વર્તમાન સમયમાં લગ્નવિધિમાં સુધારાઓ

વર્તમાન લગ્નમાં વરપક્ષ અને કન્યાપક્ષ મળીને ખૂબ ખર્ચઅને સમયનો બગાડ થતો હોય છે, તે રોકવા અનિવાર્ય છે. તેના કેટલાક ઉપાયો અહીં ચર્ચવા છે.

સમૂહ લગ્ન:
  • વર્ષ દરમિયાન કોઈ એક નક્કી દિવસે જ બધાનાસાથે સમૂહમાં સાદાયથી લગ્ન કરવાનો કચ્છમાં રિવાજ છે. 
  • મેમણ સમાજ દર વર્ષે મોટા-મોટા શહેરોમાં સમૂહલગ્નો યોજી સો-કે-તેથી વધુ વરકન્યાના લગ્નો વિધિપૂર્વક નિ:શુલ્ક કરાવતા હોય છે,ઉપરાંત જાતજાતની ઘણી ઘરવખરી દરેક જોડાંને ભેટ આપતા હોય છે. 
  • મજીગામમાં મલ્લીકાઅર્જુન મંદિર ખાતે મંદિરના હોલમાં મંડળ દ્વારા દસ-વીસ કે વધારે હળપતિ સમાજના વરકન્યાના સમૂહ લગ્નો વિધિવત મફત કરાવીને ભેટ સોગાદોથી નવાજવામાં આવે છે. 
  • સુરત ખાતે હીરાના વેપારી શ્રી મહેશભાઈ સવાણી દ્વારા નિરાધાર-ગરીબ- કન્યાઓના લગ્ન (દર વર્ષે આશરે ૫૦૦ દિકરી ગણાતા હાલ સુધીમાં ૪૪૯૦ લગ્નો) કરાવી આપતા હોય છે. આમ તેઓ લગભગ ૫૦૦૦ દીકરીઓના સાચા અર્થમાં પાલક પિતા બન્યા છે. 

આ બધા દાખલાઓ ખાલી આંગળી ચીંધવા માટે છે.હકીકતમાં દેખાદેખી કે ઈર્ષાને કારણે ખૂબ મોટા ખર્ચનું આંધણ કરવાનું ભૂલીને સાદાઈથી પણ ધાર્મિક વિધિપૂર્વક લગ્ન કરાવવા જ જરૂરી છે. આશા છે, સમાજ સેવી સંસ્થાઓ (NGO), ધનિક ઉધ્યોગપતિઓ અને જ્ઞાતિસમૂહો આ પ્રથા અપનાવી લેશે. સાદાઈથી લગ્ન કરવા મધ્યમ વર્ગના અને ગરીબ લોકો માટે તો ખૂબ જ યોગ્ય છે. લગ્નમાં પૈસાના ધુમાડો કરી દીધા પછી આખી જિંદગી દેવને કારણે દુઃખી થવામાં કે પોતાની જમીન વેચીને આવક ગુમાવવામાં કોઈ મહાનતા નથી,મૂર્ખાઈ છે. સમાજે ફરજિયાત અમલ કરવાના આદેશ બહાર પાડવો જોઈએ- જેથી તેનો ચોક્કસ અમલ થાય છે.

સુધારા માંગતા મુદ્દાઓ વિચારીએ.

આમંત્રણ પત્રિકા અને આમંત્રણની રીત:

મોંઘીદાટ કંકોત્રી છપાવવાથી આમંત્રિત કોઈ રીતે પ્રભાવિત થતો નથી- અને અઢળક નાણાવ્યય થાય છે.

રૂબરૂમાં આમંત્રણ આપવાની વિધિઓ ત્રાસ જેમણે સહન કર્યો હોય તે જ જાણે. મુંબઈથી અમદાવાદ કે બીજા રાજ્યમાં રહેતા સંબંધીઓને રૂબરૂ આમંત્રણ આપવું ખરેખર ત્રાસદાયક થાય છે. જે સ્નેહી છે- જે ખરા સંબંધી- મિત્રો છે- તે લગ્નમાં આવવાના જ છે.

