ગુર્જર રત્ન, જીવતી વાર્તા અને મારી વાતો

પુસ્તક પરિચય કરાવવા પુસ્તક વાંચવું પડે અને વાંચવા માટે પુસ્તક મેળવવું પડે! પુસ્તક લાયબ્રેરીમાંથી જ મળે અને લાયબ્રેરીમાંથી લાવીને જ વંચાય એ મને ખબર હતી. જે.બી.પીટીટ લાયબ્રેરી-બીલીમોરા, ગઝધર લાયબ્રેરી-ગણદેવી અને સયાજી લાયબ્રેરી- નવસારીનો આજીવન સભ્ય હોવાથી હું ત્યાંથી લાવીને જ પુસ્તક વંચાય એવી ગેરસમજ ધરાવતો હતો. પણ નવી પેઢીના મારા બાળકો વૈશાલી અને રાહુલે એ ભૂલાવ્યું. પુસ્તકમેળા – પુસ્તકોની દુકાનો અને ઘટતામાં 'એમેઝોન' દ્વારા પુસ્તક ખરીદીને પુસ્તક વંચાય એમ તેમણે બતાવ્યું. પુસ્તકો ખરીદવાનું પહેલા ચર્ચગેટના રોડ પરથી દરેક પુસ્તક સો રૂપિયામાં વેચાય ત્યાંથી શરૂ કરાવ્યું – પછી બુક સ્ટોરમાંથી ખરીદી આપ્યું અને છેલ્લે ‘એમેઝોન’માં ઓર્ડર આપી ઘરે મળતું કરાવ્યું. આમ વૈશાલી–રાહુલે પુસ્તક ન ખરીદવાની જીદ દૂર કરાવી નવી ટેવ પડી. તેમાંથી છેલ્લે ખરીદી તે "ગુર્જર રત્ન" અને "જીવતી વાર્તા" પુસ્તકો મેળવ્યા.

દીક્ષા – સાદાઈ – સમાજસેવા

હિન્દુ ધર્મના સિદ્ધાંતો: કદાચ વારસાગત ગરીબી અને જૈન ધર્મની દીક્ષાના સંસ્કારોએ મને ન કમાવાની, કહેવાતી સમાજસેવા કરવાની અને સાદાઈ અપનાવવાની વિચારસરણીના પાટે ચડાવી દીધો હતો. તેથી નેત્રયજ્ઞ દ્વારા મફત ઓપરેશનો, એકદમ રાહતદરે પોતાની ખાનગી હોસ્પીટલમાં આંખની તપાસ અને ઓપરેશન, અને સાદાઈ ભરેલી જીવન શૈલી હું જીવ્યો છું. આ સારું કહેવાય કે મૂર્ખાઈ તેની વાત હવે 71 વર્ષે કરવાનો અર્થ નથી. પણ ખર્ચ કરવાની અનિચ્છા ઘર કરી ગઈ છે તે કાઢવામાં મારા બાળકો થોડાઘણા અંશે સફળ થયાં છે. તેઓના સિધ્ધાંતો સ્પષ્ટ છે – ખૂબ મહેનત કરો અને તે દ્વારા અઢળક કમાણી કરો.

મિત્રતા

વાંચન અને ત્યારપછી લેખનના શોખે મને થોડા મિત્રો શોધી આપ્યા છે. બકુલાબેન ઘાસવાલા (વલસાડ), હરેશ ધોળકિયા (ભુજ), સંધ્યાબેન ભટ્ટ (બારડોલી), પ્રો. તુષાર દેસાઈ (સુરત), કલ્પનાબેન દેસાઈ (ઉચ્છલ), સુરેશભાઈ દેસાઈ (નવસારી), અને બીપીનભાઈ શ્રોફ (મહેમદાવાદ) આ રીતે મળેલા મારા મિત્રો છે. કદાચ મારા સ્વભાવની મર્યાદાઓ કે પછી સફળ સાહિત્યકારોની પોતાની મહાનતાના ખ્યાલોને લીધે પરસ્પર વર્તનની મર્યાદાઓ વધારે આત્મીયતા લાવતાં રોકે છે. વાતચીતમાં સરળતા, કુદરતી રીતે સ્વભાવમાં નમ્રતા અને વાતચીત દરમ્યાન મિત્રતાનો સુંદર પ્રતિભાવ ધરવતા બીરેન કોઠારીને નવા મિત્ર બનાવી શકાશે એવા લક્ષણો દેખાય છે.

