Dr. Bharat Desai's Blog
Dr. Bharat Desai's Blog
  • Home
  • Anavils
  • History
  • Religions
    • Hinduism
    • Islam
    • Chritianity
    • Sikhism
    • Jainism
    • Buddhism
    • Taoism
  • Book Reviews
  • Videos
  • ગુજરાતી લેખો
લગ્નની ઈચ્છા ધરાવનાર અનાવિલ, લગ્ન કરવામાં કેમ સફળ થતાં નથી? એ વિષે મનોમંથન કરીએ. બધી રીતે યોગ્ય ઉમેદવારો લગ્નની પરીક્ષામાં કેમ ઝળહળતી સફળતા મેળવતો નથી તે વિચારીએ.

દેખીતાં કારણો:

1. લગ્નનાં ચોકઠાં ગોઠવનાર સમુહનો અભાવ:40-50 વર્ષ પહેલા લગ્નો ગોઠવવાના શોખીન–ઉત્સાહી–વડીલોનો એક વર્ગ સક્રિય હતો. જે મેળાવડામાં, લગ્નમાં કે મરણમાં પરણવાલાયક ઉમેદવારોને શોધી–માહિતી પહોંચાડી લગ્નનું નક્કી કરાવીને જ છૂટતા તે વર્ગ જ અદદ્રશ્ય થઈ ગયો છે.

2. અભિપ્રાયોમાં નિરસતા: લગ્ન માટે ઓફર મુકાયા પછી, લાગતાવળગતા વડીલો તપાસ માટે નીકળે છે. ત્યારે પ્રામાણિકતાથી સારો કે ખરાબ તટસ્થ અભિપ્રાય આપવાને બદલે, ગોળગોળ, અસ્પષ્ટ અથવા મોઘમ જવાબ આપતા હોય છે. માંબાપની ખબર છે–છોકરાની નહીં અથવા દીકરાના દિવસના સ્વભાવની માહિતી છે–પણ રાત્રીનો નહીં–દારૂડિયો હોઈ શકે એવો ઈશારો.

3. લગ્ન લાયક ઉમેદવારોમાં વ્યસન: દારૂ–તમાકુ માવો–ધુમ્રપાનની કુટેવો વ્યાપક પ્રમાણમાં પ્રસરેલ છે. એ હકીકત છે. વખાણવા લાયક, ખૂબ ભણેલા અને ખૂબ કમાતા આદર્શ ઉમેદવારો છે, પણ આળસુ, રખડેલ, વ્યસની અને ઓછું ભણેલા ઉમેદવારો પણ મોટી સંખ્યામાં છે. ત્યારે લગ્નની સમસ્યા ભારી બને છે.

4. વિરોધાભાષ (Paradox): આપણી અપેક્ષાઓમાં વિચિત્ર વિરોધાભાસ (Paradox) છે જેમકે, (1) માબાપ મોટી જમીનના માલિક હોવા જરૂરી છે, પણ યોગ્ય હોવા છતાં ખેતીવાડી વાળો ગામડાનો મુરતિયો ન ચાલે. (2) પૈસાદાર કુટુંબનો છોકરો જોઈએ, પણ વેપાર–ધંધાવાળો ન ચાલે–નોકરીવાળો જ જોઈએ. (3) કમાણી તો ઘણાબધા વ્યવસાયમાં છે, પણ ઉમેદવાર ડોક્ટર – એંજિનિયર જ જોઈએ. (4) મધ્યમ દેખાવનો બીજી રીતે યોગ્ય ઉમેદવાર ન ચાલે, દેખાવડો આકર્ષક વ્યક્તિત્વવાળો રૂપાળો જ જોઈએ.

5. આદર્શ યુવાનો છોકરીઓ સાથે મર્યાદા જાળવી રાખતા હોવાથી પોતાની પસંદગીની કે પ્રેમની વાત અવ્યક્ત જ રાખે છે–છોકરી પહેલની રાહ જોતી હોય ત્યારે પણ અસમંજસમાં રહી સ્પષ્ટ રજૂઆત કરતાં નથી, આથી નિષ્ફળ રહે છે ત્યારે અભણ તોફાની–અવિવેકી અને નફ્ફટ છોકરાઓ કન્યાઓને ફોસલાવી પોતાની લગ્નની ઈચ્છા બતાવી ફસાવી શકે છે અને છોકરીઓ એને પ્રેમ સમજી તૈયાર થાય છે,પછી પસ્તાય છે.


મા-બાપ દ્વારા ગોઠવાયેલ લગ્નોની પ્રથા યોગ્ય છે, પરંતુ તે એકદમ ચોક્કસ કે સંપૂર્ણ (Fullproof) નથી. માણસોને ઓળખવા–પારખવા સહેલા નથી–ત્યારે ભૂલનો અવકાશ હંમેશા રહે જ છે. લાંબા સામના ગાઢ મિત્રોના બાળકો વચ્ચે લગ્ન પણ નિષ્ફળ ગયા છે. તેવી જ રીતે બાળપણથી મિત્રતાવાળા પાત્રોના લગ્ન છ માહિનામાં તૂટતાં મેં જોયા છે. 

આમ, લગ્નની સફળતાની કોઈ ગુરૂચાવી નથી. પરસ્પર અનુકૂળ (Adjustment) અને બાંધછોડ (Compromise) દ્વારા લગ્ન સફળ બનાવી શકાય. ઓછી સહનશક્તિ અને વધારે પડતી અપેક્ષાઓ હાલના છૂટાછેડાના અગત્યના કારણો છે.

વાતનો સાર:

અંતે, લગ્નઉત્સુક આપ સૌને એક છેલ્લી અગત્યની વાત કહેવી છે. સમજશો–વિચારશો એવી નાની અપેક્ષા છે. 

મિત્રો, તમે યોગ્ય જ છો – લગ્ન માટે શક્તિમાન છો ત્યારે નાસીપાસ થવાની જરૂર નથી. લગ્નની આતુરતા જ હોય તો, કુંવારા રહેવાના, લગ્ન સિવાય, લગ્ન બાહ્ય શરીર સંબંધો કે લગ્ન વિના સાથે રહેવાના (Live-in-Relationship) વિચારો ન કરશો.


આપના સંપર્કમાં આવતા આડોશ-પડોશના, મિત્રમંડળના, આવજાવમાં મળતા કે વ્યવસાયના સ્થળે મળતા વિજાતીય પાત્રમાંથી કોઈ એકને પસંદ કરો – સંપર્ક વધારો – મિત્રતા બનાવો અને લગ્નની સહમતી બનાવો. મિત્રો ધારો એટલું ભારી નથી. તમારા લગ્ન આ વર્ષે થવાના જ છે.

મારી શુભેચ્છાઓ – આશીર્વાદ.

ડો. ભરત દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
માનનીય પૂર્વપ્રમુખ પ્રો. જી. કે. પટેલસાહેબ, મંત્રીશ્રી ઊર્મિલાબેન, ખજાનચીશ્રી ડો. રામજીભાઈ તથા સર્વે સભ્યો,

સાદર વંદન.

બે વર્ષના પ્રમુખના કાર્યકાળ પછી વિદાય થતાં પ્રમુખે પોતાના કાર્યોનું સરવૈયું આપવાનું હોય છે. તે કાર્ય મારા છ સાથીઓએ બખૂબી નિભવ્યું છે, ત્યારે પુનરાવર્તનનો અતિરેક ન થાય તે મારે જાણવું રહ્યું.

