અનાવિલ જ્ઞાતિ - લેખક સુરેશભાઈ દેસાઈની નજરે સંસ્કૃતના એક સુભાષિતમાં કહેવાયું છે કે સજજનો, માણસના દુર્ગુણો જોવાને બદલે એના સદ્દ્ગુણો જ જૂએ છે, જ્યારે દુર્જનો, માણસમાં રહેલા સદ્દ્ગુણો જોવાને બદલે એના દુર્ગુણોને જ જૂએ છે, જો કે માત્ર દુર્ગુણો ભર્યા હોય એવી વ્યક્તિને જોવા માટે સજજનોનો માપદંડ કેવો હોય છે એનો આ સુભાષિતમાં ઉલ્લેખ નથી. ખેર, માત્ર દોષો જોતાં દુર્જન કહેવડાવવાનું જોખમ વહોરીને અસંખ્ય અવગુણોથી ભરેલી મારી અનાવિલ જ્ઞાતિ વિષે મારે થોડી વાત કહેવી છે. અનાવિલ આખાબોલા હોય છે. એની દ્રષ્ટિ ટૂંકી હોય છે. સામેની વ્યક્તિને વ્યથા પહોંચાડતા એ ખચકાતો નથી. આખાબોલાપણું એ કદાચ વિચારદુર્બળતા કે વિચારશૂન્યતાની બહુ નજીકની માનસિક પરિસ્થિતી છે. આ દ્રષ્ટિએ જોઈએ તો આખાબોલા કહેવડાવવું એ અનાવિલોની વિચારદુર્બળતા ઉપર ઢાંકપિછોડો છે. અનાવિલો પોતાને ટેકીલી પ્રજા તરીકે ઓળખાવે છે. અનાવિલોનું ટેકીલાપણું એ બહુધા એનું મિથ્યાભિમાન છે, હું એટલે કોણ ? મારું ખાનદાન કેવું છે! હું ભૂખ્યો મરી જાઉં પણ મારા સ્ટેટસને યોગ્ય નહીં હોય એવું કામ હું નહીં કરું! આવું છે અનાવિલોનું ટેકીલાપણું. આ મિથ્યાભિમાનને લીધે અન...