ચાલો, માંદા સ્નેહીઓની ખબર કાઢવા

આપણે સૌ સામાજિક વ્યવહારો સાચવાની ખાસ કાળજી રાખતા હોઈએ છીએ. માંદા પડેલા આપણાં અંગત સ્નેહીજનની હોસ્પિટલમાં દાખલ થયેલ હોય ત્યારે રૂબરૂ મળી મુલાકાત કરીને “વહેલા સારા થઈ જાવ” એવું આશ્વાસન આપવાનો રિવાજ છે. આમ કરવાથી દર્દી ને ખરેખર દિલાસો મળે છે અને માંદગીની કારણે થયેલ દુ:ખ ઓછું થતું હોય છે.

લાગણીથી જોડાયેલ અંગત સ્વજનને મળવા જવાનો રિવાજ ઘણીવાર ફક્ત ઔપચારિક્તામાં પરિણામતો હોય છે. આમ ફક્ત ફરજ નિભાવવાની વિધિ કરવા પૂરતું જઈને વેઠ ઉતારવાનો કોઈ ખાસ અર્થ નથી. ચાલો, કંઈક અર્થસભરતા લાવવાની હકારાત્મક કોશિષ કરીએ.

આ અર્થ શબ્દ દ્વારા મને પૈસા- નાણાંની યાદ આવી. વર્તમાન સંજોગોમાં દરેક વ્યવહાર પૈસાની લેવડદેવડનો રહ્યો છે. જન્મ સમયે, જન્મદિવસે, યજ્ઞોપવિત, લગ્ન કે મરણ દરેક વિધિ પૈસાની આપ લે દ્વારા થતી હોય છે. પોતાની આર્થિક સ્થિતિ સંબંધની નિકટતા અને ભૂતકાળના વ્યવહારોની ગણતરી કરીને તે પ્રમાણે પૈસાનું કવર બનાવી આપણે આદાન-પ્રદાન કરતા હોઈએ છીએ તેમાં માંદગી સમયે આર્થિક ભેટ શરૂ કરવા જેવું છે. 

હોસ્પિટલમાં દાખલ થયેલ સ્નેહીને પ્રાથમિક તપાસ, લેબોરેટરી રેડિયોલોજી તથા નિષ્ણાત ડોક્ટરની નિદાન માટેની તપાસ દરમિયાન ખૂબ મોટો ખર્ચ થતો હોય છે- ત્યાર પછી દવા હોસ્પિટલ ચાર્જ અને ઓપરેશનમાં પણ અણધાર્યા મોટાં બિલ ચૂકવવા પડતા હોય છે. રૂપિયા એક લાખથી આઠ-દસ લાખ સુધીનો ખર્ચો સાધારણ રીતે થઈ જતો હોય છે

માંદગીના બિછાને સુતેલ સ્નેહીજનને ઠાલા શબ્દોના આશ્વાસન કરતાં દરેક મુલાકાતે દ્વારા દરેક મુલાકાત સમયે રોકડ ભેટ ૫૦૦, ૧,૦૦૦ કે ૧૦,૦૦૦ રૂપિયા અથવા વધારે કવરમાં મૂકીને અથવા દર્દીને ભેટ માટે મૂકેલ બોક્સમાં નામ લખ્યા વગર મોટી રકમ સરકાવીને આપવા જેવું છે. આર્થિક સંકટમાં ઘેરાયેલ વ્યક્તિને માંદગીમાં સારા થવામાં આ મદદ કદાચ મોટું આશ્વાસન પૂરું પાડી શકશે. થનાર અણધાર્યો અસહ્ય ખર્ચને પહોંચી વળવામાં આ મદદ ખૂબ અર્થપૂર્ણ સાબિત થતી હોય તો આ નવો રિવાજ શરૂ કરવા જેવો છે. 


આમ પણ, આપણે સામાજિક વ્યવહારોમાં આર્થિક લેવડ-દેવડ કરતાં હોઈએ છીએ અને સમાજસેવા તરીકે પણ દાન આપતા હોઈએ છીએ, ત્યારે આર્થિક સંકળામણમાં ઘેરાયેલ માંદગીના બીછાને પડેલ સ્વજનને મદદરૂપ થવું આપણો ધર્મ અને આપણી ફરજ બને છે. એક રિવાજ સ્થાપિત કરવાથી આ પૈસા લેનારને પણ યોગ્ય જ લાગશે. 

મેડિક્લેમ – માં કાર્ડ – આયુષ્યમાન ભારત યોજના - કે બીજી બધી જ વાતો આપણે જાણતા હોઈએ તો પણ સ્વજનની તાત્કાલિક આર્થિક સંકળામણ માંદગીના અણધાર્યા સંજોગોમાં આર્થિક મદદ ખૂબ જ આશીર્વાદરૂપ અને આશ્વાસનરૂપ ચોક્કસપણે થશે. 

વળી, આ આર્થિક મદદના રિવાજની સાંકળ (Chain of Economic Help) આગળ જતાં સૌ ચાલુ રાખશે તો સર્વત્ર આનંદ સંતોષ અને સુખની સુંદર લાગણી ચોક્કસપણે થશે જ.

ચાલો, માંદા સ્નેહીને હોસ્પિટલ કે ઘરે મળવાની તત્પરતા દાખવીએ અને ઉદાર મનથી મોટો આર્થિક વ્યવહાર શરૂ કરીએ.

શુભસ્ય શીઘ્રમ!

ડૉ. ભરતચંદ્ર દેસાઇ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા 
૦૧/૦૪/૨૦૨૪

Post a Comment

2 Comments

  1. ♦️ડૉક્ટર અશ્વિન નાયક 👍 સ્નેહલ હોસ્પિટલ, બીલીમોરા.Thursday, 18 April, 2024

    ♦️અનુકરણીય ઉદાહરણ.

    ReplyDelete
  2. કરવું જ જોઈએ.

    ReplyDelete

Thank you for your comment!