મા પાર્વતી

ભગવાન શિવ-શંકર-મહાદેવ અને ગણેશ વિષે આપણે ખૂબ જ ભક્તિભાવ ધરાવતા હોઈએ છીએ. એ બન્ને વિષે જાતજાતની માહિતી રાખીએ છે. પણ તેમના કુટુંબના અગત્યના સભ્ય પાર્વતી-મા દુર્ગા-વિષે લગભગ અજ્ઞાત છીએ. ચાલો, મા પાર્વતીને વિગતે ઓળખીએ.

પર્વતપુત્રી તે પાર્વતી

પર્વત રાજા હિમાવત અને માતા મેનાવતીની પુત્રી પાર્વતીનો ભગવાન શિવ પતિ છે, તો ગણેશ અને કાર્તિકેય પુત્રો છે. પાર્વતિના ભાઈ વિષ્ણુ અને બહેન નદી ગંગા છે. આ સામાજીક પરિચય વાળી મા પાર્વતીને પર્વતને લીધે શૈલજા, અદિજા, નાગજા, ગિરિજા, અને હેમવતી તરીકે પણ ઓળખવામા આવે છે.




હા, આમ તો, પાર્વતીના સહસ્ત્ર (૧000) નામો છે, તેમાથી થોડા જાણીએ. દુર્ગમાસુર નામના રાક્ષસને મારનાર પાર્વતીને દુર્ગા કહી છે. ખોરાક-ભોજનની દેવી અન્નપૂર્ણા છે, તો પાપીનો નાશ કરનાર કાલી મા કાળા રંગની છે. મહીસાસુર નામના રાક્ષસને કાબુમા કરનાર સિંહ ઉપર બિરાજેલ મા ચંડી કહેવાય. નવ જુદાજુદા સ્વરૂપે નવરાત્રી મા પ્રગટતી પાર્વતી નવદુર્ગા આશો માસના સુદ પક્ષના પ્રથમ નવ દિવસ આરાધ્ય બની છે. ભગવાન શિવ સાથે શરત જીત્યા પછી નીચેનું વસ્ત્ર માગનાર પાર્વતીને ગુસ્સામા શિવ પોપટનું સ્વરૂપ બક્ષે છે-તે મીનાક્ષી છે. અર્ધચન્દ્ર અને પોપટ સાથે દર્શન આપતી કામ-મોહ અને પ્રેમની દેવી કામાક્ષી છે. સોનેરી – પીળા રંગવાળો પકવ થયેલા અનાજની દેવી ગૌરી છે. ભારતના દરિયાકિનારે દર્શન આપતી પાણીની દેવી અખિલાનાંદેશ્વરી છે. એ સિવાય તુળજાભવાની, લલીતા, ત્રિપુરા સુંદરી, ઉમા, જેવા અનેક રૂપોથી મા પાર્વતી ઓળખાય છે.

પાર્વતી નાં સ્વરૂપ-દેખાવનું વર્ણન તેની તાંબા કે પથ્થરની મૂર્તિઓના દેખાવ પરથી અને શિવપુરાણ વાંચવાથી મળે છે. રૂપાળા, સુંદર લાલ સાડી પહેરલા મા પાર્વતી ઉદાર અને દયાળુ સ્વભાવની છે, પણ ભગવાન શિવનો જેમ ભોળી નથી. તે મહાશક્તિશાળી હોવાનું પ્રમાણ તે કૈલાશ પર્વત ઉપર જંગલમા રહે છે, રાક્ષસોનો સંહાર કરે છે અને ભગવાન પતિ શિવ પાસે ધારેલું કરાવે તે છે. પાર્વતી ને પ્રેમ-ભક્તિ અને ગર્ભધારણમા મદદરૂપ શક્તિ આપનાર-દિવ્યબળ પ્રેરક દેવી તરીકે ભજવામા આવે છે. તે શિવ ભગવાનની જાંઘ ઉપર બેઠેલી હોય ત્યારે બે હાથવાળી અને પોતે એક હોય ત્યારે ચાર,આઠ કે દસહાથવાળી કહેવાય છે. બે હાથમાથી એક અભય મુદ્રા બનાવે છે અને નિર્ભયતાનો સંદેશ આપે છે, જ્યારે બીજો હાથ વરદ મુદ્રામા આશા પૂર્ણ થવાનો સંકેત આપે છે. તે સિવાયના હાથમા શંખ, અરીસો, ઘંટ, મુગટ, માળા જેવી વસ્તુઓ ધારણ કરે છે.