મારી બે વર્ષની સૌથી મોટી ઉપલબ્ધિ મારા હિસાબે સર્વ સભ્યોમાં વિકસેલી કુટુંબભાવના ને વિકાસ ગણાવું છું. ત્રણ પ્રવાસો, છાંયડો દ્વિવાર્ષિક મેગેઝીન, પાંચ સંગીતના કાર્યક્રમો, શ્રદ્ધાંજલી, કુદરતી ભોજનનો આસ્વાદ ઉપરાંત તજજ્ઞો દ્વારા વિવિધ વિષયોના પ્રવચનો કરતાં મહત્વનું સભા સમાપ્તિ બાદ ભોજન સમયે અને ત્યારબાદ દોઢ કલાકથી વધારેની એકબીજાની સાથેની હ્રદયસ્પર્શી લાગણીશીલ વાર્તાલાપવાળી બેઠકો દ્વારા થતી મિત્રતા-પ્રેમ અને કુટુંબભાવના ગણાવું છું.

કદાચ બધાના નામ દઈને વિગતે વાત કરી શકું, પણ એ લોભ છોડીને પણ થોડી વાત તો કહીશ જ.

1. પાંચ વર્ષ પહેલા મને ઉપપ્રમુખ નિમવા બદલ, પ્રો.જી.કે.પટેલ સાહેબનો હું ખાસ ઋણી છું. ત્રણ વર્ષ તેમના ઉપપ્રમુખ તરીકે અને છેલ્લા બે વર્ષ પ્રમુખ તરીકેના પાંચ વર્ષના સમયગાળા દરમ્યાન આપસર્વનો પ્રેમ, ભાઈચારો અને લાગણીનો હ્રદયસ્પર્શી અનુભવ માટે મને યોગ્ય શબ્દો મળતા નથી. આપ સૌએ મને સાચવ્યો છે.

2. મંત્રિશ્રી ઊર્મિલાબેન, ખજાનચીશ્રી ડો. રામજીભાઈ, સહખજાનચીશ્રી અને ક્લબના આધારસ્તંભ ગિરીશભાઈ દેસાઈ, સંગીત વિભાગના અધ્યક્ષ મારા ખાસમિત્ર સુરેન્દ્રભાઈ પારેખ, અશોકભાઈ રાય, અનંતભાઈ દેસાઈ, ગીતાબેન મહેતા અને કલ્પનાબેન વ્યાસ. ૯૩ વર્ષે સક્રિય પ્રમુખ માર્ગદર્શક પ્રો.બી.એચ.પટેલ, શ્રી બચુભાઈ જોશી, શ્રી બાબુભાઇ જોશી, દયાળજીભાઈ–ઈન્દુબેન, મારા બહેન કુસુમબેન ભગત, અરુણા, કૌશિકભાઈ, અવિનાસભાઈ ઉપાધ્યાય ઝવેરભાઈ કેવત, બલરામ છટવાણી, ભગવાનદાસ વટવાણી, કેશવભાઈ અને ઝીણાભાઈ અરુણાબેન વશી, રક્ષાબેન બક્ષી, પ્રિ. કુસુમબેન દેસાઈ - મેં કહ્યું તેમ “આપ સૌ મારુ કાર્યબળ છો – માનસબળ છો.” હા, શ્રીમતી સાવિત્રીબેન વશીનું અનાવિલ જાજરમાન વ્યક્તિત્વ મને હંમેશા પ્રેરણાદાયી રહ્યું છે. છેલ્લા રૂ. 25,000 ઉમેરતા રૂ. 71,000 દાન કોણ આપે? એવા જ બીજા વડીલ સુશિલાબેન નાયક દર વર્ષે તેજસ્વી તરલાઓને ઉપયોગી ભેટો અને પુસ્તકો આપે છે, જે તેમની દરિયાદિલી બતાવે છે.

ઘણા બધા સભ્યોનો આગ્રહ હતો કે, હું પ્રમુખપદે ચાલું રહું. આ તેમનો મારે માટેનો પ્રેમ–આદર અને કાર્યપ્રણાલી માટેની પ્રશંસા દર્શાવે છે. આ માટે આપ સૌનો હું ઋણી છું. પરંતુ મેં મેડિકલ એસો., લાયન્સ ક્લબ, ભારતીય વિચાર મંચ, એલાયન્સ ક્લબ, જેવી ઘણી સંસ્થાઓમાંથી આજ રીતે પ્રમુખ તરીકે સન્માનનિય કાર્યો કરીને યોગ્ય સમયે વિદાય લીધી જ છે. કારણ, પરીવર્તન – Change – અનિવાર્ય અને ફરજિયાત છે.


નવા પ્રમુખો, મંત્રીઓ, કાર્યકર્તા નવા વિચારો – નવા કાર્યક્રમો અને સંસ્થાનો વિકાસ તેમની મનનીય રીતે કરતાં જ હોય છે. અને તે આશાવાદ – ખાત્રી સાથે પ્રમુખપદ છોડું છું. આમ પણ હું તમારી સાથે અને બિલકુલ સક્રિય જ છું. હા, નવા પ્રમુખ અને તેમની ટીમની મર્યાદા અને સન્માન ની ખાસ કાળજી રાખીશ. ચાલો, ઊર્મિલાબેન, સુરેન્દ્ર્ભાઈ, બલરામભાઈ, ડો.ભાવના, પી.એ.પટેલ સાહેબ, અને પ્રો.બી.એચ.પટેલને બિરદાવીએ. 

કુટુંબનો સમય ક્લબને ફાળવવાની છૂટ આપવા પત્નીશ્રી ડો.ભાવનાબેનનો ખાસ ઋણસ્વીકાર કરું છું. મારા સાહસોનું એ પ્રેરણાબળ છે. 

આનંદી – સુખમય ભવિષ્યની પ્રાર્થના સાથે, જય હિંદ. વંદે માતરમ!

ડો. ભરત દેસાઈ
૧૯/૦૩/૨૦૨૩
Akbar - The Great (1556 – 1605)
જલાલુદ્દીન મુહમ્મદ અકબર 

લગભગ 250 વર્ષના મુગલયુગનો ઈતિહાસ વાંચતા અકબર સૌથી મહાન હોય એવી છાપ ઊપસે તે સ્વભાવિક છે, કારણ લગભગ પચાસથી વધારે વર્ષ તેણુ રાજ કર્યું છે. અને તેણે લગભગ આખા ભારત ઉપર મુઘલ ઝંડો ફરકાવ્યો છે. 

  • જન્મ: 15-10-1542 માતા હામીદાબાનુના પેટે રાજસ્થાન અમરકોટમાં, રવિવારે સવારે
  • રાજ્યાભિષેક: 14-02-1956 પંજાબમાં ગુરૂદાસપુર જિલ્લાના કાલનૌર ગામે, 14 વર્ષની ઉંમરે
  • મૃત્યુ: 26-10-1605 (25-26 મધ્યરાત્રિ) મરડાના રોગની માંદગીને કારણે આગ્રા ખાતે

63 વર્ષ જીવેલ અકબરે લગભગ 50 વર્ષ રાજા તરીકે રાજ્ય કર્યું. તેમાં સગીર હોવાથી પહેલા ચાર વર્ષ રખેવાળ સ્વામીભક્ત અનુભવી બૈરામખાં (ખાનબાબા) હેઠળ અને બે વર્ષ મહામઆંગા દાયમાં દ્વારા સ્ત્રીયાશાસન (Petticoat Govt) રહ્યું. અકબરે, બાબરે સ્થાપેલ મુઘલ સામ્રાજ્યને અને હુમાયુએ શેરશાહ પાસે જીતીને પુન:સ્થાપિત કરેલ રાજ્યને લગભગ સંપૂર્ણ ભારત (દિલ્હી–આગ્રા–બંગાળ–સિંધ–ઓરિસ્સા–કાશ્મીર અને આસામ ઉપરાંત બલૂચિસ્તાન–કંધહાર અને કાબુલ સહિત) વિસ્તાર્યું.

