મહર્ષિ દયાનંદ સરસ્વતી

ઈતિહાસમાં આપણને બાબર-હુમયું-અકબર-જહાંગીર-ઔરંઝેબ અથવા વિલિયમ હેસ્ટિંગ્સ-રોબર્ટ ક્લાઈવ-લોર્ડ માઉન્ટબેટન ભણાવીને શાસકોએ ગેરમાર્ગે દોર્યા છે. તેથી ભારતીય-હિન્દુ-કોઈ મહાનુભાવ કે ભારતીય સંસ્કૃતિ જેવું કઈ હતું જ નહિ એવી ખોટી છાપ આપણાં મન ઉપર ઉપસી છે, ત્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતી-રામકૃષ્ણ પરમહંસ વિગેરે વિષે કઈ જ ન જાણતા હોય એ સ્વાભાવિક છે.

ભારતીય સંસ્કૃતિ ની નબળાઈઓને કારણે આપણે નમાલા બન્યા ત્યારે આપણી સુધારણા કરવા-ગુલામ મુક્ત થવા શું કરવું જોઈએ-તે બતાવનાર માનાં એક તે સ્વામી દયાનંદ સરસ્વતી.

મહર્ષિ દયાનંદ સરસ્વતી

આર્ય સમાજના સ્થાપક અને સમાજ સુધારક એવા મહર્ષિ દયાનંદ સરસ્વતી નો જન્મ ઓક્ટોબર, 1825 માં સૌરાષ્ટ્રમાં મોરબી પાસે આવેલા ટંકારા ગામમાં ઔદિચ્ય બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. જન્મ સમયે પિતા કરસનજી ત્રિવેદીએ બાળકનું નામ મૂળશંકર રાખ્યું હતું.

બાળ મૂળશંકરને આઠમા વર્ષે યજ્ઞોપવીત સંસ્કાર કરવામાં આવ્યો. તેને સંસ્કૃત-વેદ અને યજુર્વેદ ઘરે જ ભણાવવાની વ્યવસ્થા થઈ. ચૌદ વર્ષે મૂળશંકરે સંપૂર્ણ યજુર્વેદ અને બીજા કેટલાક વેદોનો પાઠ પૂરો કરી દીધો. તેમણે વેદ સાથે વ્યાકરણ પણ ભણી લીધું.
  • પિતા ના આગ્રહથી શિવરાત્રીનું વ્રત કરી જાગરણનો સંકલ્પ કર્યો. રાત્રે શિવાલયમાં કેટલાક ઉંદરો નીકળી શિવલીંગ ઉપર-નીચે ફરતા જોયા ત્યારે, બાળમાનસમાં ઉથલપાથલ થઈ અને તત્કાળ બોધ થયો કે મુર્તિ તો જડ પ્રતિક છે સાચા શિવ નથી. તેણે સાચા શિવનો સાક્ષાત્કાર કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. 
  • સોળ વર્ષે કોલેરાથી મૃત પામેલી નાની બહેન અને થોડા દિવસ પછી કાકાનું મૃત્યુ જોઈને જીવનની નશ્વરતાનો પાકો ખ્યાલ આવી ગયો ત્યારે 21વર્ષે ગૃહત્યાગ કર્યો. સાયલા જઈ બ્રહમચર્યની દીક્ષા લઈ ‘શુદ્ધ ચૈતન્ય’ નામ ધારણ કર્યું. 
  • ત્રેવીસ વર્ષની વયે, નર્મદાના તટ ઉપર ચણોદ-કરનાલીમાં દક્ષિણના શુંગેરી મઠના સન્યાસી સ્વામી પૂર્ણાનંદ સરસ્વતી પાસે સન્યસ્ત લઈ “દયાનંદ સરસ્વતી” નામ ધારણ કર્યું. 
  • પંદરેક વર્ષના અવિરત દેશાટન પછી 1860 માં દયાનંદ મથુરા પહોંચ્યા. પ્રજ્ઞાચક્ષુ જ્ઞાનગુરુ સન્યાસી સ્વામી વિરજાનંદ સરસ્વતીએ તેમને યોગવિદ્યા, વ્યાકરણ, મનોરમા- શેખર-ન્યાયમાંસા, વેદાંતના ગ્રંથો, આષ્ટાધ્યાયી અને મહાભાષ્ય શીખવ્યા. 
  • આમ 21 વર્ષ રખડપટ્ટી કરી - 42 વર્ષે વેદોની પુન:પ્રતિષ્ઠા, પાખંડદહન, દેશોદ્ધાર અને સંસાર ના કલ્યાણ ના મહાવ્રત સાથે કાર્યરત થયા 


વર્ણવ્યવસ્થા

વર્ણવ્યવસ્થા જ્ન્મને આધારે નથી, પણ ગુણ કર્મ અને સ્વભાવને આધારે હોવાનું સાબિત કર્યું. શુદ્દ્ર કુળમાં જન્મેલ જો બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય જેવા ગુણ, કર્મ અને સ્વભાવ ધરાવે તો તે બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય બની જાય છે.

