શાંતિપર્વ: બીજી ભગવદ્દ ગીતા

યુધિષ્ઠિર કુરુક્ષેત્રના યુદ્ધમાં વિજયી થવા છતાં પોતે કુળનો નાશ કરાવ્યો હોવાનું અને સગા સંબંધીઓની હત્યા કરાવી હોવાથી મનોમંથન અનુભવે છે અને જીતીને પણ હાર્યો હોવાની લાગણી અનુભવે છે. યુધિષ્ઠિર વિષાદ-વૈરાગ્ય થવાથી ગૃહત્યાગ-સંસારત્યાગ કરીને વનમાં જવાની તૈયારી કરે છે. 

ખરેખર તો રાજધર્મ સંસારત્યાગમાં નથી અને જીતેલા રાજાની ફરજ રાજ્યાભિષેક કરાવી પ્રજાની કાળજી રાખવામાં જ છે. એ વાત સમજાવવામાં નારદજી, વ્યાસ, માતા કુંતિ, ભીમ અને અર્જુન નિષ્ફળ જાય છે. રાજધર્મ અને ક્ષાત્રધર્મ યુદ્ધ દ્વારા રાજ્યપ્રાપ્તિ કર્યા પછી રાજાની દંડનીતિ અને રાજા જ ન હોય તો આખો દેશ પાયમાલ થઈ જશે એમ સમજાવવા માટે દ્રૌપદી-નકુળ અને સહદેવ ત્રણે નિષ્ફળ પ્રયત્ન કરે છે. 

નિરાશ અને હતાશ એવા યુધિષ્ઠિર કોઈ વાતથી સમજતા નથી ત્યારે શ્રીકૃષ્ણ તેમને બાણશૈયા પર સૂતેલા જ્ઞાની ભીષ્મપિતામહને મળવા સમજાવે છે. ભીષ્મ ત્રણ-ચાર દિવસ દરરોજ યુધિષ્ઠિરને શ્રીકૃષ્ણ સાથે બોલાવી રાજધર્મ-ક્ષાત્રધર્મ-જીવનની ફરજો- ઉપરાંત લગભગ દરેક વિષય ઉપર વિગતવાર જ્ઞાન આપે છે અને ત્યારે છેલ્લે યુધિષ્ઠિર રાજ્યાભિષેક માટે સંમત થાય છે. 

શાંતિપર્વ મહાભારતનો બારમો અધ્યાય છે. 365 પ્રકરણો ધરાવતો આ સૌથી લાંબો પર્વ છે. 

મારા હિસાબે ભીષ્મપિતામહે આપણને બધાને માર્ગદર્શન મળે તેવા સિદ્ધાંતો બતાવ્યા છે. જે જાણવા-સમજવા અનિવાર્ય છે. તો ચાલો, ભીષ્મપિતામહની ભગવદગીતાના જ્ઞાનનો મર્મ જાણીએ.  

મિત્રતા 

જીવનમાં આપતિઓ આવતી જ હોય છે, તેને મિત્ર વિના પાર પાડી ન શકાય. હ્રદયથી હ્રદયનું મિલન ધરાવતો મિત્ર જિગરજાન મિત્ર કહેવાય છે. કૃતજ્ઞ, મિત્રદ્રોહી અને વિશ્વાસઘાતી ન હોય તે આદર્શ મિત્ર કહેવાય છે.

મિત્રો ચાર પ્રકારના હોય છે.

  1. સહજ મિત્ર : સગાસંબધિઓ
  2. ભજમાન મિત્ર : પરંપરાથી જે મદદ કરતો આવ્યો હોય
  3. સહાર્થમિત્ર : શરતો કરીને મિત્રતા બાંધી હોય તે.
  4. તૃત્રિમ મિત્ર : ધન-સંપત્તિ આપી વશ કર્યા હોય.

સહજમિત્ર અને ભજમાનમિત્ર શ્રેષ્ઠ કહેવાય છે. સહાર્થ અને તુત્રિમમિત્ર શંકાસ્પદ હોય તેનાથી ચેતતા રહેવું જોઈએ.  

શાંતિના ઉપાયો (ભીષ્મપિતામહનો યુધિષ્ઠિરને બોધ)

શાંતિ પરાક્રમી રાજા અને પરાક્રમી પ્રજાથી જ આવે છે. રાજાએ સ્વયં પોતાનું, મંત્રીઓનું, ખજાનો અને સેનાનું, રાષ્ટ્રની પ્રજા અને રાજધાનીનું ઉપરાંત મિત્રરાષ્ટ્રોનું રક્ષણ કરવાનું હોય છે. 