લેખક પરિચય

આજે બે પુસ્તકો 'ગુર્જર રત્ન' અને 'જીવતી વાર્તા' (લેખકો: અનુક્રમે, બીરેન કોઠારી અને પ્રશાંત દયાળ) ચર્ચામાં છે. પુસ્તકોની વાત કરતાં પહેલા લેખકોની વાત કરવું અસ્થાને નથી. 

બીરેન કોઠારીના સંપર્કમાં બકુલાબેન ઘાસવાલાએ કરેલ 'હોમાઈ વ્યારાવાળા' વિષયક પુસ્તક પરિચયને લીધે આવવાનું થયું. બીરેનભાઈએ આ પુસ્તક ફોન પરની વાતચીતથી મને મોકલી આપ્યું. સ્વભાવગત મેં પુસ્તક વિષે પ્રતિભાવ મોકલ્યો અને કદાચ તેનો પુરસ્કાર એટલે અમારી પહેલી ત્રીસ મિનિટની હ્રદયસ્પર્શી વાતચીત! પુસ્તકની વિગત કહેવા પહેલાં એમ કહું કે ફક્ત લેખકનો પરિચય જ થાય તો તે પણ ઓછું નથી, પરંતુ છે તો જરાય ખોટું નથી. આશરે છપ્પન વર્ષના લેખક બીરેનભાઈનો સંઘર્ષ અને લેખક થવાનું મનોમંથન આ પુસ્તકની પ્રસ્તાવના 'હાલ-એ-દિલ હમારા' દ્વારા ખબર પડે છે. છેલ્લા ચૌદ વર્ષથી આઈપીસીએલની નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ પૂર્ણ સમયના લેખનને જીવનશૈલી તરીકે અને આર્થિક ઉપાર્જનનો એકમાત્ર સ્ત્રોત તરીકે અપનાવેલ બીરેનભાઈની જીવનશૈલી સમજવા જેવી છે. બાવીશ વર્ષ કેમિકલ એંજિનીયર તરીકે આઈપીસીએલમાં નોકરી કરનાર બીરેનભાઈ હવે ૨૦૦૭ થી પૂર્ણ સમયના લેખક બન્યા છે. તેઓ લેખક તરીકે મુખ્યત્વે ‘જીવન ચરિત્ર’ લેખનમાં નિષ્ણાંત છે. પહેલાં રજનીભાઈ પંડ્યા સાથે ‘ઈષ્કો’ના પ્રણેતા ઈન્દુકાકાની જીવનકથા લખી (૨૦૦૨), ત્યાર પછી મુંબઈના ઉધ્યોગપતિ નવનીતરાય ત્રિવેદી (૨૦૦૫) વિષે લખ્યું. આમ રજનીભાઈ સાથે કરેલી શરૂઆત 'અહા જિંદગી' (દિવ્યભાસ્કર જૂથનું માસિક) માં અટકી. પછી સ્વતંત્ર લેખક તરીકે ત્યાં દર મહિને વિવિધ્યવાળા ક્ષેત્રોની વ્યક્તિઓ પસંદ કરી, તેમનું પ્રદાન કેન્દ્ર સ્થાને રાખી પાંત્રીસ વ્યક્તિઓની જીવન શૈલી વિષે લખ્યું. ઉર્વીશના સહ્રદય ભાઈ, કામિનીબેનના પતિ, શચિ અને  ઈશાનના પિતા અને અનિલભાઈ–સ્મિતાબેનના પુત્ર એવા બીરેનભાઈ ને શુભેચ્છા પાઠવું છું.

