ઓપરેશન મુંબઈ: ૨૬/૧૧થી શું શીખ્યા?

અનુભવમાંથી ન શીખવાની આપણી હઠ આપણે માટે નવા નવા હુમલાઓની હારમાળા સર્જે છે – તેનો છેલ્લો દાખલો એટલે ૨૬/૧૧/૨૦૦૮ ના મુંબઈનો ભીષણ આતંકવાદી હુમલો. 

બાકી તો તે પહેલાં, ૧૧/૦૭/૨૦૦૬ મુંબઈ લોકલ ટ્રેનમાં બોમ્બબ્લાસ્ટ થી ૨૦૦ લોકો માર્યા ગયા અને ૭૦૦ થી વધુ લોકો ઘાયલ થયા. ૧૯/૦૨/૨૦૦૭ ભારત-પાક સમજૌતા એક્ષપ્રેસ પરના હુમલામાં ૬૬ લોકો માર્યા ગયા હતા અને છેલ્લે ૨૬/૦૭/૨૦૦૮ માં અમદાવાદમાં વીસ બોમ્બ વિસ્ફોટમાં ૫૭ મર્યા હતા. આવી ઘણી ઘટનાઓ અવારનવાર બનતી હોવા છતાં આપણે હતા ત્યાને ત્યાં!

પત્રકાર અતુલ કુલકર્ણી મરાઠીમાં પુસ્તક લખી ઓપરેશન મુંબઈ ૨૬/૧૧ની વિગતો, અસરો અને સુચનો જણાવે છે – તે જાણીએ.


આતંકવાદી હુમલો – આયોજન અને કાર્ય

પાકિસ્તાનમાં બત્રીસ ૨૧ થી ૨૮ વયજૂથના યુવકોને તૈયાર કરી સર્વપ્રકારની તાલીમ આપી (સપ્ટેમ્બર-૨૦૦૮) કરાંચી નજીક એક ઘરમાં જુદા જુદા રાખી, સહુ કોઈ સાથેનો સંપર્ક તોડવામાં આવ્યો. ઝકી-ઉર-રહેમાન લખવી, અબુ હામની, યુસુફ લાસ મુજ્જ મિલ, અને કાફાના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા. ઈસ્લામ ખાનને ટીમ લીડર બનાવી મોહમ્મદ અજમલ અમીર કસાબ સાથે કુલ દસ ફિદાઈન તરીકે ભારત આવ્યા. જી.પી.એસ. સેટ ઉપર કરાંચીથી મુંબઈ પ્રવાસ કાર્યક્રમ સેટ કરી આપ્યો. સેટેલાઈટ ફોન, આર.ડી.એક્સ., પિસ્તોલ, હેન્ડગ્રેનેડ સહિત જરૂરી સામગ્રી આપી. લશ્કર-એ-તોયબાના ઝકી-ઉર-રહેમાન લકવી મુંબઈ ઓપરેશનનો વડો અને માસ્ટર માઈન્ડ હતો. કરાંચીના અજીજાબાદથી નીકળી “અલહુસેની” બોટમાં આવી કુબેર બોટ દ્વારા મુંબઈ આવ્યા. કુબેરના કપ્તાન અમરસિંહ સોલંકીને મુંબઈ પહોંચતા ઠાર માર્યો. હવા ભરીને બનતી બોટ-ડિંગીને ફુલાવીને સર્વ સામગ્રી મૂકી બધવાર પાર્ક, મુંબઈ ઉતર્યા. બે-બે જણાની ટુકડી બનાવી પોતપોતાના નક્કી કરેલા સ્થળ તરફ પહોંચવા નીકળ્યા.