અશાંતિના કારણો

  1. ખેતી, નોકરી, વ્યાપાર, ઘરકંકાસ, દ્રવ્યવાસના, કામવાસના
  2. અન્યાય, અપમાન, સંબંધો, ભૂલો, સળગતા પ્રશ્નો

ભીષ્મપિતામહ કહે છે,

  • ગુપ્ત રાખો: પોતાનું છિદ્ર, મંત્રણા અને કાર્યકૌશલ બીજાથી ગુપ્ત રાખો.
  • ત્યજો: છિદ્રવાળી નૌકા, ઉપદેશ વિનાનો આચાર્ય, વેદમંત્રવિનાનો હૃત્વિજ, રક્ષા ન કરી શકનાર રાજા, કટુવાણીવાળી સ્ત્રી, ગામમાં રહેતો ભરવાડ અને જંગલમાં રહેતો વાળંદને હંમેશા ત્યજો.
  • આમ પરાક્રમી, રાજધર્મીઓને રાષ્ટ્રવાદી રાજા જ શાંતિ લાવી શકે - સમૃદ્ધિ લાવી શકે છે.

દાન

ભીષ્મપિતામહ યુધિષ્ઠિરને સમજાવે છે. દાન એ ત્યાગનું સોપાન છે.

  1. સૌથી મોટું દાન અભયદાન છે. જે અભયનો ભંડાર હોય તે જ અભય આપી શકે.
  2. બીજા દાનો - મનોદાન, વચનદાન, શરીરશ્રમદાન, બુદ્ધિદાન, જલદાન, અન્નદાન, વિદ્યાદાન, જ્ઞાનદાન અને સાધનાદાન છે.
  3. અનુકંપાદાન પણ ખૂબ મહત્વ ધરાવે છે.
    • દાનની પાર્શ્વભૂમિકામાં ત્યાગની પરમ મંગળ ભાવના પડેલી છે.
    • દાન કિર્તિના બદલાવાળું કે ભૌતિક હેતુ પામવા ન હોવું જોઈએ.
    • દાનથી ધર્મને, કર્તવ્યને, સદાચારને અને અન્યના દુ:ખ દૂર કરવામાં મદદ મળે છે.
    • એક ગણું દાન અને સહસ્ત્ર ગણું પુણ્ય દાતાને આપોઆપ મળે છે. 

લક્ષ્મી (સ્વામી સચ્ચિદાનંદ, દંતાલી) 

લક્ષ્મીની મહત્તા - જીવન મેળવવાનો મુખ્ય આધાર લક્ષ્મી છે.

  • વિકાસનું મૂળ સુખેચ્છા છે. સુખના વિરોધી વિકાસ વિનાના- દરિદ્ર અને છેલ્લે શોષિત બનતા હોય છે.
  • વધુ પડતાં સંતોષી, પ્રારબ્ધવાદી, અકમર્ણ્ય અને પૂર્વેના કર્મોની વાતો કરનાર દરિદ્રતા અને દુ:ખ લાવે છે.
  • સાદાઈ બેકારી અને દરિદ્રતા લાવે છે. વૈભવની ઈચ્છા રોજી અને સુખ લાવે છે. સાદાઈ વ્યવહારમાં ઠીક છે, જીવનમાં નહીં.
  • લક્ષ્મીના સાચા ઉપાસક અર્થોપાર્જન કરી હજારોના અન્નદાતા અને દાની બની શકે છે.  

પાપી મનુષ્યના લક્ષણો  (વેદ વ્યાસ)

  • કૃપણને દાન આપનાર                     
  • નિંદા કરનાર 
  • જૂઠું બોલીને પેટ ભરનાર                     
  • ગુરુનું અપમાન કરનાર 
  • માતા-પિતાને હડધૂત કરનાર                     
  • સ્વાર્થી 
  • ખોટાં તોલ-માપ કરનાર                     
  • ક્રોધથી ગામનો નાશ કરનાર 
  • બ્રાહ્મમણની હત્યા કરનાર

સમાજવિરુદ્ધ કામથી થતાં પાપ

  • અભક્ષ્ય આહાર લેવું                         
  • સ્વધર્મનો ત્યાગ કરવું 
  • શરણાગતનો તિરસ્કાર કરવો                     
  • માતા-પિતાનું ભરણપોષણ ન કરવું
  • યાચકોનો અનાદર કરવો                     
  • હિંસા કરવી 
  • અતિથિનો અનાદર કરવું 

પ્રાયશ્ચિત દ્વારા પાપ મુક્ત થવા પ્રાર્થના અને ભાવનાસહ ભક્તિ કરવી પડે છે.