અકબર માનતો “સમ્રાટે વિજયો માટે સદા તત્પર રહેવું જોઈએ, નહિતર પાડોશી રાજ્યો તેની વિરુદ્ધ શસ્ત્રો ઉઠાવે. સેનાને પણ હંમેશા યુદ્ધમાં રોકાયેલી રાખવી જોઈએ કારણ યુદ્ધોની તાલીમ વગર સૈનિકો વિલાસી અને પ્રમાદી બને છે.”

ભારતનો ઈતિહાસ (મોગલયુગ 1526–1707) (લેખક : જશુભાઈ બી. પટેલ) દ્વારા 1978માં લગભગ 700+ પાનાંના પુસ્તકમાં અકબરને 220 પાના ફાળવ્યા છે, તેમાંથી સારરૂપે અકબરની છબી મારે ટૂંકાણમાં ઉપસાવવું છે. 

ઇતિહાસના અભ્યાસીએ યુદ્ધોનો ચિતાર તો આપવો જ પડે અને રાજા દ્વારા થયેલા કાર્યોની નોંધ લેવી જ પડે અને પોતાની છાપ–સારાંશ રજૂ કરવું પડે. હું આટલું તો કરીશ જ.

ચારિત્ર્ય અને વ્યક્તિત્વ

અકબર વિષે લેખક કહે છે તે હિન્દુનું એકીકરણ કરનાર મુત્સદ્દી સમ્રાટ હતો. અક્ષરજ્ઞાનની રીતે અભણ હોવા છતાં પ્રભાવશાળી અને રૂઆબદાર હતો. તેને પરિવારપ્રેમી અને આનંદી કહી શકાય, પણ રાણીવાસમાં 500 થી વધારે સ્ત્રીઓ રાખતો હોવાથી વ્યભિચારી અને ભોગવિલાસી તો કહેવો જ પડે.

વહીવટીતંત્ર

રાજ્ય વહીવટ ‘મધ્યસ્થ’ અને ‘પ્રાંતિય’ એમ ભાગ પાડીને કરતો. મધ્યસ્થ અધિકારીઓમાં રાજા, પ્રધાનમંત્રી, દીવાન, મિરબક્ષી, અને કાઝી વિગેરેનો સમાવેશ થતો. પ્રાંતિય વહીવટ જિલ્લા–પરગણા–નગર અને ગામ એમ ઉતરતા ક્રમના એકમો દ્વારા થતો.

ન્યાયતંત્રની દંડ વ્યવસ્થા ચાર વિભાગોમાં હતી. 
  • હદ: કુરાનના નિયમો પ્રમાણે સજા જેવી કે હાથ કે પગ કાપવા, કોરડા કે પથ્થર મારવો અથવા મૃત્યુદંડ કરવો 
  • કિસાસ: બદલાની માંગણી કરાવવી – Retaliation
  • તાજીર: ન્યાયાધીશ પોતાની રીતે નક્કી કરે તે સજા
  • તશહિર: સાર્વજનિક અપમાન કે નિંદાની સજા

અકબરની હિન્દુઓ પ્રત્યે મૈત્રીપૂર્ણ નીતિ
  • 1563: યાત્રાવેરો નાબુદી 
  • 1564: જજિયાવેરો નાબુદી–ઈસ્લામ ધર્મ સ્વીકારવા ઈનકાર કરનાર હિન્દુ પાસે લેવાતો વેરો
  • 1591: ગૌવધ નિષેધ 
  • 1562: રાજ્યના વિવિધ પદો ઉપર ભેદભાવ વિના હિન્દુઓની નિમણૂંક 
  • ધાર્મિક સ્વતંત્રતા: બળજબરીથી મુસ્લિમ બનાવેલ હિન્દુઓને ફરીથી ધર્માંતરણ કરવાની છૂટ
  • સામાજિક સુધારા: સતીપ્રથા નાબુદી, બાળલગ્ન પ્રતિબંધ વિધવાવિવાહ કરાવ્યા ને ઘરડી સ્ત્રી સાથે યુવાના લગ્ન રોક્યા

સાહિત્ય

  • અકબરનામા પુસ્તકો પ્રસિદ્ધ કરાવ્યાં
  • ગ્રંથો અનુવાદિત: આઈન – એ – અકબરી – કરાવ્યાં, હિન્દી, સંસ્કૃત, ફારસી, 
  • તારીખે – એ – અલફી – સાહિત્યને પ્રોત્સાહન 
  • તનકાત – એ અકબરી 

સ્થાપત્યો
  • દિલ્હી હુમાયુનો મકબરો
  • અજમેર, આગ્રા, લાહોર, અલાહાબાદ, ખાતે કિલ્લા નિર્માણ
  • ફતેપુરસિક્રી ખાતે વિશાળ કિલ્લો ઉપરાંત 55 મીટર ઊંચાઈનો બુલંદ દરવાજો, જામા મસ્જિદ, શેખ સલિમ ચિષ્ટિનો મકબરો, જોધાબાઈ – મરિયમ શેખ અને સુલતાના મહેલ, હવામહલ, બિરબલની કોઠી જેવા અસંખ્ય નમૂનેદાર બાંધકામો

યુદ્ધો


અકબરે રાજયકાળ દરમિયાન શાંતિથી બેસવા કરતાં યુદ્ધમાં વ્યસ્ત રહી સામ્રાજ્ય વિસ્તાર વધારવાનું જરૂરી માન્યુ હોવાથી 50–60 થી વધારે યુદ્ધો લડ્યો છે. તેમાંથી થોડા યુદ્ધો હાર્યો છે, ઘણી વખત વિજયી થયો છે અને ગભરાટિયા–નમાલા રાજાઓએ વગર યુદ્ધે શરણગતિ સ્વીકારી નાલેશીભરી સંધિ સ્વીકારી છે. દિલ્હી–આગ્રા, મેવાડ, પંજાબ, ગુજરાત, બિહાર, ઓરિસ્સા, કંધહાર, કાબુલ, સિંધ, કશ્મીર,અહમદનગર, જેવા દરેક યુદ્ધોની વિગતો લખીને ફક્ત શૈક્ષણિક (academic – theoretical) ચર્ચા કરવાનું અહીં ટાળ્યું છે. હા, અકબરે વિશાળ સામ્રાજ્ય જહાંગીરને સોંપ્યું હતું, એટલુ જ જાણવું યોગ્ય છે.

દિને – ઈલાહી ધર્મ (1582) 

અકબરની વાત તેના દ્વારા સ્થાપિત ધર્મ દિને-ઈલાહી વિષે વાત ના કરીએ તો અધૂરી લાગે. બધાજ ધર્મો શીખ, હિન્દુ, ખ્રિસ્તી, જૈન, ના સારા તત્વો સમાવીને બનાવેલ નવો ધર્મ ‘સર્વેસ્વર વાદી’ હતો. ધર્મ સ્વીકારનારને અકબર અંગૂઠી જેવી સોનાની વસ્તુનું પ્રતિક ‘શસ્ત’ આપી દિને ઈલાહી ધર્મનો ‘મુરાદ’ (શિષ્ય) બનાવતો અને શરત સ્વીકારનાર ઈશ્વરની સેવામાં આધ્યાત્મિક કાર્ય કરનાર કાર્યકર્તા બનતો.

