે, ત્યારે કૌરવો તો અનેક છે પરંતુ ભીષ્મ જેવી મનોવ્યથા અનુભવવાવાળું કોઈ નથી.



લેખક: શ્રી સુરેશભાઈ દેસાઈ
“પ્રિયમિત્ર”
નવસારી
આત્મકથા "આગિયાનું અજવાળું" પુસ્તકમાં પ્રકરણ: ૧૫ (૨૦૦૩)           

મારા સંસ્મરણો - પુસ્તક પરિચય

આ પુસ્તક અનાવિલની આત્મકથા છે. જીવનનાં ૬૫ વર્ષોનો નિચોડ રજૂ કરવાનો પ્રામાણિક પ્રયત્ન લેખક ડો. પ્રિ. જયંતભાઈ ટી.દેસાઈ ના ૧૪૫ પૃષ્ટોમાં ચમકે છે. તેઓ ખરું જ કહે છે કે યાદશક્તિ જતી રહે તે પહેલાં (Before memory fades... - Fali. S. Nariman) જીવનનાં અનુભવોને આધારે પામેલા જ્ઞાનનો સાર વ્યવસ્થિત રીતે કહી દઈએ-એટલે આપણે જવાબદારી અદા કરીને છૂટા. મિત્રોને, સમાજને કે રાષ્ટ્રને જરૂરી માર્ગદર્શન અનુભવસિદ્ધ રીતે મળે.

જયંતભાઈને મેં તેમનો સંપર્ક માટે મોબાઈલ નંબર અને સરનામું માંગ્યા, ત્યારે તેમને જરા આશ્ચર્ય થયું કે મારી આત્મકથામાં તમને આટલો બધો રસ કેમ ? તો જવાબમાં લખવાનું કે અનાવિલ સાહિત્યના અભ્યાસી એવા મને - દરેક ભણેલા - તકલીફો અને પારાવાર મુશ્કેલીઓ વેઠીને નોંધપાત્ર સ્થાને પહોંચેલા - દરેકમાં રસ હોવાથી આ ઉત્સાહ છે.

૪૯૭૦ Facebook Friends માનો એક હું એમનો ક્યારેય મળ્યો નથી-ફક્ત એમના Facebook લેખનો જેટલો પરિચય-પણ મને આ અપરિચય ગમે છે, કારણ કે પરિચિત વ્યક્તિ પ્રત્યે આપણને પૂર્વગ્રહ-તિરસ્કાર કે સન્માન હોવાથી આપણે કદાચ પક્ષપાતપૂર્ણ વાંચન કરીએ, જ્યારે અહીં તો એમની રજૂઆત નિષ્પક્ષભાવે-માણી શકાય.

આ અનાવિલની આત્મકથા છે એમ મેં કહ્યું ત્યારે મારે જણાવવું જોઈએ કે અહીં પ્રામાણિક્તા-સાક્ષીભાવ-સ્પષ્ટવક્તાપણું અને નીડર રજૂઆત સ્વાભાવિક જ છે. ૬૫ વર્ષ પહેલાં મોટા ભાગના અનાવિલો નિમ્ન-મધ્યમવર્ગમાં આર્થિક રીતે આવતા-પણ ગરીબી તેમની આગળ વધવાની ધગશમાં ક્યાંય આડખીલીરૂપ નથી હોતી. સમાજને અને તેથી જ તેમને ભણેલા મોટાબેન ડો. પ્રવિણાબેન માટે ખૂબ અહોભાવ-સન્માન અને તેથી જ આત્મકથા જયંતભાઈએ એમને અર્પણ કરી છે.

B.Sc., LL.B., LL.M., અને Ph.D. ભણેલા લેખક-સફળ વકીલાત કરીને અઢળક ધનના સ્વામી બન્યા હોત-તેમણે શરૂઆત નવસારીમાં વકીલાતથી કરી પણ ખરી. પણ અનાવિલ વારસાગત શિક્ષકનો જીવ તેમને શિક્ષક-પ્રોફેસર-આચાર્ય અને યુનિવર્સિટી ના ‘કાનૂની’ શાખાના ડિન બનાવીને જ જંપ્યો.

મેં ગયા વર્ષે બીલીમોરા ખાતે ‘વરિષ્ઠ નાગરિકો’ માટે “મારી આત્મકથા” વિષય ઉપર નિબંધસ્પર્ધા રાખી હતી-ત્યારે કુટુંબજીવન, અભ્યાસ, વ્યવસાય, અને જીવનનાં અનુભવોને આધારે માર્ગદર્શન એમ ચાર મુદ્દા પર લખવા કહ્યું હતું. મારી અપેક્ષાનાં બધા વિષયો અહીં એમણે વિગતવાર આવરી લીધા છે.

ઘડપણમાં યાદશક્તિ જતી રહેવા છતાં ભૂતકાળની બધી વાતો-વિગતો સંપૂર્ણ યાદ રહે છે-પણ આપના આ યુવાન લેખક માનસિક સ્વસ્થતા સાથે વિગતવાર નામઠામ સાથે વાત કરતાં હોય ત્યારે એ પુસ્તક ખરીદીને વાંચવું જ રહ્યું.

પુસ્તક પરિચયના લંબાણની ચિંતા મને વાતને ટૂંકાવીને મુદ્દાની વાત કહેવા સૂચવે છે.

ચાલો, રક્ષિકાબેનના પતિ, જલપા, જલધિ અને હર્ષના પિતા- જીનસાના આજા ડો. જયંતભાઈ -વકીલ, ખેડૂત અને શિક્ષક - પાસેથી જીવનનો સાર જાણીએ.
  • 61 - God alone is the doer, we are mere instruments in HIS hands. 
  • 123 - For retirement brings repose and repose allows a kindly judgment of all things. - John Sharp Williams 
  • Retirement, a time to do what you want to do, when you want to do it, where you want to do it and how you want to do it. - Catherine Pulsifer  
  • As your life changes, it takes time to recalibrate, to find your values again. You might find that retirement is a time when you stretch out and find your potential. Sid Miramontes. 
  • 6 - Everyone’s life is a page in human history irrespective of the position he or she holds or the work he or she performs. - APJ Abdul Kalam 
જિંદગીએ શીખવેલી અગત્યની બાબતો – 137
  • પરમકૃપાળુ પરમાત્મા પર અતૂટ શ્રદ્ધા રાખો. 
  • નિયતિએ નક્કી કરેલી તમામ ઘટના કે પ્રસંગોમાં સ્થિતપ્રજ્ઞ બનો. લાગણી અને તર્ક વચ્ચે સમતુલા જાળવો. 
  • ક્યારેય કોઈપાસે કોઈપણ બાબતની અપેક્ષા રાખવી નહીં. 
  • માણસોને ઓળખતા શીખો. 
  • શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તથા શિક્ષણને જીવનમાં અગ્રતા આપો. 
  • નિયમિત પ્રાર્થના અને હિસાબ લખવાની ટેવ પાડો. 
  • પરિવારના સભ્યો વચ્ચે નિખાલસ ચર્ચા કરો. 
  • શક્ય હોય ત્યાં સુધી, કોઈ સાથે ભાગીદારીમાં ધંધો કરવો નહીં. 
  • કપટી સગાસંબંધીઓથી દૂર રહો. 
  • કોઈને છેતરશો નહીં, તેમ કોઈથી છેતરાશો નહીં. 
  • વિવિધ શોખો કેળવીને જીવન આનંદમય બનાવો. 
  • શક્ય હોય તેટલું સામાજિક અંતર રાખવું. 
A reader lives a thousand lives before he dies. The man who never reads only one. - George RR Martin
અલગ અલગ બાબતો અંગે વિચારો, અવલોકનો સૂચનો અને અભિપ્રાયો - 138
  • સ્વાસ્થ્ય: ઉત્તમ સ્વાસ્થય માટે દરેક સાનિષ્ઠ પ્રયાસો કરવા જોઈએ. શારીરિક અને માનસિક સ્વાસ્થય માટે સમતોલ ખોરાક, નિયમિતતા, કસરત, યોગ-ધ્યાન, પ્રાર્થના, વાંચન, પ્રકૃતિદર્શન, રાષ્ટ્રપ્રેમ, વાલીઓનો નિયમિત જીવંત સંપર્ક અને સારા મિત્રો આવશ્યક છે. 
  • શિક્ષણ: ઔપચારિક ઉપરાંત મૂલ્યનિષ્ઠ અને વ્યવસાયલક્ષી શિક્ષણ ને અગ્રતાક્રમ આપવાની જરૂર છે. ઉચ્ચશિક્ષણ મેળવતી વખતે પ્રત્યેક બાળકે જરૂર પડ્યે કાઉન્સેલિંગ દ્વારા પોતાના રસ અને ક્ષમતાનુસાર વિદ્યાશાખા પસંદ કરવી જોઈએ. વ્યવસાયલક્ષી અભ્યાસ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. 
  • અર્થતંત્ર: મજબૂત અર્થતંત્ર સર્વ માટેની અનિવાર્ય જરૂર છે. રાષ્ટ્રના અર્થતંત્રને મજબૂત કરવું હોય તો સીધી આર્થિક મદદ માત્ર અનાથ, વિકલાંગ, બીમાર અને વૃધ્ધને જ મળવી જોઈએ. બાકીનાને સ્વયં નાણાં મેળવી શકે તેવી તક પૂરી પાડવી જોઈએ. તો જ જાપાન-ચીનની જેમ work culture નું સર્જન થઈ શકે. 
  • પારિવારિક જીવન: પ્રત્યેક પરિવારની સુખાકારી અને વિકાસ આવશ્યક છે. તે શીખવવા, પરિવારિક જીવન અંગેનો વિસ્તૃત વિષય 11 કે 12 ધોરણમાં ફરજિયાત હોવો જોઈએ. આજકાલ પરિવારિક જીવનને દુ:ખદ બનાવતા પરિબળોમાં બાહ્યઆડંબર, અસંતોષ, ઈર્ષ્યા, અયોગ્ય જીવનસાથી, સ્વાર્થ, કરકસરનો અભાવ, મહેનત અને સાદાઈનો અભાવ, ધીરજનો અભાવ, વિનમ્રતા-પ્રામાણિક્તા અને પ્રભુ પ્રત્યે શ્રદ્ધાનો અભાવ અને અન્યો પાસે વધુ પડતી અપેક્ષા વિગેરે ગણી શકાય. 
  • સુ:શાસન (Good Governance): લેખક છ ભાગમાં પ્રસિદ્ધ કરેલા લંબાણ સંશોધનના સાર તરીકે કહ્યું કે સુશાસન અંગે ભાગ્યે જ કોઈ નવા કાયદાની જરૂર છે. જરૂર છે માત્ર નિષ્ઠાપૂર્વક્ન અમલીકરણની એટલે કે “It is the optimum utilization of all natural, financial and human resources for the welfare of whole society.” 
    • સરકાર આ બાબતે નિષ્ફળ નીવડેલ છે. 
    • વિશાળ માનવીયબળ, કહેવાતા સાધુ, સંતો, મૌલવી, મુલ્લા, ધર્મગુરુઓના રૂપે, ભિખારીઓ, જુગારીઓ, દારૂડિયાઓ, કૈદીઓ, બેકાર શિક્ષિત યુવાનો સ્વરૂપે વેડફાય છે. બીજી બાજુ માનવીય બળની અછત છે. 
    • શહેરો ગેરકાયદેસર ઝૂપડપટ્ટીઓથી ખદબદે છે. 
    • અઢળક સંપત્તિ મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરૂદ્વારામાં, ભ્રષ્ટ રાજકારણી અને લાંચિયા અધિકારીઓએ પાસે પડેલી છે, બીજી તરફ અમુક વર્ગ ખોરાક કપડાં અને રહેઠાણથી વંચિત છે. 
    • સત્તા મેળવવા અને તેને જાળવવામાં સમય, શક્તિ અને નાણાંનો દુર્વ્યય થાય છે. 
    • સારું કામ કરનારની પ્રશંસા અને ખોટું કરનારને ત્વરિત શિક્ષા કરવાની જરૂર છે. 
    • સલાહ: પ્રજાએ જ સામૂહિક રીતે જાગૃત થવું પડશે. કટોકટી કરતાં પણ વધુ કપરો કાળ છે. 
  • આધ્યાત્મિકતા: અલૌકિક શક્તિમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ પેદા થવો અત્યંત આવશ્યક છે. ધર્મપુસ્તકોનું વાંચન, નિયમિત ઘરે જ આત્મચિંતન અને આત્મનિરીક્ષણ ધરાવતી આધ્યાત્મિકતા કઠિનમાં કઠિન પરિસ્થિતિમાં પણ શાંતિ અર્પે છે. 
People are illogical, unreasonable and self-centred. Love them anyway. - Mr Kent M. Keith  
આત્મકથા પાસેથી અપેક્ષિત બધી જ વિગતો જન્મ-અભ્યાસ-કુટુંબ-વ્યવસાય-લગ્નજીવન-અને બાળકો-વાંચ્યા પછી સૌથી મહત્વનો ભાગ તે જીવનનો સાર અને જીવનનો અર્થ ફક્ત આ આત્મકથામાંથી જ મળે છે-તેનું વિગતવાર વર્ણન લંબાણ થતું હોવા છતાં મેં અહી આપ્યું છે.
પ્રિ. ડો. જયંતભાઈ, અભિનંદન – આભાર અને શુભેચ્છા સાથે વિરમીએ ત્યારે દરેક વાચકની ભવિષ્યમાં આપની બીજી આત્મકથા (આત્મકથા-2) વાંચવાની અપેક્ષા અસ્થાને નથી શું?
ડો. ભરત એમ. દેસાઈ 
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા









મારા સંસ્મરણો
  • લેખક : ડો. જયંત ટી. દેસાઈ B.Sc. LLB, LLM, Ph.D.
  • જન્મ : 09-06-1965 મોસાળ વકતાણા (જી. સુરત) ખાતે
  • લગ્ન : 10-05-1985 રક્ષિકાબેન સાથે (શિક્ષિકા)
  • બાળકો : દીકરી: જલપા - લગ્ન શિવકુમાર સાથે - બાળક જિનસા
    દીકરી: જલધિ - લગ્ન વિશાલકુમાર સાથે
    દીકરો: હર્ષ
  • વ્યવસાયમાંથી સંપૂર્ણ મુક્તિ FEB-2019
  • પુસ્તક પરિચય: ડો. ભરત દેસાઈ, બીલીમોરા દ્વારા, તા: 12-06-2021

વિદુર નીતિનો ઉપદેશ (ઉદ્યોગ પર્વ - મહાભારત)

મહાભારત વાંચનારે જીવનનું ભાથુ - જીવન જીવવાની જડીબુટ્ટી - શ્રીકૃષ્ણ પાસે અર્જુન વિષાદયોગમાં ભગવદગીતા દ્વારા શરૂઆતમાં - કુરુક્ષેત્રના યુદ્ધ રોકવા રાજા ધૃતરાષ્ટ્રને પાંડવોને ભાગ આપવાનું સમજાવનાર વિદુરના પ્રવચન, વિદુરનીતિમાં અને યુદ્ધ જીત્યા પછી વૈરાગ્ય થવાથી વનવાસ કરવા તૈયાર થયેલા યુધિષ્ઠિરને રાજધર્મ કહેતા ભીષ્મપિતામહ પાસે શાંતિપર્વ માં મળે છે. તેર વરસના વનવાસ પછી પાછા ફરેલા પાંડવોને તેમનું ઇન્દ્રપ્રસ્થ રાજ્ય પરત આપવા દુર્યોધન ના પાડે છે ત્યારે પુત્રપ્રેમ અને પોતાની મહેચ્છા દ્વારા પીડિત રાજા ધૃતરાષ્ટ્ર તેને સંમતિ આપે છે. આ સમયે વિદુર ધૃતરાષ્ટ્ર ને અનીતિ છોડવા અને ન્યાયિરીતે વરત્વ સમજાવતી વખતે જે ઉપદેશ આપે છે-તે વિદૂરનીતી. 


ચાલો મુદ્દાસર દરેક વાત સમજીએ.