ચાલો, 'જીવતી વાર્તા' પુસ્તકનાં લેખક પ્રશાંત દયાળનો પરિચય ઉર્વીશ કોઠારી પાસેથી જાણીએ. ટૂંકા વાળ, ઘેરી દાઢી-મૂછો, મોટી આંખોમાં તરવરતી લાલાશ, કરડાકી ભર્યો ચહેરો ધરાવતા પ્રશાંત દયાળ અસલ શિવસૈનિક લાગે. કોઈની કે કશાની પરવા ન હોવી એ ભાવ ઘણીવાર સામેની વ્યક્તિ સળગી ઊઠે એ હદે વ્યક્ત થતો રહે છે. તેઓ સંવેદનશીલતાને મોટે ભાગે રૂક્ષતાના આવરણ હેઠળ સલામત રાખે છે. ‘ક્રાઈમ રિપોર્ટિંગ’માં નિષ્ણાંત આપણા પ્રામાણિક મિત્ર પ્રશાંત દયાળ તેની નૈતિકતાના બદલામાં છ આંકડાની રકમની ઓફર પણ ઠુકરાવી શકે છે. 'દિવ્ય ભાસ્કર'માં જોડાવાની અને લેખક તરીકેના સંઘર્ષની વાતો આપણે માટે સમજવી એટલી સહેલી નથી.
જે પુસ્તક વાંચીએ તેની ટૂંકનોધ બનાવી પ્રતિભાવ આપવાની ટેવ ખોટી નથી – પણ વાંચેલા દરેક પુસ્તક વિષયક લખવાની હઠ કદાચ સમય માંગી લેતી હોય છે અને થોડા વધારે પુસ્તકો વાંચતાં રોકતી પણ હોય છે. ત્યારે હવેથી કોઈ કોઈ પુસ્તકો વિષે જ લખીએ તો ચાલે એવા વ્યક્તિગત નિર્ણય પર આવ્યો છું.
સ્વતંત્રતા (The Freedom)

બિનવ્યાવસાયિક સ્વતંત્ર લેખનની મઝા કદાચ સ્પર્ધાત્મક લખાણો, કૉલમ લેખન કે પુસ્તકલેખન કરતાં ઘણી રીતે જુદી પડે છે. અહીં સમય પાલનનો કોઈ આગ્રહ નથી હોતો – મુદ્દાસર કે પછી નિર્ધારિત ઢાંચામાં લખવાનો નિયમ લાગતો નથી – ઉપરાંત લેખનની લંબાણ વિષયક કઈં નક્કી હોતું નથી. મનમરજી મુજબ આંતરસ્ફૂરણાંથી કે વિચારવલોણુંમાંથી નીકળતો સાર લખવાનો હોય છે. આ અનુભવ કદાચ બધાએ જ કરવા જેવો છે. પત્રલેખન, લઘુનિબંધ કે પુસ્તક પ્રતિભાવથી શરૂઆત કરી શકાય!

‘જીવતી વાર્તા’ અને ‘ગુર્જર રત્ન’ બન્ને પુસ્તકોમાં એક સામ્ય એ છે કે બન્ને લેખકોએ લેખનના પાત્રોની રૂબરૂ મુલાકાત લઈ, તે પાત્રોના અનુભવોનું શબ્દાંકન કર્યું છે. 'જીવતી વાર્તા' જીવનના પ્રસંગોની આસપાસ છે, તો ‘ગુર્જર રત્ન’ જીવતા લોકોના જીવનચિત્રનું વર્ણન છે. બન્ને પુસ્તકો મેં સાથે વાંચ્યા છે – તેથી સાથે જ વાત અસ્થાને નથી! 


જીવતી વાર્તા (લે. પ્રશાંત દયાળ)

૨૦૦૩ થી ૨૦૦૭ દરમ્યાન ‘દિવ્યભાસ્કર’ માં અને હાલમાં ‘ગુજરાતમિત્ર’ માં પ્રસિદ્ધ થતી ૪૦ વાર્તાઓનો આ સુંદર વાર્તાસંગ્રહ છે. અહીં તમામ વાર્તાના પાત્રોને લેખકે રૂબરૂ મળીને સત્યઘટના આધારિત વર્તમાનમાં જીવતા લોકોને થયેલા અનુભવો અને ત્યાર પછી જીવનશૈલીના પરિવર્તનની વિગતે વાતો કરી છે. તેઓ કહે છે તેમ બીજાની જિંદગીમાં પીડાના ગોદામ છે તે સંવેદનશીલ વ્યક્તિ જાણે ત્યારે, રુદન કુદરતી પ્રતિભાવ છે – રુદન રોકવું અશક્ય છે. જિંદગીમાં ક્યારેક એવું લાગે કે તમે બધુ જ હારી ગયા છો, ચારેય તરફથી નિરાશા ઘેરી વળે અને તમારા પ્રશ્નોના ઉત્તર દૂર સુધી તમને ક્યાંય નજર ન પડે, તમને લાગે કે મધદરિયે તમે એકલા છો, ત્યારે આશાનું એક કિરણ નજરે પડે છે અને ફરી જીવવાનું બળ મળે તેનું નામ તે 'જીવતી વાર્તા'! 


