વિદ્યાર્થીઓને માર્ગદર્શન - શાંતાબા વિદ્યાલય, કુકેરી

વ્હાલા વિદ્યાર્થીમિર્ત્રો,

લાયન્સ ક્લબ ઓફ બીલીમોરા (યુગ્મ) ના પ્રમુખશ્રી લા. મીનાબેન દેસાઈ અને અમે સૌ સભ્યો આપની સાથે થોડી આત્મીયતા કેળવવા આવ્યા છે ત્યારે મારે થોડી વાતો દિલ ખોલી કરવું છે.

વહાલા બાળકો, ખાસ તો અમે તમારી ભણવાની ધગશને બિરદાવવા અહી આવ્યા છીએ. મારે સ્વીકારવું છે કે તમને નવાઈ લાગશે પણ ખરેખર હકીકતમાં ૬૦ વર્ષ પહેલા તમારા જેવડો હું હતો ત્યારે જેટલો હોંશિયાર હતો તેના કરતાં તમે સૌ-ગણા વધારે હોંશિયાર છો. તેથી તમારે ફક્ત ધ્યાનથી અને ખંતથી અભ્યાસ કરવાની જરૂર છે. ઉજ્જવળ ભવિષ્ય તમારી રાહ જોઈ બેઠું છે!



મારે તમને માર્ગદર્શન એકાગ્રતા, સ્વ સાથે સંવાદ, સમયવ્યવસ્થાપન, અને આરોગ્ય બાબતે આપવું છે.

એકાગ્રતા (Mindfulness)

થીચ-ના-હાન નામના વિયેટનામિ બુદ્ધ સંપ્રદાયના વિચારક–શિક્ષક અને સમાજસેવક તેમના પુસ્તક ‘આર્ટ ઓફ પાવર’ ('Art of Power' by Thich Nhat Hanh) માં એકાગ્રતા વિષે સરસ સમજ આપે છે. તેઓ કહે છે: અભ્યાસ જેવી કોઈપણ પ્રવુતિ કરતી વખતે (૧) આપણે જે કઈં કાર્ય કરીએ છીએ તેજ બાબતે ધ્યાન–વિચાર–પ્રવૃત્તિ સંપૂર્ણપણે ૧૦૦% ધ્યાન કેન્દ્રિત કરીને કરવાની છે. (૨) ત્યારે ભૂતકાળ કે ભવિષ્યના વિચારોમાં ખોવાવાને બદલે પૂર્ણપણે વર્તમાનમાં રહેવાનું છે. (૩) જે કોઈ સ્થળે છો તે જ સ્થળે રહેવાનું છે અને બીજા સ્થળોને યાદ કરવાના નથી. અને આમ એકજ કામ દા.ત. અભ્યાસમાં ૧૦૦% પરોવાઈ જવાનું છે. પરિણામ ચોક્કસ મળશે. કારણ, તમે એક સાથે ઘણા બધા કાર્યો કરવાને બદલે એક કામ કરો છો. (Instead of multitasking, restrict to unitask.)

સ્વ સાથે સંવાદ (Monologue)

લેખક (Paul Dupuis) પોલ તેમના પુસ્તક ‘ધી રૂલ ઓફ 5’ (The Rule of Five) માં સ્વ સાથે સંવાદ કરવાનું સૂચવે છે. તમારા કાર્યો અને વિચારો વિષયક જાતે મનોમંથન કરો. તમને સમજાશે કે તમે કાર્ય બરાબર કર્યું છેકે હજી વધારે સારી રીતે કરી શકત ? તે પ્રમાણે સુધરો. Have I done the best or I would have done better ?

સમય (Time)

સમય વ્યવસ્થા (Time Management) જન્મથી મરણ સુધીનો નક્કી સમય મર્યાદિત છે. તે પાછો લાવી શકાતો નથી – જે સમય ગયો તે કાયમ માટે ગયો! What is gone is gone, forever! સફળતાની એકમાત્ર ચાવી ‘સમય’ ની મહત્તા સમજો – સ્વીકારો અને પ્રવૃત્તિઓ સમયમર્યાદામાં કરો અને પૂર્ણ કરો. સવારે વહેલા ઊઠો – પાંચ વાગ્યે આદર્શ. મોડામાં મોડા રાત્રે વહેલા સુઓ – નવ વાગ્યે આદર્શ, મોડામાં મોડા દસ. Early to bed, early to rise leads a long life. દિવસે કરેલા અભ્યાસનું રાત્રે મનન કરી જશો, તો મગજને વિષયની માહિતી સંગ્રહ કરવાની અનુકૂળતા રહેશે. (Reflection Time)

આરોગ્ય (Health)

છેલ્લે, પણ ખૂબ મહત્વની વાત. દર વર્ષે એકવાર, આરોગ્યની પ્રાથમિક તપાસ નિયમિત કરાવો. વજન – ઊંચાઈ – પોષણ – દ્રષ્ટિ – ડાયાબિટિશ – વિગેરે માહિતી આપતી તપાસ ફરજિયાત છે – અભ્યાસને અવરોધક રોગો પ્રાથમિક અવસ્થામાં જાણી લેવાથી વધારે નુકશાન રોકી શકાય છે. શરીરની સ્વસ્થતા આગળ વધવા માટે અનિવાર્ય છે.

માનસિક સ્વાસ્થય માટે જરુરી સૂચનાઓ (Mental Health)
  • મિત્રતા કેળવો
  • મિત્રો અને સગા – સંબંધીઓ સાથે ઘનિષ્ઠ સંબંધો જાળવો 
  • સ્વભાવે આનંદી બનો. સ્મિત કરતાં રહો. Keep Smiling.
  • આશાવાદી બનો 
  • પોતાને મૂંઝવતી વાતોની મિત્રો સાથે ખુલ્લામને ચર્ચા કરી ઉકેલ લાવો. મગજમાં રાખી ખોટી હતાશા ન અનુભવો. 
આશા છે વિદ્યાથીઓ, આપણે મારી વાતો દ્વારા કઇંક નવું શીખવાનું મળ્યું હશે.

ચાલો, થોડી બીજી વાતો કરીએ.

આપણી સુરખાઈ શાળાના સ્વપ્નદ્રષ્ટા પરિમલભાઈના સાસુજી ડાહીબેન પી. પરમાર નિવૃત શિક્ષિકાને લેખક બીરેનભાઈ કોઠારીએ ગુજરાતનાં વિશિષ્ઠ વ્યક્તિઓને સમાવતું પુસ્તક “ગુર્જર રત્ન” (એક આદર્શ વાચક હોવાને નાતે) અર્પણ કર્યું ત્યારે લેખકોની ડાહીબેન સાથે આત્મીયતા જાણી બીરેનભાઈ અને રાજનીભાઈ પંડ્યા તેમણે બિરદાવવા કુકેરી સુધી આવ્યા. ડાહીબેન આપણને બે બોધપાઠ આપ્યા.
  1. નિયમિત નવા નવા પુસ્તકો વાંચતાં રહો. પુસ્તકોથી વિશેષ કોઈ મિત્ર નથી.
  2. પુસ્તકો ખરીદતા રહો અને સારા લગતા પુસ્તકો ખરીદીને મિત્રો – સગાસંબધીઓને ભેટ આપતા રહો.


૨૨-૦૬-૨૦૦૨ શાંતાબા વિદ્યાલય, કુકેરી

સુરખાઈ કુકેરી મારા રૂમ પાર્ટનર ડો. બી.જી.કોડિયા (મોંઘા)નું  ગામ, મારા ૧૯૬૩ ના અબ્રામા હાઈસ્કૂલના શિક્ષક શ્રી અભેસિંહ એચ પરમારનું ગામ, મારા બીજા રૂમ પાર્ટનર ડો. લક્ષ્મણસિંહ સોલંકીના સાળા ચંદ્રસિંહ આર. ડોડિયાનું ગામ અને છેલ્લા વીસ વરસથી મારા પત્ની ડો. ભાવનાના સહકર્મી ડો. પ્રથમેશ પરમારનું ગામ, મને એટલી ખબર કે અહી રજપૂત સમાજના સોથી વધારે વ્યક્તિઓ શિક્ષક – કે શિક્ષિકાઓ છે. ઘણા વખતથી શાંતાબા વિદ્યાલય, કુકેરી વિષે વાંચેલું અને પરિમલભાઈ પરમાર વિષે ખાસ અહોભાવ જાગેલો – પણ આ વિદ્યાલયની પ્રથમ મુલાકાત, ૧૭-૧૦-૨૦૨૧ના રક્તદાન યજ્ઞમાં આવેલા મારા પત્ની ડો. ભાવનાને લીધે, મારી પુત્રી વૈશાલી સાથે થઈ – જોગાનુજોગ મારી ૭૧મી જ્ન્મ તારીખ આ શાળામાં ઉજવાઈ ગઈ!

મૃત્યુનું મનોમંથન

ભારતમાં જન્મને શુભ અને મૃત્યુને અશુભ કહ્યું છે. હકીકતમાં જ્ન્મ-મૃત્યુ બન્ને એક સિક્કાની બે બાજુઓ છે જે બન્ને પરસ્પર જોડાયેલા છે. મૃત્યુની શરૂઆત જન્મથી થાય છે અને તેથી જ તો અનેક અનિશ્ચિત ચિતતાઓને કારણે વ્યક્તિ કોઈપણ ઉંમરે મૃત્યુ પામે છે.


ભારતમાં આઝાદી સમયે ૧૯૪૭માં જીવનની અપેક્ષા જન્મ સમયે ૩૭ વર્ષ હતી, તે આજે ૨૦૨૨ માં લગભગ ૭૦ વર્ષ છે (life expectancy at birth). તેમાંય પુરુષનું જીવનકાળ ૬૭.૪ વર્ષ અને સ્ત્રીનો જીવનકાળ ૭૦.૩ વર્ષ એટલેકે લગભગ ૩ વર્ષ ઓછો હોય છે. મરણના મુખ્ય દસ કારણોમાં હ્રદયરોગ ૨૫%, શ્વસનતંત્ર રોગ ૧૦%, ટી.બી. ૧૦%, કેન્સર ૧૦% છે. તો અનિર્ણિત માંદગી, પાચનતંત્રના રોગ, ઝાડા અને અકસ્માત દરેક પાંચ-પાંચ ટકા છે. અને આપઘાત અને મેલેરિયા ત્રણ-ત્રણ ટકા છે. એટલે કે ભારતમાં લગભગ સિત્તેર વર્ષના જીવન પછી હ્રદયરોગથી મરણ ની શક્યતા સૌથી વધુ છે. હા, અમારા દક્ષિણ ગુજરાતનાં અનાવિલ બ્રહ્માણ સમાજમાં મૃત્યુની ઉંમર ૮૪ વર્ષની આસપાસ છે!

કરુણતા પૂર્વક સ્વીકારવું રહ્યું કે વર્તમાન મેડિકલ વિજ્ઞાન ને કારણે પહેલાંની જેમ મૃત્યુની ઘડી જલ્દી આવતી નથી અને વૃદ્ધ માણસ બીમાર પડીને તરત મૃત્યુ પામતો નથી, પણ હોસ્પીટલમાં રિબાઈ રિબાઈને મારે છે.

કુદરતી ક્રમ મુજબ, જ્ન્મ, યુવાવસ્થા અને ઘડપણ આવે છે. ત્યાર પછી ઘડપણની દુર્બળતા અને મૃત્યુ નિશ્ચિત છે. આપણે મર્ત્ય છીએ, તો આપણે સમજવું રહ્યું કે વૃદ્ધત્વ નો કોઈ પણ ઈલાજ નથી. તેથી મૃત્યુથી ભાગી શકવાના નથી. તો ચાલો, મૃત્યુને સમજીએ, જાગીએ, તૈયાર થઈએ અને નક્કી કરીએ કે મૃત્યુને કઈ રીતે સ્વીકાર્ય અને બહેતર બનાવી શકાય. Being mortal is the truth.

વૃદ્ધત્વને કોઈ ઈલાજ નથી - ઘડપણમાં બહેરાશ આવે, દ્રષ્ટિ અને સૂંઘવાની શક્તિ ઘટે, કરચલી પડે, યાદશક્તિ-વિચાર શક્તિ ઘટે (Dementia), દાંત પડી જાય, સ્નાયુઓ પાતળા થાય કે સાંધાઓ સખત થાય જેવી ઘટનાઓ વહેલી-મોડી બને જ છે. અને છેલ્લે મૃત્યુ અવશ્યંભાવિ બને છે. Death can not be prevented. ત્યારે દરેક વ્યક્તિએ વૃદ્ધત્વની વિભાવના સમજી જાતે અંત સમયે કઈ રીતે વર્તવું તે સમજવાની જરૂર છે. હકીકતમાં ડૉક્ટરો પણ મરણાસન્ન વ્યક્તિને શું કહેવું કે કઈ રીતે કહેવું તે બાબતે સ્પષ્ટ નથી.

જીવનનો હવે કેટલો વખત બચ્યો છે? કે પછી હવે મરવાની કેટલી વાર છે? તે તદ્દન અનિશ્ચિત છે અને કોઈપણ કહી શકતું નથી.
વર્તમાન આધુનિક સમાજવ્યવસ્થામાં, મા-બાપ અને સંતાનો જુદા જુદા રહે છે – સાથે રહેતા નથી પણ બન્ને સ્વનિર્ભર છે અને સ્વતંત્ર છે અને બન્ને ને પરસ્પર જુદાઇ – એકલાપણું ફાવી ગયા હોય છે, ત્યારે કદાચ વૃદ્ધાવસ્થાની માંદગી જો સંતાન સાથે રહેવાની ફરજ પાડે તો, તે વૃદ્ધોની સ્વતંત્રતા અને મનપસંદ એકાકીપણાનો અનિવાર્યપણે ભોગ લે છે.
ડોક્ટરો અને હોસ્પિટલની સારવાર

મરણાસન્ન માંદગી (terminal illness)થી ગ્રસ્ત વૃદ્ધ વ્યક્તિની સારવાર હોસ્પિટલના વોર્ડમાં, ઘનિષ્ટ સારવાર કેન્દ્ર (ICU – intensive care unit) ખાતે કે ઘરે થઈ શકે છે.

હોસ્પીટલમાં દાખલ કરીને ઓપરેશન, રેડિઓથેરાપી કે કિમોથેરાપી જેવી રોગોને અનુલક્ષીને જરૂરી સારવાર કરી શકાય છે ત્યાર પછી, છેલ્લી સ્થિતિમાં (ICU) ઘનિષ્ટ સારવાર વિભાગમાં રાખી ઑક્સીજન, વેન્ટિલેટર કે ડીફિબ્રિલેટર જેવી વિવિધ સારવાર અપાતી હોય છે અને તે સિવાય દુખાવો દૂર કરી શકાય તેવા ઘરગથ્થું ઈલાજ સાથે ઘરે રાખી શકાય છે. આમ, 1) Hospitalk Nursing Home - હોસ્પિટલ, 2) ICU (ઘનિષ્ટ સારવાર વિભાગ) કે 3) ઘર વચ્ચે પસંદગી કરવાની હોય છે. છેલ્લા તબક્કામાં, સારવાર છતાં સારા થવાની શક્યતા ન હોય ત્યારે, ઘરે જ રહીને બચેલું જીવનના અંતિમ તબક્કામાં, સગાં સ્નેહી-મિત્રો સાથે રહે, પીડામુક્ત, માનસિક જાગૃતિ સાથે સામાજિક વાતાવરણ વચ્ચે રહી શકાય છે. ઘરે રાખવાના સાધનોમાં, પંપ (pain pump), નેબ્યુલાઈઝર (શ્વાસમાં લેવાની દવાયુક્ત સાધન), ઓક્સિજન અને દુખાવાનાશક દવાઓ (medicine box) છે. ઘરે ઈલેક્ટ્રિકલ બેડ રાખી ડૉક્ટર અને નર્સને જરૂરી સમયે બોલાવવાથી આવીને મદદરૂપ થાય (Doctor-on-call) એવી વ્યવસ્થા પણ કરી શકાય (Hospice pallaiative care). 

