વર્તમાન સમયમાં લોકોને ઉજવણી કરવાનો ખાસ શોખ જાગ્યો છે એટલે નાનામાં નાના કારણોમાં પણ ભભકાદાર - ખર્ચાળ અને મોટા મેળાવડા જેવી પ્રસંગોની ઉજવણી કરતા હોય છે. લગ્ન - જન્મદિવસ - ઉપનયન સંસ્કાર - શ્રીમંત વિધિ - ઘરનું વાસ્તુ - લગ્નના કે પોતાના ૨૫-૫૦ કે ૭૫ વર્ષ - નોકરીમાં પ્રમોશન - પરદેશગમન - પરીક્ષામાં સફળતાથી માંડીને મરણ પછીની ભોજન જેવા કારણોસર પ્રસંગો બનાવાતા હોય છે.
પ્રસંગોમાં આમંત્રણનો જ વિષય હોવાથી ઉજવણીમાં
સાદાઈ - ઓછા વ્યક્તિને જોડવા કે સમૂહઆયોજન દ્વારા ખર્ચની બચત વિષયની ચર્ચા દરેકના વિવેકાધિન માની છોડીએ
છીએ.
અહીં આપણે આમંત્રણ આપવાની રીતની વિવિધતા જેવી કે
રૂબરૂ - ફોનથી - વોટ્સએપના સંદેશાથી કે પોસ્ટ/કુરિયર દ્વારા મોકલાતા આમંત્રણની અસર
વિશે એટલું કહી શકાય કે હવેથી રૂબરૂ આમંત્રણની અનિવાર્યતા રહી નથી. કોઈપણ રીતે
આમંત્રણ આમંત્રિતને પહોંચવા સાથે કમસેકમ ફોન દ્વારા આમંત્રણ મળે એવી અપેક્ષા વધારે
પડતી ન કહેવાય ખરુંને?
મારી અંગત વાત એટલા માટે કરું છું કારણ કે આપણે
પ્રસંગના આમંત્રણની અપેક્ષા કોની પાસે રાખી શકીએ તે વિચારવાનું છે. આપણને કોણ
આમંત્રણ ન આપે તો ખોટું લગાડવાનું નથી તે વિશે મનોમંથન કરવાનું છે. આમંત્રણ ન
આપીને સંબંધી કે મિત્રને અપમાનિત કરવાનો ઈરાદો કેટલે અંશે યોગ્ય છે. પ્રસંગની
સફળતા આમંત્રિતોની હાજરીથી છે- એ તો હકીકત છે. તો આમંત્રણમાં વિવેક- માનમર્યાદા-
સન્માન જળવાય એ ખાસ જરૂરી છે. આમંત્રણ આપવામાં કે ન આપવામાં કોઈ મહાનતા નથી-
આમંત્રણ વ્યવસ્થિત રીતે, કાળજીપૂર્વક રીતભાત વર્તનની તકેદારી સાથે અપાય તે મહત્વનું
છે.
મારી દીકરીના લગ્નમાં સાતસો (૭૦૦) કંકોત્રી
વહેંચી હતી. સગાંસંબંધી- જાનપક્ષ-
મિત્રમંડળ ઉપરાંત રહેઠાણની સોસાયટીના વ્યક્તિઓ- મેડિકલ એસો.- આંખના ડોક્ટર મિત્રો-
લાયન્સ ક્લબ સંસ્થાઓ- દવાવાળાઓ- ચશ્માની દુકાનવાળાઓ- બીજા બધા સંપર્કને આમંત્રિત
કર્યા હતા. હવે એ બધા પાસે તેમને ત્યાં પ્રસંગમાં આમંત્રણની અપેક્ષા રાખી શકાય કે
નહીં? આપણે જેમને અંગત સ્વજન-સ્નેહી ગણતા હોય તેવાને આમંત્રી સંબંધ હોવાની સાબિતી
આપ્યા પછી- તેઓ ન બોલાવે ત્યારે ખોટું લગાડવું કે નહીં?
આમંત્રણમાં એક વ્યક્તિ - બે વ્યક્તિ કે સપરિવાર
લખેલ હોય ત્યારે? એક વ્યક્તિ કે બે વ્યક્તિ વાળું આમંત્રણ આપણા સંબંધ દૂરનો
હોવાનું કે બિનમહત્ત્વનો હોવાનું દર્શાવે છે. તેમાં ગેરહાજર રહી શકાય - એવા
આમંત્રણ ન આપીએ તે વધારે યોગ્ય રહેશે - બધા ખાસ-નિકટના-અંગત સગા સંબંધીઓ -
મિત્રોને જ બોલાવો - બાકીનાને મોકૂફ કરો તે વધારે સારું.
આમ આમંત્રણ મળી ગયા પછી વિચારવાનું એ રહે છે કે જવું કે નહીં? આપણે જો આમંત્રણ ન મળે ત્યારે ખોટું લગાડતા હોઈએ તો મળે ત્યારે આમંત્રણને માન આપી અવશ્ય જવું જોઈએ. સંબંધની ઘનિષ્ટતા - તેમના દ્વારા ભૂતકાળમાં આપણી સાથે વર્તન - આ બધું વિચારીને પ્રસંગોમાં હાજરી આપવી જોઈએ.
પ્રસંગો ઘણા બધા વ્યક્તિઓને સમૂહમાં મળવાનો -
આનંદ કરવાનો અને સંબંધને મજબૂત કરવાની તકો છે. તો અંગત લાગતા સ્નેહી/મિત્રોને
ત્યાં હાજર રહેવાની કોશિશ કરવી જ જોઈએ. બાકી જો- બીજા અનિવાર્ય રોકાણો - માંદગી -
પ્રવાસો જેવાં કારણોસર ગેરહાજર રહેવાના હો તો - આમંત્રણ આપનારને પહેલાંથી જણાવી
માફી માંગી શુભેચ્છા પાઠવવી જ જોઈએ.
આમ - આપણે આમંત્રણની રીત - સંખ્યા અને તેનો
પ્રત્યુત્તર સમજ્યા પછી - પોતાની રીતે મનોમંથન કરીએ અને પ્રસંગો માણીએ.
ડો. ભરતચંદ્ર
દેસાઈ, બિલીમોરા.
૬-૦૩-૨૦૨૬