  1. અનિન્દ્રા: દુર્બળ-બળવાન સાથે સંઘર્ષ કરે છે ત્યારે, વ્યભિચારીને-ચોરને-દેવાદારને-વધારે પુત્રીના પિતાનેઅને દ્રવ્યના લાલચીને ઊંઘ આવતી નથી.
  2. પંડિત: જેને પોતાની વાસ્તવિક સ્થિતિનું જ્ઞાન છે, જેની ધર્મમાં સ્થિરતા છે, જેની દુ:ખ સહન કરવાની શક્તિ છે, જે નિત્ય કંઈનેકંઈ ઉધ્યોગ કરે છે, પોતાના ગુણોની અભિવૃદ્ધિ કરે છે, જે કોઈનો દોરવ્યો દોરાતો નથી. જેને ભૂખ-તરસ, ઠંડી-ગરમી, ભય-પ્રીતિ, ધનિકતા-નિર્ધનતા કંઈ જ અસર કરતા નથી. દ્રવ્યોયોપાર્જનમાં જે પ્રમાણિકતાને પ્રાધાન્ય આપે છે, જેણે ભોગવિલાસ ત્યજ્યા છે અને જે કોઈની નકલ ન કરતાં આપસૂઝ-આગવી બુદ્ધિથી લોકકલ્યાણના કાર્ય કરે છે તે પંડિત કહેવાય છે.
  3. મૂર્ખ: જે વિદ્વાન ન હોવા છતાં પોતાના જ્ઞાનનું અભિમાન કરે છે દરિદ્ર હોવા છતાં લાખોની વાત કરે છે, પરિશ્રમ વિના દ્રવ્યપ્રાપ્તિની ઈચ્છા રાખે છે, જે મિત્ર સાથે કપટ યુકત આચરણ કરે છે, બળિયા સાથે બાથ ભીડે છે, શત્રુને મિત્ર બનાવી સાચા મિત્ર સાથે દ્વેષ રાખે છે, જે નિર્બળને દુ:ખ દે છે અને દરેક બાબતમાં શંકાશીલ હોય છે. તે મૂર્ખ કહેવાય છે.      
  4. ડાહ્યો માણસ: પરસ્ત્રીગમન, દ્યૃતક્રીડા, મૃગયા, મદિરાપાન, કર્કશવાણી, અનીતિ દ્વારા દ્રવ્યોપાર્જન, અને નિર્દોષ પ્રત્યે ઘાતકી વર્તન ત્યજનાર.
  5. આટલું ન કરો: કોઈ અગત્યની બાબતનો નિર્ણય એકલાએ જ ન કરવો, સ્વાદિષ્ટ ભોજન એકલા ન ખાવું, ઉજ્જડ ઘાટે સ્નાને એકલા ન જવું, નિર્જન રસ્તે વિચારણા એકલા ન ફરવું, કોઈની વસ્તુ ધણી ને પૂછ્યા વગર ન લેવી અને એકાંતમાં કામ સિવાય પોતાની માતા,બહેન, કે દીકરી સાથે પણ ન બેસવું.
  6. અનાદર: મોટા ભાગના મનુષ્યો છ વસ્તુઓનો અનાદર કરે છે.
      1. વિદ્યાભ્યાસ પૂર્ણ થતાં વિદ્યાર્થી ગુરુનો,
      2. લગ્ન થઈ ગયા પછી પુત્રો માતાનો,
      3. કામવાસના શાંત થયા પછી પુરુષ સ્ત્રીનો,
      4. પ્રસંગ પૂરો થયા પછી તેમાં સહાય કરનારનો,
      5. રોગ મટ્યા પછી વૈદ્યનો અને છેલ્લે
      6. નદી પાર ઉતાર્યા પછી નાવડીનો લોકો તિરસ્કાર કરે છે.
  7. સંપતિ નાશ: વૃધ્ધવસ્થામાં રૂપ અને સૌંદર્ય હણી લે છે તેવી જ રીતે ઉદ્ધતવર્તન, તોછડાઈ, આછકલાઈ, અભિમાન, વગેરે સંપતિનો નાશ કરે છે. 
  8. સંગ તેવો રંગ: જેમ વસ્ત્રોને જે રંગો રંગવામાં આવે તેવો રંગ ચઢી જાય છે, તેમ જો કોઈ મનુષ્ય સજ્જનના સંસર્ગમાં આવે તો સજ્જન, દુર્જનના સંસર્ગથી દુર્જન, તપસ્વી સંસર્ગથી તપસ્વી અને ચોરના સંગથી ચોર બને છે.
  9. જીવનરથ: મનુષ્યનું શરીર રથ છે, બુદ્ધિ સારથિ છે અને ઈન્દ્રિયો તેના ઘોડા છે. તેમણે વશમાં કરી સાવધાન રહેનાર બુદ્ધિમાન મનુષ્ય સુખપૂર્વક યાત્રા કરી શકે છે.
  10. વિશ્વાસ: કોઈના ઉપર વિશ્વાસ મુક્તા પહેલા ઊંડો વિચાર કરવો જોઈએ - જે વ્યક્તિને વિશ્વાસપાત્ર ગણતાં હોઈએ તેના પર પણ અધિક વિશ્વાસ ન મૂકવો. ખરેખર તો પોતાનો ખાસ વિચાર અતિગુપ્ત રાખવું.
  11. મિત્રતા: સજ્જન પુરુષે અભિમાની, મૂર્ખ, વાચાળ, ક્રોધી, ધર્મહીન અને ઉતાવળિયા પુરુષો સાથે ભૂલેચૂકે પણ મિત્રતા ન બાંધવી. મિત્ર તો સહૃદઈ, ઉદાર, સત્યનિષ્ઠ, કૃતઘ્ન, જિતેન્દ્રિય, પ્રેમી, સ્વભાવવાળો હોવો જોઈએ.
  12. સંતોષ: નિર્ધન હોય તે પણ જીવે છે અને ધનવાન હોય તે પણ જીવે છે, માટે આપણે અધિક ધન અને અધિક ભૂમિનો લોભ ત્યજી દેવો. જેટલું હોય તેનાથી સંતોષ માનશો તો સદા સુખી રહેશો. સંતોષી નર સદા સુખી.
  13. ક્ષણભંગુરતા: આ જગતમાં બધુ ક્ષણભંગુર છે. જે જન્મે છે તે મરે છે અને જે ખીલે છે તે કરમાય છે. કેટલાય લોકો સમૃદ્ધિ ત્યજીને અહી જ મૂકીને મરણ પામ્યા છે. સજ્જન મનુષ્યે કોઈ કામનાથી, ભયથી કે લોભથી પણ ધર્મનો ત્યાગ ન કરવો. કારણ ધર્મ નિત્ય છે પણ સુખ-દુ:ખ અચળ નથી. નાશવંત છે. 
  14. આપત્તિ: પરાઈ મિલકત પચાવી પાડવું, પરસ્ત્રીનો પરાભવ અને મિત્રનો ત્યાગ એ ત્રણ દોષો આપત્તિને આમંત્રણ આપે છે અને મોટી ખાનાખરાબી કરનાર છે.
  15. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ: વિનાસનો સમય આવવાને લીધે બુદ્ધિ મલીન થઈ જાય છે, ત્યારે અનીતિ નીતિ જેવી લાગે છે અને અનીતિ હ્રદયમાંથી ખસતી નથી. દ્વેષભાવને લીધે ફરી ગયેલી બુદ્ધિ લોભને કારણે પોતાને ખબર પડતી નથી.
  16. આવી અનેક વાતો, જ્ઞાની-વિદ્વાન અને ધૈર્યશીલ વિદૂરજીએ લંબાણ પૂર્વક ધૃતરાષ્ટ્ર ને કહીને, પાંડવોને તેમનો ભાગ પરત આપવા અને તેથી યુદ્ધનો આરંભ ત્યજવા સમજાવ્યું-પણ એ બધુ ભેંસ આગળ ભાગવત જેવુ નકામું સાબિત થયું. 
 કઈ નહીં તો, આપણને આ વાતો કઈક શીખવશે કે પછી...??                




"મહાભારત" શ્રેણીના બીજા લેખો
Other Related Articles
મહાભારત
ભગવદ્દ ગીતા
શાંતિપર્વ: બીજી ભગવદ્દ ગીતા
વિદુર નીતિનો ઉપદેશ
Hinduism
Bhagavad Gita - Short And Straight
Karmic Theory (Law Of Karma)
Karmic Theory - Practical Meditation

શાંતિપર્વ: બીજી ભગવદ્દ ગીતા

યુધિષ્ઠિર કુરુક્ષેત્રના યુદ્ધમાં વિજયી થવા છતાં પોતે કુળનો નાશ કરાવ્યો હોવાનું અને સગા સંબંધીઓની હત્યા કરાવી હોવાથી મનોમંથન અનુભવે છે અને જીતીને પણ હાર્યો હોવાની લાગણી અનુભવે છે. યુધિષ્ઠિર વિષાદ-વૈરાગ્ય થવાથી ગૃહત્યાગ-સંસારત્યાગ કરીને વનમાં જવાની તૈયારી કરે છે. 

ખરેખર તો રાજધર્મ સંસારત્યાગમાં નથી અને જીતેલા રાજાની ફરજ રાજ્યાભિષેક કરાવી પ્રજાની કાળજી રાખવામાં જ છે. એ વાત સમજાવવામાં નારદજી, વ્યાસ, માતા કુંતિ, ભીમ અને અર્જુન નિષ્ફળ જાય છે. રાજધર્મ અને ક્ષાત્રધર્મ યુદ્ધ દ્વારા રાજ્યપ્રાપ્તિ કર્યા પછી રાજાની દંડનીતિ અને રાજા જ ન હોય તો આખો દેશ પાયમાલ થઈ જશે એમ સમજાવવા માટે દ્રૌપદી-નકુળ અને સહદેવ ત્રણે નિષ્ફળ પ્રયત્ન કરે છે. 

નિરાશ અને હતાશ એવા યુધિષ્ઠિર કોઈ વાતથી સમજતા નથી ત્યારે શ્રીકૃષ્ણ તેમને બાણશૈયા પર સૂતેલા જ્ઞાની ભીષ્મપિતામહને મળવા સમજાવે છે. ભીષ્મ ત્રણ-ચાર દિવસ દરરોજ યુધિષ્ઠિરને શ્રીકૃષ્ણ સાથે બોલાવી રાજધર્મ-ક્ષાત્રધર્મ-જીવનની ફરજો- ઉપરાંત લગભગ દરેક વિષય ઉપર વિગતવાર જ્ઞાન આપે છે અને ત્યારે છેલ્લે યુધિષ્ઠિર રાજ્યાભિષેક માટે સંમત થાય છે. 

શાંતિપર્વ મહાભારતનો બારમો અધ્યાય છે. 365 પ્રકરણો ધરાવતો આ સૌથી લાંબો પર્વ છે. 

મારા હિસાબે ભીષ્મપિતામહે આપણને બધાને માર્ગદર્શન મળે તેવા સિદ્ધાંતો બતાવ્યા છે. જે જાણવા-સમજવા અનિવાર્ય છે. તો ચાલો, ભીષ્મપિતામહની ભગવદગીતાના જ્ઞાનનો મર્મ જાણીએ.  

મિત્રતા 

જીવનમાં આપતિઓ આવતી જ હોય છે, તેને મિત્ર વિના પાર પાડી ન શકાય. હ્રદયથી હ્રદયનું મિલન ધરાવતો મિત્ર જિગરજાન મિત્ર કહેવાય છે. કૃતજ્ઞ, મિત્રદ્રોહી અને વિશ્વાસઘાતી ન હોય તે આદર્શ મિત્ર કહેવાય છે.

મિત્રો ચાર પ્રકારના હોય છે.

  1. સહજ મિત્ર : સગાસંબધિઓ
  2. ભજમાન મિત્ર : પરંપરાથી જે મદદ કરતો આવ્યો હોય
  3. સહાર્થમિત્ર : શરતો કરીને મિત્રતા બાંધી હોય તે.
  4. તૃત્રિમ મિત્ર : ધન-સંપત્તિ આપી વશ કર્યા હોય.

સહજમિત્ર અને ભજમાનમિત્ર શ્રેષ્ઠ કહેવાય છે. સહાર્થ અને તુત્રિમમિત્ર શંકાસ્પદ હોય તેનાથી ચેતતા રહેવું જોઈએ.  

શાંતિના ઉપાયો (ભીષ્મપિતામહનો યુધિષ્ઠિરને બોધ)

શાંતિ પરાક્રમી રાજા અને પરાક્રમી પ્રજાથી જ આવે છે. રાજાએ સ્વયં પોતાનું, મંત્રીઓનું, ખજાનો અને સેનાનું, રાષ્ટ્રની પ્રજા અને રાજધાનીનું ઉપરાંત મિત્રરાષ્ટ્રોનું રક્ષણ કરવાનું હોય છે. 

અશાંતિના કારણો

  1. ખેતી, નોકરી, વ્યાપાર, ઘરકંકાસ, દ્રવ્યવાસના, કામવાસના
  2. અન્યાય, અપમાન, સંબંધો, ભૂલો, સળગતા પ્રશ્નો

ભીષ્મપિતામહ કહે છે,

  • ગુપ્ત રાખો: પોતાનું છિદ્ર, મંત્રણા અને કાર્યકૌશલ બીજાથી ગુપ્ત રાખો.
  • ત્યજો: છિદ્રવાળી નૌકા, ઉપદેશ વિનાનો આચાર્ય, વેદમંત્રવિનાનો હૃત્વિજ, રક્ષા ન કરી શકનાર રાજા, કટુવાણીવાળી સ્ત્રી, ગામમાં રહેતો ભરવાડ અને જંગલમાં રહેતો વાળંદને હંમેશા ત્યજો.
  • આમ પરાક્રમી, રાજધર્મીઓને રાષ્ટ્રવાદી રાજા જ શાંતિ લાવી શકે - સમૃદ્ધિ લાવી શકે છે.

દાન

ભીષ્મપિતામહ યુધિષ્ઠિરને સમજાવે છે. દાન એ ત્યાગનું સોપાન છે.

  1. સૌથી મોટું દાન અભયદાન છે. જે અભયનો ભંડાર હોય તે જ અભય આપી શકે.
  2. બીજા દાનો - મનોદાન, વચનદાન, શરીરશ્રમદાન, બુદ્ધિદાન, જલદાન, અન્નદાન, વિદ્યાદાન, જ્ઞાનદાન અને સાધનાદાન છે.
  3. અનુકંપાદાન પણ ખૂબ મહત્વ ધરાવે છે.
    • દાનની પાર્શ્વભૂમિકામાં ત્યાગની પરમ મંગળ ભાવના પડેલી છે.
    • દાન કિર્તિના બદલાવાળું કે ભૌતિક હેતુ પામવા ન હોવું જોઈએ.
    • દાનથી ધર્મને, કર્તવ્યને, સદાચારને અને અન્યના દુ:ખ દૂર કરવામાં મદદ મળે છે.
    • એક ગણું દાન અને સહસ્ત્ર ગણું પુણ્ય દાતાને આપોઆપ મળે છે. 

લક્ષ્મી (સ્વામી સચ્ચિદાનંદ, દંતાલી) 

લક્ષ્મીની મહત્તા - જીવન મેળવવાનો મુખ્ય આધાર લક્ષ્મી છે.

  • વિકાસનું મૂળ સુખેચ્છા છે. સુખના વિરોધી વિકાસ વિનાના- દરિદ્ર અને છેલ્લે શોષિત બનતા હોય છે.
  • વધુ પડતાં સંતોષી, પ્રારબ્ધવાદી, અકમર્ણ્ય અને પૂર્વેના કર્મોની વાતો કરનાર દરિદ્રતા અને દુ:ખ લાવે છે.
  • સાદાઈ બેકારી અને દરિદ્રતા લાવે છે. વૈભવની ઈચ્છા રોજી અને સુખ લાવે છે. સાદાઈ વ્યવહારમાં ઠીક છે, જીવનમાં નહીં.
  • લક્ષ્મીના સાચા ઉપાસક અર્થોપાર્જન કરી હજારોના અન્નદાતા અને દાની બની શકે છે.  

પાપી મનુષ્યના લક્ષણો  (વેદ વ્યાસ)

  • કૃપણને દાન આપનાર                     
  • નિંદા કરનાર 
  • જૂઠું બોલીને પેટ ભરનાર                     
  • ગુરુનું અપમાન કરનાર 
  • માતા-પિતાને હડધૂત કરનાર                     
  • સ્વાર્થી 
  • ખોટાં તોલ-માપ કરનાર                     
  • ક્રોધથી ગામનો નાશ કરનાર 
  • બ્રાહ્મમણની હત્યા કરનાર

સમાજવિરુદ્ધ કામથી થતાં પાપ

  • અભક્ષ્ય આહાર લેવું                         
  • સ્વધર્મનો ત્યાગ કરવું 
  • શરણાગતનો તિરસ્કાર કરવો                     
  • માતા-પિતાનું ભરણપોષણ ન કરવું
  • યાચકોનો અનાદર કરવો                     
  • હિંસા કરવી 
  • અતિથિનો અનાદર કરવું 

પ્રાયશ્ચિત દ્વારા પાપ મુક્ત થવા પ્રાર્થના અને ભાવનાસહ ભક્તિ કરવી પડે છે.

સનાતન ધર્મ  (મુનિ દેવસ્થાન) 

સનાતન ધર્મના નવ અંગો:

  1. સર્વ પ્રાણીઓનો અદ્રોહ
  2. સત્યભાષણ
  3. આતિથ્ય સત્કાર
  4. દયા
  5. ચાપલ્ય
  6. લજ્જા
  7. મૃદુતા
  8. એક પત્ની વ્રત અને
  9. ઈંદ્રિયનિગ્રહ 

ચાર આશ્રમો અને તે વખતના કાર્યો

  1. બ્રહમચર્યાશ્રમ - સ્વાધ્યાય
  2. ગૃહસ્થાશ્રમ - ગૃહસ્થજીવન-યજ્ઞો
  3. વાન પ્રસ્થાશ્રમ - તપ
  4. સન્યાસ્તઆશ્રમ - જ્ઞાનયજ્ઞ   

સત્ય 

સત્ય સનાતન ધર્મ છે. સત્ય જ બ્રહમ છે. માટે સત્યનો સદૈવ આદર કરવો. સત્ય જીવની પરમગતિ છે. સત્યના તેર સ્વરૂપો છે. સત્ય, સમતા, દમ, મતસરનો અભાવ, લજ્જા, ક્ષમા, તિતિક્ષા, અન્યના દોષ ન જોવા, ત્યાગ, શુદ્ધ આચરણ, ધૈર્ય, દયા અને અહિંસા.
હકીકતમાં સત્ય એ ધર્મની પરાકાષ્ઠા છે. 

મોક્ષધર્મ

  • જેમ ફૂલથી સુગંધ અને સુખડ ઘસવાથી સુવાસ મળે છે, તેમ ઈષ્ટદેવનું અહર્નિશ ચિંતન કરવાથી આધ્યાત્મિક જાગૃતિ આવે છે. તો જ શ્રીહરિની કૃપાથી પ્રભુદર્શન શક્ય બને છે.
  • આપણામાં ભક્તિ હોય જ છે. કામ અને કાંચનનું આવરણ તેને ઢાંકે છે.
  • સત્કર્મ, ધ્યાન, જપ, પુજા, ઈશ્વરચિંતન, અને પ્રભુભક્તિથી પાપ કપાય છે.
  • ધર્મ એટલે બૌદ્ધિક વાદવિવાદ કે વિતંડાવાદ નહીં, ધર્મ એટલે નીતિશાસ્ત્ર મુજબ વર્તન-     ધર્માચરણ અને સંસ્કારીપણું-તેનાથી જ શાંતિ, પ્રગતિ અને ભાઈચારો મેળવી-છેલ્લે મોક્ષ મળે છે. 
 પાંચ મહાયજ્ઞ
  • બ્રહમયજ્ઞ - વેદનું અધ્યયન
  • પિતૃયજ્ઞ -  પિતૃ-તર્પણ અને શ્રાદ્ધ   
  • દેવયજ્ઞ - હોમહવન
  • ભૂતયજ્ઞ - બલીકર્મ
  • નૃયજ્ઞ  - માનવસેવા, અતિથિસેવા       

સર્વત્યાગીને જ મોક્ષ મળે છે એવી ગોરમાન્યતા છે.

  1. ત્યાગ: સુખનો ત્યાગ-ધન અને સ્ત્રીસંગ છોડવું
  2. મહાત્યાગ: સુખત્યાગ ઉપરાંત દુ:ખ સ્વીકૃતિ : અનિકેત- ઘર વગર વૃક્ષ નીચે રહેવું – આહાર-વિહાર કષ્ટદાયક રાખવા.
  3. અતિત્યાગ: મહાત્યાગ ઉપરાંત પ્રચુર દેહદમન-વસ્ત્ર ન પહેરવું, પાત્ર ન રાખવું, પગમાં કઈ ન પહેરવું, નામમાત્રનો આહાર, ઠંડી-તાપ-વરસાદ સહન કરવું. 

