-->

Ophthalmologist

Reader

Blogger

Indian

08 August, 2021

૧૯-૦૧-૧૯૯૦: કાશ્મીરી પંડિતોનો મૃત્યુઘંટ
જે. કે. એલ. એફ (JKLF) ના આતંકવાદીઓ યાસીન મલિક, બિટ્ટા કરાટે અને જાવેદ નાલકા જેવાઓએ કાશ્મીરી પંડિતો – અને બધા જ હિન્દુઓને કાઢી આઈ. એસ. આઈ. (ISI) ની મદદથી કાશ્મીરને ભારતથી આઝાદ કરવાનું આયોજન કર્યું. તેમાં પાકિસ્તાનની તે વખતની વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોએ કાશ્મીરી મુસ્લિમોને મદદ કરી, ઉપરાંત “પંડિતો કાફિર છે અને મરવાને યોગ્ય છે” તથા ભારતથી છૂટવા – “આઝાદી, આઝાદી, આઝાદી” એવું સૂત્ર આપ્યું. એક પંડિતને મારીશું તો સો પંડિત ભાગી જશે એવા વિચારથી હત્યાઓ (Massacre) નું આયોજન કર્યું.  


૧૯-૦૧-૧૯૯૦ના દિવસે જગમોહન જમ્મુ-કાશ્મીર રાજ્યના ગવર્નર નિયુકત થયા. તેના વિરોધમાં મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાએ રાજીનામું આપ્યું અને મુસ્લિમોને ભારત વિરુદ્ધ ઉશ્કેર્યાં. ગવાકડલ ખાતે સી. આર. પી. એફ. (CRPF) જવાનોએ મશીનગનથી ૫૦ થી ૧૦૦ આતંકવાદીઓને મારી નાંખ્યા.

મસ્જિદમાંથી આખો દિવસ લાઉડ સ્પીકરમાંથી અવારનવાર ધમકી ભરી રીતે કાશ્મીરી પંડિતોને કાશ્મીર ૪૮ કલાકમાં છોડવા અથવા મરવા તૈયાર રહેવાની ધમકીઓ આપ્યા કરી. પુરૂષોને સ્ત્રીઓને મૂકી ભાગી જવા કહ્યું.

૧૯-૦૧-૧૯૯૦ ની રાત્રે ગવર્નર જગમોહન પર “મુસ્લિમો સામૂહિક હત્યા કરી અમને મારી નાંખશે” માટે અમને પંડિતોને મરી જતાં બચાવવા “લશ્કર તાત્કાલિક મૂકો અથવા કાશ્મીર સલામત છોડવાની વ્યવસ્થા કરવા” કરગરતા ફોન આવ્યા.

સમાચારપત્રો ‘અફતાબ’ અને ‘અલ-સફા’ એ મોટા અક્ષરે જાહેરનામું છાપી કાશ્મીરી પંડિતોને ૪૮ કલાકમાં કાશ્મીર છોડવા અથવા મરવા તૈયાર રહેવા જણાવતી ધમકી છાપી.

પંડિતોની યાદી બનાવી દરેકને ધમકીપત્રો મોકલ્યા. તેમના ઘરની દીવાલો ઉપર ધમકીવાળા સંદેશો લખ્યા - પોસ્ટરો ચોંટાડ્યા. દરેક જગ્યાએ ધમકીભર્યા લખાણો દીવાલો ઉપર ચોંટાડ્યા. ઘર – ઓફિસ – દુકાન અને જાહેર મકાનો બધાને લીલો રંગ લગાવી ઈસ્લામીકરણ દર્શાવ્યું – સાબિત કર્યું.

આ બધા ઉધામાઓથી ગભરાઈને કાશ્મીરી પંડિતોએ જમ્મુ અથવા દિલ્હી બસ, ટેક્ષી કે ટ્રક માં જવાનું ચાલુ કર્યું. લગભગ ૩.૫ થી ૬ લાખ પંડિતો જમ્મુ તરફ અથવા દિલ્હી તરફ ભાગ્યા – શરણાગત કેમ્પ (Refugee Camp) નો આશરો લીધો.