હકીકતમાં અકબર વ્યક્તિગત જીવનમાં કટ્ટર સુન્ની મુસ્લિમ રહ્યો હતો અને કોઈ પરીવર્તન કર્યું નહોતું. દાખલા તરીકે બનારસનું પ્રાચીન મંદિર તોડી તેણે મસ્જિદ બાંધવી હતી. (1572)


દિને ઈલાહી ધર્મના સિદ્ધાંતો:

  • જીવનમાં ઉદારતા અને દાનશીલતનું પાલન કરવું
  • દુષ્કર્મો કરનારને માફ કરવું
  • દુન્યવી ઇચ્છાઓથી દૂર રહેવું
  • પરલોક માટે શાશ્વત અને પુણ્ય કાર્યો સંચિત કરવા
  • કાર્યના પરિણામો ઉપર ગહન ચિંતન–મનન કરવું
  • ઉત્કૃષ્ટ કાર્યો કરવાની ઈચ્છા રાખવી
  • બધા માટે નમ્ર અવાજ, મૃદુ વ્યવહાર, ઉમદા શબ્દો, અને આનંદદાયક વાણી વાપરો
  • બિરાદરો સાથે સારો વ્યવહાર કરવો
  • પ્રભુ તરફ અભિમુખ થવું. જીવોમાંથી સંપૂર્ણ વિરક્ત થવું
  • એકેશ્વરવાદ માં વિશ્વાસ કરવું. પ્રભુપ્યારમાં આત્મા પરોવવો. પ્રભુ સાથે આત્માનું ઐક્વ સાધવું

હિન્દુ–મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈને આ ધર્મ પસંદ ન આવ્યો. વાસ્તવમાં યુગથી બસો વર્ષ આગળ હોવાને કારણે–રાજ્યાશ્રય અને જોરજુલમના અભાવે, રાજ્યવ્યાપી પ્રચારના અભાવે અને ઉદારતાને કારણે આ ધર્મ ફેલાયો નહીં અને નિષ્ફળ રહ્યો.

આમ અકબરને મહાન કહેવું કે નહીં એ વિષયને ઉપરોકત વર્ણન પછી વાચક ઉપર છોડું છું.

ધર્માંધતા–કામુકતા–અપમાનજનક વર્તન અને લૂંટફાટ તો દરેક મુઘલ રાજામાં ટેવો હતી. ભારતની હિન્દુ પ્રજામાંથી ઘણાએ ધર્માંતરણ કર્યું, ઉપરાંત ગુલામી અને જુલમો સહન કર્યા ત્યારે, આપણે ઈતિહાસમાં બોધપાઠ લઈ બળવાન – હિંમતવાન અને નિર્ભય ક્યારે બનીશું?
 



મહાન અકબર? (Akbar the great?)

અકબરના વ્યક્તિત્વના વિવિધ પાસાઓની છણાવટ બીજી દ્રષ્ટિએ જોઈએ.
  • મહાન: “અકબર શ્રેષ્ઠ” આમ અકબરનો અર્થ જ શ્રેષ્ઠ હોય તો “અકબર The great” કહેવું યોગ્ય નથી. 
  • વારસો: અકબરના પિતૃપક્ષે સાતમી પેઢી એ તૈમુરલંગ અને માતૃપક્ષે ચંગેઝ ખાનના વરસ હતા. સ્વાભાવિક છે અતિક્રૂર, રાક્ષસીપ્રકૃતિના અને વ્યભિચારીના વારસો તેવા જ હોય. અકબરને દારૂ પીવાની અને અફીણ ખાવાની કુટેવો પણ હતી. દારૂ–તાડી અને અફીણનો વ્યસની અકબર મુલાકાત આવનાર સાથે વાતચીત દરમ્યાન ઊંઘી જતો હતો. 
  • અભણ: અકબર અભણ હતો. તેને વાંચતાં – લખતાં આવડતું નહીં, પણ વિદ્વાન હોવાના ડોળ કરતો હતો. 
  • વ્યભિચારી: અકબર વ્યભિચારી હતો તેના હરમમાં 5000 થી વધારે સ્ત્રીઓ હતી. ઉમરાવ અને દરબારીઓની પત્નિઓનું કહેવાતું સન્માન કામુક્વૃતિના ભાગરૂપે હતું. બહેરામખાંની પત્નીને ભોગવવા, બહેરામખાં જેવા વડીલ માર્ગદર્શક નું ખૂન કરીને તેની પત્ની સાથે લગ્ન કર્યું હતું. માંડવખડકના શાસક બાજબહાદુરની પત્ની અને પરિવારની સ્ત્રીઓ મેળવવા કામુક અકબરે 27-04-1561 આક્રમણ કરી હરાવ્યો. રાજા ભગવનદાસના સંબંધી જયમાલને દૂર વિસ્તારની ફરજ સોંપી મારી નાખ્યો અને તેની વિધવા પત્નીનો કબ્જો કર્યો. આમ મહિલાઓ ઉપભોગનું સાધનમાત્ર હતી. ઇન્દ્રિય લોલુપ અકબર યુદ્ધમાં હારેલા રાજાને તેની સ્ત્રીઓ, પત્ની – દીકરી, કે બહેન ને પોતાને સોંપવા ફરજ પાડતો. અકબર પોતાના રાજ્યને જનનખાનું માનતો હતો. આક્રમણ પછી હારેલા રાજાની પત્ની અને બીજી સારી દેખાતી સ્ત્રીઓથી પોતાનું જનનખાનું ભરી દેતો. સંધિ દ્વારા કે બળજબરીથી સ્ત્રીઓને પોતાને આધીન કરતો. જયપુરના રાજા ભારમેલના ત્રણ ભત્રીજાઓને રાજકુમારી આપવાની શરતે છોડ્યા હતા. 
  • ક્રૂરતા: શત્રુ ઉપર ક્રૂરતા પૂર્વક નિર્દયી રીતે પ્રહાર કરનાર 1565 ગ્વાલિયરમાં કાકા કામરાનના પુત્રને અકબરે જાતે મારી નાખ્યો. 1556માં 14 વર્ષના અકબરેપાણીપતના યુદ્ધ પછી અર્ધબેભાન હેમુનું ગર્દન પર તલવારથી ખૂન કર્યું ત્યાર પછી તેના વૃદ્ધપિતા અને કુટુંબીઓની હત્યા કરી ખોપરીનો સ્તંભ બનાવ્યો. મોહમ્મદ મીરક જેવા અંગત માણસને પાંચ દિવસ ભયંકર ત્રાસ આપીને માર્યો. ચિતોરગઢ વિજય બાદ કીલ્લામાં રહેલા લશ્કર અને પ્રજાજનોને નિર્દયી અને ક્રૂર રીતે માર્યા. કત્લેઆમના આદેશને કારણે 30,000 લોકો મરી ગયા. 1572માં  અમદાવાદનાં શાસક મુઝફરશાહને હરાવ્યા બાદ હાથીના પગતળે ચકદિને મરાવ્યા. વિરોધ કરનાર અકબરનો સગો મસુદહુસેન મિર્ઝાની આંખો સોયથી સિવિ દીધી. અમદાવાદ યુદ્ધના 2000 વિદ્રોહીઓને મારીને તેમની ખોપરીનો સ્તૂપ બનાવ્યો. હાથ કાપવાની સજા અને કોરડા મારવાની સજા અવારનવાર કરતો. મૃત્યુદંડ સુળીએ લટકાવીને હાથીના પગતળે દબાવીને કે ગર્દન તલવારથી કાપીનેક્રુરતથી આપતો. 
  • મૂર્તિભંજક: ચિત્તોડમાં એકલિંગજી (રાજપુતોના પિતૃદેવ) મહાદેવની મુર્તિ તોડી અને ત્યાં કુરાન વાંચવાનું આસન બાનવ્યું.
  • ધાર્મિકતાનો દંભ: અકબર પોતાને સર્વોચ્ચ લૌકિક તથા આધ્યાત્મિક સત્તામાનતો હતો. તેથી બીજા કોઈ તરફ સન્માન કે પૂજ્યભાવ બતાવવાનો વિરોધી હતો. “દિને – ઈલાહી” ધર્મની સ્થાપના પોતાની સત્તા બીજા ધર્મો પર અને લોકો પર પ્રદર્શિત કરવાની એકમાત્ર ચાલ હતી. અકબર પોતાને જ અલ્લાહ – ભગવાન માનતો. તેથી ‘અલ્લા–હો–અકબર’ = ઈશ્વર શક્તિમાન છે – બોલવાની મનાઈ ફરમાવી હતી. આવા મિથ્યાભિમાની અને નિરંકુશ અકબર દ્વારા સ્થાપેલાં “દિને – ઈલાહી” બધી રીતે નિષ્ફળ રહ્યો અને પોતાને ભગવાન બનાવવાની યોજના હાસ્યાસ્પદ રીતે નિષ્ફળ નીવડી.
  • દુકાળ: 1555-56માં દિલ્હી ખાતે અને 1573-74માં ગુજરાત ખાતે ભયંકર દુકાળ પડ્યો હતો. ત્યાર પછી રોગચાળો ફેલાયો હતો. માણસો, માણસોને મારીને ખાતા હતા. લોકો પ્રદેશ છોડીને બીજે ભાગતા હતા. અકબર દુકાળમાં મદદરૂપ થયો ન હતો. 
  • ગુલામ: રુસી, અંગ્રેજ સહિત વિભિન્ન રાષ્ટ્રના અસંખ્ય લોકોને પોતાના ગુલામ તરીકે રાખતો હતો.
  • સર્વનાશ: અકબરે પ્રયાગ (અલહાબાદ) અને કાશી (બનારસ) ખાતે આખા શહેરોનો નાશ કરાવ્યો હતો અને એકદમ ઉજ્જડ બનાવ્યા હતા. 
  • વિદ્રોહ: અકબરના વિચિત્ર સ્વભાવથી ત્રાસેલા તેના સગાઓએ જેવા કે, બૈરામખાં, ખાનજમન, આસફ્ખાં (નાણાં મંત્રી), શાહ મન્સૂર તથા મિર્ઝા, ઘૃણા પૂર્વક અકબર વિરુદ્ધ વિદ્રોહ કર્યો હતો. 

