જીવનનું રહસ્ય

માનવજીવન સંઘર્ષપૂર્ણ છે. તે શા માટે?

માનવ જીવનનું રહસ્ય જાણવાના પ્રયત્નો આદિ માનવથી આજના AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) સુધીના દરેકે જિજ્ઞાસાપૂર્વક કર્યા છે. તે પછી આપણા પ્રાચીન ઋષિ-મુનિઓ હોય, સિદ્ધાર્થ - ગૌતમ બુદ્ધ હોય, શત્રુઓને જીતીને પૂર્ણજ્ઞાન મેળવતા જિનેશ્વર હોય કે તીર્થંકર હોય.


પાશ્ચાત્ય દાર્શનિકો જેમ કે ગ્રીસમાં સોક્રેટિસ, ચીનમાં લાઓ ત્સે તુંગ અને કન્ફ્યુશિયસ, મેસેડોનિયાના એરિસ્ટોટલ અને પ્લેટો, ઈસ્લામના સ્થાપક મહંમદ પયગંબર અને ખ્રિસ્તી ધર્મના પ્રચારક ઈશુ ખ્રિસ્ત - સર્વેએ પરમ સત્યની શોધ કરવાનો સહિયારો પ્રયાસ કર્યો.

અસત્યો માંહેથી, પ્રભુ પરમ સત્યે તું લઈ જા; 
ઊંડા અંધારેથી, પ્રભુ પરમ તેજે તું લઈ જા. 

છેલ્લે સત્ય શું મેળવ્યું?

ચાલો, ત્રણેક ફાંટાઓનો પ્રાથમિક પરિચય મેળવી - સ્વયં પ્રકાશિત બનીએ.


બૌદ્ધ દર્શન

દુખમ્ સર્વમ્

દુખમ્ સર્વમ્

દુખમ્ સર્વમ્


જી હા, જગત દુઃખોથી ભરેલું છે.

રોગ - વૃદ્ધાવસ્થા - ક્લેશ અને મૃત્યુ જોયા પછી ભગવાન બુદ્ધને લાગ્યું - આ તો સર્વત્ર દુઃખ જ છે. દુઃખોની આ શ્રૃંખલાને તેમણે ભયાનક કહ્યું. આ દુઃખને દૂર કરવાનો માર્ગ શોધવા તેઓ વૈરાગ્ય ધારણ કરી પુત્ર-પત્ની, રાજમહેલના સુખ-વૈભવનો ત્યાગ કરી સત્ય-જ્ઞાનની શોધમાં નીકળી પડ્યા. તેમને જ્ઞાન થયું. પ્રબુદ્ધ થયા.


૧) પ્રતીત્ય સમુત્પાદ – સંસારની બધી ઘટનાઓ પાછળ કોઈ કારણ અવશ્ય હોય છે. કાર્યકરણનો આ અટલ નિયમ સ્વયં સંચાલિત છે.

૨) ક્ષણિકવાદ – પ્રત્યેક ઘટના માત્ર એક ક્ષણ માટે અસ્તિત્વમાં આવીને નષ્ટ થઈ જાય છે અને બીજી ઘટનાને ઉત્પન્ન કરતી જાય છે.

૩) મધ્યમમાર્ગ – અતિશય કામોપભોગ કે અતિ દેહદમન નકામું છે.



અષ્ટાંગ માર્ગ: સાચો જીવન માર્ગ

૧) સમ્યક દ્રષ્ટિ : સાચી સમજ

૨) સમ્યક સંકલ્પ : શુભ કાર્યોનો નિશ્ચય

૩) સમ્યક કર્મ : સારા કર્મો કરવાં

૪) સમ્યક આજીવિકા : પરસેવો પાડી જીવન માટે ધન પેદા કરવું

૫) સમ્યક વાણી : સારું બોલવું - જૂઠું બોલવું નહીં - નિંદા ન કરવી

૬) સમ્યક પ્રયત્ન : બુરાઈ ત્યજવી, સારા કર્મોમાં મગ્ન રહેવું

૭) સમ્યક સ્મૃતિ : ખરાબ કાર્યોનું ભાન રાખવું

૮) સમ્યક સમાધિ : ચિત્તની એકાગ્રતા


બુદ્ધ ધર્મનું સૂત્ર છે – 

બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ

ધમ્મમ્ શરણમ્ ગચ્છામિ

સંઘમ્ શરણમ્ ગચ્છામિ


બુદ્ધને, ધર્મને અને સંઘને શરણે હું જાઉં છું.


તાઓ ધર્મ

ચીનમાં ત્રણ ધર્મો ચાલે છે — કન્ફયુશિયસ, તાઓ અને બુદ્ધ.

ચીનના 'ચૂ રાજ્યના કુ' પ્રાંતમાં ઈ. પૂ. ૬૦૪ માં તાઓ ધર્મના સ્થાપક લાઓત્સે જન્મ્યા હતા.

તાઓ એટલે સ્વર્ગનો માર્ગ — અમર આત્મા.