કળયુગ વિષે ભવિષ્યવાણી

વૃષ્ટિ નહિવત હશે- કૂવા, વાવ, તળાવના પાણીઓ, છોડ, વૃક્ષોની સંખ્યા ઘટશે, તૈયાર પાક તીડ ખાઈ જશે. ઋતુઓમાં અનિયમિતતા આવશે. દુષ્કાળ અવારનવાર પડશે. ગાય-ભેંસ ઓછું દૂધ આપશે. શ્વાન કરતાં ગાયો સસ્તી મળશે. વાસના, દંભ, ક્રોધ, લાલસા, મમત્વ જેવા દુર્ગુણો વધતાં જશે માનવમન સંકુચિત થશે. ભોગ-વિલાસમાં લોકો રચ્યાપચ્યા રહેશે. સદ્દ્ગુણોમાં ઓટ આવશે. અન્નના કોઠાર હશે ત્યાં ખાનાર નહીં હોય. અને ખાનાર હશે ત્યાં અન્નની અછત હશે. માનવ-માનવના સંહાર કરશે. ઘરે ઘરે કજિયો કંકાસ જોવા મળશે. ધનવાન-દાતાર નહીં બને. રાંધેલું અન્ન બજારમાં મળશે. ભિન્ન-ભિન્ન પ્રકારના યંત્રો, શસ્ત્રો અને વસ્ત્રો ઉત્તપન્ન થશે. 

ગુરુ, સ્વામી, મિત્ર અને ભક્તોનો દ્રોહ કરનારો વધશે. સ્ત્રી-પુરુષ વચ્ચે પ્રીતિ ઓછી થશે. પુરુષ પત્નીને વશ થઈ પુત્રવધૂ સાસુ-સાસરનો તિરસ્કાર કરશે. સ્ત્રી પતિને તુચ્છ ગણશે. સ્ત્રી પતિનું કહેલું માનશે નહીં. પતિવ્રતા ધર્મનું પાલન નહીં કરે. આડંબર ખાતર સ્ત્રી ઓછું બોલશે. સ્ત્રીઓ અંગો દેખાય તેવા વસ્ત્રો પરિધાન કરશે. ગણિકાઓ નીતિ નિયમ પાળશે અને કુળવાન સ્ત્રી વેશ્યા જેવુ વર્તન કરશે. ભાઈ પોતાના ભાઈને દુશ્મન ગણશે. માતા-પિતા અને સંતાનો વચ્ચે વેર બંધાશે. દેવાલયની મૂર્તિઓમાં દેવાયત નાશ પામશે. સાધુ-સન્યાસી ધનના લાલચુ અને ચારિત્રહીન બનશે વૈદ્ય-હકીમો દર્દીઓને ખોટી દવા આપશે. મલેચ્છ રાજકરતા બનશે. રાજા, પ્રધાન, વજીર, પ્રજા બધા ભેગા મળી ચોરી કરશે. મિથ્યા વાદવિવાદ-વિતંડાવાદ કરનારને લોકો વિદ્વાન માનશે. સાચા જ્ઞાનીને લોકો ગાળો ભાંડશે.

રાજધર્મ (રાજાએ ધ્યાનમાં રાખવાના લક્ષણો

ભીષ્મપિતામહ યુધિષ્ઠિરને બાણશૈયા પરથી કહે છે,

  1. શ્રદ્ધાપૂર્વક પરલોકની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો
  2. ક્રૂરતા વિના દ્રવ્યોપાર્જન કરવું
  3. ધર્મઅનુસાર ઈંદ્રિયનિગ્રહ કરવો
  4. દિનપણું તજવું
  5. શૂરવીર થવું, પણ અભિમાન કરવું નહીં
  6. સર્વ જીવપ્રાણીમાત્ર પર દયા રાખવી
  7. પોતાની તાકાતની મર્યાદા વિચારી સંધિ કરવી
  8. કુપાત્રે નહીં, પણ સુપાત્રે દાન કરવું
  9. સગાવહાલાં સાથે સંઘર્ષમાં ઊતરવું નહીં
  10. દુષ્ટ માણસની દુત તરીકે નિમણૂંક કરવી નહીં
  11. કાર્ય સિદ્ધ કરવા કોઈને દુ:ખ દેવું નહીં
  12. પોતાના વિચારો અપાત્ર મનુષ્યને જણાવવા નહીં
  13. આત્મશ્લાઘા (પોતાની પ્રશંસા) કરવી નહીં
  14. સાધુ-સંતો પાસે કરવેરા લેવા નહીં
  15. દુષ્ટ લોકોને મિત્ર બનાવવા નહીં
  16. પૂરી તપાસ કર્યા વિના શિક્ષા કરવી નહીં
  17. ગુપ્ત વાતો જાહેર કરવી નહીં
  18. લોભી જનોને દાન આપવું નહીં
  19. અપકાર કરનારનો વિશ્વાસ કરવો નહીં
  20.  ઈર્ષા આગ સમાન છે, ઈર્ષા કરવી નહીં
  21.  શુદ્ધતા (પવિત્રતા) જાળવવી
  22. અતિ વિષયભોગ (સ્ત્રીસેવન) ભોગવવા નહીં
  23. પથ્ય અને પોષક આહાર લેવું
  24. ગુરૂજનો અને વડીલોનું પૂજન કરવું
  25. ગુરુની પાસે ખાલી હાથે જવું નહીં. તેમની સેવા કરવી
  26. દેવતાઓની પુજા કરવી
  27. ન્યાયમાર્ગે જ ધન એકત્ર કરવું
  28. આસક્તિ વિના ધન વાપરવું
  29. દેશકાળને અનુસરી-સમયનો વિચાર કરી વ્યવહાર કરવો
  30. દરેક ને ધીરજ આપવી
  31. તિરસ્કારપૂર્વક નહીં-પ્રેમપૂર્વક ઉપકાર કરવો
  32. અન્યાયપૂર્વક કોઈને દંડ ન કરવો કે મારવું  નહીં 
  33. શત્રુને મારીને શોક કરવું નહીં
  34. વગર વિચાર્યે ક્રોધ કરવો નહીં
  35. અપરાધી ઉપર દયા રાખવી
  36. રાગદ્વેષ રહિત સર્વધર્મનું આચરણ કરવું અને સર્વધર્મ પ્રત્યે સમભાવ રાખવું

દરેક વ્યક્તિ સ્વયં રાજવી - રાજા! 

આપણે પોતે કુટુંબના, આપણાં પોતાના શરીરના અને તે ઉપરાંત બીજી ઘણી બધી રીતે રાજા છીએ. તેથી આ રાજાની સલાહો આપણને પણ એટલી જ અનુરૂપ યથાયોગ્ય અને જરૂરી છે. કઈંક વિચારીશું? 

  • પહેલી ભગવદગીતા માં અર્જુનનો વિષાદ દૂર કરવા અર્જુનને યુદ્ધની શરૂઆતમાં શ્રીકૃષ્ણે કહી છે અને તેમાં છેલ્લે અર્જુન પોતાનો ધર્મ સમજી “હું યુદ્ધ કરીશ” એમ વચન આપે છે. 
  • તેવી જ રીતે યુદ્ધના વિજય પછી યુધિષ્ઠિરને આપેલ વૈરાગ્ય અને સંસારત્યાગની ઈચ્છા છોડવા ભીષ્મપિતામહ જ્ઞાન આપે છે. પરિણામે યુધિષ્ઠિર રાજ્યાભિષેક માટે તૈયાર થાય છે. આ બીજી ભગવદગીતા છે. 
  • પણ, એ બંને સંભાષણો આપણને જીવન જીવવાની જડીબુટ્ટી આપે છે. હા, ખરેખર, દરેક પ્રશ્નનો ઉકેલ અને મનનું  સમાધાન આ બન્નેમં છે. ચાલો તો પછી આપણે સૌ માનવધર્મ-માણસાઈ-જીવનજીવવા આ પાઠોનું જીવનમાં આચરણ કરીએ.




"મહાભારત" શ્રેણીના બીજા લેખો
Other Related Articles
મહાભારત
ભગવદ્દ ગીતા
શાંતિપર્વ: બીજી ભગવદ્દ ગીતા
વિદુર નીતિનો ઉપદેશ
Hinduism
Bhagavad Gita - Short And Straight
Karmic Theory (Law Of Karma)
Karmic Theory - Practical Meditation

ભગવદ્દ ગીતા

બધા કહે છે ભગવદ્દ ગીતાથી મારૂ જીવન ધન્ય બન્યું છે. મારા પ્રશ્નોનાં ઉત્તર મળે છે. અવારનવાર તે વાંચવાથી માનસિક શાંતિ-આનંદ અને શંકાનું સમાધાન થવા સાથે નવા નવા અર્થો મળે છે. તમારે ખાતરી કરવી હોય તો મહાભારતના 18 પર્વોમાંથી છઠ્ઠો ભીષ્મપર્વ શોધી તેમાંથી 26 થી 42 અધ્યાયો વાંચવા પડે. તેને ભગવદગીતા કહી છે. આમ 18 અધ્યાયમાં વહેંચાયેલા 700 ષ્લોક વાંચવા પડે. તમારા સહિત લગભગ મોટાભાગના હિન્દુઓ આવું કરતાં નથી, ત્યારે ભગવદગીતાનો સાર કહેવાનો અહીં ઉપક્રમ છે. જેનાથી આપસૌને ભગવદ્દ ગીતાના જ્ઞાનનો ભંડાર ટૂંકમાં મળી શકે. પછી વધુ ગૂંચવણો ન થાય એની મારી ખાત્રી છે.

મહાભારતમાં વર્ણવેલ કુરુક્ષેત્રમાં થયેલા કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધની શરૂઆતમાં જ અર્જુનને સામે પક્ષે પોતાના કાકા, દાદા, ગુરુજી, મામા, ભાઈ, પુત્રો, મિત્રો, અને બધા સગા જોઈને સ્વજનો પ્રત્યે મોહમાયા-વિષાદ થવાથી – કરુણા થવાથી- યુદ્ધ પ્રત્યે શોક અને વૈરાગ્ય થાય છે. યુદ્ધ છોડી જવા અર્જુન વિચારે છે ત્યારે તેના સારથિ કૃષ્ણ યુદ્ધની અનિવાર્યતા સમજાવવા જે વાત કરે છે તે ભગવદ્દગીતા. તેમાં જીવન જીવવા જડીબુટ્ટી પણ આવી જાય છે. (અર્જુન વીષાદયોગ-1) 

ભગવદ્દગીતામાં જીવનના પાયાના સિદ્ધાંતો બતાવ્યા છે. જેમ કે સંપૂર્ણ શરણાગતિ-સાક્ષીભાવ-સ્થિતપ્રજ્ઞજીવન-ઉપરાંત કર્મ યોગ-ભક્તિયોગ- અને જ્ઞાનયોગ વિષયક વિગતો આપી છે.
ચાલો ભગવદગીતા સમજીએ.

ભક્તિયોગ (XII અધ્યાય અને અધ્યાય VII જ્ઞાન વિજ્ઞાન યોગ)

હિન્દુ ધર્મમાં આધ્યાત્મિક માર્ગે કર્મ, જ્ઞાન અને ભક્તિથી આગળ વધાય છે. તેમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધાપૂર્વક કરાતી ભગવાનની પ્રાર્થનાની-ભક્તિની-ચર્ચા અને માહિતી ભગવદગીતામાં XII માં અધ્યાયમાં ‘ભક્તિયોગ’ તરીકે અને VII માં અધ્યાયમાં જ્ઞાનવિજ્ઞાન યોગમાં આપવામાં આવી છે. ભક્તના લક્ષણો, ભક્તના પ્રકારો અને ભક્તિની રીતે સમજવાથી ભક્તિ યોગની માહિતી સંપૂર્ણ થાય છે. 

ભક્તના લક્ષણો

ભક્ત પોતે કોઈને ઉદ્વેગ નથી આપતો અને કોઇથી ઉદ્વેગ નથી પામતો, ભક્ત હર્ષ, ભય, ઉદ્વેગ કે ઈર્ષ્યા (અમર્ષ) થી વેગળો છે-મુક્ત છે. આવો સ્થિરબુદ્ધિનો ભક્ત ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય છે. ભક્ત સાદાઈથી સંતુષ્ઠ, મનનશીલ અને નિંદા-સ્તુતિને સમાન ગણનાર હોય છે. 

ભક્તના પ્રકારો

  1. જિજ્ઞાસુ : ભગવાન અને ભક્તિ વિષયક જાણવાની અપેક્ષાવાળો ભક્ત
  2. જ્ઞાની : ભક્તિના વિષયનો જાણકાર, ભગવાનને નિર્દોષ ભાવે પ્રેમ કરનાર અને અપેક્ષા રહિત ભક્ત
  3. અર્થાર્થી : ભક્તિ દ્વારા આ કે આવતા જન્મે, લાભની અપેક્ષાવાળો ભક્ત
  4. આર્ત : ચિંતા, દુ:ખ, કે સમસ્યાના નિરાકરણ માટે ભગવાનની ભક્તિ કરનાર ભક્ત

ભક્તિની રીતો

  • શ્રાવણ :- સાંભળવું
  • કીર્તન :- મોટેથી ગાઈને - બોલીને - ભજવું.
  • સ્મરણ-મનન :- ભગવાનને યાદ કરવું અને તેનું ચિંતન કરવા સાથેની ભક્તિ
  • જપ :- માળાના મણકા સાથે કે વગર ભગવાનનું નામ બોલવું અને/અથવા લખવું.
  • વંદન :- ભગવાનને પગે લાગવું-પ્રણામ કરવું.
  • પાદસેવન :- ભગવાનની સેવા કરવું.
  • દાસ્ય :- ભગવાનના સેવક-નોકર-બની કામ કરતાં ભક્તિ કરવું.
  • સખ્ય :- ભગવાનને મિત્ર બનાવી ભક્તિ કરવું.
  • શાસ્ત્રોનું પઠન :- ભગવાનના ધાર્મિક પુસ્તકોનું વાંચન
  • આત્મનિવેદન :- સ્વને ભૂલીને ભગવાનની શરણાગતિ સાથેની ભક્તિ

આવી વિવિધ રીતોથી ભક્તિ થઈ શકે છે. તે ભક્તિયોગમાં શીખવા મળે છે.

જ્ઞાનયોગ (બીજો અધ્યાય) સ્વયંની અનુભૂતિ કરાવતો બુદ્ધિમાર્ગ 

જ્ઞાન-વિજ્ઞાન-બુદ્ધિ અને સ્વયંની અનુભૂતિ કરવાનો આધ્યાત્મિક માર્ગ તે જ્ઞાનયોગ. “હું કોણ છું” કે “હું શું છું” તે જાણવાને ખાતર યોગ્ય ગુરુ દ્વારા બુદ્ધિપૂર્વકનો અભ્યાસ જે “આત્મા” નું માર્ગદર્શન આપે છે, તે જ્ઞાનયોગ. 

જાણકારી, અનુભૂતિ, સમજણ સાથેનું જ્ઞાન કે જે વિગત, વસ્તુ અને આવડત શિખવે છે તે રસ્તો તે જ્ઞાનયોગ. સ્વયંસ્ફુરણા, અનુભૂતિ અને બુદ્ધિપૂર્વકની (Self consciousness, awareness and intellectual understanding) સમજણ જ્ઞાનયોગમાં મળે છે. 

જ્ઞાનયોગ ધ્યાન (Meditation) અને જ્ઞાન (Knowledge) શીખવે છે.

  1. વિવેક : બુદ્ધિપૂર્વક સમજણથી કાયમી (eternal) અને અનિત્ય-બદલાતું-(changing)નો તફાવત સમજવું.
  2. વિરાગ : કર્મફળ, વસ્તુઓ, અને અમૃત - કઈપણનો ત્યાગ – નિસ્પૃહા - તે વિરાગ.
  3. મોક્ષ : અજ્ઞાન થી જ્ઞાન તરફ વળી મોક્ષ મેળવવું.
  • શ્રવણ : સાંભળવું
  • મનન : વિચારવું-સ્વાધ્યાય કરવું અને
  • ધ્યાન : MEDITATION યોગ્ય બેઠક લઈ ધ્યાન કરવું.

આમ ગુરુની મદદથી, શ્રવણ, મનન અને ધ્યાન દ્વારા મોક્ષ પ્રાપ્તિની શોધ કરવું તે જ્ઞાનયોગ.

કર્મયોગ (અધ્યાય - III) 

નિષ્કામ કર્મયોગ : (Selfless action for worship) કર્મફળ અને આશક્તિને છોડીને ભગવાનની આજ્ઞા પ્રમાણે કેવળ ભગવદ અર્થે સમત્વ બુદ્ધિથી કર્મ કરવું તે.

કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે. ખરેખર તો પ્રકૃતિજન્ય ગુણો વડે પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે. (III-5) 

કૃષ્ણ- મારે ત્રણેય લોકમાં ન તો કશું કર્તવ્ય છે. કે ન કશીય પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ્ત છે છતાય હું કર્મમાં જ વર્તુ છું. સઘળા કર્મો, સ્વપ્રકારે, પ્રકૃતિના ગુનો વડે જ કરવામાં આવે છે, છતાં અહંકારી-અજ્ઞાની-“હું કર્તા છું” એમ માને છે. (III-27)

શરીરના પ્રત્યેક અવયવ અને પ્રકૃતિ (નદી-સૂર્ય-વાદળ-ફૂલ-વૃક્ષ)ચારે તરફ નિષ્કામ કર્મ કરતાં જ રહે છે.