આમ, અકબર સૌથી વધુ તિરસ્કારને લાયક વ્યક્તિ હતો. અકબર મહાન તો કઈ રીતે ન હતો ફકત નિંદનીય, ક્રૂર, પાપી હતો. 

અનુસંધાન: Some Blunders of Indian Historical Research by P N Oak (2010)
અનુવાદ: ‘ભારતીય ઈતિહાસની ભયંકર ભૂલો’ લે. પુરુષોત્તમ નાગેશ ઓક

અકબર વિષયક ઈતિહાસના બે પુસ્તકો વાંચી લખેલા બે લેખો આપની વિચારશીલતા અને સત્ય સમજવાની શક્તિ ઝંઝોળવા માટે છે. કારણ કે ઈતિહાસના અભ્યાસીએ પોતાની વિવેકબુદ્ધિ તીક્ષ્ણ રાખવું ફરજિયાત છે. ઈતિહાસલેખકો તદ્દન જુટ્ઠી માહિતીથી કોઈને મહાન–કે– કોઈને નાલાયક ચીતરી શકે છે. 75 વર્ષની આસપાસ ઉમરના વ્યક્તિઓએ પોતે ભારતની આઝાદી, 1962 ચીનનું યુદ્ધ, 1965 પાકિસ્તાન યુદ્ધ,1971 બાંગ્લાદેશ વિજય, 1975 કટોકટી, 1985 દિલ્હી શીખ હત્યાઓ, 1992 બાબરી મસ્જિદ, અને 2002 ગોધરા ટ્રેન કાંડ, આ ઈતિહાસ જોયો છે તેઓ ઈતિહાસના સાક્ષી છે ત્યારે આ બાબતે ઈતિહાસના પુસ્તકોમાં જૂઠાણું અને અર્ધ સત્ય વાંચવા છતાં તેઓ મૌન રહે છે અને તેથી વિકૃત ઈતિહાસ સ્થાપિત થઈ રહે છે. 

સમાજનો મોટોભાગ ‘બહુક્ષૃત’ સાંભળનાર બનીને અટકી ગયો છે. અધોગતિને પંથે લઈ જઈ સર્વનાશ કરનાર બળોનો વિરોધ કરતો નથી. અધ્યયનશીલ બની સક્રિય રચનાત્મક પુરૂષાર્થની અપેક્ષા તદ્દન અસ્થાને છે. ત્યારે ઈતિહાસ વિવેચન કે ઈતિહાસ લેખન તો બહુ દૂર ની વાત છે. 


સત્ય સક્રિયતા માંગે છે. 
નહીં તો અકબર મહાન જ છે.


ડો. ભરત દેસાઈ
બીલીમોરા
શ્રી પરિમલ પટેલનું પોતાની ૮૦ વર્ષની ઉજવણી પ્રસંગે પ્રવચન

સ્નેહી-સ્વજનો,
મહાન સૃષ્ટિના સર્જનહાર,
સનાતન પરમકૃપાળુ, ઈશ્વરપિતા,
ત્રિએક પરમેશ્વર,
બાપ, પુત્ર, અને પવિત્ર-આત્માનો આભાર માનતા અને માનતા,
સ્તુતિની આરાધના કરતાં કરતાં, 
આનંદ અને આનંદ,
ખુશી જ ખુશી અનુભવતા પરિમલ પટેલ અને પરિવાર આપ સૌ આત્મીય જનોનું સ્વાગત કરતાં આનંદની લાગણી અનુભવું છું.

અનાદિકાળથી,
સનાતન પિતા અને શાંતિના સરદાર પરમેશ્વર પરમાત્માએ, 
અહીં, ઉપસ્થિત તમામ વ્યક્તિ વિશેષને સામાજિક અને નૈતિક, ભૌતિક અને આર્થિક, 
તથા
તેથી પણ સૌથી વિશેષ, આધ્યાત્મિકક્ષેત્રે પવિત્ર આતમાથી ભરપૂર અનંત કાલીન સ્વર્ગીય (મોક્ષ) સુખના વારસદાર બનાવી તેમના ભર્યાપુર ભંડારમાંથી નીત-નવીન વિવિધ તાલંતોના આશીર્વાદની વૃષ્ટિ વરસાવી છે.

આથી જ આપણને મળેલા અન્યોન્ય તાલંતોનો સાચા અર્થમાં સારા કામો કરીએ, જેથી આપણાં બધાના ઉત્પન્નકર્તા અને તારણહાર-ઉત્પન્નકર્તાને – માન મહિમા અને ગૌરવ મળે એજ મારી અભિલાષા અને અંત:કરણની મારી પ્રાર્થના. 
આમેન... આમેન... અર્થાત તથાસ્તુ. 

મારી પ્રભુ-પરમાત્મા-ઈશ્વર પરના વિશ્વાસની મુસાફરીમાં અનેકવાર પડી ગયો - થાકી ગયો. તારણહારના આશીર્વાદોથી ઊભો થયો-હિંમતથી ઊભો થયો અને સર્વશક્તિમાન જેને મેં જોયો નથી પણ અનુભવ્યા છે તેની કૃપાથી તમારી સમક્ષ ઊભો છું. 