ડોક્ટરની ફરજ દર્દી માટે ત્રણ રીતે વહેંચી શકાય:
  1. વાલીપણું: ડોક્ટરને દર્દી માટે જે સારવાર યોગ્ય લાગી હોય તે દર્દી એ સ્વીકારવાની. વૃદ્ધ દર્દી નબળા હોય, ગરીબ હોય કે સ્વભાવે ડોકટરમાં વિશ્વાસ ધરાવતા હોય ત્યારે વાલીપણાનો સંબંધ ઝડપથી બંધાઈ જતો હોય છે. 
  2. માહિતી આપનાર: ટેકનિકલ એક્સપર્ટ તરીકે ડૉક્ટર બધું જ જણાવી દે છે. પછીથી દર્દીએ જાતે-પોતે સારવારનો નિર્ણય લેવાનો હોય છે. તમે ગ્રાહક છો, ડૉક્ટર સારવારને લગતી બધી શક્યતાઓ સમજાવી દે પછી વિગતો-વિકલ્પો જાણી સમજીને દર્દીએ પોતે નક્કી કરવાનું હોય છે. 
  3. માર્ગદર્શન: ડૉક્ટર અને દર્દી રોગ અને તેની સારવારની વિગતોની ચર્ચા કર્યા પછી ડૉક્ટર દર્દીને શું યોગ્ય રહેશે તે નક્કી કરવામાં મદદરૂપ થાય છે. આમ દર્દી અને નિષ્ણાત સહિયારો નિર્ણય લે છે. 
ડૉક્ટરો સારવાર ન કરાવવાથી થતી સ્થિતિ વિષે દર્દીને ભયભીત કરી મુક્તા હોય છે, પણ જે ખાસ જરૂરી છે તે સારવાર આગળ વધારવાથી આવનાર ભયાનક સ્થિતિનું ચિત્ર સ્પષ્ટપણે જણાવતા નથી.
ઓપરેશન, રેડીએશન કે કિમોથરપી જેવી સારવાર કરવાથી કે નહીં કરવાથી થતી તકલીફો-થનાર સ્થિતિની વિગતો દર્દીને વિગતવાર સમજાવવાની ખાસ જરૂર હોય છે. 

દર્દીને પોતાની સરવારને લગતી ઈચ્છાઓ (Break point discussion)
  1. હ્રદય અટકી જાય તો, કૃતિમ રીતે ચલાવવું કે નહીં? 
  2. અંતિમ સમયે, વેન્ટિલેટર + ઈન્ટયુબેશન (Ventilator + Intubation) કરાવવું કે નહીં? 
  3. ખાઈ ન શકો એવી સ્થિતિમાં નળી દ્વારા (Gastric tube) પોષણ લેશો કે નહીં? 
  4. જીવતા રહેવા માટે ક્યાં સુધી સારવાર લંબાવવી અને ક્યારે અટકવું તે અંગેના પોતાના નિર્ણયો શું છે? 
દરેક વૃદ્ધે આ બાબતે પોતાના નિર્ણયો નજીકના સ્નેહીઓને લેખિત અથવા મૌખિક વિગતવાર જણાવવા જોઈએ – જેથી તેને યોગ્ય ન્યાય આપી શકાય.

Death with dignity (Assisted suicide): ખાવાપીવાનું બંધ કરીને, કૃત્રિમ શ્વાસ ન લઈને અને નળીથી ખાવાનું ન લઈને માનપૂર્વકનું અકુદરતી મૃત્યુ લાવી શકાય છે.

સાધારણ રીતે, દરેક વ્યક્તિ મૃત્યુ ઘરમાં (at home), શાંતિથી અને સ્વજનો/મિત્રોના સમૂહ વચ્ચે ઈચ્છતો હોય છે. અંત સમયે, લાગતા-વળગતાઓને Good bye, I love you, I am sorry, Thank you, ફરી મળીશું, હું તમને પ્રેમ કરું છું, મને માફ કરશો કે ધન્યવાદ જેવા વચનો કહેવા માંગતો હોય છે.

અંત સમયે, વ્યક્તિ દયામણા થયા વિના નિર્ભયતાથી, શાંતિપૂર્વક, ઈશ્વરની પ્રાર્થના કરતાં કરતાં, શ્રદ્ધાપૂર્વક વિદાય થવા માંગતો હોય ત્યારે વ્યક્તિને (હોસ્પિટલને બદલે) ઘરે શા માટે ન રાખી શકાય?
વિલુપ્ત થવાની ભૂમિકા (dying role) સમયે, મરણાસન્ન લોકો ગરિમાભેર, આનંદથી, પોતાનો અંત સંપૂર્ણ સંતોષપૂર્વક લાવે તે બાબતે આપણે મદદરૂપ થઈશું કે પછી ત્રાસદાયક વેન્ટિલેટર માં ગોંધી – કરૂણ મોતને હવાલે જ કરીશું?

માતૃભાષા - વિશ્વ માતૃભાષા દિવસે...

માતૃભાષા એટલે બાળક ગર્ભમાં હોય ત્યારે, ધાવણ લેતો હોય ત્યારે અને બાલ્યાવસ્થામાં હોય ત્યારે માતા દ્વારા બોલાતી ભાષા. માનવજીવનમાં માતાનું વિશેષ મહાત્મય દર્શાવાતું હોવાથી આ ભાષા – બોલવામાં, લખવામાં અને વ્યવહારમાં વપરાતી ભાષાને પિતૃભાષા ન કહેતાં – માતૃભાષા કહી છે.

ડો. નલિનીબેન ગીલીટવાળાએ આચાર્યશ્રી ડો. કલ્પેશભાઈ ટંડેલ અને પ્રો. ડો. શીતલબેન વસાવાના સહયોગથી શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા ખાતે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ઉજવણી કરવાનું આયોજન તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ શુક્રવારે કર્યું. ઉત્સાહી અને ખંતીલા ડો. શીતલબેન વસાવાએ એમનું સર્વોત્તમ પ્રદાન આપી વિદ્યાર્થીઓને ગીતો-પ્રવચનો-વિવિધ એવોર્ડ અને લોકબોલી વિષયક તૈયારી કરાવી. એમ કહું કે પ્રશંસાના શબ્દો ઓછા પડે એવું લગભગ બે કલાકનું રસપ્રદ આયોજન કર્યું. વિદ્યાર્થી ઉજમાબેન ચોરાવાળા એ “માતૃભાષા–દૂધભાષા–હ્રદયની ભાષા” વિષય ઉપર અને હર્ષ પટેલે “ભાષાનો ઉદ્દભવ અને વિકાસ” વિષય રસપ્રદ અને માહિતીપ્રદ પ્રવચન આપ્યું. “ભાષા મારી ગુજરાતી છે” અને “જય જય ગરવી ગુજરાત” ગીતો સમૂહગીત તરીકે રજૂ કર્યા. ક્વિઝ દ્વારા ગુજરાતી ભાષાને લગતી પ્રશ્નોત્તરી દ્વારા જાણકારી આપી. ગુજરાતી બોલીઓ–કાઠિયાવાડી, ચરોતરી, ચૌધરી અને દક્ષિણ ગુજરાતની લોકબોલીઓનો લાક્ષણિક શૈલીમાં પરિચય કરાવ્યો. મેઘના ટંડેલે આપેલી એવોર્ડ વિષયક માહિતી જાણવા જેવી છે. ગુજરાતી ભાષા માટે રણજિતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા પુરસ્કાર, રમણભાઈ નીલકંઠ હાસ્ય પુરસ્કાર, નર્મદ સુવર્ણચંદ્રક,સાહિત્ય ગૌરવ પુરસ્કાર અને કુમાર ચંદ્રક એવોર્ડ દર વર્ષે વિવિધ સંસ્થાઓ દ્વારા અપાય છે. 


ગુજરાતી ભાષામાં પ્રાથમિક અભ્યાસ 

માતૃભાષાનું ગૌરવની ઉજવણી કરતી વખતે થોડું ઉદાસ થવાય તે અનોચિત નથી, કારણ કે વર્તમાનમાં માબાપો બાળકને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં જ ભણાવવું ફરજિયાત હોવાનું માને છે અને બાળક માતૃભાષા ન શીખે તો કોઈ નાનમ અનુભવતા નથી. ત્યારે ચાલો, એક આશાનું કિરણ “નવી શિક્ષણ નીતિ” દ્વારા દેખાયું છે. આ નીતિ મુજબ બાળકને ધોરણ પાંચ સુધીનું શિક્ષણ સમગ્ર ભારતદેશમાં પોતાની માતૃભાષામાં શીખવવું ફરજિયાત બનાવાયું છે. હકીકતમાં માતૃભાષામાં ભણતા બાળકનો નૈસર્ગિક વિકાસ સરળ અને ઉત્તમ કક્ષાનો થાય છે, તે ભૂલવા જેવુ નથી. કદાચ ગુલામી કે પછી પોતાની માતૃભાષા માટે ગૌરવનો અભાવ–અંગ્રેજી ભાષાને સર્વોત્તમ માનવા પ્રેરતો હોય તો નવાઈ નથી. 

ગુજરાતી ભાષામાં વાતચીત

પરસ્પર વાતચીત દરમ્યાન કે લખાણમાં વધારે પડતું અંગ્રેજી વાપરવાની ટેવને લીધે, ઘણીવાર આખું વાક્ય ક્યારેય શુદ્ધ ગુજરાતીમાં બોલાતું નથી. અરે, બે ગુજરાતી જાણનારા વ્યક્તિઓ પણ પરસ્પર અંગ્રેજીમાં વાત કરતાં હોય ત્યારે શું થાય ? પોતાની ભાષા માટે અભિમાનનો અભાવ – ગૌરવનો અભાવ અને અંગ્રેજી ભાષા વિષે ખોટો ઊંચો અભિપ્રાય સિવાય શું હોય શકે ?ગુજરાતી ન સમજતા–કે–ગુજરાતી લખાણ કે વાતચીત ન કરી શકતા બાળકો એ વર્તમાનની વિચિત્રતા જ નથી શું? ચાલો કંઈક સમજીએ.

આપણી માતૃભાષા લુપ્ત થતી ભાષાઓની યાદીમાંથી ક્યારે નીકળે? જ્યારે આપણે સૌ માતૃભાષા માટે ગૌરવ અનુભવીએ અને દૈનિક વ્યવહારમાં માતૃભાષા જ બોલીએ–લખીએ. 

માતૃભાષા ગુજરાતી ગમતું નથી – અને અંગ્રેજી આવડતું નથી પણ બોલવું છે.  

- બીરેન કોઠારી (‘ગુજરાતમિત્ર’ ૩-૩-૨૨)

હકીકતમાં અતિશુદ્ધ ભાષાનો ઉપયોગ અશક્યવત છે, કારણ આવા પાત્રો ઉપહાસને પાત્ર બને છે અને અતિશુદ્ધ ભાષામાં સંવાદ સાધવો ખરેખર મુશ્કેલ છે.

પ્રાંતવાર અને પેટા પ્રાંતવાર આપણે ત્યાં વિવિધતાવાળી અલગ અલગ ગુજરાતી ભાષાની તદ્દન જુદી પડતી બોલી ચલણમાં છે. જેને અન્ય બોલીવાળા લોકો ઉપહાસની નજરે જુએ છે. વર્તમાનમાં ગુજરાતીના ભોગે અંગ્રેજી અપનાવવાનો પ્રવાહ વધતો ચાલ્યો છે–અંગ્રેજી મિશ્રિત ગુજરાતી વર્ણશંકર ભાષા બની ચૂકી છે ત્યારે, શુદ્ધ ગુજરાતીનો સહજપણે ઉપયોગ કરવો જરૂરી છે. બાકી તો કોઈપણ ભાષા–પોતાના બળે જ–તકે છે, વિસ્તરે છે કે મૃત થાય છે. 

આપણો ધર્મ ગુજરાતીનો વ્યાપક ઉપયોગ કરવાનો છે, બાકી મૃત થવાની કે લુપ્ત થવાની ફિકર કરવાની કોઈ ફેર પડશે નહીં.

તો, ચાલો આપણે ગુજરાતી ભાષાનો ઉદભવ સમજીયે અને ત્યારબાદ માતૃભાષાનું મહત્વ જાણીએ.


ગુજરાતી ભાષાનો ઉદ્દભવ
લે. હર્ષ પટેલ, શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા

આપણી ગુજરાતી ભાષાએ ભારત યુરોપિયન પરિવારની છે. ઉત્તર ભારતની તથા યુરોપની લગભગ બધી જ ભાષા ભારત યુરોપિયન પરિવારની છે. આ પરિવારની મુખ્ય 10 શાખા છે : ગ્રીક, ઇટાલિક, કેન્ટિન, જર્મેનિક, સ્લાવોબાલ્ટિક,અર્મોનિયન, આલ્બેનિયમ, હિટ્ટાઈટ, તોબારી, ભારત, ઈરાની. આમાંથી આપણો સંબંધ ભારત ઇરાની સાથે છે. ઈ.સ.પૂર્વે 3500ની આજુબાજુ ભારત યુરોપિયન પરિવારના લોકો મધ્યએશિયા અને તેની આજુબાજુના પ્રદેશમાં રહેતા હતા. (બહુ મોટી સંખ્યામાં ફેલાયેલા)

કેટલાક કારણોસર સ્થળાંતર થતાં પરિવારનું વિભાજન થાય છે. તે સમયગાળો એટલે ઈ.સ. પૂર્વે ૨૦૦૦ની આસપાસસ્થળાંતર થતા કેટલાક લોકો યુરોપ તરફ, કેટલાક અન્ય દિશા તરફ અને કેટલાક ઈરાન તરફ પ્રયાણ કરે છે ઈરાનમાં થોડો સમય સ્થાઈ થાય છે. ઈ.સ. પુર્વે 1500ની આસપાસ કોઈ ધાર્મિક વૈમનસ્ય ઉભું થતા તેમાથી ઘણામોટા સમુહમાં લોકો ભારત તરફ પ્રયાણ કરે છે. આમ ભારત તરફ પ્રયાણ કરનાર આર્યોનો સમૂહ દેવપૂજક આર્યો તરીકે ઓળખાય છે.

પ્રાચીન ભારતીય આર્યોના સમયમાં ધર્મશાસ્ત્રોની ભાષા વૈદિક સંસ્કૃત હતી. તથા બોલચાલની ભાષા સંસ્કૃત હતી. સંસ્કૃત સાહિત્યની ભાષા બની, ત્યારે પ્રાકૃતિક બોલચાલની ભાષા બની.

ધીમેધીમે પ્રાકૃતમાં પણ સાહિત્યનું સર્જન થતું ગયું અને પ્રાકૃત ભાષા વિસ્તાર પામી અને અલગ-અલગ પ્રદેશમાં તે અલગ-અલગ નામે ઓળખાવા લાગી. તે અરસામાં બોલચાલની ભાષા અપભ્રશં અસ્તિત્વમાં આવી.

અહીંથી ગુજરાતી ભાષાનો અંશ અસ્તિત્વમાં આવ્યો એમ કહેવાય છે.

ગુજરાતી ભાષાનો ઉદભવ હેમચંદ્રાચાર્યના અપભ્રંશથી થયો. જેને હેમચંદ્રાચાર્ય શૌરસૈની અપભ્રંશ કહે છે.

મથુરામાં આશૌરસૈની અપભ્રંશનું ચલણ વિશેષ થતુ. સમય જતાં અને સ્થળ બદલાતાં ભાષાની ભિન્નતાઓ આકાર લેવા માંડી અને તે એટલી હદે કે તે એક જ અપભ્રંશમાંથી કાળક્રમે, આ અપભ્રંશ , વ્રજપ્રદેશમાં આભીર અપભ્રંશ, તેમાંથી ઉદભવેલા ભાષા હિન્દી. રાજસ્થાનમાં મારુ અપભ્રંશ તેમાંથી ઉદભવેલ ભાષા રાજસ્થાની. ગુજરાતમાં નાગર / ગૌર્જર અપભ્રંશ, તેમાંથી ઉદભવેલ ભાષા ગુજરાતી.

આમ , ગુજરાતી ભાષાના ઉદભવના તબક્કા:
  1. વૈદિકસંસ્કૃત
  2. લૌકિકસંસ્કૃત
  3. પ્રાકૃત
  4. અપભ્રંશ
  5. ગૌર્જરઅપભ્રંશ
  6. જૂની ગુજરાતી
  7. મધ્યકાલીન ગુજરાતી
  8. અર્વાચીન ગુજરાતી
આમ, મૂળ ગુજરાતી ભાષા ભારત-યુરોપિયન પરિવારની છે. પ્રાચીન ભારતીય આર્યશાખાની છે. હાલની ગુજરાતી ભાષાના મૂળ ઋગ્વેદમાં જોવા મળે છે.

ગુજરાતી એવું નામ તેને ગુર્જર શબ્દ પરથી મળ્યુ. ગુર્જર લોકોનું વતન ગુજરાત અને તેઓની ભાષા એટલે ગુજરાતી.

માતૃભાષા-દૂધભાષા-હૃદયની ભાષા
લેખિકા: ઉઝમા ચોરાવાલા, શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા

સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી...
મળી માતૃભાષા મને ગુજરાતી...
- ઉમાશંકર જોષી 

એવી ગુજરાતી ભાષાને વંદન.

જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું તેમજ વિચારો પ્રદર્શિત કરવાનું, બાળક શીખ્યું તે ભાષા એટલે ગુજરાતી ભાષા. ગુજરાતી ભાષાના વિકાસને ત્રણ તબક્કામાં વહેચવામાં આવી છે.