સનાતન ધર્મ  (મુનિ દેવસ્થાન) 

સનાતન ધર્મના નવ અંગો:

  1. સર્વ પ્રાણીઓનો અદ્રોહ
  2. સત્યભાષણ
  3. આતિથ્ય સત્કાર
  4. દયા
  5. ચાપલ્ય
  6. લજ્જા
  7. મૃદુતા
  8. એક પત્ની વ્રત અને
  9. ઈંદ્રિયનિગ્રહ 

ચાર આશ્રમો અને તે વખતના કાર્યો

  1. બ્રહમચર્યાશ્રમ - સ્વાધ્યાય
  2. ગૃહસ્થાશ્રમ - ગૃહસ્થજીવન-યજ્ઞો
  3. વાન પ્રસ્થાશ્રમ - તપ
  4. સન્યાસ્તઆશ્રમ - જ્ઞાનયજ્ઞ   

સત્ય 

સત્ય સનાતન ધર્મ છે. સત્ય જ બ્રહમ છે. માટે સત્યનો સદૈવ આદર કરવો. સત્ય જીવની પરમગતિ છે. સત્યના તેર સ્વરૂપો છે. સત્ય, સમતા, દમ, મતસરનો અભાવ, લજ્જા, ક્ષમા, તિતિક્ષા, અન્યના દોષ ન જોવા, ત્યાગ, શુદ્ધ આચરણ, ધૈર્ય, દયા અને અહિંસા.
હકીકતમાં સત્ય એ ધર્મની પરાકાષ્ઠા છે. 

મોક્ષધર્મ

  • જેમ ફૂલથી સુગંધ અને સુખડ ઘસવાથી સુવાસ મળે છે, તેમ ઈષ્ટદેવનું અહર્નિશ ચિંતન કરવાથી આધ્યાત્મિક જાગૃતિ આવે છે. તો જ શ્રીહરિની કૃપાથી પ્રભુદર્શન શક્ય બને છે.
  • આપણામાં ભક્તિ હોય જ છે. કામ અને કાંચનનું આવરણ તેને ઢાંકે છે.
  • સત્કર્મ, ધ્યાન, જપ, પુજા, ઈશ્વરચિંતન, અને પ્રભુભક્તિથી પાપ કપાય છે.
  • ધર્મ એટલે બૌદ્ધિક વાદવિવાદ કે વિતંડાવાદ નહીં, ધર્મ એટલે નીતિશાસ્ત્ર મુજબ વર્તન-     ધર્માચરણ અને સંસ્કારીપણું-તેનાથી જ શાંતિ, પ્રગતિ અને ભાઈચારો મેળવી-છેલ્લે મોક્ષ મળે છે. 
 પાંચ મહાયજ્ઞ
  • બ્રહમયજ્ઞ - વેદનું અધ્યયન
  • પિતૃયજ્ઞ -  પિતૃ-તર્પણ અને શ્રાદ્ધ   
  • દેવયજ્ઞ - હોમહવન
  • ભૂતયજ્ઞ - બલીકર્મ
  • નૃયજ્ઞ  - માનવસેવા, અતિથિસેવા       

સર્વત્યાગીને જ મોક્ષ મળે છે એવી ગોરમાન્યતા છે.

  1. ત્યાગ: સુખનો ત્યાગ-ધન અને સ્ત્રીસંગ છોડવું
  2. મહાત્યાગ: સુખત્યાગ ઉપરાંત દુ:ખ સ્વીકૃતિ : અનિકેત- ઘર વગર વૃક્ષ નીચે રહેવું – આહાર-વિહાર કષ્ટદાયક રાખવા.
  3. અતિત્યાગ: મહાત્યાગ ઉપરાંત પ્રચુર દેહદમન-વસ્ત્ર ન પહેરવું, પાત્ર ન રાખવું, પગમાં કઈ ન પહેરવું, નામમાત્રનો આહાર, ઠંડી-તાપ-વરસાદ સહન કરવું. 

