તાઓ ધર્મ
વિશ્વના ધર્મોનો અભ્યાસ મેં ભારતના ધર્મો-હિન્દુ, ઈસ્લામ, ખ્રિસ્તી, જૈન, અને બુદ્ધ-ના અભ્યાસથી શરૂ કર્યો. ને ત્યાર પછી ચીનના ધર્મની ઉત્કંઠા જાગી. ત્યાં તાઓ ધર્મ મળ્યો. ચીનમાં ત્રણ ધર્મોના અનુયાયીઓ છે : કન્ફ્યુશિયસ, તાઓ અને બુદ્ધ.તાઓ ધર્મના સ્થાપક લાઓ ત્સે ચીનના ‘ચૂ’ રાજ્યના ‘કૂ’ પ્રાંતમાં લી પ્રદેશમાં ઇ.પૂ.૬૦૪માં જન્મ્યા હતા. તેમણે સ્થાપેલ ધર્મનું નામ “તાઓ” TAO – તેનો અર્થ સ્વર્ગનો માર્ગ કે અમર આત્મા થાય છે. લાઓ-ત્સે કહે છે : તાઓ એક જ છે. તે અનાદિ અને અનંત છે. તે અપૌરુષેય, અનંત, અજેય, અશરીરી અને અભૌતિક છે. તાઓ સર્વત્ર છે. સગુણ ઈશ્વરને તેણે પેદા કર્યો છે.
તાઓ ધર્મમાં સાધુ-સાધ્વીઓ હોય છે. તેઓ પીળી ટોપીઓ ધારણ કરે છે અને જગતનો ત્યાગ કરીને ગુફા, જંગલ અને પહાડોના એકાંતમાં વસે છે.
તાઓ ધર્મના મુખ્ય સિદ્ધાંતો
- સાદાઈ – Simplicity - Patience and Compassion
- અકર્મણ્યતા – Inaction
- સંવાદીતા – Harmony
- મુક્ત કરો – Let-goતાઓ આખા ધર્મના સિદ્ધાંતો સરળભાષામાં અહીં આપેલ વિગતો દ્વારા આપવાનો હું નમ્ર પ્રયાસ કરું છું.
જેને કહી શકાય તે પરમ તાઓ નથી.
- સામાન્ય બનવું, ખરેખર સાચું અસામાન્યપણું છે-સાધારણપણું છે.
- સત્સંગનો અર્થ છે – તેની સાથે હોવું.
- સૂર્ય ઊગે છે અને સુંદર છે તો બોલવાનો શું અર્થ ? સૌંદર્ય માટે અનુભૂતિ જરૂરી છે – અભિવ્યક્તિ નહીં. જરૂરી છે – નિર્વિચાર – ની : શબ્દતા – મૌન.
- પસંદગી કર્યા વગર – પસંદગી વિહોણા – બની જાવ – અને જિંદગીને વહેવા દો.
- વિરોધી હોવાનું સૌંદર્ય.
- વિરોધી તત્વો વાસ્તવમાં વિરોધી નથી – પણ પૂરક છે. તેઓ સ્વતંત્ર કે પરતંત્ર નથી – પરસ્પરાવલંબી છે – આમ જીવન ન તો સ્વાવલંબી તેઓ સાથે મળીને સંપૂર્ણતા કરે છે. દા.ત. પ્રેમ-ઘૃણા, અંધકાર-પ્રકાશ, કામ-આરામ, જિંદગી-મૃત્યુ,
- લાઓત્સે કહે છે – જો તમે દાવો કરો છો તે દાવો નામંજૂર થઈ શકે – પણ દાવો જ ન કરો તો ? – તે જ રીતે – માંગો નહીં અને મળશે – વિજેતા બનવાની કોશિશ ન કરો, તમને કોઈ હરાવશે નહીં.
- તમે તમારા પ્રત્યે સાચા બનો – તમે તમે જ બની રહો.
- જિંદગી આનંદ અને ઉત્સવ માટે છે – જિંદગી કોઈ ઉપયોગિતા માટે નથી. જિંદગી રસ્તાની બાજુમાં ઉગેલા ફૂલ જેવી છે – ફૂલ કોઈને ધ્યાનમાં રાખી નથી ખીલ્યું – તે સુવાસ પવન સાથે ફેલાવે છે – સરનામાને ધ્યાનમાં રાખ્યા સિવાય – તે તેનો પોતાનો નિજાનંદ છે – પોતાનું હોવાપણું છે.
