માંદગીમાં સારવાર અને મરણ વખતની ક્રિયાઓને લાગતું વસિયતનામું મારી સાંઠ વર્ષની ઉંમરે મે મારી આત્મકથા લખેલી તેમાં મારી માંદગીની સારવાર અને મૃત્યુ પછીની વિધિઓ મારા પત્ની અને બાળકો જેમ કરશે તે મને મંજુર રહેશે-એવું વિધાન મે કર્યું હતું. હા, તે વાત હું હજીપણ એમની એમ જ સ્વીકારું જ છું પરંતુ, હવે દસ વર્ષ પછીના મારા વિચારોનો ખ્યાલ આવે એટલા પૂરતું આ પત્ર લખું છું. મારી શારીરિક તકલીફોનો ઈલાજ કઈ રીતે કરાવવું તે બાબતે કમસેકમ મારા પોતાને લગતા કેટલાક ખ્યાલો મે નક્કી કર્યા છે, તેનું વિગતવાર વર્ણન હું કરીશ. જો બેભાન ન હોઉ અથવા કહો કે માનસિક રીતે નિર્ણયશક્તિ ગુમાવી ન ચુક્યો હોઉ તો, મારી ઉંમરને લગતી કોઈપણ માંદગીની કેવી-કેટલી અને ક્યાં સારવાર કરાવવી તેનો નિર્ણય હું લઈશ. પણ હું બોલીને કે બીજીરીતે કહી ન શકું એમ બને તો માર્ગદર્શક બને એ રીતે સારવારની વાતો કહીશ. બેભાન અવસ્થા સાધારણ રીતે થતી નિદાન પ્રક્રિયાઓ દ્વારા રોગ સારવાર યોગ્ય છે કે કેમ તે જાણ્યા પછી-જો સારવારથી સારા થવાની ઓછી શક્યતાઓ હોય તો સારવાર નહીં લેવી ઘરે ફક્ત સ્નાન-ઝાડા-પેશાબ-ચોખ્ખાઈ વિગેરે કાળજી લેવી અથવા લેવડ...