સૌ પ્રથમ લીઓ પોલ્ડ કેફે અને બાર એકે-૪૭ દ્વારા રાત્રે ૦૯:૪૦ કલાકે ફાયરિંગ કરી બે આતંકવાદી હાફિઝ અર્શદ અને નાસેર નવ જણાને મારી નાંખે છે. ભીડ અને ચીસાચીસનો લાભ લઈ શાંતિથી હોટેલ તાજ પહોંચે છે. ઈ.સ. ૧૯૦૩ માં બનેલ ઐતિહાસિક હોટેલ તાજમાં ૨૯૦ રૂમ અને નવા તાજ ટાવર માં ૨૭૫ રૂમ છે. શોએબ અને જાવેદ રાત્રે ૦૯:૫૦ કલાકે દાખલ થઈ એકે-૪૭ માંથી બ્રશ ફાઈરિંગ કરી વીસને મૃત્યુનો ભોગ બનાવે છે. ચારે આતંકવાદી છઠ્ઠા માળે પહોંચે છે – રસ્તામાં આડે આવે તેનો જીવ લેવાનું ચાલુ જ છે. હેન્ડગ્રેનેડ ફેંકે છે અને ચાર કલાકમાં ફૂટે તેવો આર.ડી.એક્સ બોમ્બ તાજમાં મૂકે છે. આ ઉપરાંત આગ પણ લગાવી છે, જેમાં ચાર જણા હોમાય જાય છે. વાતાવરણ અત્યંત ભયંકર બન્યું છે. ૮૭૭ રૂમ બે વિંગ ધરાવતી હોટેલ ઓબેરોય – ટ્રાઈડન્ટમાં અબ્દુલ રહેમાન છોટા અને ફઈદુલ્લાહ નામના બે આતંકવાદી પ્રવેશી એકાએક એકે-૪૭ થી બ્રશ ફાયરિંગ કરે છે. અનેકોને કેદી બનાવી ૧૬ અને ૧૮ માં માળ કબ્જે કરે છે. જતાં જતાં છ જણાને મારે છે અને બે હેન્ડગ્રેનેડ ફેંકતા જાય છે. ઈસ્માઈલ ખાન અને મોહમ્મદ અજમલ કસાબ નામના આતંકવાદી સી.એસ.ટી. રેલ્વે સ્ટેશન પહોંચી હોલમાં એક ગ્રેનેડ ફેંકે છે અને એકે ૪૭ અંધાધૂંધ ફેરવે છે. ઝેન્ડે-ધી-ગ્રેટ : મધ્ય રેલવેના ઉદ્દ્ઘોષક વિષ્ણુ ઝેન્ડે આ ઘટના જોઈ રહ્યા છે. તેમણે “કૃપા કરીને પ્લેટફોર્મ ક્રમાંક એકના પાછળના દરવાજેથી નીકળો, કોઈપણ હોલની દિશામાં જશો નહીં – અથવા લોકલમાંથી બહાર નિકળશો નહીં – હો ત્યાં બેસી રહો” એવી જાહેરાત વારંવાર કરીને ઘણા જીવ બચાવ્યા. તો પોલીસદળના ૧૧ હવલદાર–સિપાહી હાથમાં શસ્ત્રો હોવા છતાં નાસી ગયા અને તેમને સાથીદારોએ જતાં જોયા ત્યારે ત્રણ પોલીસો અંબારામ પવાર, મુકેશ જાદવ અને મુરલીધર ચૌધરી શહીદ થાય છે.

