ભગવદ્દ ગીતા

બધા કહે છે ભગવદ્દ ગીતાથી મારૂ જીવન ધન્ય બન્યું છે. મારા પ્રશ્નોનાં ઉત્તર મળે છે. અવારનવાર તે વાંચવાથી માનસિક શાંતિ-આનંદ અને શંકાનું સમાધાન થવા સાથે નવા નવા અર્થો મળે છે. તમારે ખાતરી કરવી હોય તો મહાભારતના 18 પર્વોમાંથી છઠ્ઠો ભીષ્મપર્વ શોધી તેમાંથી 26 થી 42 અધ્યાયો વાંચવા પડે. તેને ભગવદગીતા કહી છે. આમ 18 અધ્યાયમાં વહેંચાયેલા 700 ષ્લોક વાંચવા પડે. તમારા સહિત લગભગ મોટાભાગના હિન્દુઓ આવું કરતાં નથી, ત્યારે ભગવદગીતાનો સાર કહેવાનો અહીં ઉપક્રમ છે. જેનાથી આપસૌને ભગવદ્દ ગીતાના જ્ઞાનનો ભંડાર ટૂંકમાં મળી શકે. પછી વધુ ગૂંચવણો ન થાય એની મારી ખાત્રી છે.

મહાભારતમાં વર્ણવેલ કુરુક્ષેત્રમાં થયેલા કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધની શરૂઆતમાં જ અર્જુનને સામે પક્ષે પોતાના કાકા, દાદા, ગુરુજી, મામા, ભાઈ, પુત્રો, મિત્રો, અને બધા સગા જોઈને સ્વજનો પ્રત્યે મોહમાયા-વિષાદ થવાથી – કરુણા થવાથી- યુદ્ધ પ્રત્યે શોક અને વૈરાગ્ય થાય છે. યુદ્ધ છોડી જવા અર્જુન વિચારે છે ત્યારે તેના સારથિ કૃષ્ણ યુદ્ધની અનિવાર્યતા સમજાવવા જે વાત કરે છે તે ભગવદ્દગીતા. તેમાં જીવન જીવવા જડીબુટ્ટી પણ આવી જાય છે. (અર્જુન વીષાદયોગ-1) 

ભગવદ્દગીતામાં જીવનના પાયાના સિદ્ધાંતો બતાવ્યા છે. જેમ કે સંપૂર્ણ શરણાગતિ-સાક્ષીભાવ-સ્થિતપ્રજ્ઞજીવન-ઉપરાંત કર્મ યોગ-ભક્તિયોગ- અને જ્ઞાનયોગ વિષયક વિગતો આપી છે.
ચાલો ભગવદગીતા સમજીએ.

ભક્તિયોગ (XII અધ્યાય અને અધ્યાય VII જ્ઞાન વિજ્ઞાન યોગ)

હિન્દુ ધર્મમાં આધ્યાત્મિક માર્ગે કર્મ, જ્ઞાન અને ભક્તિથી આગળ વધાય છે. તેમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધાપૂર્વક કરાતી ભગવાનની પ્રાર્થનાની-ભક્તિની-ચર્ચા અને માહિતી ભગવદગીતામાં XII માં અધ્યાયમાં ‘ભક્તિયોગ’ તરીકે અને VII માં અધ્યાયમાં જ્ઞાનવિજ્ઞાન યોગમાં આપવામાં આવી છે. ભક્તના લક્ષણો, ભક્તના પ્રકારો અને ભક્તિની રીતે સમજવાથી ભક્તિ યોગની માહિતી સંપૂર્ણ થાય છે. 

ભક્તના લક્ષણો

ભક્ત પોતે કોઈને ઉદ્વેગ નથી આપતો અને કોઇથી ઉદ્વેગ નથી પામતો, ભક્ત હર્ષ, ભય, ઉદ્વેગ કે ઈર્ષ્યા (અમર્ષ) થી વેગળો છે-મુક્ત છે. આવો સ્થિરબુદ્ધિનો ભક્ત ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય છે. ભક્ત સાદાઈથી સંતુષ્ઠ, મનનશીલ અને નિંદા-સ્તુતિને સમાન ગણનાર હોય છે. 

