મુઘલ યુગમાં સંધિ સમયે સ્ત્રીઓની માંગણી (1526 – 1757)

સમગ્ર ભારત વિવિધ આક્રમણકારીઓનો અવારણવાર ભોગ બન્યું છે અને તેમના વિજય પછી તેઓના રાજ્ય દરમ્યાન વિવિધ પ્રકારના ત્રાસ પ્રજાએ ભોગવવા પડ્યા છે. બહુ જૂના ખીલજી – ધોરી – લોદીની લૂંટ, ખુનામરકી અને પ્રજા સાથે જુલમી વર્તનની વાતો જાણીતી છે. છેલ્લા પાંચસો વર્ષમાં 250 વર્ષ – મુગલો અને 250 વર્ષ બ્રિટિશરોના રાજયમાં થયેલા જુલમોનો ઈતિહાસ તાજો જ છે. ઈસ્લામ કે (ખ્રિસ્તી) ધર્મ અંગીકાર કરવા થયેલા વિવિધ અપમાનો – અત્યાચારો યાદ કરીએતો કંપારી છૂટે છે.

રાજ્યનો વિસ્તાર વધારવા બે રાજ્યો વચ્ચે યુદ્ધો થતાં હતા. તેમાં નબળો રાજા શરણાગતિ સ્વીકારતો અથવા યુદ્ધમાં હારીને રાજ્ય ગુમાવતો. હારેલા કે શરણાગતિ સ્વીકારતા રાજાઓ સંધિકરાર–સંધિ કરતાં. સંધિની શરતો લેખિત સ્વરૂપે તૈયાર કરાતી. હાલમાં મેં મોગલયુગનો ભારતનો ઈતિહાસ વિષયક પ્રા. જશુભાઈ બી. પટેલ લિખિત યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ–6 દ્વારા 1978માં પ્રકાશિત 700 થી વધારે પેજનું પુસ્તક “ભારતનો ઈતિહાસ” (મોગલયુગ) વાંચ્યું. તેમાં સંધિ સમયે મુઘલ રાજાઓ દ્વારા થતી શરતોમાં પહેલી શરત હંમેશા રાજાની દીકરી, બહેન કે પત્નિ સાથે લગ્નની વાત વાંચી હું ચોંકી ગયો. સ્ત્રીઓને પકડીને બળાત્કાર કરાતો અથવા લગ્નસંબંધ બંધાતો–પુરૂષોની અવદશાની તો વાત જ ન કરશો–રાજા સહિત પકડેલા પુરૂષોને નપુંશક બનાવીને ગુલામી કરાવાતી. આ વાત કદાચ ધારીએ તેટલી સહેલી નથી. પોતાની પત્ની–દીકરી કે બહેનને બળજબરીથી લગ્ન માટે લઈ જતો મુઘલ રાજાની કલ્પના પણ ક્રોધ અને અજંપો જન્માળે છે. કદાચ આ ઘટના ઈતિહાસનો બારીકાઈથી અભ્યાસ ન કરીએ તો ધ્યાન પર ન આવે તે સ્વાભાવિક છે. ચાલો ત્યારે, ઉદાહરણ માટે વિગતવાર આઠ ઘટનાનું આલેખન જોઈએ.

(1) 1564 ગોંડવાના વિજય: અકબર રાજાએ ગોંડવા વિજય મેળવ્યો. ગોંડવાની રાણી દુર્ગાવતીએ સતીત્વની રક્ષા માટે છાતીમાં ખંજર મારી આપઘાત કર્યો. રાજા વીરનારાયણ વીરગતિને પામ્યો. બાકીની સ્ત્રીઓએ જૌહર કર્યો, પણ રાણીની બહેન કમલાવતી મુઘલોને હાથે પકડાઈ જતાં અકબરે તેની સાથે લગ્ન કર્યા.

(2) 1570 : રાજસ્થાનના રાજાઓ અકબરને સરણે આવ્યા.
- બિકાનેરના રાજા રાયકલ્યાણમલે પોતની સુપુત્રી અકબર વેરે પરણાવી.
- જેસલમેરનો રાજા રાવળ હરરાય સમ્રાટને શરણે આવ્યો અતે તેણે પોતાની પુત્રી સમ્રાટને પરણાવી.