  • કર્મ તો કરવું જ, પણ કર્તાપણાનો ભાવ અને ફળની આશક્તિ છોડી દેવું.
  • પૂર્ણ પુરુષાર્થ કરો અને નિશ્ચિંત થાઓ. નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન જ એક સિદ્ધિ છે.
  1. કર્મ : સ્વધર્મ-સમાજે અને શાસ્ત્રોએ મંજૂર કરેલ કામો
  2. વિકર્મ : શાસ્ત્ર નિષિદ્ધ ક્રિયા, અંતરાત્મા ના પડે છતાં કરાતું કામ ચોરી, ખૂન, બળાત્કાર, હિંસા, અસત્ય, લોભ કે સંગ્રહ વિગેરે વિ = વિકૃત-વિકારવાળું-વિરુદ્ધ કામ
  3. અકર્મ : કાંઈપણ ન કરવું તે (lnaction) - નિષ્ક્રિયતા - શારીરિક શ્રમનો અભાવ

મોક્ષ - સન્યાસયોગ

  • નિત્યકર્મ : દૈનિક ક્રિયાઓ – ખાવું, ઊંઘવું, મળત્યાગ, શ્વાસ લેવું, સ્નાન, દેવસેવા, પૂજાપાઠ
  • નિમિત્તકર્મ : કારણને લીધે+માટે કરાતું કામ - અકસ્માત થનાર વ્યક્તિને હોસ્પિટલ લઈ જવું
  • કામ્યકર્મ : કોઈ સિદ્ધિ કે ફળ પ્રાપ્તિ માટે કામ-સંકટ કે રોગ નિવારણ અર્થે, + પુત્ર પ્રાપ્તિ, વરસાદ લાવવું માટે
  • કર્તવ્યકર્મ : ફરજ રૂપે કરવાનું થતું કામ – વિદ્યાર્થી તરીકે અભ્યાસ, વૃદ્ધ માતાપિતાની સેવા- ઈશ્વરભક્તિ, આશ્રમધર્મ, વર્ણધર્મનું કામ (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર)

અન્નના પ્રકાર

  • ભક્ષ્ય : ચાવીને ખાવું પડે - દા.ત. રોટલી
  • ભોજય : ગળવું પડે - દા.ત. પ્રવાહી-દૂધ-પાણી
  • લોહય : ચાટવું પડે - દા.ત. ચટણી
  • ચોષ્ય : ચૂસવું પડે - દા.ત. શેરડી (15:15)

અપવિત્ર ભોજન : ન ખાવાના ભોજનના પદાર્થો

  • હિંસામય : માંસ-માછલી-ઈંડા
  • માદક : દારૂ, ભાંગ, તમાકુ
  • અપવિત્ર વસ્તુ : સ્થાન કે વ્યક્તિના સંયોગવાળું
  • અન્યાય અને અધર્મથી ઉપાર્જિત અસતધન વડે મેળવેલ. (17:10)

કરવા યોગ્ય કર્મ : દૈવી સંપદા (સોળમો અધ્યાય) 

  • મન, વાણી અને શરીરથી કષ્ટ ન આપવું
  • ક્રોધ ન કરવો
  • કર્મોમાં કર્તાપણાનો અભાવ રાખવું
  • ચિત્તમાં સરળતા હોવી-ચંચળતા નહીં
  • નિંદા ન કરવી
  • વિષયો પ્રત્યે આશક્તિ ન હોવી 
  • વ્યર્થ ચેષ્ટા ન કરવું
  • મૃદુ સ્વભાવ રાખવો
  • શાસ્ત્ર વિરુદ્ધ કર્મથી લજ્જા થવી
  • ખરાબ કામ પ્રત્યે શરમ રાખવી
  • તેજ-ક્ષમા-ધીરજ અને બાહ્ય શુદ્ધિ રાખવી
  • પૂજ્યતાનું અભિમાન ન હોવું
  • નિરાભિમાની - પવિત્ર અને દાની બનવું
  • ચાડી ન ખાનાર બનવું
  • કોઈ પ્રત્યે શત્રુતા ન હોવી
ઉપર મુજબનું શાસ્ત્રોક્ત વિધિથી નિયત કરવા યોગ્ય કામ જ કરવું- તો જ સ્વર્ગ જવાશે.  

આસુરી સંપદા (ન કરવાના કામો)

  • દંભ 
  • ઢોંગીપણું 
  • સૌનો અપકાર કરવું
  • ઘમંડ 
  • મિથ્યાદ્રષ્ટિ 
  • ભ્રષ્ટ આચરણ
  • અભિમાન 
  • મંદબુદ્ધિ 
  • અન્યાયથી ધન કમાવવું
  • ક્રોધ 
  • ક્રૂરકર્મી 
  • લોભી થવું
  • કઠોરતા 
  • પાપાચારી
  • અજ્ઞાન 
  • દ્વેષકરનાર

ન કરવાના કામો - આસુરી ગુણો - નરકના દ્વાર ગણાય છે. 

ગુણાત્રય યોગ (ત્રિગુણ વિભાગ યોગ)

  • સત્વગુણ : તેજ પ્રગટાવનાર, વિકાર વિનાનો, સુખ અને જ્ઞાનના અભિમાનને જીવાત્માને બાંધે છે. ચેતનતા અને વિવેકશક્તિ વધે છે અને સત્વગુણથી મૃત્યુ પછી સ્વર્ગે જવાય છે.
  • રજોગુણ : લાલસા અને આશક્તિમાંથી ઉદ્દભવે છે. આ ગુણ ધરાવનાર લોભી, સ્વાર્થી, અશાંતિ, અને વિષય લોલુપ હોય છે. મૃત્યુ પછી મનુષ્યલોકમાં ફરીથી માનવદેહ મળે છે.
  • તમોગુણ : અજ્ઞાન, પ્રમાદ, આળસ અને નિંદ્રા વડે આ ગુણ ઉપજે છે. વ્યક્તિ નિસ્તેજ અને ચેતનતાનો અભાવ ધરાવે છે. કર્તવ્યકામો ન કરનાર, આળસુ અને વધારે ઊંઘ લેનાર પ્રમાદી બને છે.મૃત્યુ પછી અધોગતિ પામે છે અને જંતુ કે પશુ જેવી મૂઢયોનિ પામે છે. 

શ્રદ્ધાત્રય વિભાગ

ત્રણ જાતના મનુષ્યો જગતમાં હોય છે. સાત્વિક, રાજસી અને તામસી. તે ત્રણેનું વર્તન સ્વભાવ પ્રમાણે અલગ-અલગ હોય છે. 

  1. પુજા : 
    • સાત્વિક મનુષ્ય દેવોને પૂજે છે. રાજસી યક્ષ અને રાક્ષસોને પૂજે છે. 
    • જ્યારે તામસી ભૂતપ્રેતગણને પૂજે છે.
  2. ખોરાક :
    • સાત્વિક ભોજન : આયુષ્ય, ઉત્સાહ, બળ, આરોગ્ય-સુખ, પ્રીતિ વધારનારા, સ્નિગ્ધ- ચિકાશવાળા અને મધુર રસવાળા, શરીરને મજબૂત કરી સ્થિર કરનારા અને હ્રદયને પ્રિય હોય છે. 
    • રાજસી મનુષ્ય : કડવા, તીખા, ખાટા, અતીગરમ લૂખા, દાહ કરનારા ભોજન લે છે. તેનાથી દુ:ખ-શોક અને રોગ ઉત્પન થાય છે. 
    • તામસી લોકો : વાસી, એંઠું, ઠંડુ, રસ વગરનું, ગંધાતું, અપવિત્ર ભોજન કરે છે. 
  3. યજ્ઞ : 
    • સાત્વિક : શાસ્ત્રવિધિ મુજબ-સ્થિર મને-ફળની અપેક્ષા વગરનો યજ્ઞ 
    • રાજસી : દંભ પૂર્વક-ફળની અપેક્ષાથી કરાતો યજ્ઞ
    • તામસી : શાસ્ત્રવિધિ વિરુદ્ધ અન્નદાન વિના, મંત્ર રહિત અને દક્ષિણા રહિત શ્રદ્ધાભાવ વગરનો યજ્ઞ 
  4. દાન : 
    • સાત્વિક : કર્તવ્યપરાયણતાથી, યોગ્ય સ્થળે અને સમયે, બદલાની આશા વગરનું દાન
    • રાજસી : ફળ પ્રાપ્તિમાટે, કચવાતા મને, દાન લેનાર ઉપર ઉપકાર કરવા માટે, રોગ નીવારણ માટે, માન, પ્રતિષ્ઠા અને સ્વર્ગ પ્રાપ્તિમાટેનું દાન
    • તામસી : અયોગ્ય સ્થાન અને સમયે, અપાત્રને, અવજ્ઞાપૂર્વક અપમાન કરીને આપેલું દાન
  5. ત્રિવિધિ તપ :
    • સાત્વિક : ફળની અપેક્ષા વિના, પરમાત્માપરાયણ માણસ દ્વારા શારીરિક, માનસિક અને વાણીનું તપ
    • રાજસી : દંભથી, સત્કાર-માન અને પૂજાની અપેક્ષા સાથેનું તપ
    • તામસી : અજ્ઞાનપૂર્વક, હઠથી થતું, મન, વાણી અને શરીરને પીડા આપનારું બીજાને અનિષ્ઠ કરવા થતું તપ 

સ્થિતપ્રજ્ઞ (બીજો અધ્યાય : 55 થી 59 ષ્લોક) (Man of Steady Wisdom)

  • વ્યક્તિ પોતે જ સ્વભાવે સંતુષ્ઠ અને પોતાની રીતે જ આનંદમાં હોય - તે પોતાને છોડી બીજામાં સુખ ન શોધતો હોય – તે સ્થિતપ્રજ્ઞ = સ્થિરમતિ.
  • કામના વાસના ત્યાગીને તેને ઈશ્વર તરફ વાળનાર છે.
  • સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ સ્થિરમતિ બને છે તેથી તેને સુખ-દુ:ખનો સ્વસ્થતાથી સ્વીકાર બને છે. રાગ-વિરાગથી પર રહે છે અને તેથી ભય અને ક્રોધથી આપમેળે જ મુકત થાય છે.
  • વિષયો પ્રત્યેનો આશક્તિ સ્થિત પ્રજ્ઞે ત્યજેલી જ હોય છે અને તેથી તેને પોતાના ચિતને નિર્વિકાર કરનાર બનાવ્યું હોય છે.
  • આમ, સ્થિત પ્રજ્ઞને પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી તેને સંસાર પ્રત્યે લેશમાત્ર આશક્તિ રહેતી નથી. (59)
  • તેણે કાચબાની જેમ ઈન્દ્રિયોને વિષયમાંથી સંપૂર્ણપણે સર્વ પ્રકારે ખેંચી લીધી હોય છે. (58)
  • જેને સ્થિરતાનું જ્ઞાન મળ્યું હોય તે, આનંદ કે શોક મુકત છે. તેણે એનું ક્યાય સ્થળ કે વસ્તુનું વળગણ નથી. તેથી તે આનંદ કે શોકથી મુકત છે. (57)
  • સ્થિતપ્રજ્ઞને દુ:ખોની પ્રાપ્તિ થતાં મનમાં ઉદ્વેગ નથી થતો તેવી જ રીતે, સુખો મળતા પણ સંપૂર્ણપણે તેનાથી નિસ્પૃહ રહે છે, કારણ સ્થિતપ્રજ્ઞના રાગ, ભય અને ક્રોધ નાશ પામ્યા હોય છે. (56)

ખરેખર સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ (મુનિ, જ્ઞાની, યોગી કે ભક્ત) મનમાં રહેલી સર્વ કામનાઓ ત્યજીને છેલ્લે આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે. (55) 

સંપૂર્ણ શરણાગતિ (બીજો અધ્યાય-47 ષ્લોક)

ભગવદગીતાનો આ સૌથી મહાન ઉપદેશ છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: “મારા શરણમાં આવ બધી જ જવાબદારી હું વહન કરીશ.” જીવનના અનુભવોમાં નિષ્ફળતા-નિરાશા-હતાશા ઘણી વખત આપણને ઘેરી વળે છે. ત્યારે રસ્તો દેખાતો નથી - ઉપાય મળતો નથી આવા સમયે “સંપૂર્ણ શરણાગતિ” (Total surrender) એકમાત્ર ઉપાય છે.

  • પરમાત્મામાં સ્થિર થઈ જાવ.
  • એ સમજો કે ફક્ત કર્મ કરવાની જ આપણી ફરજ છે, પરંતુ તેના ફળોનો બિલકુલ અધિકાર જ નથી.
  • ભગવાન જે ફળ આપે તેનો સાચો સ્વીકાર (Acceptance) કરવાથી શાંતિ મળે છે.
  • આમ ભગવાનને શરણે ગયા પછીથી કાર્યના પરિણામનું આપણને કોઈ મહત્વ જ રહેતું નથી.

સાક્ષીભાવ (Awareness of being an Observer)

કોઈપણ કાર્યના અને તેના પરિણામના ફક્ત પ્રેક્ષક (Observer) હોવાની લાગણીને સાક્ષીભાવ કહે છે. આપણે ફક્ત કાર્યકરનાર અને સર્વ કઈને દૂરથી જોનાર છીએ એવી મન:સ્થિતિ કેળવવાની છે. દેહભાવ છોડીને, માત્ર આત્મસ્વરૂપ હોવાની દ્રઢ અનુભૂતિ સાથે માણસ તમામ પ્રવૃત્તિ - બધા કર્મ - તટસ્થ રીતે - કેવળ ફરજના ભાગરૂપે - ફળની અપેક્ષા છોડીને કરે અને જે કઈ બને છે તેમાં હું-આત્મા - કશે સંડોવાયો નથી. અને સર્વ કઈ ફક્ત પ્રકૃતિનો ખેલ હોવાની લાગણી અનુભવે તે સાક્ષીભાવ.  

ગીતાસાર

ભગવદગીતાના સાતસો ષ્લોક અને અઢાર અધ્યાયમાંથી આપણે આ શીખ્યા:

  1. ત્રણ યોગ : જ્ઞાન-ભક્તિ અને કર્મ એમ ત્રણ યોગ છે. જ્ઞાનયોગ, ભક્તિયોગ, અને કર્મયોગ. આ ત્રણ હકીકતમાં જુદીજુદી રીતની સાધના પદ્ધતિ છે. જેને જે ગમે તે અને જે ફાવેતે પદ્ધતિથી લોકોત્તર કક્ષા પ્રાપ્ત કરવાનું ગીતા સમજાવે છે. ખરેખર તો જ્ઞાન વગરના ભક્તની, ભક્તિ રહિત જ્ઞાનની કે જ્ઞાની અને ભક્ત ન હોય તેવા કર્મયોગની હયાતી સ્વીકારવા ગીતા તૈયાર નથી. એટલે કે જ્ઞાન-ભક્તિ અને કર્મ બધાનો એકસાથે એકસામટો ઉપયોગ જ થાય તે હિતાવહ છે.
  2. જીવનમાં ઉદ્દ્ભવતા પ્રશ્નોનું નિરાકરણ સંપૂર્ણ શરણાગતિ, સાક્ષીભાવ અને સ્થિતપ્રજ્ઞ સ્વભાવ કેળવવાથી અચૂક થઈ શકે છે. એટલે ચાલો, આ ત્રણે લક્ષણો સમજીએ અને જીવનમાં ઉતારીએ.
  3. સંભવામી યુગે યુગે : ચોથા અધ્યાયના સાતમા અને આઠમાં ષ્લોકમાં શ્રીક્રુષ્ણ ધર્મની સ્થાપના માટે અને સાધુપુરુષની રક્ષા માટે ફરી-ફરીને અનેકવાર હાજર થવાનું વચન આપે છે. (IV- 7-8)
  4. કરીષ્યે વચન તવ (18 : 73) અર્જુન શ્રીકૃષ્ણની આ ભગવદગીતા સાંભળીને કહે છે- હું તમારા ઉપદેશ પ્રમાણે જ વર્તીશ આ મારૂ આપણે વચન છે.


"મહાભારત" શ્રેણીના બીજા લેખો
Other Related Articles
મહાભારત
ભગવદ્દ ગીતા
શાંતિપર્વ: બીજી ભગવદ્દ ગીતા
વિદુર નીતિનો ઉપદેશ
Hinduism
Bhagavad Gita - Short And Straight
Karmic Theory (Law Of Karma)
Karmic Theory - Practical Meditation

મહાભારત

આપણે ૨૫૦૦ વર્ષ પહેલાં, સંસ્કૃતમાં વ્યાસમુની દ્વારા લખાયેલ મહાભારત વિષે એટલું જાણીએ કે તે ૧૮ લાખ શબ્દોથી બે લાખ લીટીમાં એક લાખ શ્લોકોવાળું હિંદુધર્મની માહિતી અને જ્ઞાન આપતું લાંબામાં લાંબી કવિતાનું પુસ્તક છે. 

આ ધર્મપુસ્તકમાં હકીકતમાં અઢાર પર્વ-એટલે કે અઢાર અધ્યાયમાં કુરુક્ષેત્રના મેદાનમાં સો કૌરવો અને પાંચ પાંડવો (બન્ને પક્ષે પિત્રાઈભાઈઓ) વચ્ચે લડાયેલ યુદ્ધની વિગતવાર કથા છે.

આ વાર્તા વ્યાસમુનીના વિદ્યાર્થી એવા વૈશામપાયને પ્રથમવાર વાંચીને તક્ષશિલા ખાતે અર્જુનના પૌત્ર એવા રાજા જન્મેજય ને સંભળાવી છે. વૈશમપાયને જન્મેજયને કહી સાંભળવી તે ધર્મકથા તે મહાભારત.

મને ખબર છે તમારે ફક્ત કથાવસ્તુ ટૂંકાણમાં જ જાણવી છે- અઢાર લાખ શબ્દો દ્વારા કહેવાયેલ વાત હું અઢાર પાનામાં કથાનું હાર્દ સમજાય પણ લંબાણ ન થાય એ રીતે) કહેવાનો નમ્ર પ્રયાસ કરું છું.  

કૌટુંબિક પરિચય

મહાભારતની શરૂઆત કુરુવંશનો ઈતિહાસ અને કુટુંબવૃક્ષ (Family Tree) ના પરિચય થી આદિપર્વ માં થાય છે. ત્યાર પછી સભાપર્વ માં કૌરવો-પાંડવો વચ્ચે રમાયેલ ધૃત જૂગટું અને પાંડવોની હાર ની કથા છે. તેર વર્ષમાંથી પહેલાં બાર વર્ષના વનવાસનું વર્ણન વનપર્વ માં અને છેલ્લા તેરમાં વર્ષના વનવાસની વાત વિરાટપર્વ માં જણાવી છે. તેરમાં વનવાસથી પરત ફરેલા પાંડવોને રાજ્ય ન આપતા તે પરત લેવા વાતચીત-સંધિ અને છેલ્લે યુદ્ધની તૈયારીની ચર્ચા ઉધ્યોગપર્વ માં કરેલી છે. આમ પહેલાં પાંચ અધ્યાયોમાં શરૂઆતની વાતનું વિગતવાર વર્ણન છે.  

કુરુક્ષેત્રનું યુદ્ધ

કૌરવો અને પાંડવો વચ્ચેના મહાભારતનું યુદ્ધનું વર્ણન ભીષ્મપર્વ, દ્રૌણપર્વ, કર્ણપર્વ, અને શલ્યપર્વમાં કરેલું છે. અહીં દરેક પર્વના નામ કૌરવ સેનાના સેનાપતિ પરથી ઉદ્દભવેલા છે. જેમકે ભીષ્મ, દ્રૌણ, કર્ણ અને શલ્ય. ભીષ્મપર્વ એટલા માટે ખાસ મહત્વનું છે કારણ કે તેના ૨૫ થી ૪૨ પ્રકારણોમાં અર્જુનને યુદ્ધની શરૂઆતમાં થયેલા વિષાદને દૂર કરવા શ્રીકૃષ્ણે આપેલો ભગવદગીતાનો સમાવેશ થયેલ છે. સૌપ્તિકપર્વ માં સૂતેલા પાંડવપુત્રોની ઊંઘમાં અશ્વથામાએ કરેલી હત્યાનું વર્ણન છે.