કળયુગ વિષે ભવિષ્યવાણી

વૃષ્ટિ નહિવત હશે- કૂવા, વાવ, તળાવના પાણીઓ, છોડ, વૃક્ષોની સંખ્યા ઘટશે, તૈયાર પાક તીડ ખાઈ જશે. ઋતુઓમાં અનિયમિતતા આવશે. દુષ્કાળ અવારનવાર પડશે. ગાય-ભેંસ ઓછું દૂધ આપશે. શ્વાન કરતાં ગાયો સસ્તી મળશે. વાસના, દંભ, ક્રોધ, લાલસા, મમત્વ જેવા દુર્ગુણો વધતાં જશે માનવમન સંકુચિત થશે. ભોગ-વિલાસમાં લોકો રચ્યાપચ્યા રહેશે. સદ્દ્ગુણોમાં ઓટ આવશે. અન્નના કોઠાર હશે ત્યાં ખાનાર નહીં હોય. અને ખાનાર હશે ત્યાં અન્નની અછત હશે. માનવ-માનવના સંહાર કરશે. ઘરે ઘરે કજિયો કંકાસ જોવા મળશે. ધનવાન-દાતાર નહીં બને. રાંધેલું અન્ન બજારમાં મળશે. ભિન્ન-ભિન્ન પ્રકારના યંત્રો, શસ્ત્રો અને વસ્ત્રો ઉત્તપન્ન થશે. 

ગુરુ, સ્વામી, મિત્ર અને ભક્તોનો દ્રોહ કરનારો વધશે. સ્ત્રી-પુરુષ વચ્ચે પ્રીતિ ઓછી થશે. પુરુષ પત્નીને વશ થઈ પુત્રવધૂ સાસુ-સાસરનો તિરસ્કાર કરશે. સ્ત્રી પતિને તુચ્છ ગણશે. સ્ત્રી પતિનું કહેલું માનશે નહીં. પતિવ્રતા ધર્મનું પાલન નહીં કરે. આડંબર ખાતર સ્ત્રી ઓછું બોલશે. સ્ત્રીઓ અંગો દેખાય તેવા વસ્ત્રો પરિધાન કરશે. ગણિકાઓ નીતિ નિયમ પાળશે અને કુળવાન સ્ત્રી વેશ્યા જેવુ વર્તન કરશે. ભાઈ પોતાના ભાઈને દુશ્મન ગણશે. માતા-પિતા અને સંતાનો વચ્ચે વેર બંધાશે. દેવાલયની મૂર્તિઓમાં દેવાયત નાશ પામશે. સાધુ-સન્યાસી ધનના લાલચુ અને ચારિત્રહીન બનશે વૈદ્ય-હકીમો દર્દીઓને ખોટી દવા આપશે. મલેચ્છ રાજકરતા બનશે. રાજા, પ્રધાન, વજીર, પ્રજા બધા ભેગા મળી ચોરી કરશે. મિથ્યા વાદવિવાદ-વિતંડાવાદ કરનારને લોકો વિદ્વાન માનશે. સાચા જ્ઞાનીને લોકો ગાળો ભાંડશે.