પ્રથમ: 10 થી 14 મી સદી દ્વિતીય: 14 થી 17 મી સદી તૃતીય: 17 મી સદી થી
“જૂની” ગુજરાતી “મધ્યકાલીન” ગુજરાતી આજ દિન સુધી

પાલનપુરથી પોરબંદર, અમદાવાદથી અમરેલી, દાહોદથી ડાંગ, શામળાજીથી સુરત, ભુજથી ભરુચ, દરેક જગ્યાએ અલગ-અલગ ગુજરાતી બોલાય છે. દરેક ગુજરાતી બોલીની પોતાની એક આગવી ઓળખ છે. તેથી જ તેની એક અલગ લિજ્જત છે.

મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે “ભલે મારી માતૃભાષા અધૂરી રહી. જેમ હું માંની છાતીએથી અળગો ના થાઉં તેમ હું મારી માતૃભાષાથી અલગ ના થાઉં, મારા જીવનને ઘડનારું દૂધ અમને તેના સિવાય બીજે ક્યાંથી મળે”?

મહાત્મા ગાંધીજીએ આપણી માતૃભાષાને દૂધભાષા તરીકે ઓળખાવી છે. આપણે તેને અવગણશું અને તે પ્રત્યે બેદરકાર રહીશું તો ભાવિ પ્રજાને તેને માટે અફસોસ કરવો પડશે.

“બાળકના શરીરના વિકાસ માટે માતાનું દૂધ જરૂરી છે તેમ બાળકના મગજના વિકાસ માટે માતૃભાષા જરૂરી છે” આમ ગાંધીજી એ બાળકના મગજના વિકાસ માટે માતૃભાષા નું ખૂબ જ વિશેષ મહત્વ દર્શાવ્યું છે.”

અંગ્રેજી તો સારું જ છે, પણ ગુજરાતી તો મારું છે.

પોતાના લોકોના મૂલ્યો, વિચારો, અભિપ્રાયો કે જે સામાજીકતાથી ઘડાયેલા છે, તેના વારસાનો પરિચય આપતી ભાષા એટલે માતૃભાષા.

એક સંશોધન એવું જણાવે છે કે નાનપણમાં બાળક એકથી વધુ ભાષા સરળતાથી શીખે છે. માટે શાળામાં અન્ય ભાષા ભલે શીખે, ઘરમાં માતૃભાષાનો જ પાયો મજબૂત કરવો.

માતૃભાષા દ્વારા તર્કશક્તિનો વિકાસ થાય છે. માતૃભાષા એ વ્યક્તિગત, સામાજિક, આગવી સંસ્કૃતિ ઓળખ વિકસાવે છે. જેથી વ્યક્તિ સમાજમાં એક ચોક્કસ પ્રતિષ્ઠા ઊભી કરી શકે છે.

માતૃભાષા હ્રદયમાંથી આવે છે. અન્ય ભાષા મગજમાંથી આવે છે.

માતૃભાષા દ્વારા થતી વાત એ કુદરતી ઘટના છે, અન્યભાષા માં થતી વાત... એ કૃત્રિમ ઘટના છે.

માતૃભાષા એ વ્યક્તિના જીવનનો મહત્વનો ભાગ છે. અન્ય ભાષા નબળી કે ખરાબ તેવું નથી, પણ આપણાં માટે માતૃભાષા જ ઉત્તમ છે.

યુનેસ્કોના મતે દુનિયાની લગભગ 3,000 જેટલી ભાષાઓ ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે જેમાં ગુજરાતીનો પણ સમાવેશ થાય છે. ત્યારે એક ગુજરાતી તરીકે આપણાં સૌની ફરજ બની રહે કે આપણે આપણી માતૃભાષા ને બચાવવાના પ્રયત્ન કરીએ.

માતૃભાષા ગુજરાતીને આત્મસાત્ કરવું આપણો ધર્મ છે. તો, વિશ્વ માતૃભાષા દિવસ (૨૧ ફેબ્રુઆરી) ની ઉજવણી કરી. થોડી ઘણી ઉદાસીનતાને ખંખેરી ગુજરાતી માતૃભાષાને એનું હક્કના સ્થાને પ્રસ્થાપિત કરીયે. આપનો શું વિચાર છે?

તા. ૨૧-૦૨-૨૦૨૨ 
ડો. ભરતચંદ્ર એમ. દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
+91 2634 284 620

ગુર્જર રત્ન, જીવતી વાર્તા અને મારી વાતો

પુસ્તક પરિચય કરાવવા પુસ્તક વાંચવું પડે અને વાંચવા માટે પુસ્તક મેળવવું પડે! પુસ્તક લાયબ્રેરીમાંથી જ મળે અને લાયબ્રેરીમાંથી લાવીને જ વંચાય એ મને ખબર હતી. જે.બી.પીટીટ લાયબ્રેરી-બીલીમોરા, ગઝધર લાયબ્રેરી-ગણદેવી અને સયાજી લાયબ્રેરી- નવસારીનો આજીવન સભ્ય હોવાથી હું ત્યાંથી લાવીને જ પુસ્તક વંચાય એવી ગેરસમજ ધરાવતો હતો. પણ નવી પેઢીના મારા બાળકો વૈશાલી અને રાહુલે એ ભૂલાવ્યું. પુસ્તકમેળા – પુસ્તકોની દુકાનો અને ઘટતામાં 'એમેઝોન' દ્વારા પુસ્તક ખરીદીને પુસ્તક વંચાય એમ તેમણે બતાવ્યું. પુસ્તકો ખરીદવાનું પહેલા ચર્ચગેટના રોડ પરથી દરેક પુસ્તક સો રૂપિયામાં વેચાય ત્યાંથી શરૂ કરાવ્યું – પછી બુક સ્ટોરમાંથી ખરીદી આપ્યું અને છેલ્લે ‘એમેઝોન’માં ઓર્ડર આપી ઘરે મળતું કરાવ્યું. આમ વૈશાલી–રાહુલે પુસ્તક ન ખરીદવાની જીદ દૂર કરાવી નવી ટેવ પડી. તેમાંથી છેલ્લે ખરીદી તે "ગુર્જર રત્ન" અને "જીવતી વાર્તા" પુસ્તકો મેળવ્યા.

દીક્ષા – સાદાઈ – સમાજસેવા

હિન્દુ ધર્મના સિદ્ધાંતો: કદાચ વારસાગત ગરીબી અને જૈન ધર્મની દીક્ષાના સંસ્કારોએ મને ન કમાવાની, કહેવાતી સમાજસેવા કરવાની અને સાદાઈ અપનાવવાની વિચારસરણીના પાટે ચડાવી દીધો હતો. તેથી નેત્રયજ્ઞ દ્વારા મફત ઓપરેશનો, એકદમ રાહતદરે પોતાની ખાનગી હોસ્પીટલમાં આંખની તપાસ અને ઓપરેશન, અને સાદાઈ ભરેલી જીવન શૈલી હું જીવ્યો છું. આ સારું કહેવાય કે મૂર્ખાઈ તેની વાત હવે 71 વર્ષે કરવાનો અર્થ નથી. પણ ખર્ચ કરવાની અનિચ્છા ઘર કરી ગઈ છે તે કાઢવામાં મારા બાળકો થોડાઘણા અંશે સફળ થયાં છે. તેઓના સિધ્ધાંતો સ્પષ્ટ છે – ખૂબ મહેનત કરો અને તે દ્વારા અઢળક કમાણી કરો.

મિત્રતા

વાંચન અને ત્યારપછી લેખનના શોખે મને થોડા મિત્રો શોધી આપ્યા છે. બકુલાબેન ઘાસવાલા (વલસાડ), હરેશ ધોળકિયા (ભુજ), સંધ્યાબેન ભટ્ટ (બારડોલી), પ્રો. તુષાર દેસાઈ (સુરત), કલ્પનાબેન દેસાઈ (ઉચ્છલ), સુરેશભાઈ દેસાઈ (નવસારી), અને બીપીનભાઈ શ્રોફ (મહેમદાવાદ) આ રીતે મળેલા મારા મિત્રો છે. કદાચ મારા સ્વભાવની મર્યાદાઓ કે પછી સફળ સાહિત્યકારોની પોતાની મહાનતાના ખ્યાલોને લીધે પરસ્પર વર્તનની મર્યાદાઓ વધારે આત્મીયતા લાવતાં રોકે છે. વાતચીતમાં સરળતા, કુદરતી રીતે સ્વભાવમાં નમ્રતા અને વાતચીત દરમ્યાન મિત્રતાનો સુંદર પ્રતિભાવ ધરવતા બીરેન કોઠારીને નવા મિત્ર બનાવી શકાશે એવા લક્ષણો દેખાય છે.

લેખક પરિચય

આજે બે પુસ્તકો 'ગુર્જર રત્ન' અને 'જીવતી વાર્તા' (લેખકો: અનુક્રમે, બીરેન કોઠારી અને પ્રશાંત દયાળ) ચર્ચામાં છે. પુસ્તકોની વાત કરતાં પહેલા લેખકોની વાત કરવું અસ્થાને નથી. 

બીરેન કોઠારીના સંપર્કમાં બકુલાબેન ઘાસવાલાએ કરેલ 'હોમાઈ વ્યારાવાળા' વિષયક પુસ્તક પરિચયને લીધે આવવાનું થયું. બીરેનભાઈએ આ પુસ્તક ફોન પરની વાતચીતથી મને મોકલી આપ્યું. સ્વભાવગત મેં પુસ્તક વિષે પ્રતિભાવ મોકલ્યો અને કદાચ તેનો પુરસ્કાર એટલે અમારી પહેલી ત્રીસ મિનિટની હ્રદયસ્પર્શી વાતચીત! પુસ્તકની વિગત કહેવા પહેલાં એમ કહું કે ફક્ત લેખકનો પરિચય જ થાય તો તે પણ ઓછું નથી, પરંતુ છે તો જરાય ખોટું નથી. આશરે છપ્પન વર્ષના લેખક બીરેનભાઈનો સંઘર્ષ અને લેખક થવાનું મનોમંથન આ પુસ્તકની પ્રસ્તાવના 'હાલ-એ-દિલ હમારા' દ્વારા ખબર પડે છે. છેલ્લા ચૌદ વર્ષથી આઈપીસીએલની નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ પૂર્ણ સમયના લેખનને જીવનશૈલી તરીકે અને આર્થિક ઉપાર્જનનો એકમાત્ર સ્ત્રોત તરીકે અપનાવેલ બીરેનભાઈની જીવનશૈલી સમજવા જેવી છે. બાવીશ વર્ષ કેમિકલ એંજિનીયર તરીકે આઈપીસીએલમાં નોકરી કરનાર બીરેનભાઈ હવે ૨૦૦૭ થી પૂર્ણ સમયના લેખક બન્યા છે. તેઓ લેખક તરીકે મુખ્યત્વે ‘જીવન ચરિત્ર’ લેખનમાં નિષ્ણાંત છે. પહેલાં રજનીભાઈ પંડ્યા સાથે ‘ઈષ્કો’ના પ્રણેતા ઈન્દુકાકાની જીવનકથા લખી (૨૦૦૨), ત્યાર પછી મુંબઈના ઉધ્યોગપતિ નવનીતરાય ત્રિવેદી (૨૦૦૫) વિષે લખ્યું. આમ રજનીભાઈ સાથે કરેલી શરૂઆત 'અહા જિંદગી' (દિવ્યભાસ્કર જૂથનું માસિક) માં અટકી. પછી સ્વતંત્ર લેખક તરીકે ત્યાં દર મહિને વિવિધ્યવાળા ક્ષેત્રોની વ્યક્તિઓ પસંદ કરી, તેમનું પ્રદાન કેન્દ્ર સ્થાને રાખી પાંત્રીસ વ્યક્તિઓની જીવન શૈલી વિષે લખ્યું. ઉર્વીશના સહ્રદય ભાઈ, કામિનીબેનના પતિ, શચિ અને  ઈશાનના પિતા અને અનિલભાઈ–સ્મિતાબેનના પુત્ર એવા બીરેનભાઈ ને શુભેચ્છા પાઠવું છું.

ચાલો, 'જીવતી વાર્તા' પુસ્તકનાં લેખક પ્રશાંત દયાળનો પરિચય ઉર્વીશ કોઠારી પાસેથી જાણીએ. ટૂંકા વાળ, ઘેરી દાઢી-મૂછો, મોટી આંખોમાં તરવરતી લાલાશ, કરડાકી ભર્યો ચહેરો ધરાવતા પ્રશાંત દયાળ અસલ શિવસૈનિક લાગે. કોઈની કે કશાની પરવા ન હોવી એ ભાવ ઘણીવાર સામેની વ્યક્તિ સળગી ઊઠે એ હદે વ્યક્ત થતો રહે છે. તેઓ સંવેદનશીલતાને મોટે ભાગે રૂક્ષતાના આવરણ હેઠળ સલામત રાખે છે. ‘ક્રાઈમ રિપોર્ટિંગ’માં નિષ્ણાંત આપણા પ્રામાણિક મિત્ર પ્રશાંત દયાળ તેની નૈતિકતાના બદલામાં છ આંકડાની રકમની ઓફર પણ ઠુકરાવી શકે છે. 'દિવ્ય ભાસ્કર'માં જોડાવાની અને લેખક તરીકેના સંઘર્ષની વાતો આપણે માટે સમજવી એટલી સહેલી નથી.
જે પુસ્તક વાંચીએ તેની ટૂંકનોધ બનાવી પ્રતિભાવ આપવાની ટેવ ખોટી નથી – પણ વાંચેલા દરેક પુસ્તક વિષયક લખવાની હઠ કદાચ સમય માંગી લેતી હોય છે અને થોડા વધારે પુસ્તકો વાંચતાં રોકતી પણ હોય છે. ત્યારે હવેથી કોઈ કોઈ પુસ્તકો વિષે જ લખીએ તો ચાલે એવા વ્યક્તિગત નિર્ણય પર આવ્યો છું.
સ્વતંત્રતા (The Freedom)

બિનવ્યાવસાયિક સ્વતંત્ર લેખનની મઝા કદાચ સ્પર્ધાત્મક લખાણો, કૉલમ લેખન કે પુસ્તકલેખન કરતાં ઘણી રીતે જુદી પડે છે. અહીં સમય પાલનનો કોઈ આગ્રહ નથી હોતો – મુદ્દાસર કે પછી નિર્ધારિત ઢાંચામાં લખવાનો નિયમ લાગતો નથી – ઉપરાંત લેખનની લંબાણ વિષયક કઈં નક્કી હોતું નથી. મનમરજી મુજબ આંતરસ્ફૂરણાંથી કે વિચારવલોણુંમાંથી નીકળતો સાર લખવાનો હોય છે. આ અનુભવ કદાચ બધાએ જ કરવા જેવો છે. પત્રલેખન, લઘુનિબંધ કે પુસ્તક પ્રતિભાવથી શરૂઆત કરી શકાય!

‘જીવતી વાર્તા’ અને ‘ગુર્જર રત્ન’ બન્ને પુસ્તકોમાં એક સામ્ય એ છે કે બન્ને લેખકોએ લેખનના પાત્રોની રૂબરૂ મુલાકાત લઈ, તે પાત્રોના અનુભવોનું શબ્દાંકન કર્યું છે. 'જીવતી વાર્તા' જીવનના પ્રસંગોની આસપાસ છે, તો ‘ગુર્જર રત્ન’ જીવતા લોકોના જીવનચિત્રનું વર્ણન છે. બન્ને પુસ્તકો મેં સાથે વાંચ્યા છે – તેથી સાથે જ વાત અસ્થાને નથી! 


જીવતી વાર્તા (લે. પ્રશાંત દયાળ)

૨૦૦૩ થી ૨૦૦૭ દરમ્યાન ‘દિવ્યભાસ્કર’ માં અને હાલમાં ‘ગુજરાતમિત્ર’ માં પ્રસિદ્ધ થતી ૪૦ વાર્તાઓનો આ સુંદર વાર્તાસંગ્રહ છે. અહીં તમામ વાર્તાના પાત્રોને લેખકે રૂબરૂ મળીને સત્યઘટના આધારિત વર્તમાનમાં જીવતા લોકોને થયેલા અનુભવો અને ત્યાર પછી જીવનશૈલીના પરિવર્તનની વિગતે વાતો કરી છે. તેઓ કહે છે તેમ બીજાની જિંદગીમાં પીડાના ગોદામ છે તે સંવેદનશીલ વ્યક્તિ જાણે ત્યારે, રુદન કુદરતી પ્રતિભાવ છે – રુદન રોકવું અશક્ય છે. જિંદગીમાં ક્યારેક એવું લાગે કે તમે બધુ જ હારી ગયા છો, ચારેય તરફથી નિરાશા ઘેરી વળે અને તમારા પ્રશ્નોના ઉત્તર દૂર સુધી તમને ક્યાંય નજર ન પડે, તમને લાગે કે મધદરિયે તમે એકલા છો, ત્યારે આશાનું એક કિરણ નજરે પડે છે અને ફરી જીવવાનું બળ મળે તેનું નામ તે 'જીવતી વાર્તા'! 