ભક્તના પ્રકારો

  1. જિજ્ઞાસુ : ભગવાન અને ભક્તિ વિષયક જાણવાની અપેક્ષાવાળો ભક્ત
  2. જ્ઞાની : ભક્તિના વિષયનો જાણકાર, ભગવાનને નિર્દોષ ભાવે પ્રેમ કરનાર અને અપેક્ષા રહિત ભક્ત
  3. અર્થાર્થી : ભક્તિ દ્વારા આ કે આવતા જન્મે, લાભની અપેક્ષાવાળો ભક્ત
  4. આર્ત : ચિંતા, દુ:ખ, કે સમસ્યાના નિરાકરણ માટે ભગવાનની ભક્તિ કરનાર ભક્ત

ભક્તિની રીતો

  • શ્રાવણ :- સાંભળવું
  • કીર્તન :- મોટેથી ગાઈને - બોલીને - ભજવું.
  • સ્મરણ-મનન :- ભગવાનને યાદ કરવું અને તેનું ચિંતન કરવા સાથેની ભક્તિ
  • જપ :- માળાના મણકા સાથે કે વગર ભગવાનનું નામ બોલવું અને/અથવા લખવું.
  • વંદન :- ભગવાનને પગે લાગવું-પ્રણામ કરવું.
  • પાદસેવન :- ભગવાનની સેવા કરવું.
  • દાસ્ય :- ભગવાનના સેવક-નોકર-બની કામ કરતાં ભક્તિ કરવું.
  • સખ્ય :- ભગવાનને મિત્ર બનાવી ભક્તિ કરવું.
  • શાસ્ત્રોનું પઠન :- ભગવાનના ધાર્મિક પુસ્તકોનું વાંચન
  • આત્મનિવેદન :- સ્વને ભૂલીને ભગવાનની શરણાગતિ સાથેની ભક્તિ

આવી વિવિધ રીતોથી ભક્તિ થઈ શકે છે. તે ભક્તિયોગમાં શીખવા મળે છે.

જ્ઞાનયોગ (બીજો અધ્યાય) સ્વયંની અનુભૂતિ કરાવતો બુદ્ધિમાર્ગ 

જ્ઞાન-વિજ્ઞાન-બુદ્ધિ અને સ્વયંની અનુભૂતિ કરવાનો આધ્યાત્મિક માર્ગ તે જ્ઞાનયોગ. “હું કોણ છું” કે “હું શું છું” તે જાણવાને ખાતર યોગ્ય ગુરુ દ્વારા બુદ્ધિપૂર્વકનો અભ્યાસ જે “આત્મા” નું માર્ગદર્શન આપે છે, તે જ્ઞાનયોગ. 

જાણકારી, અનુભૂતિ, સમજણ સાથેનું જ્ઞાન કે જે વિગત, વસ્તુ અને આવડત શિખવે છે તે રસ્તો તે જ્ઞાનયોગ. સ્વયંસ્ફુરણા, અનુભૂતિ અને બુદ્ધિપૂર્વકની (Self consciousness, awareness and intellectual understanding) સમજણ જ્ઞાનયોગમાં મળે છે. 

જ્ઞાનયોગ ધ્યાન (Meditation) અને જ્ઞાન (Knowledge) શીખવે છે.

  1. વિવેક : બુદ્ધિપૂર્વક સમજણથી કાયમી (eternal) અને અનિત્ય-બદલાતું-(changing)નો તફાવત સમજવું.
  2. વિરાગ : કર્મફળ, વસ્તુઓ, અને અમૃત - કઈપણનો ત્યાગ – નિસ્પૃહા - તે વિરાગ.
  3. મોક્ષ : અજ્ઞાન થી જ્ઞાન તરફ વળી મોક્ષ મેળવવું.
  • શ્રવણ : સાંભળવું
  • મનન : વિચારવું-સ્વાધ્યાય કરવું અને
  • ધ્યાન : MEDITATION યોગ્ય બેઠક લઈ ધ્યાન કરવું.

આમ ગુરુની મદદથી, શ્રવણ, મનન અને ધ્યાન દ્વારા મોક્ષ પ્રાપ્તિની શોધ કરવું તે જ્ઞાનયોગ.

કર્મયોગ (અધ્યાય - III) 

નિષ્કામ કર્મયોગ : (Selfless action for worship) કર્મફળ અને આશક્તિને છોડીને ભગવાનની આજ્ઞા પ્રમાણે કેવળ ભગવદ અર્થે સમત્વ બુદ્ધિથી કર્મ કરવું તે.

કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે. ખરેખર તો પ્રકૃતિજન્ય ગુણો વડે પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે. (III-5) 

કૃષ્ણ- મારે ત્રણેય લોકમાં ન તો કશું કર્તવ્ય છે. કે ન કશીય પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ્ત છે છતાય હું કર્મમાં જ વર્તુ છું. સઘળા કર્મો, સ્વપ્રકારે, પ્રકૃતિના ગુનો વડે જ કરવામાં આવે છે, છતાં અહંકારી-અજ્ઞાની-“હું કર્તા છું” એમ માને છે. (III-27)

શરીરના પ્રત્યેક અવયવ અને પ્રકૃતિ (નદી-સૂર્ય-વાદળ-ફૂલ-વૃક્ષ)ચારે તરફ નિષ્કામ કર્મ કરતાં જ રહે છે.

  • કર્મ તો કરવું જ, પણ કર્તાપણાનો ભાવ અને ફળની આશક્તિ છોડી દેવું.
  • પૂર્ણ પુરુષાર્થ કરો અને નિશ્ચિંત થાઓ. નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન જ એક સિદ્ધિ છે.
  1. કર્મ : સ્વધર્મ-સમાજે અને શાસ્ત્રોએ મંજૂર કરેલ કામો
  2. વિકર્મ : શાસ્ત્ર નિષિદ્ધ ક્રિયા, અંતરાત્મા ના પડે છતાં કરાતું કામ ચોરી, ખૂન, બળાત્કાર, હિંસા, અસત્ય, લોભ કે સંગ્રહ વિગેરે વિ = વિકૃત-વિકારવાળું-વિરુદ્ધ કામ
  3. અકર્મ : કાંઈપણ ન કરવું તે (lnaction) - નિષ્ક્રિયતા - શારીરિક શ્રમનો અભાવ

મોક્ષ - સન્યાસયોગ

  • નિત્યકર્મ : દૈનિક ક્રિયાઓ – ખાવું, ઊંઘવું, મળત્યાગ, શ્વાસ લેવું, સ્નાન, દેવસેવા, પૂજાપાઠ
  • નિમિત્તકર્મ : કારણને લીધે+માટે કરાતું કામ - અકસ્માત થનાર વ્યક્તિને હોસ્પિટલ લઈ જવું
  • કામ્યકર્મ : કોઈ સિદ્ધિ કે ફળ પ્રાપ્તિ માટે કામ-સંકટ કે રોગ નિવારણ અર્થે, + પુત્ર પ્રાપ્તિ, વરસાદ લાવવું માટે
  • કર્તવ્યકર્મ : ફરજ રૂપે કરવાનું થતું કામ – વિદ્યાર્થી તરીકે અભ્યાસ, વૃદ્ધ માતાપિતાની સેવા- ઈશ્વરભક્તિ, આશ્રમધર્મ, વર્ણધર્મનું કામ (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર)

અન્નના પ્રકાર

  • ભક્ષ્ય : ચાવીને ખાવું પડે - દા.ત. રોટલી
  • ભોજય : ગળવું પડે - દા.ત. પ્રવાહી-દૂધ-પાણી
  • લોહય : ચાટવું પડે - દા.ત. ચટણી
  • ચોષ્ય : ચૂસવું પડે - દા.ત. શેરડી (15:15)

અપવિત્ર ભોજન : ન ખાવાના ભોજનના પદાર્થો

  • હિંસામય : માંસ-માછલી-ઈંડા
  • માદક : દારૂ, ભાંગ, તમાકુ
  • અપવિત્ર વસ્તુ : સ્થાન કે વ્યક્તિના સંયોગવાળું
  • અન્યાય અને અધર્મથી ઉપાર્જિત અસતધન વડે મેળવેલ. (17:10)

કરવા યોગ્ય કર્મ : દૈવી સંપદા (સોળમો અધ્યાય) 

  • મન, વાણી અને શરીરથી કષ્ટ ન આપવું
  • ક્રોધ ન કરવો
  • કર્મોમાં કર્તાપણાનો અભાવ રાખવું
  • ચિત્તમાં સરળતા હોવી-ચંચળતા નહીં
  • નિંદા ન કરવી
  • વિષયો પ્રત્યે આશક્તિ ન હોવી 
  • વ્યર્થ ચેષ્ટા ન કરવું
  • મૃદુ સ્વભાવ રાખવો
  • શાસ્ત્ર વિરુદ્ધ કર્મથી લજ્જા થવી
  • ખરાબ કામ પ્રત્યે શરમ રાખવી
  • તેજ-ક્ષમા-ધીરજ અને બાહ્ય શુદ્ધિ રાખવી
  • પૂજ્યતાનું અભિમાન ન હોવું
  • નિરાભિમાની - પવિત્ર અને દાની બનવું
  • ચાડી ન ખાનાર બનવું
  • કોઈ પ્રત્યે શત્રુતા ન હોવી
ઉપર મુજબનું શાસ્ત્રોક્ત વિધિથી નિયત કરવા યોગ્ય કામ જ કરવું- તો જ સ્વર્ગ જવાશે.  