યુદ્ધ પછીની સ્થિતિ 

યુદ્ધમાં પાંડવો જીતે છે. કૌરવોના પક્ષે તથા પાંડવોના પક્ષે થયેલા મરણોના દુખમાં વિલાપ કરતી સ્ત્રીઓની વાત સ્ત્રીપર્વ માં કરી છે. મહાભારતની કથામાં બારમો અધ્યાય શાંતિપર્વ સૌથી લાંબો છે. બાણશૈયા ઉપર સૂતેલા ભીષ્મપિતામહ યુધિષ્ઠિરને રાજધર્મ અને જીવનના સિદ્ધાંતો કહે છે. તે સમજાવટને લીધે યુધિષ્ઠિર રાજા થવા સંમત થાય છે. આ વર્ણનો ધરાવતા શાંતિપર્વને હું બીજી ભગવદગીતા તરીકે વર્ણવું છું. યુધિષ્ઠિરને જ્ઞાન આપતા ભીષ્મપિતામહ અઠ્ઠાવન દિવસ બાણશૈયા ઉપર રહી છેલ્લે ઈચ્છામૃત્યુ પામે છે તે વાત અનુસાશન પર્વ માં છે. 

સ્વર્ગારોહણ 

રાજ્યાભિષેક કરીને યુધિષ્ઠિર અશ્વમેઘ યજ્ઞ કરે છે. તે અશ્વમેઘ પર્વ માં સમજાવ્યું છે. છેલ્લે ધૃતરાષ્ટ્ર, ગાંધારી, અને કુંતી જંગલમાં નિવાસ દરમ્યાન આગમાં મૃત્યુ પામે છે તે વાત આશ્રમવાસિક પર્વ માં આવેછે. ગંધારીના કૃષ્ણ ને શ્રાપને કારણે કૃષ્ણ તથા યદાવોના વિનાશની કથા મૌસલપર્વ માં છે. અહીં છેલ્લે મહાપ્રસ્થાન પર્વ હિમાલયમાં પાંડવો અને દ્રૌપદી ના પ્રસ્થાનની વાત અને સૌથી છેલ્લે બધાના મરણ અને સ્વર્ગવાસનું વર્ણન સ્વર્ગારોહણ પર્વમાં વર્ણવેલી છે.

કુરૂવંશ 

ઘણી પેઢીઓ પહેલાં રાજા કુરુ હસ્તિનાપુર ખાતે રાજ્યકર્તા હતો. ત્યારપછીની પેઢીમાં અંશવાન, પારિજાત(1), જન્મેજય(1), ભીમસેના(1), પ્રતિશ્વાસ, અને છેલ્લે પ્રતિપાનો પુત્ર શાંન્તનું હતો. મહાભારતમા શાંન્તનું રાજાના પરિવારની વિગતવાર વાર્તા હોવાથી તે સમજીએ. શાંન્તનું રાજા પહેલીવાર ગંગા સાથે લગ્ન કર્યા તેનો પુત્ર તે ભીષ્મ. ત્યારપછી શાંન્તનુંએ સત્યવતી સાથે લગ્ન કરતાં પુત્રો ચિત્રાંગદા (વહેલી ઉંમરે મરણ પામ્યો) અને વિચિત્ર વીર્ય. સત્યવતીના લગ્ન પહેલા પરાશર દ્વારા પુત્ર વ્યાસ. સત્યવતી (માછીમાર કન્યા) મત્સ્યકન્યાના પિતાએ લગ્ન સમયે સત્યવતી શાંન્તનુંનો પુત્ર રાજા બને એવી શરત કરતાં, ભીષ્મ આજીવન કુંવારા રહેવાની પ્રતિજ્ઞા લે છે. વિચિત્રવીર્ય અંબિકા અને અંબાલિકા સાથે લગ્ન કરે છે પરંતુ અપુત્રવાન મરણ થતાં સત્યવતી બન્ને વહુઓને વ્યાસજી દ્વારા પુત્રો લાવવા સલાહ આપે છે.

  1. વ્યાસજી જોડે નિયોગ સમયે અંબિકાની ભયને લીધે આંખ બંધ થવાથી નેત્રહીન અંધપુત્ર ધૃતરાષ્ટ્ર જન્મે છે.
  2. વ્યાસને નિયોગ સમયે જોતાં અંબાલિકા સફેદ પડી જતાં ફીકાશ પડતો પીળો પુત્ર પાંડુ જન્મે છે.
  3. વ્યાસજીના દાસી જોડે શરીર સંબંધ થી વિદ્વાન પુત્ર વિદુર જન્મે છે.

પહેલાં પાંડુ, અને તેના મૃત્યુ પછી, ધૃતરાષ્ટ્ર રાજા બને છે. ધૃતરાષ્ટ્રના લગ્ન ગાંધાર રાજા સુબલની પુત્રી ગાંધારી સાથે થાય છે. તેને 100 પુત્રો કૌરવો- દુર્યોધન, દુ:શાશન, વિગેરે અને એક પુત્રી દુ:શલા જન્મે છે. ધૃતરાષ્ટ્ર ના દાસી સાથે સંબંધથી પુત્ર યુયુત્સુ જન્મે છે. પાંડુ રાજા કુંતી અને માદરી સાથે લગ્ન કરે છે. લગ્ન પહેલાં કુંતીને છ પુત્ર માટે દુર્વાસાએ મંત્ર આપ્યા હતા. કુંતી લગ્ન પહેલાં સૂર્યદેવને મંત્ર કહેતા સૂર્યપુત્ર કર્ણ જન્મે છે. વધેલાં પાંચમાંથી ત્રણ મંત્રો દ્વારા પોતે ત્રણ અને માદ્રી બે પુત્રોની માતા બને છે. 

ધર્મદેવને પ્રાર્થના કરતાં ધર્મરાજ યુધિષ્ઠિર, વાયુદેવનું આહવાન કરતાં અતિ બળવાન ભીમ અને છેલ્લે ઈન્દ્રનું આહવાન ફાગણમાં કરતાં ફાલ્ગુન ઉર્ફે અર્જુન જન્મે છે. બીજી રાણી માદ્રીને જોડીયાપુત્રો નકુલ અને સહદેવ જન્મે છે. કામાતુર થતાં શ્રાપિત પાંડુ રાજા મૃત્યુ પામતા માદ્રી સતી થાય છે. 

દ્રૌપદી સ્વયંવરમાં અર્જુનના લગ્ન દ્રૌપદી જોડે થાય છે. ઘરે આવતા માતા વહેંચી લેવાના આશીર્વાદ અજાણતા આપે છે. તે કારણે દ્રૌપદી પાંચ પાંડવોની પત્ની બને છે. તે દરેક દ્વારા એકેક એમ પાંચ પુત્રોની માતા બને છે. 

આ સિવાય, ભીમના લગ્ન હિડીમ્બા સાથે થતાં પરાક્રમી ઘટોતક્ચ જન્મે છે. 

અર્જુનના લગ્ન ઉલૂપી સાથે થતાં ઈરાવાન, ચિત્રાંગદા સાથે થતાં બભ્રુવાહન અને શ્રીકૃષ્ણ ની બહેન સુભદ્રા સાથે થતાં અભિમન્યુ પુત્ર તરીકે જન્મે છે.

અભિમન્યુ સાથે ઉત્તરાના લગ્ન થતાં પરિક્ષિત જન્મે છે. જેનો પુત્ર જન્મેજય થાય છે.

મહાભારતમાંથી આટલું તો જાણવું જ પડે. ચાલો, અગત્યના પ્રસંગોની માહિતી સમજીએ... 

દ્રૌપદીનું ચિરહરણ - સભાપર્વ 

દુર્યોધન મયદાનવ રચિત સભામંડપ જોઈને પાંડવોથી ઈર્ષ્યા પામે છે. શકુની તેને પાંડવોના પૂર્વગ્રહને લઈ ઈર્ષ્યા છોડવા કહે છે. ભાઈ દુ:શાસન, કર્ણ, દ્રોણાચાર્ય, અશ્વત્થામા, કૃપાચર્યા, અને મારૂ કુટુંબ તારી પડખે જ છે. અમારી સહાયથી ભારતવર્ષ દિગ્વિજય કર. ઉપરાંત શકુની છળકપટ કે યુક્તિ-પ્રયુક્તિ સિવાય પાંડવોને જીતવા અશક્ય બતાવે છે. યુધિષ્ઠિર જુગાર રમવાના ખૂબ શોખીન છે, પરંતુ રમતા આવડતું નથી. શકુની કહે છે જુગારમાં હું વિશ્વમાં સૌથી પ્રવીણ છું, તેથી દ્યૂત રમીને હું તારા માટે સારુંય રાજ્ય આંચકી લઈશ.

સભામંડપમાં પ્રવેશદ્વારમાં સ્ફટિક મણીની મદદથી આબેહૂબ ચિત્ર દોર્યું હતું. જે બંધ હોવા છતાં ખુલ્લુ લાગવાથી દુર્યોધન દીવાલ સાથે અથડાઈ છે. ત્યાર પછી જળ હોય ત્યાં સ્થળ દેખાય એવા જળાશયને જોતાં જમીન માની દુર્યોધન તેમાં પડે છે અને તેના વસ્ત્રો પલળ્યા.

દ્રૌપદી અટ્ટહાસ્ય કરીને બોલી : “અંધના અંધ જ હોય.” ભીમે ઉમેર્યું - આતો ખરેખર ધૃતરાષ્ટ્રનો જ પુત્ર છે. દુર્યોધન અને શકુની ભુલભુલામણીને લીધે મહેલમાં ભૂલા પડ્યા-ત્યારે ભીમ, અર્જુન, સહદેવ, અને નકુળ સેવકો સહિત હસવા લાગ્યા. અપમાનિત બન્ને હસ્તિનાપુર પરત ગયા. શબ્દનો મહિમા અપાર છે. 

એક શબ્દ શાંત વિશ્વને સમરાંગણના પલટાવી નાખે છે. દ્રૌપદીના આ અપમાનજનક એક વાક્ય “અંધના અંધજ હોય” ને લીધે મહભારતનું યુદ્ધ સર્જાયું. 

દુ:ખી દુર્યોધનને શકુનીએ પાંડવોને દ્યૂત રમાડવાની યોજના સાંભળવી-ધૃતરાષ્ટ્ર પાસે પુત્ર પ્રેમને લીધે તેની પોતાની નામરજી હોવા છતાં વાત માન્ય રાખવી અને વિદુરને આમંત્રણ આપવા મોકલ્યા.

દ્યુત્ત સભા

 દુર્યોધન-દુ:શાસન-કર્ણ અને શકુની ની ચંડાળ ચોકડીએ અદ્દભુત સભા તૈયાર કરાવી. હસ્તિનાપુર આવવાના વિદુરના આમંત્રણને માન આપી વિદુર સાથે પાંડવો માતા કુંતી અને દ્રૌપદી સાથે પહોંચ્યા. વિચક્ષણ, મૂર્ખ, ઉદાર અને લોભીની પરીક્ષા જુગારમાં થાય છે. યુધિષ્ઠિર ફક્ત મહારાજ ધૃતરાષ્ટ્રને વંદન કરવા અને રમત જોવા જ આવ્યો હોવાનું જણાવી રમવાની ના પડે છે. શરૂઆતમાં અતિઆગ્રહને વશ થઈ ફકતા રમત અને જુગાર રમવાની ના પડે છે. પણ છેલ્લે વિચારે છે કે સંસાર ભાગ્યને આધીન છે, નહિતર મહારાજ ધૃતરાષ્ટ્ર જ દ્યુતનું આયોજન ન કરત. 

સભા અકડેઠઠ ભરાઈ ગઈ. સૌકોઈ સિંહાસને અને પોતાને સ્થાને ગોઠવાયા. છળકપટમાં અને પાસાના પરિણામ લાવવામાં માહિર દ્યુત શકુની-દુર્યોધન-અને યુધિષ્ઠિરે દ્યુત શરૂ કર્યું. 

યુધિષ્ઠિરે પ્રથમ દાવમાં મણિય સુવર્ણહાર, બીજા દાવમાં ધન અને રત્નો મૂક્યા. અઠંગ જુગારી અને કપટી શકુની દરેક દાવ જીતતો જ ગયો. યુધિષ્ઠિર મનનું સમતોલપણું ગુમાવી ધૃષ્ટ અને પામર થતાં ગયા. શકુનીના પાસા ઈચ્છા પ્રમાણે પડતાં હતા. હાર્યો જુગારી બમણું રમે એ ન્યાયે ધન ધાન્ય, રથ ઘોડા, દાસ-દાસીઓ, અને રાજ્ય હાર્યા. સૌએ તેમને રોક્યા પણ માન્યા નહીં. ચારે ભાઈઓ અને પોતાની જાતને પણ હારી ગયા. કપટ દ્યુત પાંડવો હાર્યા. વિદૂરે રમત બંધ કરવા કહ્યું પણ દુર્યોધને અપમાનિત કર્યા.

  • યુધિષ્ઠિરે દ્રૌપદીને હોડમાં મૂકી- દુર્યોધન દ્રૌપદીને જીત્યો. દુર્યોધન-દુ:શાસન, કર્ણ, અને શકુનીની ચંડાળ ચોકડી હસવા લાગી.
  • ધૃતરાષ્ટ્રનો દાસીપુત્ર યુયુત્સુ શોકમગ્ન થઈ ગયો.
  • દુર્યોધનનો નાનો ભાઈ વિકર્ણથી અન્યાય સહન થયો નહીં. તેણે ઊભા થઈ ભીષ્મને અને સાર્વવડીલોને મૌન ન રહેવા જણાવ્યું. ધર્મરાજને મામા શકુનીએ છળ-કપટ, યુક્તિ-પ્રયુક્તિ થી જીત્યા છે. અને વિકર્ણે છેલ્લે ઉમેર્યું! હું આમાં પરિવારનો નાશ જાઉં છું. કર્ણે મહાનુભાવોનું મૌનને સંમતિ બતાવી ત્યારે વિકર્ણે સભાત્યાગ કર્યો.
  • દુર્યોધને વિદુરને દ્રૌપદીને સભાગૃહમાં લાવવા કહ્યું. તેમણે ફિટકાર વરસાવ્યા, પછી દુર્યોધને પ્રતિકામી સારથીને કહ્યું તેને દ્રૌપદીએ રજ્સ્વલા હોવાનું અને ફક્ત એક જ વસ્ત્ર શરીર પર હોવાથી આવા ના પાડી ત્યારે દુ:શાસનને દ્રૌપદીને પકડી લાવવા કહ્યું. રાણીવાસમાંથી દુ:શાસને દ્રૌપદીને દોડીને ચોટલોથી પકડી લીધી અને ઘસડતો સભામાં લાવ્યો.

ભર સભામાં દ્રૌપદીએ સંબોધન કરતાં કહ્યું:

  1. કોઈ અણછાજતું વર્તન કરતાં દુ:શાસનને રોકતું કેમ નથી?
  2. યુધિષ્ઠિર પહેલા જાતને હાર્યો કે પહેલા મને હાર્યો તે નિર્ણય કરો
  3. આર્યનારીનું અપમાન થતું હોય ત્યારે, ક્ષત્રિયો ની તલવારો કેમ કુદી પડતી નથી.

ભીષ્મે આ સવાલનો અર્ધદગ્ધ-અસ્પષ્ટ જવાબ આપ્યો. આ બધા પછી, કર્ણે કહ્યું:

  1. દુ:શાસન આ પાંડવો અને દ્રૌપદીના શરીર પરથી વસ્ત્રાલંકારો કાઢી-ઉતારી શકુનીને આપી દે.
  2. દ્રૌપદીને પાંચ પતિ છે. અને “વારંગના (વૈશ્યા)” ની કોટીમાં મુકાય-તેને એક વસ્ત્ર હોય કે સમુળગુ ન હોય બધુ સરખું છે પાંડવોએ પોતાના ઉપવસ્ત્રો ઉતારી સભામાં વચ્ચોવચ્ચ ફેંક્યા.

દુ:શાસન પંચાલીએ પહેરેલું એકમાત્ર વસ્ત્ર બળપૂર્વક ખેંચવા લાગ્યો.

  • દ્રૌપદીએ ની:સહાય અવસ્થામાં મદદ માટે શ્રીકૃષ્ણ ને પ્રાર્થના કરી. આર્તનાદ સાંભળી કૃષ્ણ રક્ષા કરવા હાજર થયા. દુ:શાસન વસ્ત્ર ખેંચતો ગયો-બીજુ વસ્ત્ર પાંચાલીના દેહ ઉપર લપેટાતું ગયું. અદ્રશ્યપણે દિવ્ય વસ્ત્રો પૂરા પાડ્યાં દસ હજાર હાથીનું બળ ધરાવતા દુ:શાસન થાકીને લોથપોથ થઈ ગયો. દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાની દુ:શાસનની મનોકામના અધૂરી રહી ગઈ. શ્રીકૃષ્ણે દ્રૌપદીની લાજ રાખી.
  • ભીમસેન ક્રોધાવસ્થામાં ત્રાડ પડી બોલ્યા : હું પ્રતિજ્ઞા લઉં છું કે યુદ્ધમાં દુ:શાસનની છાતી ચીરી હું તેનું લોહી પીશ.
  • તે સાંભળી દુર્યોધને કર્ણને પોતાની ડાબી જાંગ બતાવી આ જોઈ ભીમે કહ્યું. દુર્યોધન તારી એ જાંગને ગદાપ્રહારથી મહાયુદ્ધમાં હું તોડી નાખીશ. છેલ્લે ભીમ બોલ્યા હું લાચાર ન હોત તો આ સભામાં જ દુષ્ટોના પ્રાણ લઈ લઉં. ધૃતરાષ્ટ્રે દુર્યોધનને ઠપકો આપી-દ્રૌપદીને વરદાન માંગવા કહ્યું દ્રૌપદીએ પાંચ પાંડવો અને પોતાને દાસત્વ માંથી મુક્ત કરવા કહ્યું. ધૃતરાષ્ટ્ર યુધિષ્ઠિરની માફી માંગી સર્વસ્વ પરત કર્યું.

ફરીથી દ્યુત રમવા બોલાવી-બાર વરસનો વનવાસ અને તેરમાં વરસનો અજ્ઞાતવાસ-તેમાં જાણ થાય તો ફરીથી બાર વરસનો વનવાસ-એવી શરત સાથે દ્યુત રમતા યુધિષ્ઠિર શકુનીના છળકપટ સામે ફરીથી હારી અરણ્યવાસ વેઠે છે. નારદે ધૃતરાષ્ટ્રને કૌરવવંશના નાશનો શ્રાપ આપ્યો. આ સમયે, દુ:શાસને દ્રૌપદીને ભોગવિલાસની લાલચ આપી અને ભીમને બળદ કહ્યો.