મારા માતા-પિતાની શિખામણ પ્રમાણે બાયબલના જૂના કરાર અને ત્યાર પછી પ્રભુ-ઈસુ ખ્રિસ્ત દ્વારા પ્રેરિત નવા કરારને અનુસરી મારૂ જીવન વિતાવી રહ્યો છું. કોઈક તજજ્ઞે લખ્યું છે:

Behind every successful man stands a woman telling him that you are wrong.

મારા જીવનની કોઈ પણ અર્થાત તમામ સફળતાનો યશ મારી સ્વ. માતાશ્રી અને ત્યાર પછી મારી વહાલી પત્ની ડોલીને જાય છે.




આજે મારા પરિવારના વટવૃક્ષને તમામ ક્ષેત્રે પોષણ આપનાર અમારા - મારા અને મારી વહાલી પત્નીના માતા અને પિતા, માસા અને માસી, અમારા તમામ ભાઈઓ અને બહેનો સરકારી પરિવાર અમદાવાદ અને વલસાડના સોલંકી પરીવાર તથા શાહ પરિવાર છે. 

ત્યાર પછી સમયાંતરે વડીલો અને મિત્રો 
- સ્વ. શિવાજી રાવ 
- સ્વ. મધુભાઈ મિસ્ત્રી 
- સ્વ. નાનુભાઈ દેસાઈ 
- સ્વ. પ્રમોદભાઈ પટેલ વગેરે  

વળી વડીલોમાં મુખ્યત્વે સર્વશ્રી કમુબેન લાકડાવાળા અને ડોલીબેન વાસણીયા વગેરે,

તદુપરાંત, તમામ સ્થાનિક, જિલ્લા તથા અમદાવાદની કોર્ટના કેશો દરમિયાન ચટ્ટાનની જેમ-આજે પણ ઊભા રહેનાર વી. વકીલ શ્રી અનિલભાઈ (ક્રિશ્ચિયન) સુરત, શ્રી હલદીવાલા, શ્રી ભાવિનભાઈ તથા શ્રીમતી મારથા હતા, છે, અને રહેશે. 

અને, તમામ ક્ષેત્રે સર્વશ્રી દિલીપભાઈ, દમયંતિબેન, અજીતભાઈ દીક્ષિત, સ્મિતાબેન, ચંદ્ર્ભાન ગુપ્તા, શશિ મિસ્ત્રી, અનિશ મેમન વગેરે...

અને......અને.... વ્યક્તિ વિશેષ ડો. ભાવનાબેન, ડો. ભરતભાઈ દેસાઈ તથા જાલનગર સોસાયટીના પ્રમુખશ્રી હર્ષદભાઈ દેસાઈ તથા અન્ય નામી-અનામી વ્યક્તિઓ તમામ આપ સૌ આ પ્રસંગે ઉપસ્થિત થયા માટે આપ સૌના આભાર....આભાર. 

જય હિન્દ.   જય ભારત.

આભાર દર્શન - પુત્રી શીતલ સોલંકી

મારા પાપા પરિમલ ૮૦ વર્ષ પૂરા ૮૧ વર્ષમાં પ્રવેશે છે તે નિમિત્તે આ આયોજન છે. સૌ પહેલા પિતા પરમેશ્વરને માન, મહિમા અને ગૌરવ મળે માટે મારા મમ્મી ડોલીબેન બાઈબલમાં થી ઈશ્વરના વચનો વાંચશે; જેનો મુખયાંશ છે :

“હું અને મારા ઘરના તો ઈશ્વરની જ સેવા કરીશું, કારણ કે તે પેઢી દર પેઢી અમારો આશ્રય તહયો છે, તે માટે પ્રભુના સ્ત્રોતો ગાવાં તે સારું છે.”

બાઈબલ વાંચન પછી ગીતો/સ્ત્રોત્રો ગાવામાં આવ્યા જેના શબ્દો હતા: 
  1. આશીર્વાદો ઘણા મળે નિત નિત માટે આભાર માનતા ગાઓ હોશથી ગીત, શક્તિ બુદ્ધિ સમજણ પ્રભુએ આપી; સાંભળે છે તમને શાંતિમાં સ્થાયી, આશીર્વાદો મળ્યા તમને સાંભળીને ગણો એક એકને પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજયલ બહુ લાગશે, થશે મન ખુશી વગેરે.
  2. ખુશી ખુશી માનવ, ખુશી ખુશી બુલાવ બોલો બોલો સહિયાકિ જય,જય,જય... વેગેરે સંક્ષિપ્તમાં 



દીકરી શીતલ દ્વારા પરિચય

મારા પપ્પા, strict પપ્પા, અમારું ખોટું ચલાવી ન લે. આટલા મોટા થઈ ગયા મારે પણ બાળકો છે તેમનું પણ ખોટું ચલાવી ન લે. પપ્પાનું આ વાક્યને હું હંમેશા યાદ રાખીશ, ને એ છે “દીકરી કોઇનું સારું ન થાય તો ના કરીશ પણ ખરાબ ન કરીશ” આ શિખામણને જીવનભર નિભાવીશ. 

પપ્પાએ તો અમને ભણાવ્યા, મારા બાળકોને પણ ભણાવ્યા. નિર્મલના બાળકોને પણ ભણાવે છે અને ભણાવશે. અને તમે જાણતા હશો કે તમારા બાળકોને કે તમને પણ ગમે ત્યારે ભણવામાં કે ભણાવવામાં સહાયરૂપ થઈ પ્રેરણા આપી હશે : “ચલ દીકરા બરાબર ભણે છે ને, ભણશે તો તું આગળ વધશે કાઇપણ જરૂર પડે તો મને કહેજે.”

અમારા માટે ઘરનું કે બહારનું કોઈપણ કામ હોય, હંમેશા પપ્પા અમારી પાસે જ રહ્યા છે. શિખામણ આપવાની હોય તો પણ મારી અને નિર્મલની સાથે અને અમોને એકલા અટુલા ન પાડવા દઈ અમોને સપોર્ટ કરતાં હતા, કરે છે અને કરતાં રહેશે એની મને ખાત્રી છે.

મારા પપ્પાની નીતિ દૂરંદેશી છે. આ આયોજન, અમે તો થોડુક જ કર્યું છે, બીજું બધે જે જુઓ છો તે પપ્પાએ કર્યું છે. પ્રભુનો ખૂબ આભાર માનું છું. હું પપ્પાને કહું છું તમરી ઉંમરની હું થઈશ ત્યારે ચાલી શકીશ કે કેમ?

અહીં હાજર બધાં જ તમો જોતાં હશો, મારા પપ્પા બધુજ કામ સરસ અને વ્યવસ્થિત કરે છે. પ્રભુનો આભાર, તેઓ પોતાનું કામ તો કરેજ પણ બીજાને હંમેશા મદદરૂપ થાય છે.

મારી આપ સૌને એક જ વિનંતી કે મારા પપ્પા અને મમ્મીને તમારી પ્રાર્થનામાં ધરી રાખશો અને ફરી પપ્પાને આ સમયે જન્મદિનની શુભેચ્છા પાઠવું છું. અને દીકરી બાપને આલિંગન આપે છે.