આસુરી સંપદા (ન કરવાના કામો)

  • દંભ 
  • ઢોંગીપણું 
  • સૌનો અપકાર કરવું
  • ઘમંડ 
  • મિથ્યાદ્રષ્ટિ 
  • ભ્રષ્ટ આચરણ
  • અભિમાન 
  • મંદબુદ્ધિ 
  • અન્યાયથી ધન કમાવવું
  • ક્રોધ 
  • ક્રૂરકર્મી 
  • લોભી થવું
  • કઠોરતા 
  • પાપાચારી
  • અજ્ઞાન 
  • દ્વેષકરનાર

ન કરવાના કામો - આસુરી ગુણો - નરકના દ્વાર ગણાય છે. 

ગુણાત્રય યોગ (ત્રિગુણ વિભાગ યોગ)

  • સત્વગુણ : તેજ પ્રગટાવનાર, વિકાર વિનાનો, સુખ અને જ્ઞાનના અભિમાનને જીવાત્માને બાંધે છે. ચેતનતા અને વિવેકશક્તિ વધે છે અને સત્વગુણથી મૃત્યુ પછી સ્વર્ગે જવાય છે.
  • રજોગુણ : લાલસા અને આશક્તિમાંથી ઉદ્દભવે છે. આ ગુણ ધરાવનાર લોભી, સ્વાર્થી, અશાંતિ, અને વિષય લોલુપ હોય છે. મૃત્યુ પછી મનુષ્યલોકમાં ફરીથી માનવદેહ મળે છે.
  • તમોગુણ : અજ્ઞાન, પ્રમાદ, આળસ અને નિંદ્રા વડે આ ગુણ ઉપજે છે. વ્યક્તિ નિસ્તેજ અને ચેતનતાનો અભાવ ધરાવે છે. કર્તવ્યકામો ન કરનાર, આળસુ અને વધારે ઊંઘ લેનાર પ્રમાદી બને છે.મૃત્યુ પછી અધોગતિ પામે છે અને જંતુ કે પશુ જેવી મૂઢયોનિ પામે છે. 

શ્રદ્ધાત્રય વિભાગ

ત્રણ જાતના મનુષ્યો જગતમાં હોય છે. સાત્વિક, રાજસી અને તામસી. તે ત્રણેનું વર્તન સ્વભાવ પ્રમાણે અલગ-અલગ હોય છે. 

  1. પુજા : 
    • સાત્વિક મનુષ્ય દેવોને પૂજે છે. રાજસી યક્ષ અને રાક્ષસોને પૂજે છે. 
    • જ્યારે તામસી ભૂતપ્રેતગણને પૂજે છે.
  2. ખોરાક :
    • સાત્વિક ભોજન : આયુષ્ય, ઉત્સાહ, બળ, આરોગ્ય-સુખ, પ્રીતિ વધારનારા, સ્નિગ્ધ- ચિકાશવાળા અને મધુર રસવાળા, શરીરને મજબૂત કરી સ્થિર કરનારા અને હ્રદયને પ્રિય હોય છે. 
    • રાજસી મનુષ્ય : કડવા, તીખા, ખાટા, અતીગરમ લૂખા, દાહ કરનારા ભોજન લે છે. તેનાથી દુ:ખ-શોક અને રોગ ઉત્પન થાય છે. 
    • તામસી લોકો : વાસી, એંઠું, ઠંડુ, રસ વગરનું, ગંધાતું, અપવિત્ર ભોજન કરે છે. 
  3. યજ્ઞ : 
    • સાત્વિક : શાસ્ત્રવિધિ મુજબ-સ્થિર મને-ફળની અપેક્ષા વગરનો યજ્ઞ 
    • રાજસી : દંભ પૂર્વક-ફળની અપેક્ષાથી કરાતો યજ્ઞ
    • તામસી : શાસ્ત્રવિધિ વિરુદ્ધ અન્નદાન વિના, મંત્ર રહિત અને દક્ષિણા રહિત શ્રદ્ધાભાવ વગરનો યજ્ઞ 
  4. દાન : 
    • સાત્વિક : કર્તવ્યપરાયણતાથી, યોગ્ય સ્થળે અને સમયે, બદલાની આશા વગરનું દાન
    • રાજસી : ફળ પ્રાપ્તિમાટે, કચવાતા મને, દાન લેનાર ઉપર ઉપકાર કરવા માટે, રોગ નીવારણ માટે, માન, પ્રતિષ્ઠા અને સ્વર્ગ પ્રાપ્તિમાટેનું દાન
    • તામસી : અયોગ્ય સ્થાન અને સમયે, અપાત્રને, અવજ્ઞાપૂર્વક અપમાન કરીને આપેલું દાન
  5. ત્રિવિધિ તપ :
    • સાત્વિક : ફળની અપેક્ષા વિના, પરમાત્માપરાયણ માણસ દ્વારા શારીરિક, માનસિક અને વાણીનું તપ
    • રાજસી : દંભથી, સત્કાર-માન અને પૂજાની અપેક્ષા સાથેનું તપ
    • તામસી : અજ્ઞાનપૂર્વક, હઠથી થતું, મન, વાણી અને શરીરને પીડા આપનારું બીજાને અનિષ્ઠ કરવા થતું તપ 