  1. અપમાનિત ભીમસેને યુદ્ધમાં સર્વ કૌરવોનો સંહારની પ્રતિજ્ઞા લીધી.
  2. અર્જુને કર્ણના સંહાર અને કર્ણના સાથીઓનો સંહાર કરવા પ્રતિજ્ઞા લીધી.
  3. સહદેવે શકુની અને તેના સાથીઓને એકલે હાથે સંહારની પ્રતિજ્ઞા લીધી.
  4. વનમાં વિદાય થતી દ્રૌપદીએ પ્રતિજ્ઞા લીધી કે ભીમસેન દુ:શાસનને મારી એનું લોહી પીશે અને લોહી ભર્યા હાથ મારા ઉપર મૂકશે ત્યાં સુધી હું ચોટલો વાળીશ નહીં-વાળ છૂટા રાખીશ.

કુરુક્ષેત્રમાં કૌરવ-પાંડવોનું યુદ્ધ  

દ્યુતમાં હરવા પછી તેર વર્ષના વનવાસ વેઠીને છેલ્લે વિરાટનગરમાં પાંડવો પ્રગટ થયા. વિરાટનરેશની રાજકુમારી ઉત્તરાના લગ્ન અર્જુનના પુત્ર અભિમન્યુ સાથે ધામધુમથી ઉજવ્યા. ત્યારપછી પોતાનું રાજ્ય ઈન્દ્રપ્રસ્થ ધૃતરાષ્ટ્ર પાસે કઈ રીતે પરત મેળવવું તે વિચાર્યું. હસ્તિનાપુર ખાતે ધ્રુપદરાજાના પુરોહિતને દુત તરીકે મોકલવા શ્રીકૃષ્ણે સંમતિ આપી. પુરોહિતે કૌરવોની સભામાં ધૃતરાષ્ટ્ર, ભીષ્મપિતામહ, દ્રૌણ, અને દુર્યોધન વિગેરે ની હાજરીમાં “અન્યોઅન્ય કોલકરાર અનુસાર રાજ્યોનો અડધો ભાગ પાંડવોને મળવો જોઈએ અને એમ ના કરતાં જો યુદ્ધ થાય તો સંહારનો દોષ તમરે શિરે રહેશે એમ જણાવ્યું.”

  • ભીષ્મપિતામહે તેમાં સંમતિ પુરાવી, તેમને રોકી કર્ણે ક્રોધાવેમાં આવી દુર્યોધન ધાકધમકીથી તસુભાર રાજ્ય પણ નહીં આપે એમ જણાવ્યું. ભીષ્મપિતામહ તથા દ્રૌણગુરુએ પણ ફરીથી રાજ્યધર્મ માની, યુદ્ધ ન કરવા કહ્યું. મહારાજ ધૃતરાષ્ટ્રે સંજય સાથે ઉત્તર મોકલવા જણાવ્યું.
  • સંજયે પાંડવોને “રાજ્યભાગ આપવા સંમત નથી” એ ધૃતરાષ્ટ્ર દ્વારા મોકલેલ સંદેશો કહેતા શ્રીકૃષ્ણે સંજયને જવાબમાં કહ્યું પાંડવો સંધિ માટે તત્પર છે, પણ યુદ્ધ માટે પણ એટલા જ તૈયાર છે. આમ જો ઇન્દ્રપ્રસ્થ રાજ્ય સુપ્રત ન કરે તો મહાયુદ્ધનું મંડાણ નિશ્ચિત જ છે. છેલ્લે યુધિષ્ઠિરે સંજયને કહ્યું વધુ નહિ તો ફક્ત પાંચ ગામ (કુશલસ્થળ, વુકસ્થળ, માંકડી, વારણાવત અને એક બીજું ગામ) આપશો તો પણ વિવાદનો અંત લાવી સલાહ-શાંતિ કહીશું.
  • સંજયનો જવાબ પછી, દુર્યોધન અને ધૃતરાષ્ટ્રને ગાંધારી, ભીષ્મપિતામહ, વિદૂરજી, ભગવાન વ્યાસ, કૃષ્ણચાર્ય, દ્રોણાચાર્ય, સહિત સંજયે પોતે પણ વિગતે સમજાવી રાજ્ય પરત કરવા કહ્યું. ચંડાળ ચોકડી દુર્યોધન, દુ:શાસન, મામા શકુની, અને મિત્ર કર્ણ થી પ્રભાવિત દુર્યોધન પાંડવોને સોંયની અણી મુકાય તેટલી ધરતી પણ ન આપવા જણાવે છે. વિદૂરજી વિગતવાર નીતિવચનો સમજાવે છે, પણ પુત્રમોહવાળો ધૃતરાષ્ટ્ર સંમત ન થતાં, યુદ્ધ અનિવાર્ય બને છે.

શ્રીકૃષ્ણ દુત બન્યા 

દુર્યોધન દુરાગ્રહ પછી પાંડવોને સંજય કોઈ જવાબ ન પહોંચાડતા શ્રીકુર્ષ્ણ દુત તરીકે હસ્તિનાપુર જાય છે. કૌરવસભામાં જઈ શ્રીકૃષ્ણ કહે છે. કૌરવો અને પાંડવો વચ્ચે સુલેહ-શાંતિનો પ્રયત્ન કરવા અહીં આવ્યો છું. માટે ગંભીરતાથી વિચારી “યુદ્ધ કે સંધિ” બેમાંથી ઉચિત લાગે તે જણાવો. અવિવેકી દુર્યોધન શ્રીકૃષ્ણને જેલમાં મૂકવા પ્રયત્ન કરે છે ત્યારે શ્રીક્રુષ્ણ પોતાનું “વિરાટ સ્વરૂપ દર્શન” કરાવે છે. દુર્યોધન સભાત્યાગ કરે છે. છેલ્લે શકુનીના ભાઈ ઉલૂકને દુત તરીકે પાંડવ છાવણીમાં મોકલ્યો. શ્રીકૃષ્ણએ તેને યુદ્ધના મેદાનમાં મળવા કહ્યું. આમ બધી મંત્રણાઓ નિષ્ફળ જતાં યુદ્ધનો માર્ગ જ ખુલ્લો રહે છે.

દુર્યોધન-અર્જુન દ્વારકામાં

દ્વારકામાં શ્રીકૃષ્ણની યુદ્ધ માટે મદદ લેવા આવેલા દુર્યોધન અને અર્જુન સાથે ભેગા થઈ જાય છે. શ્રીકૃષ્ણ એક તરફ યાદવીસેના અને બીજી તરફ યુદ્ધ ન કરતાં અને શસ્ત્ર ન ધારણ કરેલા પોતે હોવાનું જણાવી પસંદ કરવા કહ્યું. અર્જુને શ્રીકૃષ્ણને પોતાની સાથે સારથિ બનવા કહ્યું ત્યારપછી દુર્યોધને ”યાદવીસેના” મેળવી ખુશ થયો. 

સેના: બન્ને પક્ષોએ રાજાઓનો સંપર્ક કરી પોતાને પક્ષે તૈયાર કરી સેના બનાવી. પાંડવોએ યાદવ સાત્યકિ, જરાસંઘપુત્ર જ્યત્સેન, દ્રુપદરાજા, વિરાટ નરેશ, એમ સાત અક્ષૌહીણી સેના ભેગી કરી. કૌરવોએ ભગદત્ત, કૃતવર્મા, ભોજ, અંધક, ભૂરીક્ષ્વા, શલ્ય, જયદ્રત, વિગેરે,મળી અગિયાર અક્ષૌહીણી સેના બનાવી. એક અક્ષૌહીણી સેના ના 21870 રથમાં લડનારા રથી. 21870 હાથી સવાર, 65610 ઘોડેશ્વાર, આમ યુદ્ધ મેદાનમાં 21870 + 28000 X 11 મળી 393600 સંખ્યાનું સૈન્ય કુરુક્ષેત્રના મેદાનમાં ભેગું થયું.

શ્રીકૃષ્ણ ની ભેદનીતિ 

  1. શ્રીકુર્ષ્ણએ કર્ણને ફોડવા પ્રત્યન કર્યો. તેમણે પોતે કર્ણ જયેષ્ઠ પાંડવ હોવાનું રહસ્યોદઘાટન કર્યું, ઉપરાંત માતા કુંતી દ્વારા પણ કર્ણને હકીકત જણાવી. આ બંન્નેના પ્રયત્નો છતાં, કર્ણે મિત્રધર્મને પ્રાધાન્ય આપી કૌરવો સાથે જ રહેવા કહ્યું. માતાને આશ્વાસન તરીકે અર્જુન સિવાય ચારે પાંડવોને ન મારવાનું વચન આપ્યું.
  2. યુદ્ધની નવમી રાત્રે, ભીષ્મને યુધિષ્ઠિર સાથે યુદ્ધમેદાનમાં મળી “તેઓ કઈ રીતે મરશે?” એવું પૂછતાં પોતે શિખંડી દ્વારા વિંધાશે, કારણ સ્ત્રી હોવાથી તેને મારશે નહીં એમ જણાવ્યું.
  3. કૌરવસેનામાં જોડાયેલ શલ્યરાજાને, યુધિષ્ઠિરે કર્ણના સારથિ બની અર્જુનની પ્રશંસા દ્વારા ઉત્સાહભંગ કરવા જણાવ્યું.
  4. ભીષ્મપ્રતિજ્ઞા-2 : યુદ્ધમાં પાંડવો અને શિખંડીને ન મારવાની પ્રતિજ્ઞા લીધી.

ભીષ્મપર્વ

  • યુદ્ધમાં પડેલા બન્ને પક્ષોએ યુદ્ધના નિયમો નક્કી કર્યા.
  • પાંડવોએ સામે પકસેથી જોડાવા આવવા આમંત્રણ આપ્યું, ત્યારે ધૃતરાષ્ટ્રનો પુત્ર યુયુત્સુ પાંડવ પક્ષે જોડાયો.
  • યુદ્ધની શરૂઆતમાં અર્જુનને વિષાદ થતાં, શ્રીકૃષ્ણ ભગવદગીતા સંભળાવી વિષાદ દૂર કરે છે.
  • મહાભારતના અઢાર દિવસના યુદ્ધને કૌરવપક્ષના સેનાપતિઓના નામથી વર્ણવ્યું છે. પ્રથમ સેનાપતિ ભીષ્મ હોવાથી ભીષ્મપર્વ કહેવાયું. દસ દિવસ તેઓ લડ્યા, છેલ્લે તેમના વચન મુજબ શિખંડીના બાણો દ્વારા અને તેની પાછળ ઉભેલા અર્જુનના બાણો વડે ભીષ્મ પડ્યા પણ ઈચ્છામૃત્યુનું વરદાન હોવાથી ઉત્તરાયણની પ્રતિક્ષા કરી. બાણશૈયા પર સૂતેલા ભીષ્મના માથાના ટેકા માટે અર્જુને બાણ છોડી સહાય કરી.

ભગવાન વેદવ્યાસે ધૃતરાષ્ટ્રને યુદ્ધ નિહાળવા દિવ્યદ્રષ્ટિ આપવાનું કહ્યું. પણ તેમણે સંજયને દિવ્યચક્ષુ આપવા કહ્યું. સંજયે ધૃતરાષ્ટ્રને યુદ્ધનું વર્ણન સંભળાવ્યું. કુરુક્ષેત્રમાં મહાભારતના યુદ્ધનું મંડાણ થયા પછી 39લાખ સૈનિકોનાં યુદ્ધનું વિગતવાર વર્ણન અને અઢાર દિવસ ચાલેલા યુદ્ધની વિગતોમાંથી થોડા ખાસ નોંધનીય પ્રસંગો કહીશ.

ભીષ્મપ્રતિજ્ઞા 

રાજા શાંતનુની પ્રથમ પત્ની ગંગા-શાંતનુના ગંગાને પ્રશ્ન ન પૂછવાના વચનભંગ થવાથી તેના આઠમા પુત્ર દેવવ્રતને જન્મ આપ્યા પછી લગ્નસંબંધ છોડી વિદાય લે છે. વિદાય સમયે, શાંતનુની વિનંતીને માન આપી પુત્ર દેવવ્રતને ચોવીશ વરસ સુધી ગંગા સાથે રાખે છે તે દરમ્યાન બૃહસ્પતિ પાસે ચારવેદ-શુક્રાચાર્ય અને પરશુરામ પાસે ધનુર્વિદ્યા અને મહામુની વિશિષ્ઠ પાસે ધર્મજ્ઞાન, ન્યાયશાસ્ત્ર અને તત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કરાવે છે. તેથી આ ગુણવાન પુત્રને ગંગેય (ગંગાપુત્ર) અને ભીષ્મપિતામહ તરીકે ઓળખાયો. (પરશુરામ મુની કામેચ્છાને વશ મત્સ્યકન્યા દ્વારા પુરાણોના રચયિતા વ્યાસને જન્મ આપે છે.) આ તરફ પત્ની ગંગાની વિદાય પછી એકલા પડેલા શાન્તનુ દાસરાજ માછીમારની કન્યા મત્સ્યગંધા પ્રત્યે આકર્ષાયા. તે દેવાંશીરૂપ અપ્સરા હોવા ઉપરાંત પરાશર મુનિએ આપેલ કસ્તુરીની યોજન સુધી ફેલાતી સુગંધને કારણે યોજનગંધા પણ કહેવાતી. રાજા શાંતનુએ દાસરાજ પાસે કન્યાના હાથની માંગણી કરી. પુત્રીના લગ્નની હા પડતાં પિતા દાસરાજે એક શરત રાજા શાંતનુને સંભળાવી “મત્સ્યગંધા ઉર્ફે પુત્રી સત્યવતીથી થનાર પુત્ર રાજગાદીનો વારસદાર બની હસ્તિનાપુર રાજસિંહાસનનો ઘણી બને.” શાંતનુ રાજા કામવિહવળ હોવા છતાં પ્રથમ પુત્ર ભીષ્મના રાજગાદી છોડવા બાબતના અન્યાયપૂર્ણ વચન માટે નાસંમત થઈ પરત ફર્યા. ચિંતા અને શોકથી વ્યાકુળ પિતાની તકલીફ ભીષ્મ શોધી કાઢે છે. ભીષ્મ માછીમારને મળવા જાય છે અને પિતાનો લગ્નનો મનોરથ પૂર્ણ કરવા બે વચનો પ્રતિજ્ઞા કરીને આપ્યા.

  1. સત્યવતીનો પુત્ર જ રાજા બનશે. હું પ્રતિજ્ઞા કરું છું કે હું મારા પિતા પછી રાજગાદી નહીં લઉં.
  2. છતાં માછીમારોને શંકા રહેતા-બીજી પ્રતિજ્ઞા-હું આ જીવન અવિવાહિત રહીશ- અખંડ બ્રહ્મચારી રહીશ- જેથી બીજી સંતાનનો પ્રશ્ન જ ન રહે.

આવી ભીષણ કઠોર પ્રતિજ્ઞાને કારણે દેવવ્રત ભીષ્મ કહેવાયા. અને રાજા શાંતનુએ પુત્રને “ઈચ્છામૃત્યુ” નું વરદાન આપ્યું.

ભીમને ઝેર

એક વખત રમતરમતમાં ભીમે દુર્યોધનને ખૂબ માર્યો હતો- આ કુદ્વેષને લીધે શકુની અને દુર્યોધને ખોરાકમાં ઝેર આપી ભીમને મારવાનો મનસૂબો કર્યો. પછી જળક્રીડાને બહાને દુષ્ટ દુર્યોધન ભીમને લઈ ગંગાકિનારે ગયો. ભીમને સખત ભૂખ લગતા ઝેર મિશ્રિત ખીર શકુનીએ ખવડાવી. રાત્રે એકાંતમાં સુવડાવી પછીથી શીલા બાંધીને ગંગામાં નાંખી દીધો. ભીમ મર્યો નહીં પણ પાતાળમાં ગયો ત્યાં વાસુકિએ આદરસત્કાર કર્યો. ઝેર ઉતાર્યું અને આઠ કુંડનું અમૃતપાન કરાવ્યુ. આથી ભીમને દસ હજાર હાથીનું બળ મળ્યું. આમ, ભીમને જીવતદાન સાથે વિશાળ તાકાત મળી.

આજે પણ મહાભારત પૂરું થયું નથી... હજી પણ ચાલ્યા જ કરે છે....
મનરૂપિ કુરુક્ષેત્રમાં મહાભારત કાયમ લડ્યા જ કરે છે.
લાક્ષાગૃહ

  • વરણાવત (જૂના પ્રયાગ) ખાતે મેળામાં જવા પાંડવો તલપાપડ થઈ રહ્યા હતા. ખરેખર તો, ચંડાળચોકડી : ધૃતરાષ્ટ્ર દુર્યોધન, મામાશકુની, તેમનો મંત્રી પુરોચન- પાંડવોને વારણાવત મોકલવા જ માંગતા હતા.
  • શકુની અને દુર્યોધને વારણાવત ખાતે પુરોચનની મદદથી લાખનો એક ભવ્ય અને કલાત્મક મહેલ બનાવ્યો. લાખનો મહેલ જલ્દી સળગી ઊઠે તે માટે દિવાલોમાં લાખ, રાળ, ડામર, કોલસા, ઘી, તેલ, ચરબીનો ઉપયોગ કર્યો. અહી મહેલ-લાક્ષાગૃહ માં માતા કુંતી અને પાંચ પાંડવો ને રાખી સળગાવી મારવાની યોજના હતી.
  • આખી વાતનો વિદુરને અણસાર આવી જતાં, યુધિષ્ઠિરને બર્બર નામની સાંકેતિક ભાષામાં આડકતરી રીતે ચેતવણી આપી દીધી હતી. માણસો મોકલી કિલ્લાની પાછળ ખાઈ ચોખ્ખી કરવાને બહાને વિદૂરે સમયસર એક ભોયરું મહેલમાંથી નીકળવા બનાવી આપ્યું.
  • પુરોચન એક સ્ત્રી અને પાંચ પુત્રો લઈને લાક્ષીગૃહ આવી. ત્યારે તેમણે ભોજન કરાવી-રાત્રે સુવડાવી દીધા બાદ, સાવચેત ભીમે જાતેજ લાક્ષીગૃહને સળગાવ્યું અને ભોંયરા મારફતે સહી સલામત નદી કિનારે પહોંચ્યા-ત્યાં ઊભી રાખેલ નૌકા મારફતે મહાવનમાં પહોંચ્યા.