વૃદ્ધાશ્રમમાં રહેતા દરેકનો જન્મદિન ધામધુમથી ઉજવતા પ્રકાશભાઈ શાહ, ચાની કીટલી પર કામ કરતા જુગનુની વાત, રાજુ – નફિસાના પ્રેમની અને વ્હીલચેરની જિંદગીમાંથી લાકડીના સહારા સુધી દ્રઢ મનોબળથી પહોંચતી નફિસા, નાનાભાઇ વસંતભાઈ, મહેશના મૃત્યુનો અનુભવ – મહેશના મૃત્યુ પછી સાવિત્રી સાથે વસંતના લગ્ન અને આવી દરેક વાત લાગણીના તાર ઝાંઝણવવા માટે પૂરતી છે. લેખક છેલ્લે કહે છે – બીજાનું દુ:ખ તમને રડાવે એનો અર્થ કે તમારી અંદર રહેલો માણસ જીવે છે – ચાલો, પુસ્તક વાંચીને પોતાની માનવતાની તીવ્રતા તપાસી લઈએ.

ગુર્જર રત્ન (લે. બીરેન કોઠારી)

જીવતી વાર્તામાં ટૂંકી વાર્તા વાંચ્યા પછી હવે ચાલો, ગુજરાતના ૩૪ મહાનુભાવોની જીવન ચર્ચા વાંચીએ. દરેક વિષે એક પુસ્તક લખાય એવી વાતો, લગભગ આઠ-દસ પાનામાં એક એમ કુલ્લે ત્રણસો પાનામાં ૩૪ જીવનકથાઓનો હ્રદયસ્પર્શી આલેખ એટલે ગુર્જર રત્ન! જાન્યુઆરી ૨૦૦૮ થી શરૂ કરીને દર મહિને એક લેખે 'અહા! જિંદગી' માસિક (દિવ્યભાસ્કર જુથ) ઓગસ્ટ ૨૦૧૧ સુધી વૈવિયધ્યસભર વ્યક્તિઓને રૂબરૂ મળ્યા. મુલાકાત રેકોર્ડ કરી. વિવિધ સંદર્ભસાહિત્ય અને સંપર્કો દ્વારા માહિતી એકઠી કરતાં કરતાં વિગતવાર વ્યક્તિ પરિચય કરાવ્યો. વાચક લેખક સાથે એકાકાર થઈ પરિચિત વ્યક્તિનું જીવન અનુભવતો થાય એવો રસાસ્વાદ મેં એક સપ્તાહ સુધી માણ્યો. જાણે રૂબરૂ વાતચીત થતી હોય એવી લાગણી – ઐક્યતા અનુભવી. ૩૪ વ્યક્તિઓનું જીવનચક્ર – શૂન્યમાંથી મહાનતા તરફનો પ્રવાસ – લેખકે કર્યો અને શબ્દદેહ આપીને આપણને કરાવ્યો. આપણા ગુજરાતીઓ માટે ઘણાખરા લોકો પરિચિત અને આપણાંમાનાં એક હોઈ શકે. ડાહ્યીબેન પરમાર થી શરૂ કરીને ઘેલુભાઈ નાયક, રતિલાલ ‘અનિલ’, મધુ રાય, પુર્ણિમાબેન પકવાસા, વિનોદ ભટ્ટ, હરીશ રઘુવંશી કે મહેન્દ્ર મેઘાણી જેવા ઘણાબધા સાથે સંપર્ક – પરિચિતતા અને વાચક તરીકેનો સંબંધ વ્યક્તિગત ઐક્ય અનુભવવા માટે પૂરતો છે. આપણાં લોકોની સંઘર્ષકથા – તકલીફો – અનુભવો અને પરિષ્ઠતાનું છેલ્લું જીવન વાંચતાં કદાચ લાગણી – ધન્યતા અને અહોભાવ ન જાગે તો જ નવાઈ!
  • ૯૮ વર્ષ ખુમારીપૂર્ણ સફળ જીવન જીવનર ફોટોગ્રાફર હોમાય વ્યારાવાળા (વડોદરા) પતિના મૃત્યુની વાત લોકોને કહેતા નથી. કારણ, મારો શોક મારી અંગત બાબત હોવાનું માને છે. 
  • હરીશ રઘુવંશી (સુરત) ૧૨૯૨૬ ફિલ્મોની યાદી કક્કાવાર તૈયાર કરે છે – અનેક કટુ અનુભવો અને આર્થિક વળતરની નહીંવત અપેક્ષા છતાં સર્વોચ્ચ શક્તિ દ્વારા સોંપાયેલ કામ અનુષ્ઠાન કરનારા યોગિની એકાગ્રતાથી કરે છે. 
  • હાસ્યલેખોના સફળ લેખક વિદ્વાન વિનોદ ભટ્ટ ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્યભાસ્કર, ચિત્રલેખા, સહિત લગભગ બધી જ જગ્યાએ લેખો દ્વારા મળતા હોવા છતાં તેમની વાતો સાંભળતા જ શીઘ્ર હાસ્ય પ્રગટે – હકીકતમાં આ વિનોદભાઈ દર્દથી ઘૂંટાયેલ હાસ્ય તરફ પક્ષપાત સાથે જીવનશૈલી શીખવે છે. 
  • રાજવી–દરબાર–વિખ્યાત શાયર રુશ્વા મઝલુમી ઉર્ફે ઈમામુદ્દીનખાન બાબી પ્રગતિશીલ વિચારના અને લોક કલ્યાણના અનેક કામો પાજોદના રાજવી તરીકે કરે છે. 
  • રતિલાલ ‘અનિલ’ આખાબોલા સ્વભાવના, સતત સંઘર્ષ, શોષણ અને ઉપેક્ષામાં જીવ્યા હોવા છતાં ‘ગઝલ’ રચના કરતાં કરતાં ગઝલકારોની ચાર પેઢીના સાક્ષી બને છે. 
  • જ્યોતિ ભટ્ટ કેમેરાના કસબી – ફોટોગ્રાફર – પેઈન્ટર અને પત્ની જ્યોત્સ્ના ભટ્ટ સિરામિસ્ટ હતા. પચાસેક હજાર નેગેટિવરૂપે સચવાયેલ કલાવારસાનું શું થશે? એ સવાલનો હ્રદય સ્પર્શી જવાબ સાંભળવા જેવો છે. “નેગેટિવનું કઈં ન થાય તો છેવટે મને બાળવામાં હોમી દેશો તો, એટલાં લાકડાં બચશે.” 
  • ઘેલુભાઈ નાયક (ડાંગીઓના ભાઈ) મારા અંગત સ્નેહી - એમની અને મોટાભાઈ છોટુભાઈની જીવનશૈલી આહવામાં મેં કરેલા નેત્રયજ્ઞો વખતે રૂબરૂ માણી. ખાદીનું પહેરણ (બાંડિયું) અને ખાદીની ચડ્ડીનો આજીવન પહેરવેશ સાથે ડાંગીઓની સેવામાં એકરૂપ ઘેલુભાઈ સાથે હોવાનો ગર્વ ન લઈએ તો કેમ ચાલે? 
આમ ૩૪ વ્યક્તિઓની દિનચર્યા – જીવનશૈલી – સંઘર્ષકથા આપણાં બીરેનભાઈ લગભગ ત્રણ વર્ષ જીવ્યા અને તેનો સાર આપતું પુસ્તક ‘ગુર્જર રત્ન’ વાંચી ધન્ય થઈએ. 

પુસ્તક લેખનની કસરત લેખકે કરી – હવે ખરીદીની અને વાંચનની મહેનત આપણે કરીએ.

- ડો. ભરતચંદ્ર દેસાઈ, બીલીમોરા

પુસ્તકો:
૧. ગુર્જર રત્ન (૨૦૧૯),   લે. બીરેન કોઠારી
૨. જીવતી વાર્તા (૨૦૧૮), લે. પ્રશાંત દયાળ
પ્રકાશક : સાર્થક પ્રકાશન, અમદાવાદ




ગુર્જર રત્ન
લેખક: બીરેન કોઠારી
૨૦૧૯
પ્રકાશક: સાર્થક પ્રકાશન, 
અમદાવાદ

જીવતી વાર્તા
લેખક: પ્રશાંત દયાળ
૨૦૧૮
પ્રકાશક: સાર્થક પ્રકાશન
અમદાવાદ

Pains And Pleasures Of Ageing

At the age of 71, I am looking back and see my thoughts recorded in the article Life at 60 years back and find out whether all I said then continues to be true even today. I am happy to say my conclusions proved to be true. In one of them, I wrote 'I can proudly tell myself I can rely on my offspring for whatever I need - a great satisfaction any parent can have.' In the other sentence, I wrote 'my pillars of living are my wife Dr Bhavna, daughter Vaishali and son Rahul.' Yes, the same truth prevails. I concluded the article stating 'I am happy. I have no regrets. I am ready to face whatever situation arises and do what I think right at that moment.' Well, certainly 'all is well!' 

I said at 60 and continue to believe the same at 70+ that, 'I am sure I have no expectation whatsoever before, during and after my death.' Once this mental attitude is reached, I think all the spirituality one needs is at the maximum. One needs not be a 'Sanyaasi' and go to the forest in the last phase of life 'Sanyashashram' to be said after 75. Live happily enjoying the leisure and pleasures of the social life. You might be wondering about the title 'Pains and Pleasures' and wondering about the study around. Let us start.


Dementia

At old age, loss of memory is a great threat to remain normal in relations. You forget names, events and many things around and you find it difficult to recollect. To stop total loss of memory, Alzheimer's disease, interest in the surrounding with love for all-around will make you remember the names. You do not forget the names of your family members, just the same way interest and love for people around will make you remember their minute details including name. Loss of hearing, vision and other illnesses are bound to come, but the loss of memory can be prevented. Aloofness and withdrawal from social life are dangerous and can make your life difficult to live. Maybe others are not interested in you as an old person – but you can continue being interested in them.

Anxiety, Fear and Worries

With seniority and retirement, you have a great amount of free time available not only during the day but also during the night, because sleep hours are also reduced. Now anxiety, fear and worry about yourself, your close-ones and trivial matters overpower the mind. You keep worrying about everything. Sometimes the fear of being beaten or killed by unknown people wakes you up from sleep! A mind without creative activity and loneliness initiates such a thought process. Keeping one busy with reading, writing, watching TV and movies, listening to music and being in conversations with friends and family members seem to stop, or at least reduce such mental stress.

Depression

Disrespecting and ignoring one’s existence by others around lead to feelings of uselessness, in turn leading to sadness and depression. Biphasic variation of mood from being excited to the highest to feeling sad all of a sudden for no reason whatsoever is a natural phenomenon more prevalent in ageing persons. Even with all the positivity and everything at the back of my mind, depression with low mood and sadness appears off and on. The only way out formula is awareness and dealing mood variation by some activity, being accompanied by friends and family and having a dialogue. Awareness and good company can make mood elevation easy and fast. Let us try.

Dissatisfaction About Savings Elevation

Whatever big amount one has earned and saved, they feel to have earned less money during lifetime. Seeing the much bigger amount earned by the present generation, higher cost of day to day life and insecurity of needful money makes one feel unhappy, comparing and sorry. Avoid this. Live your life according to the money you have or, let us say, simple life does not cost much. Even illness can be managed properly at government hospitals free of charge.

Well, do not get carried away hearing all about pains – there are a lot many pleasures to talk of about ageing.

Freedom from Earning

Retirement of compulsion in service and voluntary retirement from private business make one free from hassles and stress of job, duty or business. You have no responsibility to work and earn. This makes you a free bird flying all around and enjoying life.

Freedom of Timetable

You do not have to follow a strict regime of timetable. You can enjoy long sleeping hours, eating at the desired time and wandering in your mood. Well, this is the great luxury of no timetable life. Discipline in exercise and diet can not be better observed, but even both of them are optional. Good health is necessary for a smooth and happy life, but exercise and diet control do not guarantee perfect health at least with ageing.

Free Time Round the Clock

This can be understood better by Mumbaites who have to wander in crowded traffic and work for 10-12-14 hours a day. They leave home in the early morning and reach home at late night. Ageing persons have the luxury of free time for 24 hours a day! This makes them develop a hobby of reading, writing, playing games, travelling abroad and inland and learning whatever they desire. Making oneself busy enjoying all that one has missed during young age is better started soon before it becomes difficult or impossible to do.

Membership at laughing club, senior citizens club, ladies club, Lions, Rotary, Giants - like social service clubs, caste organisation and such meeting places are better tried and if the tuning with activities there and pleasure is gained better continued. If your nature does not permit such membership, better avoid any associations with them. Short and long travels, daily evening meetings, frequent visits to drama, movies and cultural programmes are worth trying.

Conclusion

There can not be any universal formula that guides everyone equally. One has to find out their own way of living with ease and pleasure and follow this. In Japan, they use the word 'Ikigai' to explain the purpose of life. One should find out their own reasoning to search own passion and talents for a long and happy life.

They say - stay active, be slow, surround yourself well. Let me say - good friends, smile, reconnect with nature and give thanks.
  1. I shall live a happy life. I will manage to get rid of anything that distracts the goal of happiness. I will keep such persons and activities away.
  2. I will keep busy living a social life full of reading, writing, talking and being with like-minded people around.
Do tell me what you think!

હોમાય વ્યારાવાલા સાથેના સંભારણાની શબ્દછબી

બકુલાબેન ઘાસવાલાએ ફેસબુકમાં 'હોમાય વ્યારાવાલા - તેમની સાથેનાં સંભારણાની શબ્દછબિ' પુસ્તક પરિચય કરાવ્યો, ત્યારે શ્રોતા તરીકે મને પુસ્તક વાંચવાની તીવ્ર ઈચ્છા થઈ એ તેમની સફળતા કહેવાય. પછી તો પુસ્તક ખરીદવાની ઉતાવળ, શોધ અને છેલ્લે બધા પ્રયત્નો પછી ઈચ્છિત પુસ્તક પ્રાપ્તિ અને નવા સંબધોની શરૂઆત – નવા મિત્રની શોધ એમ કહું તે યોગ્ય જ રહેશે.

પુસ્તક પરિચયો મેં ઘણા લખ્યા છે. હમણાં હમણાં તો એક જ દિવસમાં પુસ્તક વાંચી, બીજે જ દિવસે પ્રતિભાવ લખવાની નવી ટેવ પડી છે. પુસ્તક પરિચય કરાવનારે પોતાની વાત કેટલી મર્યાદામાં કરવાની છે, તે મને ખ્યાલ હોવા છતાં શરૂઆત મારી વાતથી જ કરીશ.

૧૯૬૧–૬૩ ના ગાળામાં હું મહેમદાવાદ રહેતો હતો. ત્યાં વેરાઈમાતાના મંદિરની બાજુમાં આવેલા તાલુકા પંચાયત સ્ટાફ ક્વાટર્સમાં રહેતો અને થોડે જ દૂર આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ પાંચ, છ અને સાત ભણતો હતો. હવે લગભગ ૬૦ વર્ષ પછી બધુ નહીં છતાં ઘણુ બધું યાદ છે – મોટો દરવાજો અને હોસ્પિટલ નજીક આવેલી પ્રાથમિક શાળા, ગામની વચ્ચે આવેલી વાવ, વાત્રક નદી કિનારે વિશિષ્ટ બાંધણી વાળી ભવ્ય કબર, રોજારોજી, ભમ્મરિયો કૂવો અને ઘણુબધું. બે મહિના પહેલાં શ્રી બિપિનભાઈ શ્રોફ જોડે આ બધુ યાદ કર્યું હતું, ત્યાં હવે બીરેન ભાઈ જોડે ફરીથી મહેમદાવાદ જીવી લઈશ.

તમારી ધીરજ ખૂટે તે પહેલાં પુસ્તકની વાતો શરૂ કરીએ.

આ પુસ્તક હોમાય વ્યારાવાલા વિષે છે. પણ  એ ના તો તેમની આત્મકથા છે કે જીવનચરિત્ર છે – પણ લેખકની હોમાય જોડેની આત્મીયતા – મિત્રતાની આપણી જોડે નિખાલશ – કદાચ સહ્રદય હોવાથી – ખુલ્લી વાતચીતો છે. કોઈ દંભ વગર જીવનનો દસમો દાયકો જીવતી હોમાયબેન સાથેની મિત્રતા અને ખાટીમીઠી તકલીફોવાળી વાતોના વર્ણનોની આ કથા છે.