તાઓ ધર્મના મુખ્ય સિદ્ધાંતો: 

  • સાદાઈ - Simplicity 
  • અકર્મણ્યતા - Inaction 
  • સંવાદિતા - Harmony 
  • મુક્ત કરો - Let go


સાદાઈપૂર્ણ જીવન જીવવાથી, અપેક્ષાઓ અને જરૂરિયાત ઘટાડવાથી ઘણા પ્રશ્નો ઉદભવતા જ નથી.

Wabi-Sabi એટલે અપૂર્ણતા - અસ્થાયીપણું અને સાદાઈનો સ્વીકાર.

લાઓત્સે કહે છે - 

૧) "જો દાવો કરો તો દાવો નામંજૂર થઈ શકે. જો માંગો તો ન મળે. પણ દાવો જ ન કરો, માંગો જ નહીં તો? તમને કોઈ હરાવી ન શકે."


૨) જિંદગી આનંદ અને ઉત્સવ માટે છે


હા, કોઈ ઉપયોગિતા માટે નથી. જિંદગી રસ્તાની બાજુમાં ઉગેલા ફૂલ જેવી છે. ફૂલ કોઈને ધ્યાનમાં રાખી નથી ખીલ્યું. તે સુવાસ સર્વત્ર ધ્યાનમાં રાખ્યા સિવાય ફેલાવે છે. આ નિજાનંદ છે - આ પોતાનું હોવાપણું છે.


૩) "ખાલીપણું" - ઈશ્વર એટલે ખાલીપણું અને શૂન્યતા. આ ખાલીપણાના શૂન્ય સાથે જન્મો છો. આ ખાલીપણું સાથે જીવો છો અને આ ખાલીપણાની શૂન્યતા સાથે ઓગળી જાવ છો. જ્યારે તમે ખાલીપણામાંથી આપો તો ખાલીપણું ખૂટતું નથી. તમે ભયભીત થતા નથી - આપ્યે જ જાવ છો.


૪) પસંદગી કર્યા વગર, પસંદગી વિહોણા બની જાવ. જિંદગીને વહેવા દો.


  • Be Yourself — તમે તમે જ બની રહો. 
  • વર્તમાનમાં જ રહો.
  • નિરાંતમય, કુદરતી લયવાપણું, પ્રાકૃતિક જીવન જીવવાની રીત એ જ તાઓ ધર્મ. 

ચાર્વાક દર્શન


ચાર્વાક = ચારુ + વાક = મીઠી વાણી — લોકોને પસંદ પડે તેવી વાતો. 


૧) ચાર્વાક દર્શન - ખાવું, પીવું અને લહેર કરવી. જીવનમાં વધુમાં વધુ સુખનો ઉપભોગ કરી લેવો.

પ્રત્યક્ષ - એટલે કે - જ્ઞાનેન્દ્રિયો દ્વારા અનુભવાતું જગત એ જ સત્ય છે.


કોણે દીઠી આવતી કાલ? વધુમાં વધુ સુખ આજે જ - અત્યારે જ - ઉપભોગ કરો. કારણ કોણે દીઠી કાલ.


તેથી પ્રસિદ્ધ ચાર્વાક દર્શન કહે છે - "ઋણં કૃત્વા ઘૃતં પિબેત્" (દેવું કરીને પણ ઘી પીવો).


૨) શરીર પૃથ્વી, પાણી, તેજ અને વાયુનો બનેલ પિંડ છે. ચૈતન્‍ય એ શરીરનો માત્ર આકસ્મિક ગુણ છે. જન્મ સમયે ચૈતન્‍યનો શરીરમાં પ્રાદુર્ભાવ થાય છે અને મૃત્યુ સમયે ચૈતન્‍ય નષ્ટ થાય છે. પૃથ્વી, પાણી, તેજ અને વાયુ છુટા પડે છે.


૩) પ્રત્યક્ષ - જ્ઞાનેન્દ્રિયો દ્વારા અનુભવાતું જગત એ જ સત્ય છે. તેથી આત્મા, ઈશ્વર, પરલોક, પુણ્ય-પાપ વગેરેના અસ્તિત્વને ચાર્વાક નથી સ્વીકારતા.


૪) આ સંસારના સુખની સાથે દુઃખ સંકળાયેલ હોય છે. ફક્ત એટલા માત્રથી સુખની ઉપેક્ષા કરવી એ નરી મૂર્ખાઈ છે.



ઘણા બધાં દર્શનો (Philosophy) માંથી ત્રણની વાત મેં રજૂ કરી. મારા હિસાબે, જીવનતત્ત્વનો સાર કાઢવો સહેલો છે.

બસ, "સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં" (નરસિંહ મહેતા).

તેથી અતિ વિચલિત થયા વગર, સુખથી છકી ગયા વગર, નિજાનંદમાં રહી વહેતી નદીની જેમ વહો - સરળતાથી, સાદાઈથી, મોજથી.

  • પ્રત્યેક ક્ષણને માણો - વર્તમાનમાં રહો. 
  • આનંદ અને પ્રેમથી મિત્રો, સગાં સંબંધી - સર્વ સાથે રહો. 
  • બાકી તો, ભાગવદ્ગીતામાં કહ્યા મુજબની સાક્ષીભાવ અને ભગવાનની સંપૂર્ણ શરણાગતિ તો છે જ! 


0 comments

Thank you for your comment!