દુર્યોધન કહે છે : ધર્મની મને જાણ છે. તમે અધર્મ શું છે તેની પણ મને ખબર છે. છતાં મારા હ્રદયમાં બેઠેલા દૈવને લીધે અને અધર્મનું નિવારણ થતું નથી.
જરાસંઘ વધ (સભાપર્વ) 

 મગધના રાજા બ્રુહદ્રથ કાશીરાજની બે કન્યાઓ સાથે લગ્નગ્રંથિ થી જોડાયા. ની:સંતાન રહેવાથી ચંડકૌશિક મુનિને મળ્યા અને મૂલ્યવાન ભેટો આપી. પ્રસન્ન થયેલા મુનિએ એક કેરી મંત્રિત કરીને આપી અને રાનીને ખવડાવવાથી પરાક્રમી પુત્રરત્ન જન્મશે એમ કહ્યું. રાજાએ બન્ને રણીઓને અડધી-અડધી કેરી ખાવા આપી. પરિણામે બન્ને રાણીઓને અડધા-અડધા અંગવાળા બાળકો જન્મ્યો. ગભરાઈ ને બન્ને એ જંગલમાં બે અડધા ટુકડા ફેંકી દીધા- જરા નામની માંસભક્ષી રાણીએ ફક્ત ઊંચકવાની સરળતા ખાતર જોડ્યા-તો તે રાજકુમાર બન્યો. ચમત્કારથી પ્રભાવિત-જરા-એ રાજમહેલમાં પહોંચાડ્યો. જરા નામની રાક્ષસી (=જરા) એ સંઘ (=જોડ્યો) હોવાથી જરાસંઘ નામાભિધાન કર્યું. ચંડકૌશિક મુનિએ તેની ભવિષ્યવાણી જણાવી-તે અતિ પરાક્રમી અને તેજસ્વી બનશે એમ જણાવ્યું.

રાવણની માફક અભિમાની બનેલા જરાસંઘે 84 રાજાઓને બંદીવાન બનાવ્યા અને 16 રાજાઓને પકડવા નીકળ્યો- એકસો રાજાઓના પુરુષમેઘ યજ્ઞમાં બલિદાન આપવા વિચાર્યું.

શ્રીકૃષ્ણે બંદીવાન રાજાઓને છોડવા કહ્યું-ત્યારે જરાસંઘે ના કહી પોતાની સાથે યુદ્ધ કરવા કહ્યું. અર્જુન અને ભીમ સાથે આવેલ શ્રીકૃષ્ણને જરાસંઘે ભીમ સાથે લડવાનું પસંદ હોવાનું જણાવ્યું.

હાથોહાથનું યુદ્ધ, મુક્કાબાજી, ગદા યુદ્ધ અને મલ્લયુદ્ધની લડાઈ ચૌદ દિવસ લંબાઈ, જરાસંઘ જ્યારે જમીન પર પટકયો ત્યારે શ્રીકૃષ્ણના તૃણ ચીરીને કરેલા સંકેત મુજબ, ભીમે પગ પકડીને શરીરના બે ઊભા ચીરા કરી ટુકડાને વિરુદ્ધ દિશામાં ફેંક્યા, જેથી ફરી જોડાઈ સજીવન ન થાય.

બંદીવાન રાજાઓને મુક્ત કર્યા. જરાસંઘના પુત્ર સહદેવને અભયદાન આપી રાજ્યાભિષેક કરાવ્યો.

શાસ્ત્ર વચન : જે મનુષ્ય અનેક લોકોનો વધ કરવા તત્પર થયો હોય તેને, છળકપટ કે યુક્ત-પ્રયુક્તિથી પણ મારી નાંખવો.

શિશુપાલવધ (સભાપર્વ) 

ચેદીરાજ કુળમાં જન્મ પામેલ, શિશુપાલ ચાર હાથ+ત્રણ આંખ સાથે જન્મ્યો હતો. જન્મતાંની સાથે ગધેડાની જેમ ભૂકયો હતો જેના ખોળામાં બેસતા, શિશુપાલના વધારાના બે હાથ અને વધારાની આંખ ઊખડશે, તેના હાથથી જ શિશુપાલનું મૃત્યુ થશે. શ્રીકૃષ્ણે હાથમાં લેતા બે હાથ-એક આંખ લુપ્ત થયા-શિશુપાલની માતા શ્રીકૃષ્ણની ફોઈ થાય, તેમણે શ્રીકૃષ્ણને શિશુપાલના સો અપરાધ માફ કરશો એમ જણાવ્યું. શિશુપાલે યદુવંશીનો નાશ, દ્વારકા સળગાવ્યું, અશ્વમેઘમાં અંતરાય, બભ્રૂની પત્ની સૌવીર અને કૃષ્ણના મામાની દીકરી ભદ્રાનું અપહરણ જેવા અનેક અપરાધો કર્યા. 

યુધિષ્ઠિરના રાજસુય યજ્ઞમાં ભીષ્મપિતામહની સલાહથી શ્રીકૃષ્ણને અગ્રપૂજા માટે સન્માનીત કર્યા. ત્યારે શિશુપાલ અપમાનજનક ભાષા શ્રીકૃષ્ણ માટે બોલવા લાગ્યો. છેલ્લે સૌથી વધુ અપરાધ થતાં, શિશુપાલ માટે સુદર્શન ચક્ર છોડી શ્રીકૃષ્ણે શિશુપાલનું ગળું કાપી હત્યા કરી. શિશુપાલના પુત્ર મહિપાલને છેદી રાજ્યનો ગાદીપતિ રાજા બનાવ્યો. 

ભગવાન શ્રીકૃષ્ણ મહિમા (શાંતિપર્વ)

પિતામહ ભીષ્મ યુધિષ્ઠિરને બાણશૈયા પરથી મરણ સંદેશમાં કહે છે. પરમજ્ઞાની શ્રીકૃષ્ણ જ અમારા આચાર્ય, ગુરુ અને પિતા છે. તેઓ જ અમારા ઋત્વિજ, સ્નાતક અને પ્રિયમિત્ર છે. ભગવાન શ્રીકૃષ્ણ સર્વ વિશ્વની ઉત્પતિ તેમજ પ્રલયનું સ્થાન છે. આકાશ, પૃથ્વી, જળ, વાયુ, તેજ તેમજ ચારે પ્રકારના જીવો તેમના આધારે જ ટકેલા છે. જેવી રીતે વેદોમાં અગ્નિહોત્ર, છંદોમાં ગાયત્રી, મનુષયોમાં રાજા, નક્ષત્રોમાં ચંદ્ર, પર્વતોમાં મેરુ અને પક્ષીઓમાં ગરુડ શ્રેષ્ઠ છે. તેવી જ રીતે ત્રિલોકમાં ભગવાન શ્રીકૃષ્ણ જ શ્રેષ્ઠ છે. 

દ્રોણવધ

દ્રોણાચાર્ય વૃદ્ધ હોવા છતાં હાહાકાર મચાવ્યો-પુત્ર અશ્વથામા સાથે મળી વિકરાળ સ્વરૂપે જોત-જોતામાં પાંડવસેનાનો નાશ કરવા માંડ્યો. ત્યારે “અશ્વથામા માર્યો ગયો છે” એવી અફવા સાંભળી નિરાશ થયા-એકમાત્ર વિશ્વાસપાત્ર યુધિષ્ઠિર ને સત્ય જણાવવા પૂછ્યું. શ્રીકૃષ્ણ અને ભીમની સલાહથી યુધિષ્ઠિર “અશ્વથામા માર્યો ગયો છે” એમ મોટેથી બોલ્યા અને “હાથી માર્યો ગયો છે” તે ન સાંભળે એમ ધીમેથી બોલ્યા. દ્રોણે પણ પહેલી વાતથી નિરુત્સાહ થઈ જવાથી આગળની પૂરી વાત સાંભળી નહીં દ્રોણે અસ્ત્ર શસ્ત્રનો ત્યાગ કરી રથના પાછળના ભાગમાં બેસી ગયા. યોગધ્યાનમાં જ તેમણે પોતાનો દેહ ત્યાગી દીધો. મરેલા હોવા છતાં દ્યુષ્ટદ્યુમ્ને તેમનું મસ્તક તલવારથી કાપી અલગ કર્યું. છળકપટથી દ્રોણ મૃત્યુ પામ્યા. 

સૌપ્તિકપર્વ – અશ્વત્થામા દ્વારા દ્યુષ્ટદ્યુમ્ન અને પાંડવપુત્રોનો રાત્રીમાં વધ

દુર્યોધને દ્રોણવધ પછી અશ્વત્થામાને સેનાપતિ પદ આપ્યું. ત્યારે દુર્યોધન સિવાય અશ્વથામા, કૃપાચાર્ય અને કૃતવમાં જ કૌરવ સેનામાં બચ્યા હતા. રાત્રે અશ્વત્થામાએ જોયું કે વડ ઉપર કાગડાઓને રાત્રિ વિશ્રામ કરતાં હતા ત્યારે ઘુવડે મારી નાખ્યા. આથી પાંડવોના વધની મારી પ્રતિજ્ઞા ઊંઘમાં રાત્રે તેમણે મારૂ તો પૂર્ણ થાય એમ અશ્વથામાએ વિચાર્યું. કૃપાચાર્યે તેને રોક્યો,પણ ન માનતા, અશ્વથામા, કૃપાચાર્ય અને કૃતવર્મા રાત્રિ દરમ્યાન પાંડવોના શિબિર પહોંચ્યા. અંદર અશ્વથામાએ જઈને દ્યુષ્ટદ્યુમ્ને લાત મારી જગાડયો અને પટકી-પટકીને મારી નાખ્યો. જે મહારથી હાથમાં આવ્યો તેને મારી નાખ્યા. છેલ્લે દ્રૌપદીને પાંચે પુત્રોને ઊંઘતા યમલોકમાં પહોંચાડ્યા. 

દ્રૌપદી વિલાપ કરતાં-ભીમ-અર્જુન-અને શ્રીકૃષ્ણ અશ્વથામાને મારવા ગયા. અર્જુન અને અશ્વથામાએ બ્રહસ્ત્રો સામસામે છોડ્યા. મહર્ષિ વ્યાસે તેને રોકતા-અશ્વથામાએ તે શસ્ત્રને ઉત્તરાના ગર્ભ પર છોડ્યું. શ્રી કૃષ્ણે ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું અને વારસસદાર પરિક્ષિત જન્મ્યો. તે જનમેજયનો પિતા થયો. અશ્વત્થામાના હિનકાર્યથી શ્રીકૃષ્ણ તેને ત્રણ હજાર વર્ષ એકલા ભટકતા રહેવાનો શ્રાપ આપ્યો. શ્રીકૃષ્ણે અશ્વથામા પાસે મણિ હતો તે માથા પરથી કઢાવીને દ્રૌપદીને આપ્યો. દ્રૌપદીએ શ્રીકૃષ્ણને મુંગટમાં ધારણ કરવા મણિ પરત આપ્યો. ગુરુપુત્ર હોવાથી અશ્વથામાને જીવતો જવા દીધો. 

દુ:શાસન વધ

ભીમ જોરથી ગદા ઘુમાવીને દુ:શાસનને મારતાં-તે ઢળી પડ્યો. ભીમે તરત જ તલવાર વડે તેનું મસ્તક કાપી નાખ્યું. ભીમ તેનું રક્ત પીવા લાગ્યો. અને દ્રૌપદીને બોલાવી તેના વાળ દુ:શાસનના લોહીથી ધોવડાવી તેની પ્રતિજ્ઞા પૂરી કરી. 

કર્ણ વધ

અર્જુન-કર્ણ વચ્ચેના ભયંકર યુદ્ધમાં કર્ણના રથનું પૈડું જમીનમાં ખૂંચી ગયું-રથના પૈડાને બહાર કાઢે ત્યાં સુધી થોભવાનું કર્ણે કહેતાં-શ્રીકૃષ્ણ અને અર્જુન તેને દ્રૌપદી સાથેનું વર્તન-અભિમન્યુને મારવાનું કૃત્ય અને દ્યુતમાં કરેલી છેતરપિંડી-યાદ દેવડાવી. અર્જુને બાણો વડે કર્ણને વીંધી નાખ્યો-કર્ણને પરશુરામનું બ્રહમાસ્ત્ર-પરશુરામના શ્રાપને લીધે ખરી જરૂર સમયે કામમાં ન લાગ્યું કર્ણ સૂર્યમા વિલીન થઈ ગયો. 

ભીમ-દુર્યોધન યુદ્ધ

યુધિષ્ઠિરે ‘રથશક્તિ’ વડે શલ્યની છાતી વીંધી માર્યો સહદેવે શકુનીને ભાલાથી માર્યો પછી દુર્યોધન, કર્ણ, શલ્ય અને શકુનીના મારવાથી ભયભીત થઈ કુરુક્ષેત્રના સરોવરમાં છુપાઈ ગયો. તેને બહાર કાઢી યુધિષ્ઠિરે કોઈપણ એક સાથે દ્ર્ન્દ્રયુદ્ધ કરવા લલકાર્યો. તેણે ભીમ સાથે ગદાયુદ્ધ કરવા સ્વીકાર્યું. શ્રીકૃષ્ણે અર્જુનને સંકેતથી ભીમને જાંગપર ગદા મારવા જણાવ્યુ. અર્જુને જાંગ ઉપર જોરથી થાપો મારી સંકેત કરતાં ભીમે દુર્યોધનની બંને જાંગ પર જોરથી ગદા પ્રહાર કરી જાંગો તોડી નાખી. ભીમે કૌરવસભામાં ગદા વડે દુર્યોધનની જાંઘ તોડવાની પ્રતિજ્ઞા પૂરી કરી. દુર્યોધન રણભૂમિમાં મર્યો.

અભિમન્યુ વધ

યુદ્ધના તેરમાં દિવસે દ્રોણાચાર્યે ચક્રવ્યુહનું આયોજન કરતાં યુધિષ્ઠિર ચિંતાતુર થાય છે. તેઓ અભિમન્યુને ચક્રવ્યુહ ભેદવા કહે છે. અભિમન્યુએ દ્રોણનો ચક્રવ્યુહ ભેદીને અસંખ્ય યોદ્ધાઓને હણી લીધા. ઘાયલ કર્યા અભિમન્યુને હરાવવા કર્ણ એનું દેવતાઈ ધનુષ્ય તોડી નાખ્યું, ભોજે રથના ઘોડા વીંધી નાખ્યા, કૃપાચાર્યે તલવારથી સારથીને મોતને ઘાટ ઉતાર્યો અને છેલ્લે દ્રોણે અભિમન્યુની તલવારના કટકા કર્યા. નિસ્ત્ર:અભિમન્યુ પર છ છ જણાદ્વારા બાણવૃષ્ટ્રી અને ગદા પ્રહારથી અભિમન્યુ વીરગતિને પામ્યો. અધર્મથી જયદ્રથે પાંડવસેના અને અર્જુનને એક દિવસ માટે દૂર રોકી રાખવાથી, અભિમન્યુ હણાયો. 

જયદ્રથ વધ

ધૃતરાષ્ટ્રની એકમાત્ર પુત્રી દુ:શલાનો પતિ અને સિંધુરાજા જયદ્રથને દુ:શલા સિવાય બે પત્નીઓ હતી એક ગાંધારની અને બીજી કંબોજની. વનવાસના તેરમાં વર્ષમાં દ્રૌપદી ને જયદ્રથ હેરાન કરી પરણવાની ઈચ્છા કરી બતાવી અપહરણ કરે છે ત્યારે પાંડવોએ માર માર્યો હતો-પણ જીવંત છોડ્યો હતો. પાંડવો દ્વારા અપમાનિત જયદ્રથે શિવભક્તિ દ્વારા રાજી કરે છે. દુરુક્ષેત્રમાં તે અર્જુન સિવાય કોઈને પણ મારી શકે છે એવું વરદાન આપે છે. પુત્ર વધ થી દુ:ખી અર્જુન આવતી કાલે જ યુદ્ધમાં જયદ્રથ નો વધ કરવા અથવા અગ્નિપ્રવેશ થી આપઘાત કરીશ એવી પ્રતિજ્ઞા કરે છે. યુદ્ધ મેદાનમાં જયદ્રથને છ મહારથીઓ વચ્ચે સંતાડી રાખ્યો. ત્યારે શ્રીકૃષણ પડછાયો બનાવી રણમેદાનમાં અંધકાર ફેલાવી દીધો. સૂર્યાસ્ત થયેલો ધારી જયદ્રથ બહાર આવ્યો ત્યારે ફરી સૂર્ય દેખાતા સામે ઉભેલા અર્જુન બાણ છોડી જયદ્રથના મસ્તકનો વધ કરી દીધો. આમ કૃષ્ણની લીલાથી કૌરવોને ભ્રમિત કરી જયદ્રથનો વધ શક્ય બનાવ્યો.

આમ, મહાભારત યુદ્ધની કથા છે. જેમાં શ્રીકૃષ્ણ જીવનજીવવાની કળા જુદાજુદા પ્રસંગોએ જણાવે છે. ખાસ કરીને, અર્જુનને ભગવદગીતા દ્વારા શ્રીકૃષ્ણ, રાજા ધૃતરાષ્ટ્રને વિદૂરનીતી બતાવી વિદુર અને છેલ્લે યુધિષ્ઠિરને ભીષ્મપિતામહ જ્ઞાન આપે છે. તે જ્ઞાન આપણે ગ્રહણ કરવા યોગ્ય છે. ચાલો, મહાભારતનો બોધપાઠ જીવનમાં ઉતારીએ...

ડો. ભરત દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા


"મહાભારત" શ્રેણીના બીજા લેખો
Other Related Articles
મહાભારત
ભગવદ્દ ગીતા
શાંતિપર્વ: બીજી ભગવદ્દ ગીતા
વિદુર નીતિનો ઉપદેશ
Hinduism
Bhagavad Gita - Short And Straight
Karmic Theory (Law Of Karma)
Karmic Theory - Practical Meditation

આગિયાનું અજવાળું - પુસ્તક પરિચય

આ પુસ્તક મારા મિત્ર સુરેશભાઈની આત્મકથા છે. આત્મકથા લેખનનો તદ્દન નવીન પ્રયોગ હોવા ઉપરાંત શરૂઆત કર્યા પછી એકધારું વાંચ્યા જ કરવાનું મન થાય એવું આ પુસ્તક છે. 

આત્મષ્લાઘા અને પારકાની ટીકા દ્વારા પોતાની મહાનતા બતાવવાનું જોખમ દરેક આત્મકથામાં હોય છે. એટલે કે પોતાની વાત કરતાં કરતાં બીજાનું ચરિત્રહનન લગભગ સ્વાભાવિક મનાતું હોય છે. સરળ હ્રદયના લેખક આ બંને દોષોથી મુક્ત રહી શકયા છે.

આત્મકથાનું શીર્ષક જ કથાનકનો પાયો છે. અજવાળું-પ્રકાશ-રોશનીના ઉદ્દગમસ્થાનમાં સૌથી નાનું પ્રાપ્તિસ્થાન આગિયાને યાદ કરીને લેખકની નમ્રતાનું આપણને પ્રથમદર્શન થાય છે. કોઈ મહાનતાના દાવા વગર જ આપણા મનસપટલ ઉપર પોતાની મહાનતા દેખાય આવે છે.