(3) 1615 : મેવાડના રાણા અમરસિંહ (રાણા પ્રતાપનો પુત્ર) અને અકબર વચ્ચે સંધિ થઈ. અપવાદરૂપે અહીં કન્યાઓને લગ્ન માટે વિવશ ન કરવાની સન્માનનીય શરત રાખી!

(4) 1627–1658 શાહજહાં: ઓરછા નરેશ જુઝારસિંહના રાણીવાસની કેટલીક સ્ત્રીઓએ મુસ્લિમ અત્યાચારમાંથી બચવા આત્મહત્યા કરી. પણ જુઝરસિંહની રાણી પાર્વતી સહિત ઘણી બુંદેલા સ્ત્રીઓને શાહી જનાંખાનામાં બંદી તરીકે રોકવામાં આવી.

(5) 1637: ઉજજેનિયાના જમીનદાર પ્રતાપને હરાવી મારી નાખ્યા બાદ તેની પત્નીને મુસ્લિમ બનાવી ફિરોજજંગના પૌત્ર સાથે પરણાવી દીધી.

(6) 1662: આસામના અહોમ રાજા જયધ્વજે ઔરંઝેબ સાથે સંધિ કરી. સંધિની પહેલી શરત “મુઘલ જનાનામાં પોતાની પુત્રી મોકલી આપવાની” હતી.

(7) 1698–1701 ઔરંગઝેબ: દુર્ગાદાસ (ભરવાડ) સંધિ–1701 સમજૂતીની શરતો દુર્ગાદાસે શાહજાદા અકબરની પુત્રી શકીયત–ઉન્નીસા અને પુત્ર બુલંદ અખતર ઔરંગઝેબને સોંપી દેવા.

(8) 1677: બીજાપુરના દિલેરખાં–ઔરંગઝેબ સમજૂતીની શરતો મહુર્મ અલી આદિલશાહ બીજાની પુત્રી શાહબાનું ઉર્ફે બાદશાહબીબીનું લગ્ન શાહજાદા આઝમ સાથે કરવું.


જૌહર

યુદ્ધમાં હાર્યા પછી, સ્ત્રીઓ ક્યાતો સામૂહિક રીતે બળતી અગ્નિને પોતાને હવાલે કરી મોતને વહાલું કરતી–અથવા વ્યક્તિગત રીતે કટારી દ્વારા આપઘાત કરતી–નહીં તો મુઘલ અત્યાચાર ફરજિયાત હતો. આમ, નારી સ્વતંત્રતા કે નારી મુક્તિની વાતો વિશાળ સભામાં ચર્ચા કરતાં સમાજસુધારકો ત્યારે ક્યાં હતા. ફરજિયાત ધર્મપરિવર્તન અને ફરજિયાત (હારેલા રાજાની) સ્ત્રીઓ સાથે શરીર સંબંધ (બળાત્કાર) અને બહુપત્નીમાંથી લગ્ન દ્વારા સંખ્યામાં ઉમેરો–વિચારો, હારેલા રાજાઓ કેટલા અસહાય–નિર્માલ્ય કે ભીરુ બન્યા હશે કે આવો અત્યાચાર શાંતિથી સ્વીકાર્યો હશે. ભારત દેશ આક્રમણકારીઓને આમંત્રણ આપી લાવનાર દેશદ્રોહીથી ખદબદતો હોય–રાષ્ટ્રભક્તિ કે દેશપ્રેમ માટે જરૂરી એકતાનો સંપૂર્ણ અભાવ હોય ત્યારે ગુલામી સિવાય શું મળે?
ચાલો, આપણે વ્યક્તિગત રીતે સુધરીએ–સ્ત્રી સન્માનની શરૂઆત આપણાથી કરીએ. નિર્ભય બની સ્ત્રીઓનું રક્ષણ કરીએ–નહીં તો–વર્તમાન કઈ જુદો નથી.
ડો.ભરત દેસાઈ
બીલીમોરા

Post a Comment

0 Comments