સ્થિતપ્રજ્ઞ (બીજો અધ્યાય : 55 થી 59 ષ્લોક) (Man of Steady Wisdom)

  • વ્યક્તિ પોતે જ સ્વભાવે સંતુષ્ઠ અને પોતાની રીતે જ આનંદમાં હોય - તે પોતાને છોડી બીજામાં સુખ ન શોધતો હોય – તે સ્થિતપ્રજ્ઞ = સ્થિરમતિ.
  • કામના વાસના ત્યાગીને તેને ઈશ્વર તરફ વાળનાર છે.
  • સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ સ્થિરમતિ બને છે તેથી તેને સુખ-દુ:ખનો સ્વસ્થતાથી સ્વીકાર બને છે. રાગ-વિરાગથી પર રહે છે અને તેથી ભય અને ક્રોધથી આપમેળે જ મુકત થાય છે.
  • વિષયો પ્રત્યેનો આશક્તિ સ્થિત પ્રજ્ઞે ત્યજેલી જ હોય છે અને તેથી તેને પોતાના ચિતને નિર્વિકાર કરનાર બનાવ્યું હોય છે.
  • આમ, સ્થિત પ્રજ્ઞને પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી તેને સંસાર પ્રત્યે લેશમાત્ર આશક્તિ રહેતી નથી. (59)
  • તેણે કાચબાની જેમ ઈન્દ્રિયોને વિષયમાંથી સંપૂર્ણપણે સર્વ પ્રકારે ખેંચી લીધી હોય છે. (58)
  • જેને સ્થિરતાનું જ્ઞાન મળ્યું હોય તે, આનંદ કે શોક મુકત છે. તેણે એનું ક્યાય સ્થળ કે વસ્તુનું વળગણ નથી. તેથી તે આનંદ કે શોકથી મુકત છે. (57)
  • સ્થિતપ્રજ્ઞને દુ:ખોની પ્રાપ્તિ થતાં મનમાં ઉદ્વેગ નથી થતો તેવી જ રીતે, સુખો મળતા પણ સંપૂર્ણપણે તેનાથી નિસ્પૃહ રહે છે, કારણ સ્થિતપ્રજ્ઞના રાગ, ભય અને ક્રોધ નાશ પામ્યા હોય છે. (56)

ખરેખર સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ (મુનિ, જ્ઞાની, યોગી કે ભક્ત) મનમાં રહેલી સર્વ કામનાઓ ત્યજીને છેલ્લે આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે. (55) 

સંપૂર્ણ શરણાગતિ (બીજો અધ્યાય-47 ષ્લોક)

ભગવદગીતાનો આ સૌથી મહાન ઉપદેશ છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: “મારા શરણમાં આવ બધી જ જવાબદારી હું વહન કરીશ.” જીવનના અનુભવોમાં નિષ્ફળતા-નિરાશા-હતાશા ઘણી વખત આપણને ઘેરી વળે છે. ત્યારે રસ્તો દેખાતો નથી - ઉપાય મળતો નથી આવા સમયે “સંપૂર્ણ શરણાગતિ” (Total surrender) એકમાત્ર ઉપાય છે.