લગ્નનું આમંત્રણ સોશિયલ મીડિયામાં વોટ્સએપ (WhatsApp) દ્વારા આપી ફોનથી આમંત્રણ પાકું કરવું ખૂબ સહેલું અને યોગ્ય છે.

વરઘોડો:

જાહેર માર્ગને અવરોધતો, ટ્રાફિકનું રોકાણ અને ત્રાસ ફેલાવતો, ફટાકડા દ્વારા હવાનું પ્રદૂષણ અને ધ્વનિનું પ્રદૂષણ કરતા વરઘોડો કાઢીને આપણે શું સાબિત કરીએ છીએ? વળી ડી. જે. નો ઘોંઘાટ બહેરાશ ન આવે તો જ નવાઈ- વરઘોડો સંપૂર્ણપણે બંધ રાખવું યોગ્ય છે.



ભોજન સમારંભ:

પચાસથી વધારે મદ્રાસી, પંજાબી, ચાઈનીઝ, વિવિધઆઈસ્ક્રીમો સરબતો સુપો સાથેનું ભોજન પીરસવામાં કોઈ મહાનતા નથી- એ દ્વારા અન્નનો અસહ્ય બગાડ અને ખાનારના પાચનતંત્રને નુકસાન સિવાય છે શું? વળી બુફે પ્રથામાં લોકો દ્વારા ભીડમાં બીજીવાર ન જવાની આળસ ને કારણે લીધેલુંવધારે પડતું ભોજન પૂરું કેવી રીતે કરવું શક્ય છે?

ઔરંગાબાદ જૈન સમાજે લીધેલ નિર્ણય મુજબ લગ્નમાં છ થી વધારે વાનગીઓ હોય તો ફક્ત વર કન્યાને આશીર્વાદ આપવા, પણ તે લગ્નમાં ભોજન ન કરવું. અગ્રવાલ સમાજેપણ આ પ્રથાને અનુમોદન આપ્યું છે, આર્થિક સંપન્ન બંને સમાજો આ કરતા હોય છે તો, આપણે તેનું અનુકરણ ચોક્કસ કરવું જ રહ્યું.

લગ્ન ગમે એટલા મોટા હોય પણ લોકો તેને યાદ રાખતા નથી. ખર્ચાળ-ભભકાવાળા લગ્ન કરવા બદલ કોઈને એવોર્ડ મળતો નથી- લગ્ન એ સંસ્કાર છે. અહીં પરસ્પરને વચન બધ્ધ કરી જીવનભર સાથે રહી, અનુકૂલન સાધી, બે કુટુંબમાંથી આવેલ વર-કન્યાના મિલન દ્વારા વંશવૃદ્ધિનો હેતુ ધરાવતો વિધિ છે-

રાસ-ગરબા, સંગીત-સધ્યા, ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી પ્રી-વેડિંગ શૂટિંગ, બ્યુટી-પાર્લર,મહેંદી અને પીઠી ચોળવાની વિધિ

​સંગીતસંધ્યામાં આવતા ઓરકેસ્ટ્રાનું બિલ, વર-કન્યા,બંને માબાપ, ભાઈ ભાભી વગેરેને મહીના સુધી પ્રેક્ટિસ કરાવી કરાવતા ડાન્સ અને રાસ-ગરબાનો પ્રસંગ શું સાબિત કરે છે?કંઈ-નહીં, કોઈ ખાસ આનંદ મળતો દેખાતો નથી – ઊલટાનુંઅભદ્ર પ્રદર્શન પણ બિનજરૂરી રીતે થતું હોય છે. ખર્ચ તો વળી ત્રણ ચાર લાખ રૂપિયાનો થઈ જાય છે.

ફોટોગ્રાફી – વિડિયો:

કેટલા આલ્બમ કે વિડીયો ઘરના સભ્યો નિયમિત રીતે જુવે છે. કદાચ એકપણ વાર આલ્બમ કે વિડીયો ન જોયો હોય એવા સભ્યો મળી આવે છે. વર્ષ પછી તો ક્યાં મૂક્યા છે તે પણ ઘણાને ધ્યાન પણ હોતું નથી.