યહૂદી લોકોનું ધાર્મિક સંગઠન દ્વારા પાંચ માળની ઈમારત “છબડ લિબ્રેશન મુવમેંટ અને હેસડિક જ્યુઝ” છાબડ હાઉસમાં જ્યુ પરિવારો આવતા જતાં રહે છે – તે નરીમાન હાઉસ ખાતે બાબર ઈમરાન અને નજીર નામના આતંકવાદી આવે છે – ગોળીબારમાં ૧૧ લોકોને મારી નરીમાન હાઉસ પર પોતાનો કબ્જો કરે છે. બે ટેક્સીમાં મુંબઈ સેન્ટ્રલ પહોંચેલા આતંકવાદી બંને ટેક્ષીમાં આર.ડી.એક્સ ની આઠ કિલોની એક એક થેલી ઊતરતી વખતે મૂકી રાખે છે – જેથી ૧૦:૩૭ વાગ્યે રાત્રે મઝગાંવ બીપીટી કોલોની પાસે અને બીજી ટેક્ષીમાં ૧૦:૪૫ રાત્રે વિલેપાર્લેમાં વેસ્ટર્ન એક્ષપ્રેસ હાઈવે ઉપર બોમ્બ વિસ્ફોટ થાય છે. બે આતંકવાદીઓ કામા હોસ્પિટલના છઠ્ઠા માળે પહોંચે છે. કરકરે, કામટે, સાળસકર, અને મોહિતે એસટીએસ, એસઆરપી, પોલીસ અને મોબાઈલ વાન સાથે પહોંચે છે. કામા હોસ્પિટલ ઓપરેશનમાં પોલીસ સિપાહી યોગેશ પાટિલ, પોલીસ ઉપનિરીક્ષક પ્રકાશ મોરે અને ખાંડેકર શહીદ થયા. ઈસ્માઈલ અને કસાબ કામા હોસ્પિટલથી આઝાદ મેદાનના રસ્તે રંગભવનની ગલીમાં હોય છે ત્યાં એક ક્વોલિસમાં સાળસ્કર ડ્રાઈવિંગ સીટ ઉપર, નજીક કામટે, વચ્ચે કરકરે અને પાછળ ચાર બેસીને રંગભવનની ગલીમાં આ બને આતંકવાદીને ભેટે છે – કામટેની ગોળીથી કસાબ ઘાયલ થાય છે, પણ ઈસ્માઈલના બ્રશ ફાયરથી ઉપરના સાતે શહીદ થાય છે. કામટે – કરકરે – સાળસ્કર અને ચાર સિપાઈઓ મૃત્યુ પામે છે. ગીરગાંવ ચોપાટી નજીક નરીમાન પોઈન્ટથી ગીરગાંવ જંકસન વચ્ચે પોલીસ અને આતંકવાદી વચ્ચેની ઝડપમાં બહાદુર સહાયક પોલીસ જમાદાર ફક્ત હાથમાં લાકડી હોવાછતાં કસાબને દબોચે છે. તેના એકે ૪૭ના ગોળીબાર છતાં કસાબના શરીર ઉપર ચોંટીને પકડે છે અને કસાબને પકડતાં તુકારામ શહીદ થાય છે.

આમ લગભગ ત્રણ દિવસ ના આતંકવાદી હુમલામાં ૧૭૫ વ્યક્તિઓ મરણ પામ્યા – તેઓ ભારતીય ૧૨૨ + વિદેશી ૨૬ + ભારતીય પોલીસ – આર્મી – એસઆરપી – આરપીએફ – ૧૮ અને આતંકવાદી – ૯ છે. ૨૩૨ વ્યક્તિઓ ઘાયલ થયા.

કોનો વાંક?
રાજકારણી, પોલીસ અને આમ જનતા - ત્રણેનો વાંક છે.
રાજકારણી:

કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલ, મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ અને નાયબ મુખ્યમંત્રી/ગૃહમંત્રી આર.આર.પાટિલે રાજીનામું આપ્યું. તેમની જગ્યાએ અનુક્રમે પી.ચિદમ્બરમ, અશોક ચૌહાણ અને છગન ભુજબળે લીધી.

પોલીસ:

હેમંત કરકરે (એટીએસ વડ), અશોક કામટે (વધારાના પોલીસ આયુક્ત), વિજય સાળસ્કર (પોલીસ ઈન્સ્પેકટર), સંદીપ ઉન્નિકૃષ્ણન (એસ.એસ.જી મેજર), તુકારામ આંબલે (ફોજદાર), પ્રકાશ મોરે, બાપુ ધરગુડે, શશાંક શિંદે (પોલીસ ઈન્સ્પેકટર), બાળાસાહેબ ભોંસલે સહાયક પોલીસ સબ.ઈન્સ્પેકટર, સહિત 18 કર્મચારીઓ શાહિદ થયા.

નાગરિકો:

૧૪૮ નાગરિકોએ વિનાકારણ મરણને શરણ થવું પડ્યું. મિલકતનું નુકશાન અને બીજી બધી તકલીફો નો હિસાબ હતાશા લાવવા પૂરતો છે. આથી અતુલ કુલકર્ણી કહે છે – વાતને વચ્ચેથી છોડી દેવા જેવું નથી – કાયમી ફેંસલો – ઉપાય કરવો જરૂરી છે.