લેખક શ્રી સુરેશભાઈ દેસાઈને હું ઓળખતો થયો એમના ચર્ચાપત્રોથી અને ત્યારપછી એમના સંપાદિત સાપ્તાહિક “પ્રિયમિત્ર” થી છેલ્લા વીસ વર્ષથી એમ કહું તો ચાલે, પણ આ આત્મકથા ત્યાં પૂરી થાય છે. એટલે કે એમના જીવનના પહેલા 54 વર્ષોની મારે માટે અજાણવાતો અહીં મને મળી. હું એમને ચર્ચાપત્રોનો પ્રતીભાવ પત્રથી લખતો. એમનું સાપ્તાહિક “પ્રિયમિત્ર” માં જીવનદર્શન આધ્યાત્મ–રેશનાલિઝમ અને ચિંતન-હ્રદયસ્પર્શી રીતે તંત્રીલેખમાં પ્રદર્શિત થાય અને સિનેમા વિષે વિગતવાર વર્ણન આપતી માહિતી આવે. ત્યારે મને થતું કે આવા જીવનવીમાના કર્મચારી સાહિત્યચિંતન અને વિચારોનું ઊંડું મનોમંથન કઈ રીતે કરતાં હશે ? ‘આગિયાનું અજવાળું’ એ સવાલનો જવાબ છે. બાળપણથી વાંચનનો શોખ, અભ્યાસમાં સંસ્કૃત વિષય, અંગ્રેજીનો અભ્યાસ અને વાંચન એમને આપણાથી ઊંચા લઈ જઇ એક મહાન વિચારક અને સ્પષ્ટવક્તા એવા લેખક બનાવે છે. 
 

પુસ્તકની શરૂઆતમાં પ્રો.અશ્વિન દેસાઈ એ ખૂબ સરસ રીતે સાહિત્યિક શૈલીમાં લેખકનો અને તે રીતે પુસ્તકનો પરિચય દરેક અડતાલિશ પ્રકરણ આવરી લે એ રીતે કરાવ્યો છે, તેમણે યોગ્ય જ કહ્યું છે કે પોતાની ‘સાધારણતા’ માં રહેલી “અસાધારણતા” ને પામવાનો વિનમ્ર પ્રયાસ પુરૂષાર્થ માન પ્રેરે તેવો બની રહે છે. કોઈ મોટો વિવાદ જગાડવાના કે ‘પર્દાફાશ’ કરવાની મનોઋગ્ણતાભરી સ્થિતિથી કથાનાયક દૂર રહી શક્યા એ સ્વાસ્થતા અને સમતુલા પણ આવકાર્ય બની રહે છે.

૧૭૯ પાનામાં વિસ્તરેલી ૪૮ પ્રકરણોની આ આત્મકથામાં વિગતો તો છે જ પણ તે કરતાં વધારે સ્વાનુભાવના વર્ણન પછી તેનું વિષ્લેષણ અને માનસિક મનોભાવ ખૂબ આકર્ષક બની રહ્યા છે.

અનાવિલો વિષયક લેખ (પ્રકરણ-૧૫) જેવુ પ્રમાણિક-જ્ઞાતિનું અને તેથી પોતાના સમાજનું-ચિત્રનું વિવેચન ખૂબ પ્રશંસનીય અને સમાજ માટે માર્ગદર્શક બની રહે છે. “હમસચ્ચાઈ” અને “આપવડાઈ” જેવા કુલક્ષણો ધરાવતા અનાવિલો સુધરશે ? મુશ્કેલ છે.

લેખકની પ્રમાણિકતા ઘણાબધા વર્ણનોમાં દ્રષ્ટિપાત થાય છે. તે ખરેખર પ્રશસનીય અને માણવાલાયક છે. ઘરે પૈસાની ચોરી-ગામમાંથી નવાપુરમાં મિત્રમંડળી સાથે મળી ૧, ડોલ-દોરડું, ૨, ચંપલો અને ૩, દુકાનમાંથી અવારનવાર નાળિયેરની ચોરીનું વર્ણન અને કબૂલાત ગાંધીજીની આત્મકથાથી સુરેશભાઈની વાતને ઘણા જ ઉપર ઊર્ધ્વગામી લઈ જાય છે.

ભાષાનો આડંબર કે જટિલતા લેખકને જરૂરી નથી લાગતી તેઓ સરળ સમજાય એવી ભાષાના વર્ણનમાં પોતાની વાત અને વિચાર સરસ રીતે રજૂ કરી શકયા છે.

પ્રથમ ધુમ્રપાન ની કબૂલાત અને માના ઠપકાની ગેરહાજરી બાળકને કેટલું નુકશાન કરી શકે તે દરેક માબાપે જાણવા-સમજવા જેવુ છે. હા, બાળપણમાં કરેલા મદ્યપાને તેમને દારૂડિયા નથી બનાવ્યા તે બાબત ખરેખર પ્રશંસનીય છે.

પારાવાર ગરીબીએ તેમને બાળપણથી જ ઉદ્યમી બનાવ્યા છે. નવાપુરમાં શનિવારી હટવાડા બજારમાં અઢી વર્ષ નો ઉદ્યમ અને કમાવા માટે કરાતી ચાલાકીનું વર્ણન- આદિવાસી ગરીબોની બીજા ચાલાક ગરીબ દ્વારા શોષણ વિગેરે વાંચીએ તો જ સમજાય. અનાજ લેતી વખતે મોટું માપિયું, વેચતી વખતે વધારે વજન કરતું ત્રાજવું અને અનાજમાં કાંકરીવાળી માટીની ભેળસેળનું વર્ણન ખૂબ નમ્રતા માંગે, બાકી કોણ પોતાની નબળાઈ આ રીતે બતાવે. ?

મિત્ર ‘જેમી’ ના દીકરાની નવજોતમાં વહેવારમાં આપવાના અગિયાર રૂપિયા ન હોવાની લાચારીને કારણે ગેરહાજરી કદાચ ગરીબીના પ્રત્યક્ષ અનુભવી સિવાયનાને ન સમજાય. કોલેજમાં તૂટેલી ચંપલ સાથે છુપાતા ઘરે જવાનો અને ફાટેલા શર્ટનો શાળાનો અનુભવના વર્ણનો આપણી સગાંઓની તકલીફો માટેની બેફિકરાઈ નથી ?

પુસ્તક પરિચય વખતે લેખકની સાથે સાથે પોતાની વાત ના હોય એ જાણવા છતાં એમની માં અને મારી પત્નીની માની સરખામણી ક્ષમ્ય ગણશો. સુરેશભાઈની એક વર્ષની ઉંમરે પિતા અવસાન પામ્યા ત્યાર પછી તેમની છઠ્ઠી ભણેલી માં ભણીને સાતમું ધોરણ પાસ કરે છે અને શિક્ષિકા બની પોતાનો અને બાળકનો જીવનનિર્વાહ કરે છે. બરાબર એવી જ રીતે મારા પત્ની ભાવનાનાં પિતા અને જન્મ પછી તરત જ અવસાન પામે છે, ત્યારપછી માં ઇન્દુબેન એસ.એસ.સી. ભણેલા તે અભ્યાસ આગળ ધપાવી ડોક્ટર બની ને ત્રણ બાળકો મોટા કરે છે. તે વાત બન્ને ને ગૌરવવંતીત કરે છે. તે વાત અને બન્ને મોસાળમાં જ મોટાં થાય તે વાત આપના સમાજની નામોશી ન કહીયે તો શું ? મરેલા ભાઈના કુટુંબની દેખરેખ બાકીના સભ્યો કેમ નથી સ્વીકારતા અને ફક્ત મોસાળનો- પિયરનો-જ સહારો એકમાત્ર આધાર હોય એ આપણી નિર્બળતા છતી કરે ત્યારે લેખકનો સમાજ માટે આક્રોશ આસ્થાને નથી.

પુત્ર શર્મનનું અકસ્માતમાં નાની વયે મૃત્યુ અને ત્યારપછી લેખકનું વર્ણન-કદાચ આપણે સમજી ન શકીએ. ભગવાન કોઈને આવું જીવન ભરણું સહેવાનું ન આપે.

પુસ્તક પરિચય પુસ્તક કરતાં લંબાણ ન થઈ જાય એટલા માટે અટકું છું. બાકીની વાતો એમના જ શબ્દોમાં વર્ણવી છે.

જન્મનું પ્રથમ વર્ષ એંધલ, પછીના આઠ વર્ષ મોસાળ આટમાં, ત્યારપછી એક વર્ષ નંદુરબાર અને આઠ વર્ષ નવાપુર, ફરીથી આટ-આમરી-આટ અને છેલ્લે નવસારીમાં સ્થાયી થયેલ લેખક ભટકતું જીવન (Nomadic Life) જીવ્યા છે, ત્યારે તેમનો અનુભવ એમને વિચારક-ચિંતક ન બનાવે તો જ નવાઈ.

ચાલો, થોડી વાતો સીધેસીધી જાણીએ.
  • ૪૦ - શનિવારી હાટમાં નવાપુર વેપારના અઢી વર્ષ : સંજોગો સાથે હાર સ્વીકાર્યા વિના પડી આખડીને ઊભો થતાં હું આ અઢી વર્ષો પાસેથી શીખ્યો. 
  • ૪૨ - નવાપુરના બાળપણના મહામુલા સાત-આઠ વર્ષો વાંદરીનું બચ્ચું વંદરીને વળગે એમ મને વળગ્યાં. 
  • ૪૭ - કોલેજ અભ્યાસ દરમ્યાન આટ એકલા રહેવું પડ્યું ત્યારે, આજુબાજુના અનાવિલો એ ખાધું છે કે ભૂખ્યો છે એ જાણવાની તમા ના રાખી. જાતે રસોઈ કરવાનું અને એકલા બેસી જમવાનું ખૂબ કપરું હતું. 
  • ૫૦ - બાળપણ ભૂલીને જીવનની જંજાળ અને ઉપાધીઓમાં વ્યક્તિ એવી અટવાઈ જાય છે કે ચિંતા, નિરાશા, અભ્યાસ અને હતાશા સિવાય એની પાસે કઈં રહેતું નથી. બાળપણ જેના હૈયામાં જીવે છે એ વ્યક્તિની નિર્મળતા, ભોળપણ, રમતિયાળપણું પણ આજીવન ટકી રહે છે. 
  • ૫૨ - યુવાસ્થામાં વાંચન-ફિલ્મો અને ફિલ્મીગીતોનો શોખ હતો. નાણાંભીડ અને લઘુતાગ્રંથિ બેડીથી હું બધાયેલ હતો તેથી યુવાનની ગર્મજોશી, ખુદ્દારી કે અલ્લડપણાં સિવાયનું મારૂ યુવાન એ કુંઠિત યૌવન હતું. 
  • ૫૬ - એંધલની પોતાને ભાગે પડતી ૨૦ વીંઘા જમીન જ્ઞાતિબંધુ પડાવી ગયા ત્યારે કોર્ટનો અનુભવમાંથી શીખ્યા, કોર્ટ કચેરીના ધક્કા ખાવાને બદલે થોડું નુકશાન વેઠીને પણ પ્રતિવાદી સાથે સમાધાન કરી લેવું એ શ્રેષ્ઠ રસ્તો છે. 
  • ૧૦૨ - વિતેલા વર્ષો દરમ્યાન કરેલો સંઘર્ષ, એ દુ:ખ, એ પીડા, એ લાચારી અને અકિંચન હોવાની એ વેદનાને હું યાદ કરું છું ત્યારે મનમાં કોઈ કણસ નથી ઊપડતી બલ્કે ફરીથી માણવાની તિતિક્ષા આજે પણ મનને તરસ્યું તરસ્યું કરી મૂકે છે. 
  • ૧૦૩ - આપમેળે રસ્તો શોધવાનું ખમીર મારા એ સંઘર્ષભર્યો વર્ષો એ મને આપ્યું હતું. 
  • ૧૧૭ - સારી બાબતો કોને કહેવી એ મતાંતરનો વિષય છે. પરંતુ બીજી કોઈ વ્યક્તિને નુકશાન ના કરે, બીજાના મનમાં દુ:ખ ઊભું ન કરે અને આપણને આનંદ આપે એને હું સારી બાબત ગણું છું. મંદિરોની ચાર દીવાલમાં બેઠેલા ઈશ્વર કરતાં વૃક્ષો, પર્વતો, સરિતા સાભાર પ્રકૃતિક વાતાવરણમાં ઈશ્વરનું વજૂદ કે અસ્તિત્વ મારે માટે વધારે સ્વીકાર્ય બની રહ્યું છે. 
  • ૧૩૯ - લેખકે જીવન વીમા, ઉચ્ચ અધિકારી પદ સાથે સંગઠન (Union) ના અને અનાવિલ સમાજમાં કાર્યકર્તા તરીકે જવાબદારી નિભાવી છે. સંગઠનના નૈતૃત્વનો કેફ નશીલા પદાર્થો થી ઓછો નથી. તેમનો બન્ને જગ્યાએ (નમુનેદાર સેવાઓ, સમયના અને કુટુંબજીવનના ભોગે આપી હોવા છતાં) અનુભવ સારો નથી. 
  • ૧૬૬ - ગુજરાતમિત્રની બુધવારની પૂર્તિમાં ધમાચકડી શીર્ષક હેઠળ હાસ્યકોલમ લખી. હાસ્યલેખનના સર્જનમાં થોડી તાણ જરૂર રહેતી, પરંતુ એ તાણ પ્રસૂતાની મીઠી વેદના જેવી હતી. માણસનું હાસ્ય બહુધા દુ:ખ અને પીડામાંથી જન્મેલું હોય છે. મારૂ દુ:ખ અને મારી પીડા જ મારા વિનોદી લેખોનું કારણ બન્યા. 
  • ૧૭૪ - મુંબઈના તબીબોનો મારો અનુભવ તબીબી વ્યવસાય તરફ તિરસ્કાર ઉપજાવે એવો હતો. તગડી ફી વસૂલતી મુંબઈની હોસ્પિટલોમાં ગંભીર રોગોના દર્દીની પૂરતી કાળજી લેવાતી નથી. 
  • ૧૭૮ - My best years are yet to come. આપણે ધીમેધીમે અદ્રશ્ય થતાં જોઈએ છીએ અને નવાગંતુકોના રૂપમાં જીવંક્રમ ચાલતો રહે છે. ફરી એ જ શૈશવ, એ જ યૌવન, એ જ ઘડપણ એ જ સંઘર્ષ, એ જ સ્વપ્નો, એ જ સુખની તરસ, એજ અતૃપ્તિ અને એ જ આભાસી સંતૃપ્તિ. 



આ આત્મકથા મારી, તમારી અને આપણી વાતોના સંગ્રહ છે. તેથી લેખક આપણાં મનમાં એક “મહાનુભાવ” હોવાથી ખૂબ હ્રદયસ્પર્શી બની છે. આત્મકથા લેખક જીવનની કરૂણ ગરીબીની તકલીફો એકલપંડે સહન કરતાં હોય ત્યારે મદદરૂપ ન થવાની સમાજની નિર્લજ્જતા તેમને સમાજદર્શન કરાવી આક્રોશ રજૂ કરવા પ્રેરે તે સ્વાભાવિક છે.

પંદરમાં પ્રકરણનું ‘અનાવિલ જ્ઞાતિ’ નું વર્ણન આખેઆખું લખવાનું મન છે, છતાં થોડી વાતો જાણીએ.

અનાવિલ જ્ઞાતિ:
  • ૧. આખાબોલાપણું એ અનાવિલોની વિચાર શુન્યતાની બહુ નજીકની પરિસ્થિતી છે. આમ આખાબોલાપણું દ્વારા સામેની વ્યક્તિને વ્યથા પહોંચાડતો અનાવિલ કઈ રીતે સારો કહેવાય? 
  • ૨. ટેકીલાપણું એ અનાવિલોનું મિથ્યાભિમાન છે. 
  • ૩. આળસ એ અનાવિલ પ્રજાનું મોટામાં મોટું અપલક્ષણ છે. 
  • ૪. આર્થિક સંકડામણમાં જમીનનો ટુકડો વેચીને ગાડું ગબડાવવાની દાનત અનાવિલોની પડતી થવાનું મુખ્ય કારણ બની રહી છે.   
  • ૫. અદેખાઈ પણ ભારે ભૂંડી, પોતાના જ્ઞાતિબંધુનું સુખ એનાથી દેખ્યું ન જાય. એની બદબોઈ કરે. 
  • ૬. પૈસાપાત્ર અનાવિલમાં ગરીબ અનાવિલને મદદ કરવાની ભાવના બિલકુલ જોવા ના મળે. 
  • ૭. ગરીબ માબાપની દેખાવડી, સંસ્કારી, સુશિક્ષિત છોકરીને વહુ તરીકે અનાવિલ યુવાનના માબાપનો અહમને ઠેસ પહોંચાડતી મે જોઈ છે. ની:સહાય, દુ:ખી, અને આર્થિક રીતે પીડાતા અનાવિલ સાથે કોઈ સંબંધ રાખતું નહીં. 
  • ૮. બડાઈ મારવી-દુનિયાની ફિકર કરવી એ અનાવિલનું સામૂહિક લક્ષણ છે. 
આ બધુ જોતાં જક્કી, જિદ્દી, બડાઈખોર, મિથ્યાભિમાની સ્વકેન્દ્રી અને આળસુ અનાવિલ જ્ઞાતિનો આર્થિક અને સામાજિક ક્ષય અત્યારે તો નિશ્ચિત જ જણાય છે.

હજુ ઘણી બધી વાતો કહેવાનું મન છે, પણ તે લાલચ ને છોડી સમાપન કરું.
આત્મકથા દ્વારા સંઘર્ષ કરતાં સુરેશભાઈ ના શરૂઆતના ચોપન વર્ષ આપણને વિગતવાર અને જીવનનો સાર સમજાવતા વાંચવા મળ્યા. જીવન વિષે એમનો ભાવ કોઈ ઉપદેશ વગર બસ મનોમંથન કરતાં કરતાં જાણવા મળે એનાથી રૂડું શું?
બીજી આત્મકથા-આત્મકથા ભાગ-૨ ની વિનંતી કરી શકાય? આપણી મિત્રતા એટલો હક્ક તો આપણને આપે જ છે, તે આપે ત્યાં સુધી ‘પ્રિયમિત્ર’ દ્વારા એમને સાંભળતા-સમજતા રહીએ.   

ચાલો સુરેશભાઈને પ્રણામ સાથે શુભેચ્છાઓ પાઠવતા રહીએ.

ડો. ભરત દેસાઈ 
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
તા. ૩૦-૦૫-૨૧