વ્યક્તિ ૮૦ વર્ષ પુરા કર્યા પછી કેવા વિચારો ધરાવે છે તેનો અરીસો બતાવતો આ લેખ વાંચવાથી ધન્ય ન થવાય તો જ નવાઈ.
ધર્મ બાબતે સૌ નાગરિકો ખાસ સંવેદનશીલ હોય છે અને પોતાના ધર્મની ગરિમા જળવાય રહે તે માટે ખાસ સક્રિય હોય છે. તેથી પોતાના ધર્મની મહાનતા સિદ્ધ કરવા તત્પર અને સક્રિય રીતે પ્રયત્નશીલ હોય છે. એટલે ઈસ્લામ – ખ્રિસ્તી – જરથોસ્તી કે હિન્દુ ધર્મની કોઈ સરખામણી શક્ય નથી. દરેક ધર્મ પોતાની રીતે અને પોતાની માન્યતા મુજબ મહાન છે.

હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવનાર ગુજરાતમાં બહુમતી ધરાવે છે - ત્યારે તકલીફ સૌ હિન્દુઓની એકતાનો અભાવ છે. ઘણા બધા ભગવાનો શિવ - માતાઓ (અંબિકા, ઉમિયા, ચામુંડા, સરસ્વતી, લક્ષ્મી, વિગેરે) - શ્રી ક્રુષ્ણ - રાધા, શ્રી રામ - સીતા છે. રામાયણ, ચાર વેદો, મહાભારત, ભગવદ્દગીતા જેવા ધર્મગ્રંથો છે. આથી દરેકમાંથી કોઈ એક ભગવાન કે કોઈ એક ધર્મગ્રંથ પ્રત્યે વધારે આસ્થા હોવાથી એકરૂપતા નથી. આ બાબતે સૌએ સાથે મળીને સક્રિય બની એકતા લાવવી અનિવાર્ય છે. આ અશક્ય નથી.

હિન્દુઓ બુદ્ધિશાળી અને વિચારશીલ હોવાથી પોતે ધર્મનો અર્થ સમજી અને પોતાની રીતે ધાર્મિક જીવન જીવવા સક્ષમ હોવા છતાં વિવિધ વિચારશરણી અને આચાર શીખવતા ગુરુઓનું અનુસરણ કરવાની તેમને વધારે ફાવટ છે. એટલે ધર્મગુરૂઓ પોતાનો રસ્તો માનતા ઘણાબધા લોકોને ભેગા કરી વિશિષ્ટ આચરણ-માન્યતાઓ વાળો એક વિશાળ સંપ્રદાય બનાવે છે.

શ્રી રામ શર્મા પ્રેરિત ગાયત્રી પરિવાર, શ્રી દયાનંદ સરસ્વતી દ્વારા સ્થાપિત આર્યસમાજ, શ્રી પાંડુરંગ આઠવલેનો સ્વાધ્યાય પરિવાર, શ્રી શ્રી રવિશંકર દ્વારા ચલાવાતો “આર્ટ ઓફ લિવિંગ” (Art of Living), સત્ય સાંઈ બાબા પરિવાર, શિવબાળા સ્થાપિત પ્રજાપિતા બ્રહમાકુમારી પરિવાર, હરે રામ હરે ક્રુષ્ણ (ISKCON) ઇસ્કોન માર્ગ જેવા અહીં આપેલ અસંખ્ય વિચાર પ્રવાહો ગુજરાતમાં સક્રિય રીતે ચાલે છે.

૧. ગુજરાતમાં વિવિધ ધર્મો:
  1. હિન્દુ ધર્મ: સનાતન ધર્મ (વૈદિક ધર્મ)
    • જૈન: શ્વેતાંબર , દિગંબર , સ્થાનકવાસી , વિસા પંથી , તેરા પંથી
    • બૌદ્ધ ધર્મ : હીનયાન, મહાયાન
    • શીખ ધર્મ
  2. ઈસ્લામ: સુન્ની, શિયા, વહોરા, પિરાણા (હિન્દુ મુસ્લિમ મિશ્ર)
  3. ખ્રિસ્તી ધર્મ: કેથલિક , પ્રોટેસ્ટંટ
  4. જરથોસ્તી ધર્મ
  5. બહાઈ ધર્મ - જગતમાં એકજ ધર્મ છે અને જગતમાં એક જ ઈશ્વર છે.

Photo Courtesy: ndtv.com

૨. હિન્દુ ધર્મના તેંત્રિસ કોટીમાંથી મુખ્ય ભગવાનો:
  • શિવ: 12 જ્યોતિલિંગો - શિવ – પાર્વતિ
  • શક્તિ માતા: અંબિકા, ઉમિયા, ભદ્રકાલી, ખોડિયાર, હરસિદ્ધ, ચામુંડા, સરસ્વતી, કમલા
  • શ્રી રામ-સીતા
  • શ્રી કૃષ્ણ-રાધા

૩. ગુજરાતમાં ચાલતા સંપ્રદાયો:

  • વૈષ્ણવ – શ્રી કૃષ્ણ ભક્ત
  • પુષ્ટિ માર્ગ – શ્રી કૃષ્ણ
  • સ્વામિ નારાયણ સંપ્રદાય
  • રાધા સ્વામી
  • શ્રી રામ શર્મા – ગાયત્રી પરિવાર
  • સંતોષી મા
  • દશા મા
  • સ્માર્ત સંપ્રદાય – શિવ ભક્તિ
  • (નાના-મોટાના ભેદભાવ વગર સૌને પ્રણામ કરતો) શ્રી ક્રુષ્ણ પ્રણામી સંપ્રદાય
  • આર્ટ ઓફ લિવિંગ - શ્રી શ્રી રવિશંકર
  • શ્રી રંગ અવધૂત પરિવાર
  • કુબેર પંથ - સારસા ઉપરાંત ડેરા મંદિરો
  • રામદેવ પીર - રેણુજા
  • સત્ય સાઈ બાબા
  • આર્ય સમાજ - સ્વામી દયાનંદ સરસ્વતી
  • ઓશો – રજનીશ

  • આનંદમયી મા સંઘ
  • શ્રી અરવિંદ કેન્દ્રો
  • ચિન્મયાનંદ મિશન
  • સદ્વિચાર પરિવાર - સંત પુનિત મહારાજ
  • સ્વાધ્યાય મંડળ - પાંડુરંગ આઠવલે
  • અક્રમ વિજ્ઞાન - દાદા ભગવાન
  • કબીર પંથ - સંત કબીર
  • ISKCON
  • રામકૃષ્ણ મિશન
  • દિવ્યજીવન સંઘ – શિવાનંદ
  • રાધા વલ્લભ સંપ્રદાય
  • ઉદાસી સંપ્રદાય
  • પૂજ્ય મોટાની સંસ્થા
  • શિરડી - સાઈ બાબા
  • બ્રહ્મો સમાજ
  • પ્રજાપિતા બ્રહ્મા કુમારી
  • અહીં આ ધાર્મિક પ્રવુતિની માહિતી આપી ટીકા કરવાનો કોઈ ઉપક્રમ નથી. પરંતુ આવા માર્ગે જવાથી હિન્દુ એકતા જોખમાય છે એવું લાગે છે. આસ્તિક અને નાસ્તિક વર્ગીકરણ પ્રમાણે આ વર્ગ આસ્તિક જ ગણાય છે - પણ દરેક ફાંટામાં માનનાર વિશાળવર્ગ પોતાની મહાનતા સ્થાપિત કરવાના કારણે કદાચ બીજી વિચારશરણી ધરાવતા વર્ગોથી જુદો પડે છે.