  • પરમાત્મામાં સ્થિર થઈ જાવ.
  • એ સમજો કે ફક્ત કર્મ કરવાની જ આપણી ફરજ છે, પરંતુ તેના ફળોનો બિલકુલ અધિકાર જ નથી.
  • ભગવાન જે ફળ આપે તેનો સાચો સ્વીકાર (Acceptance) કરવાથી શાંતિ મળે છે.
  • આમ ભગવાનને શરણે ગયા પછીથી કાર્યના પરિણામનું આપણને કોઈ મહત્વ જ રહેતું નથી.

સાક્ષીભાવ (Awareness of being an Observer)

કોઈપણ કાર્યના અને તેના પરિણામના ફક્ત પ્રેક્ષક (Observer) હોવાની લાગણીને સાક્ષીભાવ કહે છે. આપણે ફક્ત કાર્યકરનાર અને સર્વ કઈને દૂરથી જોનાર છીએ એવી મન:સ્થિતિ કેળવવાની છે. દેહભાવ છોડીને, માત્ર આત્મસ્વરૂપ હોવાની દ્રઢ અનુભૂતિ સાથે માણસ તમામ પ્રવૃત્તિ - બધા કર્મ - તટસ્થ રીતે - કેવળ ફરજના ભાગરૂપે - ફળની અપેક્ષા છોડીને કરે અને જે કઈ બને છે તેમાં હું-આત્મા - કશે સંડોવાયો નથી. અને સર્વ કઈ ફક્ત પ્રકૃતિનો ખેલ હોવાની લાગણી અનુભવે તે સાક્ષીભાવ.  

ગીતાસાર

ભગવદગીતાના સાતસો ષ્લોક અને અઢાર અધ્યાયમાંથી આપણે આ શીખ્યા:

  1. ત્રણ યોગ : જ્ઞાન-ભક્તિ અને કર્મ એમ ત્રણ યોગ છે. જ્ઞાનયોગ, ભક્તિયોગ, અને કર્મયોગ. આ ત્રણ હકીકતમાં જુદીજુદી રીતની સાધના પદ્ધતિ છે. જેને જે ગમે તે અને જે ફાવેતે પદ્ધતિથી લોકોત્તર કક્ષા પ્રાપ્ત કરવાનું ગીતા સમજાવે છે. ખરેખર તો જ્ઞાન વગરના ભક્તની, ભક્તિ રહિત જ્ઞાનની કે જ્ઞાની અને ભક્ત ન હોય તેવા કર્મયોગની હયાતી સ્વીકારવા ગીતા તૈયાર નથી. એટલે કે જ્ઞાન-ભક્તિ અને કર્મ બધાનો એકસાથે એકસામટો ઉપયોગ જ થાય તે હિતાવહ છે.
  2. જીવનમાં ઉદ્દ્ભવતા પ્રશ્નોનું નિરાકરણ સંપૂર્ણ શરણાગતિ, સાક્ષીભાવ અને સ્થિતપ્રજ્ઞ સ્વભાવ કેળવવાથી અચૂક થઈ શકે છે. એટલે ચાલો, આ ત્રણે લક્ષણો સમજીએ અને જીવનમાં ઉતારીએ.
  3. સંભવામી યુગે યુગે : ચોથા અધ્યાયના સાતમા અને આઠમાં ષ્લોકમાં શ્રીક્રુષ્ણ ધર્મની સ્થાપના માટે અને સાધુપુરુષની રક્ષા માટે ફરી-ફરીને અનેકવાર હાજર થવાનું વચન આપે છે. (IV- 7-8)
  4. કરીષ્યે વચન તવ (18 : 73) અર્જુન શ્રીકૃષ્ણની આ ભગવદગીતા સાંભળીને કહે છે- હું તમારા ઉપદેશ પ્રમાણે જ વર્તીશ આ મારૂ આપણે વચન છે.


"મહાભારત" શ્રેણીના બીજા લેખો
Other Related Articles
મહાભારત
ભગવદ્દ ગીતા
શાંતિપર્વ: બીજી ભગવદ્દ ગીતા
વિદુર નીતિનો ઉપદેશ
Hinduism
Bhagavad Gita - Short And Straight
Karmic Theory (Law Of Karma)
Karmic Theory - Practical Meditation

Post a Comment

2 Comments

Thank you for your comment!