વૃદ્ધાશ્રમમાં રહેતા દરેકનો જન્મદિન ધામધુમથી ઉજવતા પ્રકાશભાઈ શાહ, ચાની કીટલી પર કામ કરતા જુગનુની વાત, રાજુ – નફિસાના પ્રેમની અને વ્હીલચેરની જિંદગીમાંથી લાકડીના સહારા સુધી દ્રઢ મનોબળથી પહોંચતી નફિસા, નાનાભાઇ વસંતભાઈ, મહેશના મૃત્યુનો અનુભવ – મહેશના મૃત્યુ પછી સાવિત્રી સાથે વસંતના લગ્ન અને આવી દરેક વાત લાગણીના તાર ઝાંઝણવવા માટે પૂરતી છે. લેખક છેલ્લે કહે છે – બીજાનું દુ:ખ તમને રડાવે એનો અર્થ કે તમારી અંદર રહેલો માણસ જીવે છે – ચાલો, પુસ્તક વાંચીને પોતાની માનવતાની તીવ્રતા તપાસી લઈએ.

ગુર્જર રત્ન (લે. બીરેન કોઠારી)

જીવતી વાર્તામાં ટૂંકી વાર્તા વાંચ્યા પછી હવે ચાલો, ગુજરાતના ૩૪ મહાનુભાવોની જીવન ચર્ચા વાંચીએ. દરેક વિષે એક પુસ્તક લખાય એવી વાતો, લગભગ આઠ-દસ પાનામાં એક એમ કુલ્લે ત્રણસો પાનામાં ૩૪ જીવનકથાઓનો હ્રદયસ્પર્શી આલેખ એટલે ગુર્જર રત્ન! જાન્યુઆરી ૨૦૦૮ થી શરૂ કરીને દર મહિને એક લેખે 'અહા! જિંદગી' માસિક (દિવ્યભાસ્કર જુથ) ઓગસ્ટ ૨૦૧૧ સુધી વૈવિયધ્યસભર વ્યક્તિઓને રૂબરૂ મળ્યા. મુલાકાત રેકોર્ડ કરી. વિવિધ સંદર્ભસાહિત્ય અને સંપર્કો દ્વારા માહિતી એકઠી કરતાં કરતાં વિગતવાર વ્યક્તિ પરિચય કરાવ્યો. વાચક લેખક સાથે એકાકાર થઈ પરિચિત વ્યક્તિનું જીવન અનુભવતો થાય એવો રસાસ્વાદ મેં એક સપ્તાહ સુધી માણ્યો. જાણે રૂબરૂ વાતચીત થતી હોય એવી લાગણી – ઐક્યતા અનુભવી. ૩૪ વ્યક્તિઓનું જીવનચક્ર – શૂન્યમાંથી મહાનતા તરફનો પ્રવાસ – લેખકે કર્યો અને શબ્દદેહ આપીને આપણને કરાવ્યો. આપણા ગુજરાતીઓ માટે ઘણાખરા લોકો પરિચિત અને આપણાંમાનાં એક હોઈ શકે. ડાહ્યીબેન પરમાર થી શરૂ કરીને ઘેલુભાઈ નાયક, રતિલાલ ‘અનિલ’, મધુ રાય, પુર્ણિમાબેન પકવાસા, વિનોદ ભટ્ટ, હરીશ રઘુવંશી કે મહેન્દ્ર મેઘાણી જેવા ઘણાબધા સાથે સંપર્ક – પરિચિતતા અને વાચક તરીકેનો સંબંધ વ્યક્તિગત ઐક્ય અનુભવવા માટે પૂરતો છે. આપણાં લોકોની સંઘર્ષકથા – તકલીફો – અનુભવો અને પરિષ્ઠતાનું છેલ્લું જીવન વાંચતાં કદાચ લાગણી – ધન્યતા અને અહોભાવ ન જાગે તો જ નવાઈ!
  • ૯૮ વર્ષ ખુમારીપૂર્ણ સફળ જીવન જીવનર ફોટોગ્રાફર હોમાય વ્યારાવાળા (વડોદરા) પતિના મૃત્યુની વાત લોકોને કહેતા નથી. કારણ, મારો શોક મારી અંગત બાબત હોવાનું માને છે. 