પ્રિ-વેડ શૂટિંગમાં વર્ગ કન્યાને લગ્ન પહેલા એક કે બે દિવસ દૂરના સ્થળે હોટેલમાં લઈ જઈ પિક્ચરના ગીત પ્રમાણે ડાન્સ અને ફોટોગ્રાફી કરાવતા હોય છે. નવા ખરીદેલા ચાર-પાંચ કે વધારે ડ્રેસ બદલાવી ફોટોગ્રાફી કરતાં હોય છે.ઉપરાંત લગ્ન પહેલાનું એકાંત કેટલું નુકસાનકર્તા હોઈ શકે તે તૂટેલા લગ્નવાળાને જ ખબર પડે. ડ્રોન દ્વારા વિડીયોગ્રાફી અનેફોટોગ્રાફીની વિધિમાં ત્રણ-ચાર લાખ રૂપિયા ખર્ચીને કઈ મળતું નથી!

બ્યુટી પાર્લર:

લગ્નના બે દિવસમાં ત્રણથી ચાર વખત તૈયાર થતી ઘણીબધી સ્ત્રીઓ લગભગ પાંચ-છ કલાક ન બગાડે તો જ નવાઈ.ઘણીવાર તો આ કારણે લગ્ન અને બીજી વિધિઓ પણ ખોરવાતી હોય છે. બ્યુટી પાર્લરના આઠ દસ કલાકારોની ફોજ પછી દોઢ બે લાખ રૂપિયા ન લે તો જ નવાઈ. આજ વાત મહેંદીની એક સાંજ માટે કહી શકાય.

આમ બધી વિગતોનો કુલ ખર્ચ, બધા લોકોના ત્રણ-ચાર દિવસના રોકાણનો ખર્ચ અને તેમને નોકરી ધંધામાં થતું નુકસાન અને દોડાદોડી-ત્રાસના હિસાબ નિરાંતે માંડવા જેવો છે.

વિચારો, આમ લગ્નમાં થતો ખર્ચ રોકવાથી થયેલીબચત ભવિષ્યમાં વર- કન્યાને, બંને પક્ષના મા-બાપોને અને ભાઈ-બહેનોને માંદગીસમયે, અભ્યાસમાં કે બીજી કોઈ જરૂરિયાતમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.

ખરેખર વધારે પૈસા હોય તો, સમાજ સેવામાં દાનમાં વાપરી શકાય.

ચાલો. નીચે મુજબ સમાજ દ્વારા નિયમો નક્કી કરી તેનું પાલન કરીએ.

  1. લગ્નમાં બંને પક્ષના મળીને વધુમાં વધુ પચાસ વ્યક્તિઓ ભાગ લેવો જોઈએ તેટલા જ તમારા અંગત સ્નેહીઓ હોય છે.બાકીના તો?
  2. આમંત્રણ ફોનથી અને મોબાઈલમાં whatsapp દ્વારા આપી શકાય. 
  3. એક જ દિવસ લગ્નવિધિ ચાલવું જોઈએ. 
  4. ભોજનમાં વધુમાં વધુ છ વાનગી પીરસવું જોઈએ. 
  5. સમૂહ લગ્નમાં આયોજનોમાં જોડાવું જોઈએ. 

ચાલો, સુધારાની શરૂઆત આપણા પોતાનાથી કરીએ તો કેવું?


ડો. ભરતચંદ્ર એમ દેસાઇ 
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
૨૧/૦૪/૨૦૨૪

An ophthalmologist by qualification and profession, Dr. Bharatchandra Desai loves reading about history, religion, and spirituality. He has written about them and also about 'Anavils' at length. Read all articles. ડૉ. ભરતચંદ્ર દેસાઈના ગુજરાતી લેખો વાંચવા અહીં ક્લિક કરો.

0 comments:

Thank you for your comment!