તકલીફ – દુખો સહન કરીને તંબુમાં રાહત સામગ્રીને ભરોસે જીવવા પંડિતો મજબૂર થયા – સગવડ – સાહયબી અને સમૃદ્ધ જિંદગી છોડીને “ક્યારેક પાછા ફરીશું” એવી આશા સાથે આવેલા આજે ૩૧ વર્ષે પણ પરત ન થઈ શક્યા! દયનીય અને કંગાળ જીવન જીવતાં ઘરડા લોકો આકરી ગરમી – લૂ લાગવાથી, સાપ કે વીંછી કરડવાથી કે બીજી માંદગીથી મરણ પામ્યા. ગંદકી ને કારણે બાળકોને ચેપી રોગો – ખૂજલી થયા – બાકીનાને તણાવને લીધે ડાયાબિટિશ, હ્રદયરોગ કે હતાશા જેવા માનસિક રોગો થયા.
૨૧-૦૧-૧૯૯૦ ના રોજ પહેલો મોટો હત્યાકાંડ કર્યો ત્યાર પછી થી રોજ ખુનામરકી દ્વારા ૧૩૯૧ પંડિતોને માર્યા – અસંખ્ય સ્ત્રીઓને બળાત્કાર ગુજારીને – વેચી દીધી – ઘરોમાં લૂંટફાટ ચલાવી. ૩૨૦૦૦ ઘરો બાળ્યા.
પૃથ્વી ઉપરનું સ્વર્ગ કહેવાતું કાશ્મીર પંડિતો માટે નર્ક બન્યું. જીવ બચાવવા ઘણા પંડિતોએ ધર્માંતરણ સ્વીકારી ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો.

૧૯૯૦ વર્ષ દરમ્યાન હત્યાઓનું વર્ણન
 • ૧૪-૦૯-૧૯૮૯: હબ્બાક્દલ ખાતે રાજકીય કાર્યકર પંડિત ટીકાલાલ ટપલુને હથિયારધારી ટોળાએ ગોળી મારી હત્યા કરી
 • ૦૪-૧૧-૧૯૮૯: હાઈકોર્ટના ન્યાયાધીશ નીલકંઠ ગંજુનું હાઈકોર્ટમાં શ્રીનગર ખાતે ખૂન કર્યું
 • ૦૯-૧૨-૧૯૮૯: રાષ્ટ્રના ગૃહમંત્રી બનેલા મુફ્તી મહમદ સઈદની પુત્રી ડો. રૂબૈયાનું અપહરણ કરી – તેની મુક્તિના બદલામાં પાંચ ખતરનાક આતંકવાદી છોડાવ્યા
 • ૨૫-૦૧-૧૯૯૦: રાવળપિંડી ખાતે એરફોર્સ (IAF) ના ચાર લોકો બસની રાહ જોતાં હતા ત્યાં બસ સ્ટેન્ડ ઉપર ૪૦ રાઉન્ડ ગોળીથી માર્યા–બીજા ૧૦ ઘાયલ થયા
 • ૨૯-૦૪-૧૯૯૦: કાશ્મીરી વિદ્ધવાન કવિ સર્વાનંદ કૌલ (પ્રેમી) ને ઘરનો બધો જ સામાન લૂંટયા પછી પુત્ર સાથે પિતા-પુત્રને શરીરમાં ખીલા ઠોકી, બળતી સિગારેટના દામ આપીને ઝાડ ઉપર લટકાવ્યા પછી ગોળી મારીને મારી નાખ્યાં
 • ૦૨-૦૨-૧૯૯૦: હિન્દુ સામાજિક કાર્યકર સતીસ ટીકુની હત્યા
 • ૧૩-૦૨-૧૯૯૦: દૂરદર્શનના સ્ટેશન ડાયરેક્ટર લસ્સા કૌલ ની હત્યા
 • ૨૭-૦૨-૧૯૯૦: નવીન સપરૂ (૩૭) ની હત્યા
 • ૦૪-૦૬-૧૯૯૦: બંદીપોર ખાતે ૨૮ વર્ષની શિક્ષિકા ગિરિજા ટીકુને ચાર પુરૂષોએ કારમાં બળાત્કાર કરી આતંકવાદીઓએ લાકડા કાપવાની કરવતના ઈલેક્ટ્રિક મશીનથી પેટ આગળથી બે ટુકડા કરી હત્યા કરી
 • જૂન ૧૯૯૦: અશ્વિનીકુમાર નામના ચાર્ટડ એકાઉન્ટન્ટને ગોળી મારતા ઈજા પામ્યા – હોસ્પીટલમાં ડોકટરોએ પંડિત હોવાથી સારવારની ના પડતાં મૃત્યુ થયું
 • સપ્ટે ૨૦૧૨: બ્રિજલાલ કૌલ અને એના પત્નીને જીપ પાછળ બાંધી ત્રણ કિલોમીટર ઢસડયા પછી બન્નેની ગોળીથી હત્યા કરી
કાશ્મીરી પંડિતો 