  • હરીશ રઘુવંશી (સુરત) ૧૨૯૨૬ ફિલ્મોની યાદી કક્કાવાર તૈયાર કરે છે – અનેક કટુ અનુભવો અને આર્થિક વળતરની નહીંવત અપેક્ષા છતાં સર્વોચ્ચ શક્તિ દ્વારા સોંપાયેલ કામ અનુષ્ઠાન કરનારા યોગિની એકાગ્રતાથી કરે છે. 
  • હાસ્યલેખોના સફળ લેખક વિદ્વાન વિનોદ ભટ્ટ ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્યભાસ્કર, ચિત્રલેખા, સહિત લગભગ બધી જ જગ્યાએ લેખો દ્વારા મળતા હોવા છતાં તેમની વાતો સાંભળતા જ શીઘ્ર હાસ્ય પ્રગટે – હકીકતમાં આ વિનોદભાઈ દર્દથી ઘૂંટાયેલ હાસ્ય તરફ પક્ષપાત સાથે જીવનશૈલી શીખવે છે. 
  • રાજવી–દરબાર–વિખ્યાત શાયર રુશ્વા મઝલુમી ઉર્ફે ઈમામુદ્દીનખાન બાબી પ્રગતિશીલ વિચારના અને લોક કલ્યાણના અનેક કામો પાજોદના રાજવી તરીકે કરે છે. 
  • રતિલાલ ‘અનિલ’ આખાબોલા સ્વભાવના, સતત સંઘર્ષ, શોષણ અને ઉપેક્ષામાં જીવ્યા હોવા છતાં ‘ગઝલ’ રચના કરતાં કરતાં ગઝલકારોની ચાર પેઢીના સાક્ષી બને છે. 
  • જ્યોતિ ભટ્ટ કેમેરાના કસબી – ફોટોગ્રાફર – પેઈન્ટર અને પત્ની જ્યોત્સ્ના ભટ્ટ સિરામિસ્ટ હતા. પચાસેક હજાર નેગેટિવરૂપે સચવાયેલ કલાવારસાનું શું થશે? એ સવાલનો હ્રદય સ્પર્શી જવાબ સાંભળવા જેવો છે. “નેગેટિવનું કઈં ન થાય તો છેવટે મને બાળવામાં હોમી દેશો તો, એટલાં લાકડાં બચશે.” 
  • ઘેલુભાઈ નાયક (ડાંગીઓના ભાઈ) મારા અંગત સ્નેહી - એમની અને મોટાભાઈ છોટુભાઈની જીવનશૈલી આહવામાં મેં કરેલા નેત્રયજ્ઞો વખતે રૂબરૂ માણી. ખાદીનું પહેરણ (બાંડિયું) અને ખાદીની ચડ્ડીનો આજીવન પહેરવેશ સાથે ડાંગીઓની સેવામાં એકરૂપ ઘેલુભાઈ સાથે હોવાનો ગર્વ ન લઈએ તો કેમ ચાલે? 
આમ ૩૪ વ્યક્તિઓની દિનચર્યા – જીવનશૈલી – સંઘર્ષકથા આપણાં બીરેનભાઈ લગભગ ત્રણ વર્ષ જીવ્યા અને તેનો સાર આપતું પુસ્તક ‘ગુર્જર રત્ન’ વાંચી ધન્ય થઈએ. 

પુસ્તક લેખનની કસરત લેખકે કરી – હવે ખરીદીની અને વાંચનની મહેનત આપણે કરીએ.

- ડો. ભરતચંદ્ર દેસાઈ, બીલીમોરા

પુસ્તકો:
૧. ગુર્જર રત્ન (૨૦૧૯),   લે. બીરેન કોઠારી
૨. જીવતી વાર્તા (૨૦૧૮), લે. પ્રશાંત દયાળ
પ્રકાશક : સાર્થક પ્રકાશન, અમદાવાદ
ગુર્જર રત્ન
લેખક: બીરેન કોઠારી
૨૦૧૯
પ્રકાશક: સાર્થક પ્રકાશન, 
અમદાવાદ

જીવતી વાર્તા
લેખક: પ્રશાંત દયાળ
૨૦૧૮
પ્રકાશક: સાર્થક પ્રકાશન
અમદાવાદ

Post a Comment

0 Comments