પાર્વતીના જન્મ વિષે મતમાતર પ્રવર્તે છે. એકમતઆ પ્રમાણે જણાવે છે. પિતા દક્ષની મરજી વિરુદ્ધ સતી શિવ સાથે લગ્ન કરે છે. તે શિવનું અપમાન કરવા દક્ષ પુત્રી-જમાઈ ને યજ્ઞમા આમંત્રણ નથી આપતો. છતા શિવ-પાર્વતી ત્યાં પહોચે છે. યજ્ઞમા દક્ષ શિવનું અપમાન કરે છે, તે જોઈ સતી યજ્ઞમા કુદી પ્રાણત્યાગ કરે છે. ભગવાન શિવ શોકમગ્ન બની ભક્તિમા લીન થઈ જાય છે. આ મૃત સતી ફરીથી પાર્વતી તરીકે પિતા રાજા હિમાવત અને માતા મેનાવતી ના સંતાન તરીકે જન્મ લે છે. પાર્વતી પણ શિવની જેમ જપ-તપ અને ભક્તિ કરે છે. અને શિવ શાથે લગ્ન કરવા હઠે ભરાય છે. માબાપ અને શિવ પોતે લગ્ન ન કરવા સમજાવે છે, પણ તે બધાને મનાવી લઈ શિવ સાથે પાર્વતી લગ્ન કરે છે. મધ્યપ્રદેશ મા આવેલ ખજુરાહો શિવ-પર્વતીના લગ્નનું સ્થળ હોવાનું કહેવાયું છે.

પાર્વતીના એકાવન શક્તિપીઠો ભારતભરમા છે તેમાનાં ખજુરાહો, કોશી, ગયા અને કેદારનાથ એ ચાર મુખ્ય છે. આદર્શ પત્ની, આદર્શ માતા અને આદર્શ ગૃહીણી પાર્વતી અર્ધનારીશ્વર સ્વરૂપે પણ પૂજાય છે. શરીરનો અડધો ભાગ પુરુષ શિવ અને બાકીનો અડધો ભાગ નારી પાર્વતી એવા વિશિષ્ટ સ્વરૂપને અર્ધનારીશ્વર કહે છે.

પાર્વતીની ભક્તિ-સ્તુતી-પ્રાથના મહારાષ્ટ્ર અને કર્ણાટકમા દર ત્રીજે “ગૌરીતૃતીયા” વ્રતમા અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે. ગુજરાતમા આસો સુદ એકમથી નોમ સુધીની નવરાત્રિ નવદુર્ગા માતા તરીકે સ્થાપના કરી દુર્ગામાતાની પૂજા થાય છે અને રાત્રે થતા ગરબામા આ માતાને યાદ કરાય છે. આખા ભારતમા કરતું ગૌરીવ્રત-અલૂણાવ્રત (મીઠા વગરના ભોજન સાથે) અષાઢ વદ બારસથી ત્રણ દિવસ કુંવારી છોકરીઓ દ્વારા સુંદર પતિ મેળવવા અને પરિણીત સ્ત્રી દ્વારા પતિની સુખાકારી માટે કરવામા આવે છે. હકીકતમા આખા શ્રાવણ માસ દરમ્યાન અને ખાસ કરીને શ્રાવણના સોમવારે શિવ-પાર્વતીની ઉપાસના મોટેપાયે કરનારો વર્ગ મોજુદ છે.
ભક્તિભાવ ધરાવતા શ્રદ્ધાળુઓ આટલું જ્ઞાન પાર્વતીને જાણવાની શરુઆત તરીકે પણ સ્વીકરશો, તો મને ખૂબ આનંદ અને ગૌરવ થશે.


ડો. ભરત એમ. દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા.

Post a Comment

0 Comments