- તીવ્ર આકાંક્ષાની મૂર્ખામી છોડો – આકાંક્ષા જ અવરોધ છે.
- જ્યાં સુધી તમારી અંદર એક ખાલીપણું, એક શૂન્યતા ઊભી ન થાય ત્યાં સુધી તમારી વચ્ચેનો અવરોધ કેવી રીતે દૂર થાય ? જો ખરેખર પ્રેમ કરવા અને મેળવવા માંગતા હોય તો, તમારે અદ્રશ્ય થવું પડશે – જેથી તમારી શુદ્ધ અને તાજી શૂન્યતા બને. પછી ફૂલની જેમ પ્રેમ ખીલી શકે.
- મહત્વાકાંક્ષાની કડી પૂર્ણતા થતી નથી – કારણ મહત્વાકાંક્ષાનો કોઈ અંત નથી – તમે એક ઈચ્છા પૂરી કરો ત્યાં બીજી હજારો ઈચ્છાઓ તરત પેદા થાય છે.
- જ્યારે તમે તમારા ખાલીપણામાંથી આપતા હો છો ત્યારે તમે આપવાથી ભયભીત થતાં નથી – કારણ ખાલીપણું કદી ખૂટતું નથી – તમે આપ્યે જ જાવ છે.
- અસ્તિત્વ સહેતુક અને અર્થસભર છે.
- લાઓત્સે અપ્રદુષિત અને શુદ્ધ રહી શકે છે કારણ કે તે સમાધાન કરતો નથી. તેની સમગ્રતા જ રહસ્યમય છે. કારણ કે તે જંગલ જેવો, નિયમો વિનાનો, બિન્દાસ વિકાસતો હશે – એ જ સુંદરતા છે – મહાનતા છે.
- ધાર્મિક વ્યક્તિ હંમેશ અહીં અને અત્યારે હોય છે. તે વર્તમાનમાં હોય છે. તે સંપૂર્ણતામાં જીવતો હોય છે.
- ધર્માચાર્યોએ તમારા ભગવાનને મોટામાં મોટા અત્યાચારી તરીકે ચીતર્યા છે. તે ભગવાન જાણે કે લોકોને નર્કમાં નાખવા ઉકળતા તેલમાં નવડાવવા કે અગ્નિમાં નાખવા નવરો ન હોય !
- તમે મૃત્યુથી એટલા માટે ભયભીત છો, કારણ તમે જિંદગીને સંપૂર્ણતાથી જીવ્યા નથી – ડર ન જીવાયેલી જિંદગી સાથે છે. જ્યારે કોઈ વસ્તુ પૂરેપુરી બને છે ત્યારે તમે તેનાથી મુક્ત થાવ છો – જો જિંદગી ખરેખર જિવાઈ હોય તો કોઈપણ તેનાથી મુક્ત થઈ શકે છે.
- ઈશ્વર એટલે ખાલીપો – ખાલીપણું અને શૂન્યતા. તમે ખાલીપણાથી શૂન્ય સાથે જન્મો છો અને તેમાં રહો છો અને ઓગળી જવા છો. ઈશ્વર અગાધ છે, તેની કોઈ સીમા નથી. ખાલીપણા સાથે ફરો – ખાલીપણા સાથે જીવો.
- અસ્તિત્વનો સ્વભાવ સ્ત્રી જેવો વધુ છે.
- જગત સમયના ભાન વિના જ ચાલે છે. ઘડિયાળો – વૃક્ષો, નદીઓ અને પહાડો માટે નથી. તેમ સમય વિનાનું જગત છે.
- અસ્તિત્વને સંઘર્ષની જેમ નહીં પણ આનંદની જેમ જુઓ. અસ્તિત્વને ઉત્સવની જેમ જુઓ અને અનંત ઉજવણી કરો.
‘તમારી મિલકત નાની રાખો,
ઇચ્છાને ગરીબ રહેવા દો.
વિદ્વાન હોવાનું મિથ્યાભિમાન છોડો.
પોતાને જીવો – મહાસમર્થ બનો.’
ડો. ભરત દેસાઈ
તા. ૦૮-૧૨-૨૦૨૨
♦️સુંદર લેખ.
ReplyDeleteજિંદગી જીવવાની કળા: સરળ સંક્ષેપ.
ગ્રહણ કરવા યોગ્ય ઘણું બધું.