રાજધર્મ (રાજાએ ધ્યાનમાં રાખવાના લક્ષણો

ભીષ્મપિતામહ યુધિષ્ઠિરને બાણશૈયા પરથી કહે છે,

  1. શ્રદ્ધાપૂર્વક પરલોકની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો
  2. ક્રૂરતા વિના દ્રવ્યોપાર્જન કરવું
  3. ધર્મઅનુસાર ઈંદ્રિયનિગ્રહ કરવો
  4. દિનપણું તજવું
  5. શૂરવીર થવું, પણ અભિમાન કરવું નહીં
  6. સર્વ જીવપ્રાણીમાત્ર પર દયા રાખવી
  7. પોતાની તાકાતની મર્યાદા વિચારી સંધિ કરવી
  8. કુપાત્રે નહીં, પણ સુપાત્રે દાન કરવું
  9. સગાવહાલાં સાથે સંઘર્ષમાં ઊતરવું નહીં
  10. દુષ્ટ માણસની દુત તરીકે નિમણૂંક કરવી નહીં
  11. કાર્ય સિદ્ધ કરવા કોઈને દુ:ખ દેવું નહીં
  12. પોતાના વિચારો અપાત્ર મનુષ્યને જણાવવા નહીં
  13. આત્મશ્લાઘા (પોતાની પ્રશંસા) કરવી નહીં
  14. સાધુ-સંતો પાસે કરવેરા લેવા નહીં
  15. દુષ્ટ લોકોને મિત્ર બનાવવા નહીં
  16. પૂરી તપાસ કર્યા વિના શિક્ષા કરવી નહીં
  17. ગુપ્ત વાતો જાહેર કરવી નહીં
  18. લોભી જનોને દાન આપવું નહીં
  19. અપકાર કરનારનો વિશ્વાસ કરવો નહીં
  20.  ઈર્ષા આગ સમાન છે, ઈર્ષા કરવી નહીં
  21.  શુદ્ધતા (પવિત્રતા) જાળવવી
  22. અતિ વિષયભોગ (સ્ત્રીસેવન) ભોગવવા નહીં
  23. પથ્ય અને પોષક આહાર લેવું
  24. ગુરૂજનો અને વડીલોનું પૂજન કરવું
  25. ગુરુની પાસે ખાલી હાથે જવું નહીં. તેમની સેવા કરવી
  26. દેવતાઓની પુજા કરવી
  27. ન્યાયમાર્ગે જ ધન એકત્ર કરવું
  28. આસક્તિ વિના ધન વાપરવું
  29. દેશકાળને અનુસરી-સમયનો વિચાર કરી વ્યવહાર કરવો
  30. દરેક ને ધીરજ આપવી
  31. તિરસ્કારપૂર્વક નહીં-પ્રેમપૂર્વક ઉપકાર કરવો
  32. અન્યાયપૂર્વક કોઈને દંડ ન કરવો કે મારવું  નહીં 
  33. શત્રુને મારીને શોક કરવું નહીં
  34. વગર વિચાર્યે ક્રોધ કરવો નહીં
  35. અપરાધી ઉપર દયા રાખવી
  36. રાગદ્વેષ રહિત સર્વધર્મનું આચરણ કરવું અને સર્વધર્મ પ્રત્યે સમભાવ રાખવું

દરેક વ્યક્તિ સ્વયં રાજવી - રાજા! 

આપણે પોતે કુટુંબના, આપણાં પોતાના શરીરના અને તે ઉપરાંત બીજી ઘણી બધી રીતે રાજા છીએ. તેથી આ રાજાની સલાહો આપણને પણ એટલી જ અનુરૂપ યથાયોગ્ય અને જરૂરી છે. કઈંક વિચારીશું? 

  • પહેલી ભગવદગીતા માં અર્જુનનો વિષાદ દૂર કરવા અર્જુનને યુદ્ધની શરૂઆતમાં શ્રીકૃષ્ણે કહી છે અને તેમાં છેલ્લે અર્જુન પોતાનો ધર્મ સમજી “હું યુદ્ધ કરીશ” એમ વચન આપે છે. 
  • તેવી જ રીતે યુદ્ધના વિજય પછી યુધિષ્ઠિરને આપેલ વૈરાગ્ય અને સંસારત્યાગની ઈચ્છા છોડવા ભીષ્મપિતામહ જ્ઞાન આપે છે. પરિણામે યુધિષ્ઠિર રાજ્યાભિષેક માટે તૈયાર થાય છે. આ બીજી ભગવદગીતા છે. 
  • પણ, એ બંને સંભાષણો આપણને જીવન જીવવાની જડીબુટ્ટી આપે છે. હા, ખરેખર, દરેક પ્રશ્નનો ઉકેલ અને મનનું  સમાધાન આ બન્નેમં છે. ચાલો તો પછી આપણે સૌ માનવધર્મ-માણસાઈ-જીવનજીવવા આ પાઠોનું જીવનમાં આચરણ કરીએ.




"મહાભારત" શ્રેણીના બીજા લેખો
Other Related Articles
મહાભારત
ભગવદ્દ ગીતા
શાંતિપર્વ: બીજી ભગવદ્દ ગીતા
વિદુર નીતિનો ઉપદેશ
Hinduism
Bhagavad Gita - Short And Straight
Karmic Theory (Law Of Karma)
Karmic Theory - Practical Meditation

Post a Comment

2 Comments

  1. તંદુરસ્ત સમાજના નિર્માણ માટે સરસ માપદંડો આપ્યા છે અને મિત્રતા,સત્ય,દાન,વગેરેની સમજ આપી છે.આટલી મહેનતથી આ વાત મૂકવા માટે ધન્યવાદ..

    ReplyDelete
  2. Thank you very much for appreciation .

    ReplyDelete

Thank you for your comment!