ત્રેતવાદ સ્થાપ્યો
  1. જીવ 
  2. ઈશ્વર - નિરાકાર છે. 
  3. પ્રકૃતિ અનાદિ - અનંત છે. 
હવન

સવારે સૂર્યોદય પછી અને સાંજે સૂર્યાસ્ત પહેલાં કરવાથી હવાની શુદ્ધિ થાય છે.

ઋષિ પરંપરામાં પત્નીના ત્યાગને વૈરાગ્ય નથી માનતો, પણ પાપ માનવામાં આવે છે. ધર્મસમંત કામ લગ્નજીવન દ્વારા હોવું જોઈએ.

સ્વામીજીએ લખેલ અગત્યના પુસ્તકો
  • સત્યાર્થ પ્રકાશ 
  • વેદભાષ્ય 
  • સંસ્કાર વિધિ (સોળ સંસ્કાર) 
  • આર્યાભિવિનય 
  • ગોકરુણાનિધિ 
પરિવર્તન સંસ્કાર શુદ્ધિ યજ્ઞ

ધર્માંતરણ કરેલા લોકોને અને બીજા ધર્મમાંથી જોડાયેલ લોકોને પાછા હિન્દુ બનાવવાનો વિધિ પૂર્વક સંસ્કાર.

દેવદાસી પ્રથા

વધારાની કન્યાઓને મંદિરમાં કે પુરોહિતોને અર્પણ કરવાની પ્રથાનો વિરોધ. પુષ્ટિ માર્ગી આચાર્યો ‘સર્વકૃષ્ણ ને અર્પણ’ કરવાની પ્રથાનો વિરોધ.

સ્વામીજીના કાર્યો
  • યજ્ઞમાં પશુબલિ કે નરબલી પ્રથાનો વિરોધ. 
  • માંસાહાર નો નિષેધ 
  • સ્વદેશી ચળવળ-1879-ફક્ત ભારતમાં બન્યા હોય તેવા જ વસ્ત્રો નો ઉપયોગ કરવું. 
  • રાષ્ટ્રભાષા હિન્દી - સંપૂર્ણ ભારત દેશને ફક્ત હિન્દી ભાષા જ એક રાખી શકે. 
  • જીવન ઉપયોગી વસ્તુઓ-નમક અને રોટી-પર કર લેવાનો વિરોધ કર્યો. 
  • સ્વામીજી આદર્શ બ્રહ્મચારી, ત્યાગી, તપસ્વી, સમાજસુધારક વેદો અને વૈદિક શાસ્ત્રોના વિદ્વાન, પરમયોગી, બ્રહ્મનિષ્ઠ, સ્પષ્ટ વક્તા, માનવ એક્યનાં દ્રષ્ટા અને રાષ્ટ્ર વિધાયક અને નિર્ભયક સન્યાસી હતા. 
  • આપણો દેશ અંધવિશ્વાસથી મુક્ત થાય, કુરિવાજો અને પાખંડ મુક્ત બને, સર્વલોકો એક જ ઈશ્વરના ઉપાસક બને, સ્વરાજ્ય ની યોગ્યતા અને સ્વરાજ્ય મેળવે અને સંસારના અન્ય રાષ્ટ્રોમાં બરબારીનો અધિકાર મેળવે તે માટે જીવનભર મથ્યા. 
  • સ્વામીજી માનતા, કોઈ સમયે સમસ્ત સંસાર પર આપના પૂર્વજોનું-વૈદિક આર્યોનું- ચક્રવર્તી રાજ્ય પ્રવર્તતું હતું. ભારત-આર્યાવ્રત-સમસ્ત સંસારને જાગૃત કરનાર મહામાનવોથી ભરેલ હતું-એ વિશ્વવિજેતાઓની ગૌરવ ગાથા છે. 
અંધશ્રદ્ધા નિવારણ-લોકજાગૃતિ કાર્યો
  • સૂર્યગ્રહણ સમયે જમવામાં વાંધો નથી. 
  • સ્ત્રીઓને પણ મંત્ર જાપનો અધિકાર છે. 
  • મૂર્તિપૂજા બધા અનર્થોનું મૂળ છે. તેને દૂર કરવી જ રહી. 
  • બાળવિવાહ વિરોધ 
  • વિધવાવિવાહ સમર્થન 
  • વૃદ્ધવિવાહ વિરોધ 
  • અશ્પૃશ્યતા નિવારણ-છૂતછાત-આભડછેટનો વિરોધ. 
  • જ્યોતિષ, મંત્ર-તંત્ર અને ભૂતપ્રેત દ્વારા મચાવાતા ઢોંગ રોકો વિરુદ્ધ અભિયાન. 
ડામ : યમદુતો ભાગતા હોવાની અંધશ્રદ્ધા માટે ડામ લગાવતો રોક્યો.