પુસ્તકમાં આપેલી બધી વાતો ટૂંકાવીને પુસ્તક પરિચયમાં કહી દઈએ – તો કદાચ ઝડપના સમયમાં – પુસ્તક વાંચવાનું ટળી જાય એવું ન બને તે માટે પુસ્તકનો સાર અહીં જણાવવાનો કોઈ ઈરાદો નથી.

વિવેકબુદ્ધિવાદ (Rationalism)ની વાત કરતી વખતે ભગવાનના ઉલ્લેખને અવિવેક ગણાતો હોવા છતાં– બીરેનભાઈ – હોમાયબેનની જેમ જ તેમની મુલાકાત અને સંબંધોનો વિકાસ કદાચ ઈશ્વરાધીન જ હતો એમ હું દ્રઢપણે માનું છું. જીવન દરમ્યાન પરિચિત થયેલા ઘણાબધા લોકોમાંથી ખૂબ ઓછા જોડે પરસ્પર લાગણી ના સંબંધો સ્થપાતાં હોય છે અને તેમાંથી ઘણાજ જૂજને શબ્દદેહ મળતો હોય છે. એ દસકાના આદાનપ્રદાન, નોકજોક, આત્મીયતાનો ખુલ્લો એકરાર તે - બીરેનભાઈ કોઠારીનું હોમાય વ્યારાવાળા વિષેનું પુસ્તક!

આ પુસ્તક વાંચવાની તમને ભલામણ કરવાના બે કારણો છે – એક તો તદ્દન એકલા રહીને સ્વમાનપૂર્વક ખુમારીથી જીવનનો દસમો દાયકો કેમ જીવી શકાય તેનું માર્ગદર્શન આ પુસ્તકનાં દરેક પાને ટપકે છે અને બીજું, કહેવાતા કળયુગમાં નિસ્વાર્થ સેવાભાવનાવાળા મિત્રો–માણસો આપણી પ્રેમાળ જીવનશૈલીથી કેવી રીતે મળતા હોય છે, તે સંબંધોની નિર્દોષ – બાળ સહજ – પણ પ્રમાણિક વાતો તમને અહીં મળે છે. એ જાતે વાંચવાથી જ જીવાય – સમજાય – અને તે તક ચૂકવા જેવી નથી.

હોમાય વ્યારાવાલા (૦૯/૧૨/૧૯૧૩ થી ૧૫/૦૧/૨૦૧૨) ૯૮ વર્ષ જીવ્યા. ૧૯/૦૧/૧૯૪૧ માં પંદર વર્ષના ગાઢ પરિચય પછી માણેકશા જોડે લગ્ન કર્યા. બન્ને ફોટોગ્રાફર – વ્યાવસાયિક ફોટોગ્રાફર – સફળ ફોટોગ્રાફર, ઈતિહાસમાં યાદગાર બનાવોના સાક્ષી અને જવાહરલાલ નહેરુ – ગાંધીજી – સરદાર વલ્લભભાઈ – મહહમદ અલી ઝીણા – લાલબહાદુર શાસ્ત્રીથી ઈન્દિરા ગાંધી સુધીના મહાનુભાવોની ઐતિહાસિક ફોટોગ્રાફી કરનાર, “પદ્મવિભૂષણ”ના રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજીત ફોટોગ્રાફર. ૨૬/૦૫/૧૯૬૯ના દિવસે પતિ માણેકશાનું અકસ્માત અને ૦૪/૦૧/૧૯૮૮ના રોજ પુત્ર ફારૂકનું કેન્સરથી અવસાન પછી હિંમતપૂર્વક એકલપંડે તબિયત સાચવીને ૧૫/૦૧/૨૦૧૨ સુધી બીજા ચોવીસ વર્ષ વડોદરા રહ્યાં. ૧૯૭૦ થી તેમણે વ્યવસાયનિવૃત્તિ સ્વીકારેલી. 

ચાલો, હવે બીરેનભાઈએ હોમાયબેનની ખુમારીની જે વાતો કરી છે – તે જાણવું ફરજિયાત છે.

હોમાયબેનની એકલપંડે – ૭૦ પછીના ૨૮ વર્ષોની સફળ જીવનયાત્રાની વિગતો આપણે જાણવી – સમજવી જરૂરી છે. તેના મુખ્ય લક્ષણો – નવું શીખવાની તત્પરતા, નવા અખતરા કરવાનો ઉત્સાહ, નવા ઉપકરણો શીખી લેવાની ત્વરા ઉપરાંત સહજપણે, દયામણા બન્યા વગર પોતાની મનપસંદ રીતે જીવવાનો તેમનો અભિગમ આપણે બધાંએ વૃદ્ધત્વને સન્માનનીય બનાવવા માટે શીખવાની ખાસ જરૂર છે.
  • કળા – કૌશલ્યનો સંગમ ધરાવતા હોમાયબેન ખુદ્દારી, સ્વાલંબન અને સ્વાશ્રય સાથે 'Small, Simple and Beautiful' (સ્મોલ, સિમ્પલ એન્ડ બ્યુટીફુલ)ના સૂત્રમાં જીવન જીવનાર હતા.
  • તેઓ કહેતા – યુવાનીમાં બે-ચાર શોખ કેળવી રાખવા જોઈએ જેથી નિવૃત્તિના સમયમાં એ શોખને વિકસાવી શકાય. તેમના શોખના વિષયો ઈકેબાની, રંગોળી, બાગાયત વગેરે.
  • ઘડપણના ભવિષ્યમાં કામ આવે એટલા માટે જે બચત કરી હતી તે વાપરવાનો ઘડપણ વર્તમાન છે – તે સમજાવતા.
  • કોઈ અચાનક પોતાને ત્યાં ટપકી પડે કે લાંબો સમય બેસે પસંદ ન હતું કારણકે, તે કદી ‘નવરા’ નહોતાં, તેમને સમય પસાર કરવાની સમસ્યા નહોતી. ‘પર્સનલ સ્પેસ’ (Personal Space) અને ‘પ્રાઈવસી’ (Privacy) અંગે તેમનો આગ્રહ અંગ્રેજોની યાદ અપાવી દે એવો લાગે.
ભગવાનમાં શ્રદ્ધા ખૂબ તીવ્ર હતી. ગુજરાતી ભાષાનું તેમનું પારસીકરણ તેઓને કહેવડાવતું – 'ખોદાયજીએ મને આંય મોકલી તો મારી સંભાળ લેવાની જવાબદારી પણ એવનની જ છે!'
સાવ સામાન્ય લાગતી નાની-નાની વાત ઉપર હોમાયબેન ખૂબ ખડખડાટ હસતા. હસવું, કડવું છતાં સાચું મોં પર કહી શકનાર નિખાલસ વ્યક્તિત્વ; સખત મહેનત અને પૂરી નિષ્ઠાથી જીવનાર અને કુદરત સાથે તાલ મિલાવીને જીવેલી અત્યંત સંતોષી એવી આ વ્યક્તિના મિત્રો બીરેનભાઈ કોઠારી અને પરેશભાઈ પ્રજાપતિની ઈર્ષ્યા કરવું સ્વાભાવિક છે!

પુસ્તક પરિચય કરાવતાં કરાવતાં કદાચ હું ૧૩૦ પાનાં ફરીથી અહી લખી ન નાખું – એટલા માટે વિરમું છું. બીરેનભાઈ, પુસ્તકમાં મળતો આપનો અને કામિની બેનનો પરિચય મને ખૂબ પ્રભાવિત કરી ગયો છે. મને કદાચ દૂરથી પ્રેમ કરી શકાય એવા સરળ મિત્ર મળ્યા છે – તે આ પુસ્તકની ઓછી ઉપલબ્ધિ નથી શું ?


ડો. ભરત દેસાઈ, બીલીમોરા
૨૩/૧૧/૨૦૨૧



હોમાય વ્યારાવાલા - તેમની સાથેનાં સંભારણાની શબ્દછબિ
  • પુસ્તકનું નામ: હોમાય વ્યારાવાલા - તેમની સાથેનાં સંભારણાની શબ્દછબિ
  • લેખક : બીરેન કોઠારી 
  • પુસ્તક પરિચય: ડો. ભરત દેસાઈ, બીલીમોરા દ્વારા, તા: ૨૩/૧૧/૨૦૨૧
  • કિમત : રૂ ૧૨૫
  • પાનાં : ૧૩૦
  • પ્રકાશન : ઓક્ટોબર ૨૦૨૧+, સાર્થક પ્રકાશન, અમદાવાદ

ઓપરેશન મુંબઈ: ૨૬/૧૧થી શું શીખ્યા?

અનુભવમાંથી ન શીખવાની આપણી હઠ આપણે માટે નવા નવા હુમલાઓની હારમાળા સર્જે છે – તેનો છેલ્લો દાખલો એટલે ૨૬/૧૧/૨૦૦૮ ના મુંબઈનો ભીષણ આતંકવાદી હુમલો. 

બાકી તો તે પહેલાં, ૧૧/૦૭/૨૦૦૬ મુંબઈ લોકલ ટ્રેનમાં બોમ્બબ્લાસ્ટ થી ૨૦૦ લોકો માર્યા ગયા અને ૭૦૦ થી વધુ લોકો ઘાયલ થયા. ૧૯/૦૨/૨૦૦૭ ભારત-પાક સમજૌતા એક્ષપ્રેસ પરના હુમલામાં ૬૬ લોકો માર્યા ગયા હતા અને છેલ્લે ૨૬/૦૭/૨૦૦૮ માં અમદાવાદમાં વીસ બોમ્બ વિસ્ફોટમાં ૫૭ મર્યા હતા. આવી ઘણી ઘટનાઓ અવારનવાર બનતી હોવા છતાં આપણે હતા ત્યાને ત્યાં!

પત્રકાર અતુલ કુલકર્ણી મરાઠીમાં પુસ્તક લખી ઓપરેશન મુંબઈ ૨૬/૧૧ની વિગતો, અસરો અને સુચનો જણાવે છે – તે જાણીએ.


આતંકવાદી હુમલો – આયોજન અને કાર્ય

પાકિસ્તાનમાં બત્રીસ ૨૧ થી ૨૮ વયજૂથના યુવકોને તૈયાર કરી સર્વપ્રકારની તાલીમ આપી (સપ્ટેમ્બર-૨૦૦૮) કરાંચી નજીક એક ઘરમાં જુદા જુદા રાખી, સહુ કોઈ સાથેનો સંપર્ક તોડવામાં આવ્યો. ઝકી-ઉર-રહેમાન લખવી, અબુ હામની, યુસુફ લાસ મુજ્જ મિલ, અને કાફાના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા. ઈસ્લામ ખાનને ટીમ લીડર બનાવી મોહમ્મદ અજમલ અમીર કસાબ સાથે કુલ દસ ફિદાઈન તરીકે ભારત આવ્યા. જી.પી.એસ. સેટ ઉપર કરાંચીથી મુંબઈ પ્રવાસ કાર્યક્રમ સેટ કરી આપ્યો. સેટેલાઈટ ફોન, આર.ડી.એક્સ., પિસ્તોલ, હેન્ડગ્રેનેડ સહિત જરૂરી સામગ્રી આપી. લશ્કર-એ-તોયબાના ઝકી-ઉર-રહેમાન લકવી મુંબઈ ઓપરેશનનો વડો અને માસ્ટર માઈન્ડ હતો. કરાંચીના અજીજાબાદથી નીકળી “અલહુસેની” બોટમાં આવી કુબેર બોટ દ્વારા મુંબઈ આવ્યા. કુબેરના કપ્તાન અમરસિંહ સોલંકીને મુંબઈ પહોંચતા ઠાર માર્યો. હવા ભરીને બનતી બોટ-ડિંગીને ફુલાવીને સર્વ સામગ્રી મૂકી બધવાર પાર્ક, મુંબઈ ઉતર્યા. બે-બે જણાની ટુકડી બનાવી પોતપોતાના નક્કી કરેલા સ્થળ તરફ પહોંચવા નીકળ્યા.

સૌ પ્રથમ લીઓ પોલ્ડ કેફે અને બાર એકે-૪૭ દ્વારા રાત્રે ૦૯:૪૦ કલાકે ફાયરિંગ કરી બે આતંકવાદી હાફિઝ અર્શદ અને નાસેર નવ જણાને મારી નાંખે છે. ભીડ અને ચીસાચીસનો લાભ લઈ શાંતિથી હોટેલ તાજ પહોંચે છે. ઈ.સ. ૧૯૦૩ માં બનેલ ઐતિહાસિક હોટેલ તાજમાં ૨૯૦ રૂમ અને નવા તાજ ટાવર માં ૨૭૫ રૂમ છે. શોએબ અને જાવેદ રાત્રે ૦૯:૫૦ કલાકે દાખલ થઈ એકે-૪૭ માંથી બ્રશ ફાઈરિંગ કરી વીસને મૃત્યુનો ભોગ બનાવે છે. ચારે આતંકવાદી છઠ્ઠા માળે પહોંચે છે – રસ્તામાં આડે આવે તેનો જીવ લેવાનું ચાલુ જ છે. હેન્ડગ્રેનેડ ફેંકે છે અને ચાર કલાકમાં ફૂટે તેવો આર.ડી.એક્સ બોમ્બ તાજમાં મૂકે છે. આ ઉપરાંત આગ પણ લગાવી છે, જેમાં ચાર જણા હોમાય જાય છે. વાતાવરણ અત્યંત ભયંકર બન્યું છે. ૮૭૭ રૂમ બે વિંગ ધરાવતી હોટેલ ઓબેરોય – ટ્રાઈડન્ટમાં અબ્દુલ રહેમાન છોટા અને ફઈદુલ્લાહ નામના બે આતંકવાદી પ્રવેશી એકાએક એકે-૪૭ થી બ્રશ ફાયરિંગ કરે છે. અનેકોને કેદી બનાવી ૧૬ અને ૧૮ માં માળ કબ્જે કરે છે. જતાં જતાં છ જણાને મારે છે અને બે હેન્ડગ્રેનેડ ફેંકતા જાય છે. ઈસ્માઈલ ખાન અને મોહમ્મદ અજમલ કસાબ નામના આતંકવાદી સી.એસ.ટી. રેલ્વે સ્ટેશન પહોંચી હોલમાં એક ગ્રેનેડ ફેંકે છે અને એકે ૪૭ અંધાધૂંધ ફેરવે છે. ઝેન્ડે-ધી-ગ્રેટ : મધ્ય રેલવેના ઉદ્દ્ઘોષક વિષ્ણુ ઝેન્ડે આ ઘટના જોઈ રહ્યા છે. તેમણે “કૃપા કરીને પ્લેટફોર્મ ક્રમાંક એકના પાછળના દરવાજેથી નીકળો, કોઈપણ હોલની દિશામાં જશો નહીં – અથવા લોકલમાંથી બહાર નિકળશો નહીં – હો ત્યાં બેસી રહો” એવી જાહેરાત વારંવાર કરીને ઘણા જીવ બચાવ્યા. તો પોલીસદળના ૧૧ હવલદાર–સિપાહી હાથમાં શસ્ત્રો હોવા છતાં નાસી ગયા અને તેમને સાથીદારોએ જતાં જોયા ત્યારે ત્રણ પોલીસો અંબારામ પવાર, મુકેશ જાદવ અને મુરલીધર ચૌધરી શહીદ થાય છે.