૫૦૦૦ વર્ષનો ઈતિહાસ ધરાવતા કાશ્મીરી પંડિતો વિદ્વાન અને બુદ્ધિશાળી હતા અને છે. તેઓ મુખ્યત્વે ધાર્મિક ગુરુ (Priest), જ્યોતિષ (Astrologer), કે કારકુન (Clerk) તરીકે કાર્ય કરતાં હતા. તે સિવાય સમૃદ્ધ લોકો ગણાતા મોટા ભાગના લોકો ખેતી કરતાં હતા. તેઓ મુખ્યત્વે શિવરાત્રીનો તહેવાર અને કાશ્મીરી નવું વર્ષ (Navreh) ની ઉજવણી ધૂમધામથી કરતાં. તેમના ધાર્મિક સ્થળોમાં હરમુખ અને ગંદરબલ જિલ્લાના તુલ્લામુલ્લા ગામે આવેલ ખીર ભવાની માતાનું મંદિર ગણાય છે.

પૃથ્વીનું સ્વર્ગ ગણાતું કાશ્મીર તેમને માટે મુસ્લિમો દ્વારા નર્ક બનાવાની ૧૯૯૦ની છેલ્લી ઘટના ગણતાં સાથે સાતવાર બની. સૌપ્રથમ ચૌદમી સદીમાં ઈસ્લામ સુલ્તાન સિકંદર કાશ્મીર આવ્યો. ચુસ્ત ધર્માંધ વલણ અને એકેશ્વરવાદી માન્યતાને કારણે તેણે હિન્દુ પંડિતોની હત્યા, હિન્દુ ધર્મગ્રંથોનો નાશ, મુર્તિ અને મંદિરો તોડ્યા. ઉપરાંત હિન્દુ ધર્મ અનુસરવા પર પ્રતિબંધ લગાવ્યો (૧૪૨૦). આથી ક્યાં તો પંડિતોએ કાશ્મીર છોડ્યું કે ઈસ્લામમાં વટલાઈ ગયાં. ૧૬૫૮ માં ઔરંગઝેબ જેવા મુઘલોએ ખુલ્લી તલવાર સાથે પંડિતોને ઘેર્યા અને ધર્મપરિવર્તન ન સ્વીકારે તો તાત્કાલિક હત્યા કરાવી. ૧૮૧૯ માં બ્રિટિશરો પાસેથી ડોગરા વંશના રાજાઓએ કાશ્મીર-જમ્મુ અને લદ્દાખ ખરીધ્યા. તેઓ પંડિતો પ્રત્યે ઉદાર હતા પણ મુસ્લિમ પ્રજા પ્રત્યે ક્રૂરતા બતાવી. ૧૯૧૩ ના રમખાણમાં મુસ્લિમોએ આતંક ફેલાવી હિન્દુઓની કતલ કરી, છેલ્લે ૧૯૪૭માં પાકિસ્તાને કાશ્મીર હડપી લેવા રઝાકારો-પઠાણો-કઝાક આક્રમણકારોને મોકલ્યા. તેઓએ પંડિતો અને હિન્દુઓને 'કાફિર' કહી કત્લેઆમ ચલાવી. આમ અવારનવાર સાત વખત પંડિતોને કાશ્મીર છોડવા અથવા ધર્માતરણ કરવા કે મરવાની ઘડીઓ આવી.

