વિશિષ્ટ સમાજની માહિતી આપતું આપણું અનાવિલ સાહિત્ય અનાવિલ સમાજમાંથી જેટલું શક્ય હોય એટલું ભેગું કરીને–ખરીદીને–વસાવીને વાંચવાનો શોખ છેલ્લા પચાસ વર્ષથી હું ધરાવું છું. લગભગ પચાસની નજીક પુસ્તકો મેં વસાવ્યા છે અને એ કાર્યક્રમ હજી અવિરત ચાલુ છે. બુદ્ધિશાળી, નેતાગીરીના લક્ષણો ધરાવતા અને શિક્ષણ માં અગ્રેસર સમાજમાં શ્રી અંબેલાલ ગોપાળજી દેસાઈ (વલસાડ), ડો. ઈશ્વરચંદ્ર મ. દેસાઈ (બીલીમોરા) અને બકુલાબેન ઘાસવાલા (વલસાડ) જેવા લેખકોએ ખૂબ મહેનત કરીને માહિતી ભેગી કરીને આપણને સમાજનો ઈતિહાસ અને લક્ષણો બતાવ્યાં છે – તે જાણવા જ રહ્યાં. આપણા વડીલો કદાચ દેસાઈગીરી–ગામના વડા તરીકે પટલાઈ કે શિક્ષણ જેવા વિષયોમાં ખુબજ આગળ હતા–પણ ઈતિહાસ લખવામાં ઊણા ઉતર્યા છે–ત્યારે શ્રી અંબેલાલ, ડો. ઈશ્વરચંદ્ર અને બકુલાબેનને બિરદાવવા રહ્યાં–તેમના ત્રણેના જેટલા વખાણ કરીએ તે ઓછા છે. ‘જય શુકલેશ્વર’ માસિક હમણાં પચાસ વર્ષ પૂરા કરવાના છે, ત્યારે અનાવિલ સમાજની માહિતી, સમાચાર, અને ઉત્તરોત્તર વિકાસનો પ્રસાર એના દ્વારા વિશ્વના અનાવિલોમાં ઉત્તમ રીતે થયો છે–તે સ્વીકારવું જ રહ્યું. મુંબઈના ‘જય અનાવિલ’ અને અમદાવાદનું ‘અનાવિલ પોકાર’ માસિકો પણ ...