યહૂદી લોકોનું ધાર્મિક સંગઠન દ્વારા પાંચ માળની ઈમારત “છબડ લિબ્રેશન મુવમેંટ અને હેસડિક જ્યુઝ” છાબડ હાઉસમાં જ્યુ પરિવારો આવતા જતાં રહે છે – તે નરીમાન હાઉસ ખાતે બાબર ઈમરાન અને નજીર નામના આતંકવાદી આવે છે – ગોળીબારમાં ૧૧ લોકોને મારી નરીમાન હાઉસ પર પોતાનો કબ્જો કરે છે. બે ટેક્સીમાં મુંબઈ સેન્ટ્રલ પહોંચેલા આતંકવાદી બંને ટેક્ષીમાં આર.ડી.એક્સ ની આઠ કિલોની એક એક થેલી ઊતરતી વખતે મૂકી રાખે છે – જેથી ૧૦:૩૭ વાગ્યે રાત્રે મઝગાંવ બીપીટી કોલોની પાસે અને બીજી ટેક્ષીમાં ૧૦:૪૫ રાત્રે વિલેપાર્લેમાં વેસ્ટર્ન એક્ષપ્રેસ હાઈવે ઉપર બોમ્બ વિસ્ફોટ થાય છે. બે આતંકવાદીઓ કામા હોસ્પિટલના છઠ્ઠા માળે પહોંચે છે. કરકરે, કામટે, સાળસકર, અને મોહિતે એસટીએસ, એસઆરપી, પોલીસ અને મોબાઈલ વાન સાથે પહોંચે છે. કામા હોસ્પિટલ ઓપરેશનમાં પોલીસ સિપાહી યોગેશ પાટિલ, પોલીસ ઉપનિરીક્ષક પ્રકાશ મોરે અને ખાંડેકર શહીદ થયા. ઈસ્માઈલ અને કસાબ કામા હોસ્પિટલથી આઝાદ મેદાનના રસ્તે રંગભવનની ગલીમાં હોય છે ત્યાં એક ક્વોલિસમાં સાળસ્કર ડ્રાઈવિંગ સીટ ઉપર, નજીક કામટે, વચ્ચે કરકરે અને પાછળ ચાર બેસીને રંગભવનની ગલીમાં આ બને આતંકવાદીને ભેટે છે – કામટેની ગોળીથી કસાબ ઘાયલ થાય છે, પણ ઈસ્માઈલના બ્રશ ફાયરથી ઉપરના સાતે શહીદ થાય છે. કામટે – કરકરે – સાળસ્કર અને ચાર સિપાઈઓ મૃત્યુ પામે છે. ગીરગાંવ ચોપાટી નજીક નરીમાન પોઈન્ટથી ગીરગાંવ જંકસન વચ્ચે પોલીસ અને આતંકવાદી વચ્ચેની ઝડપમાં બહાદુર સહાયક પોલીસ જમાદાર ફક્ત હાથમાં લાકડી હોવાછતાં કસાબને દબોચે છે. તેના એકે ૪૭ના ગોળીબાર છતાં કસાબના શરીર ઉપર ચોંટીને પકડે છે અને કસાબને પકડતાં તુકારામ શહીદ થાય છે.

આમ લગભગ ત્રણ દિવસ ના આતંકવાદી હુમલામાં ૧૭૫ વ્યક્તિઓ મરણ પામ્યા – તેઓ ભારતીય ૧૨૨ + વિદેશી ૨૬ + ભારતીય પોલીસ – આર્મી – એસઆરપી – આરપીએફ – ૧૮ અને આતંકવાદી – ૯ છે. ૨૩૨ વ્યક્તિઓ ઘાયલ થયા.

કોનો વાંક?
રાજકારણી, પોલીસ અને આમ જનતા - ત્રણેનો વાંક છે.
રાજકારણી:

કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલ, મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ અને નાયબ મુખ્યમંત્રી/ગૃહમંત્રી આર.આર.પાટિલે રાજીનામું આપ્યું. તેમની જગ્યાએ અનુક્રમે પી.ચિદમ્બરમ, અશોક ચૌહાણ અને છગન ભુજબળે લીધી.

પોલીસ:

હેમંત કરકરે (એટીએસ વડ), અશોક કામટે (વધારાના પોલીસ આયુક્ત), વિજય સાળસ્કર (પોલીસ ઈન્સ્પેકટર), સંદીપ ઉન્નિકૃષ્ણન (એસ.એસ.જી મેજર), તુકારામ આંબલે (ફોજદાર), પ્રકાશ મોરે, બાપુ ધરગુડે, શશાંક શિંદે (પોલીસ ઈન્સ્પેકટર), બાળાસાહેબ ભોંસલે સહાયક પોલીસ સબ.ઈન્સ્પેકટર, સહિત 18 કર્મચારીઓ શાહિદ થયા.

નાગરિકો:

૧૪૮ નાગરિકોએ વિનાકારણ મરણને શરણ થવું પડ્યું. મિલકતનું નુકશાન અને બીજી બધી તકલીફો નો હિસાબ હતાશા લાવવા પૂરતો છે. આથી અતુલ કુલકર્ણી કહે છે – વાતને વચ્ચેથી છોડી દેવા જેવું નથી – કાયમી ફેંસલો – ઉપાય કરવો જરૂરી છે.

પૂર્વ માહિતી ની ગંભીરતા કોઈએ ગણકારી નહીં.
  • ૨૬-૦૯-૨૦૦૮ ના રોજ પોલીસને સમુદ્ર માર્ગે આતંકવાદી આવીને મુંબઈ તાજ – ઓબેરાય ખાતે સંહાર કરશે. એ માહિતી મળી હતી. 
  • ૨૯-૦૯-૨૦૦૮ ના રોજ હોટેલ તાજના સિક્યુરિટી કાયરેક્ટર-સિક્યુરિટી વ્યવસ્થાપક-વહીવટકર્તા સાથે હોટલ તાજમાં પોલીસ અધિકારીએ સવિસ્તર બેઠક યોજી હતી. ત્યારપછી ૨૬ લેખિત સૂચનાઓ આપવામાં આવી હતી. 
  • ૦૯-૦૮-૨૦૦૮ ના રોજ હોટેલ ઓબેરોય-ટ્રાઈડન્ટ ને પોલીસે ૧૦ મુદ્દાનો લેખિત પત્ર આપ્યો હતો. આમ છતાં, ગંભીર બાબતનો અમલ કરવાની કાળજી પોલીસ વિભાગે અને બંને હોટલ મેનેજમેન્ટે ન લીધી તે કોનો વાંક? 
આતંકવાદી ઈલેક્ટ્રોનિક મિડયા

પોલીસ અને એસજી કમાન્ડોએ ન્યૂઝ ચેનલોનું પ્રસારણ અને તેમાંય જીવંત પ્રસારણ અટકાવવા કહ્યું હતું – આવી યુધ્ધ જેવી કટોકટીમાં મીડિયાએ અનુસાસન ન પાળ્યું. દાખલા તરીકે એનએસજી કમાન્ડો આવી ગયાના સમાચાર મળવાથી આતંકવાદીઓએ બાનમાં રાખેલાઓને એક હરોળમાં ઊભા રાખીને મારી નાખ્યાં. આ માહિતી ચેનલવાળાએ જો પ્રસારિત ન કરી હોત તો – અંદરના લોકોના જીવ બચી ગયા હોત. તાજ હોટેલમાં અગ્નિશામક દળે ત્વરાથી સીડી ગોઠવી વિગેરે માહિતી મળતા આતંકવાદીઓએ આગ લગાવી. આતંકવાદી ટીવી જોઈને નિર્ણય લેતા હોવાનું જણાવતા તાજના કર્મચારીને ઝૂડી નાંખવાની ઘ્રૂષ્ટતા પણ આ મીડિયાએ બતાવી. લાઈવ ટેલિકાસ્ટ ન કરવાની સૂચના અવગણતા મીડિયાને શું સજા કરાય? 

નેવી – કોસ્ટગાર્ડ

મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, સચિવ, પોલીસ મહાસંચાલક દ્વારા તાજ હોટેલમાં મિટિંગ રાખી ઘટનાના બે મહિના પહેલાં નેવી અને કોસ્ટગાર્ડ ને ચોક્કસ લોકેશન સમજવીને યોગ્ય પેટ્રોલીંગ ની સૂચના અપાઈ હતી – નેવી અને કોસ્ટગાર્ડ કેમ ગેરકાળજી બતાવી ? તેનો વાંક તો ખરોજ ને!

અને છેલ્લે, ગુનાખોરીની દુનિયા અને રાજકારણ નો પ્રેમસંબંધ તોડવો જ પડશે. પોલીસદળ ની જૂથબંધી – તડાને નાબૂદ કરવા પડશે. પ્રોટોકોલ – પરીક્ષણ અને શિસ્તનો અભાવ કોપન ક્ષેત્રે – રાજકારણી કે પોલીસ – કોઈ પણ રીતે દૂર કરવા જ રહ્યા. આ દેશભક્તિનું કામ અને રાજધર્મની ફરજ આપણે દરેકે સક્રિયતાપૂર્વક બજાવ્યા વગર બીજો કોઈ આરો નથી – મત આપીને પાંચ વરસ સૂઈ જવાનો જમાનો ગયો. કઈ કરવું જ પડશે. નહીં તો કોનો વાંક ? આપણોજ – કોઈ શંકા ?

મને ગર્વ છે કે હું અનાવિલ છું!

ઓરૂમ વિશ્વાની દેવ, સવિત ર્દુરિતાનિ પરાસુવ | 
યદ્દભદ્રં તન્ન આસુવ ||

હે પ્રેરક દેવ ! સર્વ બૂરાઈયો ને દૂર કરો. જે કલ્યાણકારક ગુણ, કર્મ, સ્વભાવ અને પદાર્થ તે અમને પ્રાપ્ત કરાવો.

પરમાત્માએ આ સૃષ્ટિની રચના કરી છે. સૃષ્ટિના ઉપયોગ માટેના નિયમો બનાવ્યા છે. જે શાશ્વત છે. વેદો દ્વારા આ નિયમોનું જ્ઞાન જીવાત્માઓને આપ્યું છે. તમામ જીવાત્માઓને સહજ જ્ઞાન પરમાત્માએ આપ્યું છે, જેમ કે આહાર, નિંદ્રા, ભય, મૈથુનનું જ્ઞાન. પરંતુ પરમાત્માએ તેના સર્વશ્રેષ્ઠ સર્જન માનવને વિશેષ વેદોનું જ્ઞાન એટલા માટે આપ્યું છે કે માનવે વિશેષ જવાબદારીઓનું પણ વહન કરવાનું છે. આ સમગ્ર સૃષ્ટિના જડ-ચેતન પદાર્થોની જાળવણી મનુષ્યની જવાબદારી છે. વેદોમાં મનુષ્યને તેમના ગુણ, કર્મો, સ્વભાવને આધારે ચાર વર્ણોમાં વિભક્ત કર્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર. ચાર વર્ણ અને ચાર આશ્રમો વેદકાલીન સમાજ વ્યવસ્થા છે.
 
જીવાત્માને કઈ યોનિમાં જન્મ લેવો, કયા માં-બાપને ત્યાં જન્મ લેવો, કયા કુળમાં જન્મ લેવો વિ. નક્કી કરવાનો અધિકાર નથી. તે ઈશ્વરીય વ્યવસ્થા છે. તેમાં કોઈ ઉચ-નીચ ભેદભાવ નથી. દરેકના અલગ-અલગ કર્તવ્યો છે, માટે અલગ-અલગ વર્ણો છે. આપણાં શરીરમાં સર્વ જ્ઞાનેન્દ્રિયો મસ્તિષ્કમાં આવેલી છે, માટે માનવશરીરમાં શીશ એ બ્રાહ્મણ છે. સત્ય જ્ઞાન ભણવું– ભણાવવું એ બ્રાહ્મણનો ધર્મ છે. તેમજ ક્ષત્રિય માટે ન્યાયધર્મ છે, જે શરીરમાં હાથનું કાર્ય કરે છે. તેમ જ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ/સેવાઓ પૂરી પાડવી એ વૈશ્યનો ધર્મ છે. માટે માનવ શરીરમાં તે પેટ (જઠર) છે. ઉપરોક્ત વર્ણોની સેવા કરવી એ શુદ્રનો ધર્મ છે. માનવશરીરમાં તે ચરણ (પગ) સ્થાનીય છે. આમ છતાં માનવ શરીર માટે જેમ ચારો અંગોનું પોતપોતાનું મહત્વ છે. તેમ સમાજ વ્યવસ્થામાં ચારો વર્ણોનું સમાન મહત્વ છે.

કાલાંતરે ખાસ કરીને મહાભારતના યુધ્ધ પછી વર્ણવ્યવસ્થા ભાંગી પડી અને જ્ઞાતિ-વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. જેમાં એક જ્ઞાતિ છે અનાવિલ. જે બ્રાહ્મણ સ્થાનીય છે. આ સંસાર માં પરમાત્મા સિવાય કોઈપણ સંપૂર્ણ નથી, તો સ્વાભાવિક છે કે અનાવિલ જ્ઞાતિમાં પણ કેટલાક દોષો હશે, અને છે. પરંતુ આ જ્ઞાતિની કેટલીક વિશેષતાઓ અને સદ્દગુણો પણ છે જ જેને જોવા–સમજવાની હકારાત્મક દ્રષ્ટિ જોઈએ. જેમ કે:


A. અનાવિલ સત્યવક્તા અને સ્પષ્ટવક્તા છે. કારણ કે તે બ્રાહ્મણ છે. તેનો ઇરાદો કોઈને વ્યથા પહોંચાડવાનો નથી હોતો. જેમ ડોક્ટર દર્દીને ઈંજેકશન આપે ત્યારે તેનો ઈરાદો દર્દીને સાજા કરવાનો હોય છે, દર્દ વધારવાનો હોતો નથી. માનવીએ દરેક સાથે પ્રીતિપૂર્વક, ધર્માનુસાર યથાયોગ્ય વ્યવહાર કરવો જોઈએ. અનાવિલ તે જ કરે છે. માટે તેને આખાબોલો કહી વગોવવામાં આવે છે. સત્યને માર્ગે ચાલનાર બ્રાહ્મણમાં વિચારશૂન્યતા કે વિચાર દુર્બળતા ન હોય. અનાવિલ ભવિષ્યનો વિચાર કરીને કાર્ય કરે છે.

B. અનાવિલ સ્વાભિમાની હોય છે. ઘણા લોકો તેને મિથ્યાભિમાન અથવા અભિમાન જેવાં વિશેષણોથી નવાજે છે. દરેક માણસને હું કોણ છું, મારૂ ખાનદાન કયું છે, મારા મરતબા (Status)ને હાનિ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જ જોઈએ. તેમાં કશું ખોટું નથી. દરેક પરિવાર, જ્ઞાતિની પરંપરાઓ, મૂલ્યો, હોય છે. શું બ્રાહ્મણ કસાઈનું કામ કરી શકે?

હું અનાવિલ છું અને મારી જ્ઞાતિ શ્રેષ્ઠ છે તેમાં મને બિલકુલ શંકા નથી. આજે પણ ગામડાઓમાં રહેતા અનાવિલો ખેતી જ કરે છે. ખેડૂત છે. શું આજે અનાવિલો સમૃધ્ધ નથી? પહેલાની તુલનાએ આજનો અનાવિલ – ખેડૂત વધુ સુખી અને સમૃધ્ધ છે.

C. અનાવિલ સાહસિક પ્રજા છે. પરીવર્તન સંસારનો નિયમ છે. કશું જ શાશ્વત નથી. અનાવિલોએ પરિવર્તનોને સ્વીકાર્યા છે, એટલું જ નહીં સાહસિક સ્વભાવને કારણે તેનો મહત્તમ લાભ પણ ઉઠાવ્યો છે. દુનિયાના લગભગ તમામ દેશોમાં જઈ અનાવિલોએ પોતાનું પ્રભુત્વ અને પરચો દેખાડયાં છે. 
ભાત અને ભાઠલો (અનાવિલ) કદી હારતો પણ નથી અને હઠતો પણ નથી, અડગ રહે છે.
D. અનાવિલ અજાચક બ્રાહ્મણ છે. તે ભીખ નહીં માંગે. તે સ્વાભિમાની બ્રાહ્મણ છે. ભિક્ષાવૃત્તિ તેના લોહીમાં નથી. એક ઉદાહરણ જેનો હું પ્રત્યક્ષ સાક્ષી છું તે આપું છું. અમારા ગામના એક શ્રીમંત વ્યક્તિ જે અનાવિલ હતા અને બીજા એક અનાવિલ કે જેઓ મધ્યમ સ્થિતિના હતા અને સહકારી મંડળીની દુકાનમાં નોકરી કરતાં (મેનેજર) હતા. તેમણે પોતાની ઘોડા-ગાડીમાં બેઠા-બેઠા કહ્યું “મંગુ, સો ના છૂટા આપ.” તો મંગુકાકાએ વિનમ્રતાથી પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “કાકા છૂટા જોઈતા હોય તો અહી આવી લઈ જાવ. હું તમારો નોકર નથી.” આ અભિમાન કહેવાય કે સ્વાભિમાન? માન કોને કહેવાય અને ખુશામત કોને કહેવાય તે અનાવિલ સારી રીતે જાણે છે.

વાત ટ્રસ્ટ રચવાની છે તો નિરાલી ટ્રસ્ટના એંધલ નિવાસી અનિલભાઈ નાયકની પૌત્રી નાની વયે મૃત્યુ પામી, તો તેના નામે આખેઆખી કેન્સરની હોસ્પિટલ ખોલી દીધી. સરકારે પણ તેમના કાર્યોની નોંધ લઈ એવોર્ડ આપ્યો.