Our Moon Has Blood Clots (by Rahul Pandita, 2012) પુસ્તકનો જેલમ વહોરાએ 2019 માં “અમારું રક્તરંજિત વતન” નામથી ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ કર્યો. એ વાંચતાં, 14 વર્ષે 22 ઓરડાના બંગલામાંથી જમ્મુના શરણાગત કેમ્પમાં, કે પછી 17 વર્ષમાં 22 ઘર બદલીને રહેલા યુવાન પત્રકાર લેખક અને તેના જેવા 3.5 લાખ પંડિતોની વ્યથા અનુભવી. તે વખતના ગવર્નર જગમોહને My Frozen Turbulence in Kashmir પુસ્તકમાં પોતાની બધી વિગતોની વાત કરી. અહમદ અલી ફિયાઝે (પત્રકાર) વિડીયોમાં કાશ્મીરના ઈતિહાસની વિગતો કહી. આતુરતા કે જિજ્ઞાસા સંતોષવા Wikipedia ના ઘણા બધા લેખો વાંચ્યા (આ લેખ ના માહિતી સ્ત્રોત તરીકે સાભાર નોંધ) ત્યારે કઈંક વેદનાઓની અનુભૂતિ થઈ. 1341 લોકોની ક્રૂર અને કરુણ હત્યાકાંડની વિગતો અને પોતાના જ દેશમાં 31 વર્ષ થી શરણાર્થી બનેલા પંડિતો વિષયક માહિતી ભેગી કરતાં સાદા સવાલો થયા વગર ન રહે કે આપણે શું કર્યું? કઈં નહિ? ખરેખર આપણું રૂવાડુંય ફરક્યું નથી.

કાશ્મીરી પંડિતો પૂછે છે એવું શું બન્યું કે એમને કાઢવા પડ્યાં? શું મુસ્લિમોને એમના કાઢવાથી આઝાદી મળી? મીડિયા, ભારતના રાજકારણીઓ અને ભારતની આમ જનતા – ખાસ કરીને હિન્દુઓ, કહેવાતા બુદ્ધિજીવીઓ, લાગવળગતા બધા જ – મૌન રહ્યા. સાદો વિરોધ પણ ન નોંધાવ્યો! મદદ કરવાની તો દૂર, સહાનુભૂતિ પણ ન દર્શાવી શક્યા. હંમેશા આંખ આડા કાન જ કર્યા. આમ કરોડો હિન્દુ પરિવારોએ પીડિત કાશ્મીરી પંડિતોને સાથ-સહકાર કે સહાનુભૂતિ ન આપ્યાં.

આવોજ વ્યવહાર આપણે કાયમ ભવિષ્યમાં કરતાં રહીશું – ત્રાસ કે દુખ માં પડેલને મદદ ન કરશું – તો આપણે ચોક્કસ રીતે ખરાબ અંત તરફ આગળ વધી રહ્યા છે. હવે અંગ્રેજો કે મોઘલોની જરૂર પણ આપણાં વિનાશ માટે નહિ પડે!
ઈતિહાસ એ ભારતીય સાહિત્યનું નબળું અંગ છે. કદાચ ભારતીય સાહિત્યમાં ક્યાંય ઈતિહાસનું અસ્તિત્વ જ નથી – તેથી જ કરૂણ રીતે ઈતિહાસ પુનરાવર્તતીત થાય છે.


I write for myself. This may sound egoistic but it is self-explanatory as well. Because I want freedom from my thought cycle, I get mental catharsis by just writing out whatever it is. While having some serious events with myself, say the death of my mother first and then father, writing down made a record of my emotions at a given time which I’m never going to repeat.

0 Comments:

Post a Comment

Contact Me

Address

Desai Eye Hospital, 1 - Hiren Apt, Bilimora 396 380 India

Phone number

(+91) 2634 284620 / 21

Website

www.drbharatdesai.com