લગ્ન : સ્વામીજીએ રાજસ્થાનમાં કન્યાઓને મુસ્લિમ જોડેજ પરણાવવાનો રિવાજ બંધ કરાવ્યો- પ્રથા બંધ કરાવી.

ધન : આર્થિક સદ્ધરતા અનિવાર્ય છે-ધન ત્યાગ રાષ્ટ્ર માટે આત્મહત્યા સમાન છે. ધર્મસંમત ધન હોવું જ જોઈએ.

07-03-1867ના રોજ હરદ્વારના કુંભમેળામાં પાખંડખંડિની ધ્વજપતાકા ફરકાવીને નવજાગરણનો અને પાખંડદહનનો એક મહિનાનો કાર્યક્રમ કર્યો. તેમણે મૂર્તિપૂજાની અવૈદિકતા સિદ્ધ કરી. 
 

આર્યસમાજ


10-04-1875 આર્યસમાજની 10 નિયમો સાથે મુંબઈમાં સ્થાપના કરી શ્રી ગિરધરલાલ કોઠારીને પ્રમુખ અને શ્રી પાનાચંદ આણંદજી પારેખ ને મંત્રી બનાવ્યા. તેમણે કહ્યું આર્યસમાજ દ્વારા,
  1. હું વેદો ને સંદેશો આપું છું, મારો નહીં. 
  2. મારા વિચારો યોગ્ય ન લાગે તો, તેને માનશો નહીં. 
  3. મારા ફોટો કોઈ મંદિરમાં રાખશો નહીં. 
“અવિદ્યાનો નાશ અને વિદ્યાની વૃદ્ધિ” એમનો જીવનમંત્ર કેવળ ઈશ્વર જ તેમનો સહાયક હતો અને સત્ય જ તેમનું પરમ અવલંબન હતું. સ્વામીજી પર અનેકવાર જીવલેણ હુમલા થયા પણ અખૂટ શારીરિક સામર્થ્ય અને યોગ બળથી તેઓ પોતાને બચાવતા રહ્યા.

31-05-1883 જોધપુર ખાતે મહારાજા અને બીજાવિશે ટીકા સાંભળી તેમના પ્રધાનોએ સ્વામીજીને રસોઈના દૂધમાં ઝેર પીવડાવી દીધું. 31-10-1883 રોજ આબુ ખાતે તેમનો દેહોત્સર્ગ થયો.

ઉપસંહાર 

મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના મુખ્યત: વેદના પ્રચાર-પ્રસાર માટે કરી હતી. ત્યારે સર્વ સત્ય વિદ્યાઓનું પુસ્તક વેદ ભણવા, ભણાવવા અને સાંભળવા-સંભળાવવા એ સર્વ આર્યસમાજનો પરમ ધર્મ છે.

મહર્ષિ દયાનંદની વેદ વિષયક માન્યતાઓના પોષક ઉચ્ચ સ્તરીય મૌલિક ગ્રંથોનું પ્રણયન અને પ્રકાશન કરીને તેની સર્વત્ર પહોંચ કરાવવામાં આવે. એ અનિવાર્ય છે.

દરેક વિશ્વવિદ્યાલયો(University)માં દયાનંદ વૈદિક શોધપીઠો (Research Center) સ્થપાય તો, આર્યસમાજની સફળતા બહુ દૂર નથી. 

- ડો. ભરત દેસાઈ, બીલીમોરા
Related Article: આર્ય સમાજ અને હિંદુત્વ – એક અભ્યાસ

An ophthalmologist by qualification and profession, Dr. Bharatchandra Desai loves reading about history, religion, and spirituality. He has written about them and also about 'Anavils' at length. Read all articles. ડૉ. ભરતચંદ્ર દેસાઈના ગુજરાતી લેખો વાંચવા અહીં ક્લિક કરો.

0 comments:

Thank you for your comment!