E. અનાવિલ પોતે નહીં બોલે તેનું કાર્ય બોલે છે. મોરારજી દેસાઈ, મહાદેવભાઈ દેસાઈ, ઠાકોરભાઈ દેસાઈ, જેવા અનેક નામી-અનામી અનાવિલોએ સમાજના દરેક ક્ષેત્રમાં પોતાના કાર્યો દ્વારા માન–સન્માન મેળવ્યાં છે. પાકિસ્તાન જેવા ભારત વિરોધી દેશો પણ તેનું સર્વોચ્ચ સન્માન તે અનાવિલના ઘરે આવી આપી સન્માન કર્યું છે. તે અમસ્થુ જ? 

F. અનાવિલ સંગઠિત જ્ઞાતિ છે. ગુજરાતમાં જ નહીં ભારત અને વિદેશોમાં પણ તેઓના સંગઠનો છે અને સારી રીતે કાર્યરત છે. ખૂબ જ અલ્પસંખ્યક હોવા છતાં દુનિયાએ અનાવિલો, તેમના કાર્યોની નોંધ લેવા મજબૂર થવું પડ્યું છે. હું એવા ઘણા બધા અનાવિલોને ઓળખું છું જેઓ બિલકુલ ચૂપ-ચાપ રહી પોતાના સેવા કાર્યો કર્યે જ જાય છે, દેખાડો કરતાં નથી. હકારાત્મક દ્રષ્ટિથી જોશો તો અનાવિલોમાં ઘણું બધુ સારું છે.

અનાવિલોને અનાવિલો કરતાં અન્યોએ વધુ સારી રીતે ઓળખ્યા છે. અંગ્રેજોને ભારતમાં સૌથી બુધ્ધિશાળી જો કોઈ જ્ઞાતિ લાગી હોય તો તે અનાવિલ છે. આપણી અટક, દેસાઈ, નાયક, વશી, વી. સમાજમાં તેમના કર્યો અનુસાર અપાયેલ હોદ્દાઓ છે. અંગ્રેજ શાશનમાં પણ રેલ્વે, શિક્ષણ, વ્યાપાર, સમાજ સુધારણાના ક્ષેત્રમાં અનાવિલો જ અગ્રસ્થાને હતા. સ્વતંત્રતાસંગ્રામમાં તેમણે અનેક બલિદાનો આપ્યા છે. જેલવાસ વેઠ્યો છે. 

G. સંચાલન (Management) બાબતમાં અનાવિલોને કોઈ પહોંચી ન શકે. જે સંસ્થાઓમાં આજે પણ અનાવિલોનું સંચાલન છે તે જુદી જ તરી આવે છે. ઘરમાં લગ્ન હોય કે મરણ, અનાવિલ યુવાનો ઘરનાને ખબર પણ ન પડે તેમ બધી વ્યવસ્થાઓ ગોઠવતા હતા, અને ગોઠવે જ છે. અનાવિલોની પ્રશંશા તો ૧૦૦ પાના ભરીને લખીએ તો પણ પૂરી ન થાય.

ભગવાન, તેં મને અનાવિલ જ્ઞાતિમાં જન્મ આપ્યો તે બદલ તારો ખૂબ-ખૂબ આભાર.... જય અનાવિલ સમાજ !!!

લેખક: વિનોદભાઈ આર્ય, કછોલી


૧૯-૦૧-૧૯૯૦: કાશ્મીરી પંડિતોનો મૃત્યુઘંટ

જે. કે. એલ. એફ (JKLF) ના આતંકવાદીઓ યાસીન મલિક, બિટ્ટા કરાટે અને જાવેદ નાલકા જેવાઓએ કાશ્મીરી પંડિતો – અને બધા જ હિન્દુઓને કાઢી આઈ. એસ. આઈ. (ISI) ની મદદથી કાશ્મીરને ભારતથી આઝાદ કરવાનું આયોજન કર્યું. તેમાં પાકિસ્તાનની તે વખતની વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોએ કાશ્મીરી મુસ્લિમોને મદદ કરી, ઉપરાંત “પંડિતો કાફિર છે અને મરવાને યોગ્ય છે” તથા ભારતથી છૂટવા – “આઝાદી, આઝાદી, આઝાદી” એવું સૂત્ર આપ્યું. એક પંડિતને મારીશું તો સો પંડિત ભાગી જશે એવા વિચારથી હત્યાઓ (Massacre) નું આયોજન કર્યું.  


૧૯-૦૧-૧૯૯૦ના દિવસે જગમોહન જમ્મુ-કાશ્મીર રાજ્યના ગવર્નર નિયુકત થયા. તેના વિરોધમાં મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાએ રાજીનામું આપ્યું અને મુસ્લિમોને ભારત વિરુદ્ધ ઉશ્કેર્યાં. ગવાકડલ ખાતે સી. આર. પી. એફ. (CRPF) જવાનોએ મશીનગનથી ૫૦ થી ૧૦૦ આતંકવાદીઓને મારી નાંખ્યા.

મસ્જિદમાંથી આખો દિવસ લાઉડ સ્પીકરમાંથી અવારનવાર ધમકી ભરી રીતે કાશ્મીરી પંડિતોને કાશ્મીર ૪૮ કલાકમાં છોડવા અથવા મરવા તૈયાર રહેવાની ધમકીઓ આપ્યા કરી. પુરૂષોને સ્ત્રીઓને મૂકી ભાગી જવા કહ્યું.

૧૯-૦૧-૧૯૯૦ ની રાત્રે ગવર્નર જગમોહન પર “મુસ્લિમો સામૂહિક હત્યા કરી અમને મારી નાંખશે” માટે અમને પંડિતોને મરી જતાં બચાવવા “લશ્કર તાત્કાલિક મૂકો અથવા કાશ્મીર સલામત છોડવાની વ્યવસ્થા કરવા” કરગરતા ફોન આવ્યા.

સમાચારપત્રો ‘અફતાબ’ અને ‘અલ-સફા’ એ મોટા અક્ષરે જાહેરનામું છાપી કાશ્મીરી પંડિતોને ૪૮ કલાકમાં કાશ્મીર છોડવા અથવા મરવા તૈયાર રહેવા જણાવતી ધમકી છાપી.

પંડિતોની યાદી બનાવી દરેકને ધમકીપત્રો મોકલ્યા. તેમના ઘરની દીવાલો ઉપર ધમકીવાળા સંદેશો લખ્યા - પોસ્ટરો ચોંટાડ્યા. દરેક જગ્યાએ ધમકીભર્યા લખાણો દીવાલો ઉપર ચોંટાડ્યા. ઘર – ઓફિસ – દુકાન અને જાહેર મકાનો બધાને લીલો રંગ લગાવી ઈસ્લામીકરણ દર્શાવ્યું – સાબિત કર્યું.

આ બધા ઉધામાઓથી ગભરાઈને કાશ્મીરી પંડિતોએ જમ્મુ અથવા દિલ્હી બસ, ટેક્ષી કે ટ્રક માં જવાનું ચાલુ કર્યું. લગભગ ૩.૫ થી ૬ લાખ પંડિતો જમ્મુ તરફ અથવા દિલ્હી તરફ ભાગ્યા – શરણાગત કેમ્પ (Refugee Camp) નો આશરો લીધો.

તકલીફ – દુખો સહન કરીને તંબુમાં રાહત સામગ્રીને ભરોસે જીવવા પંડિતો મજબૂર થયા – સગવડ – સાહયબી અને સમૃદ્ધ જિંદગી છોડીને “ક્યારેક પાછા ફરીશું” એવી આશા સાથે આવેલા આજે ૩૧ વર્ષે પણ પરત ન થઈ શક્યા! દયનીય અને કંગાળ જીવન જીવતાં ઘરડા લોકો આકરી ગરમી – લૂ લાગવાથી, સાપ કે વીંછી કરડવાથી કે બીજી માંદગીથી મરણ પામ્યા. ગંદકી ને કારણે બાળકોને ચેપી રોગો – ખૂજલી થયા – બાકીનાને તણાવને લીધે ડાયાબિટિશ, હ્રદયરોગ કે હતાશા જેવા માનસિક રોગો થયા.
૨૧-૦૧-૧૯૯૦ ના રોજ પહેલો મોટો હત્યાકાંડ કર્યો ત્યાર પછી થી રોજ ખુનામરકી દ્વારા ૧૩૯૧ પંડિતોને માર્યા – અસંખ્ય સ્ત્રીઓને બળાત્કાર ગુજારીને – વેચી દીધી – ઘરોમાં લૂંટફાટ ચલાવી. ૩૨૦૦૦ ઘરો બાળ્યા.
પૃથ્વી ઉપરનું સ્વર્ગ કહેવાતું કાશ્મીર પંડિતો માટે નર્ક બન્યું. જીવ બચાવવા ઘણા પંડિતોએ ધર્માંતરણ સ્વીકારી ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો.

૧૯૯૦ વર્ષ દરમ્યાન હત્યાઓનું વર્ણન
  • ૧૪-૦૯-૧૯૮૯: હબ્બાક્દલ ખાતે રાજકીય કાર્યકર પંડિત ટીકાલાલ ટપલુને હથિયારધારી ટોળાએ ગોળી મારી હત્યા કરી
  • ૦૪-૧૧-૧૯૮૯: હાઈકોર્ટના ન્યાયાધીશ નીલકંઠ ગંજુનું હાઈકોર્ટમાં શ્રીનગર ખાતે ખૂન કર્યું
  • ૦૯-૧૨-૧૯૮૯: રાષ્ટ્રના ગૃહમંત્રી બનેલા મુફ્તી મહમદ સઈદની પુત્રી ડો. રૂબૈયાનું અપહરણ કરી – તેની મુક્તિના બદલામાં પાંચ ખતરનાક આતંકવાદી છોડાવ્યા
  • ૨૫-૦૧-૧૯૯૦: રાવળપિંડી ખાતે એરફોર્સ (IAF) ના ચાર લોકો બસની રાહ જોતાં હતા ત્યાં બસ સ્ટેન્ડ ઉપર ૪૦ રાઉન્ડ ગોળીથી માર્યા–બીજા ૧૦ ઘાયલ થયા
  • ૨૯-૦૪-૧૯૯૦: કાશ્મીરી વિદ્ધવાન કવિ સર્વાનંદ કૌલ (પ્રેમી) ને ઘરનો બધો જ સામાન લૂંટયા પછી પુત્ર સાથે પિતા-પુત્રને શરીરમાં ખીલા ઠોકી, બળતી સિગારેટના દામ આપીને ઝાડ ઉપર લટકાવ્યા પછી ગોળી મારીને મારી નાખ્યાં
  • ૦૨-૦૨-૧૯૯૦: હિન્દુ સામાજિક કાર્યકર સતીસ ટીકુની હત્યા
  • ૧૩-૦૨-૧૯૯૦: દૂરદર્શનના સ્ટેશન ડાયરેક્ટર લસ્સા કૌલ ની હત્યા
  • ૨૭-૦૨-૧૯૯૦: નવીન સપરૂ (૩૭) ની હત્યા
  • ૦૪-૦૬-૧૯૯૦: બંદીપોર ખાતે ૨૮ વર્ષની શિક્ષિકા ગિરિજા ટીકુને ચાર પુરૂષોએ કારમાં બળાત્કાર કરી આતંકવાદીઓએ લાકડા કાપવાની કરવતના ઈલેક્ટ્રિક મશીનથી પેટ આગળથી બે ટુકડા કરી હત્યા કરી
  • જૂન ૧૯૯૦: અશ્વિનીકુમાર નામના ચાર્ટડ એકાઉન્ટન્ટને ગોળી મારતા ઈજા પામ્યા – હોસ્પીટલમાં ડોકટરોએ પંડિત હોવાથી સારવારની ના પડતાં મૃત્યુ થયું
  • સપ્ટે ૨૦૧૨: બ્રિજલાલ કૌલ અને એના પત્નીને જીપ પાછળ બાંધી ત્રણ કિલોમીટર ઢસડયા પછી બન્નેની ગોળીથી હત્યા કરી
કાશ્મીરી પંડિતો 

૫૦૦૦ વર્ષનો ઈતિહાસ ધરાવતા કાશ્મીરી પંડિતો વિદ્વાન અને બુદ્ધિશાળી હતા અને છે. તેઓ મુખ્યત્વે ધાર્મિક ગુરુ (Priest), જ્યોતિષ (Astrologer), કે કારકુન (Clerk) તરીકે કાર્ય કરતાં હતા. તે સિવાય સમૃદ્ધ લોકો ગણાતા મોટા ભાગના લોકો ખેતી કરતાં હતા. તેઓ મુખ્યત્વે શિવરાત્રીનો તહેવાર અને કાશ્મીરી નવું વર્ષ (Navreh) ની ઉજવણી ધૂમધામથી કરતાં. તેમના ધાર્મિક સ્થળોમાં હરમુખ અને ગંદરબલ જિલ્લાના તુલ્લામુલ્લા ગામે આવેલ ખીર ભવાની માતાનું મંદિર ગણાય છે.

પૃથ્વીનું સ્વર્ગ ગણાતું કાશ્મીર તેમને માટે મુસ્લિમો દ્વારા નર્ક બનાવાની ૧૯૯૦ની છેલ્લી ઘટના ગણતાં સાથે સાતવાર બની. સૌપ્રથમ ચૌદમી સદીમાં ઈસ્લામ સુલ્તાન સિકંદર કાશ્મીર આવ્યો. ચુસ્ત ધર્માંધ વલણ અને એકેશ્વરવાદી માન્યતાને કારણે તેણે હિન્દુ પંડિતોની હત્યા, હિન્દુ ધર્મગ્રંથોનો નાશ, મુર્તિ અને મંદિરો તોડ્યા. ઉપરાંત હિન્દુ ધર્મ અનુસરવા પર પ્રતિબંધ લગાવ્યો (૧૪૨૦). આથી ક્યાં તો પંડિતોએ કાશ્મીર છોડ્યું કે ઈસ્લામમાં વટલાઈ ગયાં. ૧૬૫૮ માં ઔરંગઝેબ જેવા મુઘલોએ ખુલ્લી તલવાર સાથે પંડિતોને ઘેર્યા અને ધર્મપરિવર્તન ન સ્વીકારે તો તાત્કાલિક હત્યા કરાવી. ૧૮૧૯ માં બ્રિટિશરો પાસેથી ડોગરા વંશના રાજાઓએ કાશ્મીર-જમ્મુ અને લદ્દાખ ખરીધ્યા. તેઓ પંડિતો પ્રત્યે ઉદાર હતા પણ મુસ્લિમ પ્રજા પ્રત્યે ક્રૂરતા બતાવી. ૧૯૧૩ ના રમખાણમાં મુસ્લિમોએ આતંક ફેલાવી હિન્દુઓની કતલ કરી, છેલ્લે ૧૯૪૭માં પાકિસ્તાને કાશ્મીર હડપી લેવા રઝાકારો-પઠાણો-કઝાક આક્રમણકારોને મોકલ્યા. તેઓએ પંડિતો અને હિન્દુઓને 'કાફિર' કહી કત્લેઆમ ચલાવી. આમ અવારનવાર સાત વખત પંડિતોને કાશ્મીર છોડવા અથવા ધર્માતરણ કરવા કે મરવાની ઘડીઓ આવી.

Our Moon Has Blood Clots (by Rahul Pandita, 2012) પુસ્તકનો જેલમ વહોરાએ 2019 માં “અમારું રક્તરંજિત વતન” નામથી ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ કર્યો. એ વાંચતાં, 14 વર્ષે 22 ઓરડાના બંગલામાંથી જમ્મુના શરણાગત કેમ્પમાં, કે પછી 17 વર્ષમાં 22 ઘર બદલીને રહેલા યુવાન પત્રકાર લેખક અને તેના જેવા 3.5 લાખ પંડિતોની વ્યથા અનુભવી. તે વખતના ગવર્નર જગમોહને My Frozen Turbulence in Kashmir પુસ્તકમાં પોતાની બધી વિગતોની વાત કરી. અહમદ અલી ફિયાઝે (પત્રકાર) વિડીયોમાં કાશ્મીરના ઈતિહાસની વિગતો કહી. આતુરતા કે જિજ્ઞાસા સંતોષવા Wikipedia ના ઘણા બધા લેખો વાંચ્યા (આ લેખ ના માહિતી સ્ત્રોત તરીકે સાભાર નોંધ) ત્યારે કઈંક વેદનાઓની અનુભૂતિ થઈ. 1341 લોકોની ક્રૂર અને કરુણ હત્યાકાંડની વિગતો અને પોતાના જ દેશમાં 31 વર્ષ થી શરણાર્થી બનેલા પંડિતો વિષયક માહિતી ભેગી કરતાં સાદા સવાલો થયા વગર ન રહે કે આપણે શું કર્યું? કઈં નહિ? ખરેખર આપણું રૂવાડુંય ફરક્યું નથી.