પૂર્વ માહિતી ની ગંભીરતા કોઈએ ગણકારી નહીં.
  • ૨૬-૦૯-૨૦૦૮ ના રોજ પોલીસને સમુદ્ર માર્ગે આતંકવાદી આવીને મુંબઈ તાજ – ઓબેરાય ખાતે સંહાર કરશે. એ માહિતી મળી હતી. 
  • ૨૯-૦૯-૨૦૦૮ ના રોજ હોટેલ તાજના સિક્યુરિટી કાયરેક્ટર-સિક્યુરિટી વ્યવસ્થાપક-વહીવટકર્તા સાથે હોટલ તાજમાં પોલીસ અધિકારીએ સવિસ્તર બેઠક યોજી હતી. ત્યારપછી ૨૬ લેખિત સૂચનાઓ આપવામાં આવી હતી. 
  • ૦૯-૦૮-૨૦૦૮ ના રોજ હોટેલ ઓબેરોય-ટ્રાઈડન્ટ ને પોલીસે ૧૦ મુદ્દાનો લેખિત પત્ર આપ્યો હતો. આમ છતાં, ગંભીર બાબતનો અમલ કરવાની કાળજી પોલીસ વિભાગે અને બંને હોટલ મેનેજમેન્ટે ન લીધી તે કોનો વાંક? 
આતંકવાદી ઈલેક્ટ્રોનિક મિડયા

પોલીસ અને એસજી કમાન્ડોએ ન્યૂઝ ચેનલોનું પ્રસારણ અને તેમાંય જીવંત પ્રસારણ અટકાવવા કહ્યું હતું – આવી યુધ્ધ જેવી કટોકટીમાં મીડિયાએ અનુસાસન ન પાળ્યું. દાખલા તરીકે એનએસજી કમાન્ડો આવી ગયાના સમાચાર મળવાથી આતંકવાદીઓએ બાનમાં રાખેલાઓને એક હરોળમાં ઊભા રાખીને મારી નાખ્યાં. આ માહિતી ચેનલવાળાએ જો પ્રસારિત ન કરી હોત તો – અંદરના લોકોના જીવ બચી ગયા હોત. તાજ હોટેલમાં અગ્નિશામક દળે ત્વરાથી સીડી ગોઠવી વિગેરે માહિતી મળતા આતંકવાદીઓએ આગ લગાવી. આતંકવાદી ટીવી જોઈને નિર્ણય લેતા હોવાનું જણાવતા તાજના કર્મચારીને ઝૂડી નાંખવાની ઘ્રૂષ્ટતા પણ આ મીડિયાએ બતાવી. લાઈવ ટેલિકાસ્ટ ન કરવાની સૂચના અવગણતા મીડિયાને શું સજા કરાય? 

નેવી – કોસ્ટગાર્ડ

મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, સચિવ, પોલીસ મહાસંચાલક દ્વારા તાજ હોટેલમાં મિટિંગ રાખી ઘટનાના બે મહિના પહેલાં નેવી અને કોસ્ટગાર્ડ ને ચોક્કસ લોકેશન સમજવીને યોગ્ય પેટ્રોલીંગ ની સૂચના અપાઈ હતી – નેવી અને કોસ્ટગાર્ડ કેમ ગેરકાળજી બતાવી ? તેનો વાંક તો ખરોજ ને!

અને છેલ્લે, ગુનાખોરીની દુનિયા અને રાજકારણ નો પ્રેમસંબંધ તોડવો જ પડશે. પોલીસદળ ની જૂથબંધી – તડાને નાબૂદ કરવા પડશે. પ્રોટોકોલ – પરીક્ષણ અને શિસ્તનો અભાવ કોપન ક્ષેત્રે – રાજકારણી કે પોલીસ – કોઈ પણ રીતે દૂર કરવા જ રહ્યા. આ દેશભક્તિનું કામ અને રાજધર્મની ફરજ આપણે દરેકે સક્રિયતાપૂર્વક બજાવ્યા વગર બીજો કોઈ આરો નથી – મત આપીને પાંચ વરસ સૂઈ જવાનો જમાનો ગયો. કઈ કરવું જ પડશે. નહીં તો કોનો વાંક ? આપણોજ – કોઈ શંકા ?

Post a Comment

1 Comments

Thank you for your comment!