    “વિવિધતામાં એકતા” સૂત્ર ખોટું નથી – છેલ્લે તો આ બધા હિન્દુઓ જ છે એમ કહેવું અર્ધસત્ય છે. શ્રી શ્રી રવિશંકર, શ્રી અરવિંદ, શ્રી રામ શર્મા કે સત્ય સાઈ બાબા જેવા ઘણા બધા વિચારકોના શિષ્યો વેશભૂષા–આચરણ–ધાર્મિક વલણો અને ઉત્સવો જુદી–જુદી રીતે ઉજવે છે. આમ કદાચ ધર્મમાં વિવિધ ફાંટા–ભાગલા પડે છે.

    ભગવાને દરેક મનુષ્યને બુધ્ધિ શક્તિ, વિવેક અને વિચાર સાથે મોકલ્યો છે. ત્યારે પોતાનો જીવનમાર્ગ જાતે જ નક્કી કરી શકાય અને તે માટે ગુરૂ બનાવવું કે ખોટા વિધિવિધાન જરૂરી નથી.

    આ ખોટી ઘેલછા નથી તો શું? શ્રધ્ધાળુઓ, ભક્તો, આસ્તિકોનું ઝૂંડ દલીલ, શંકા, ટીકા, સવાલ વગર, આંખ બંધ કરી, બુધ્ધિ બંધ કરી ગુરૂ જે કહે તે સ્વીકારવા તૈયાર હોય તો ધર્મોના વેપારીઓ ન વધે તો શું?
    રાષ્ટ્રભક્તિ કે દેશપ્રેમ માટે જરૂરી એકતા ન જોખમાય એવું કઈ “સર્વસ્વીકાર્ય” ધાર્મિક સરખું (Uniform) વલણ જરૂરી નથી શું?


    ડો. ભરત દેસાઈ
    દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
    Newer Posts Older Posts Home

    POPULAR THIS WEEK

    • પવિત્ર કુરાન - સારાંશ
      દરેક ધર્મના સિદ્ધાંતો બાબતે માર્ગદર્શન અને માહિતી આપતું સર્વમાન્ય પુસ્તક હોય છે. હિન્દુ ધર્મમાં મહાભારત – ભગવદગીતા અને રામાયણ છે, તો ખ્રિસ્ત...
    • સીમંત - સીમંતોન્નયન સંસ્કાર
      હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું ...
    • અનાવિલ સમાજ અને લગ્નો
      લગ્નની ઈચ્છા ધરાવનાર અનાવિલ, લગ્ન કરવામાં કેમ સફળ થતાં નથી? એ વિષે મનોમંથન કરીએ. બધી રીતે યોગ્ય ઉમેદવારો લગ્નની પરીક્ષામાં કેમ ઝળહળતી સફળતા ...
    • [Video]: વરિષ્ઠ નાગરિકનું જીવન દર્શન
      સિનિયર સિટીઝન ટ્રસ્ટ વિજલપોરની 15મી વાર્ષિક સભાના અવસરે દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના પ્રમુખ ર્ડો ભરતચંદ્ર દેસાઇનું પ્રવચન (નવસારી કૃષિ ...
    • શાંતિપર્વ: બીજી ભગવદ્દ ગીતા
      યુધિષ્ઠિર કુરુક્ષેત્રના યુદ્ધમાં વિજયી થવા છતાં પોતે કુળનો નાશ કરાવ્યો હોવાનું અને સગા સંબંધીઓની હત્યા કરાવી હોવાથી મનોમંથન અનુભવે છે અને જી...
    • લગ્નજીવનની સમસ્યાઓ: કારણો, અસર અને મારા ઉપાયો
      છૂટાછેડા (Divorce) : છૂટાછેડા એટલે કાનુની રીતે થયેલ લગ્નનો અંત (Divorce is the termination of a legal marriage) Without marriage, there i...
    • વારસદાર (Legal Heir)
      હિન્દુ વસિયતનામું લખ્યા/બનાવ્યા સિવાયના, હિન્દુ મૃતકના વારસદારો નીચે મુજબ ગણાશે. હિન્દુ પુરુષ મૃતક   CLASS-I LEGAL HEIRS:  પુત્ર / પુત્રી વિ...
    • Anavils - An Endangered Community
      After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around t...
    • મૃત્યુનું મનોમંથન
      ભારત માં જન્મને શુભ અને મૃત્યુ ને અશુભ કહ્યું છે. હકીકતમાં જ્ન્મ-મૃત્યુ બન્ને એક સિક્કાની બે બાજુઓ છે જે બન્ને પરસ્પર જોડાયેલા છે. મૃત્યુની ...
    • Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai
      One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-writ...

    Categories

    addiction 7 ahmedabad 3 anavil 19 art 2 bangalore 2 behavior 8 biography 14 birthday 1 blindness 3 blogging 3 body 4 book 35 buddhism 4 camera 2 career 4 cataract 1 change 1 charity 1 childhood 3 children 25 china 1 christianity 5 city 4 cleanliness 1 commitment 1 communication 4 community 4 computer 4 conflict 1 courtesy 2 crime 1 culture 16 cyber world 3 daughters 6 death 16 dedication 1 devotion 1 diet 1 doctor 8 education 10 emotions 8 english 1 environment 1 ethics 1 exercise 3 expectations 3 eye 10 eye-bank 3 eye-care 9 eye-donation 5 facebook 12 family 42 Featured 1 festival 1 fiction 3 finance 4 fitness 6 food 3 formality 2 friendship 17 gadgets 3 God 6 gujarat 23 habit 7 happiness 4 hatred 1 health 16 help 1 hinduism 30 history 26 hospital 1 hospitality 1 human-eye 5 humanity 2 husband 1 india 36 inheritance 2 inspirational 1 internet 3 islam 5 jainism 1 japan 2 jealousy 1 karma 3 kashmir 1 language 2 law 3 legal 3 library 1 life 53 lifestyle 8 literature 4 loneliness 1 love 10 luck 2 manners 4 marriage 19 medical 7 meditation 6 mental 1 mind 23 money 10 mother 6 movie 1 mumbai 1 mythology 2 nationalism 2 nature 3 nostalgia 1 novel 2 old-age 21 opinion 3 pakistan 9 parents 27 Parsi 1 partition 1 parvati 1 patient 2 people 74 philosophy 1 photography 2 politics 6 power 3 prejudice 1 privacy 2 professionalism 4 pune 1 reading 3 relations 22 religion 34 respect 2 retirement 2 review 30 rituals 7 safety 3 school 1 security 2 service 3 shiva 4 sleep 1 social media 19 society 53 speech 11 spiritual 13 stress 5 success 1 taoism 2 technology 6 television 1 terrorism 1 testament 1 tradition 1 travel 17 twitter 2 unique 1 video 8 wedding 5 wife 4 will 1 women 6 work 5 writing 1 yoga 4 youth 3 ગુજરાતી 80
    Powered by Blogger

    ABOUT THE AUTHOR

    An ophthalmologist by qualification and profession, Dr. Bharatchandra Desai loves reading about history, religion, and spirituality. He has written about them and also about 'Anavils' at length.

    ABOUT THE BLOG

    When I started writing on my blog, I used to ask myself if I should write at all. If yes, why? I would like to share my views on this topic with you.
    I write for myself. This may sound egoistic, but it is self-explanatory as well. Because I want freedom from my thought cycle, I get mental catharsis by just writing out whatever it is. While having some serious events with myself, say the death of my mother first and then father, writing down makes a record of my emotions at a given time which I’m never going to repeat.
    I do write for my daughter Vaishali, son Rahul and their friends. I want to tell my experiences and let them know about me. I have done this in Life At 60 article series – it is my mini-autobiography, telling all about me. Article on Marriage, Parents in old-age homes, etc. are other such articles.

    SUBSCRIBE & FOLLOW

    Copyright © Dr. Bharat Desai's Blog. Designed by OddThemes