કાશ્મીરી પંડિતો પૂછે છે એવું શું બન્યું કે એમને કાઢવા પડ્યાં? શું મુસ્લિમોને એમના કાઢવાથી આઝાદી મળી? મીડિયા, ભારતના રાજકારણીઓ અને ભારતની આમ જનતા – ખાસ કરીને હિન્દુઓ, કહેવાતા બુદ્ધિજીવીઓ, લાગવળગતા બધા જ – મૌન રહ્યા. સાદો વિરોધ પણ ન નોંધાવ્યો! મદદ કરવાની તો દૂર, સહાનુભૂતિ પણ ન દર્શાવી શક્યા. હંમેશા આંખ આડા કાન જ કર્યા. આમ કરોડો હિન્દુ પરિવારોએ પીડિત કાશ્મીરી પંડિતોને સાથ-સહકાર કે સહાનુભૂતિ ન આપ્યાં.

આવોજ વ્યવહાર આપણે કાયમ ભવિષ્યમાં કરતાં રહીશું – ત્રાસ કે દુખ માં પડેલને મદદ ન કરશું – તો આપણે ચોક્કસ રીતે ખરાબ અંત તરફ આગળ વધી રહ્યા છે. હવે અંગ્રેજો કે મોઘલોની જરૂર પણ આપણાં વિનાશ માટે નહિ પડે!
ઈતિહાસ એ ભારતીય સાહિત્યનું નબળું અંગ છે. કદાચ ભારતીય સાહિત્યમાં ક્યાંય ઈતિહાસનું અસ્તિત્વ જ નથી – તેથી જ કરૂણ રીતે ઈતિહાસ પુનરાવર્તતીત થાય છે.


ગોધરાકાંડ ૨૦૦૨

૨૦ વર્ષ પહેલાંના બનાવ વિષે અત્યારે આછોપાતળો ખ્યાલ છે ત્યારે, વર્ષો પછી કઈં ખબર ન પડે અને ઈતિહાસ ખોટી રીતે ન ચિતરાય તે માટે અહીં સમજ આપતો નિબંધ લખવા વિચાર છે. ભારતમાં ૧૯૪૭ ની આઝાદી સમયે મુસ્લિમો માટે અલગ પાકિસ્તાન અને હિન્દુઓ માટે હિંદુસ્તાન એમ ભાગલા પડ્યા. પરંતુ ભારતમાંથી બધા જ મુસ્લિમો પાકિસ્તાન ન ગયા. તેથી આઝાદી પહેલાંની હિન્દુ-મુસ્લિમ વેરભાવના ચાલુ રહી. બન્ને કોમ વચ્ચે ભાઈચારો હોવા છતાં અવારનવાર તોફાનો ફાટી નીકળ્યાં. ગુજરાતમાં ૧૯૬૯ – ૧૯૮૫ – ૧૯૯૨ અને ૨૦૦૨ માં મોટી સંખ્યામાં ખુનો - આગ લગાડવી અને બીજું નુકશાન કરતાં ભયંકર તોફાનો થયા. તેના કારણો-ઉપાયો અને બીજી વિગતો ઈતિહાસકારોએ બન્ને પક્ષોને પોતાની ઈચ્છા પ્રમાણે ખરાબ બતાવી જણાવ્યાં છે, એટલે સત્ય દૂર રહી ગયું છે. ૧૯૯૨ માં બાવન વર્ષની ઉંમરે મેં જાતે જોયેલી ઘટના મારી રીતે કહેવું છે.

મુખ્ય ઘટનાઓની શરૂઆત મુસ્લિમોએ ૨૭-૦૨-૨૦૦૨ પૂર્વયોજિત કાવતરાના ભાગ તરીકે ગોધરા સાબરમતી એક્ષપ્રેસ ટ્રેનના ડબ્બા એસ-૬ માં આગ લગાવી, તેથી ૫૪ વ્યક્તિના મરણ થયાં. પછી ઉશ્કેરાયેલ હિન્દુઓએ ટોળાશાહી બનાવી અમદાવાદમાં ખાસ વધારે અને આખા ગુજરાતમાં હિંસા આચરી. મુસ્લિમે પણ જવાબ રૂપે ખૂનામરકી કરી. 


 ગોધરાકાંડ – તા. ૨૭-૦૨-૨૦૦૨

પોતાના માથા ઉપર કેસરી પટ્ટી બાંધી ‘જયશ્રી રામ’ નો જયઘોષ કરતાં હજારો કારસેવકો ૨૫-૦૨-૨૦૦૨ ના રોજ અમદાવાદથી આયોધ્યા રામનામના જપના યજ્ઞની પૂર્ણાહુતિ માટે ગયા હતા. તેઓ ૨૭-૦૨-૨૦૦૨ ના રોજ આયોધ્યાથી અમદાવાદ પરત આવતાં સવારે ગોધરા સ્ટેશને પહોંચ્યા હતા. ગોધરાથી ઉપડેલી સાબરમતી એક્ષપ્રેસ (૯૧૬૬ અપ) ગાડી સવારે આઠ વાગ્યે સિગ્નલ ફળિયા નામના વિસ્તારમાં પહોંચી ત્યારે ચેન પુલિંગથી કે લાલ સિગ્નલને કારણે ગાડી રોકાઈ હતી. ટ્રેનના એસ-૬ માં કારસેવકો હોવાની ગોધરાના મુસ્લિમોને ખબર હોવાથી પૂર્વયોજિત ઘટનાસ્વરૂપે મોટી સંખ્યામાં આવેલા મુસ્લિમ સ્ત્રી-પુરુષ અને બાળકોએ ટ્રેન ઉપર પથ્થરમારો શરૂ કર્યો. હાથમાં ઘાતક હથિયારો અને પેટ્રોલ લાવેલ ટોળાએ કોચને આગ લગાડી.

બહાર હથિયાર બંધ ટોળું અને અંદર આગ ફાટી નીકળતાં મોત સામે લડતા બહુ ઓછાને બચવાની તક મળી તેઓ પણ ગંભીર રીતે ઘવાયા. બાકીના ૫૪ વ્યક્તિઓ વિકરાળ આગમાં શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામ્યાં. તમામ મૃતદેહો કોલસો બની ગયા હોવાથી ઓળખી શકાય એમ નહોતા. લાશો એટલી બળેલી હતી કે ખસેડતી વખતે હાથ-પગ શરીરથી છૂટા પડી જતાં હતા. આમ મૃત્યુ પામેલાઓની લાશો કતારમાં હતી. મૃતદેહો માત્ર હાડકાં જ બની ગયા હતા. પોષ્ટમોર્ટમ શક્ય ન હોવાથી ડોકટરોએ સ્થળ પર તપાસી લીધા હતા. તેમને અમદાવાદ સોલા સિવિલ હોસ્પીટલમાં લાવવામાં આવ્યા. પ્રમાણભાન ગુમાવેલ ટીવી ઉપર મૃતદેહો સતત બતાવવામાં આવ્યા હતા.  (માહિતી: એસ-૬ કોચમાંથી જીવતા બચેલા કારસેવકો કૌશિક પટેલ, ધર્મેન્દ્ર પટેલ, અને હર્ષદ પટેલ દ્વારા)

ત્યારે આ ઘટના પછી અમદાવાદ લાવેલ મૃતદેહો જોઈને કે પછી ટેલીવિઝન પર બળેલા મૃતદેહો બતાવતા જોઈને ઉશ્કેરાયેલ હિન્દુઓ પ્રત્યાઘાત આપે છે. તેની વિગતો જાણીએ.

અમદાવાદ – મેઘાણીનગર – ગુલબર્ગ સોસાયટી

બંગલા નં ૧૯. માં પૂર્વ સાંસદ અહેસાન જાફરી રહેતા હતા. સોસાયટીના ડરી ગયેલા મુસ્લિમો તેમના ઘરમાં છુપાયા હતા. બહારથી પથ્થરમારો કરતું ટોળું મારો-કાપોની બૂમો પાડતા દાખલ થતાં, જાફરીએ ટોળાને ભગાડવા ગોળીબાર કર્યો. જેમાં કેટલાકને ગોળી વાગતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા. તેને કારણે વાત વણસી જતાં ટોળું ઘાતક હથિયારો અને જલદ પ્રવાહીના કેરબા સાથે સોસાયટીમાં દાખલ થયું.

અહેસાનને ઘરની બહાર કાઢી રસ્તા ઉપર સુવડાવી તલવાર વડે કાપી સળગાવી મૂક્યા. ત્યારબાદ ટોળાએ લગાવેલ આગથી સંખ્યાબંધ લાશો, સળગતા ઘરો અને કણસતા ઈજાગ્રસ્તો જ બચ્યા હતા. અનેક લોકોની કત્લેઆમ અને કરોડો રૂપિયાની મિલકતોને આગ ચાંપી દીધી હતી. (માહિતી: નાણાવટી પંચ સમક્ષ જુબાનીમાં શ્રીમતી જાફરીના શબ્દો)

નરોડા પાટિયા, અમદાવાદ

નરોડા પાટિયા વિસ્તારમાં ટ્રક ચાલકે અકસ્માતે યુવાનને અડફેટે લીધો હતો, તેથી વાત પ્રસરીકે મુસ્લિમે એક હિન્દુને કચડી માર્યો છે. હજારો નહીં પણ લાખો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા.
  • સત્તરમી સદીના મહાન કવિ-સૂફી સંત વલીની દરગાહ-શાહ મહોમ્મદ વલી ઉલ્લાહની દરગાહ-ઉખેડી ફેંકી દીધી. 
  • અંડરપાસ નજીકની હોટલ મોટીમનોરને આગ ચાંપી. 
  • નૂરાની મસ્જિદ નજીક બ્રેડ-બિસ્કિટ વેચતા નઈમ શેખ પરિવારના વૃધ્ધ માતા-પિતા, પત્ની-બાળકો, બહેન-બનેવી અને તેના બાળકો સહિત સૌને પેટ્રોલ છાંટી-સળગતા કાકડાથી સળગાવ્યા. 
  • બેબી બાનુના પતિને તલવારથી કાપી નાખ્યો, દેરાણીને કપડાં ફાડી જાહેરમાં બળાત્કાર ગુજાર્યો અને નાના મોટા આઠ જણની હત્યા કરી. 
  • ગંગોત્રી સોસાયટીની આજુબાજુ સંખ્યાબંધ મૃતદેહો હતા. નરોડા પાટિયા વિસ્તારમાં સો કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યાં હતા. 
ગોમતીપુર વણકરવાસ, અમદાવાદ - દેવાણંદ સોલંકી

ગોમતીપુર્માં દલિતો અને મુસ્લિમો એકબીજા ઉપર પથ્થરમારો કરતાં હતાં. અચાનક મુસ્લિમોનું એક ટોળું દોડ્યું ત્યારે એકલો રહી ગયેલ દેવાણંદ સોલંકીને ટોળું ખેંચી ગયું. તે જ દિવસે તેની હત્યા કરી અઢાર ટુકડા કરી મોટા પ્રમાણમાં મીઠું નાંખી દાટી દીધો. આરોપીએ કરેલી કબુલાતને આધારે ખોદકામ કરતાં અઢાર ટુકડાઓ જમીનમાથી મળ્યા.

મુસ્લિમોના ટોળાં દ્વારા હત્યા 
  • ૧, મહેમદાવાદમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ રામસિંહ 
  • ૨, ગોમતીપુર, અમદાવાદ કોન્સ્ટેબલ ચૌહાણ
ઉપરોક્ત બન્નેને મુસ્લિમ ટોળાંએ પેટ્રોલ છાંટી સળગાવ્યા.
  • ૩, ધંધૂકાના કોન્સ્ટેબલ ભાણું ભરવાડની હત્યા-ગોળી મારીને જુહાપુરા પોલીસચોકીની પાછળ
  • ૪, શાહપુર વિસ્તારમાં સ્કૂટર પર જતાં ગણપત પરમાર અને તેના પુત્ર નિતિનની તલવાર અને ગુપ્તી મારીને હત્યા
આમ, મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થતાં એકલા હિન્દુને પકડી નિશાન બનાવ્યા.

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું સરદારપુરા ગામ

હજારો માણસો ટ્રેક્ટરમાં બેસી શેખ મહોલ્લામાં પહોંચ્યા, પોતાને બચાવવા માટે મોટી સંખ્યામાં એક મકાનમાં છુપાયેલા મુસ્લિમોને મકાનની બારીમાંથી જ્વલનશીલ પ્રવાહી ફેંકી ત્યારપછી સળગતો કાકડો નાંખ્યો. મોટાભાગના લોકો સળગીને મર્યા.

પંચમહાલ જિલ્લાના રણધીપુર

ગર્ભવતી યાકુબ રસુલની પત્ની બિલ્કિસબાનું તેની ગર્ભવતી પિતરાઈ બહેન સિમન અને બીજા ૧૬ માણસો થઈ કુલ ૧૮ લોકો જીવ બચાવવા જંગલના રસ્તે ભાગતા હતા, ત્યારે છાપરવડ તરફથી પાંચસો લોકોનું ટોળું આવીને ચારે તરફથી ઘેરી લીધા. ત્રણ વર્ષની બાળકીને રહેંસી નાંખી. તમામ મહિલાઓના કપડાં ફાડી નાંખ્યા અને બધાને મારી નાંખ્યા. (માહિતી: માથામાં ફટકાથી મારવા છતાં બચી ગયેલી બિલ્કિસ્બાનું દ્વારા)

બેસ્ટ બેકરી, વડોદરા

વડોદરા પાણીગેટ વિસ્તારમાં ડભોઈ રોડ પાસે હનુમાન ટેકરી ખાતે બેસ્ટ બેકરી આવેલી છે. ઘાતક હથિયારો અને જ્વલનશીલ પ્રવાહી સાથે હિન્દુઓનું ટોળું ચીચયારી પાડતું આવ્યું ત્યારે બેકરીના લોકો ઉપરના માળે જતાં રહ્યાં આગની જવાળામાં ચાર બાળકો, ત્રણ સ્ત્રીઓ સહિત ૧૪ લોકો માર્યા ગયા. સંજોગોવસાત બેકરીના માલિક ની દીકરી ઝાહીરા શેખ અને તેની માતા બચી ગયા. ઝાહીરાએ ૨૧ આરોપીના નામ પોલીસને આપ્યા હતાં પરંતુ કોર્ટમાં પોલીસ સામેનું નિવેદન ફેરવી તોળ્યું હતું. પાછળથી કેસ મુંબઈ ખાતે ખસેડાયો હતો ત્યાં પણ ઝાહીરાએ જુબાની બદલી હોવાથી તેને એક વર્ષની કેદની સજા થઈ હતી.
‘આ ખોટું થયું.’
‘ક્યાં જ્ન્મ લેવો તે કોઈના હાથમાં હોતું નથી, ત્યારે કોણ કયા કુળમાં જન્મ્યો છે, ફક્ત તેના આધારે તેનો વિરોધ કરવો વાજબી નથી!’
અમદાવાદ માં ત્રણ મહિના ચાલેલા તોફાનમાં ૧૮૨ વ્યક્તિઓને જીવતી સળગાવી, ૬૮ વ્યક્તિઓને છૂરાબાજી થી મારી, જ્યારે ૯૭ વ્યક્તિઓ પોલીસ ગોળીબારમાં અને ૩૯ વ્યક્તિ ખાનગી ગોળીબારમાં મરી હતી. તેમાં ગુમ થયેલી ૩૯ વ્યક્તિઓ ને મૃત જાહેર કરતાં કુલ્લે ૪૨૫ મરણ થયા હતા. ૮૪૨૦ ટીયર ગેસ ના સેલ અને ૪૪૦૦ રાઉન્ડ ગોળીબારકર્યા હતા. દરમ્યાન ૧૯૭૭ હિન્દુ અને ૧૩૫૦ મુસ્લિમોને પકડી જેલમાં મોકલી આપ્યા હતા. આશરે ૨૦૦૦ વ્યક્તિઓ મરી હતી જેમાંથી ૭૯૦ મુસ્લિમ અને ૨૫૪ હિન્દુ મરણ સરકારી દફતરે નોંધાયા હતા.

ઈતિહાસ પાઠ ભણાવે છે અનુભવ આપે છે અને લોકઘડતર કરી જનસામાન્યને રસ્તો બતાવે છે. પણ સરળ અહિંસક લાગતા લોકો એકબીજાના લોહીના તરસ્યા શા માટે બને છે? કદાચ રાજકારણી, પોલીસદળ, ઉશ્કેરણીજનક ઈલેક્ટ્રોનિક મીડિયા અને લોકોની હતાશા ભેગા થાય ત્યારે આવું બને છે. ભૂતકાળના અનુભવ કે વિદ્વતા સમજદાર બનાવતા નથી, ત્યારે લોક જાગૃતિ કરી સર્વધર્મસમભાવ કે કોમીએકતાના પાઠ કોણ શીખવશે? ઈતિહાસ સમજીને કોઈ નવો સીધો રસ્તો શોધીશું?